સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે નિંદાખોરથી અસર પામ્યા છો?

શું તમે નિંદાખોરથી અસર પામ્યા છો?

શું તમે નિંદાખોરથી અસર પામ્યા છો?

“નિંદાખોર કદી પણ બીજાઓમાં સદ્‍ગુણ જોતા નથી, પણ તેઓ બીજાઓમાં દુર્ગુણ જ શોધતા રહે છે. તેઓ ઘુવડ જેવા છે, જેને કેવળ અંધારામાં જ દેખાય છે, પણ પ્રકાશમાં આંધળું હોય છે. અને ઘુવડ નાના નાના જીવડાં જ જોઈ શકે છે તેમ, નિંદાખોરોને બીજાઓમાં નાની નાની ભૂલો જ દેખાયા કરે છે.” આ રીતે ઓગણીસમી સદીના એક અમેરિકન પાદરી, હેન્રી વાર્ડ બીચરે વર્ણન કર્યું. ઘણાને લાગી શકે કે એ વર્ણન આજના નિંદા કરનારને સારી રીતે ચિત્રિત કરે છે. પરંતુ નિંદાખોર (cynic) માટેનો મૂળ શબ્દ પ્રાચીન ગ્રીસમાંથી આવ્યો છે, જે કેવળ આવું વલણ દર્શાવનાર માટે જ નથી. સદીઓથી, સિનિક શબ્દ ફિલસૂફોના એક વર્ગને લાગુ પડતો હતો.

સિનિક એટલે કે નિંદાખોરની ફિલસૂફી કઈ રીતે વિકાસ પામી? તેઓએ શું શીખવ્યું છે? શા માટે ખ્રિસ્તીઓએ તેઓના વિચારોથી દૂર રહેવું જોઈએ?

અગાઉના નિંદાખોર—શરૂઆત અને માન્યતા

પ્રાચીન ગ્રીસ ગરમાગરમ ચર્ચાઓ અને દલીલબાજી કરવામાં પહેલા નંબરે હતું. સદીઓથી માંડીને આપણા યુગ સુધી, સોક્રેટીસ, પ્લેટો અને એરિસ્ટોટલ જેવી વ્યક્તિઓએ પોતાની ફિલસૂફી આગળ વધારી, જેને કારણે તેઓ પ્રખ્યાત બન્યા. તેઓના શિક્ષણની લોકો પર ઊંડી અસર પડી અને એ આજે પણ પશ્ચિમી સંસ્કૃતિમાં જોવા મળે છે.

સોક્રેટીસે (૪૭૦-૩૯૯ બી.સી.ઈ.) દલીલ કરી કે, કાયમી સુખ ધનદોલત કે મોજમઝાથી મળતું નથી. તેણે જણાવ્યું કે સાચું સુખ તો સદાચારી જીવન જીવવાથી મળે છે. સોક્રેટીસ સદાચારને જ સર્વસ્વ ગણતો હતો. એ મેળવવા, તેણે એશઆરામ અને ધનદોલતનો નકાર કર્યો કારણ કે તેને લાગ્યું કે એ તેને ઊંધા રસ્તે લઈ જશે. તે સાધુ જેવું સાદું અને કરકસરિયું જીવન જીવ્યો.

સોક્રેટીસે આગળ વધારેલું શિક્ષણ સોક્રેટીસ પદ્ધતિ તરીકે ઓળખાવા લાગ્યું. મોટા ભાગના વિદ્વાનો પોતાનો વિચાર રજૂ કરીને એને ટેકો આપતી દલીલો કરતા ત્યારે, સોક્રેટીસ એનાથી ઊંધું જ કરતો. તે બીજા ફિલસૂફોનું સાંભળતો અને એમાં ભૂલો શોધી ખુલ્લી પાડતો. એનાથી બીજાઓની ટીકા અને અપમાન કરવાને પ્રેરણા મળી.

સોક્રેટીસના અનુયાયીઓમાં એન્ટીસનેશ (લગભગ ૪૪૫-૩૬૫ બી.સી.ઈ.) નામે એક ફિલસૂફ હતો. તે અને બીજા અનેક સોક્રેટીસના શિક્ષણને અપનાવીને એક પગલું આગળ ગયા. તેઓ સદાચારને જ સર્વસ્વ ગણવા લાગ્યા. તેઓ મુજબ એશઆરામી જીવન ઊંધા માર્ગે દોરનાર જ નહિ, પણ એક ભૂંડી બાબત હતી. સમાજથી અલગ રહીને, તેઓ સાથી માનવીઓનો ધિક્કાર કરનારા બન્યા. તેઓ સિનિક્સ તરીકે ઓળખાવા લાગ્યા. સિનિક નામ ગ્રીક શબ્દ (કીનીકોસ)માંથી આવ્યું હોય શકે, જે તેઓના ગમગીન અને ઉદ્ધત વર્તનને દર્શાવે છે. જેનો અર્થ થાય છે “કૂતરા જેવા.” *

તેઓનું જીવન

ધનદોલત અને મોજમઝાનો આનંદ માણવાનો તેઓનો વિરોધ પ્રશંસાપાત્ર ગણાયો હોય શકે, પણ સિનિક્સ લોકો એની હદ પાર કરી ગયા. એ એક જાણીતા સિનિક—ફિલસૂફ ડાયોજીન્સના જીવનમાં જોવા મળે છે.

ડાયોજીન્સનો જન્મ ૪૧૨ બી.સી.ઈ.માં કાળા સમુદ્ર પાસેના એક શહેર સિનોપમાં થયો હતો. તે પોતાના પિતા સાથે એથેન્સમાં રહેવા ગયો, જ્યાં તેણે સિનિક્સનું શિક્ષણ લીધું. ડાયોજીન્સ એન્ટીસનેશ પાસેથી શીખીને સિનિક ફિલસૂફીમાં પંડિત બની ગયો. સોક્રેટીસે સાદા જીવનને ઉત્તેજન આપ્યું અને એન્ટીસનેશે સદાચારને આગળ ધપાવ્યું. પરંતુ, ડાયોજીન્સ તો તેઓથી પણ ચડિયાતો નીકળ્યો, તેણે સંન્યાસી જીવનને પ્રોત્સાહન આપ્યું. ડાયોજીન્સે સંન્યાસી જીવન અપનાવ્યું હતું, અને એશઆરામ, મોજમઝા છોડી દીધા હતા. એ પર ભાર મૂકવા માટે, કહેવામાં આવે છે કે થોડા સમય માટે તે ટબમાં રહેતો હતો!

એમ કહેવામાં આવે છે કે, સદાચારની શોધમાં ડાયોજીન્સે એથેન્સમાં ધોળા દિવસે દીવો સળગાવીને સદ્‍ગુણી વ્યક્તિની શોધ આદરી! એનાથી લોકોનું ધ્યાન ખેંચાયું, અને ડાયોજીન્સ તથા બીજા સિનિક્સના શિક્ષણને પ્રોત્સાહન મળ્યું. એવો અહેવાલ મળી આવે છે કે એક વખત મહાન સિકંદરે ડાયોજીન્સને પૂછ્યું કે, તે શું મેળવવા માંગે છે. ડાયોજીન્સે સિકંદરને ફક્ત એટલી જ અરજ કરી કે ભાઈ તું થોડોક આઘો ખસ, જેથી હું મારી શોધ ચાલુ રાખી શકું!

ડાયોજીન્સ અને અન્ય સિનિક્સ ભિખારીની જેમ રહેતા હતા. તેઓ પાસે સામાન્ય જીવન જીવવા સમય ન હતો, અને તેઓ નાગરિક તરીકેની ફરજો પાળવાની ઘસીને ના પાડતા હતા. શક્ય છે કે, સોક્રેટીસની દલીલો કરવાની રીતથી અસર પામીને, તેઓ બીજાઓનું મન ફાવે તેમ અપમાન કરતા હતા. એક ઘા ને બે કકડા થઈ જાય એવા મહેણાં મારવા માટે ડાયોજીન્સ જાણીતો બન્યો. સિનિક્સ લોકોની શાખ “કૂતરા જેવી” હતી, પણ ડાયોજીન્સનું બીજું નામ જ કૂતરો પડી ગયું. તે લગભગ ૯૦ વર્ષનો હતો ત્યારે, ૩૨૦ બી.સી.ઈ.માં મૃત્યુ પામ્યો. તેની કબર પર આરસના પથ્થરનો કૂતરો બનાવીને યાદગીરી તરીકે મૂકવામાં આવ્યો.

સિનિક ફિલસૂફીના કેટલાંક પાસાઓ બીજા વિચારોમાં ભળી ગયા. છતાં, સમય જતાં ડાયોજીન્સ અને તેના સાથીઓના તરંગી વિચારોએ સિનિકોને બદનામ કર્યા. છેવટે, એ સર્વનું નામનિશાન રહ્યું નહિ.

આજના નિંદાખોર—શું તમારે એવા બનવું જોઈએ?

ધી ઓક્સફર્ડ ઇંગ્લીશ ડિક્શનરી આજના સિનિકનું આ રીતે વર્ણન કરે છે: “ઉદ્ધત કે નિંદાખોર. . . . જે બીજાની વાણી અને વર્તનમાં પ્રમાણિકતા કે ભલમનસાઈ ન જુએ પણ શંકા ઊઠાવે, અને ચીડાઈને કે મહેણાં મારીને કહેવાની તેની આદત હોય; બસ ચીડ અને નિંદા સિવાય બીજું કંઈ જ નહિ.” એ આજના જગતમાં એકદમ સામાન્ય છે, પરંતુ એ એક ખ્રિસ્તીને શોભે એવું નથી. ચાલો એ વિષે બાઇબલનાં શિક્ષણો અને સિદ્ધાંતોનો વિચાર કરીએ.

“યહોવાહ દયાળુ તથા કરુણાળુ છે, તે કોપ કરવામાં ધીમો તથા કૃપા કરવામાં મોટો છે. તે સદા ધમકી આપ્યા કરશે નહિ; વળી તે સર્વકાળ કોપ રાખશે નહિ.” (આ લેખમાં શાસ્ત્રવચનોના અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (ગીતશાસ્ત્ર ૧૦૩:૮, ૯) ખ્રિસ્તીઓને “દેવનું અનુકરણ કરનારાં” થવાનું જણાવવામાં આવ્યું છે. (એફેસી ૫:૧) સર્વશક્તિમાન પરમેશ્વર “ઉદ્ધત કે નિંદાખોર” બનવાને બદલે, દયા અને પ્રેમાળ-કૃપા બતાવે છે, તો આપણે પણ જરૂર એમ જ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

યહોવાહ પરમેશ્વરને નિકટથી અનુસરનાર, ઈસુ ખ્રિસ્તે ‘તેમને પગલે ચાલવા માટે આપણને નમૂનો આપ્યો છે.’ (૧ પીતર ૨:૨૧; હેબ્રી ૧:૩) એ સાચું છે કે ઈસુએ ધાર્મિક જૂઠાણાં ખુલ્લાં પાડ્યાં અને જગતના ભૂંડાં કામો વિરુદ્ધ બોલી ઊઠ્યા. (યોહાન ૭:૭) છતાં, તેમણે પ્રમાણિક લોકોની પ્રશંસા કરી. દાખલા તરીકે, તેમણે નાથાનાએલ વિષે કહ્યું: “જુઓ, આ ખરેખરો ઈસ્રાએલી છે, એનામાં કંઈ પણ કપટ નથી!” (યોહાન ૧:૪૭) ઈસુએ ચમત્કાર કર્યા ત્યારે, તેમણે સાજા થયેલાના વિશ્વાસ પર ભાર મૂક્યો. (માત્થી ૯:૨૨) એક વખત, કેટલાકે વિચાર્યું કે એક સ્ત્રીએ કદર કરીને આપેલી ભેટ વધારે પડતી હતી ત્યારે, ઈસુએ તેની ટીકા ન કરી, પણ કહ્યું: “આખા જગતમાં જ્યાં કહીં આ સુવાર્તા પ્રસિદ્ધ કરાશે ત્યાં એણે જે કર્યું છે તે પણ એની યાદગીરીને અર્થે કહેવામાં આવશે.” (માત્થી ૨૬:૬-૧૩) ઈસુ પોતાના અનુયાયીઓના વિશ્વાસુ મિત્ર અને પ્રેમાળ સાથી હતા, અને તેમણે “તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો.”—યોહાન ૧૩:૧.

ઈસુ સંપૂર્ણ હોવાથી, તે અપૂર્ણ માણસોમાં સહેલાઈથી ભૂલ શોધી શક્યા હોત. છતાં, લોકો પર અવિશ્વાસ કરીને ભૂલો શોધવાને બદલે, તેમણે લોકોને તાજગી આપી.—માત્થી ૧૧:૨૯, ૩૦.

“[ પ્રેમ] સઘળું ખરૂં માને છે.” (૧ કોરીંથી ૧૩:૭) આ વચન નિંદાખોરોના વલણથી એકદમ અલગ છે, જેઓ બીજાઓની વાણી અને વર્તનમાં સદ્‍ગુણ નહિ, પણ દુર્ગુણ શોધે છે. ખરું છે કે, જગતમાં કંઈ બધા જ સારા લોકો હોતા નથી; એથી સાવચેત બનવાની જરૂર છે. (નીતિવચન ૧૪:૧૫) છતાં, પ્રેમ ખરું માનવા તૈયાર છે કારણ કે એ બીજાઓમાં વિશ્વાસ મૂકે છે, શંકા કરતો નથી.

યહોવાહ પરમેશ્વર પોતાના ભક્તોને ચાહે છે અને તેઓમાં ભરોસો મૂકે છે. તે તેઓની મર્યાદાઓને સારી રીતે જાણે છે. છતાં, યહોવાહ પોતાના લોકોને શંકાથી જોતા નથી અને તેઓ કરી શકે એ કરતાં વધારેની અપેક્ષા રાખતા નથી. (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૩, ૧૪) વધુમાં, દેવ માનવીઓમાં સારું જુએ છે. ભલેને તેઓ અપૂર્ણ હોય, છતાં તે વિશ્વાસ મૂકીને તેઓને લહાવા અને અધિકાર આપે છે.—૧ રાજા ૧૪:૧૩; ગીતશાસ્ત્ર ૮૨:૬.

“હું યહોવાહ મનમાં શું છે તે શોધી કાઢું છું, હું અંતઃકરણને પારખું છું, કે હું દરેકને તેનાં આચરણ તથા તેની કરણીઓ પ્રમાણે બદલો આપું.” (યિર્મેયાહ ૧૭:૧૦) પરમેશ્વર યહોવાહ વ્યક્તિનું હૃદય ચોક્સાઈથી વાંચી શકે છે. આપણે એમ કરી શકતા નથી. એથી, આપણે ખોટા વહેમમાં પડી, કોઈ વિષે ખોટું ન વિચારીએ માટે સાવધ રહેવાની જરૂર છે.

આપણે નિંદાખોરની જેમ વર્તીશું તો, આપણી અને સાથી વિશ્વાસીઓની વચ્ચે ભાગલા પડી શકે છે. એ ખ્રિસ્તી મંડળની શાંતિ છીનવી લઈ શકે. તેથી, ચાલો આપણે ઈસુ જેવું વલણ રાખીએ જે પોતાના શિષ્યોના સદ્‍ગુણો શોધતા હતા અને ઉત્તેજન આપતા હતા. આમ, તે તેઓના વિશ્વાસુ મિત્ર બન્યા.—યોહાન ૧૫:૧૧-૧૫.

“જેમ તમે ચાહો છો કે માણસો તમારા પ્રત્યે વર્તે તેમજ તમે પણ તેઓ પ્રત્યે વર્તો.” (લુક ૬:૩૧) આપણે ઘણી રીતે ઈસુ ખ્રિસ્તની આ સલાહને લાગુ કરી શકીએ. દાખલા તરીકે, આપણી સાથે સર્વ પ્રેમ અને આદરથી વર્તે એવું આપણે ઇચ્છીએ છીએ. શું એ વાજબી નથી કે, આપણે પણ સર્વ સાથે પ્રેમ અને આદરથી વર્તીએ? ઈસુએ ધાર્મિક નેતાઓનાં જૂઠાં શિક્ષણને ખુલ્લું પાડ્યું ત્યારે પણ તેમણે નિંદા કરી નહિ.—માત્થી ૨૩:૧૩-૩૬.

નિંદાખોરીનો સામનો કરવો

આપણે નિરાશ હોઈએ તો, સહેલાઈથી કોઈની પણ નિંદા કરી શકીએ છીએ. યહોવાહ પોતાના અપૂર્ણ લોકો પર વિશ્વાસ મૂકીને વ્યવહાર કરે છે એની કદર કરીને આપણે નિંદા કરવાથી દૂર રહી શકીએ. એનાથી દેવના અપૂર્ણ સેવકો પોતાનાથી બનતું જે કંઈ કરી શકે છે એની કદર કરવા આપણને મદદ મળશે.

દુઃખદ અનુભવો કેટલાકને બીજા પર ભરોસો મૂકતા અટકાવે છે. એ સાચું છે કે, આપણે અપૂર્ણ માનવીઓ પર પૂરેપૂરો ભરોસો મૂકતા નથી. (ગીતશાસ્ત્ર ૧૪૬:૩, ૪) છતાં, ખ્રિસ્તી મંડળમાં ઘણા ખરેખર એકબીજાને ઉત્તેજન આપવા માંગે છે. પોતાનું કુટુંબ ગુમાવનાર, હજારો ભાઈબહેનો વિષે વિચારી શકે જેઓ મા, બાપ, ભાઈ-બહેનો, અને બાળકો જેવા છે. (માર્ક ૧૦:૩૦) મુશ્કેલીના સમયમાં સાચા મિત્રો સાબિત થયા હોય, તેઓનો વિચાર કરો. *નીતિવચન ૧૮:૨૪.

ઈસુના શિષ્યો તરીકે કોણ ઓળખાય છે? નિંદાખોરો તો નહિ, પણ ભાઈ જેવો પ્રેમ બતાવનારા, કેમ કે ઈસુએ કહ્યું: “જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહાન ૧૩:૩૫) તેથી, ચાલો આપણે ભાઈ-બહેનો પર પ્રેમ રાખીએ અને તેઓના સદ્‍ગુણો જોઈએ. એ રીતે, આપણે નિંદાખોરીથી દૂર રહીશું.

[ફુટનોટ્‌સ]

^ બીજી એક શક્યતા મુજબ સિનિક નામ કીનોસારીસ પરથી આવ્યું છે. એ એથેન્સની વ્યાયામશાળા હતી જેમાં એન્ટીસનેશે શિક્ષણ લીધું હતું.

^ મે ૧૫, ૧૯૯૯ના ચોકીબુરજનો “ખ્રિસ્તી મંડળ—દિલાસાનું ઉદ્‍ભવ” વિષયવાળો લેખ જુઓ.

[પાન ૨૧ પર ચિત્ર]

ખૂબ જ પ્રખ્યાત સિનિક, ડાયોજીન્સ

[ક્રેડીટ લાઈન]

From the book Great Men and Famous Women