અહંકાર ફજેતી લાવે છે
અહંકાર ફજેતી લાવે છે
“અહંકાર આવે છે, ત્યારે ફજેતી પણ આવે છે; પણ નમ્ર જનો પાસે જ્ઞાન હોય છે.”—નીતિવચન ૧૧:૨.
૧, ૨. અહંકાર એટલે શું, અને કઈ રીતે એ આફત લાવ્યો છે?
એક ઈર્ષાળુ લેવી બળવાખોર લોકોને ભેગા કરીને યહોવાહ પરમેશ્વરના નીમેલા સેવકની સામો થાય છે. એક સત્તાનો પ્રેમી રાજકુમાર પોતાના પિતાના રાજને ઉથલાવી નાખવા કપટ રચે છે. એક અધીરો રાજા ઈશ્વરભક્તની સલાહ માનતો નથી. આ ત્રણેય ઈસ્રાએલીઓમાં એક વલણ સામાન્ય છે, જે છે અહંકાર.
૨ અહંકાર હૃદયનો એવો ગુણ છે, જે સર્વને માટે જોખમી છે. (ગીતશાસ્ત્ર ૧૯:૧૩) અહંકારી વ્યક્તિ મન ફાવે તેમ કરવા માટે, પોતાને જેનો અધિકાર નથી એ કરે છે. મોટા ભાગે આવું વલણ આફત જ લાવે છે. અહંકારે રાજાઓ અને મોટા મોટા સામ્રાજ્યોને હતા ન હતા કરી નાખ્યા છે. (યિર્મેયાહ ૫૦:૨૯, ૩૧, ૩૨; દાનીયેલ ૫:૨૦) અરે, યહોવાહના કેટલાક સેવકો પણ અહંકારની જાળમાં ફસાયા છે, અને પોતાને માથે આફત વહોરી લીધી છે.
૩. આપણે અહંકારના જોખમ વિષે કઈ રીતે શીખી શકીએ?
૩ તેથી, બાઇબલ જણાવે છે: “અહંકાર આવે છે, ત્યારે ફજેતી પણ આવે છે; પણ નમ્ર જનો પાસે જ્ઞાન હોય છે.” (નીતિવચન ૧૧:૨) આ સાબિત કરતા કેટલાંક ઉદાહરણો બાઇબલમાં આપવામાં આવ્યાં છે. એમાંના અમુકની ચર્ચા કરવાથી એ જોઈ શકીશું કે, યોગ્ય મર્યાદા તોડવાનું શું પરિણામ આવે છે. ચાલો આપણે જોઈએ કે કઈ રીતે ઈર્ષા, સત્તાની લાલસા, અને અધીરાઈએ અગાઉ જણાવેલી ત્રણેય વ્યક્તિને અહંકારી બનાવ્યા, જેનાથી તેઓની ફજેતી થઈ.
ઈર્ષાળુ કોરાહ
૪. (ક) કોરાહ કોણ હતો અને તેણે કયા બનાવોમાં ભાગ લીધો હતો? (ખ) વર્ષો પછી, કોરાહે શું કરવામાં આગેવાની લીધી?
૪ કોરાહ એક કહાથી લેવી હતો, અને મુસા તથા હારુનનો પિતરાઈ ભાઈ હતો. તે વર્ષોથી યહોવાહ પરમેશ્વરને વફાદાર હતો. લાલ સમુદ્રમાંના ચમત્કારથી બચી જનારામાંનો એક કોરાહ પણ હતો. તેમ જ, સિનાય પર્વત પાસે વાછરડાની પૂજા કરનારા ઈસ્રાએલીઓનો નાશ કરવામાં મોટે ભાગે તેણે પણ ભાગ લીધો હોય શકે. (નિર્ગમન ૩૨:૨૬) છતાં, કોરાહ સમય જતાં મુસા અને હારુનની વિરુદ્ધ થયો. તે તેઓના વિરોધી દાથાન, અબીરામ, ઓન અને ૨૫૦ ઈસ્રાએલી સરદારોનો આગેવાન બન્યો. * તેઓએ મુસા અને હારુનને કહ્યું કે, “આખી જમાતમાંના સર્વ પવિત્ર છે, ને યહોવાહ તેઓની મધ્યે છે, તે જોતાં તમે વિશેષ સત્તા ધારણ કરો છો: તો તમે યહોવાહની મંડળી પર પોતાને મોટા કેમ મનાવો છો?”—ગણના ૧૬:૧-૩.
૫, ૬. (ક) કોરાહ શા માટે મુસા અને હારુનની વિરુદ્ધ થયો? (ખ) શા માટે કહી શકાય કે કોરાહે પોતાને મળેલા લહાવાની કદર કરી નહિ?
૫ વર્ષો સુધી વફાદાર રહ્યા પછી, કોરાહે શા માટે વિરોધ કર્યો? મુસા કંઈ ઈસ્રાએલ પર જુલમ કરતા ન હતા, કેમ કે તે તો ‘પૃથ્વીની પીઠ પરના સર્વ લોક કરતાં નમ્ર હતા.’ (ગણના ૧૨:૩) પરંતુ, કોરાહ ઇર્ષાળુ હતો, તેનાથી મુસા અને હારુનને મળતા લહાવાઓ જોઈ શકાતા ન હતા. તેથી, તે એવા ખોટા નિર્ણય પર આવ્યો કે મુસા અને હારુન પોતે લોકો પર સત્તા જમાવી બેઠા છે.—ગીતશાસ્ત્ર ૧૦૬:૧૬.
૬ કોરાહની સમસ્યા એ પણ હતી કે યહોવાહ પરમેશ્વરે તેને આપેલા લહાવાની તેણે કદર કરી નહિ. ખરું કે કહાથી લેવીઓ યાજક ન હતા. પરંતુ, તેઓને તો યહોવાહનું શિક્ષણ આપવાનો લહાવો હતો. વળી, તેઓ મંડપની વસ્તુઓ અને પાત્રો પણ લાવતા-લઈ જતા હતા. એ કંઈ જેવું તેવું કામ ન હતું, કેમ કે એ પવિત્ર પાત્રો ફક્ત તેઓ જ ઊંચકી શકતા, જેઓ ધાર્મિક અને નૈતિક રીતે શુદ્ધ હોય. (યશાયાહ ૫૨:૧૧) તેથી, મુસાએ કોરાહને પૂછ્યું કે, શું તને તારું કામ નાનું-સૂનું લાગે છે કે, તારે યાજકપદ પણ જોઈએ છે? (ગણના ૧૬:૯, ૧૦) કોરાહ એ સમજ્યો નહિ કે પરમેશ્વર યહોવાહની ભક્તિ વફાદારીથી કરવી, એ જ મોટો લહાવો છે, નહિ કે કોઈ ખાસ પદવી કે સત્તા ધરાવવી.—ગીતશાસ્ત્ર ૮૪:૧૦.
૭. (ક) કોરાહ અને તેના સાથીઓને મુસાએ શું કરવા જણાવ્યું? (ખ) કોરાહના અહંકારને કારણે શું બન્યું?
૭ કોરાહ અને તેના સાથીઓને મુસાએ કહ્યું કે, બીજા દિવસે સવારે તેઓ મુલાકાતમંડપ આગળ ધૂપપાત્ર અને ધૂપ લઈને આવે. જો કે કોરાહ અને તેના સાથીઓ યાજકો ન હતા, એટલે તેઓ ધૂપ ચઢાવી શકતા ન હતા. આમ, તેઓ પાસે આખી રાત હતી, જેમાં તેઓ એ વિષે વિચારી શકે. એ પછી પણ, તેઓ સવારે ધૂપપાત્ર અને ધૂપ લઈને આવે તો, એ બતાવશે કે તેઓ પોતાને યાજક જેવા જ ગણવા માંગતા હતા. તેથી, બીજે દિવસે સવારે તેઓ આવી પહોંચે છે ત્યારે, યહોવાહનો કોપ તેઓ પર ઊતરી આવે છે એમાં કંઈ નવાઈ નથી. રેઉબેનના વંશજોને “પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને . . . ગળી ગઈ.” કોરાહ અને તેના બાકીના સાથીઓને યહોવાહ પાસેથી ધસી આવેલા અગ્નિએ ભસ્મ કર્યા. (પુનર્નિયમ ૧૧:૬; ગણના ૧૬:૧૬-૩૫; ૨૬:૧૦) કોરાહનો અહંકાર તેની ફજેતી તરફ દોરી ગયો, અને તેણે પરમેશ્વર યહોવાહની કૃપા ગુમાવી!
ઈર્ષાળુ વલણ સામે લડો
૮. કઈ રીતે આપણામાં પણ ઈર્ષાળુ વલણ આવી શકે?
૮ કોરાહનો દાખલો આપણને ચેતવણી આપે છે. આપણે અપૂર્ણ છીએ, અને ઈર્ષાળુ વલણ ધરાવીએ છીએ. તેથી, આપણા મંડળમાં પણ એ વલણ આવી શકે છે. (યાકૂબ ૪:૫, NW) દાખલા તરીકે, આપણા મનમાં એ વધારે મહત્ત્વનું હોય કે, કોણ કઈ પદવી ધરાવે છે. કોરાહની જેમ, આપણે જે પદવી મેળવવા ચાહતા હોઈએ, એના પર જે હોય તેની આપણે ઈર્ષા કરતા હોય શકીએ. આપણે પહેલી સદીના દિયત્રેફેસ નામના એક ખ્રિસ્તી જેવા બની શકીએ છીએ. તે દરેક રીતે પ્રેષિતોનો વાંક શોધતો, કારણ કે તેને એ અધિકાર જોઈતો હતો. તેથી, યોહાને દિયત્રેફસ વિષે લખ્યું કે, તે “મુખ્ય થવા ચાહે છે.”—૩ યોહાન ૯.
૯. (ક) મંડળની જવાબદારી પ્રત્યે આપણે કેવું વલણ ન રાખવું જોઈએ? (ખ) પરમેશ્વરની નજરમાં આપણું યોગ્ય સ્થાન ક્યાં છે?
૯ જો કે ભાઈઓ મંડળની જવાબદારી સંભાળવા મહેનત કરે એમાં કંઈ ખોટું નથી. પાઊલે પોતે એમ કરવાનું ઉત્તેજન આપ્યું હતું. (૧ તીમોથી ૩:૧) છતાં, આપણે એ લહાવાને એક પ્રમોશન તરીકે જોવો ન જોઈએ. એ વિષે ઈસુએ કહ્યું: “તમારામાં જે કોઈ મોટો થવા ચાહે, તે તમારો સેવક થાય; અને જે કોઈ તમારામાં મુખ્ય થવા ચાહે, તે તમારો દાસ થાય.” (માત્થી ૨૦:૨૬, ૨૭) તેમ જ, જેઓ જવાબદારી સંભાળે છે તેઓની ઈર્ષા કરવી પણ ખોટું છે. નહિ તો એનો અર્થ એવો થશે કે જાણે યહોવાહ પરમેશ્વર “હોદ્દો” જોઈને આપણને ચાહે છે! ના, એવું નથી, પણ ઈસુએ કહ્યું કે, “તમે સઘળા ભાઈઓ છો.” (માત્થી ૨૩:૮) ભલેને આપણે પ્રકાશક કે પાયોનિયર હોઈએ, હમણાં જ બાપ્તિસ્મા પામ્યા હોઈએ કે પછી લાંબા સમયથી વફાદાર રહ્યા હોઈએ. છતાં, પૂરા હૃદયથી યહોવાહની ભક્તિ કરનાર બધા જ તેમની નજરમાં કિંમતી છે. (લુક ૧૦:૨૭; ૧૨:૬, ૭; ગલાતી ૩:૨૮; હેબ્રી ૬:૧૦) આપણને ૧ પીતર ૫:૫ કહે છે: “એકબીજાની સેવા કરવાને સારૂ નમ્રતા પહેરી લો.” એ સલાહ લાગુ પાડનારા લાખો લોકો સાથે એકતામાં કામ કરવું કેવો મોટો આશીર્વાદ છે!
સત્તાનો પ્રેમી આબ્શાલોમ
૧૦. આબ્શાલોમ કોણ હતો, અને રાજા પાસે ન્યાય માંગવા આવતા લોકોને જીતી લેવા તેણે શું કર્યું?
૧૦ દાઊદ રાજાના ત્રીજા પુત્ર, આબ્શાલોમનું જીવન સત્તાના પ્રેમ વિષે પાઠ શીખવે છે. કપટી આબ્શાલોમ જે લોકો રાજા પાસે ન્યાય માંગવા આવતા, તેઓની કૃપા મેળવવા મીઠું મીઠું બોલતો. પહેલા તો તેણે લોકોના મનમાં એમ ઠસાવ્યું કે, દાઊદને તેઓની કંઈ પડી નથી. પછી તે પોતાના મૂળ ઇરાદા પર આવી ગયો. તેણે અહંકારથી કહ્યું કે, “આ દેશમાં મને ન્યાયાધીશ ઠરાવવામાં આવે, અને દાવા કે તકરારવાળો દરેક માણસ મારી પાસે આવે, ને હું તેનો ફેંસલો કરૂં તો કેવું સારૂં!” આબ્શાલોમના કપટની કોઈ સીમા ન હતી. બાઇબલ જણાવે છે કે “કોઈ માણસ તેને નમસ્કાર કરવા સારૂ પાસે આવતો, ત્યારે તે હાથ લાંબા કરીને તેને ભેટીને તેને ચુંબન કરતો. ઈસ્રાએલના જે માણસો રાજા પાસે ન્યાય માગવા આવતા, તે સર્વની સાથે આબ્શાલોમ એ પ્રમાણે વર્તતો.” એનું પરિણામ શું આવ્યું? “આબ્શાલોમે ઈસ્રાએલના માણસોનાં હૃદય હરી લીધાં.”—૨ શમૂએલ ૧૫:૧-૬.
૧૧. કઈ રીતે આબ્શાલોમે દાઊદનું રાજ્ય પડાવી લેવાનો પ્રયત્ન કર્યો?
૧૧ આબ્શાલોમે પોતાના પિતાનું રાજ્ય પડાવી લેવાનો નિર્ણય કર્યો હતો. પાંચ વર્ષ પહેલાં, તેણે દાઊદના મોટા પુત્ર, આમ્મોનનું ખૂન કરાવ્યું હતું. એનું કારણ એ હતું કે, આમ્નોને આબ્શાલોમની બહેન તામાર પર બળાત્કાર કર્યો હતો. (૨ શમૂએલ ૧૩:૨૮, ૨૯) છતાં, એ સમયે પણ આબ્શાલોમની નજર રાજગાદી પર ન હોય, તેની કોને ખબર છે? આમ્મોનનું ખૂન કરવાથી, આબ્શાલોમના માર્ગમાંથી એક કાંટો તો દૂર થયો. * યોગ્ય સમય આવતા જ આબ્શાલોમે પગલાં ભર્યાં. તેણે આખા દેશમાં પોતાને રાજા તરીકે જાહેર કરાવ્યો.—૨ શમૂએલ ૧૫:૧૦.
૧૨. કઈ રીતે આબ્શાલોમનો અહંકાર તેની ફજેતી લાવ્યો?
૧૨ આબ્શાલોમની ચાલ થોડા સમય માટે સફળ થઈ, અને “બંડ ભારે થયું; કેમકે આબ્શાલોમના પક્ષમાં લોકો જાથુ વધતા જતા હતા.” સમય જતાં, દાઊદ રાજાએ જીવ બચાવવા નાસી છૂટવું પડ્યું. (૨ શમૂએલ ૧૫:૧૨-૧૭) જો કે ટૂંક સમયમાં જ આબ્શાલોમનો અંત આવ્યો, જ્યારે યોઆબે તેને વીંધી નાખ્યો, અને ખાડામાં નાખીને તેની ઉપર પથ્થરનો મોટો ઢગલો કર્યો. જરા વિચારો કે, રાજા બનવાના સપનાં જોતા આ સત્તાના પ્રેમીને સરખી રીતે દાટવામાં પણ આવ્યો નહિ! * ખરેખર, અહંકારે આબ્શાલોમની ફજેતી કરી.—૨ શમૂએલ ૧૮:૯-૧૭.
સ્વાર્થી ન બનો!
૧૩. કઈ રીતે આપણામાં પણ અહંકારી અને સ્વાર્થી વલણ આવી શકે છે?
૧૩ આબ્શાલોમે સત્તા મેળવી અને જે રીતે એનો અંત આવ્યો, એ આપણને મહત્ત્વનો પાઠ શીખવે છે. આજના સ્વાર્થી જગતમાં, લોકો પોતાની છાપ પાડવા કે પ્રમોશન મેળવવા પોતાના બોસને મશ્કા મારીને ખુશામત કરે, એ સામાન્ય છે. તેમ જ, એવા લોકો પોતાના હાથ નીચે કામ કરનારા આગળ બડાઈ મારીને પ્રભાવ પાડવા માંગતા હોય છે. આપણે સાવચેત ન રહીએ તો, આપણે પણ એવું અહંકારી અને સ્વાર્થી વલણ બતાવી શકીએ. પહેલી સદીના અમુક ભાઈઓમાં પણ એમ બન્યું હતું. તેથી, પ્રેષિતોએ એવા લોકો વિરુદ્ધ કડક ચેતવણી આપવી પડી હતી.—ગલાતી ૪:૧૭; ૩ યોહાન ૯, ૧૦.
૧૪. શા માટે આપણે અહંકાર અને બડાઈનું વલણ ટાળવું જોઈએ?
૧૪ ‘પોતાની પ્રતિષ્ઠા શોધનાર’ અહંકારી લોકો યહોવાહ પરમેશ્વરને જરાય ગમતા નથી. (નીતિવચન ૨૫:૨૭) એ માટે બાઇબલ ચેતવણી આપે છે: “યહોવાહ સર્વ ખુશામત કરનારા હોઠોનો તથા વડાઈ કરનારી જીભોનો નાશ કરશે.” (ગીતશાસ્ત્ર ૧૨:૩) આબ્શાલોમને મીઠું મીઠું બોલતા આવડતું હતું. તે મશ્કા મારીને લોકોના દિલ જીતી લઈ, કપટથી સત્તા મેળવવા ચાહતો હતો. એને બદલે, આપણે એવા ભાઈ-બહેનો સાથે હોવાથી કેટલા ખુશ છીએ, જેઓ પાઊલની સલાહ માને છે: “પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી કંઈ ન કરો, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા.”—ફિલિપી ૨:૩.
અધીરો રાજા શાઊલ
૧૫. એક સમયે શાઊલમાં કેવી નમ્રતા હતી?
૧૫ ઈસ્રાએલનો રાજા બનનાર શાઊલ એક સમયે બહુ જ નમ્ર હતો. દાખલા તરીકે, તેની યુવાનીમાં જે બન્યું એનો વિચાર કરો. પરમેશ્વરના નીમેલા સેવક શમૂએલે તેના પર આશા બાંધી ત્યારે, શાઊલે નમ્રતાથી જવાબ આપ્યો: “શું હું ઈસ્રાએલનાં કુળોમાં સૌથી નાના એટલે બિન્યામીનના કુળનો નથી? વળી મારૂં કુટુંબ બિન્યામીન કુળનાં કુટુંબોમાં સૌથી નાનું નથી? તો તું મારી સાથે આવી વાત કેમ કરે છે?”—૧ શમૂએલ ૯:૨૧.
૧૬. શાઊલે કઈ રીતે અધીરાઈ બતાવી?
૧૬ પરંતુ, સમય જતાં શાઊલ બદલાઈ ગયો, તે અહંકારી બન્યો. પલિસ્તીઓ સાથે યુદ્ધ ચાલતું હતું એ વખતે, તેણે ગિલ્ગાલમાં પીછેહઠ કરી. તેને ત્યાં શમૂએલની રાહ જોવાની હતી, જેથી તે આવીને યહોવાહ પરમેશ્વરને અર્પણો ચઢાવીને મદદ માંગે. હવે એમ બન્યું કે, શમૂએલ ઠરાવેલે સમયે ન આવ્યા, એટલે શાઊલે અધીરા બનીને પોતે જ અર્પણો ચઢાવ્યાં. તે એમ કરી રહ્યો કે શમૂએલ ત્યાં આવી પહોંચ્યા. શમૂએલે તેને પૂછ્યું કે “તેં શું કર્યું છે?” શાઊલે જવાબ આપ્યો: “મેં જોયું કે લોકો મારી પાસેથી વિખેરાઈ ગયા છે, વળી ઠરાવેલી મુદતની અંદર તું આવ્યો નહિ . . . તેથી મારૂં મન દુખાવીને મેં દહનીયાર્પણ ચઢાવ્યું.”—૧ શમૂએલ ૧૩:૮-૧૨.
૧૭. (ક) શા માટે શાઊલે જે કર્યું એ વાજબી લાગી શકે? (ખ) યહોવાહ પરમેશ્વરે શાઊલને કેમ દોષિત ઠરાવ્યો?
૧૭ આપણને શાઊલે જે કર્યું એ વાજબી લાગી શકે. યહોવાહના લોકો “સંકટમાં” હતા, દુઃખી હતા અને પોતાની હાલતને કારણે ગભરાતા હતા. (૧ શમૂએલ ૧૩:૬, ૭) શું એવા સંજોગોમાં પહેલ કરવામાં કંઈ ખોટું છે? * પરંતુ, ભૂલશો નહિ કે યહોવાહ આપણા દિલમાં જે છે એ જાણી શકે છે. (૧ શમૂએલ ૧૬:૭) તેથી, તેમણે શાઊલમાં જરૂર એવું કંઈક જોયું હશે, જે વિષે બાઇબલ સ્પષ્ટ જણાવતું નથી. દાખલા તરીકે, યહોવાહ પરમેશ્વરે જોયું હોય શકે કે, અહંકારને કારણે શાઊલ અધીરો બન્યો હતો. વળી, શાઊલને ખૂબ જ ચીડ ચડી હોય શકે કે, પોતે ઈસ્રાએલનો રાજા થઈને, એક ઘરડા અને સમય ન સાચવનાર પ્રબોધકની રાહ જોવી પડે છે! ભલે ગમે એ હોય, પણ શાઊલને લાગ્યું કે શમૂએલે મોડું કર્યું, એ તેમનો વાંક હતો. હવે પોતે કંઈક કરવું જોઈએ, ભલેને પછી એ યહોવાહની આજ્ઞા પાળતો ન હોય. એનું પરિણામ શું આવ્યું? શમૂએલે કંઈ શાઊલના વખાણ કર્યા નહિ. એને બદલે તેમણે શાઊલને ઠપકો આપ્યો: “તારૂં રાજ્ય કાયમ રહેશે નહિ . . . કેમકે યહોવાહે તને જે આજ્ઞા આપી તે તેં પાળી નથી.” (૧ શમૂએલ ૧૩:૧૩, ૧૪) હા, અહંકાર ફજેતી જ લાવે છે.
અધીરા ન બનો
૧૮, ૧૯. (ક) કઈ રીતે અધીરાઈ આપણને અહંકારી બનાવી શકે? (ખ) મંડળની ગોઠવણ વિષે કઈ વાત યાદ રાખવી જોઈએ?
૧૮ શાઊલની અધીરાઈનો અહેવાલ બાઇબલમાં લખવામાં આવ્યો છે, જેથી આપણને લાભ થાય. (૧ કોરીંથી ૧૦:૧૧) આપણે સર્વ ભૂલો કરીએ છીએ, પણ બીજાની ભૂલોથી આપણે સહેલાઈથી ચીડાઈ જઈ શકીએ. શાઊલની જેમ, આપણે પણ અધીરા બની શકીએ, અને વિચારી શકીએ કે લાવ, હું જ કરું, જેથી એ બરાબર થાય. દાખલા તરીકે, ધારો કે મંડળમાં કોઈ ભાઈને સરસ આવડતો છે. તે હંમેશા સમય સાચવે છે, મંડળનું બધું કામકાજ સારી રીતે કરી જાણે છે. વળી, પ્રવચન આપવાનું અને શીખવવાનું તો તેમને દાન છે. પરંતુ, તેમને લાગે કે બીજાઓ તેમની બરાબરી કરી શકે એમ નથી, અને પોતાના જેવું તો કોઈ કરતું જ નથી. શું એ કારણે તેમણે અધીરા બનવું જોઈએ? શું તેમણે પોતાના ભાઈઓની ટીકા કરવી જોઈએ? શું તેમણે એવું સૂચવવું જોઈએ કે, પોતે ન હોત તો ખબર નહિ આ મંડળનું શું થાત? એમ વિચારવું અહંકાર છે!
૧૯ ખરેખર મંડળ શાનાથી ચાલે છે? કુશળ યોજના કે આવડતથી કે પછી ઊંડા જ્ઞાનથી? ખરું કે મંડળમાં બધું શોભતી રીતે થાય માટે એ જરૂરી છે. (૧ કોરીંથી ૧૪:૪૦; ફિલિપી ૩:૧૬; ૨ પીતર ૩:૧૮) છતાં, ઈસુએ કહ્યું કે પોતાના શિષ્યોની ઓળખ, તેઓનો એકબીજા માટેનો પ્રેમ હશે. (યોહાન ૧૩:૩૫) તેથી, મંડળની સંભાળ રાખનારા વડીલો જાણે છે કે, એ કંઈ વેપારધંધો નથી જેમાં કડક નિયમોની જરૂર પડે; એને બદલે, મંડળ તો ઘેટાંના ટોળા જેવું છે, જેને પ્રેમથી સાચવવાની જરૂર છે. (યશાયાહ ૩૨:૧, ૨; ૪૦:૧૧) અહંકારને કારણે આવા સિદ્ધાંતો ન પાળવાથી અશાંતિ ઊભી થાય છે. પરંતુ, યહોવાહ પરમેશ્વરની ગોઠવણ શાંતિ લાવે છે.—૧ કોરીંથી ૧૪:૩૩; ગલાતી ૬:૧૬.
૨૦. હવે પછીના લેખમાં શાની ચર્ચા કરવામાં આવશે?
૨૦ કોરાહ, આબ્શાલોમ અને શાઊલના અનુભવો બતાવે છે કે, અહંકાર ખરેખર ફજેતી લાવે છે. છતાં, નીતિવચન ૧૧:૨ આગળ જણાવે છે કે, “નમ્ર જનો પાસે જ્ઞાન હોય છે.” નમ્રતા એટલે શું? બાઇબલમાં કયાં ઉદાહરણો છે, જે આ ગુણ વિષે વધારે જણાવે છે, અને કઈ રીતે આપણે નમ્રતા બતાવી શકીએ? આ પ્રશ્નોની ચર્ચા હવે પછીના લેખમાં કરવામાં આવશે.
[ફુટનોટ્સ]
^ રેઉબેન યાકૂબનો પહેલો દીકરો હતો. તેથી, કોરાહના ઇશારે નાચનારા રેઉબેનના વંશજો મુસાની અદેખાઈ કરતા હતા, જે લેવી વંશજ હતા, અને તેઓના આગેવાન હતા.
^ દાઊદના બીજા પુત્ર, કિલઆબનો જન્મ થયા પછી એનો કોઈ જ ઉલ્લેખ નથી. તેથી, શક્ય છે કે આબ્શાલોમનું કપટ શરૂ થયું, એ પહેલાં જ કિલઆબ મરણ પામ્યો હોય.
^ પહેલાના જમાનામાં મરણ પામેલી વ્યક્તિના શબને દાટવાને ઘણું મહત્ત્વ આપવામાં આવતું હતું. યોગ્ય રીતે એમ કરવામાં ન આવે તો એ આફત અને ઘણીવાર પરમેશ્વરની નારાજગી બતાવતું હતું.—યિર્મેયાહ ૨૫:૩૨, ૩૩.
^ દાખલા તરીકે, જેનાથી હજારો ઈસ્રાએલીઓ માર્યા ગયા હતા, એવી મરકી રોકવા ફિનહાસે તરત જ પગલું ભર્યું. દાઊદે ભૂખ્યા સાથીઓને ‘દેવના ઘરમાંની’ પવિત્ર રોટલી ખાવા માટે આપી. આ બંને કિસ્સામાં યહોવાહે તેઓને અહંકારી ગણીને દોષિત ઠરાવ્યા ન હતા.—માત્થી ૧૨:૨-૪; ગણના ૨૫:૭-૯; ૧ શમૂએલ ૨૧:૧-૬.
શું તમને યાદ છે?
• અહંકાર એટલે શું?
• ઈર્ષાળુ કોરાહ કઈ રીતે અહંકારી બન્યો?
• સત્તાના પ્રેમી આબ્શાલોમનો અહેવાલ શું શીખવે છે?
• શાઊલ જેવી અધીરાઈ આપણે કઈ રીતે ટાળી શકીએ?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૦ પર ચિત્ર]
શાઊલે અધીરાઈ અને અહંકાર બતાવ્યો