સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“નમ્ર જનો શાણા બને છે”

“નમ્ર જનો શાણા બને છે”

“નમ્ર જનો શાણા બને છે”

“તારા દેવની સાથે નમ્રતાથી ચાલવું, એ સિવાય યહોવાહ તારી પાસે બીજું શું માગે છે?”—મીખાહ ૬:૮.

૧, ૨. નમ્રતા શું છે, અને કઈ રીતે એ અહંકારનો વિરોધી ગુણ છે?

 યહોવાહ પરમેશ્વરના એક વિશ્વાસુ ભક્ત પોતાની વાહ-વાહ કરાવવા ચાહતા ન હતા. એક હિંમતવાન ઈસ્રાએલી ન્યાયાધીશ પોતાના પિતાના ઘરમાં પોતાને સૌથી નાનો ગણે છે. સૌથી મહાન માણસે કબૂલ્યું કે તેમની પાસે બધો જ અધિકાર નથી. આ બધાએ નમ્રતા બતાવી.

નમ્રતા અહંકારનો વિરોધી ગુણ છે. નમ્ર વ્યક્તિ પોતાની મર્યાદા સ્વીકારે છે અને કોઈ જાતનું અભિમાન રાખતા નથી. તે અભિમાની બની ફૂલાઈ જતા નથી, અને મોટી મોટી બડાઈ હાંકીને બીજા પર પ્રભાવ પાડતા નથી, પણ હંમેશા પોતાની મર્યાદા ધ્યાનમાં રાખે છે. તે બીજાની લાગણી અને વિચારોનું ધ્યાન રાખે છે, તથા તેઓને માન આપે છે.

૩. કઈ રીતે ‘નમ્ર જનો’ શાણા બને છે?

તેથી બાઇબલ જણાવે છે: “નમ્ર જનો શાણા બને છે.” (નીતિવચન ૧૧:૨, IBSI) નમ્ર વ્યક્તિઓ શાણા બને છે કારણ કે તેઓ પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે ચાલે છે, અને એમ ફજેતી લાવતા અહંકારથી દૂર રહે છે. (નીતિવચન ૮:૧૩; ૧ પીતર ૫:૫) પરમેશ્વરના ઘણા સેવકોનાં અનુભવો બતાવે છે કે, નમ્રતા વ્યક્તિને શાણી બનાવે છે. ચાલો આપણે પહેલા ફકરામાં જણાવેલા ત્રણ સેવકોના અનુભવ વિચારીએ.

પાઊલ—એક ‘સેવક’ અને ‘કારભારી’

૪. પાઊલે કયા આશીર્વાદોનો આનંદ માણ્યો?

એ સમજી શકાય એમ છે કે, પ્રથમ ખ્રિસ્તીઓમાં પાઊલ ખૂબ જ આગળ પડતા હતા. તેમના સેવાકાર્યમાં તેમણે હજારો કિલોમીટરની મુસાફરી કરી, અને ઘણા નવા મંડળો બનાવ્યાં. એટલું જ નહિ, પણ યહોવાહ પરમેશ્વરે પાઊલને સંદર્શન બતાવ્યાં, અને જુદી જુદી ભાષા બોલવાનું દાન આપ્યું. (૧ કોરીંથી ૧૪:૧૮; ૨ કોરીંથી ૧૨:૧-૫) તેમ જ, પરમેશ્વરે પાઊલને ૧૪ પત્રો લખવા માટે પ્રેરણા આપી, જેનો સમાવેશ ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનમાં થાય છે. આમ, કહી શકાય કે પાઊલનું સેવાકાર્ય બીજા પ્રેષિતો કરતાં અજોડ હતું.—૧ કોરીંથી ૧૫:૧૦.

૫. પાઊલ નમ્ર હતા એમ કઈ રીતે કહી શકાય?

એ રીતે યહોવાહ પરમેશ્વરની ભક્તિમાં પાઊલ વિશ્વાસુ અને આગળ પડતા હોવાથી, ઘણાને લાગે કે તે લોકો પર રુઆબ જમાવતા કે પોતાની વાહ-વાહ કરાવતા હશે. પરંતુ, પાઊલે એમ ન કર્યું, કારણ કે તે નમ્ર હતા. તેમણે કહ્યું કે, “પ્રેરિતોમાં હું સર્વેથી નાનો છું, અને પ્રેરિત ગણાવાને પણ યોગ્ય નથી, કારણ કે મેં દેવની મંડળીની સતાવણી કરી.” (૧ કોરીંથી ૧૫:૯) હા, પાઊલે અગાઉ ખ્રિસ્તીઓની ઘણી સતાવણી કરી હતી. તે ભૂલ્યા નહિ કે, ફક્ત પરમેશ્વરની અપાત્ર કૃપાથી જ પોતે તેમના સેવક બન્યા હતા, તો પછી ખાસ સેવાનો લહાવો મળવાની વાત તો બાજુએ જ રહી. (યોહાન ૬:૪૪; એફેસી ૨:૮) એ માટે, પાઊલે જરાય એવું ન વિચાર્યું કે, પોતાને એ આશીર્વાદો મળ્યા એટલે પોતે બીજાઓ કરતાં ચડિયાતા હતા.—૧ કોરીંથી ૯:૧૬.

૬. કોરીંથના ભાઈઓ સાથેના વ્યવહારમાં પાઊલની નમ્રતા કઈ રીતે દેખાય આવે છે?

ખાસ કરીને કોરીંથના ભાઈઓ સાથેના વ્યવહારમાં પાઊલની નમ્રતા દેખાય આવે છે. કોરીંથના કેટલાક ભાઈ-બહેનો આપોલસ, કેફાસ અને પાઊલ જેવા આગળ પડતા વડીલોથી અંજાઈ ગયા હતા. (૧ કોરીંથી ૧:૧૧-૧૫) પરંતુ, પાઊલ એ પ્રશંસાથી ફૂલાઈ ગયા નહિ કે પછી એનો લાભ ઉઠાવ્યો નહિ. તેઓની મુલાકાત લીધી ત્યારે તેમણે “ઉત્તમ વક્તૃત્વ કે જ્ઞાન” બતાવીને દેખાડો કર્યો નહિ. એને બદલે પાઊલે કહ્યું: “દરેક માણસે અમને ખ્રિસ્તના સેવકો તથા દેવના મર્મોના કારભારીઓ ગણવા.” *૧ કોરીંથી ૨:૧-૫; ૪:૧.

૭. કઈ રીતે પાઊલે નમ્રતાથી સલાહ આપી?

પાઊલ કડક સલાહ અને માર્ગદર્શન પણ નમ્રતાથી આપતા હતા. તેમણે ભાઈઓને પ્રેષિત હોવાની સત્તાથી નહિ, પણ “દેવની દયાની ખાતર” અને “પ્રેમપૂર્વક” આજીજી કરી. (રૂમી ૧૨:૧, ૨; ફિલેમોન ૮, ૯) શા માટે? એનું કારણ એ હતું કે, પાઊલ પોતાને ભાઈઓના ‘વિશ્વાસ પર અધિકાર ચલાવનાર’ તરીકે નહિ, પણ તેઓના ‘સહાયકારી’ ગણતા હતા. (૨ કોરીંથી ૧:૨૪) પાઊલ નમ્ર હતા એટલે જ પ્રથમ સદીના ભાઈઓને તે બહુ વહાલા હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૬-૩૮.

લહાવાથી ફૂલાઈ ન જઈએ

૮, ૯. (ક) શા માટે આપણે નમ્ર બનવું જોઈએ? (ખ) મંડળમાં જવાબદારી ધરાવતા ભાઈઓ કઈ રીતે નમ્ર બની શકે?

પાઊલે આપણા માટે સુંદર નમૂનો બેસાડ્યો છે. ભલે ગમે તે જવાબદારી મળે, છતાં આપણે એમ વિચારવું ન જોઈએ કે, હું બીજાઓ કરતાં ચડિયાતો છું. પાઊલે લખ્યું: “પોતે કંઈ ન હોય છતાં જો કોઈ પોતાને મહાન માનતો હોય, તો તે પોતાની જાતને છેતરે છે.” (ગલાતી ૬:૩, પ્રેમસંદેશ) એનું કારણ એ છે કે, “સઘળાએ પાપ કર્યું છે, અને દેવના મહિમા વિષે સઘળા અધૂરા રહે છે.” (ત્રાંસા અક્ષરો અમારા છે.) (રૂમી ૩:૨૩; ૫:૧૨) એ કદી ન ભૂલીએ કે, આદમે વારસામાં આપણને બધાને પાપ અને મરણ આપ્યું છે. કોઈ લહાવો મળવાથી આપણે કંઈ એ પાપી હાલતથી મુક્ત થઈ જતા નથી. (સભાશિક્ષક ૯:૨) પાઊલની જેમ, આપણે પણ ફક્ત પરમેશ્વરની અપાત્ર કૃપાથી જ તેમના ભક્તો બન્યા છીએ, તો પછી કોઈ ખાસ લહાવો મેળવવાની વાત તો બાજુ પર જ રહી.—રૂમી ૩:૧૨, ૨૪.

તેથી, નમ્ર વ્યક્તિ પોતાને મળેલા કોઈ પણ લહાવાથી ફૂલાઈ જશે નહિ, કે એ વિષે બડાઈ પણ હાંકશે નહિ. (૧ કોરીંથી ૪:૭) વળી, તે કોઈને સલાહ કે માર્ગદર્શન આપે ત્યારે, બોસ તરીકે નહિ, પણ મિત્ર તરીકે આપશે. ખરેખર, આપણી પાસે કોઈ ખાસ આવડત હોય તો, એના વિષે આપણા ભાઈઓ પાસે વખાણ કરાવવા કે એનાથી ફૂલાઈ જવું ખોટું છે. (નીતિવચન ૨૫:૨૭; માત્થી ૬:૨-૪) બીજા પોતે પ્રશંસા કરે તો જુદી વાત છે. પરંતુ, એમ બને તોપણ, એનાથી આપણે ફૂલાઈ જવાની કોઈ જરૂર નથી.—નીતિવચન ૨૭:૨; રૂમી ૧૨:૩.

૧૦. મંડળમાં આગળ પડતા નથી તેઓ પણ કઈ રીતે “વિશ્વાસમાં ધનવાન” હોય શકે?

૧૦ આપણને કોઈ જવાબદારી મળે ત્યારે, નમ્રતા ઘણી જ મદદ કરશે. જેથી મંડળમાં જાણે આપણે જ બધુ કરતા હોઈએ, અને આપણાથી જ મંડળ ચાલતું હોય એમ માની ન બેસીએ. દાખલા તરીકે, આપણને શીખવવાની સારી આવડત હોય શકે. (એફેસી ૪:૧૧, ૧૨) પરંતુ શું એ ખરું નથી કે, આપણને મળતું અમુક મહત્ત્વનું શિક્ષણ મંડળમાં પ્લેટફોર્મ પરથી શીખવવામાં આવતું નથી. દાખલા તરીકે, કોઈ એકલા મા કે બાપને તેઓનાં બાળકો સાથે નિયમિત સભામાં આવતા જોઈને, શું તમને ઉત્તેજન મળતું નથી? વળી, કોઈ ઉદાસ ભાઈ કે બહેનને એક પછી બીજી સભામાં નિયમિત રીતે આવતા જોવાથી, શું તમારો વિશ્વાસ દૃઢ થતો નથી? તેમ જ, શાળામાં કે બીજી બાજુ ખરાબ વાતાવરણ હોવા છતાં, કોઈ યુવાનને સત્યમાં પ્રગતિ કરતા જોઈને, ઉત્તેજન મળતું નથી? (ગીતશાસ્ત્ર ૮૪:૧૦) ભલે મંડળમાં તેઓ આગળ પડતા ન હોય. અરે, તેઓના વિશ્વાસની કસોટી વિષે મોટા ભાગે બીજા જાણતા પણ ન હોય. છતાં, મંડળમાં જેઓ આગળ પડતા છે, તેઓના જેટલા જ એ ભાઈ-બહેનો પણ “વિશ્વાસમાં ધનવાન” હોય શકે. (યાકૂબ ૨:૫) હા, જેઓ યહોવાહ પરમેશ્વરને વફાદાર રહેશે તેઓ જ તેની કૃપા પામશે.—માત્થી ૧૦:૨૨; ૧ કોરીંથી ૪:૨.

ગિદઓન—પિતાના ઘરમાં “સૌથી નાનો”

૧૧. પરમેશ્વરના સ્વર્ગદૂત સાથેની વાતચીતમાં ગિદઓને કઈ રીતે નમ્રતા બતાવી?

૧૧ યુવાન ગિદઓન, ઈસ્રાએલના સૌથી મુશ્કેલ સમયમાં જીવતા હતા. તે મનાશ્શેહના કુળના એક શૂરવીર હતા. સાત વર્ષ સુધી પરમેશ્વરના લોકોને મિદ્યાનીઓનો જુલમ સહેવો પડ્યો હતો. છતાં, યહોવાહ પરમેશ્વર હવે પોતાના લોકોને છોડાવવાના હતા. તેથી, એક સ્વર્ગદૂત ગિદઓનને દેખાય છે, અને કહે છે: “પરાક્રમી શૂરવીર, યહોવાહ તારી સાથે છે.” ગિદઓન નમ્ર હતા, એટલે તે પોતાના વખાણ સાંભળીને ફૂલાઈ ન ગયા. એને બદલે, તેમણે સ્વર્ગદૂતને કહ્યું: “મારા ધણી, જો યહોવાહ અમારી સાથે હોય, તો અમારે માથે આ સર્વ વિપત્તિઓ કેમ આવી પડી છે?” સ્વર્ગદૂતે ગિદઓનને સમજાવતા કહ્યું કે, ‘તું મિદ્યાનીઓના હાથમાંથી ઈસ્રાએલને બચાવ.’ એ સાંભળીને ગિદઓને શું કર્યું? તેમણે એવું ન વિચાર્યું કે હું તો ઈસ્રાએલનો હીરો બની જઈશ. ના, એને બદલે ગિદઓને કહ્યું: “હે પ્રભુ, ઈસ્રાએલને હું શા વડે બચાવું? જો, મનાશ્શેહમાં મારૂં કુટુંબ સૌથી ગરીબ છે, ને મારા બાપના ઘરમાં હું સૌથી નાનો છું.” નમ્રતાનો કેવો સુંદર નમૂનો!—ન્યાયાધીશ ૬:૧૧-૧૫.

૧૨. કઈ રીતે કહી શકાય કે ગિદઓને ડહાપણથી કામ કર્યું હતું?

૧૨ યહોવાહ પરમેશ્વરે ગિદઓને યુદ્ધમાં મોકલ્યા પહેલાં તેમની કસોટી કરી. કઈ રીતે? ગિદઓને તેમના પિતાએ બાંધેલી બઆલની વેદીને તોડીને, એની બાજુની અશેરાહ મૂર્તિને કાપી નાખવાની હતી. એ કરવા હિંમત જરૂરી હતી. બધા જુએ એમ એ કરવાને બદલે, તેમણે એ કામ રાત્રે કર્યું, એટલે લોકોને ખબર ન પડે. તેમણે એ કામ બહુ સાવચેતીથી કર્યું. તેમણે પોતાની સાથે દસ માણસો લીધા, જેથી અમુક ચોકી કરે અને બાકીના વેદી તથા અશેરાહ મૂર્તિનો નાશ કરવામાં તેમને મદદ કરે. * યહોવાહના આશીર્વાદથી ગિદઓને એ કામ પાર પાડ્યું. સમય જતાં, મિદ્યાનીઓના હાથમાંથી ઈસ્રાએલને છોડાવવા, પરમેશ્વરે તેમનો ઉપયોગ કર્યો.—ન્યાયાધીશ ૬:૨૫-૨૭.

નમ્રતાથી વર્તવું

૧૩, ૧૪. (ક) આપણને કોઈ લહાવો મળે ત્યારે કેવું વલણ રાખીએ? (ખ) ભાઈ મેકમીલને કઈ રીતે આપણી માટે સુંદર ઉદાહરણ બેસાડ્યું?

૧૩ ગિદઓનની નમ્રતાથી આપણે ઘણું શીખી શકીએ છીએ. દાખલા તરીકે, આપણને કોઈ લહાવો મળે ત્યારે, આપણું વલણ કેવું હોય છે? શું આપણે એનાથી પોતાની કેવી વાહ-વાહ થશે એમ વિચારીએ છીએ? કે પછી આપણે નમ્રતાથી પ્રાર્થના કરીને એમ વિચારીએ છીએ કે, હું એ જવાબદારી ઉપાડી શકીશ કે કેમ? એ વિષે ભાઈ એ. એચ. મેકમીલને સુંદર ઉદાહરણ પુરું પાડ્યું, જેમણે પોતાનું પૃથ્વી પરનું જીવન ૧૯૬૬માં પૂરું કર્યું. વૉચટાવર સોસાયટીના પહેલા પ્રમુખ ભાઈ સી. ટી. રસેલે એક વખત ભાઈ મેકમીલનને પૂછ્યું કે, પોતાની ગેરહાજરીમાં તેમનું કામ સંભાળી શકે, એવા કોઈ ભાઈ વિષે જણાવે. એના પછીની ચર્ચામાં ભાઈ મેકમીલન સહેલાઈથી પોતાનું નામ સૂચવી શકયા હોત, પણ તેમણે કોઈ રીતે એમ ન કર્યું. આખરે, ભાઈ રસેલે તેમને જણાવ્યું કે, ભાઈ મેકમીલન એ જવાબદારી સ્વીકારશે કે કેમ? એના વિષે વિચારજો. ભાઈ મેકમીલને એ વિષે વર્ષો પછી લખ્યું કે, “એ સાંભળીને હું તો સાવ મૂંગો થઈ ગયો. એ વિષે પ્રાર્થના કરીને વારંવાર વિચાર કર્યા પછી મેં જવાબ આપ્યો કે, હા, તમને મદદ કરવું મને ગમશે.”

૧૪ થોડા સમય પછી, ભાઈ રસેલ પ્રચાર કાર્ય માટે મુસાફરી કરતા હતા ત્યારે, મરણ પામ્યા. હવે વૉચટાવર સોસાયટીના પ્રમુખની જગ્યા ખાલી પડી. એ સમયે ભાઈ મેકમીલન તેમના મદદનીશ તરીકે સોસાયટીની કામગીરી સંભાળતા હતા. તેથી, એક ભાઈએ તેમને કહ્યું: “મેક, તમારી પાસે સુંદર તક છે. ભાઈ રસેલ બહાર જતા ત્યારે, તમે જ એમની જગ્યા સંભાળતા, અને તેમણે અમને કહ્યું છે કે, તમે કહો એમ જ અમારે કરવું. હવે, એ તો ગયા અને પાછા આવવાના નથી. તેથી, તમે જ એ જવાબદારી ઉપાડવા યોગ્ય છો.” ભાઈ મેકમીલને જવાબ આપ્યો કે, “ભાઈ, એમ ન વિચારો. આ તો પ્રભુનું કામ છે, અને એને યોગ્ય જે હોય, તેને જ એ જવાબદારી આપશે. મને ખાતરી છે કે, આ જવાબદારી ઉપાડવી, મારા હાથની વાત નથી.” પછી ભાઈ મેકમીલને સોસાયટીના પ્રમુખ માટે બીજા ભાઈનું નામ સૂચવ્યું. ખરેખર, ગિદઓનની જેમ તે નમ્ર હતા, અને આપણે પણ તેમનું અનુકરણ કરીએ.

૧૫. પ્રચારકાર્યમાં આપણે કઈ રીતે વાત કરવી જોઈએ?

૧૫ આપણે કોઈ પણ જવાબદારી નિભાવતી વખતે નમ્ર બનીએ. ગિદઓને ડહાપણથી કાર્ય કર્યું, અને જાણી-જોઈને વિરોધીઓને ગુસ્સે કર્યા નહિ. એ જ રીતે, આપણે પણ પ્રચારકાર્યમાં લોકો સાથે સમજી વિચારીને વાત કરીએ. ખરું કે, આપણે એવી લડાઈમાં ભાગ લઈએ છીએ, જેમાં દેવના જ્ઞાનની વિરૂદ્ધ જે કંઈ હોય, એને તોડી પાડીએ છીએ. (૨ કોરીંથી ૧૦:૪, ૫) પરંતુ, આપણે લોકોને ઉતારી પાડવા ન જોઈએ, કેમ કે એનાથી તો તેઓને ખરાબ લાગશે અને સંદેશો નહિ સાંભળે. એને બદલે, તેઓના વિચારોને માન આપીને, જે વિચારો સત્ય સાથે સહમત થાય, એના પર ભાર મૂકીએ. પછી, ભાવિની આશા આપતા સંદેશા પર તેઓનું ધ્યાન દોરીએ.—પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૧-૩; ૧ કોરીંથી ૯:૨૨; પ્રકટીકરણ ૨૧:૪.

ઈસુ—નમ્રતાનું સુંદર ઉદાહરણ

૧૬. કઈ રીતે ઈસુ નમ્રતાનું સૌથી સુંદર ઉદાહરણ છે?

૧૬ ઈસુ ખ્રિસ્ત નમ્રતાનું સૌથી સુંદર ઉદાહરણ છે. * યહોવાહ પરમેશ્વર સાથે તેમના ગાઢ સંબંધ છતાં, તેમણે સ્વીકાર્યું કે બધુ જ કંઈ તેમના હાથમાં નથી. (યોહાન ૧:૧૪) દાખલા તરીકે, યાકૂબ અને યોહાનની માએ ઈસુને ખાસ વિનંતી કરી કે, તેમના રાજ્યમાં બંને દીકરા તેમની જમણે અને ડાબે બેસે. ઈસુએ જવાબ આપ્યો કે, “મારે જમણે હાથે ને ડાબે હાથે બેસવા દેવું એ મારૂં નથી.” (માત્થી ૨૦:૨૦-૨૩) બીજા એક પ્રસંગે ઈસુએ કબૂલ્યું: “હું મારી મેળે કંઈ કરી શકતો નથી . . . કેમકે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેણે મને મોકલ્યો છે, તેની ઇચ્છા પૂરી કરવા ચાહું છું.”—યોહાન ૫:૩૦; ૧૪:૨૮; ફિલિપી ૨:૫, ૬.

૧૭. લોકો સાથે ઈસુ કેવી નમ્રતાથી વર્ત્યા?

૧૭ ઈસુ અપૂર્ણ લોકોથી દરેક રીતે ચડિયાતા હતા, અને પોતાના પિતા યહોવાહે તેમને ઘણી સત્તા આપી હતી. છતાં, ઈસુ પોતાના શિષ્યો સાથે નમ્રતાથી વર્ત્યા. તેમણે પોતાના જ્ઞાનનો તેઓની આગળ દેખાડો કર્યો નહિ. તે તેઓની લાગણી સમજ્યા, અને તેઓની જરૂરિયાતો પણ પૂરી પાડી હતી. (માત્થી ૧૫:૩૨; ૨૬:૪૦, ૪૧; માર્ક ૬:૩૧) આમ, ઈસુ સંપૂર્ણ હતા, છતાં બીજાઓ પાસે સંપૂર્ણતાની આશા રાખી નહિ. તેમણે કદી પોતાના શિષ્યો પાસે મોટી મોટી અપેક્ષા રાખીને, તેઓ પર દબાણ કર્યું નહિ કે, તેઓ હજુ વધારે કેમ કરતા નથી. (યોહાન ૧૬:૧૨) તેથી, લોકો તેમની પાસેથી તાજગી મેળવતા એમાં કંઈ નવાઈ નથી!—માત્થી ૧૧:૨૯.

ઈસુના પગલે ચાલો

૧૮, ૧૯. (ક) ઈસુની જેમ, આપણે પોતાને વિષે કઈ રીતે નમ્ર બનીએ? (ખ) ઈસુની જેમ આપણે બીજાઓ સાથે કઈ રીતે વાજબી બનીએ?

૧૮ સૌથી મહાન માણસ ઈસુ એટલા નમ્ર હતા તો, શું આપણે તેમના પગલે ચાલવું ન જોઈએ? મોટે ભાગે લોકો સ્વીકારતા નથી કે, તેઓ પાસે પૂરેપૂરી સત્તા નથી. પરંતુ, ઈસુના શિષ્યો તરીકે આપણે નમ્ર બનવા સખત મહેનત કરીશું. ઈસુના પગલે ચાલનારા નમ્રતાથી, યોગ્ય હોય તેઓને જવાબદારી સોંપે છે; વળી, તેઓ નમ્રતાથી જવાબદાર ભાઈઓ પાસેથી માર્ગદર્શન સ્વીકારે છે. એ રીતે, એકબીજા સાથે હળીમળીને રહેવાથી મંડળમાં બધુ “શોભતી રીતે તથા વ્યવસ્થાપૂર્વક કરવામાં આવે” છે.—૧ કોરીંથી ૧૪:૪૦.

૧૯ નમ્રતા આપણને પણ બીજાઓ સાથે વાજબી બનવા અને તેઓની જરૂરિયાતો સમજવા મદદ કરશે. (ફિલિપી ૪:૫) આપણી પાસે એવી આવડતો અને દાન હોય શકે, જે બીજા પાસે ન હોય. જો નમ્ર હોઈશું, તો આપણે બીજા પાસેથી એવી આશા નહિ રાખીએ કે, ‘તેઓને મેં કહ્યું એમ જ કેમ ન કર્યું’. દરેકને પોતપોતાની મર્યાદા હોય છે, એ સ્વીકારીને નમ્રતાથી આપણે બીજાની કદર કરીશું. પીતરે લખ્યું કે, “વિશેષે કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રીતિ કરો; કેમકે પ્રીતિ પાપના પુંજને ઢાંકે છે.”—૧ પીતર ૪:૮.

૨૦. આપણું વલણ અહંકારી હોય તો શું કરવું જોઈએ?

૨૦ આપણે શીખ્યા તેમ ખરેખર નમ્ર જનો શાણા હોય છે. પરંતુ, તમને લાગે કે તમારું વલણ અહંકારી છે, તો શું? એમ હોય તો નિરાશ ન થશો. એને બદલે દાઊદની જેમ પ્રાર્થના કરો: “અહંકારથી તમારા સેવકને દૂર રાખો; જેથી એ મારા પર રાજ ન કરે.” (ગીતશાસ્ત્ર ૧૯:૧૩, NW) ચાલો આપણે પાઊલ, ગિદઓન અને સૌથી મહાન માણસ, ઈસુ ખ્રિસ્તના વિશ્વાસનું અનુકરણ કરીએ. આમ, આપણે પણ અનુભવ કરીશું કે, “નમ્ર જનો શાણા બને છે.”—નીતિવચન ૧૧:૨.

[ફુટનોટ્‌સ]

^ અહીં ‘સેવક’ ભાષાંતર થયેલા ગ્રીક શબ્દનો અર્થ હલેસાં મારનાર ગુલામ પણ થઈ શકે છે. એની સરખામણીમાં ‘કારભારી’ વધારે જવાબદારી ધરાવી શકે, જેમ કે મિલકતનો કારભાર. છતાં, મોટા ભાગના માલિકોને મન એ કારભારી અને હલેસાં મારનાર ગુલામ બંને સેવકો જ હતા.

^ ગિદઓને ડહાપણ અને સાવચેતીથી કામ કર્યું, એનો અર્થ એમ નથી કે, તે બીકણ હતા. હેબ્રી ૧૧:૩૨-૩૮ તેમની હિંમતની સાબિતી આપે છે. એમાં જણાવેલા “સબળ” અને “લડાઈમાં પરાક્રમી” લોકોમાં ગિદઓનનો પણ સમાવેશ થાય છે.

^ નમ્રતાનો અર્થ થાય કે પોતાની મર્યાદા જાણવી. પરંતુ, યહોવાહ પરમેશ્વર મર્યાદિત છે, એમ કહી ન શકાય.—ગીતશાસ્ત્ર ૧૮:૩૫.

શું તમને યાદ છે?

• નમ્રતા એટલે શું?

• કઈ રીતે આપણે પાઊલની જેમ નમ્ર બની શકીએ?

• નમ્રતા વિષે ગિદઓનનો અનુભવ શું શીખવે છે?

• ઈસુએ કઈ રીતે નમ્રતાનું ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૫ પર ચિત્ર]

પાઊલ નમ્ર હોવાથી ભાઈઓ તેમને ચાહતા હતા

[પાન ૧૭ પર ચિત્ર]

ગિદઓને હિંમતથી પરમેશ્વરની ઇચ્છા પૂરી કરી

[પાન ૧૮ પર ચિત્ર]

પરમેશ્વરના પુત્ર, ઈસુ દરેક રીતે નમ્ર હતા