સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહને પ્રેમ કરનારાઓ તેમને મૂલ્યવાન છે

યહોવાહને પ્રેમ કરનારાઓ તેમને મૂલ્યવાન છે

રાજ્ય પ્રચારકોના અનુભવો

યહોવાહને પ્રેમ કરનારાઓ તેમને મૂલ્યવાન છે

લ બાનોન બાઇબલ સમયથી એની કુદરતી સંપત્તિ માટે પ્રખ્યાત છે. (ગીતશાસ્ત્ર ૭૨:૧૬; યશાયાહ ૬૦:૧૩) ખાસ કરીને ત્યાંના ઊંચા ઊંચા દેવદારના લાકડાંની મકાન બાંધવા માટે ઘણી માંગ છે કારણ કે એનું લાકડું સુંદર, સુગંધિત અને ટકાઉ છે. પ્રથમ સદીમાં પણ, લબાનોનમાંથી વધુ મૂલ્યવાન બાબતો બહાર આવી હતી. માર્કનો અહેવાલ જણાવે છે કે લબાનોનના પ્રાચીન વિસ્તાર, તૂર અને સીદોનમાંથી “ઘણા લોક તેણે [ઈસુ] જે જે કાર્યો કર્યાં તે સાંભળીને તેની પાસે આવ્યા.”—માર્ક ૩:૮.

એવી જ રીતે આજે પણ લબાનોન યહોવાહની નજરમાં ખૂબ મૂલ્યવાન ફળો આપવાનું ચાલુ રાખે છે. નીચેના અનુભવો એ બાબતને ટેકો આપે છે.

• વિસમ નામના એક યુવાન સાક્ષીને તેની શાળામાં પોતાના વર્ગમાં ૩૦ મિનિટ માટે કોઈ વિષય પર બોલવાનું જણાવવામાં આવ્યું. વિસમે નક્કી કર્યું કે સાક્ષી આપવાની આ એક સારી તક છે. તેથી તેણે લાઈફ—હાઉ ડીડ ઈટ ગેટ હીયર? બાય ઇવેલ્યૂશન ઑર બાય ક્રિએશન? પુસ્તકનો ઉપયોગ કરીને ઉત્પત્તિ વિષય પર બોલવાની તૈયાર કરી. વિસમે તૈયાર કરેલો વિષય જોઈને તેના શિક્ષકે કહ્યું કે એ ઘણો મહત્ત્વનો વિષય છે. તેથી તેમણે વિસમનો બોલવાનો સમય વધારીને ૪૫ મિનિટ કર્યો.

વિસમે બોલવાનું શરૂ કર્યું કે તરત જ શિક્ષકે તેને અટકાવીને આચાર્યને બોલાવ્યા. આચાર્ય આવ્યા પછી તેણે બોલવાનું શરૂ કર્યું. વિસમે પોતાની પ્રસ્તાવનામાં ઊભા કરેલા પ્રશ્નો સાંભળીને આચાર્ય બહેન ખૂબ જ પ્રભાવિત થઈ ગયા. તેમણે વર્ગના બધા વિદ્યાર્થીઓને કહ્યું કે તેઓએ વિસમે જે વિષય તૈયાર કર્યો છે એની એક-એક નકલ મેળવવી જ જોઈએ.

એ જ સમયે બીજા એક શિક્ષક ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે વર્ગમાં થતી ઉત્તેજક હલચલ જોઈને તપાસ કરી કે શું થઈ રહ્યું છે. બાબત જાણીને તેમણે પૂછ્યું કે વિસમ શું સાબિત કરવાનો પ્રયત્ન કરે છે, ઉત્પત્તિ કે ઉત્ક્રાંતિ? તેમને જવાબ મળ્યો, “ઉત્પત્તિ.” વિસમ એક યહોવાહનો સાક્ષી છે એ જાણ્યા પછી, શિક્ષકે વર્ગને કહ્યું: “તમે તેની માહિતી જોશો તો ખબર પડશે કે વિજ્ઞાન ઉત્પત્તિને ટેકો આપે છે, ઉત્ક્રાંતિને નહિ.”

પછી ખબર પડી કે એ શિક્ષક પાસે ક્રિએશન પુસ્તકની એક પ્રત હતી અને તેઓ યુનિવર્સિટીમાં શિખવવા એનો ઉપયોગ કરતા હતા! વર્ગમાંથી જતા પહેલાં, તેમણે પૂછ્યું કે બીજા દિવસે તે પોતાના વિદ્યાર્થીઓ સાથે પાછા આવી શકે કે કેમ, જેથી વિસમ તેઓને પણ આ વિષય પર વધુ જણાવી શકે. એના પરિણામે યહોવાહ પરમેશ્વર વિષે બીજી એક ભવ્ય સાક્ષી અપાઈ.

• બાવીસ વર્ષની નીના સત્ય જાણવા માટે ખૂબ જ તરસતી હતી. એક દિવસ તેના પિત્રાઈ ભાઈએ તેને બાઇબલ આપ્યું અને પેન્તેકોસ્ત ચર્ચ વિષે જણાવ્યું. નીનાએ ઉત્સાહથી બાઇબલ વાંચવાનું શરૂ કર્યું. જલદી જ તેને જાણવા મળ્યું કે ખ્રિસ્તીઓએ પ્રચાર કરવો જ જોઈએ. તેથી તેણે તેના પરિચિતોને એ વિષે જણાવવાનું શરૂ કર્યું. તેણે જેની સાથે પણ વાત કરી એ બધાએ પૂછ્યું કે “શું તું યહોવાહની સાક્ષી છે?” નીના એ જાણીને મૂંઝવણમાં મૂકાઈ ગઈ.

છ વર્ષ પછી, યહોવાહના સાક્ષીઓ નીનાના ઘરે આવ્યા અને તેને પરમેશ્વરના રાજ્ય વિષે જણાવ્યું. પહેલા તો, તે તેમના શિક્ષણમાંથી ભૂલો કાઢવાનો પ્રયત્ન કરતી હતી. તેમ છતાં, તેને જાણવા મળ્યું કે તેઓના બધા જ જવાબો તાર્કિક અને બાઇબલ પર આધારિત હતા.

છેવટે નીના શું શીખી? તે શીખી કે પરમેશ્વરનું નામ યહોવાહ છે, તેમના રાજ્યમાં મળનારા ભવ્ય આશીર્વાદો અને એના જેવી બીજી ઘણી બાબતો પણ તેને જાણવા મળી. પોતે જે શીખી હતી એનાથી તેને ખાતરી થઈ ગઈ કે તેને સત્ય મળ્યું છે. તેણે પરમેશ્વરને પોતાનું સમર્પણ કર્યું અને બાપ્તિસ્મા પામી. છેલ્લા સાત વર્ષથી નીના પૂરા સમયના સુવાર્તિક તરીકે કામ કરે છે. સાચે જ, યહોવાહ તેમને પ્રેમ કરનારાઓને આશીર્વાદ આપે છે.—૧ કોરીંથી ૨:૯.