સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શા માટે અપેક્ષાઓ વાજબી રાખવી જોઈએ?

શા માટે અપેક્ષાઓ વાજબી રાખવી જોઈએ?

શા માટે અપેક્ષાઓ વાજબી રાખવી જોઈએ?

આપણી આશાઓ પૂરી થવાથી આપણને સંતોષ થાય છે. એ સાચું છે કે આપણાં ઘણાં સપનાઓ અને અપેક્ષાઓ આપણે ઇચ્છીએ છીએ એ રીતે પૂરાં થતા નથી. જીવનમાં વારંવાર નિષ્ફળતા મળવાથી આપણો સ્વભાવ ચીડિયો બની શકે. એક બુદ્ધિમાન માણસ કહે છે: “આશાનું ફળ મળવામાં વિલંબ થયાથી અંતઃકરણ ઝુરે છે.”—નીતિવચન ૧૩:૧૨.

કયા ઘટકોને કારણે આપણને નિરાશા મળી શકે? કઈ રીતે આપણે આપણી અપેક્ષાઓમાં વાજબી બની શકીએ? વધુમાં, શા માટે એમ કરવું આપણા લાભ માટે છે?

અપેક્ષાઓ અને નિરાશાઓ

આજે જીવન બહું ઝડપી બન્યું હોવાથી, આપણે આગળ વધવાના જેટલા પ્રયત્નો કરીએ એટલા જ પાછા પડીએ છીએ. આપણો સમય અને શક્તિ ઓછા પડે અને આપણે નક્કી કર્યું હોય એ પ્રમાણે કરવામાં નિષ્ફળ જઈએ ત્યારે આપણે નાસીપાસ થઈ જઈએ છીએ. આપણે પોતાને અને બીજાઓને પણ નિરાશ કરતા હોઈએ છીએ. સિન્થિયા નામની એક માતા એ જાણે છે કે બાળકો ઉછેરવાં કેટલું અઘરું છે. તે કહે છે: “હું સતત મારા બાળકોને સુધારી શકતી નથી અને પૂરતી તાલીમ આપી શકતી નથી માટે હતાશ થઈ જાઉં છું.” એક તરુણ વયની સ્ટેફાની પોતાના શિક્ષણ સંબંધી જણાવે છે: “હું જે કરવા માંગુ છું એ બધું કરવા મારી પાસે પૂરતો સમય નથી, માટે મારી ધીરજ ખૂટતી જાય છે.”

વધુ પડતી ઊંચી અપેક્ષાઓ સંપૂર્ણતા મેળવવાની લાગણીઓ તરફ દોરી જાય છે, અને એનાથી સૌથી વધુ નિરાશા આવી શકે. બેન નામનો એક પરિણીત યુવક કબૂલે છે: “હું મારાં કાર્યો, વિચારો અને લાગણીઓને તપાસું છું ત્યારે હું હંમેશા વિચારું છું કે એને કઈ રીતે વધુ સારા બનાવી શકું? સતત સંપૂર્ણતાની અપેક્ષા રાખું છું અને પરિણામે અધીરો, નાસીપાસ થયેલો અને નિરાશ બનું છું.” એક ખ્રિસ્તી પત્ની ગાઈલ કહે છે: “સંપૂર્ણતાની વિચારસરણી ધરાવનારાઓ નિષ્ફળતાને ચલાવી લેતા નથી. અમે સૌથી શ્રેષ્ઠ માતાઓ અને સૌથી શ્રેષ્ઠ પત્નીઓ બનવા માંગીએ છીએ. સુખી થવા પ્રયત્નો સફળ થવા જ જોઈએ, તેથી એ નિષ્ફળ જાય ત્યારે અમને ચીડ ચઢે છે.”

વ્યક્તિગત નિરાશાનો બીજો ઘટક તંદુરસ્તીમાં ચઢાવ-ઉતાર તથા વધતી ઉંમર છે. અશક્તિ વધવાને કારણે આપણી ક્ષમતાઓ ઘટી જાય છે ત્યારે નિરાશાની લાગણીઓ વધે છે. “હું પહેલા બહુ જ સહેલી અને સ્વાભાવિક લાગતી બાબતો બીમાર પડ્યા પછી હવે પૂરી કરી શકતી નથી ત્યારે મારી ધીરજ ખૂટી જાય છે,” એલીઝાબેથ કબૂલે છે.

આપણે ઉપર જોયા એ હતાશાનાં ઉદાહરણો છે. આવી લાગણીઓને ધ્યાન આપવામાં ન આવે તો, આપણે એ માનતા થઈ જઈએ છીએ કે આપણી કોઈ કદર કરતું નથી. તેથી, નિરાશાનો સામનો કરવા અને યોગ્ય અપેક્ષાઓ વિકસાવવા આપણે કઈ હકારાત્મક રીતો અપનાવી શકીએ?

વાજબી અપેક્ષાઓને કેળવવાની રીતો

પ્રથમ એ યાદ રાખો કે યહોવાહ વાજબી અને સમજુ છે. ગીતશાસ્ત્ર ૧૦૩:૧૪ આપણને યાદ કરાવે છે, “કેમકે તે આપણું બંધારણ જાણે છે; આપણે ધૂળનાં છીએ એવું તે સંભારે છે.” આપણી ક્ષમતાઓ અને મર્યાદાઓને જાણતા હોવાથી, યહોવાહ દેવ આપણે આપી શકીએ એટલું જ માંગે છે. અને તે ઇચ્છે છે કે આપણે તેમની સાથે ‘નમ્રતાથી ચાલીએ.’—મીખાહ ૬:૮.

યહોવાહ આપણને પ્રાર્થનામાં તેમની તરફ ફરવા અરજ કરે છે. (રૂમી ૧૨:૧૨; ૧ થેસ્સાલોનીકી ૫:૧૭) પ્રાર્થના આપણને કઈ રીતે મદદ કરી શકે? એ આપણી વિચારસરણીને સમતોલ અને સ્થિર બનાવવા મદદ કરે છે. ખંતીલી પ્રાર્થના એ કબૂલાત છે કે આપણને મદદની જરૂર છે. એ વિનય અને નમ્રતાની નિશાની છે. યહોવાહ દેવ પોતાનો પવિત્ર આત્મા આપીને આપણી પ્રાર્થનાઓનો જવાબ આપવા તૈયાર છે, જેનાં ફળો પ્રેમ, માયાળુપણું, ભલાઈ અને સંયમ છે. (લુક ૧૧:૧૩; ગલાતી ૫:૨૨, ૨૩) પ્રાર્થના ચિંતા અને નિરાશા પણ દૂર કરે છે. એલીઝાબેથ કહે છે કે પ્રાર્થના કરવાથી “તમે જાણતા ન હોવ એવી કોઈ પણ જગ્યાએથી દિલાસો મેળવી શકો.” કેવીન સહમત થાય છે: “હું શાંત હૃદય અને શુદ્ધ મન માટે પ્રાર્થના કરું છું કે જેથી સમસ્યાઓનો સામનો કરી શકું. યહોવાહ મને ક્યારેય નીચા પડવા દેશે નહિ.” પ્રેષિત પાઊલ પ્રાર્થનાનું મૂલ્ય જાણતા હતા. તેથી જ તેમણે ભલામણ કરી: “દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકારસ્તુતિસહિત તમારી અરજો દેવને જણાવો. અને દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.” (ફિલિપી ૪:૬, ૭) હા, યહોવાહને પ્રાર્થનામાં જણાવીશું તો એ આપણને અને બીજાઓને વાજબી અપેક્ષાઓ રાખવામાં મદદ કરશે.

અમુક સમયે, આપણને તાત્કાલિક કોઈક સાંત્વના આપે એની જરૂર હોય છે. યોગ્ય સમયે બોલેલા શબ્દો સારા હોય છે. આવા સમયે ભરોસાપાત્ર અને પરિપક્વ મિત્ર સાથે પોતાની ખાનગી વાત કરવાથી આપણને નિરાશ અથવા ચિંતિત કરતા કારણોને જોવામાં મદદ મળી શકે. (નીતિવચન ૧૫:૨૩; ૧૭:૧૭; ૨૭:૯) નિરાશા સાથે લડતા યુવાનોને ખબર પડે છે કે માબાપની સલાહ તેઓને સમસ્યાઓમાં પણ સમતોલપણું જાળવવામાં મદદ કરે છે. કેન્ડી કદરપૂર્વક કબૂલે છે: “મારાં માબાપ તરફથી પ્રેમાળ નિર્દેશન મને વધુ વાજબી અને સમતોલ બનાવે છે, એ મને આનંદદાયક સંગત પૂરી પાડે છે.” હા, નીતિવચન ૧:૮, ૯ની સૂચના ખૂબ તાકીદની છે: “મારા દીકરા, તારા બાપની શિખામણ સાંભળ, અને તારી માનું શિક્ષણ તજીશ મા. કેમ કે તે તારે માથે શોભાયમાન મુગટરૂપ, તથા તારા ગળાના હારરૂપ થશે.”

સંપૂર્ણતાની વિચારસરણીનાં પરિણામો કહેવતોમાં સારી રીતે જાણીતાં છે: “આપણી ઇચ્છા મુજબ જીવનમાં અપેક્ષા રાખીશું તો એ હતાશાને આમંત્રણ આપશે.” આને ટાળવા માટે, વિચારસરણીમાં ફેરગોઠવણ કરવાની જરૂર છે. આપણી મર્યાદાઓની વાસ્તવિક દૃષ્ટિ રાખીશું તો, નમ્રતા અને વિનય આપણને સમતોલ અને વાજબી અપેક્ષાઓ રાખવા મદદ કરશે. યોગ્યપણે જ, રૂમી ૧૨:૩ આપણને ચેતવણી આપે છે, “પોતાને જેવો ગણવો જોઈએ, તે કરતાં વિશેષ ન ગણવો.” વધુમાં, ફિલિપી ૨:૩ આપણને ઉત્તેજન આપે છે કે આપણે નમ્ર બનીને બીજાઓને ઉત્તમ ગણવાની જરૂર છે.

શરૂઆતમાં ઉલ્લેખ કર્યો એ એલીઝાબેથ પોતાની બીમારીને કારણે અધીરી બની ગઈ હતી. તે બાબતો વિષે યહોવાહની દૃષ્ટિ જાણે અને યહોવાહ આપણી સેવાને ભૂલી જતા નથી એ દિલાસો મેળવે એ માટે તેને થોડી રાહ જોવાની જરૂર હતી. કોલીન ગંભીર માંદગીને કારણે પથારીવશ થઈ ગયો. શરૂઆતમાં, તેને થયું કે તે તંદુરસ્ત હતો ત્યારે જે કરતો હતો એની સરખામણીમાં અત્યારે સેવામાં તે જે કરી રહ્યો છે એનું કોઈ મૂલ્ય નથી. બીજો કોરીંથી ૮:૧૨ જેવી બાઇબલ કલમો પર મનન કરીને, તે આવી લાગણીઓને દૂર કરી શક્યો. એ કલમ કહે છે: “તમારી પાસે જે નથી તે નહિ પણ જે છે તે તમે આપો એવું ઈશ્વર ઇચ્છે છે,” (IBSI). કોલીન કહે છે, “મારી પાસે આપવાને બહુ થોડું છે, છતાં હું હજુ પણ આપી શકું છું અને યહોવાહ દેવને એ માન્ય છે.” હેબ્રી ૬:૧૦માં આપણને યાદ કરાવવામાં આવ્યું છે કે “દેવ તમારા કામને તથા તેના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે, . . . તેને વિસરે એવો અન્યાયી નથી.”

તો પછી, આપણી અપેક્ષાઓ વાજબી છે કે નહિ એ આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? પોતાને પૂછો, ‘શું મારી અપેક્ષાઓ દેવની અપેક્ષાઓ પ્રમાણે છે?’ ગલાતી ૬:૪ જણાવે છે, “દરેક માણસે પોતાની રહેણીકરણી તપાસી જોવી, અને ત્યારે તેને કોઈ બીજા વિષે નહિ, પણ કેવળ પોતાને વિષે અભિમાન કરવાનું કારણ મળશે.” ઈસુએ કહ્યું એ યાદ રાખો: “મારી ઝૂંસરી સહેલ છે, ને મારો બોજો હલકો છે.” હા, ખ્રિસ્તીઓ તરીકે, આપણે ઝૂંસરી ઉપાડવાની છે, જે “સહેલ” અને “હલકી” છે. અને ઈસુએ વચન આપ્યું છે કે આપણે એને યોગ્ય રીતે ઊંચકીએ તો એ તાજગી આપશે.—માત્થી ૧૧:૨૮-૩૦.

વાજબી અપેક્ષાઓ બદલા લાવે છે

વાજબી અપેક્ષાઓ રાખવા પ્રયત્ન કરીશું, સાથે સાથે દેવના શબ્દ બાઇબલની સલાહને સાંભળીને લાગુ કરીશું તો એ તાત્કાલિક અને કાયમી બદલાઓ લાવી શકે. એ આપણને શારીરિક રીતે પણ લાભદાયી નીવડી શકે. યહોવાહના સૂચનોમાંથી લાભ મેળવનાર જેનિફર કબૂલે છે: “હું હવે જીવનમાં વધુ સ્ફૂર્તિ અને ઉત્સાહ અનુભવું છું.” યોગ્યપણે જ નીતિવચન ૪:૨૧, ૨૨ આપણને યહોવાહ કહે છે એને આંખો અને કાનથી ધ્યાન આપવા અરજ કરે છે, કેમ કે ‘તે જીવનરૂપ છે, અને આખા શરીરને આરોગ્યરૂપ છે.’

બીજો બદલો માનસિક અને લાગણીમય રીતે તંદુરસ્ત રહેવું છે. ટ્રેસા જણાવે છે, “હું મારું મન અને હૃદય દેવના શબ્દ પર લગાડું છું ત્યારે, મને હંમેશા લાગે છે કે હું એક સુખી વ્યક્તિ છું.” એ સાચું છે કે આપણે જીવનમાં નિરાશાઓનો સામનો કરીએ છીએ. તોપણ, આપણે એનો વધુ સારી રીતે સામનો કરી શકીએ છીએ. યાકૂબ ૪:૮ અરજ કરે છે, “તમે દેવની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે.” યહોવાહ દેવ જીવનમાં પડકારોનો સામનો કરવા આપણને શક્તિ અને શાંતિ આપવાનું પણ વચન આપે છે.—ગીતશાસ્ત્ર ૨૯:૧૧.

વાજબી અપેક્ષાઓ રાખવાથી આપણને આત્મિક સ્થિરતા રાખવામાં મદદ મળે છે. એ પણ આશીર્વાદ છે. એનાથી આપણે જીવનની મહત્ત્વની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ. (ફિલિપી ૧:૧૦) એ દ્વારા આપણે વાસ્તવિક ધ્યેયો રાખીને એને સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ. એ ખૂબ આનંદ અને સંતોષમાં પરિણમે છે. આપણે એ ખાતરી સાથે યહોવાહ દેવ પર પૂરેપૂરો ભરોસો મૂકીએ કે તે બધી જ બાબતો સરળ બનાવશે. પીતર કહે છે, “એ માટે દેવના સમર્થ હાથ નીચે તમે પોતાને નમાવો કે તે તમને યોગ્ય સમયે ઉચ્ચપદે મૂકે.” (૧ પીતર ૫:૬) યહોવાહ પોતે આપણને જે આદર આપે છે એના કરતાં વધુ બદલો આપનાર બીજું શું હોય શકે?

[પાન ૩૧ પર ચિત્રો]

વાજબી અપેક્ષાઓ આપણને હતાશા અને નિરાશાનો સામનો કરવામાં મદદ કરી શકે