સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શા માટે તેઓ બાળકો ઇચ્છતા નથી?

શા માટે તેઓ બાળકો ઇચ્છતા નથી?

શા માટે તેઓ બાળકો ઇચ્છતા નથી?

ડે લ અને ફોલા * નાઇજીરિયામાં આવેલી વૉચ ટાવર સંસ્થાની શાખા કચેરીમાં રહે છે અને કામ કરે છે. તેઓએ ત્યાં કામ શરૂ કર્યું એના થોડા જ સમય પછી ફોલાની માતા તેઓને મળવા આવી. માતાને એક એવી ચિંતા સતાવતી હતી કે જેના કારણે તે રાત્રે ઊંઘી શકતી નહોતી. છેવટે, એ વિષે વાત કરવા તે લાંબી મુસાફરી કરીને તેઓ પાસે આવી પહોંચી.

ફોલાની માતાએ તેઓને કહ્યું, “તમે મારા માટે ઘણું કરો છો. તમે મને ભેટો મોકલો છો અને મને મળવા પણ આવો છો. તમે મારા પ્રત્યે જે પ્રેમ બતાવો છો એનાથી મને બહુ ખુશી થાય છે. પરંતુ મને ચિંતા પણ થાય છે, કેમ કે હું વિચારું છું કે તમે મારી ઉંમરના થશો ત્યારે આવું બધુ તમારા માટે કોણ કરશે? હવે તમારા લગ્‍નને બે વર્ષ થઈ ગયા છે, છતાં તમને કોઈ બાળક નથી. શું તમને નથી લાગતું કે હવે તમારે બેથેલ છોડીને કુટુંબ વધારવું જોઈએ?”

માતાએ આ રીતે દલીલ કરી: ડેલ અને ફોલાએ બેથેલ સેવામાં પૂરતો સમય આપ્યો છે. પરંતુ હવે તેઓએ પોતાના ભવિષ્ય વિષે વિચારવું જોઈએ. તેઓનું કામ બીજાઓ કરી શકે. ડેલ અને ફોલાએ પૂરા સમયની સેવા છોડી દેવાની જરૂર નથી, પરંતુ તેઓ એવી પૂરા સમયની સેવા પસંદ કરી શકે કે જેમાં બાળકો રાખી શકે અને માબાપ બનવાનો આનંદ પણ અનુભવી શકે.

માતાની ચિંતા

માતાની ચિંતા સમજી શકાય એમ છે. પેઢીઓથી બધા જ સમાજમાં બાળકો હોવા એ પ્રાથમિક જરૂરિયાત ગણાય છે. બાળકો હોવાથી ખુશી અને આશાની એક સંતોષકારક લાગણી પેદા થાય છે. બાઇબલ કહે છે, “પેટનાં ફરજંદ તેના તરફનું પ્રતિદાન છે.” હા, બાળકો હોવા એ આપણા પ્રેમાળ ઉત્પન્‍નકર્તા તરફથી એક મૂલ્યવાન ભેટ છે.—ગીતશાસ્ત્ર ૧૨૭:૩.

ઘણા સમાજોમાં, યુગલોને બાળકો પેદા કરવા દબાણ કરવામાં આવે છે. દાખલા તરીકે, નાઇજીરિયામાં એક સ્ત્રી સરેરાશ છ બાળકોને જન્મ આપે છે. લગ્‍ન સમયે શુભેચ્છકો નવદંપતિને આ રીતે શુભેચ્છા પાઠવે એ સામાન્ય છે: “નવ મહિના પછી, તમારા ઘરમાં બાળક રડતું હોય એ સાંભળવાની અમે અપેક્ષા રાખીએ છીએ.” લગ્‍નભેટ તરીકે, યુગલને ઘોડિયું પણ મળી શકે. સાસુ કૅલેન્ડર જોઈને મહિનાઓ ગણવા લાગી જાય છે. એક વર્ષ કે તેથી થોડા જ સમયમાં વહુ સગર્ભા ન બને તો, સાસરીવાળા પૂછપરછ શરૂ કરી દે છે કે કંઈક સમસ્યા છે કે શું, જેથી તેઓ મદદ કરી શકે.

ઘણી માતાઓનું એમ માનવું છે કે યુગલો ફક્ત બાળકો પેદાં કરવાં અને વંશવેલો આગળ વધારવા જ લગ્‍ન કરે છે. ફોલાને તેની માતાએ કહ્યું: “તારે બાળકો જોઈતા ન હોય તો, શા માટે તેં લગ્‍ન કર્યું? કોઈએ તને જન્મ આપ્યો; તારે પણ તારા પોતાનાં બાળકોને જન્મ આપવો જોઈએ.”

આ ઉપરાંત, કેટલીક વ્યવહારુ બાબતો પણ વિચારવી જોઈએ. આફ્રિકાના ઘણા દેશોમાં, વૃદ્ધ લોકોની કાળજી લેવા માટે સરકાર તરફથી ભાગ્યે જ કોઈ વ્યવસ્થા હોય છે. તેથી સામાન્ય રીતે એવી પ્રથા છે કે બાળકો જ વૃદ્ધ માબાપની કાળજી લે. એનું કારણ એ છે કે બાળકો નાનાં હતા ત્યારે માબાપે તેઓની કાળજી લીધી હતી. તેથી ફોલાની માતાએ તેઓ સામે દલીલ કરી કે તેઓને બાળકો નહિ હોય તો, તેઓ વૃદ્ધ બનશે ત્યારે એકલા અને નિરાધાર થઈ જશે. તેઓને લાગશે કે પોતાની કોઈ જરૂર નથી, તેઓ મરી જાય ત્યારે દાટવાવાળું પણ કોઈ નહિ હોય.

મોટા ભાગે આફ્રિકામાં, કોઈને બાળકો ન હોય તો એ શ્રાપ માનવામાં આવે છે. અરે, કેટલાક વિસ્તારોમાં તો, સ્ત્રીઓ પાસે લગ્‍ન પહેલા જ બાળકો પેદા કરવાની ક્ષમતા પુરવાર કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. ગર્ભ ધારણ ન કરી શકનાર સ્ત્રીઓ પોતાના વંધ્યત્વને નિવારવા પાગલપણે દવા અને ઇલાજ શોધે છે.

આ દૃષ્ટિએ જોતા, લગ્‍ન પછી યુગલો જો જાણીજોઈને બાળકો પેદા ન કરે તો તેઓને પોતાને સારી બાબતોથી વંચિત રાખનારા ગણવામાં આવે છે. તેઓને વિચિત્ર, સંકુચિત મનના અને દયાને પાત્ર તરીકે જોવામાં આવે છે.

આનંદ સાથે જવાબદારી

યહોવાહના લોકોને ખબર છે કે બાળકોને જન્મ આપવાથી ખુશીની સાથે જવાબદારી પણ આવે છે. બાઇબલમાં ૧ તીમોથી ૫:૮ કહે છે: “પણ જે માણસ પોતાની ને વિશેષે કરીને પોતાના કુટુંબની સંભાળ રાખતો નથી, તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે, એમ સમજવું; તે તો અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે.”

માબાપે પોતાના કુટુંબની ભૌતિક અને આત્મિક બંને જરૂરિયાતો પૂરી પાડવી જોઈએ. પરંતુ એ માટે સમય અને પ્રયત્નની જરૂર છે. તેઓ એવું નથી વિચારતા કે પરમેશ્વરે બાળકો આપ્યાં છે તો તે જ તેઓનું પૂરું પાડશે. તેઓ જાણે છે કે બાઇબલ સિદ્ધાંતો અનુસાર બાળકોને ઉછેરવાની જવાબદારી પરમેશ્વરે તેઓને આપી છે. એ જવાબદારી બીજાઓના માથે નાખી દેવી જોઈએ નહિ.—પુનર્નિયમ ૬:૬, ૭.

આ “છેલ્લા સમયમાં સંકટના વખતો”માં બાળકોને ઉછેરવા સહેલું નથી. (૨ તીમોથી ૩:૧-૫) એક તો આર્થિક પરિસ્થિતિ કથળતી જાય છે અને એથી વધુ, લાકોનો પરમેશ્વર પ્રત્યેનો આદર ઘટતો જાય છે, આ કારણોસર આજે બાળકોને ઉછેરવાં એક પડકાર છે. એમ હોવા છતાં, આખા જગતમાં અગણ્ય ખ્રિસ્તી યુગલોએ આ પડકારોને ઝીલી લીધા છે. તેઓ બાળકોને પરમેશ્વરના “શિક્ષણમાં તથા બોધમાં” ઉછેરી રહ્યા છે. (એફેસી ૬:૪) યહોવાહ આ માબાપોને તેઓની મહેનત માટે આશીર્વાદ આપે છે.

શા માટે કેટલાક સ્વેચ્છાથી બાળકો વગરના રહે છે?

ઘણા ખ્રિસ્તી યુગલોને બાળકો નથી. તેઓમાં કેટલાકને બાળકો પેદાં કરવાની ક્ષમતા હોતી નથી છતાં તેઓ બાળકોને દત્તક લેતા નથી. જ્યારે કે બીજાઓમાં એ ક્ષમતા હોવા છતાં, તેઓએ બાળકો વગરના રહેવાનું નક્કી કર્યું છે. એનું કારણ એ નથી કે તેઓ જવાબદારીથી અથવા માબાપ બનવાના પડકારોથી ગભરાઈ જાય છે. એને બદલે, તેઓ પરમેશ્વરની પૂરા સમયની સેવા કરવામાં પોતાનું પૂરું ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. જો બાળકો હોય તો તેઓ એમ કરી શકે નહિ. કેટલાક મિશનરિ તરીકે સેવા આપે છે. જ્યારે કે બીજાઓ પ્રવાસી કામમાં કે બેથેલમાં સેવા કરે છે.

બધા ખ્રિસ્તીઓની જેમ, તેઓ પણ જાણે છે કે અત્યારના સમયમાં આ જ અગત્યનું કામ છે. ઈસુએ કહ્યું: “અને સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારૂ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.” આજે આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. એ મહત્ત્વનું કામ છે, કેમ કે સુસમાચારને નહિ સાંભળનારાઓ પર “અંત” એટલે કે વિનાશ આવી પડશે.—માત્થી ૨૪:૧૪; ૨ થેસ્સાલોનીકી ૧:૭, ૮.

નુહ અને તેમનું કુટુંબ જે સમયમાં તેઓને બચાવનાર વિશાળકાય વહાણ બનાવી રહ્યા હતા, એવા જ સમયમાં આપણે પણ જીવી રહ્યા છીએ. (ઉત્પત્તિ ૬:૧૩-૧૬; માત્થી ૨૪:૩૭) નુહના ત્રણેય પુત્રોના લગ્‍ન થયેલા હતા, છતાં જળપ્રલય આવ્યો ત્યાં સુધી તેઓએ બાળકો પેદાં કર્યાં નહિ. એનું એક કારણ એ હતું કે આ યુગલો પોતાનું પૂરું ધ્યાન અને શક્તિ વહાણ બનાવવામાં આપવા માંગતા હતા. બીજું કારણ એ પણ હોય શકે કે તેઓ આવા ભ્રષ્ટ અને હિંસક જગતમાં બાળકો પેદાં કરવા માંગતા ન હતા. કેમ કે એ જગતમાં “માણસની ભૂંડાઇ . . . ઘણી થઇ, ને તેઓનાં હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ” હતી.—ઉત્પત્તિ ૬:૫.

એનો અર્થ એ નથી થતો કે આજે બાળકો પેદાં કરવાં ખોટું છે. ઘણાં યુગલો યહોવાહ પરમેશ્વરે પોતાના લોકોને જે કામ સોંપ્યું છે એ તાકીદના કામ પર પૂરતું ધ્યાન આપી શકે માટે બાળકો ઇચ્છતા નથી. કેટલાંક યુગલો લાંબે ગાળે બાળકો પેદાં કરે છે. જ્યારે અમુકે બાળકો પેદા નહિ કરવાનું નક્કી કર્યું છે. તેઓ યહોવાહ પરમેશ્વરની નવી દુનિયામાં બાળકો ઇચ્છે છે. શું એ સંકુચિત દૃષ્ટિ છે? શું તેઓ જીવનમાં કંઈક ગુમાવે છે? શું તેઓ દયાપાત્ર છે?

સલામત અને સુખી જીવન

શરૂઆતમાં જેનો ઉલ્લેખ કર્યો એ ડેલ અને ફોલાને લગ્‍ન કર્યે દસ વર્ષ થયાં છે. છતાં તેઓએ સ્વેચ્છાથી બાળકો વગરના રહેવાનું નક્કી કર્યું છે. ડેલ કહે છે, “અમારા સગાસંબંધીઓ હજુ પણ અમને બાળકો થાય એ માટે દબાણ કરે છે. તેઓ અમારા ભવિષ્ય વિષે ચિંતા કરે છે. તેઓ અમારા માટે ચિંતા કરે છે એની અમે હંમેશા કદર વ્યક્ત કરીએ છીએ, પરંતુ અમે કુનેહથી જણાવી દઈએ છીએ કે અમે જે કરીએ છીએ એમાં ખૂબ ખુશ છીએ. સલામતીની વાત આવે છે ત્યારે, અમારો ભરોસો યહોવાહમાં છે, કેમ કે તે વફાદાર અને પ્રમાણિક લોકોના ભલા માટે કાળજી લે છે. અમે એ પણ જણાવીએ છીએ કે બાળકો હોવાનો એ અર્થ નથી કે માબાપ વૃદ્ધ થશે ત્યારે બાળકો તેઓની કાળજી લેશે જ. કેમ કે ઘણા લોકો માબાપ માટે કંઈ જ કરતા નથી. ઘણા લોકો મદદ કરવાની સ્થિતિમાં હોતા નથી, જ્યારે કે બીજાઓ પોતાના માબાપ પહેલા મરી જાય છે. બીજી તર્ફે આપણું ભવિષ્ય યહોવાહના હાથમાં સલામત છે.”

ડેલ અને તેમના જેવા બીજાઓ, પોતાના વફાદાર સેવકોને યહોવાહે આપેલા આ વચનમાં ભરોસો મૂકે છે: “હું તને કદી મૂકી દઈશ નહિ, અને તને તજીશ પણ નહિ.” (હેબ્રી ૧૩:૫) તેઓ એ પણ માને છે કે “યહોવાહનો હાથ એટલો ટૂંકો થઇ ગયો નથી કે તે બચાવી ન શકે; અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે.”—યશાયાહ ૫૯:૧.

પોતાના સેવકોને યહોવાહે કઈ રીતે બચાવ્યા એ જોવાથી પણ પરમેશ્વરમાં ભરોસો વધે છે. દાઊદ રાજાએ લખ્યું: “હું જુવાન હતો, અને હવે ઘરડો થયો છું; પણ ન્યાયીને તજેલો કે તેનાં સંતાનને ભીખ માગતાં મેં જોયાં નથી.” શું તમે યહોવાહના કોઈ વિશ્વાસુ સેવકને “તજેલો” જોયો છે?—ગીતશાસ્ત્ર ૩૭:૨૫.

યહોવાહ અને સાથી ખ્રિસ્તીઓની સેવા કરવામાં વિતાવેલાં વર્ષો માટે ખેદ વ્યક્ત કરવાને બદલે, આવાં યુગલો સંતોષની લાગણી અનુભવે છે. ઈરો ઉમાહ નામના એક ભાઈએ ૪૫ વર્ષ સુધી પૂરા સમયની સેવા કરી, અને હવે નાઇજીરિયામાં પ્રવાસી નિરીક્ષક તરીકે સેવા કરી રહ્યા છે. તે કહે છે: “અમારે બાળકો નથી, છતાં અમે હંમેશા યાદ રાખીએ છીએ કે યહોવાહ આત્મિક અને ભૌતિક રીતે હંમેશા અમારી કાળજી લે છે. અમે કશું જ ગુમાવ્યું નથી. અમે વૃદ્ધ થઈશું તોપણ તે અમને છોડી દેશે નહિ. પૂરા સમયની સેવામાં વિતાવેલાં આ વર્ષો અમારા જીવનના સૌથી સુખી વર્ષો પુરવાર થયાં છે. અમે અમારા ભાઈઓની સેવા કરી શકીએ છીએ માટે આભારી છીએ, અને ભાઈઓ પણ અમારી સેવાની કદર કરે છે, સાથે અમને મદદ પણ કરે છે.”

ઘણાં યુગલોને પોતાનાં બાળકો નથી, છતાં તેઓ યહોવાહની ઉપાસના કરતા ખ્રિસ્તી બાળકો ધરાવે છે. પ્રેષિત યોહાને ૧૦૦ વર્ષની વયે લખ્યું: “જ્યારે મારા સાંભળવામાં આવે છે કે મારાં બાળકો સત્યમાં ચાલે છે, ત્યારે એ કરતાં બીજાથી મને મોટો આનંદ થતો નથી.” (૩ યોહાન ૪) આમ યોહાને પોતે સત્ય આપ્યું તેઓને પોતાનાં “બાળકો” કહ્યા, એ બાળકોની વફાદારી જોઈને તેમને ખૂબ આનંદ થયો.

આજે પણ એવો જ આનંદ જોવા મળે છે. નાઇજીરિયાના બહેન બરનીસ ૧૯ વર્ષોથી લગ્‍નજીવનનો આનંદ માણે છે, છતાં તેમણે બાળકો પેદા નહિ કરવાનું પસંદ કર્યું છે. છેલ્લા ૧૪ વર્ષોથી તેમણે પાયોનિયર તરીકે સેવા આપી છે. હવે તે બાળકોને જન્મ આપવાની ઉંમર વટાવી ચૂક્યા છે છતાં, શિષ્યો બનાવવાના કાર્યમાં પોતાનું જીવન આપ્યું છે એ માટે તે ખેદ વ્યક્ત કરતા નથી. બરનીસ કહે છે: “મારા આત્મિક બાળકોને વધતા જોઈને મને ખૂબ આનંદ થાય છે. આ બાળકો મારાથી એટલા નજીક છે કે મને શંકા થાય છે કે મારા પોતાનાં બાળકો હોત તો શું તેઓ મારી આટલી નજીક હોત કે કેમ. આ મારાં આત્મિક બાળકો મારી સાથે પોતાની માતાની જેમ વર્તે છે, પોતાની ખુશી મારી સમક્ષ વ્યક્ત કરે છે અને પોતાની સમસ્યાઓમાં મારી સલાહ માંગે છે. તેઓ મને પત્રો લખે છે, અને અમે એકબીજાની મુલાકાત લઈએ છીએ.

“બાળકો નહિ હોવાને ઘણા શ્રાપ માને છે. તેઓનું કહેવું છે કે તમે તમારી વૃદ્ધાવસ્થામાં દુઃખ ભોગવશો. પરંતુ હું એ દૃષ્ટિએ જોતી નથી. હું જાણું છું કે જ્યાં સુધી હું યહોવાહની પૂરા હૃદયથી ઉપાસના કરીશ ત્યાં સુધી, તે જરૂર મને બદલો આપશે અને મારી કાળજી રાખશે. હું વૃદ્ધ થઈશ તોપણ તે મને છોડી દેશે નહિ.”

પરમેશ્વરની નજરમાં મૂલ્યવાન અને પ્રેમ પામેલાઓ

જેઓને બાળકો છે અને “સત્યમાં ચાલે છે,” તેઓએ યહોવાહનો વધુ આભાર માનવો જોઈએ. કેમ કે બાઇબલ કહે છે: “નેકીવાન દીકરાનો બાપ ઘણો હરખાશે; અને જે શાણો છોકરો હશે તે તેના જન્મ દેનારને આનંદ આપશે. તારા બાપને તથા તારી માને ખુશ રાખ, અને તારી જનેતાને હરખ પમાડ.”—નીતિવચન ૨૩:૨૪, ૨૫.

જે યુગલોએ બાળકો પેદાં કર્યાં નથી તેઓને બીજી રીતે આશીર્વાદો આપવામાં આવ્યા છે. આવાં યુગલોએ રાજ્ય હિતોમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા વધુ કરી શકે એ માટે પ્રાર્થના કરી છે. વર્ષોથી, તેઓએ અનુભવ, ડહાપણ અને કુશળતા મેળવી છે જેનાથી તેઓ રાજ્ય કામમાં મૂલ્યવાન ફાળો આપી શક્યા છે. તેઓમાંના ઘણા આ કામમાં ખૂબ જ આગળ પડતા છે.

તેઓ રાજ્ય હિતોને કારણે બાળકો વગરના રહ્યા છે છતાં, યહોવાહ પરમેશ્વરે તેઓને પ્રેમાળ આત્મિક કુટુંબથી આશીર્વાદિત કર્યાં છે. આ કુટુંબ તેઓની સેવાની અને તેઓએ કરેલાં બલિદાનોની કદર કરે છે. એ ઈસુએ કહ્યું એના જેવું છે: ‘જે કોઈએ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાના ઘરને કે ભાઈઓને કે બહેનોને કે માને કે બાપને કે છોકરાંને કે ખેતરોને [શાબ્દિક રીતે, છોડી દીધા હશે], તે હમણાં આ કાળમાં સોગણાં ઘરોને તથા ભાઈઓને તથા બહેનોને તથા માઓને તથા છોકરાંને તથા ખેતરોને, સતાવણી સુદ્ધાં, તથા આવતા કાળમાં અનંતજીવન, પામ્યા વગર રહેશે નહિ.’—માર્ક ૧૦:૨૯, ૩૦.

યહોવાહની નજરમાં બધા જ વિશ્વાસુઓ બહુ મૂલ્યવાન છે! આવા દરેક વફાદાર લોકોને, ભલે બાળકો હોય કે ન હોય, પાઊલ ખાતરી આપે છે: “દેવ તમારા કામને તથા તેના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે, અને સંતોની જે સેવા કરી છે, અને હજુ કરો છો, તેને વિસરે એવો અન્યાયી નથી.”—હેબ્રી ૬:૧૦.

[ફુટનોટ]

^ નામો બદલવામાં આવ્યાં છે.

[પાન ૨૩ પર ચિત્રો]

બાળકો વિનાનાં યુગલોને પ્રેમાળ આત્મિક કુટુંબથી આશીર્વાદિત કરવામાં આવ્યાં છે