શા માટે સત્તાને માન આપવામાં આવતું નથી?
શા માટે સત્તાને માન આપવામાં આવતું નથી?
“આખા જગતમાં ધાર્મિક, દુન્યવી, સામાજિક અને સરકારી સત્તાનો અનાદર થતો જોવા મળે છે. કદાચ એક દિવસે છેલ્લા દસેક વર્ષનો હિસાબ લેવામાં આવશે.”
ઇતિહાસકાર અને ફિલસૂફ હાન્ના એરેન્ટે ઉપરના શબ્દો કહ્યા, એને આજે ૪૦થી વધારે વર્ષો થયાં છે. એ બતાવે છે કે, આજે સત્તા પ્રત્યેનો અનાદર દિવસે દિવસે વધતો જાય છે.
દાખલા તરીકે, તાજેતરમાં લંડનના ધ ટાઇમ્સ છાપામાં એક અહેવાલ જણાવે છે: “કેટલાંક માબાપ પોતાના બાળકના શિક્ષકની સત્તાને સ્વીકારતા નથી. તેમ જ બાળકને શિસ્ત આપવામાં આવે ત્યારે તેઓ ફરિયાદ કરે છે.” ઘણી વાર તો બાળકોને શાળામાં શિસ્ત આપવામાં આવે છે ત્યારે, માબાપો શિક્ષકોને ફક્ત ધમકી આપવા જ નહિ પરંતુ મારવા દોડે છે.
બ્રિટનની શાળાના યુનિયનના એક વક્તાને ટાંકતા લેખક માર્ગરેટ ડ્રીસકોલે આમ લખ્યું: “‘એ મારી જવાબદારી છે’ એમ કહેવાને બદલે લોકો કહે છે કે ‘એ મારો હક્ક છે.’” એ ઉપરાંત કેટલાંક માબાપો પોતાનાં બાળકોને સત્તાનો યોગ્ય ડર રાખતા શીખવતા નથી. કેટલાક તો તેઓને સુધારતા પણ નથી, અને બીજાઓ સુધારે તો તેઓને ગમતું નથી. વળી, બાળકો પોતાનો “હક્ક” માગતા હોવાથી માબાપ અને શિક્ષકોનું જરાય માનતા નથી. તેથી “નવી પેઢીને સત્તા પ્રત્યે જરાય માન નથી, તેમ જ તેઓને સાચા-ખોટા વિષે બહું ઓછો ખ્યાલ હોય છે.”
ટાઇમ સામયિકમાં “બગડી ગયેલી પેઢી” તરીકે એક લેખ હતો. એમાં બતાવ્યા પ્રમાણે, રશિયામાં કેટલાક યુવાનિયાઓ પ્રખ્યાત સંગીત કલાકારના શબ્દો ટાંકતા કહે છે: “આ જગતમાં કશું પણ લાંબો સમય ટકતું નથી, ક્યાંય ન્યાય નથી, એમાં કઈ રીતે ભરોસો મૂકી શકાય?” સમાજશાસ્ત્રી મીખાએલ ટોપાલોવ એની સાથે સહમત થતાં કહે છે: “આ યુવાનો કંઈ મૂર્ખ નથી. સરકાર તેઓના મા-બાપને જૂઠું બોલીને છેતરી ગઈ છે. તેથી યુવાનોએ પોતાનાં માબાપને નોકરી અને બચત ગુમાવતા જોયા છે. એ થયા પછી શું આપણે એવી અપેક્ષા રાખી શકીએ કે તેઓ સરકારને માન આપે?”
છતાં એવો નિષ્કર્ષ કાઢવો ખોટું છે કે, ફક્ત યુવાનો જ સત્તા કે સરકાર પર ભરોસો કરતા નથી. આજે, સર્વ લોકોને કોઈ પણ પ્રકારની સત્તા પર ભરોસો નથી, એ ઉપરાંત તેઓ એને ધિક્કારે છે. તો શું એનો એવો અર્થ થાય કે કોઈ પણ સત્તા પર ભરોસો ન મૂકી શકાય? જો સત્તાનો સદુપયોગ કરવામાં આવે તો એની આ રીતે વ્યાખ્યા આપી શકાય: “અંકુશમાં રાખવાનો અથવા સત્તા ચલાવવાનો હક્ક, ન્યાય કરવાનો કે બીજાઓને રોકવાનો હક્ક,” જેનાથી લોકોનું ઘણું ભલું થઈ શકે છે. એનાથી પોતાને અને સમાજને પણ લાભ થઈ શકે છે. હવે પછીનો લેખ બતાવશે કે, એમ કઈ રીતે થઈ શકે.