પ્રેમ વિનાનું જગત
પ્રેમ વિનાનું જગત
“લોકો જેઓને ધિક્કારે છે તેઓને સમજી શકતા નથી.”—જેમ્સ રસેલ લોવૈલ, રાજદૂત અને નિબંધકાર.
આજે જ્યાં જુઓ ત્યાં ધિક્કાર કે નફરત જોવા મળે છે. ધિક્કાર વિષે વિચારીએ તો સૌ પ્રથમ કોસોવો, પૂર્વ ટિમોર, લાઇબીરિયા, લિટલટન અને સરજેવો જેવા દેશો તેમ જ નાઝીવાદ કે કાળા-ધોળાનો ભેદભાવ બતાવતા લોકોના નામો યાદ આવે છે. અને તરત જ આંખો સમક્ષ ખૂનામરકીના કારણે ચારે બાજુ લાશોના ભયંકર દૃશ્યો આવી જાય છે.
એક જમાનામાં લોકો શાંતિપૂર્ણ જગતની આશા રાખતા હતા. પરંતુ, હિંસાના કારણે તેઓનું એ સ્વપ્ન વેરવિખેર થઈ ગયું છે. ફ્રાંસના એક ભૂતપૂર્વ પ્રમુખના પત્ની દાનીયેલ મીત્તરેન્ડ, પોતાની યુવાનીના દિવસો યાદ કરતા કહે છે: “લોકો એક કુટુંબ જેવા સમાજમાં રહેવાની આશા રાખતા હતા. અમને ખાતરી હતી કે એવો સમય આવશે જ્યારે લોકો એકબીજા પર ભરોસો કરશે. લોકો હળીમળીને એકબીજા સાથે રહેતા હશે અને સારી તંદુરસ્તીનો આનંદ માણતા હશે. અમે શાંતિભર્યા અને ઉદાર જગતમાં રહેવાના સ્વપ્ન જોતા હતા.” પરંતુ શું એ પૂરાં થયા? તે દુઃખી થતા કહે છે: “અડધી સદી પછી અમારાં સ્વપ્ના ચૂરચૂર થઈ ગયા છે.”
આજે ધિક્કાર ખૂબ જ ભળકી ઊઠ્યો છે. એના વિષે આંખ આડા કાન કરવા ન જોઈએ. એ દિવસે દિવસે સળગતી આગની જેમ ફેલાઈ રહ્યો છે. વળી, લાખો લોકો માટે સલામતીની કોઈ આશા નથી. કેમકે દિવસે દિવસે જગત વધારે હિંસક થતું જાય છે. કદાચ આપણા ઘરોમાં કે આજુબાજુ ધિક્કારનું પ્રમાણ ઓછું હોય તોપણ, દુનિયામાં ઘણી જગ્યાઓએ એનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે. એ આપણે દરરોજ ફિલ્મોમાં અને દેશ-વિદેશના સમાચારોમાં જોઈએ છીએ. હવે તો ઇંટરનેટ પર પણ ધિક્કાર જોવા મળે છે. થોડાં ઉદાહરણોનો વિચાર કરો.
છેલ્લા દસેક વર્ષથી રાષ્ટ્રવાદ ખૂબ જ વધી ગયો છે. હાર્વડ સેન્ટર ફોર ઇન્ટરનૅશનલ અફેર્સના નિર્દેશક જોસફ એસ. નાઈ, જુનિયર કહે છે, “રાષ્ટ્રવાદની ભાવના લોકોના હૃદયમાં ઘર કરી ગઈ છે. આખી પૃથ્વીમાં એકતાને બદલે ભાગલા પડી રહ્યા છે. એના કારણે અશાંતિ વધી રહી છે.”
આપણા દેશ કે સમાજમાં પણ ધિક્કાર કે તિરસ્કાર અનેક પ્રકારે જોવા મળે છે જેનાથી આપણે અજાણ હોઈ શકીએ. કૅનેડામાં પાંચ બળવાખોરોએ એક મોટી ઉંમરની શીખ વ્યક્તિને મારી નાખી. “એનાથી કેટલાકને એવું લાગવા માંડ્યું કે, જે દેશ જ્ઞાતિય ભેદભાવમાં માનતા નથી ત્યાં પણ હવે આવા ગુના થવા લાગશે.” થોડાં વર્ષો પહેલાં જર્મનીમાં આવા ગુનાઓ બહુ ઓછા પ્રમાણમાં થતા હતા. છતાં, ૧૯૯૭માં ત્યાં જ્ઞાતિય ગુનાઓમાં અચાનક ૨૭ ટકાનો વધારો થયો છે. ત્યાંના ગૃહમંત્રી માનફ્રેડ કાનથરે કહ્યું કે “એ ઘણી જ દુઃખદ બાબત છે.”
ઉત્તર આલ્બેનિયાના એક અહેવાલ મુજબ, ૬,૦૦૦ કરતાં વધારે બાળકો કૌટુંબિક દુશ્મનોના ભયથી ઘરમાં કેદીની જેમ પૂરાયેલા રહે છે. આ બાળકો વર્ષો જૂના ઝગડાનો ભોગ બન્યા છે. પરિણામે, “હજારો કુટુંબો માટે જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે.”
યુનાઈટેડ સ્ટેટ્સના પોલીસ રિપોર્ટ પ્રમાણે, “વર્ષ ૧૯૯૮માં, ૭,૭૫૫ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. એમાંના લગભગ અડધાથી પણ વધારે ગુના જ્ઞાતિય ભેદભાવના કારણે આચરવામાં આવ્યા હતા.” એમાંના કેટલાક ગુનાઓ ધર્મ, રાષ્ટ્રવાદ, જ્ઞાતિ કે અપંગ હોવાના કારણે થયા હતા.એ ઉપરાંત શરણાર્થીઓ પ્રત્યે પણ લોકોનો અણગમો વધતો જાય છે જે આપણે દરરોજ છાપામાં જોઈએ છીએ. આજે દુનિયામાં શરણાર્થીઓની સંખ્યા લગભગ ૨.૧ કરોડ જેટલી છે. કહેતાં દુઃખ થાય છે કે, મોટા ભાગે યુવાન લોકો શરણાર્થીઓને ધિક્કારતા હોય છે. આ યુવાનો નેતાઓના હાથમાં કઠપૂતળી બની ગયા છે. વળી, ધિક્કાર બતાવવાના બીજા ચિહ્નો પણ છે જે આપણે જોઈ શકતા નથી, જેમ કે અવિશ્વાસ, અસહિષ્ણુતા અને વિદેશીઓ પ્રત્યે લઘુતાગ્રંથિ.
પરંતુ લોકોના હૃદયમાં ફેલાયેલા ધિક્કાર માટે કયા કારણો ભાગ ભજવે છે? એ કઈ રીતે દૂર થઈ શકે? હવે પછીનો લેખ આ પ્રશ્નોની ચર્ચા કરશે.
[પાન ૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
Daud/Sipa Press