સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહની રાહ જુઓ!

યહોવાહની રાહ જુઓ!

યહોવાહની રાહ જુઓ!

“હું મારૂં તારણ કરનાર દેવની વાટ જોઈશ; મારો દેવ મારૂં સાંભળશે.”—મીખાહ ૭:૭.

૧, ૨. (ક) ઈસ્રાએલીઓએ અરણ્યમાં કેવું ખોટું વલણ બતાવ્યું? (ખ) આપણે યોગ્ય વલણ નહિ રાખીએ તો શું થઈ શકે?

 દરેકના જીવનમાં સુખ-દુઃખ આવે છે. એ વિષે આપણે જેવું વલણ રાખીએ, એવી જીવન પર એની અસર પડે છે. અરણ્યમાં ઈસ્રાએલીઓને માન્‍ના નામનો ખોરાક આપવામાં આવ્યો, જે એક ચમત્કાર હતો. તેઓની આસપાસનો ઉજ્જડ પ્રદેશ જોતા, એ ખોરાક માટે તેઓએ યહોવાહ પરમેશ્વરના ખૂબ જ આભારી થવાની જરૂર હતી. એનાથી તેઓ પોતાની કદર બતાવી શક્યા હોત. એને બદલે, તેઓએ મિસરમાં મળતો જાતજાતનો ખોરાક યાદ કર્યો અને ફરિયાદ કરી કે, માન્‍ના સામે તો જોવાનું પણ ગમતું નથી. તેઓનું વલણ કેવું ખોટું હતું!—ગણના ૧૧:૪-૬.

આપણે પણ ક્યાં તો આનંદી વલણ રાખી શકીએ કે પછી હંમેશા રોદણાં રડતા હોય શકીએ. આપણું વલણ યોગ્ય નહિ હોય તો, આપણે સહેલાઈથી આનંદ ગુમાવી દઈશું. એ વિચારવા જેવું છે, કારણ કે નહેમ્યાહે કહ્યું: “યહોવાહનો આનંદ તેજ [આપણું] સામર્થ્ય છે.” (નહેમ્યાહ ૮:૧૦) દરેક સંજોગમાં સારું જોવાથી આપણે પોતે વિશ્વાસમાં દૃઢ બનીશું. એનાથી મંડળમાં શાંતિ અને એકતા વધશે.—રૂમી ૧૫:૧૩; ફિલિપી ૧:૨૫.

૩. મુશ્કેલ સમયમાં પણ યોગ્ય વલણ રાખવાથી યિર્મેયાહને કેવી મદદ મળી?

યિર્મેયાહ મુશ્કેલ સમયમાં જીવતા હતા, છતાં તેમણે સરસ વલણ બતાવ્યું. અરે, જાણે ભયાનક સ્વપ્નની જેમ તેમણે યરૂશાલેમનો વિનાશ જોયો ત્યારે પણ તેમણે યોગ્ય વલણ જાળવી રાખ્યું. તેમને ખાતરી હતી કે, યહોવાહ ઈસ્રાએલ રાષ્ટ્રને ભૂલી જશે નહિ, તે જરૂર તેઓનો બચાવ કરશે. યિર્મેયાહે લખ્યું: “યહોવાહની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી, કેમકે તેની દયા અખૂટ છે. તે દર સવારે નવી થાય છે; તારૂં વિશ્વાસુપણું મહાન છે.” (યિર્મેયાહનો વિલાપ ૩:૨૨, ૨૩) આમ, પરમેશ્વરના અગાઉના સેવકોએ અઘરા સંજોગોમાં પણ ખરું, અને આનંદી વલણ રાખ્યું હતું.—૨ કોરીંથી ૭:૪; ૧ થેસ્સાલોનીકી ૧:૬; યાકૂબ ૧:૨.

૪. ઈસુએ કેવું વલણ રાખ્યું અને કઈ રીતે એનાથી તેમને મદદ મળી?

યિર્મેયાહથી ૬૦૦ વર્ષ પછી, ઈસુને પણ યોગ્ય વલણ રાખવાથી મદદ મળી. હેબ્રી ૧૨:૨ જણાવે છે: ‘ઈસુએ પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણસ્તંભનું દુઃખ સહન કર્યું, અને તે દેવના રાજ્યાસનની જમણી તરફ બેઠેલા છે.’ ઈસુએ સખત વિરોધ અને સતાવણી સહેવા પડ્યા. અરે, તેમણે સ્તંભ પર ખૂબ જ પીડા ભોગવવી પડી. છતાં તેમણે ‘પોતાની આગળ મૂકેલા આનંદ’ પર નજર રાખી. એ યહોવાહ પરમેશ્વરની સર્વોપરિતાને દોષમુક્ત કરવાનો અને તેમના નામને પવિત્ર મનાવવાનો આનંદ હતો. તેમ જ, ભાવિમાં યહોવાહની ઇચ્છા પ્રમાણે જીવનારા માટે મોટા આશીર્વાદો લાવવાનો આનંદ હતો.

રાહ જુઓ

૫. રાહ જોવાથી કઈ રીતે મદદ મળી શકે, એનો એક દાખલો આપો.

આપણે ઈસુ ખ્રિસ્ત જેવું વલણ કેળવીએ તો, ભલેને આપણે આશા રાખતા હોય એમ ન બને, તોપણ આપણે યહોવાહની ભક્તિ કરવાનો આનંદ ગુમાવીશું નહિ. ઈશ્વરભકત મીખાહે કહ્યું: “હું તો યહોવાહ તરફ જોઈ રહીશ; હું મારૂં તારણ કરનાર દેવની વાટ જોઈશ.” (મીખાહ ૭:૭; યિર્મેયાહનો વિલાપ ૩:૨૧) આપણે પણ એવું જ વલણ રાખવું જોઈએ. દાખલા તરીકે, આપણને એમ લાગે કે કોઈ જવાબદાર ભાઈએ ભૂલ કરી છે, જે સુધારવાની જરૂર છે. યોગ્ય વલણ આપણને રાહ જોવા અને વિચારવા મદદ કરશે કે, ‘શું ખરેખર એ ભાઈની ભૂલ છે, કે પછી સમજવામાં મારી ભૂલ થાય છે? તેમની ભૂલ હોય તોપણ, સુધારો કરવાની તેમની ઇચ્છા જોઈને, યહોવાહ પરમેશ્વર એ ચાલવા દેતા હોય શકે. તેથી, કોઈ કડક પગલાં લેવાની જરૂર ન પણ હોય.’

૬. પોતાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે રાહ જોવાથી કઈ રીતે મદદ મળે છે?

આપણે કોઈ સમસ્યા કે નબળાઈ સામે લડી રહ્યા હોઈએ ત્યારે, રાહ જોવી જરૂરી હોય છે. ધારો કે આપણે યહોવાહ પરમેશ્વરની મદદ માંગીએ, છતાં પણ હજુ સમસ્યા ચાલુ જ હોય તો, આપણે શું કરીશું? એ સમસ્યાનો ઉકેલ લાવવા બનતું બધું જ કરીને, આપણે ઈસુના શબ્દોમાં પૂરો ભરોસો મૂકીએ: “માગો, તો તમને આપવામાં આવશે; શોધો, તો તમને જડશે; ઠોકો, તો તમારે સારૂ ઉઘાડવામાં આવશે.” (લુક ૧૧:૯) પ્રાર્થના કરતા રહો અને યહોવાહ કંઈ કરે એની રાહ જુઓ. યોગ્ય સમયે અને તેમની રીતે યહોવાહ પરમેશ્વર તમારી પ્રાર્થનાનો જવાબ જરૂર આપશે.—૧ થેસ્સાલોનીકી ૫:૧૭.

૭. બાઇબલની મળતી સમજણ વિષે આપણે શા માટે ધીરજ રાખવી જોઈએ?

બાઇબલની ભવિષ્યવાણીઓ પૂરી થાય છે તેમ, આપણી સમજણ વધે છે. પરંતુ, કોઈક વખત આપણને લાગે કે અમુક સમજણ મેળવતા મોડું થયું છે. આપણા ધારેલા સમયે એ સમજણ ન મળે તો, શું આપણે રાહ જોઈએ છીએ? યાદ કરો યહોવાહ પરમેશ્વરે “ખ્રિસ્તના મર્મ” વિષે લગભગ ૪,૦૦૦ વર્ષો દરમિયાન જણાવ્યું. (એફેસી ૩:૩-૬) તેથી, શું આપણે અધીરા બનીએ, એ યોગ્ય છે? યહોવાહના લોકોને “વખતસર ખાવાનું” આપવા “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” નીમવામાં આવ્યો છે, એની આપણને કોઈ શંકા છે? (માત્થી ૨૪:૪૫) આપણે હમણાં બધું જ સમજી શકતા નથી, એટલે શું યહોવાહની સેવાનો આનંદ ગુમાવવો જોઈએ? ના. યહોવાહ જાણે છે કે ક્યારે અને કઈ રીતે પોતાના ‘મર્મો’ ખોલવા જોઈએ.—આમોસ ૩:૭.

૮. કઈ રીતે યહોવાહની ધીરજથી ઘણાને લાભ થાય છે?

અમુક ભાઈ-બહેનો નિરાશ થાય છે કે, પોતે વર્ષોથી યહોવાહની સેવા કરે છે છતાં, “યહોવાહનો મોટો તથા ભયંકર દિવસ” જોવા પોતે જીવતા રહેશે કે કેમ. (યોએલ ૨:૩૦, ૩૧) એમ હોય તો, તેઓ પીતરના શબ્દોમાંથી ઉત્તેજન મેળવી શકે. તેમણે કહ્યું કે, “આપણા પ્રભુની ધીરજને ઉદ્ધારની તક માનો.” (૨ પીતર ૩:૧૫, પ્રેમસંદેશ) યહોવાહની ધીરજે લાખો લોકોને સત્ય શીખવા સમય આપ્યો છે. શું એ ખુશીની વાત નથી? તેમ જ, યહોવાહ જે વધારે સમય ધીરજ રાખે, એ સમય આપણને ‘ભય તથા કંપારી સહિત આપણું તારણ સાધી લેવાની’ તક આપે છે.—ફિલિપી ૨:૧૨; ૨ પીતર ૩:૧૧, ૧૨.

૯. યહોવાહની સેવામાં બહુ કરી શકતા ન હોઈએ તો, રાહ જોવાથી આપણને કઈ મદદ મળશે?

ઘણા વિરોધ, બીમારી, ઘડપણ, કે બીજી મુશ્કેલીને લીધે યહોવાહની સેવામાં વધારે કરી શકતા નથી. એ સંજોગમાં પણ રાહ જોવાનું વલણ મદદ કરે છે. યહોવાહ ચાહે છે કે આપણે પૂરા દિલથી તેમની ભક્તિ કરીએ. (રૂમી ૧૨:૧) છતાં, એવું નથી કે, આપણે ન કરી શકીએ એ તે માંગે છે. ના, પરમેશ્વર યહોવાહ અને તેમના પુત્ર ઈસુ “અબળ તથા દરિદ્રી ઉપર દયા” રાખનારા છે. (ગીતશાસ્ત્ર ૭૨:૧૩) આમ, આપણને બનતું બધું કરવા ઉત્તેજન મળે છે. તેમ જ, આપણે ધીરજથી એવા સમયની રાહ જોઈએ, જ્યારે સંજોગો બદલાશે, ભલે એ આ જગતમાં કે આવનાર દુનિયામાં બને. યાદ રાખો કે, “દેવ તમારા કામને તથા તેના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે, એને સંતોની જે સેવા કરી છે, અને હજુ કરો છો, તેને વિસરે એવો અન્યાયી નથી.”—હેબ્રી ૬:૧૦.

૧૦. ધીરજ રાખવાથી શું ટાળી શકાય?

૧૦ રાહ જોવાનું વલણ આપણને અહંકારથી દૂર રાખશે. યહોવાહનો વિરોધ કરનારા કેટલાક રાહ જોવા માંગતા ન હતા. તેઓને લાગ્યું કે બાઇબલની અમુક સમજણમાં કે સંગઠનમાં કંઈક સુધારાની જરૂર હતી. પરંતુ તેઓ એ ન સમજ્યા કે આપણા સમયે નહિ, પણ યહોવાહના યોગ્ય સમયે તેમનો પવિત્ર આત્મા વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકરને એ સુધારા કરવા પ્રેરણા આપશે. આપણા વિચારો પ્રમાણે નહિ, પણ યહોવાહ પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે સુધારા થશે. યહોવાહની વિરુદ્ધ જનારા અભિમાની બનીને વિચારો મચકોડે છે, અને ખોટે માર્ગે ચડે છે. પરંતુ તેઓએ ખ્રિસ્ત જેવું વલણ રાખ્યું હોત તો, યહોવાહની ભક્તિમાં તેઓનો આનંદ જાળવી રાખીને, આજે યહોવાહના લોકોમાંના એક હોત.—ફિલિપી ૨:૫-૮.

૧૧. આપણે રાહ જોવાનો સમય કઈ રીતે વાપરી શકીએ, અને કોનું અનુકરણ કરી શકીએ?

૧૧ જો કે રાહ જોવાનો અર્થ એવો નથી કે આપણે આળસુ બનીને બેસી રહીએ. આપણી પાસે પુષ્કળ કામ છે. દાખલા તરીકે, આપણે બાઇબલનો વધારે અભ્યાસ કરવાની જરૂર છે. જેથી, વફાદાર પ્રબોધકો અને સ્વર્ગદૂતોની જેમ યહોવાહ પરમેશ્વરના વચનોમાં ઊંડા ઊતરીએ. એ વિષે પીતર કહે છે: ‘પ્રબોધકોએ . . . તે તારણ વિષે ખંતથી તપાસીને શોધ કરી. . . . તે બાબતોની નિરીક્ષા કરવાની ઇચ્છા દૂતો પણ રાખે છે.’ (૧ પીતર ૧:૧૦-૧૨) ફક્ત બાઇબલનો અભ્યાસ જ નહિ, સભાઓમાં નિયમિત જવું અને પ્રાર્થના કરવી પણ ખૂબ જ જરૂરી છે. (યાકૂબ ૪:૮) યહોવાહ પરમેશ્વર વિષે વધુને વધુ જાણવા ચાહનારા બાઇબલનું નિયમિત જ્ઞાન લે છે, અને યહોવાહના સેવકોની સંગત રાખે છે. આમ, તેઓ ખ્રિસ્ત જેવું વલણ રાખે છે.—માત્થી ૫:૩.

ખરી હાલત સ્વીકારો

૧૨. (ક) આદમ અને હવા કઈ સ્વતંત્રતા ચાહતા હતા? (ખ) આદમ અને હવાને પગલે ચાલવાથી આજે માનવની શું હાલત થઈ છે?

૧૨ પરમેશ્વરે પ્રથમ માનવ યુગલ બનાવ્યું ત્યારે, ખરું-ખોટું નક્કી કરવાનો હક્ક તેઓને આપ્યો ન હતો. એ હક્ક તો ફક્ત યહોવાહનો જ હતો. (ઉત્પત્તિ ૨:૧૬, ૧૭) પરંતુ, આદમ અને હવા પરમેશ્વરથી સ્વતંત્ર જીવન ચાહતા હતા, જેનું પરિણામ આપણે આજના જગતમાં જોઈએ છીએ. પ્રેષિત પાઊલે કહ્યું: “જેમ એક માણસથી જગતમાં પાપ પેઠું, ને પાપથી મરણ; અને સઘળાંએ પાપ કર્યું, તેથી સઘળાં માણસોમાં મરણનો પ્રસાર થયો.” (રૂમી ૫:૧૨) આદમથી માંડીને આજ સુધી, ૬,૦૦૦ વર્ષના ઇતિહાસમાં યિર્મેયાહના શબ્દો સાચા ઠર્યા છે: “હે યહોવાહ, હું જાણું છું કે મનુષ્યનો માર્ગ પોતાના હાથમાં નથી; પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.” (યિર્મેયાહ ૧૦:૨૩) યિર્મેયાહના શબ્દ સાચા છે, એમ કબૂલવું કંઈ ખોટું નથી. એ હકીકત છે. એ માનવ ઇતિહાસનું કડવું સત્ય જણાવે છે, જેમાં “માણસ બીજા માણસ ઉપર નુકસાનકારક સત્તા ચલાવે છે.” એનું કારણ એ છે કે મનુષ્ય પરમેશ્વરથી સ્વતંત્ર થઈને જીવવા ચાહે છે.—સભાશિક્ષક ૮:૯.

૧૩. યહોવાહના લોકો આ જગતમાં કઈ હકીકત સ્વીકારે છે?

૧૩ આજે મનુષ્યની હાલત જોતાં, યહોવાહના લોકો જાણે છે કે આ જગતમાં આપણે ચાહીએ એ બધું જ કરી શકતા નથી. તેથી, યોગ્ય વલણ રાખવાથી આપણે આનંદથી યહોવાહની સેવા કરી શકીએ. પરંતુ, એ કંઈ આખરી ઉકેલ નથી. અમેરિકાના એક પાદરીએ ૧૯૫૦ પછી સારા વિચારોની અસર (અંગ્રેજી) પુસ્તક લખ્યું, જે ઘણું વખણાયું. એ પુસ્તકે જણાવ્યું કે, યોગ્ય વલણ રાખવાથી મોટા ભાગના નડતરો દૂર કરી શકાય છે. ખરું કે યોગ્ય વલણ રાખવું ઘણું જ જરૂરી છે. પરંતુ અનુભવ બતાવે છે કે જ્ઞાન, આવડત, અને પૈસાનો અભાવ તથા બીજી ઘણી એવી બાબતો છે, જે આપણને અમુક કાર્યો કરતા રોકે છે. ભલેને કોઈ ગમે એવા ઊંચા વિચારો ધરાવતા હોય, છતાં આજે જગતની સમસ્યાઓ એટલી બધી છે કે એ ઉકેલવી મનુષ્યના હાથની વાત નથી!

૧૪. શું યહોવાહના લોકોનું વલણ યોગ્ય નથી?

૧૪ યહોવાહના લોકો એ હકીકત સ્વીકારે છે, એટલે અમુક વખત કહેવામાં આવે છે કે તેઓ યોગ્ય વલણ રાખતા નથી. પરંતુ, ખરું જોતા તેઓ લોકોને ઉત્સાહથી જણાવે છે કે કોણ આપણી હાલત હંમેશ માટે સુધારી શકે છે. આ રીતે પણ તેઓ ખ્રિસ્તનું વલણ રાખે છે. (રૂમી ૧૫:૨) તેમ જ તેઓ લોકોને મદદ કરે છે, જેથી લોકો પરમેશ્વર યહોવાહને ઓળખે અને તેમની ભક્તિ કરે. તેઓ જાણે છે કે એનાથી બધાનું ભલું થશે.—માત્થી ૨૮:૧૯, ૨૦; ૧ તીમોથી ૪:૧૬.

૧૫. યહોવાહના સાક્ષીઓ કઈ રીતે લોકોને સુધારે છે?

૧૫ યહોવાહના ભક્તો સમાજની સમસ્યાઓ, અને ખોટી ચાલ-ચલગત ચલાવી લેતા નથી. કોઈ યહોવાહના સેવક બને એ પહેલાં તેણે ફેરફારો કરવા પડે છે. પરમેશ્વરને ન ગમે એવા દરેક ખોટા કામો છોડી દેવા પડે છે. (૧ કોરીંથી ૬:૯-૧૧) આમ, યહોવાહના લોકોએ દારૂ, ડ્રગ્સ, જુગારના વ્યસની અને ગંદું જીવન જીવનારા ઘણા લોકોને એ બધું છોડી દેવા મદદ કરી છે. એવા લોકો હવે જવાબદાર વ્યક્તિ બન્યા છે, અને પ્રમાણિક રીતે કમાઈને પોતાના કુટુંબની સંભાળ લે છે. (૧ તીમોથી ૫:૮) આ રીતે લોકોને અને કુટુંબોને મદદ કરવાથી, સમાજની સમસ્યા ઘટે છે, ડ્રગ્સ, કુટુંબમાં ઝઘડા વગેરે ઘટી જાય છે. યહોવાહના સાક્ષીઓ નિયમો પાળનારા નાગરિકો છે, અને બીજાઓને પણ જીવન સુધારવા મદદ કરે છે. આમ, તેઓ સરકારી સંસ્થાઓને પણ મદદ કરે છે, જેઓનું કામ સામાજિક સમસ્યા દૂર કરવાનું છે.

૧૬. યહોવાહના લોકો સુધારો લાવવા શા માટે જાતજાતની યોજનામાં જોડાતા નથી?

૧૬ શું યહોવાહના લોકોએ આખા જગતને બદલી નાખ્યું છે? ગયા દસ વર્ષમાં યહોવાહના સાક્ષીઓની સંખ્યા ૩૮ લાખથી ૬૦ લાખ થઈ છે. એ ૨૨ લાખ લોકોનો વધારો બતાવે છે, જેઓમાંના ઘણાને યહોવાહના સેવકો બનવા ખોટા કામો છોડવા પડ્યાં. હા, ઘણા લોકોનું ભલું થયું! પરંતુ, એ જ સમયે જગતની વસ્તીમાં થયેલો ૮૭ કરોડ ૫૦ લાખનો વધારો જોતા, આ સંખ્યા બહુ જ નાની કહેવાય! છતાં, યહોવાહના લોકોને તેઓને મદદ કરવામાં ઘણી ખુશી થઈ, કેમ કે તેઓ જાણે છે કે બહુ થોડા લોકો જીવન આપનાર માર્ગ પર ચાલશે. (માત્થી ૭:૧૩, ૧૪) જો કે યહોવાહના લોકો સુધારા લાવવા જાતજાતની યોજનામાં જોડાતા નથી, કેમ કે ભલે એ ગમે એવા સારા ઇરાદાથી શરૂ થઈ હોય, મોટે ભાગે એનો અંત નિરાશા અને હિંસા હોય છે. પરંતુ, પરમેશ્વર પોતે જે સુંદર ફેરફારો લાવશે, એની યહોવાહના લોકો રાહ જુએ છે.—૨ પીતર ૩:૧૩.

૧૭. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, લોકોને મદદ કરવા તેમણે શું કર્યું, પણ શું ન કર્યું?

૧૭ ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે યહોવાહમાં જેવો ભરોસો બતાવ્યો હતો, એવો જ ભરોસો યહોવાહના લોકો બતાવે છે. પહેલી સદીમાં, ઈસુએ લોકોને સાજા કરવાના ચમત્કારો કર્યા. (લુક ૬:૧૭-૧૯) તેમણે મૂએલાને પણ સજીવન કર્યા. (લુક ૭:૧૧-૧૫; ૮:૪૯-૫૬) પરંતુ તે બીમારી કે મરણનો અંત લાવ્યા નહિ. તે જાણતા હતા કે એ માટે હજુ પરમેશ્વરનો સમય આવ્યો ન હતો. એક સંપૂર્ણ માણસ તરીકે ઈસુ રાજકીય અને સામાજિક સમસ્યાઓનો અંત લાવી શક્યા હોત. એ સમયે અમુક લોકો ચાહતા હતા કે ઈસુ સત્તા લે, પણ ઈસુએ એમ કર્યું નહિ. આપણે વાંચીએ છીએ કે, “જે પ્રબોધક જગતમાં આવનાર છે, તે નિશ્ચે આજ છે. લોક આવીને મને રાજા કરવા સારૂ જબરદસ્તીથી પકડવાના છે, એ જાણીને ઈસુ બીજી વાર પહાડ પર એકલો ચાલ્યો ગયો.”—યોહાન ૬:૧૪, ૧૫.

૧૮. (ક) ઈસુએ કઈ રીતે યહોવાહના સમયની રાહ જોઈ? (ખ) ઈસુ માટે ૧૯૧૪માં શું ફેરફાર થયો?

૧૮ ઈસુએ રાજકારણમાં કે સામાજિક કાર્યોમાં ભાગ લીધો નહિ. તે જાણતા હતા કે પોતે રાજા બને અને સર્વ લોકોને સાજાં કરે, એ સમય હજુ આવ્યો નથી. અરે, સ્વર્ગમાં હંમેશ માટેનું જીવન મેળવ્યા પછી પણ, તે યહોવાહ પરમેશ્વરના સમયની રાહ જોવા તૈયાર હતા. (ગીતશાસ્ત્ર ૧૧૦:૧; પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૪, ૩૫) જો કે ૧૯૧૪માં રાજા તરીકે સત્તા મેળવી ત્યારથી, તે ‘જીતતા તથા જીતવા સારુ’ નીકળી પડ્યા છે. (પ્રકટીકરણ ૬:૨; ૧૨:૧૦) આજે, ઘણા કહેવાતા ખ્રિસ્તીઓ પરમેશ્વરના રાજ્ય વિષેનું બાઇબલનું શિક્ષણ માનતા નથી. એ સમયે, ઈસુને રાજા તરીકે આધીન થવા આપણે કેટલા ખુશ છીએ!

રાહ જોવાથી નિરાશા મળે છે કે આનંદ?

૧૯. રાહ જોવાથી ક્યારે ‘અંતઃકરણ ઝૂરે’ છે, અને ક્યારે આનંદ આપે છે?

૧૯ સુલેમાન જાણતા હતા કે રાહ જોવી કંઈ સહેલી નથી. તેમણે લખ્યું: “આશાનું ફળ મળવામાં વિલંબ થયાથી અંતઃકરણ ઝુરે છે.” (નીતિવચન ૧૩:૧૨) ખરું કે કોઈ સપનાની દુનિયામાં જ ખોવાયેલા રહેતા હોય તો, હકીકત જોતા તે નિરાશ બની શકે. છતાં, લગ્‍ન, બાળકનો જન્મ, પ્રિયજનો સાથે ભેગા થવું, અને એના જેવા પ્રસંગોની રાહ જોવામાં આપણને એક પ્રકારનો આનંદ મળે છે. એ પ્રસંગોની રાહ જોવાના સમયમાં આપણે એની તૈયારી કરીએ તો, એનો આનંદ હજુ પણ વધે છે.

૨૦. (ક) આપણે કેવા અદ્‍ભુત બનાવો જોવાની ખાતરી રાખીએ છીએ? (ખ) યહોવાહના વચનો પૂરા થવાની રાહ જોઈએ તેમ, આપણે કઈ રીતે આનંદી બની શકીએ?

૨૦ ભલે આપણે જાણતા ન હોઈએ કે ક્યારે આપણી આશા પૂરી થશે, પણ આપણને એની ખાતરી હોય તો, રાહ જોવાથી આપણું ‘અંતઃકરણ ઝૂરશે’ નહિ. પરમેશ્વરના વફાદાર ભક્તો જાણે છે કે ખ્રિસ્તનું હજાર વર્ષનું રાજ્ય જલદી જ આવશે. તેઓને ખાતરી છે કે મરણ અને બીમારીનો અંત આવશે. તેઓ આનંદથી એવા સમયની રાહ જુએ છે, જ્યારે પોતાના પ્રિયજનો સહિત, અબજો લોકો સજીવન થશે. (પ્રકટીકરણ ૨૦:૧-૩, ૬; ૨૧:૩, ૪) આજના દુષ્ટ જગતમાં પણ તેઓ પૃથ્વી પર આવનાર નવી દુનિયાના ભાવિનો આનંદ માણે છે. (યશાયાહ ૩૫:૧, ૨,) તેથી, આ રાહ જોવાનો સમય સારી રીતે વાપરીને ‘પ્રભુના કામમાં સદા મચ્યા રહીએ,’ એમાં જ આપણું ભલું છે! (૧ કોરીંથી ૧૫:૫૮) બાઇબલનું જ્ઞાન લેવાનું ચાલુ જ રાખો. યહોવાહ પરમેશ્વરની વધુને વધુ નજીક જાવ. યહોવાહની સેવા પૂરા દિલથી કરવા ચાહનારા લોકોને શોધો. ભાઈ-બહેનોને ઉત્તેજન આપો. યહોવાહ હજુ જેટલો સમય આપે એનો બને એટલો લાભ ઉઠાવો. આમ, યહોવાહની રાહ જોતી વખતે ‘તમારું અંતઃકરણ ઝૂરશે’ નહિ. એને બદલે, એનાથી તમને આનંદ થશે!

શું તમે સમજાવી શકો?

• ઈસુએ કઈ રીતે રાહ જોઈ?

• કેવા સંજોગોમાં આપણે રાહ જોવાની જરૂર પડે છે?

• શા માટે યહોવાહના સાક્ષીઓ પરમેશ્વરની રાહ જોવા રાજી છે?

• કઈ રીતે યહોવાહની રાહ જોવામાં આનંદ માણી શકાય?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૨ પર ચિત્રો]

ઈસુએ પોતાની આગળ રહેલા આનંદને માટે ધીરજ રાખી

[પાન ૧૩ પર ચિત્ર]

વર્ષો સુધી સેવા કરીને પણ આપણો આનંદ જાળવી શકાય

[પાન ૧૫ પર ચિત્રો]

યહોવાહના સેવકો બનીને લાખોએ જીવનમાં ફેરફારો કર્યા છે