સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જલદી જ બધા દુઃખોનો અંત

જલદી જ બધા દુઃખોનો અંત

જલદી જ બધા દુઃખોનો અંત

દિવસે દિવસે જીવન અઘરું બનતું જાય છે. જો કે દુઃખોના ઘણા કારણો હોય છે. આપણે નિરાશ થઈ ગયા હોઈએ ત્યારે, આપણી લાગણીઓ ઉભરાઈ આવે છે. અરે, જેઓ જીવન ચાહે છે તેઓ પણ ઘણી વાર નિરાશ જ થઈ જાય છે! ચાલો આપણે અમુક દાખલાઓ જોઈએ.

પ્રાચીન સમયમાં પરમેશ્વરનો સેવક મુસા ઘણો નિરુત્સાહી થઈ ગયો હતો. તેથી તેણે પ્રાર્થના કરી: “હું તારી દૃષ્ટિમાં કૃપા પામ્યો હોઉં, તો મને મારી નાખ, કે મને મારૂં દુઃખ જોવું ન પડે.” (ગણના ૧૧:૧૫) એલીયાહ પ્રબોધક પોતાના દુશ્મનો પાસેથી ભાગી છૂટ્યો ત્યારે તે પોકારી ઊઠ્યો: “હવે તો બસ થયું; હવે તો, હે યહોવાહ, મારો જીવ [જીવન] લઈ લે.” (૧ રાજા ૧૯:૪) એવી જ રીતે પ્રબોધક યૂનાએ કહ્યું: “હે યહોવાહ, હવે કૃપા કરીને મારો જીવ લઈ લે; કેમકે મારે જીવવા કરતાં મરવું બહેતર છે.” (યૂના ૪:૩) પરંતુ મુસા, એલીયાહ અને યૂનાએ આપઘાત કર્યો ન હતો. તેઓ સર્વ પરમેશ્વરની આજ્ઞા જાણતા હતા કે, “તું ખૂન ન કર.” (નિર્ગમન ૨૦:૧૩) તેઓને પરમેશ્વરમાં દૃઢ વિશ્વાસ હતો. તેથી તેઓ જાણતા હતા કે, કોઈક ને કોઈક માર્ગ તો નીકળશે, અને જીવન પરમેશ્વર તરફથી એક ભેટ છે.

આજની મુશ્કેલીઓ વિષે શું? જેમ કે, લાગણી દુભાય, ગંભીર બીમારી આવે અથવા કોઈક વાર કુટુંબના સભ્યો અયોગ્ય રીતે વર્તે, પડોશીઓ અથવા સાથી કામદારો તરફથી સમસ્યાઓ આવતી હોય શકે. બાઇબલ એવા લોકો વિષે જણાવે છે, જેઓ “સર્વ પ્રકારના અધર્મીપણાથી, દુરાચારથી, લોભથી, તથા અંટસથી ભરપૂર હતા; અને વળી ઈર્ષાથી, હત્યાથી, કલહથી, કપટથી, તથા દ્વેષભાવથી ભરપૂર હતા; વળી ચુગલીખોર, નિંદાખોર, દેવદ્વેષી, ઉદ્ધત, અભિમાની, બડાશ મારનારા, પ્રપંચી, માતપિતાની અવજ્ઞા કરનારા, બુદ્ધિહિન, વિશ્વાસઘાતી, કુદરતી મમતાહીન, તથા નિર્દય હતા.” (રૂમી ૧:૨૮-૩૧) આવા લોકોની મધ્યે રહેવું કંટાળાજનક લાગી શકે. જેઓને દિલાસાની જરૂર છે, તેઓને આપણે કઈ રીતે મદદ કરી શકીએ?

શાંતિથી સાંભળો

આફતો અને દુઃખના કારણથી કોઈ પણ વ્યક્તિ હતાશ બની શકે છે. શાણા રાજા સુલેમાને કહ્યું: “જુલમ બુદ્ધિમાન માણસને મૂર્ખ બનાવે છે.” (સભાશિક્ષક ૭:૭) જો કોઈ વ્યક્તિ આપઘાત કરવાની વાત કરે તો તેને, લાગણીશીલ, શારીરિક અથવા માનસિક સમસ્યાઓ હોય શકે. એ મજાક કરે છે, એવું આપણને સમજી ન બેસવું જોઈએ. તેથી તેને તાત્કાલિક મદદની જરૂર છે. જો કે અનેક પ્રકારની સારવાર મળી શકે છે. પરંતુ એમાંથી કઈ પ્રકારની સારવાર કરાવવી એ વ્યક્તિની પોતાની પસંદગી છે.—ગલાતી ૬:૫.

આપઘાત કરવાના વિચારો પાછળ ગમે એ કારણ હોય શકે. પરંતુ, જો તેઓને સહારો આપનારું કોઈ સમજુ, દયાળુ, અને પ્રેમાળ વ્યક્તિ મળે તો, ઘણો ફરક પડી શકે. તેઓ તેની આગળ પોતાનું હૃદય ઠાલવી શકે. જો કુટુંબના સભ્યો અને મિત્રો સાંભળવા માટે તૈયાર હોય તો તેઓને ઘણી મદદ મળી શકે. એ ઉપરાંત જો કોઈ પ્રેમ બતાવે અને તેઓની લાગણી સમજી શકતું હોય તો, પરમેશ્વરના શબ્દમાંથી ઉદાસ વ્યક્તિને ઉત્તેજન આપવાથી તેને દિલાસો મળશે.

આધ્યાત્મિક મદદ

તમને એ જાણવાથી કદાચ આશ્ચર્ય થશે કે, બાઇબલ વાંચવાથી કેટલી બધી મદદ મળી શકે છે! જો કે બાઇબલ કંઈ સારવારનું પુસ્તક નથી. પરંતુ, બાઇબલ આપણને જીવનની કદર કરતાં શીખવે છે. સુલેમાન રાજા કહે છે: “હું જાણું છું, કે પોતાની જિંદગી પર્યત આનંદ કરવો ને ભલું કરવું, તે કરતાં તેઓને વાસ્તે બીજું કંઇ શ્રેષ્ઠ નથી. વળી દરેક મનુષ્ય ખાયપીએ, ને પોતાની સર્વ મહેનતનું સુખ ભોગવે, એ ઇશ્વરનું વરદાન છે.” (સભાશિક્ષક ૩:૧૨, ૧૩) એ ઉપરાંત સંતોષ આપતા કામ સિવાય જીવનનો અર્થ સમજવા સાદી વસ્તુઓ મદદ કરી શકે. પરમેશ્વરે આપેલી ભેટો, જેમ કે તાજી હવા, પ્રકાશ, ફૂલો, વૃક્ષો, પક્ષીઓમાંથી આપણે આનંદ માણી શકીએ છીએ.

બાઇબલ આપણને ખાતરી આપે છે કે, યહોવાહ પરમેશ્વર અને તેમના પુત્ર, ઈસુ ખ્રિસ્તને આપણી ચિંતા છે. (યોહાન ૩:૧૬; ૧ પીતર ૫:૬, ૭) તેથી ગીતકર્તાએ કહ્યું: “ધન્ય છે પ્રભુને કે જે રોજ આપણો બોજો ઊંચકી લે છે, તે આપણા તારણનો દેવ છે.” (ગીતશાસ્ત્ર ૬૮:૧૯) આપણને કદાચ એવું લાગશે કે આપણે નકામા છીએ, છતાં પરમેશ્વર આપણને પ્રાર્થના કરવા ઉત્તેજન આપે છે. એ ખાતરી રાખો કે, જે કોઈ નમ્રતાથી તેમની મદદ માગશે તેને તે જરૂર આપશે.

આજકાલ દરેકના જીવનમાં મુશ્કેલીઓ આવે છે. (અયૂબ ૧૪:૧) છતાં બાઇબલમાંથી ઘણા લોકો શીખી શક્યા છે કે, આપઘાત કરવાથી બધા કોયડાનો અંત આવી જતો નથી. જરા વિચાર કરો કે પ્રેષિત પાઊલે કઈ રીતે દરોગાને મદદ કરી જે “ઊંઘમાંથી જાગી ઊઠ્યો, અને બંદીખાનાનાં બારણાં ઉઘાડાં જોઇને બંદીવાનો નાસી ગયા હશે એમ ધારીને તે તરવાર તાણીને આપઘાત કરવા જતો હતો.” આ બનાવથી દરોગાએ આપઘાત કરવાનો ફેંસલો કર્યો. પરંતુ પાઊલે કહ્યું: “અમે સૌ અહીં છીએ, માટે તું પોતાને કંઈ ઈજા કરતો ના.” પાઊલ ફક્ત આમ કહીને ચૂપચાપ ન રહ્યા. પરંતુ તેમણે તથા સીલાસે દરોગાને દિલાસો આપ્યો. તેથી દરોગાએ તેમને પૂછ્યું: “સાહેબો, તારણ પામવા સારૂ મારે શું કરવું જોઈએ?” ત્યારે તેઓએ કહ્યું: “પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, એટલે તું તથા તારા ઘરનાં સર્વ માણસો તારણ પામશે.” પછી તેઓએ તેને તથા તેના ઘરનાને યહોવાહ પરમેશ્વર વિષે કહ્યું, અને “તે તથા તેનાં સઘળાં માણસો બાપ્તિસ્મા પામ્યાં.” આમ, દરોગો અને તેનું કુટુંબ જીવનનો ખરો અર્થ સમજી શક્યા.—પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૨૭-૩૫.

એ જાણવાથી કેટલો આનંદ થાય છે કે, આજની દુષ્ટતા માટે પરમેશ્વર જવાબદાર નથી! બાઇબલ જણાવે છે કે, “દુષ્ટાત્મા તથા શેતાન,” એ “આખા જગતને ભમાવે છે.” પરંતુ, હવે તેના માટે થોડો જ સમય રહેલો છે. (પ્રકટીકરણ ૧૨:૯, ૧૨) શેતાન અને તેના ભૂતો આ જગત પર જે દુઃખ લાવ્યા છે, એ પરમેશ્વર જલદી જ હંમેશ માટે દૂર કરશે. પછી પરમેશ્વરના વચન પ્રમાણે નવી પૃથ્વીમાં હંમેશ માટે ન્યાયીપણું વસશે.—૨ પીતર ૩:૧૩.

દુઃખિયારાઓ માટે દિલાસો

જેઓ દુઃખી છે તેઓને બાઇબલમાંથી દિલાસો મળી શકે છે. (રૂમી ૧૫:૪) ગીતકર્તા દાઊદે કહ્યું: “હે ઈશ્વર, તું રાંક અને નમ્ર હૃદયને ધિક્કારીશ નહિ.” (ગીતશાસ્ત્ર ૫૧:૧૭) સાચે જ અપૂર્ણતાને કારણે આપણા પર પરીક્ષણો આવે છે ત્યારે, એમાંથી આપણે છટકી શકતા નથી. પરંતુ આપણા પ્રેમાળ અને દયાળુ પરમેશ્વર વિષે શીખવાથી આપણને ખાતરી થશે કે, તેની નજરમાં આપણે પ્રિય છીએ. વળી, પરમેશ્વર આપણા મિત્ર અને શિક્ષક બની શકે છે. જો આપણે યહોવાહ પરમેશ્વર સાથે મિત્રતા બાંધીશું તો, તે આપણને કદી નિરાશ કરશે નહિ. આપણા ઉત્પન્‍નકર્તા કહે છે કે, “હું યહોવાહ તારો દેવ છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું.”—યશાયાહ ૪૮:૧૭.

પરમેશ્વર પર ભરોસો રાખવાથી ઘણા લોકોને મદદ મળી છે. દાખલા તરીકે, મારાનો એકનોએક પુત્ર ઍકિસડન્ટમાં ગુજરી ગયો પછી તે ઘણો સમય સુધી ઉદાસ હતી. * તે ખૂબ જ ગભરાઈ ગઈ, તેથી તેણે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો. છતાં, તે હવે વહેલી સવારે ઉઠીને ઘર કામ કરે છે. તેમ જ બીજાઓને મદદ કરવાનું અને સંગીત સાંભળવાનું તેને ગમે છે. “ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે” એવી આશાથી તેમનું દુઃખ થોડું ઓછું થયું અને પરમેશ્વરમાં પોતાનો વિશ્વાસ દૃઢ થયો. (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) મારાને સ્વર્ગમાં રહેવાની ઇચ્છા ન હતી. પરંતુ, ગીતશાસ્ત્ર ૩૭:૧૧ના શબ્દો તેને ખૂબ જ ગમ્યા, જે કહે છે: “નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.”

બ્રાઝિલમાં સાન્ડ્રા રહે છે, અને તેના ત્રણ બાળકોને મોટા કરવા તે સખત મહેનત કરતી હતી. તેણે સ્વીકાર્યું: “મારા પપ્પા અચાનક જ ગુજરી ગયા, તેથી હું ઘણી વ્યસ્ત હતી. વળી, એ જ સમયે મને ખબર પડી કે મારા પતિનું બીજી સ્ત્રી સાથે લફરું ચાલે છે. આવા સમયમાં હું વિચારી પણ શક્તી ન હતી કે, પરમેશ્વરને પ્રાર્થના કરીને મદદ માંગુ.” તેથી, સાન્ડ્રા ખૂબ જ ઉદાસ હતી, અને તેણે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેને એ દુઃખ સહન કરવા શામાંથી મદદ મળી? આધ્યાત્મિક બાબતો માટેની કદર બતાવવાથી તેને મદદ મળી. “હું દરરોજ રાત્રે સૂતાં પહેલા બાઇબલ વાંચતી, અને હું જે લોકો વિષે વાંચતી ત્યારે તેઓના સંજોગો વિષે વિચાર કરતી. તેમ જ હું ચોકીબુરજ અને સજાગ બનો! મેગેઝીન પણ વાંચતી, અને મને ખાસ કરીને ભાઈ-બહેનોના અનુભવો ગમે છે. એનું કારણ કે, એ મને મારા જીવનથી સંતુષ્ટ રહેવા મદદ કરે છે.” યહોવાહ પરમેશ્વર તેના ખાસ મિત્ર હોવાથી, તે તેમને પ્રાર્થનામાં પોતાની મુશ્કેલીઓ જણાવતા શીખી.

દુઃખ વિનાનું ભાવિ

હવે મનુષ્યને ફક્ત થોડા સમય જ દુઃખ સહન કરવું પડશે એ જાણવાથી કેવો દિલાસો મળે છે! અત્યારે નાના મોટા બધા જ જેઓને ગુના, અન્યાય અને ભેદભાવના કારણે દુઃખ પડયું છે, તેઓ પરમેશ્વરના રાજ્ય હેઠળ આનંદ માણશે. ગીતશાસ્ત્ર ૭૨:૧૨-૧૪માં ભાખવામાં આવ્યું છે તેમ, યહોવાહ પરમેશ્વરના નિયુક્ત રાજા ઈસુ ખ્રિસ્ત “દરિદ્રી પોકાર કરે ત્યારે તે તેને છોડાવશે; અને દુઃખી, જેનો કોઈ મદદગાર નથી, તેનો તે બચાવ કરશે.” એ ઉપરાંત “તે અબળ તથા દરિદ્રી ઉપર દયા કરશે, તે દરિદ્રીઓના આત્માઓનું તારણ કરશે.” ખરેખર, “જુલમ તથા બળાત્કારમાંથી તે તેઓના આત્માઓને છોડાવશે; તેની દૃષ્ટિમાં તેઓનું રક્ત મૂલ્યવાન થશે.”

આ ભવિષ્યવાણીઓને પરિપૂર્ણ થવાનો સમય ઘણો જ નજીક છે. એવી પરિસ્થિતિમાં શું તમને હંમેશાં માટે જીવવું ગમશે? જો એમ હોય તો, પરમેશ્વરે આપેલી ભેટનો તમે આનંદ માણી શકશો. વળી, જો તમે આ દિલાસો આપતો સંદેશા બીજા લોકોને જણાવશો તો તેઓને પણ લાભ થશે.

[ફુટનોટ]

^ અમુક નામો બદલવામાં આવ્યા છે.

[પાન ૬ પર ચિત્ર]

આજે ખુશ થવાના ઘણા કારણો છે

[પાન ૭ પર ચિત્ર]

શું તમે દુઃખ વિનાનું જગત જોવાની ઝંખના રાખો છો?