‘તેમનો સમય હજુ આવ્યો ન હતો’
‘તેમનો સમય હજુ આવ્યો ન હતો’
‘કોઈ તેમને હાથ લગાડી શક્યું નહિ, કેમ કે તેમનો સમય હજુ આવ્યો ન હતો.’—યોહાન ૭:૩૦, IBSI.
૧. ઈસુના સેવાકાર્યમાં કઈ બે બાબતો મુખ્ય હતી?
“માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, તથા ઘણા લોકની ખંડણીને સારૂ પોતાનો જીવ આપવાને આવ્યો છે,” એમ ઈસુ ખ્રિસ્તે પોતાના પ્રેષિતોને કહ્યું. (માત્થી ૨૦:૨૮) રૂમી અધિકારી પંતિઅસ પીલાતને તેમણે કહ્યું: “એજ માટે હું જગતમાં આવ્યો છું, કે સત્ય વિષે હું સાક્ષી આપું.” (યોહાન ૧૮:૩૭) ઈસુ સારી રીતે જાણતા હતા કે શા માટે તેમને મરણ પામવાનું હતું, અને મરણ પહેલાં તેમણે શું કરવાની જરૂર હતી. તે એ પણ જાણતા હતા કે તેમણે કેટલા સમયમાં પોતાનું કાર્ય પૂરું કરવાનું હતું. મસીહ તરીકે તેમનું સેવાકાર્ય ફ્કત સાડા ત્રણ વર્ષનું જ હતું. એની શરૂઆત ઈસુ યરદન નદીમાં (૨૯ સી.ઈ.માં) બાપ્તિસ્મા પામ્યા ત્યારે થઈ. એ જ સમયે, સિત્તેરમા સાંકેતિક અઠવાડિયાની પણ શરૂઆત થઈ. એ અઠવાડિયાની વચ્ચે (૩૩ સી.ઈ.માં) ઈસુને વધઃસ્ભંથે મારી નાખવામાં આવ્યા, જ્યારે તેમના સેવાકાર્યનો અંત આવ્યો. (દાનીયેલ ૯:૨૪-૨૭; માત્થી ૩:૧૬, ૧૭; ૨૦:૧૭-૧૯) આમ, ઈસુના પૃથ્વી પરના સેવાકાર્યમાં બે બાબતો મુખ્ય હતી: તેમનો આવવાનો હેતુ, અને સમયની પૂરેપૂરી સમજણ.
૨. ઈસુ ખ્રિસ્તનું બાઇબલમાં કેવું વર્ણન થયું છે, અને તે કઈ રીતે પોતાના કાર્ય વિષે સજાગ હતા?
૨ બાઇબલમાં ઈસુ ખ્રિસ્તને ઉત્સાહથી ભરપૂર, યહોવાહની સેવામાં સદા તૈયાર બતાવવામાં આવ્યા છે. જેમણે પેલેસ્તાઈનના એકથી બીજા છેડે ફરીને પરમેશ્વરના રાજ્યનો સંદેશ જણાવ્યો, અને ઘણા ચમત્કાર કર્યા. ઈસુના એવા સેવાકાર્યની શરૂઆતમાં એમ કહેવામાં આવ્યું કે, “તેમનો સમય હજુ આવ્યો ન હતો.” ઈસુ ખ્રિસ્તે પોતે કહ્યું: “મારો સમય હજી પૂરો થયો નથી.” તેમના સેવાકાર્યના અંતે તેમણે કહ્યું કે, “ઘડી આવી છે.” (યોહાન ૭:૮, ૩૦; ૧૨:૨૩) ઈસુ એ ઘડી વિષે, એટલે તેમને સોંપાયેલા કાર્ય અને પોતાના બલિદાન વિષે એકદમ સજાગ હતા. એની અસર તેમની વાણી અને વર્તનમાં જરૂર દેખાઈ હશે. એની સમજણ આપણને ઈસુ વિષે વધારે જાણવા મદદ કરશે, જેથી આપણે પણ તેમના ‘પગલે ચાલીએ.’—૧ પીતર ૨:૨૧.
યહોવાહની ઇચ્છા પ્રમાણે જ કરવું
૩, ૪. (ક) કાનાના લગ્નમાં શું બન્યું? (ખ) દ્રાક્ષદારૂ ખૂટ્યો ત્યારે મરિયમના સૂચનનો ઈસુએ શા માટે વિરોધ કર્યો, અને એમાંથી આપણે શું શીખી શકીએ?
૩ એ ૨૯ સી.ઈ.નું વર્ષ છે. ઈસુએ પ્રથમ શિષ્યોને પસંદ કર્યાને હજુ તો થોડા જ દિવસો થયા છે. તેઓ સર્વ કાના ગામમાં લગ્નમાં આવ્યા છે. ઈસુની મા મરિયમ પણ ત્યાં છે. દ્રાક્ષદારૂ ખૂટી પડે છે. ઈસુ એ વિષે કંઈક કરશે એમ ધારીને મરિયમ પોતાના દીકરાને કહે છે: “તેઓની પાસે દ્રાક્ષારસ નથી.” પરંતુ ઈસુ કહે છે: “બાઈ, મારે ને તારે શું? મારો સમય હજી આવ્યો નથી.”—યોહાન ૧:૩૫-૫૧; ૨:૧-૪.
૪ “બાઈ, મારે ને તારે શું?” ઈસુનો આ જવાબ અગાઉના સમયની રીત હતી, જે કહેવામાં આવેલા સૂચનનો વિરોધ બતાવે છે. શા માટે ઈસુએ મરિયમનું કહેવું માન્યું નહિ? તે હવે ૩૦ વર્ષના હતા. થોડાં અઠવાડિયાં પહેલાં બાપ્તિસ્મા પામ્યા ત્યારે, તે પવિત્ર આત્માથી અભિષિક્ત થયા. વળી, યોહાન બાપ્તિસ્મકે તેમની ઓળખ આપતા કહ્યું: “દેવનું હલવાન, કે જે જગતનું પાપ હરણ કરે છે.” (યોહાન ૧:૨૯-૩૪; લુક ૩:૨૧-૨૩) હવે, તેમણે શું કરવું અને શું ન કરવું, એ તેમને મોકલનાર સર્વોચ્ચ અધિકારી પાસેથી આવવું જોઈએ. (૧ કોરીંથી ૧૧:૩) હવે ઈસુએ પૃથ્વી પર શું કરવું, એ કોઈ પણ, કુટુંબનું સભ્ય હોય તોપણ કહી ન શકે. આમ, ઈસુના જવાબમાં પોતાના પિતાની ઇચ્છા પ્રમાણે કરવાનો કેવો મક્કમ નિર્ણય જોવા મળે છે! આપણે પણ યહોવાહ પરમેશ્વર પ્રત્યે “સંપૂર્ણ ફરજ” પૂરી કરવાનો પાક્કો નિર્ણય કરીએ.—સભાશિક્ષક ૧૨:૧૩.
૫. કાનામાં ઈસુ કયો ચમત્કાર કરે છે, અને જોનારા પર એની કેવી અસર થાય છે?
૫ મરિયમ પોતાના દીકરાનું કહેવું સમજીને, તરત જ કારભારીઓને કહે છે: “જે કંઈ તે તમને કહે તે કરો.” પછી, ઈસુ સમસ્યા દૂર કરે છે. તે કારભારીઓને કૂંડામાં પાણી ભરવાનું કહે છે, અને ચમત્કાર કરીને, એ પાણીનો ઉત્તમ દ્રાક્ષદારૂ બનાવે છે. એ ચમત્કાર બતાવે છે કે, ઈસુ પર પરમેશ્વરનો પવિત્ર આત્મા હતો, જેની શક્તિથી તેમણે એ કર્યું હતું. નવા શિષ્યો આ ચમત્કાર જુએ છે ત્યારે, તેઓનો વિશ્વાસ વધે છે.—યોહાન ૨:૫-૧૧.
યહોવાહના મંદિર માટેનો ઉત્સાહ
૬. યરૂશાલેમના મંદિરમાં ઈસુ શા માટે ક્રોધે ભરાયા, અને તે શું કરે છે?
૬ હવે ૩૦ સી.ઈ.ની વસંત આવી ચૂકી છે, અને ઈસુ તેમના શિષ્યો સાથે પાસ્ખાપર્વ પાળવા યરૂશાલેમ જાય છે. ઈસુ ત્યાં જે કંઈ કરે છે, એ જોઈને તેમના શિષ્યો પણ નવાઈ પામ્યા હશે. લોભિયા યહુદીઓ મંદિરની અંદર બલિદાન માટેનાં પ્રાણી અને પક્ષીઓ વેચી રહ્યાં છે. એટલું ઓછું હોય તેમ, તેઓ વિશ્વાસુ યહુદી ભક્તોને એ મોંઘા ભાવે વેચે છે. ઈસુ ગુસ્સે ભરાઈને અંદર જાય છે. તે ઝીણી દોરીઓનો કોરડો બનાવીને, એનાથી બધા વેપારીઓને બહાર કાઢે છે. પૈસાની લેવડ-દેવડ કરનારાના નાણાં વેરી નાખીને તેઓના ગલ્લાં ઊંધા વાળ્યા. કબૂતર વેચનારાઓને હુકમ આપ્યો કે, “એ બધું અહીંથી લઈ જાઓ.” ઈસુના શિષ્યો તેમનું આવું વર્તન જોઈને, પરમેશ્વરના દીકરા વિષેની ભવિષ્યવાણી યાદ કરે છે: “તારા ઘરની આસ્થા મને ખાઈ નાખે છે.” (યોહાન ૨:૧૩-૧૭; ગીતશાસ્ત્ર ૬૯:૯) આપણી ભક્તિને પણ દુનિયાનો રંગ ન લાગે, એ માટે આપણે પણ એવો જ ઉત્સાહ બતાવીએ.
૭. (ક) નીકોદેમસ કેમ ઈસુની મુલાકાત લે છે? (ખ) ઈસુએ સમરૂની સ્ત્રીને પ્રચાર કર્યો, એમાંથી આપણે શું શીખી શકીએ?
૭ ઈસુ યરૂશાલેમમાં અદ્ભુત કાર્યો કરે છે, અને ઘણા તેમનામાં વિશ્વાસ મૂકે છે. અરે, સાન્હેડ્રીન, કે યહુદી ઉચ્ચ અદાલતનો સભ્ય નીકોદેમસ પણ ઈસુથી ઘણો પ્રભાવિત થાય છે. તે વધારે જાણવા રાત્રે ઈસુ પાસે આવે છે. પછી, ઈસુ અને તેમના શિષ્યો લગભગ આઠ મહિના “યહુદાહ દેશમાં” પ્રચાર કરીને શિષ્યો બનાવે છે. જો કે યોહાન બાપ્તિસ્મકને કેદમાં પૂરવામાં આવે છે પછી, તેઓ યહુદાહ છોડીને ગાલીલ તરફ જાય છે. તેઓ સમરૂનમાં થઈને જતા હતા ત્યારે, ઈસુ એક સમરૂની સ્ત્રીને સરસ સાક્ષી આપે છે. એનાથી ઘણા સમરૂનીઓ ઈસુના શિષ્યો બને છે. ચાલો આપણે પણ દરેક યોગ્ય તકે પરમેશ્વરના રાજ્યનો સંદેશો જણાવીએ.—યોહાન ૨:૨૩; ૩:૧-૨૨; ૪:૧-૪૨; માર્ક ૧:૧૪.
ગાલીલમાં શીખવવું
૮. ઈસુ ગાલીલમાં શું કરે છે?
૮ ઈસુએ પોતાના મરણના “સમય” પહેલાં, તેમના પિતા, યહોવાહની સેવામાં ઘણું કરવાનું હતું. ઈસુ યહુદાહ અને યરૂશાલેમ કરતાં, ગાલીલમાં વધારે સેવાકાર્ય કરે છે. તે ‘સભાસ્થાનોમાં ઉપદેશ કરતા, ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા, ને લોકોમાં હરેક પ્રકારના રોગ તથા દુઃખ મટાડતા, આખા ગાલીલમાં ફર્યા.’ (માત્થી ૪:૨૩) તેમના શબ્દો આખા ગાલીલમાં ગુંજી ઊઠ્યા: “પસ્તાવો કરો, કેમકે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.” (માત્થી ૪:૧૭) થોડા મહિનામાં, યોહાન બાપ્તિસ્મકના બે શિષ્યો ઈસુ વિષે જાણવા આવે છે ત્યારે, ઈસુ તેઓને કહે છે: “તમે જે જે જોયું તથા સાંભળ્યું તે જઈને યોહાનને કહી સંભળાવો; એટલે આંધળા દેખતા થાય છે, લુલા ચાલતા થાય છે, રક્તપિત્તીઓને શુદ્ધ કરવામાં આવે છે, બહેરા સાંભળતા થાય છે, મૂએલાઓને ઉઠાડવામાં આવે છે, દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે. અને જે કોઈ મારા સંબંધી ઠોકર નહિ ખાશે તેને ધન્ય છે.”—લુક ૭:૨૨, ૨૩.
૯. શા માટે લોકો ઈસુ તરફ ખેંચાયા, અને આપણે એમાંથી શું શીખી શકીએ?
૯ ઈસુ વિષેની વાતો આસપાસના દેશોમાં ફેલાઈ ગઈ. લોકો ગાલીલ, દકાપલીસ, યરૂશાલેમ, યહુદાહ અને યરદનને પેલે પારથી લોકોનાં ટોળેટોળાં તેમની પાસે આવવા લાગ્યા. (લુક ૪:૪, ૧૫; માત્થી ૪:૨૪, ૨૫) તેઓ તેમની પાસે ફક્ત સાજા થવા જ આવ્યા નહિ, પણ તેમના શિક્ષણના કારણે પણ આવ્યા. તેમનો સંદેશો ઉત્તેજન આપનારો છે. (માત્થી ૫:૧-૭:૨૭) ઈસુનું શિક્ષણ સહુને ગમી જાય એવું હતું. (લુક ૪:૨૨) લોકો ‘તેમના ઉપદેશથી અચરત થયા,’ કેમ કે તે શાસ્ત્રમાંથી અધિકારથી શીખવતા હતા. (માત્થી ૭:૨૮, ૨૯; લુક ૪:૩૨) એવી વ્યક્તિ તરફ કોણ ન ખેંચાય! આપણે પણ એવી જ રીતે શીખવીએ, જેથી સાચા દિલના લોકો સત્ય તરફ ખેંચાઈ આવે.
૧૦. નાઝરેથના લોકો ઈસુને શા માટે મારી નાખવા માંગતા હતા, અને તેઓ કેમ સફળ ન થયા?
૧૦ જો કે ઈસુનું જેઓએ સાંભળ્યું, એ બધાને ગમ્યું નહિ. તેમના સેવાકાર્યની શરૂઆતમાં, તે પોતાના વતન નાઝારેથના સભાસ્થાનમાં શીખવતા હતા ત્યારે, તેમને મારી નાખવાનો પ્રયત્ન થયો. વતનના લોકો તેમનો સંદેશો સાંભળીને નવાઈ પામ્યા, પણ તેઓને ચમત્કાર જોવા હતા. ઈસુએ ત્યાં ચમત્કારો કરવાને બદલે, તેઓનો સ્વાર્થ અને અવિશ્વાસ ખુલ્લા પાડ્યા. તેથી, સભામાંના લોકો ક્રોધે ભરાયા, અને તેઓ ઈસુને પહાડ પરથી નીચે નાખવાના ઇરાદાથી શહેરની બહાર લઈ ગયા. પરંતુ તે તેઓની વચમાંથી સલામત રીતે નીકળી ગયા, કેમ કે તેમના મરણનો “સમય” હજુ આવ્યો ન હતો.—લુક ૪:૧૬-૩૦.
૧૧. (ક) શા માટે કેટલાક ગુરુઓ ઈસુ પ્રચાર કરતા, ત્યાં આવતા હતા? (ખ) શા માટે ઈસુ પર સાબ્બાથ તોડવાનો આરોપ મૂકવામાં આવ્યો?
૧૧ ઈસુ પ્રચાર કરે છે ત્યાં શાસ્ત્રીઓ, ફરોશીઓ, સાદુકીઓ અને બીજા ગુરુઓ હાજર જ છે. જો કે મોટા ભાગના સાંભળીને કંઈ શીખતા નથી, પણ વાંક શોધીને ઈસુને ફસાવવા ચાહે છે. (માત્થી ૧૨:૩૮; ૧૬:૧; લુક ૫:૧૭; ૬:૧, ૨) દાખલા તરીકે, ઈસુ ૩૧ સી.ઈ.ના પાસ્ખાપર્વમાં યરૂશાલેમ આવે છે ત્યારે, એક માણસને સાજો કરે છે, જે ૩૮ વર્ષથી માંદો હતો. પરંતુ, યહુદી ગુરુઓ ઈસુ પર સાબ્બાથ તોડવાનો આરોપ મૂકે છે. તેથી, ઈસુ જવાબ આપે છે: “મારો બાપ અત્યાર સુધી કામ કરે છે, અને હું પણ કામ કરૂં છું.” હવે એ ગુરુઓએ ઈસુને પરમેશ્વરની નિંદા કરનાર કહ્યા, કેમ કે તેમણે પોતાને પરમેશ્વરના દીકરા કહ્યા. એ ગુરુઓ તેમને મારી નાખવા ચાહે છે, પણ ઈસુ અને તેમના શિષ્યો યરૂશાલેમ છોડી ગાલીલ જતા રહે છે. એવી જ રીતે, પ્રચાર અને શિષ્ય બનાવવાના કામમાં, આપણે પણ વિરોધીઓ સાથે નકામી દલીલો ન કરીએ.—યોહાન ૫:૧-૧૮; ૬:૧.
૧૨. ઈસુએ ગાલીલમાં કેટલી હદે પ્રચાર કર્યો?
૧૨ એ પછી લગભગ દોઢ વર્ષ સુધી, મોટા ભાગે ઈસુએ પોતાનું સેવાકાર્ય ગાલીલ પૂરતું જ રાખ્યું. તે યરૂશાલેમ ફક્ત યહુદીઓના ત્રણ વાર્ષિક તહેવારોની ઉજવણી માટે જ જતા. બધું મળીને, તેમણે ગાલીલમાં ત્રણ વાર પ્રચાર કર્યો: પ્રથમ તેમના નવા ચાર શિષ્યો સાથે, બીજી વાર તેમના ૧૨ પ્રેષિતો સાથે, અને ત્રીજી વાર પોતાના અનુભવી પ્રેષિતો સાથે. ગાલીલમાં સત્યનો સંદેશો કેવી સરસ રીતે ફેલાયો!—માત્થી ૪:૧૮-૨૫; લુક ૮:૧-૩; ૯:૧-૬.
યહુદાહ અને પેરીઆમાં હિંમતથી પ્રચાર કરવો
૧૩, ૧૪. (ક) કયા પ્રસંગે યહુદીઓ ઈસુને પકડવા શોધી રહ્યા હતા? (ખ) શા માટે સિપાઈઓએ ઈસુને પકડ્યા નહિ?
૧૩ હવે ૩૨ સી.ઈ.ની પાનખર ઋતુ છે, અને ઈસુનો “સમય” હજુ આવ્યો નથી. માંડવાપર્વ નજીક છે. ઈસુના સાવકા ભાઈઓ તેમને વિનંતી કરે છે કે, “અહીંથી નીકળીને યહુદાહમાં જા.” તેઓ ચાહતા હતા કે ઈસુ યરૂશાલેમમાં પર્વ માટે ભેગા મળેલા સર્વ લોકો સામે ચમત્કારો કરે. પરંતુ, ઈસુને ત્યાં જવાના જોખમ વિષે ખબર હતી. તેથી, તે તેમના ભાઈઓને કહે છે: “મારો સમય હજી પૂરો થયો નથી, માટે હું આ પર્વમાં જતો નથી.”—યોહાન ૭:૧-૮.
૧૪ થોડો સમય ગાલીલમાં રહ્યા પછી, ઈસુ “પ્રગટરૂપે તો નહિ, પણ જાણે કે છાની રીતે” યરૂશાલેમ જાય છે. ખરું જોતાં, યહુદીઓ પર્વમાં તેમની શોધ કરતા હોય છે: “તે ક્યાં છે?” પર્વ અડધું પૂરું થવા આવ્યું ત્યારે, ઈસુ મંદિરમાં જઈને હિંમતથી બોધ કરે છે. યહુદી ગુરુઓ એવી તક શોધે છે, જેથી તેઓ ઈસુને કેદમાં પૂરી દે કે મારી પણ નાખે. તોપણ તેઓ સફળ થયા નહિ, કારણ કે “તેનો સમય હજી આવ્યો ન હતો.” હવે ઘણાએ ઈસુમાં વિશ્વાસ મૂક્યો. અરે ફરોશીઓએ ઈસુને પકડવા મોકલેલા સિપાઈઓ પણ ખાલી હાથે પાછા આવ્યા, અને કહ્યું: “એના જેવું કદી કોઈ માણસ બોલ્યું નથી.”—યોહાન ૭:૯-૧૪, ૩૦-૪૬.
૧૫. શા માટે યહુદીઓ ઈસુને મારવા પથ્થર ઉપાડે છે, અને ઈસુ કયું જોરદાર પ્રચારકાર્ય કરે છે?
૧૫ ઈસુ પર્વ દરમિયાન મંદિરમાં પોતાના પિતા વિષે શીખવે છે તેમ, યહુદી ગુરુઓ સાથે ગરમાગરમ દલીલો થતી રહે છે. પર્વના છેલ્લા દિવસે, ઈસુએ જણાવ્યું કે, પૃથ્વી પર આવ્યા અગાઉ પોતે સ્વર્ગમાં હતા, ત્યારે ગુસ્સે ભરાયેલા યહુદી ગુરુઓએ તેમને મારવા પથ્થર ઉપાડ્યા. પરંતુ ઈસુ સંતાઈ ગયા, અને સલામત રીતે ત્યાંથી નીકળી ગયા. (યોહાન ૮:૧૨-૫૯) યરૂશાલેમની બહાર રહીને, ઈસુ યહુદાહમાં જોરદાર પ્રચારકાર્ય શરૂ કરે છે. તે ૭૦ શિષ્યોને પસંદ કરીને, તેઓને જરૂરી સૂચના આપીને, બબ્બેની જોડીમાં પ્રચાર કરવા મોકલે છે. ઈસુએ નક્કી કરેલા દરેક શહેર અને જગ્યાએ તેઓ તેમની સાથે જાય છે.—લુક ૧૦:૧-૨૪.
૧૬. પ્રતિષ્ઠા પર્વમાં કયા જોખમથી ઈસુ છટકી જાય છે, અને ફરીથી શું કરવા લાગે છે?
૧૬ હવે, ૩૨ સી.ઈ.ના શિયાળામાં, ઈસુનો “સમય” પાસે આવતો જાય છે. તે પ્રતિષ્ઠા પર્વ માટે યરૂશાલેમમાં આવે છે. યહુદીઓ હજુ પણ તેમને મારી નાખવા શોધે છે. ઈસુ મંદિરની પરસાળમાં હતા ત્યારે, યહુદીઓ તેમને ઘેરી વળે છે. તેઓ ફરીથી તેમને પરમેશ્વરના નિંદક કહીને, પથ્થર ઉઠાવીને તેમને મારવા જાય છે. પરંતુ, અગાઉની જેમ ઈસુ છટકી જાય છે. યહુદાહથી યરદનને પેલે પાર પેરીઆના ગામેગામ અને શહેરે શહેર જઈને ઈસુ પ્રચાર કરે છે. ઘણા તેમના પર વિશ્વાસ કરે છે. પરંતુ, પોતાના વહાલા મિત્ર લાજરસના સમાચાર સાંભળીને યહુદાહ પાછા જાય છે.—લુક ૧૩:૩૩; યોહાન ૧૦:૨૦-૪૨.
૧૭. (ક) પેરીઆમાં પ્રચાર કરતા હતા ત્યારે ઈસુએ કયો સંદેશો મેળવ્યો? (ખ) શું બતાવે છે કે ઈસુએ જે કરવાનું હતું, અને ક્યારે કરવાનું હતું એના સમય વિષે તે સજાગ હતા?
૧૭ યહુદાહના બેથાનીઆમાં રહેતા લાજરસની બહેનો, મારથા અને મરિયમે જરૂરી સંદેશો મોકલ્યો છે. સંદેશો લાવનાર કહે છે કે, “પ્રભુ, જેના પર તું પ્રેમ રાખે છે, તે માંદો છે.” ઈસુ જવાબ આપે છે, “મરણ થાય એવો આ મંદવાડ નથી; પણ તે દેવના મહિમાને અર્થે છે કે તેથી દેવના દીકરાનો મહિમા થાય.” એ કારણે, ઈસુ પોતે જ્યાં હતા ત્યાં જાણીજોઈને બે દિવસ રહ્યા. પછી પોતાના શિષ્યોને કહે છે: “ચાલો, આપણે ફરીથી યહુદાહ જઈએ.” તેઓ નવાઈ પામીને કહે છે, “રાબ્બી, હમણાં જ યહુદીઓ તને પથ્થર મારવાની કોશિશ કરતા હતા; તે છતાં તું ત્યાં પાછો જાય છે?” પરંતુ ઈસુ ‘દિવસના કલાક’ કે સમય વિષે સજાગ છે કે, પરમેશ્વરે તેમને પૃથ્વી પર સેવાકાર્ય માટે આપેલો સમય હવે બહુ જ થોડો છે. તે જાણે છે તેમણે શું કરવું અને શા માટે કરવું જોઈએ.—યોહાન ૧૧:૧-૧૦.
નજરે જોયેલો અદ્ભુત ચમત્કાર
૧૮. ઈસુ બેથાનીઆમાં આવ્યા ત્યારે, ત્યાં કેવી હાલત હતી, અને પછી શું બન્યું?
૧૮ બેથાનીઆમાં સૌથી પહેલાં મારથા ઈસુને મળીને કહે છે: “પ્રભુ, જો તું અહીં હોત, તો મારો ભાઈ મરત નહિ.” મરિયમ અને તેમના ઘરે આવેલા લોકો પણ ઈસુને મળવા જાય છે. બધા રડી રહ્યા છે. ઈસુએ પૂછ્યું કે, “તમે તેને ક્યાં મૂક્યો છે?” તેઓએ જવાબ આપ્યો: “પ્રભુ, આવીને જો.” તેઓ કબર પાસે આવ્યા. કબર પથ્થરની ગુફામાં હતી, જેને આડો પથ્થર મૂકવામાં આવ્યો હતો. ઈસુ કહે છે: “પથ્થરને ખસેડો.” ઈસુ શું કરવાના હતા? મારથા પણ એ ન સમજતા, વાંધો ઉઠાવે છે: “પ્રભુ, હવે તો તે ગંધાતો હશે; કેમકે આજ તેને ચાર દહાડા થયા.” પરંતુ ઈસુએ પૂછ્યું: “તું વિશ્વાસ કરશે, તો તું દેવનો મહિમા જોશે, એવું મેં તને નથી કહ્યું?”—યોહાન ૧૧:૧૭-૪૦.
૧૯. લાજરસને સજીવન કરતા પહેલાં, ઈસુ શા માટે મોટેથી પ્રાર્થના કરે છે?
૧૯ લાજરસની કબર પરથી પથ્થર ખસેડવામાં આવ્યો. પછી, ઈસુએ મોટેથી પ્રાર્થના કરી, જેથી લોકો જાણે કે તે જે કરવાના છે, એ પરમેશ્વરની મદદથી કરશે. તે ઊંચે સ્વરે પોકારે છે: “લાજરસ, બહાર આવ!” હા, લાજરસને હાથે અને પગે હજુ કફન તથા મોં પર રૂમાલ બાંધેલો હતો. ઈસુ કહે છે, “એના બંધન છોડી નાખો, અને તેને જવા દો.”—યોહાન ૧૧:૪૧-૪૪.
૨૦. ઈસુએ લાજરસને સજીવન કર્યા, એ જોઈને લોકો પર કેવી અસર થઈ?
૨૦ આ ચમત્કાર જોઈને, મારથા અને મરિયમને દિલાસો આપવા આવેલા ઘણા યહુદીઓ ઈસુમાં વિશ્વાસ મૂકે છે. બીજાઓ નજરે જોયેલા ચમત્કાર વિષે ફરોશીઓને કહેવા દોડી જાય છે. તેઓનું વલણ કેવું હતું? તરત જ, તેઓએ મુખ્ય યાજકો સાથે સભા ભરી. તેઓએ બાવરા બની જઈને કહ્યું કે, “આપણે શું કરીએ? કેમકે એ માણસ તો ઘણા ચમત્કારો કરે છે. જો આપણે તેને એમ ને એમજ રહેવા દઈએ, તો સઘળા તેના પર વિશ્વાસ કરશે, અને રૂમીઓ આવીને આપણું ઠામઠેકાણું તથા પ્રજાપણું લઈ લેશે.” પરંતુ, પ્રમુખ યાજક કાયાફાસે કહ્યું, “તમે કંઈ જ જાણતા નથી, અને સમજતા નથી કે લોકની વતી એક માણસ મરે, ને આખી પ્રજા નાશ ન પામે, એ તમારે સારૂ લાભકારક છે.” તેથી, એ દિવસથી તેઓ ઈસુને મારી નાખવાની યોજના ઘડવા માંડ્યા.—યોહાન ૧૧:૪૫-૫૩.
૨૧. લાજરસને સજીવન કરવાના ચમત્કારથી કયો ફેરફાર આવ્યો?
૨૧ આમ, બેથાનીઆ મોડા આવીને ઈસુએ જે ચમત્કાર કર્યો, એની કોઈ ના પાડી શકે નહિ. પરમેશ્વરની શક્તિથી ઈસુ ચાર દિવસ સુધી મરણ પામેલી વ્યક્તિને ઊઠાડી શક્યા. અરે ન્યાયસભાના લોકોએ પણ એ માનવું પડ્યું. આખરે તેઓ આ ચમત્કાર કરનારને મોતની સજા ફટકારે છે! આમ આ ચમત્કાર ઈસુના સેવાકાર્યમાં મહત્ત્વનો બની જાય છે. એ સમય સુધી એમ કહેવાતું કે, ‘સમય હજી આવ્યો નથી.’ એને બદલે, હવે એમ કહેવાય છે કે, “ઘડી આવી છે.”
તમારો જવાબ શું છે?
• ઈસુએ કઈ રીતે બતાવ્યું કે પરમેશ્વરે સોંપેલા કાર્ય વિષે તે સજાગ હતા?
• ઈસુએ દ્રાક્ષદારૂ વિષે પોતાની માતાના સૂચનનો વિરોધ કેમ કર્યો?
• ઈસુ વિરોધીઓ સાથે જે રીતે વર્ત્યા, એમાંથી આપણે શું શીખી શકીએ?
• લાજરસ માંદો હતો છતાં, ઈસુ શા માટે મોડું કરે છે?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૨ પર ચિત્રો]
ઈસુએ પોતાનું સર્વ પરમેશ્વરે સોંપેલા કાર્યમાં અર્પી દીધું