ફિજીના ટાપુઓમાં પરમેશ્વરના રાજ્યનો પ્રચાર કરવો
આપણે વિશ્વાસ રાખનારા છીએ
ફિજીના ટાપુઓમાં પરમેશ્વરના રાજ્યનો પ્રચાર કરવો
ઈસુ ખ્રિસ્તે એક વખત બે માર્ગો વિષે જણાવ્યું. એક પહોળો માર્ગ જે મરણ તરફ અને બીજો સાંકડો માર્ગ જીવન તરફ દોરી જાય છે. (માત્થી ૭:૧૩, ૧૪) લોકો જીવનના માર્ગની પસંદગી કરે માટે યહોવાહ પરમેશ્વર ઇચ્છે છે કે રાજ્યના સુસમાચારનો પ્રચાર આખી પૃથ્વી પર થાય. (માત્થી ૨૪:૧૪) તેથી, દરેક જગ્યાએ લોકો રાજ્યના સુસમાચાર સાંભળે છે અને ઘણા “જીવના ઉદ્ધારને અર્થે વિશ્વાસ કરનારા” બને છે. (હેબ્રી ૧૦:૩૯) ચાલો આપણે દક્ષિણ પૅસિફિક પાસે આવેલા ટાપુઓ અને ફિજી ટાપુઓમાં અમુક લોકોએ પોતાના જીવનમાં કરેલા ફેરફારો વિષે જોઈએ.
તેઓએ યહોવાહમાં વિશ્વાસ મૂક્યો
મેરાએ ૧૯૬૪માં પહેલીવાર રાજ્યના સુસમાચાર સાંભળ્યા ત્યારે તે શાળામાં ભણતી હતી. પરંતુ તે દૂરના એક ટાપુમાં રહેતી હોવાથી ભાગ્યે જ યહોવાહના સાક્ષીઓનો સંપર્ક કરી શકતી હતી. તેમ છતાં, તે બાઇબલનું ચોક્સાઈભર્યું જ્ઞાન લઈ શકી. એ સમય દરમિયાન તેનું લગ્ન ગામના એક મુખી સાથે થયું. મેરાએ બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે જીવવાની પસંદગી કરી હોવાથી તેના પતિ તથા સંબંધીઓ તેના પર ક્રૂર અત્યાચાર કરતા હતા. ગામના રહેવાસીઓ પણ તેનો તિરસ્કાર કરતા હતા. તોપણ, તે ૧૯૯૧માં બાપ્તિસ્મા પામી.
થોડા દિવસો પછી મેરાના પતિ જોશુઆ નરમ થયા. મેરા પોતાનાં બાળકો સાથે બાઇબલનો અભ્યાસ કરતી ત્યારે તેમણે પણ બેસવાનું શરૂ કર્યું. છેવટે, જોશુઆએ મેથૉડિસ્ટ ચર્ચમાં જવાનું બંધ કર્યું. તેમ છતાં, ગામમાં તે સાપ્તાહિક સભાઓમાં મુખી તરીકે હાજર રહેતા હતા. ગામના રહેવાસીઓ માટે જોશુઆ દગાબાજ હતા કારણ કે ફિજી ગામના રહેવાસીઓ માટે મેથૉડિસ્ટ ચર્ચ ખૂબ મહત્ત્વનું હતું. તેથી સ્થાનિક પાદરીએ જોશુઆને ચર્ચમાં પાછા આવવાની વિનંતી કરી.
પરંતુ, જોશુઆએ હિંમતથી કહ્યું કે તેમણે અને તેમના કુટુંબે “આત્માથી તથા સત્યતાથી” યહોવાહ પરમેશ્વરની ભક્તિ કરવાનો નિર્ણય લીધો છે. (યોહાન ૪:૨૪) પછીની ગામની સભામાં પ્રમુખ મુખીએ જોશુઆ અને તેમના કુટુંબને ગામ છોડવાનો હુકમ કર્યો. તેઓને સાત જ દિવસમાં ટાપુ, ઘર, જમીન, પાક અને સર્વ છોડી જવાનું કહ્યું.
બીજા ટાપુના આધ્યાત્મિક ભાઈઓ જોશુઆ અને તેમના કુટુંબને મદદ કરવા આવ્યા. તેઓએ તેમને ખેતી માટે જમીન અને રહેવા માટે જગ્યા આપી. જોશુઆ અને તેમનો મોટો દીકરો હવે બાપ્તિસ્મા પામેલા સેવક છે. બીજો દીકરો બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક તરીકે સેવા કરે છે. તાજેતરમાં મેરાએ નિયમિત પાયોનિયર (પૂરા-સમયના સેવક) તરીકે નામ નોંધાવ્યું. તેઓએ યહોવાહની સેવા કરવાનું પસંદ કર્યું હોવાથી હોદ્દો અને ભૌતિક વસ્તુઓ ગુમાવી. પરંતુ પ્રેષિત પાઊલની જેમ તેઓ પણ વિચારે છે કે પોતે જે મેળવ્યું છે એની સરખામણીમાં તેઓએ ગુમાવ્યું એ તો કંઈ જ નથી.—ફિલિપી ૩:૮.
અંતઃકરણથી પસંદગી કરવી
બાઇબલ આધારિત અંતઃકરણ જાળવી રાખવા વિશ્વાસ અને હિંમતની જરૂર છે. કિરિબૅતીમાં આવેલા તારાવા ટાપુમાં રહેતી નવી બાપ્તિસ્મા પામેલી યુવાન સુરાંગના કિસ્સામાં પણ એવું જ બન્યું હતું. સુરાંગ હૉસ્પિટલમાં નર્સ તરીકેના પોતાના કાર્યમાં એક બાબતે છૂટ મેળવવા વિનંતી કરી. પરંતુ તેની વિનંતીને સ્વીકારવામાં આવી નહિ અને પરિણામે તેને એક ટાપુ પરના નાના તબીબી કેન્દ્રમાં મોકલવામાં આવી કે જ્યાં તે સાક્ષીઓથી એકદમ દૂર હતી.
એ ટાપુમાં નવી આવનાર વ્યક્તિ સ્થાનિક ‘આત્માને’ અર્પણો ચઢાવે એવી પ્રથા હતી. લોકો માનતા હતા કે એવું નહિ કરનાર વ્યક્તિને એ આત્મા મારી નાખશે. સુરાંગ અને તેના કર્મચારીઓએ મૂર્તિપૂજાના આ કાર્યમાં જોડાવાનો નકાર કર્યો ત્યારે ટાપુવાસીઓ એ નારાજ આત્મા સુરાંગને મારી નાખે એની રાહ જોતા હતા. પરંતુ સુરાંગ કે તેના કર્મચારીઓને કંઈ પણ હાનિ થઈ નહિ ત્યારે, સુરાંગ માટે સાક્ષી આપવાની ઘણી તકો ઊભી થઈ.
સુરાંગની કસોટી કંઈ પૂરી થઈ ન હતી. ટાપુના અમુક યુવાનો ત્યાં આવતી યુવાન સ્ત્રીઓને પોતાની સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતા હતા. પરંતુ, સુરાંગે એનો વિરોધ કર્યો અને પરમેશ્વરને સંપૂર્ણ રીતે આધીન રહી. સુરાંગ પૂરો સમય નર્સ તરીકે નોકરી કરતી હોવા છતાં નિયમિત પાયોનિયર બની શકી.
સુરાંગ ટાપુ છોડીને જવાની હતી ત્યારે તેના માનમાં વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. ટાપુ પરના વડીલોએ જણાવ્યું કે તેઓની મુલાકાત લેનારાઓમાં સુરાંગ ખરેખર પ્રથમ મિશનરિ હતી. સુરાંગ બાઇબલ સિદ્ધાંતોને દૃઢપણે વળગી રહી હોવાથી ટાપુમાં રહેતા બીજા લોકોએ રાજ્ય સંદેશાને સારો પ્રત્યુત્તર આપ્યો.
શારીરિક પડકારો
અમુક ગામો દૂર દૂર હોવાને કારણે યહોવાહના લોકોએ સેવાકાર્યમાં સહભાગી થવા અને ખ્રિસ્તી સભાઓમાં હાજરી આપવા સખત મહેનત કરવી પડે છે. ચાર બાપ્તિસ્મા પામેલા સાક્ષીઓનો વિચાર કરો. એક ભાઈ અને ત્રણ બહેનો સભાઓમાં આવવા-જવા માટે કલાકો મુસાફરી કરે છે. તેઓએ ફક્ત જવા માટે જ ત્રણ નદી પાર કરવાની હોય છે. નદીમાં પાણી વધારે હોય ત્યારે, આ ભાઈ સૌ પ્રથમ તેઓની બેગ, પુસ્તકો અને સભામાં પહેરવાના કપડાં મોટા વાસણમાં મૂકી પોતાની પાછળ બાંધી દે છે. પછી તે તરીને સામેના કિનારે જાય છે. પછી પાછા ફરીને ત્રણ બહેનોને મદદ કરે છે.
કિરિબૅતીના નૉનઊટી ટાપુમાં સભાઓમાં હાજરી આપતું બીજું એક નાનું જૂથ જુદી જુદી મુશ્કેલીઓનો સામનો કરે છે. સભા માટે જે ઘરમાં તેઓ ભેગા થાય છે ત્યાં ફક્ત સાત કે આઠ લોકો જ બેસી શકે છે. બીજા લોકો ઘરની બહાર બેસીને ધ્યાન આપે છે. ભવ્ય ચર્ચમાં જતા-આવતા લોકો તેઓને નાના ઘરમાં સભાઓ ભરતા જુએ છે. પરંતુ યહોવાહના સાક્ષીઓ જાણે છે કે પરમેશ્વરની નજરમાં મોટાં મોટાં મકાનો કરતાં લોકો વધારે મહત્ત્વના છે. (હાગ્ગાય ૨:૭) ટાપુમાં એક વૃદ્ધ બાપ્તિસ્મા પામેલા બહેન દૂર સુધી ચાલી શકતા નથી. તેથી બાપ્તિસ્મા નહિ પામેલી એક યુવાન બહેન, તેમનો હાથ પકડી સેવાકાર્યમાં તેમને મદદ કરે છે. તેઓ સત્ય પ્રત્યે કેવી કદર બતાવે છે!
ફિજીના ટાપુઓમાં ૨,૧૦૦ કરતાં વધારે પ્રકાશકોએ દેવના રાજ્યના સુસમાચારને નિયમિતપણે જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. અને તેઓને ખાતરી છે કે હજુ વધારે લોકો “જીવના ઉદ્ધારને અર્થે વિશ્વાસ કરનારા” બનશે.
[પાન ૮ પર નકશા]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
ઑસ્ટ્રેલિયા
ફિજી