સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મદદ માટે પોકાર

મદદ માટે પોકાર

મદદ માટે પોકાર

બ્રાઝિલની એક સ્ત્રીએ રડતા રડતા કહ્યું: “દેવ મને ભૂલી ગયા છે!” તેના પતિનું અચાનક મૃત્યુ થયા પછી તેને લાગ્યું કે, હવે જીવનનો કોઈ અર્થ નથી. શું તમે કદી પણ કોઈ ઉદાસ કે મદદ માટે પોકાર કરતી વ્યક્તિને દિલાસો આપવાનો પ્રયત્ન કર્યો છે?

અમુક લોકો ખૂબ જ ઉદાસ થઈ ગયા હોય છે. તેથી, તેઓ આપઘાત કરે છે, જેમાંના મોટા ભાગના તો યુવાનો હોય છે. ફોલ્યા ડે સાઓ પાઊલોના છાપા પ્રમાણે બ્રાઝિલમાં “યુવાનોના આપઘાતમાં ૨૬ ટકાનો વધારો થયો છે.” દાખલા તરીકે, સાઓ પાઊલોમાં રહેતા યુવાન વૉલ્ટરનો * વિચાર કરો. તેનું કોઈ જ ન હતું. માબાપ, ઘર, કે મિત્રો પણ ન હતા જેના પર તે આધાર રાખી શકે. તેથી, પોતાના દુઃખનો અંત લાવવા વૉલ્ટરે પુલ પરથી કૂદકો માર્યો.

એડના એકલી માતા છે, તે બીજા એક પુરુષને મળી ત્યારે તેને બે બાળકો હતાં. એક મહિના પછી તે પેલા પુરુષ અને તેની મા સાથે રહેવા ગઈ. પેલા પુરુષની મા મેલીવિદ્યામાં ભાગ લેતી અને શરાબી હતી. એડનાને એક બીજું બાળક થયું, અને પછી તે પણ વધારે પડતો દારૂ પીવા લાગી. તે એટલી ઉદાસ થઈ ગઈ હતી કે, તેણે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો. છેવટે, તેની પાસેથી તેનાં બાળકો પણ લઈ લેવામાં આવ્યાં.

પરંતુ મોટી ઉંમરના લોકો વિષે શું? મારિયા હસમુખી અને વાતોડી હતી. જેમ તેની ઉંમર વધતી હતી, તેમ તે ચિંતા કરવા લાગી. પોતે એક નર્સ હોવાથી તેને ડર હતો કે, કામ પર જો કોઈ ભૂલ થશે તો તેની નોકરી ચાલી જશે. તેથી, તે ઘણી ઉદાસ રહેવા લાગી. ઘરની દવા કામ ન આવી ત્યારે તેણે ડૉક્ટરની દવા કરાવી અને એનાથી તેને સારું થયું. પરંતુ, તે ૫૭ વર્ષની થઈ ત્યારે તેની નોકરી ચાલી ગઈ. આમ ફરીથી તે ડિપ્રેસનમાં પડી ગઈ અને તેને સારું ન થયું. તેથી, મારિયાએ આપઘાત કરવાનું વિચાર્યું.

સાઓ પાઊલોની યુનિવર્સિટીના પ્રોફેસર જૉસ એલબર્ટો ડેલ પૉર્ટો કહે છે: “લગભગ ડિપ્રેસનના કારણે ૧૦ ટકા લોકો આપઘાત કરે છે.” યુ.એસ.ના રિપોર્ટ પ્રમાણે ડૉક્ટર ડેવિડ સાચર કહે છે: “માની ન શકાય કે, હત્યાથી લોકો મરે છે એના કરતાં વધારે લોકો આપઘાત કરીને મરે છે. એ કડવું સત્ય છે.”

અમુક વખત કોઈને મદદ ન મળવાથી તેઓ આપઘાત કરતા હોય છે. સાચે જ કુટુંબના સભ્યો અને મિત્રો આવા લોકોને મદદ કરવા ઇચ્છતા હોય છે. પરંતુ, આ રીતે બોલવાથી તેઓને મદદ નહિ મળે: “દુઃખનાં રોદણાં શું રડ્યા કરો છો?” કે “તમારા કરતાં બીજા લોકો ઘણા દુઃખી છે,” અથવા “સુખ-દુઃખ તો બધાને જ આવે.” એના કરતાં કેમ નહિ કે, તમે સારા મિત્ર બનતા શીખો, અથવા સારા સાંભળનારા બનો? હા, નિરાશ વ્યક્તિને જીવનની કદર કરતા શીખવો.

ફ્રેંચ લેખક વૉલ્ટૅરે લખ્યું: “જે માણસ દુઃખથી હિંમત હારીને આજે આપઘાત કરે છે, તેણે એક અઠવાડિયું રાહ જોઈ હોત તો, તેને જીવવાની આશા જાગત.” તેથી, નિરાશ લોકો કઈ રીતે જીવનની કદર કરતા શીખી શકે?

[ફુટનોટ]

^ નામ બદલવામાં આવ્યાં છે.

[પાન ૩ પર ચિત્ર]

નાની-મોટી ઉંમરના લોકોમાં આપઘાતનો વધારો

[પાન ૪ પર ચિત્ર]

નિરાશ વ્યક્તિને તમે કઈ રીતે મદદ કરી શકો?