સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહની કૃપા પામનાર નમ્ર યોશીયાહ

યહોવાહની કૃપા પામનાર નમ્ર યોશીયાહ

યહોવાહની કૃપા પામનાર નમ્ર યોશીયાહ

પાંચ વર્ષનો યહુદાહનો રાજકુમાર, યોશીયાહ ઘણો ગભરાઈ ગયો હશે. તેની મા યદીદાહ પોક મૂકીને રડી રહી છે. એનું કારણ એ છે કે, યોશીયાહના દાદા, રાજા મનાશ્શેહ મરણ પામ્યા હતા.—૨ રાજા ૨૧:૧૮-૨૨:૮.

હવે યોશીયાહના પિતા આમોન યહુદાહના રાજા બને છે. (૨ કાળવૃત્તાંત ૩૩:૨૦) બે વર્ષ પછી (૬૫૯ બી.સી.ઈ.), આમોનના ચાકરોએ તેનું ખૂન કર્યું. પરંતુ, લોકોએ રાજાના વિરોધીઓને મારી નાખીને, આમોનના પુત્ર યોશીયાહને રાજા બનાવ્યો. (૨ રાજા ૨૧:૨૪; ૨ કાળવૃત્તાંત ૩૩:૨૫) આમોનના રાજમાં, યોશીયાહ જૂઠા દેવોને ચઢાવતા ધૂપથી સારી રીતે પરિચિત થઈ ગયો હોવો જોઈએ. મોટા ભાગે વેદીઓ ઘરના ધાબા પર હતી, અને ધૂપ વાતાવરણમાં પ્રસરી જતો. મૂર્તિપૂજક યાજકો આવતા-જતા દેખાતા, અને તેમના ચેલાઓ, જેમાંના અમુક તો યહોવાહની ભક્તિ કરવાનો દાવો પણ કરતા હતા, તેઓ માલ્કામના નામે સોગન ખાતા હતા.—સફાન્યાહ ૧:૧,.

યોશીયાહ જાણતા હતા કે આમોને જૂઠા દેવદેવીઓની પૂજા કરીને બહુ ખોટું કર્યું હતું. યહુદાહના યુવાન રાજા યોશીયાહને પરમેશ્વરના ભક્ત સફાન્યાહે જાહેર કરેલી બાબતની સારી રીતે સમજણ પડે છે. યોશીયાહ ૧૫ (૬૫૨ બી.સી.ઈ.) વર્ષના થાય છે ત્યારે, તે પોતાના રાજના આઠમા વર્ષમાં હતા, અને સફાન્યાહના શબ્દો પાળવાનો નિર્ણય કરી ચૂક્યા હતા. તે હજુ કિશોર વયના જ હતા, ત્યારથી યોશીયાહે યહોવાહની કૃપા શોધી.—૨ કાળવૃત્તાંત ૩૩:૨૧, ૨૨; ૩૪:૩.

યોશીયાહે કરેલા મોટા ફેરફારો!

ચાર વર્ષ પસાર થાય છે, અને યોશીયાહ (૬૪૮ બી.સી.ઈ.)માં યહુદાહ અને યરૂશાલેમને જૂઠા ધર્મથી શુદ્ધ કરવાનું શરૂ કરે છે. તેણે મૂર્તિઓ, પવિત્ર સ્તંભો અને બઆલની ઉપાસના માટેની ધૂપવેદીનો નાશ કર્યો. જૂઠા દેવોની મૂર્તિઓને ભાંગીને ભૂક્કો કરીને, એના પર બલિદાન થયેલાંની કબર પર એ નાખ્યો. અશુદ્ધ ઉપાસનાની વેદીઓ ભાંગીને તેનો નાશ કર્યો.—૨ રાજા ૨૩:૮-૧૪.

લેવી યાજકનો દીકરો, યિર્મેયાહ યરૂશાલેમમાં આવે છે ત્યારે યોશીયાહનું કામ વધારે પૂરજોશમાં આવે છે (૬૪૭ બી.સી.ઈ.). પરમેશ્વર યહોવાહે યિર્મેયાહને પોતાનો પ્રબોધક નીમ્યો, અને તે કેવી હિંમતથી જૂઠા ધર્મો વિરુદ્ધ યહોવાહનો સંદેશો જાહેર કરે છે! યોશીયાહ અને યિર્મેયાહની ઉંમર લગભગ સરખી જ હતી. જો કે યોશીયાહના મોટા મોટા ફેરફારો અને યિર્મેયાહે ફેલાવેલા હિંમતભર્યા સંદેશો છતાં, લોકો જલદી જ જૂઠા ધર્મમાં ભટકી ગયા.—યિર્મેયાહ ૧:૧-૧૦.

અમૂલ્ય શોધ!

પાંચ વર્ષ પસાર થયા. પચીસ વર્ષના યોશીયાહ ૧૮ વર્ષથી રાજ કરી રહ્યા છે. તેમણે પોતાના મંત્રી શાફાન, નગરના સૂબા માઅસેયાહ; અને ઇતિહાસકાર યોઆહાઝને બોલાવ્યા. પછી રાજાએ સાફાનને આજ્ઞા આપી કે, ‘મુખ્ય યાજક હિલ્કીયાહને કહે કે, જે પૈસા યહોવાહના મંદિરમાં લોકોએ દાનમાં આપેલા છે, એ લઈને, યહોવાહના મંદિરમાં જે કારીગરો મંદિરની ભાંગતૂટ સમારે છે તેમને આપે.’—૨ રાજા ૨૨:૩-૬; ૨ કાળવૃત્તાંત ૩૪:૮.

વહેલી સવારથી, મંદિરનું બાંધકામ કરનારા મન લગાડીને કામ કરે છે. ખરેખર, યોશીયાહે યહોવાહનો આભાર માન્યો હશે કે, પરમેશ્વરના ઘરને પોતાના દુષ્ટ પૂર્વજોએ કરેલું નુકસાન આ કામદારો સમારી રહ્યા છે. કામ બરાબર ચાલી રહ્યું છે ત્યારે, શાફાન તેમની પાસે આવીને ખાસ સમાચાર જણાવે છે. આ શું? તેના હાથમાં તો વીંટો છે! તે સમજાવે છે કે “મુસાની મારફતે અપાએલા યહોવાહના નિયમનું પુસ્તક” હિલ્કીયાહ યાજકને મળ્યું. (૨ કાળવૃત્તાંત ૩૪:૧૨-૧૮) કેવી મોટી શોધ, કેમ કે એ તો પરમેશ્વરના નિયમોનું મૂળ લખાણ હતું!

યોશીયાહ એ વીંટાનો દરેક શબ્દ સાંભળવા આતુર છે. શાફાન વાંચે છે તેમ, રાજા એ સમજીને પોતાને અને લોકોને લાગુ પાડવાનો પ્રયત્ન કરે છે. ખાસ કરીને એ વીંટામાં ભાર મૂકવામાં આવ્યો હતો કે, લોકો સાચી ઉપાસના પડતી મૂકીને જૂઠી ભક્તિ કરશે તો, મહામારી અને બંદીવાસ ભોગવવો પડશે. યોશીયાહને ખબર પડી કે યહોવાહની બધી જ આજ્ઞાઓ પાળવામાં આવી નથી ત્યારે, તેમણે વસ્ત્ર ફાડ્યા, અને હિલ્કીયાહ, શાફાન અને બીજાઓને આજ્ઞા આપી કે, ‘આ પુસ્તકનાં વચન વિષે યહોવાહને પૂછો; કેમકે આ પુસ્તકનાં વચનને આપણા પિતૃઓએ કાન ધર્યો નથી, તેથી યહોવાહનો કોપ જે આપણા પર સળગ્યો છે તે ભારે છે.’—૨ રાજા ૨૨:૧૧-૧૩; ૨ કાળવૃત્તાંત ૩૪:૧૯-૨૧.

યહોવાહની ઇચ્છા જણાવાઈ

યોશીયાહનો સંદેશો લઈ જનારા યરૂશાલેમમાં રહેતી પ્રબોધિકા હુલ્દાહ પાસે આવ્યા, અને સંદેશો લઈને પાછા ફર્યા. હુલ્દાહે મોકલેલા સંદેશામાં યહોવાહની ઇચ્છા જણાવાઈ હતી. તેણે જણાવ્યું કે, મળી આવેલા વીંટામાંની વિપત્તિઓ ભ્રષ્ટ રાષ્ટ્રો પર જરૂર આવી પડશે. છતાં, યોશીયાહે પોતાને યહોવાહ સમક્ષ નમ્ર કર્યા, તેથી, તેમણે એ વિપત્તિઓ જોવી પડશે નહિ. તે તેમના પિતૃઓની ભેગા શાંતિમાં પોતાની કબરમાં દટાશે.—૨ રાજા ૨૨:૧૪-૨૦; ૨ કાળવૃત્તાંત ૩૪:૨૨-૨૮.

જો કે યોશીયાહ યુદ્ધમાં માર્યા ગયા, તો શું હુલ્દાહની ભવિષ્યવાણી ખોટી ઠરી હતી? (૨ રાજા ૨૩:૨૮-૩૦) ના, કેમ કે એ પછી યહુદાહ પર જે “વિપત્તિ” આવી પડી, એની સરખામણીમાં તે “શાંતિમાં” કબરમાં દટાયા. (૨ રાજા ૨૨:૨૦; ૨ કાળવૃત્તાંત ૩૪:૨૮) બાબેલોને ૬૦૯-૬૦૭ બી.સી.ઈ.માં યરૂશાલેમને ઘેરો ઘાલીને એનો નાશ કર્યો, એ પહેલાં યોશીયાહ મરણ પામ્યા. તેમ જ, પોતાના ‘પિતૃઓની ભેગા મળી જવાનો’ અર્થ હિંસાથી મોત ન થાય એવો પણ નથી. એના જેવા જ શબ્દોનો ઉપયોગ હિંસાથી અને હિંસા વિના થયેલા બંને મરણને દર્શાવે છે.—પુનર્નિયમ ૩૧:૧૬; ૧ રાજા ૨:૧૦; ૨૨:૩૪, ૪૦.

સાચી ભક્તિ વધી

યોશીયાહે લોકોને યરૂશાલેમના મંદિરમાં ભેગા કરીને, યહોવાહના મંદિરમાંથી “કરારનું જે પુસ્તક મળ્યું હતું,” તે તેઓની સમક્ષ વાંચ્યું. પછી, “સંપૂર્ણ મનથી, તથા સંપૂર્ણ ભાવથી યહોવાહને અનુસરવાનો, ને તેની આજ્ઞાઓ, તેનાં સાક્ષ્ય તથા તેના વિધિઓ પાળવાનો તેણે યહોવાહ આગળ કરાર કર્યો.” સર્વ લોકો એ કરારમાં સહમત થયા.—૨ રાજા ૨૩:૧-૩.

એ પછી રાજા યોશીયાહ મૂર્તિપૂજાનું નામનિશાન કાઢી નાખવાની ઝુંબેશ ઉપાડે છે. યહુદાહના મૂર્તિપૂજક યાજકોનો ધંધો બંધ થઈ ગયો. અશુદ્ધ ભક્તિમાં પડેલા લેવી યાજકો પાસેથી યહોવાહની વેદી આગળ સેવા કરવાનો લહાવો લઈ લેવાયો. રાજા સુલેમાને બાંધેલી જૂઠા દેવોની વેદીઓનો ભાંગીને ભૂક્કો કરી નંખાયો. યોશીયાહે સાચી ભક્તિ સ્થાપવા ચાલુ કરેલી આ સાફસફાઈમાં ઈસ્રાએલના દશ કુળોના અગાઉના રાજ્યનો પણ સમાવેશ થયો, જે આશ્શૂરીઓએ (૭૪૦ બી.સી.ઈ.માં) જીતી લીધું હતું.

એક ‘ઈશ્વરભક્ત’ જેનું નામ આપવામાં આવ્યું નથી, તેણે ૩૦૦ વર્ષ પહેલાં કહેલા શબ્દો સાચા પડ્યા. યોશીયાહે બઆલના યાજકોના હાડકાં રાજા યરોબઆમ પહેલાએ બેથેલમાં બાંધેલી વેદી પર બાળ્યા. બીજા શહેરોમાંથી પણ જૂઠી ઉપાસનાની વેદીઓ કાઢી નાખવામાં આવી. વળી, જે યાજકો એ વેદીઓ પર બલિદાનો ચઢાવતા, તેઓને એના પર જ બાળવામાં આવ્યા.—૧ રાજા ૧૩:૧-૪; ૨ રાજા ૨૩:૪-૨૦.

યાદગાર પાસ્ખાપર્વ

શુદ્ધ ભક્તિને ચાલુ રાખવાના યોશીયાહના કાર્યને પરમેશ્વર યહોવાહનો સાથ હતો. યોશીયાહ યહોવાહ પરમેશ્વરનો ખૂબ જ આભાર માને છે, કેમ કે તે જીવે છે ત્યાં સુધી લોકો “પોતાના પિતૃઓના દેવ યહોવાહને અનુસરતા રહ્યા.” (૨ કાળવૃત્તાંત ૩૪:૩૩) તેમ જ, પોતાના રાજના અઢારમા વર્ષે બનેલા યાદગાર પ્રસંગને યોશીયાહ કઈ રીતે ભૂલી શકે?

રાજાએ લોકોને આજ્ઞા આપી કે, હમણાં મળી આવેલા “કરારના આ પુસ્તકમાં લખ્યા પ્રમાણે તમારા દેવ યહોવાહને સારૂ પાસ્ખાપર્વ પાળો.” (૨ રાજા ૨૩:૨૧) લોકો તરત જ એ માને છે, એ જોઈને યોશીયાહ ઘણો ખુશ થાય છે. એ ઉજવણીમાં તે પોતે ૩૦,૦૦૦ પ્રાણીઓ અને ૩,૦૦૦ ઘેટાંબકરાંના બલિદાનો ચઢાવ્યાં. કેવું ભવ્ય પાસ્ખાપર્વ! એ અર્પણો, સુંદર ગોઠવણ, અને એમાં ભાગ લેનારાઓની સંખ્યામાં, આ પાસ્ખાપર્વ પ્રબોધક શમૂએલના સમયથી થયેલી બધી ઉજવણીમાં ચઢિયાતું હતું.—૨ રાજા ૨૩:૨૨, ૨૩; ૨ કાળવૃત્તાંત ૩૫:૧-૧૯.

મોટો વિલાપ

યોશીયાહે બાકીના ૩૧ (૬૫૯-૬૨૯ બી.સી.ઈ.) વર્ષ એક સારા રાજા તરીકે રાજ કર્યું. તેના રાજના અંતમાં, તેને જાણવા મળ્યું કે મિસરનો રાજા નેકો યહુદાહમાંથી પસાર થવાનો હતો. તે બાબેલોનના લશ્કરને રોકવા અને આશ્શૂરના રાજાને મદદ કરવા યુફ્રેટીસના કાંઠા પરના કાર્કેમીશ જતો હતો. કોઈક અજાણ કારણથી, યોશીયાહ મિસરીઓ સાથે લડવા નીકળી પડે છે. નેકોએ તેને સંદેશો મોકલાવ્યો કે, “દેવ મારી સાથે છે તેની ઇચ્છાની વિરૂદ્ધ ડખલગીરી ન કર, રખેને તે તારો નાશ કરે.” પરંતુ યોશીયાહ ગુપ્ત વેશ ધારણ કરીને મગિદ્દોના મેદાનમાં તેઓની સામે લડવા આવ્યો.—૨ કાળવૃત્તાંત ૩૫:૨૦-૨૨.

યહુદાહના રાજા માટે કેવી હાર! દુશ્મનો નિશાન ચૂક્યા નહિ, અને યોશીયાહ રાજાને જોરદાર બાણે ઘાયલ કર્યો. તેણે પોતાના ચાકરોને કહ્યું કે “મને લઈ જાઓ, કેમકે મને કારી ઘા વાગેલા છે.” તેઓએ તેને લડાઈના રથમાંથી કાઢીને બીજા રથમાં બેસાડીને યરૂશાલેમ લાવ્યા. ત્યાં અથવા રસ્તામાં જ યોશીયાહ મરણ પામ્યો. પ્રેરિત અહેવાલ કહે છે કે “તે મૃત્યુ પામ્યો, તેને તેના પિતૃઓની કબરોમાં દાટવામાં આવ્યો, ને યહુદાહ તથા યરૂશાલેમના સર્વ લોકોએ તેને માટે શોક કર્યો.” યિર્મેયાહે તેને માટે વિલાપનું કાવ્ય રચ્યું અને ત્યાર પછી રાજા વિલાપના કાવ્યનો વિષય બની ગયો.—૨ કાળવૃત્તાંત ૩૫:૨૩-૨૫.

હા, યોશીયાહ રાજાએ મિસરીઓ સામે લડવા જઈને મોટી ભૂલ કરી. (ગીતશાસ્ત્ર ૧૩૦:૩) છતાં, તેની નમ્રતા અને સાચી ભક્તિ માટેના ઉત્સાહે પરમેશ્વરની કૃપા મેળવી. યોશીયાહનો અનુભવ બતાવે છે કે, યહોવાહ પરમેશ્વર પોતાના સાચા નમ્ર ભક્તો પર કૃપા રાખે છે!—નીતિવચન ૩:૩૪; યાકૂબ ૪:૬.

[પાન ૨૯ પર ચિત્ર]

યુવાન રાજા યોશીયાહે સતત યહોવાહની કૃપા શોધી

[પાન ૩૧ પર ચિત્ર]

યોશીયાહે જૂઠી ઉપાસનાની વેદીઓનો નાશ કર્યો. પરંતુ, તેણે સાચી ભક્તિ વધારી