સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સારું નામ જાળવી રાખો

સારું નામ જાળવી રાખો

સારું નામ જાળવી રાખો

એક માણસ મકાનની સુંદર ડિઝાઈન રચે છે, અને એનાથી તે આર્કિટેક્ટ તરીકે નામ બનાવે છે. એક યુવતી શાળામાં સારા માર્ક મેળવે એનાથી તે હોંશિયાર વિદ્યાર્થી ગણાય છે. વળી, કોઈ વ્યક્તિ કંઈ કામ ન કરે તો તેને આળસુ કહેવામાં આવે છે. આમ, સારું નામ બનાવવું કેટલું મહત્ત્વનું છે, એ વિષે બાઇબલ જણાવે છે: “ભલું નામ એ પુષ્કળ ધન કરતાં, અને પ્રેમયુક્ત રહેમનજર સોનારૂપા કરતાં ઈચ્છવાજોગ છે.”—નીતિવચન ૨૨:૧.

સારાં કામ કરવાથી, સારું નામ મળે છે, પરંતુ એમ કરવામાં સમય લાગે છે. એક નાની ભૂલથી સારા નામ પર પાણી ફરી વળી શકે. દાખલા તરીકે, એક અનૈતિક કૃત્યથી આપણી સારી શાખ બગડી શકે છે. ઈસ્રાએલના રાજા સુલેમાને નીતિવચનના છઠ્ઠા અધ્યાયમાં ચેતવણી આપતા જણાવ્યું કે, શું કરવાથી યહોવાહ પરમેશ્વર સાથેનો આપણો સંબંધ બગડી શકે. એમાં, આળસ, છેતરપિંડી, અનૈતિકતા અને ખોટા વચનોનો પણ સમાવેશ થાય છે, જે યહોવાહ ધિક્કારે છે. એની સલાહ લાગુ પાડવાથી આપણું નામ શુદ્ધ રાખવા મદદ મળશે.

વચન આપતા પહેલાં વિચારો

નીતિવચનનો છઠ્ઠો અધ્યાય આ રીતે શરૂ થાય છે: “મારા દીકરા, જો તું તારા પડોશીનો જામીન થયો હોય, જો તેં પારકાને માટે કોલ આપ્યો હોય, તો તું તારા મોઢાના વચનોથી ફસાયો છે, તું તારા મોઢાના શબ્દોથી સપડાયો છે; તો, મારા દીકરા, તારા પડોશીના હાથમાં તું આવી ગયો છે, માટે તેનાથી છૂટી જવાને હમણાં જ આ કર: જા, તારા પડોશીની આગળ નમી જઈને કાલાવાલા કર.” *નીતિવચન ૬:૧-૩.

અજાણ્યા લોકો સાથે આપણે વેપાર ન કરવો જોઈએ એવી એ નીતિવચન સલાહ આપે છે. હા, ઈસ્રાએલીઓને પોતાના ગરીબ ભાઈને નીભાવી લેવાનો હતો. (લેવીય ૨૫:૩૫-૩૮) વળી, કેટલાક ઈસ્રાએલીઓ શંકાસ્પદ વેપારધંધો કરવા લાગ્યા અને નાણાની મદદ માટે બીજાઓને તેઓ માટે જામીન આપવાનું કહ્યું. આમ, તેઓને પણ દેવામાં ઊતારી શકે. એવી જ પરિસ્થિતિ આજે પણ ઉભી થઈ શકે. દાખલા તરીકે, લૉન આપતી સંસ્થા લૉન આપતા પહેલાં જામીન રહેલી વ્યક્તિની સહી લે છે. તેથી બીજાઓના માટે ઉતાવળે સહી કરવી કેવું મૂર્ખામીભર્યું છે! અરે, એ આપણને દેવામાં નાખી શકે એટલું જ નહિ પણ એનાથી આપણું નામ ખરાબ થશે.

કદાચ એમ બને કે, આપણે ઉતાવળે સહમત થયા હોઈએ અને પછીથી ધ્યાનમાં આવે કે આપણે ભૂલ કરી છે, તો શું? અભિમાન દૂર કર અને “તારા પડોશીની આગળ નમી જઈને કાલાવાલા કર,” અર્થાત્‌ આજીજી કરવાની સલાહ આપવામાં આવે છે. બાબતો થાળે પાડવા આપણાથી બનતું બધું જ કરવું જોઈએ. એક પુસ્તક આમ કહે છે: “તમારો દુશ્મન સહમત ન થાય ત્યાં સુધી તમારાથી બનતો બધો જ પ્રયત્ન કરો અને બાબતો હલ કરો જેથી કે જામીનદાર તમારા કે તમારા કુટુંબ પર ન આવી પડે.” એમ કરવા ઉતાવળ કરવી જોઈએ કેમ કે રાજા સુલેમાન સલાહ આપે છે: “તારી આંખને નિદ્રા અને તારાં પોપચાંને ઊંઘ લેવા ન દે. જેમ શિકારીને કબજેથી હરણી, અને પારધીના હાથમાંથી પક્ષી છૂટી જાય, તેમ તું પોતાને છૂટો કર.” (નીતિવચન ૬:૪, ૫) તેથી, ખોટા કરારમાં ફસાઈ જવાને બદલે એમાંથી છૂટી જવું યોગ્ય છે.

કીડી જેવા મહેનતુ થાઓ

સુલેમાન રાજા ઠપકો આપતા કહે છે: “હે આળસુ, તું કીડી પાસે જા; તેના માર્ગોનો વિચાર કરીને બુદ્ધિમાન થા: તેને તો કોઈ નાયક, મુકાદમ કે હાકેમ નથી, તેમ છતાં તે ઉનાળામાં પોતાના અન્‍નનો સંગ્રહ કરે છે, અને કાપણીની મોસમમાં પોતાનો ખોરાક ભરી રાખે છે.”—નીતિવચન ૬:૬-૮.

કીડીઓ વ્યવસ્થિત અને સહકારથી કામ કરે છે. આમ, કીડીઓ ભાવિ માટે ખોરાક ભેગો કરે છે. તેઓ પર કોઈ “નાયક, મુકાદમ કે હાકેમ હોતો નથી.” ખરું કે, તેઓમાં રાણી કીડી હોય છે. પરંતુ તે ફક્ત ઈંડા મૂકે છે, એ અર્થમાં તેને કીડીની માતા અને રાણી કહેવામાં આવે છે. પરંતુ, તે કોઈ પણ પ્રકારનો હુકમ આપતી નથી. કીડીઓનો કોઈ આગેવાન કે બોસ હોતો નથી, છતાં તેઓ સખત કામ કરે છે.

કીડીની જેમ, શું આપણે પણ મહેનતુ ન બનવું જોઈએ? આપણા આગેવાન હોય કે ન હોય, છતાં આપણને કામમાં સુધારો અને સખત મહેનત કરતા રહેવું જોઈએ. હા, તેમ જ શાળામાં, નોકરી પર અને મંડળની પ્રવૃત્તિઓમાં ભાગ લેતા હોઈએ ત્યારે આપણાથી બનતું બધું જ કરવું જોઈએ. જેમ કીડી પોતાની સખત મહેનતનો આનંદ માણે છે તેમ, પરમેશ્વર ઇચ્છે કે આપણે પણ ‘પોતાની સર્વ મહેનતનું સુખ ભોગવીએ.’ (સભાશિક્ષક ૩:૧૩, ૨૨; ૫:૧૮) સખત મહેનત કરવાથી પોતાને શુદ્ધ અંતઃકરણ અને સંતોષ મળશે.—સભાશિક્ષક ૫:૧૨.

પછી, રાજા સુલેમાને વિચાર માટેના બે પ્રશ્નો પૂછતા આળસુને ઊંઘમાંથી ઉઠાડવાનો પ્રયત્ન કર્યો: “હે આળસુ, તું ક્યાં સુધી સૂઇ રહેશે? ક્યારે તું નિદ્રામાંથી ઊઠશે? તું કહે છે, કે હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ, ટુંટિયાં વાળીને થોડોક આરામ લેવા દો; એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની પેઠે, અને તારી કંગાલાવસ્થા હથિયારબંધ માણસની પેઠે આવી પડશે.” (નીતિવચન ૬:૯-૧૧) આળસુ ઊંઘતો હોય છે ત્યારે ગરીબી લૂંટારાની માફક ચઢી આવે છે, અને અછત સૈનિકોની માફક હુમલો કરે છે. ઝડપથી આળસુના ખેતરમાં ઝાંખરાં અને ગોખરૂઓથી ભરાય જાય છે. (નીતિવચન ૨૪:૩૦, ૩૧) આમ થોડા જ સમયમાં તેને ધંધામાં ખોટ આવશે. એક બોસ ક્યાં સુધી આળસુને સહન કરશે? વળી, શું એક આળસુ વિદ્યાર્થી સારા માર્ક લાવી શકે?

પ્રમાણિક બનો

પરમેશ્વર અને લોકો સામે વ્યક્તિની શાખ પર પાણી ફેરવી દે એવા વલણ વિષે ચેતવતા રાજા સુલેમાન કહે છે: “લુચ્ચો તથા દુષ્ટ માણસ આડે મોઢે બોલે છે; તે પોતાની આંખે મીંચકારા મારે છે, તે પોતાના પગોથી ઈશારા કરે છે, તે પોતાની આંગળીઓથી સાન કરે છે; તેના હૃદયમાં આડાઈ છે, તે જાથુ તરકટ રચ્યા કરે છે; તે કુસંપનાં બીજ રોપે છે.”—નીતિવચન ૬:૧૨-૧૪.

આ વર્ણન એક છેતરનાર વ્યક્તિનું છે, જે સામાન્ય રીતે પોતાના જૂઠાણાંને સંતાડવાનો પ્રયત્ન કરશે. કેવી રીતે? તે ફક્ત “આડે મોઢે બોલે” એટલું જ નહિ પરંતુ ઇશારા પણ કરે છે. એક પંડિતે કહ્યું: “ઇશારા, બોલવાની ઢબ અને મોઢાના ઇશારા એ સર્વ છેતરવાની એક પદ્ધતિ છે; દરેક ચહેરાની પાછળ લુચ્ચું મન હોય છે.” આ પ્રકારની નકામી વ્યક્તિ હંમેશા કાવતરાં ઘડતી હોય છે અને હર વખતે ઝઘડા ઊભા કરતી હોય છે. તેથી તેના કેવા પરિણામો આવી શકે?

રાજા સુલેમાન એનો જવાબ આપતા આમ કહે છે: “માટે એકાએક તેના પર વિપત્તિ આવી પડશે; અચાનક તેનો નાશ થશે, અને તેનો કંઈ ઉપાય ચાલશે નહિ.” (નીતિવચન ૬:૧૫) જૂઠું બોલનારને ખુલ્લો પાડવામાં આવે છે ત્યારે, તેનું નામ બદનામ થાય છે. હવે તેનો કોણ ભરોસો કરશે? ખરેખર છેવટે તેનો વિનાશ થશે, કેમ કે ‘સઘળા જૂઠાઓનો’ હંમેશ માટે નાશ થશે. (પ્રકટીકરણ ૨૧:૮) તેથી, ચાલો આપણે ‘સઘળી બાબતોમાં પ્રામાણિક’ રહીએ.—હેબ્રી ૧૩:૧૮.

યહોવાહ ધિક્કારે એ ધિક્કારો

ખરાબ બાબતોને ધિક્કારવાથી આપણે ખોટું કરવાથી અટકીશું, અને આપણું નામ બદનામ નહિ થાય! તેથી, શું આપણે ખરાબ બાબતોને ધિક્કારવી ન જોઈએ? પરંતુ આપણે શું ધિક્કારવું જોઈએ? સુલેમાન કહે છે: “છ વાનાં યહોવાહ ધિક્કારે છે; હા, સાત વાનાં તેને કંટાળો ઉપજાવે છે: એટલે ગર્વિષ્ટ આંખો, જૂઠાબોલી જીભ, નિર્દોષ લોહી વહેવડાવનાર હાથ; દુષ્ટ તરંગો રચનાર હૃદય, નુકસાન કરવાને દોડી જનાર જલદ પગ; અસત્ય ઉચ્ચરનાર જૂઠો સાક્ષી, અને ભાઇઓમાં કુસંપનું બીજ વાવનાર.”નીતિવચન ૬:૧૬-૧૯.

નીતિવચનનું પુસ્તક સાત બાબતો વિષે જણાવે છે અને એમાં સર્વ પ્રકારનું ખોટું આવી જાય છે. “ગર્વિષ્ઠ આંખો” અને કાવતરાં યોજનાર હૃદય એ વિચારોથી પાપ કરે છે. “જૂઠાબોલી જીભ” અને “અસત્ય ઉચ્ચરનાર જૂઠો સાક્ષી” એ પાપી શબ્દો સાથે જોડાયેલું છે. “નિર્દોષ લોહી વહેવડાવનાર હાથ” અને “નુકસાન કરવાને દોડી જનાર જલદ પગ” એ દુષ્ટ કાર્યો છે. ખાસ કરીને હળીમળીને રહેતા લોકોમાં ઝઘડાના બી વાવવામાં જે આનંદ માણે છે, તેને યહોવાહ પરમેશ્વર ધિક્કારે છે. આંકડો છમાંથી વધીને સાત બતાવે છે, એ સંપૂર્ણતા બતાવતું નથી કેમ કે મનુષ્યની દુષ્ટતા તો વધતી જ રહે છે.

ખરેખર, યહોવાહ પરમેશ્વર જે ધિક્કારે એ આપણે પણ ધિક્કારવું જોઈએ. દાખલા તરીકે, આપણે અભિમાની ન બનવું જોઈએ. તેમ જ કૂથલી પણ કરવી ન જોઈએ, નહિતર સહેલાઈથી ‘ભાઈઓમાં કુસંપ’ ઊભો થઈ શકે. અફવાઓ ફેલાવવાથી, નિંદા કરીને કે જૂઠું બોલીને, આપણે ફક્ત ‘નિર્દોષનું લોહી વહેવડાવતા નથી,’ પરંતુ આપણે એમ કરવાથી વ્યક્તિનું નામ બગાડીએ છીએ.

‘તેની ખૂબસૂરતી પર મોહિત ન થા’

રાજા સુલેમાન પછી આમ કહે છે: “મારા દીકરા, તારા બાપની આજ્ઞા પાળ, અને તારી માની શિખામણનો ત્યાગ ન કર; તેમને સદા તારા અંતઃકરણમાં સંઘરી રાખ, તેમને તારે ગળે બાંધ.” એનું કારણ?તું ચાલતો હશે, ત્યારે તે તને દોરશે; તું સૂતો હશે, ત્યારે તે તારી ચોકી કરશે; તું જાગતો હશે, ત્યારે તે તારી સાથે વાતચીત કરશે.”નીતિવચન ૬:૨૦-૨૨.

શું પરમેશ્વરનું જ્ઞાન ખરેખર આપણને અનૈતિકતાના ફાંદાથી બચાવશે? હા, એ બચાવશે. આપણને ગેરંટી મળે છે કે, “કેમકે આજ્ઞા દીપક છે, અને નિયમ પ્રકાશ છે; અને શિક્ષણ તથા તેની સાથે નસીહત એ જીવનનો માર્ગ છે; તે તને ભૂંડી સ્ત્રીથી, તથા પરનારીની જીભની ખુશામતથી બચાવવા માટે છે.” (નીતિવચન ૬:૨૩, ૨૪) પરમેશ્વરની સલાહ ‘આપણા પગોને સારૂં દીવારૂપ અને માર્ગને સારું અજવાળારૂપ છે,’ એ સલાહ યાદ રાખવાથી આપણને ભૂંડી સ્ત્રીથી અથવા ભૂડાં પુરુષથી દૂર રાખશે.—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫.

સુલેમાન રાજા સલાહ આપતા કહે છે: “તારૂં અંતઃકરણ તેની ખૂબસૂરતી પર મોહિત ન થાય; અને તેની આંખોનાં પોપચાંથી તું ફિદા ન થઇ જા.” શા માટે? “કેમકે વેશ્યા સ્ત્રીને લીધે પુરુષની ખાનાખરાબી થાય છે. અને છિનાળ મૂલ્યવાન જીવનો શિકાર શોધે છે.”—નીતિવચન ૬:૨૫, ૨૬.

શું અહીં સુલેમાન રાજા વ્યભિચાર કરતી પત્નીને વેશ્યા કહે છે? કદાચ. અથવા તે વેશ્યા સાથે અને બીજા માણસની પત્ની સાથે વ્યભિચારથી જે પરિણામ આવે છે, એ બંને વચ્ચેનો તફાવત બતાવે છે. વેશ્યા સાથે સંબંધ રાખવાથી “ખાનાખરાબી થાય છે” અથવા તેને તદ્‍ન ગરીબ બનાવી શકે. એમ કરવાથી તેને જાતીયતાથી થતા રોગો, જેમ કે જીવલેણ એઈડ્‌સનો રોગ પણ થઈ શકે છે. બીજી તર્ફે, બીજાના લગ્‍ન સાથી સાથે લફરું રાખવાથી તેને કાનૂનથી તરત જ સજા થઈ શકે છે. વ્યભિચારી પત્ની પારકાના ‘મૂલ્યવાન જીવને’ ભયમાં મૂકે છે. એક પુસ્તક કહે છે: “હલકટ રંગરાગથી વ્યક્તિનું જીવન. . . બગાડવામાં આવે છે, અને પાપીને મરણની સજા થઈ શકે છે.” (લેવીય ૨૦:૧૦; પુનર્નિયમ ૨૨:૨૨) એની સુંદરતાના લીધે પણ એવી સ્ત્રીમાં ડૂબી ન જઈશ.

‘તારા ખોળામાં અગ્‍નિ ન લે’

સુલેમાન રાજા વ્યભિચારના જોખમ વિષે ચેતવતા આમ કહે છે: “કોઈ માણસ પોતાના ખોળામાં અગ્‍નિ લે, તો શું તેનાં લૂગડાં બળ્યા વગર રહે? જો કોઈ માણસ અંગારા પર ચાલે, તો શું તેના પગ દાઝ્યા વગર રહે?” તે ઉદાહરણનો અર્થ સમજાવતા આમ કહે છે: “જે કોઈ પોતાના પડોશીની વહુ પાસે જાય છે તેને એમજ થાય છે; જે કોઇ તેને અડકે છે તે શિક્ષા પામ્યા વગર નહિ રહે.” (નીતિવચન ૬:૨૭-૨૯) આવા પાપીને જરૂર સજા થશે.

આપણને યાદ કરાવવામાં આવે છે, “જો કોઈ માણસ ભૂખ્યો હોવાથી પોતાના જીવને તૃપ્ત કરવા સારૂ ચોરી કરે,” તોપણ “લોકો એવાને ધિક્કારતા નથી. પણ જો તે પકડાય, તો તેને સાતગણું પાછું ભરી આપવું પડશે; તેને પોતાના ઘરની સઘળી સંપત્તિ આપી દેવી પડશે.” (નીતિવચન ૬:૩૦, ૩૧) પ્રાચીન ઈસ્રાએલમાં, ચોરને બધુ જ પાછું ભરી આપવું પડતું હતું, પછી ભલે તેની પાસે કંઈ બાકી ન રહે. * તેથી વ્યભિચારીને તો જરૂર સજા થશે, કેમકે એમ કરવા માટે તેમની પાસે કોઈ બહાનું નથી.

સુલેમાન કહે છે: “સ્ત્રીની સાથે વ્યભિચાર કરનાર અક્કલહીન છે.” એ વ્યક્તિ પોતાની બુદ્ધિ વાપરતી નથી કે એમ કરવાથી પોતે “પોતાના આત્માનો નાશ કરનારૂં કૃત્ય કરે છે.” (નીતિવચન ૬:૩૨) કદાચ વ્યક્તિ ઉપરથી સારી દેખાશે, પરંતુ અંદરથી એવા જ ન હોય.

વ્યભિચારી એનાથી પણ વધારે ખરાબ ફળો લણશે. “તેને ઘા તથા અપમાન મળશે; અને તેનું લાંછન ભૂંસાઈ જશે નહિ. કેમકે વહેમ એ પુરુષનો કાળ છે; વૈરને દિવસે તે કંઈ કાચું રાખશે નહિ. ગમે તેટલી ગુનેગારીની તે દરકાર કરશે નહિ; તું ઘણી ભેટો આપશે, તોપણ તે સંતોષ પામશે નહિ.”નીતિવચન ૬:૩૩-૩૫.

ચોરે જે કંઈ ચોર્યું હોય એનું નુકસાન પાછું ભરી શકે, પરંતુ વ્યભિચારી તો કોઈ જાતની ભરપાઈ કરી શકતો નથી. ક્રોધી પતિને તે શું આપી શકે? પૈસાના ઢગલો કરવાથી પણ તે દયા મેળવી શકશે નહિ. આમ વ્યભિચારી કોઈ પણ રીતે પોતાનું પાપ દૂર કરી શકશે નહિ. તેના નામની બદનામી થઈ હોવાથી કદી તેને માન મળશે નહિ. એ ઉપરાંત, તે પોતાના પાપની સજામાંથી કોઈ પણ રીતે છટકી શકે એમ નથી.

તેથી, જે વાણી અને વર્તનથી પોતાના તેમ જ પરમેશ્વરના નામ બદનામ થઈ શકે એનાથી દૂર રહેવું કેટલું ડહાપણભર્યું છે! તેથી, ચાલો આપણે કાળજી રાખીએ કે કોઈને ઉતાવળે ખોટું વચન ન આપીએ. સત્ય બોલવાથી અને મહેનતુ બનવાથી આપણું નામ વધશે. વળી, જે યહોવાહ પરમેશ્વર ધિક્કારે એ ધિક્કારતા રહીશું તો આપણે તેમની અને સર્વ લોકો સાથે સારું નામ કમાતા રહીશું.

[ફુટનોટ્‌સ]

^ આ લેખમાં ત્રાંસા અક્ષરો અમારા છે.

^ મુસાના નિયમ પ્રમાણે, બમણું, ચારગણું કે પાંચગણું ચોરને પાછું ભરી આપવાનું હતું. (નિર્ગમન ૨૨:૧-૪) “સાત ગણું” એવું બતાવે છે કે પૂરી સજા કરવામાં આવી, જે ચોર્યું એ ભારે પડયું.

[પાન ૨૫ પર ચિત્ર]

લૉન માટે જામીન બનતા સાવધ રહો

[પાન ૨૬ પર ચિત્ર]

કીડી જેવા મહેનતુ બનો

[પાન ૨૭ પર ચિત્ર]

કૂથલી ન કરો