સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પૃથ્વી શું એ ફક્ત કસોટીની જગ્યા છે?

પૃથ્વી શું એ ફક્ત કસોટીની જગ્યા છે?

પૃથ્વી શું એ ફક્ત કસોટીની જગ્યા છે?

તેના માટે કેવી મોટી રાહત! તે વિદ્યાર્થીની પરીક્ષામાં પાસ થઈ ગઈ. તેણે બે અઠવાડિયા સુધી પરીક્ષા માટે તનતોડ મહેનત કરી હતી. છેવટે, તેણે સંતોષકારક પરિણામ પણ મેળવ્યું. હવે તે જે નોકરી કરવા ઇચ્છતી હતી એ કરી શકશે.

ઘણા લોકો પૃથ્વી પરના જીવનને પણ એ જ રીતે જુએ છે. તેઓ પૃથ્વીને પ્રારંભિક કસોટીની જગ્યા તરીકે ગણે છે કે જેમાંથી દરેકે પસાર થવું પડે છે. તેઓ માને છે કે એમાંથી “પાસ” થનારને મરણ પછી સારું જીવન મળશે. પણ જો આપણે આવું જ જીવન જીવવાનું હોય તો, એ કેટલું દુઃખદ હશે. કેમ કે પ્રાચીન સમયમાં અયૂબ કે જે લગભગ આખી જિંદગી તંદુરસ્ત અને સૌથી ધનવાન હતા, તેમણે પણ કહ્યું: “સ્ત્રીજન્ય મનુષ્ય અલ્પાયુ, અને સંકટથી ભરપૂર છે.”—અયૂબ ૧૪:૧.

લોકોના વિચારોને ધ્યાનમાં લઈને ન્યૂ કૅથલિક એન્સાયક્લોપેડિયા જણાવે છે: “પરમેશ્વરે માણસને સ્વર્ગમાં જીવવા માટે બનાવ્યો હતો. . . . માણસોને સાચું સુખ સ્વર્ગમાં જ મળી શકે છે.” હાલમાં અમેરિકામાં પ્રોટેસ્ટંટ ચર્ચના સર્વેક્ષણ પ્રમાણે ૮૭ ટકા લોકો માને છે કે તેઓ મરણ પછી સ્વર્ગમાં જશે.

ઘણા બિનખ્રિસ્તીઓ પણ મરણ પછી એક સારી જગ્યાએ જવાની આશા રાખે છે. ઉદાહરણ તરીકે, મુસલમાનો મરણ પછી જન્‍નતમાં જવાની આશા રાખે છે. ચીન અને જાપાનમાં બૌદ્ધ ધર્મના ‘પવિત્ર દેશ’ પંથના અનુયાયીઓ માને છે કે તેઓ “આમીડા” (અસીમિત પ્રકાશના બુદ્ધનું નામ) અટક્યા વગર રટણ કરશે તો તેઓનો પુનર્જન્મ ‘પવિત્ર દેશમાં’ કે પશ્ચિમી બગીચામય પૃથ્વી પર થશે. અને ત્યાં તેઓ સુખ-શાંતિવાળું જીવન જીવશે.

પરંતુ, રસપ્રદ વાત છે કે દુનિયામાં સૌથી વધારે ભાષાઓમાં ભાષાંતર પામેલું અને વિતરણ કરવામાં આવેલું પવિત્ર પુસ્તક બાઇબલ કંઈક જુદું જ કહે છે. દાખલા તરીકે એ જણાવે છે: “ન્યાયીઓ દેશનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૨૯) બાઇબલમાં ઈસુ ખ્રિસ્તનું પ્રખ્યાત કથન પણ જોવા મળે છે: “નમ્ર છે તેઓને ધન્ય છે; કેમકે તેઓ પૃથ્વીનું વતન પામશે.”—માત્થી ૫:૫.

સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે માણસ પૃથ્વી પર થોડા દિવસોનો મહેમાન છે. એટલે કે મરણથી માનવો માટે સુંદર જગ્યાનું બારણું ખૂલે છે. જો આમ હોય તો, મરણ એક આશીર્વાદરૂપ છે. પરંતુ શું લોકો મરણને આશીર્વાદ સમજે છે કે તેઓ વધારે જીવવાનો પ્રયત્ન કરે છે? અનુભવો બતાવે છે કે લોકો સારું સ્વાસ્થ્ય અને સુરક્ષિત જીવનનો આનંદ માણતા હોય છે ત્યારે સ્વપ્નમાં પણ મરવાનું વિચારતા નથી.

તોપણ, પૃથ્વી દુષ્ટતા અને યાતનાથી ભરેલી હોવાથી લોકોને સાચી શાંતિ અને સુખ મેળવવાનો એક માત્ર માર્ગ સ્વર્ગ લાગે છે. પરંતુ શું સ્વર્ગ એકદમ શાંતિપૂર્ણ જગ્યા છે જ્યાં કોઈ પણ પ્રકારની દુષ્ટતા અને મતભેદો નથી? અને શું મરણ પછી માનવ સ્વર્ગમાં જાય છે? આ પ્રશ્નોના જવાબ બાઇબલમાંથી મેળવીને તમને કદાચ આશ્ચર્ય થઈ શકે. શા માટે? એ આપણે હવે પછીના લેખમાં જોઈશું.