સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હંમેશનું સુખી જીવન સ્વર્ગમાં કે પૃથ્વી પર?

હંમેશનું સુખી જીવન સ્વર્ગમાં કે પૃથ્વી પર?

હંમેશનું સુખી જીવન સ્વર્ગમાં કે પૃથ્વી પર?

શું તમારું સુખી જીવન તમે ક્યાં રહો છો એના પર આધારિત છે? એ પ્રશ્નના જવાબમાં મોટા ભાગના લોકો તરત જ કહેશે કે સુખી જીવન સારું સ્વાસ્થ્ય, સારું ભવિષ્ય અને બીજી વ્યક્તિઓ સાથેના સારા સંબંધ પર આધારિત છે. બાઇબલ નીતિવચન કહે છે: “વૈરીને ત્યાં પુષ્ટ બળદના ભોજન કરતાં પ્રેમી જનને ત્યાં ભાજીનું ભોજન ઉત્તમ છે.”—નીતિવચન ૧૫:૧૭.

તેમ છતાં, દુઃખની બાબત છે કે આપણી પૃથ્વી પર સદીઓથી ધિક્કાર, હિંસા અને દુષ્ટતા જોવા મળે છે. પરંતુ સ્વર્ગ વિષે શું, જ્યાં ઘણા લોકો મૃત્યુ પછી જવાની આશા રાખે છે? શું એ એવી જગ્યા છે જ્યાં કાયમી સુખ-શાંતિ છે, જેની ઘણા લોકો આશા રાખે છે?

બાઇબલ બતાવે છે કે પરમેશ્વર લાખો આત્મિક પ્રાણીઓ સાથે સ્વર્ગમાં રહે છે. (માત્થી ૧૮:૧૦; પ્રકટીકરણ ૫:૧૧) તેઓનું “દેવદૂતો” તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. (અયૂબ ૩૮:૪,) માનવોની જેમ દૂતો પણ સ્વતંત્ર છે; તેઓ કંઈ યંત્રમાનવ નથી. આથી, તેઓ પણ ખરાં-ખોટાંની પસંદગી કરી શકે છે. પરંતુ શું દૂતો ખોટું કરી શકે? તમને જાણીને આશ્ચર્ય થશે કે હજારો વર્ષો પહેલાં મોટી સંખ્યામાં દૂતોએ ખોટો માર્ગ અપનાવ્યો હતો. તેઓએ પરમેશ્વર વિરુદ્ધ બળવો પોકારીને પાપ કર્યું હતું.—યહુદા ૬.

સ્વર્ગમાં બળવો

એક દૂતે પરમેશ્વર વિરુદ્ધ બળવો પોકારીને સ્વર્ગમાં પાપ કર્યું. તેને શેતાન (વિરોધી) અને ડેવિલ (નિંદા કરનાર) કહેવામાં આવ્યો. તે એક સમયના આજ્ઞાંકિત દૂતે પોતાની ઇચ્છાથી ખોટું કરીને પાપ કર્યું. એ પછી બીજા દૂતો પર પણ તેની ખરાબ અસર પડવા લાગી. પરિણામે, નુહના સમયમાં પૂર આવ્યા અગાઉ ઘણા દૂતોએ શેતાન સાથે જોડાઈને પરમેશ્વર વિરુદ્ધ બળવો કર્યો.—ઉત્પત્તિ ૬:૨; ૨ પીતર ૨:૪.

આ દૂતોને સ્વર્ગમાંથી તરત જ કાઢી નાખવામાં આવ્યા ન હતા. હજારો વર્ષો સુધી પરમેશ્વરે તેઓને સહન કરીને સ્વર્ગમાં જવા-આવવાની પરવાનગી આપી, છતાં તેઓ અમુક બાબતો કરી શકતા ન હતા. * પરંતુ પરમેશ્વરની સહનશક્તિનો અંત આવ્યો ત્યારે છેવટે તેઓને નાશ કરવા સ્વર્ગમાંથી નીચે “નાખી દેવામાં” આવ્યા. એ પછી સ્વર્ગમાંથી એક અવાજ સંભળાયો: “ઓ આકાશો તથા તેઓમાં રહેનારાંઓ, તમે આનંદ કરો.” (પ્રકટીકરણ ૧૨:૭-૧૨) સાચે જ દુષ્ટ તથા અધમ કૃત્યો કરનારા દૂતોને સ્વર્ગમાંથી કાઢી મૂકવામાં આવ્યા ત્યારે વિશ્વાસુ દૂતોને કેવો આનંદ થયો હશે!

આ અજાણી બાબતો પર ધ્યાન આપવાથી આપણને સ્પષ્ટ રીતે જોવા મળે છે કે જ્યારે પણ લોકો પરમેશ્વરના નિયમો અને સિદ્ધાંતોનો અનાદર કરે છે ત્યારે સાચી શાંતિ આવી શકતી નથી. (યશાયાહ ૫૭:૨૦, ૨૧; યિર્મેયાહ ૧૪:૧૯, ૨૦) બીજી બાજુ દરેક જણ પરમેશ્વરના નિયમોને આધીન રહે છે ત્યારે સુખ અને શાંતિ ટકી રહે છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૫; યશાયાહ ૪૮:૧૭, ૧૮) તેથી દરેક વ્યક્તિ પરમેશ્વરને પ્રેમ કરીને તેમને આધીન રહે તથા એકબીજાને પ્રેમ કરે તો, શું પૃથ્વી પર સાચી શાંતિ અને સુખ જોવા નહિ મળે? બાઇબલ જવાબ આપે છે હા, જરૂર જોવા મળશે.

પરંતુ પોતાના દુષ્ટ માર્ગોને છોડવા ન માંગતા લોકો વિષે શું? શું તેઓ પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે ચાલનારાઓની શાંતિમાં હમેશાં ખલેલ પહોંચાડશે? ના, કેમ કે યહોવાહ પરમેશ્વરે સ્વર્ગમાં દુષ્ટ દૂતો વિરુદ્ધ જે પગલાં ભર્યાં હતાં એ જ રીતે તે પૃથ્વી પર પણ દુષ્ટ લોકો સામે પગલાં ભરશે.

પૃથ્વીને સાફ કરવી

પરમેશ્વરે કહ્યું, “આકાશો મારૂં રાજ્યાસન છે, ને પૃથ્વી મારૂં પાયાસન છે.” (યશાયાહ ૬૬:૧) પરમેશ્વર એકદમ પવિત્ર હોવાથી તે પોતાના “પાયાસન”ને દુષ્ટતાથી ખરાબ થવા દેશે નહિ. (યશાયાહ ૬:૧-૩; પ્રકટીકરણ ૪:૮) પરમેશ્વરે સ્વર્ગમાંથી દુષ્ટ દૂતોને હાંકી કાઢ્યા, એ જ રીતે તે દુષ્ટ લોકોનો પણ પૃથ્વી પરથી નાશ કરશે એમ નીચેની બાઇબલ કલમો બતાવે છે.

“કેમકે દુષ્કર્મીઓનો સંહાર થશે; પણ યહોવાહ પર ભરોસો રાખનારાઓ દેશનું વતન પામશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૯.

“સદાચારીઓ દેશમાં વસશે, અને નીતિસંપન્‍ન જનો તેમાં જીવતા રહેશે. પણ દુષ્ટો દેશ પરથી નાબૂદ થશે, અને કપટ કરનારાઓ તેમાંથી સમૂળગા ઊખેડી નાખવામાં આવશે.”—નીતિવચન ૨:૨૧, ૨૨.

“કેમકે એ ગેરવાજબી ન કહેવાય કે જેઓ તમને દુઃખ દે છે તેઓને દેવ દુઃખનો બદલો આપે, અને જ્યારે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી દૂતો સાથે અગ્‍નિની જ્વાળામાં પ્રગટ થશે, ત્યારે તે તમો દુઃખ સહન કરનારાઓને અમારી સાથે વિસામો આપે; તે વેળા જેઓ દેવને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી, તેઓને તે સજા કરશે. તેઓ પ્રભુની હજૂરમાંથી તથા તેના મહિમાવાન સામર્થ્યથી દૂર રહેવાની શિક્ષા એટલે અનંતકાળનો નાશ ભોગવશે.”—૨ થેસ્સાલોનીકી ૧:૬-૯.

“જગત તથા તેની લાલસા જતાં રહે છે; પણ જે દેવની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે.”—૧ યોહાન ૨:૧૭.

શું પૃથ્વી પર હંમેશા શાંતિ રહેશે?

બાઇબલ સ્પષ્ટ જણાવે છે કે પરમેશ્વરે અમુક હદ સુધી દુષ્ટોને પરવાનગી આપી છે. પરંતુ આપણે કઈ રીતે ખાતરી રાખી શકીએ કે દુષ્ટોનો પૂરેપૂરો નાશ કર્યા પછી ફરીથી દુષ્ટો નહિ થાય? નુહના સમયના જળપ્રલય પછી તરત જ એટલી બધી દુષ્ટતા વધી ગઈ હતી કે પરમેશ્વરે તેઓની દુષ્ટ યોજનાઓને નિષ્ફળ કરવા તેઓની ભાષા ગૂંચવવી પડી.—ઉત્પત્તિ ૧૧:૧-૮.

પરંતુ આપણે ખાતરી રાખી શકીએ કે પૃથ્વી પર ફરી દુષ્ટતા નહી થાય. કેમ કે જળપ્રલય પછી માણસો શાસન કરતા હતા એમ પૃથ્વી પર તેઓ શાસન કરશે નહિ પરંતુ પરમેશ્વરનું રાજ્ય રાજ કરશે. સ્વર્ગમાંથી શાસન કરનાર એક માત્ર તેમની જ સરકાર હશે. (દાનીયેલ ૨:૪૪; ૭:૧૩, ૧૪) ફરીથી દુષ્ટતા કરનારાઓ વિરુદ્ધ આ રાજ્ય તરત જ પગલા લેશે. (યશાયાહ ૬૫:૨૦) આખરે આ રાજ્ય બધી દુષ્ટતાનો ઉદ્‍ભવ શેતાન, ડેવિલ અને તેની સાથેના બીજા દુષ્ટ દૂતોનો નાશ કરશે.—રૂમી ૧૬:૨૦.

આજે ખોરાક, કપડાં, ઘર અને નોકરી મેળવવા કેટલાક લોકો ગુનાની દુનિયામાં જાય છે. પરંતુ પરમેશ્વરના રાજ્યમાં તેઓની બધી જ ચિંતાઓ દૂર કરવામાં આવશે. હા, આખી પૃથ્વીને સુંદર બનાવવામાં આવશે જ્યાં સર્વ માટે બધી જ વસ્તુઓ ભરપૂર પ્રમાણમાં હશે.—યશાયાહ ૬૫:૨૧-૨૩; લુક ૨૩:૪૩.

સૌથી મહત્ત્વનું તો આ રાજ્ય લોકોને શાંતિથી રહેવા માટે શિક્ષણ આપશે અને તેઓને સંપૂર્ણતા મેળવવા મદદ કરશે. (યોહાન ૧૭:૩; રૂમી ૮:૨૧) એ પછી લોકોએ પોતાની નબળાઈ અને પાપી વલણ સાથે સંઘર્ષ કરવો નહિ પડે. તેઓ સંપૂર્ણ માણસ ઈસુ ખ્રિસ્તની જેમ આનંદથી પરમેશ્વરને આધીન રહેશે. (યશાયાહ ૧૧:૩) ઈસુ ખ્રિસ્ત ગમે તેવી લાલચ અને યાતનાનો સામનો કરીને પણ પરમેશ્વરને આધીન રહ્યાં હતા. નવી દુનિયામાં એવી કોઈ પણ મુશ્કેલીઓ હશે નહિ.—હેબ્રી ૭:૨૬.

ફક્ત થોડા લોકો જ સ્વર્ગમાં જશે

બાઇબલના વાચકો ઈસુના આ શબ્દોથી વાકેફ છે: “મારા બાપના ઘરમાં રહેવાનાં ઠેકાણાં ઘણાં છે, . . . હું તમારે માટે જગા તૈયાર કરવાને જાઉં છું.” (યોહાન ૧૪:૨, ૩) શું તેમના એ શબ્દો પૃથ્વી પરના અનંતજીવનના શિક્ષણ સાથે મતભેદ ધરાવે છે?

ના, એમાં કોઈ મતભેદ નથી. પરંતુ એ શિક્ષણ એકબીજા સાથે સંકળાયેલું છે. બાઇબલ પ્રમાણે ફક્ત અમુક વફાદાર ખ્રિસ્તીઓ સ્વર્ગમાં જશે જેઓની સંખ્યા ૧,૪૪,૦૦૦ છે. શા માટે ફક્ત તેઓને જ આવો અદ્‍ભુત બદલો આપવામાં આવ્યો છે? કારણ કે તેઓ યોહાને પોતાના સંદર્શનમાં જોયેલા વૃંદમાંના હતા કે જેઓ “જીવતા થયા, ને ખ્રિસ્તની સાથે હજાર વર્ષ રાજ કર્યું.” (પ્રકટીકરણ ૧૪:૧, ૩; ૨૦:૪-૬.) પૃથ્વી પર જીવવાની આશા રાખતા અબજોની સરખામણીમાં આ ૧,૪૪,૦૦૦ની સંખ્યા સાચે જ “નાની ટોળી” છે. (લુક ૧૨:૩૨) તેઓએ માનવજાત સામનો કરે છે એ બધી જ મુશ્કેલીઓનો સામનો કર્યો છે. તેથી તેઓ નવી દુનિયામાં માનવજાત પર રાજ કરશે ત્યારે ઈસુની જેમ “આપણી નિર્બળતાઓને સંપૂર્ણ રીતે” સમજશે.—હેબ્રી ૪:૧૫, IBSI.

માણસજાતનું હંમેશ માટેનું ઘર

પરમેશ્વરે પોતાના દીકરાનું ખંડણીરૂપી બલિદાન આપીને ૧,૪૪,૦૦૦ને ભેગા કરવાનું કામ ૨૦૦૦ વર્ષ પહેલા શરૂ કર્યું હતું. આજે એ સંખ્યા પૂરી થઈ ગઈ છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૧-૪; ગલાતી ૪:૪-૭) ઈસુ ખ્રિસ્તનું બલિદાન ફક્ત ૧,૪૪,૦૦૦ માટે જ નહિ પરંતુ ‘આખા જગતનાં પાપની’ માફીને માટે હતું. (૧ યોહાન ૨:૨) તેથી ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરનારાઓને હંમેશ માટેના જીવનની આશા છે. (યોહાન ૩:૧૬) જે લોકો મૃત્યુ પામ્યા છે અને પરમેશ્વરના સ્મરણમાં છે તેઓનું પુનરુત્થાન સ્વર્ગમાં નહિ પણ પૃથ્વી પર કરવામાં આવશે. (સભાશિક્ષક ૯:૫; યોહાન ૧૧:૧૧-૧૩, ૨૫; પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) તેઓનું ભાવિ કેવું હશે?

પ્રકટીકરણ ૨૧:૧-૪ જવાબ આપે છે: “જુઓ, દેવનો મંડપ માણસોની સાથે છે, . . . તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) કલ્પના કરો કે લોકો ક્યારેય મરશે નહિ અને એનાથી થતા શોક કે રૂદન હંમેશ માટે જતા રહેશે! અંતે, પૃથ્વી તથા માનવજાત માટે યહોવાહનો મૂળ હેતુ પરિપૂર્ણ થશે.—ઉત્પત્તિ ૧:૨૭, ૨૮.

આપણી પસંદગી—જીવન કે મરણ

આદમ અને હવાએ ફક્ત પરમેશ્વરને આધીન રહીને પૃથ્વી પર હંમેશ માટે જીવવાનું હતું અથવા અનાજ્ઞાધીન થઈને મરવાનું હતું. પરંતુ દુઃખદપણે તેઓએ પરમેશ્વરને અનાજ્ઞાધીન રહેવાનું પસંદ કર્યું. પરિણામે તેઓ મરી ગયા અને પરમેશ્વરના કહ્યા પ્રમાણે પાછા “ધૂળમાં” મળી ગયા. આમ, તેઓને સ્વર્ગમાં જવા વિષે કંઈ જ કહેવામાં આવ્યું ન હતું. (ઉત્પત્તિ ૨:૧૬, ૧૭; ૩:૨-૫, ૧૯) પરમેશ્વરનો એ હેતુ ન હતો કે માણસ મરી જાય અને પછી કબરમાંથી સ્વર્ગમાં જાય. તેમણે સ્વર્ગમાં રહેવા માટે અસંખ્ય દૂતો બનાવ્યા છે. તેથી આ દૂતો કંઈ મરેલા માણસો નથી જેઓનું સ્વર્ગમાં રહેવા માટે પુનરુત્થાન કરવામાં આવ્યું હોય.—ગીતશાસ્ત્ર ૧૦૪:૧, ૪; દાનીયેલ ૭:૧૦.

બગીચા જેવી સુંદર પૃથ્વી પર હંમેશ માટે જીવવા આપણે શું કરવું જોઈએ? પ્રથમ, આપણે પરમેશ્વરનો શબ્દ, બાઇબલનો અભ્યાસ કરવો જોઈએ. ઈસુએ પોતાની પ્રાર્થનામાં કહ્યું તેમ, “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.”—યોહાન ૧૭:૩.

બીજું, એ જ્ઞાનને પોતાના જીવનમાં લાગુ પાડવું જોઈએ. (યાકૂબ ૧:૨૨-૨૪) પરમેશ્વરના વચન બાઇબલ પ્રમાણે પોતાનું જીવન જીવે છે તેઓ યશાયાહ ૧૧:૯માં આપવામાં આવેલી ભવિષ્યવાણીની પરિપૂર્ણતા પોતાની આંખોથી જોશે. એ કહે છે: “મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ [માણસજાત] ઉપદ્રવ કરશે નહિ, તેમ વિનાશ કરશે નહિ; કેમકે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તે પ્રમાણે પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.)

[ફુટનોટ]

^ શા માટે પરમેશ્વરે પૃથ્વી પર યાતનાને પરવાનગી આપી છે એ વિષે વધુ જાણવા વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તકના પાન ૭૦-૯ જુઓ.

[પાન ૭ પર ચિત્રો]

“ન્યાયીઓ દેશનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૨૯