સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પરમેશ્વરના મિત્ર બનો—કઈ રીતે?

પરમેશ્વરના મિત્ર બનો—કઈ રીતે?

પરમેશ્વરના મિત્ર બનો—કઈ રીતે?

“તમે દેવની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે,” યાકૂબ ૪:૮ કહે છે. એના પરથી જોઈ શકાય કે યહોવાહ પરમેશ્વર આપણને કેટલા ચાહે છે. આપણે તેમની સાથે મિત્રતા બાંધીએ એ માટે તેમણે આપણને પોતાનો દીકરો આપી દીધો.

એ પ્રેમાળ જોગવાઈના કારણે પ્રેષિત યોહાને લખ્યું: “આપણે [પરમેશ્વર પર] પ્રેમ રાખીએ છીએ, કેમકે પ્રથમ તેણે આપણા પર પ્રેમ રાખ્યો.” (૧ યોહાન ૪:૧૯) પરંતુ આપણે પરમેશ્વર સાથે મિત્રતા બાંધવી હોય તો, એ પહેલાં આપણે કંઈક કરવું જોઈએ. એ આપણે અગાઉના લેખમાં જોયેલા ચાર મુદ્દા જેવા જ છે. ચાલો આપણે એને તપાસીએ.

પરમેશ્વરના ગુણોની કદર કરો

પરમેશ્વરના ઘણા અદ્‍ભુત ગુણો છે. એમાંના પ્રેમ, ડહાપણ, ન્યાય અને શક્તિ ઉત્તમ ગુણો છે. તેમનું ડહાપણ અને શક્તિ આકાશગંગામાં, તેમ જ આપણી ફરતે બધે જ જોવા મળે છે. ગીતશાસ્ત્રના લેખકે લખ્યું: “આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે; અને અંતરિક્ષ તેના હાથનું કામ દર્શાવે છે.”—ગીતશાસ્ત્ર ૧૯:૧; રૂમી ૧:૨૦.

સૃષ્ટિમાંથી પણ પરમેશ્વરનો પ્રેમ દેખાઈ આવે છે. દાખલા તરીકે આપણા શરીરની રચનામાંથી જોવા મળે છે કે, પરમેશ્વર ચાહે છે કે આપણે જીવનનો આનંદ માણીએ. તેમણે આપણને ઘણી આવડતો અને ગુણો આપ્યા છે જેના વગર જીવી ન શકાય એવું નથી. તેમ છતાં, તેમણે આપણને સ્વાદ, સુગંધ, હાસ્ય, સંગીતનો આનંદ અને રંગોની સુંદરતાનો આનંદ માણવા ઇન્દ્રિયો આપી છે. હા, ખરેખર પરમેશ્વર ઉદાર, પ્રેમાળ અને દયાળુ છે. તેમનામાં આવા ગુણો હોવાથી તે વધારે આનંદી છે.—૧ તીમોથી ૧:૧૧; પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.

યહોવાહ પરમેશ્વરને એ હકીકત જાણીને આનંદ થાય છે કે, માણસજાત તેમની સર્વોપરિતાને પ્રેમથી ટેકો આપે છે. (૧ યોહાન ૪:૮) ખરું કે યહોવાહ વિશ્વના સર્વોપરી છે. પરંતુ, તે મનુષ્ય સાથે અને ખાસ કરીને પોતાના વફાદાર સેવકો સાથે એક પ્રેમાળ પિતાની માફક વર્તે છે. (માત્થી ૫:૪૫) તે આપણા ભલા માટે બધુ જ કરવા તૈયાર છે. (રૂમી ૮:૩૮, ૩૯) અગાઉ જોયું તેમ, તેમણે આપણા માટે પોતાના એકના એક દીકરાનું બલિદાન આપી દીધું. હા, પરમેશ્વરના પ્રેમના કારણે જ આપણે જીવીએ છીએ, એટલું જ નહિ, હંમેશ માટે જીવવાની આશા પણ રાખીએ છીએ.—યોહાન ૩:૧૬.

ઈસુએ આપણને તેમના પિતાના સ્વભાવની ઊંડી સમજણ આપી, કેમ કે તેમનો સ્વભાવ પણ તેમના પિતા જેવો જ હતો. (યોહાન ૧૪:૯-૧૧) તે પૃથ્વી પર હતા ત્યારે, એકદમ નિઃસ્વાર્થી રીતે બીજાનો પ્રથમ વિચાર કરતા. એક પ્રસંગે, ઈસુ પાસે બહેરા-મૂંગાને લાવવામાં આવ્યો. તમે સમજી શકો કે એ માણસને ટોળાની વચ્ચે લાવવામાં આવ્યો ત્યારે તેને કેવું લાગ્યું હશે. પરંતુ, ઈસુ તેને એક બાજુ લઈ જઈને સાજો કરે છે. (માર્ક ૭:૩૨-૩૫) કોઈ તમારી લાગણીઓ સમજી શકતું હોય અને તમારી કદર કરતું હોય એવા લોકોની શું તમે કદર નહિ કરો? એમ હોય તો, તમે યહોવાહ પરમેશ્વર અને ઈસુ વિષે વધારે શીખતા જશો તેમ, તેઓ સાથે ચોક્કસ તમારી મિત્રતા વધશે.

પરમેશ્વરના ગુણોનો વિચાર કરો

કોઈક વ્યક્તિમાં અદ્‍ભુત ગુણો હોય શકે. પરંતુ, તેની સાથે મિત્રતા બાંધતા પહેલાં આપણને તેના વિષે વિચારવાની જરૂર પડે છે. એ જ રીતે યહોવાહ પરમેશ્વર વિષે પણ એમ જ કરવાની જરૂર છે. પરમેશ્વર સાથે મિત્રતા બાંધવા માટે તેમના ગુણો પર મનન કરવાની જરૂર છે, એ સૌથી મહત્ત્વનું બીજું પગથિયું છે. દાઊદ રાજાને યહોવાહની સેવા ખૂબ જ પ્રિય હતી, અને તે ‘[યહોવાહના] મનગમતા’ રાજા પણ હતા. તેમણે કહ્યું: “હું પ્રાચીનકાળના દિવસોનું સ્મરણ કરૂં છું; તારાં સર્વ કૃત્યોનું મનન કરૂં છું; અને તારા હાથનાં કામોનો વિચાર કરૂં છું.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૨૨; ગીતશાસ્ત્ર ૧૪૩:૫.

શું તમે પણ રાજા દાઊદની જેમ ઉત્પન્‍ન કરેલી વસ્તુઓ જુઓ છો, અથવા બાઇબલ વાંચો છો ત્યારે એના પર મનન કરો છો? કલ્પના કરો કે એક બાળક તેના પિતાને ખૂબ ચાહે છે, તેમની પાસેથી તેને પત્ર મળે છે. તે એ પત્ર વિષે શું વિચારશે? તે એ પત્ર ઝડપથી વાંચીને ખાનામાં નહિ મૂકી દે. એના બદલે, તે એને ધ્યાનપૂર્વક વાંચીને એની ઝીણામાં ઝીણી બાબતો સમજવાનો પ્રયત્ન કરશે. એવી જ રીતે, પરમેશ્વરનો શબ્દ પણ આપણા માટે એટલો જ પ્રિય હોવો જોઈએ. ગીતશાસ્ત્રના લેખક જેવું આપણે પણ વલણ રાખવું જોઈએ: “હું તારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું! આખો દિવસ તેનું જ મનન કરૂં છું.”—ગીતશાસ્ત્ર ૧૧૯:૯૭.

સારો વાતચીત વ્યવહાર જાળવી રાખો

કોઈ પણ વ્યક્તિ સાથે સારી મિત્રતા રાખવા માટે વાતચીત કરવી જરૂરી છે. એમાં બોલવું અને સાંભળવું બંને જરૂરી છે. એ ફક્ત ઉપરછલ્લું જ નહિ પણ દિલથી હોવું જોઈએ. આપણે પ્રાર્થનામાં પરમેશ્વર સાથે વાત કરી શકીએ છીએ. જેઓ પરમેશ્વરની પ્રેમથી સેવા કરે છે અને ઈસુ ખ્રિસ્તને તેમના મુખ્ય પ્રતિનિધિ તરીકે સ્વીકારે છે, તેઓની પ્રાર્થનાથી યહોવાહને આનંદ થાય છે.—ગીતશાસ્ત્ર ૬૫:૨; યોહાન ૧૪:૬, ૧૪.

પ્રાચીન સમયમાં પરમેશ્વરે અલગ અલગ રીતે માણસો સાથે વાત કરી હતી. એમાં દૂતો દ્વારા સંદર્શન અને સ્વપ્નનો પણ સમાવેશ થતો હતો. પરંતુ, આજે તે પોતાના લેખિત શબ્દ એટલે પવિત્ર બાઇબલ દ્વારા આપણી સાથે વાત કરે છે. (૨ તીમોથી ૩:૧૬) લેખિત શબ્દના ઘણા લાભો છે. એ ગમે ત્યારે અવારનવાર વાંચી શકાય છે. પત્રની જેમ, આપણે એને વારંવાર વાંચવાનો આનંદ માણી શકીએ છીએ. આપણે એમાં મૌખિક કહેલી વાતની જેમ મરીમસાલો ઉમેરી શકતા નથી. તેથી, બાઇબલને આપણા પ્રિય પિતા તરફથી મળેલા પત્રો તરીકે જોવું જોઈએ. તેમને આ પત્રો દ્વારા તમારી સાથે દરરોજ વાત કરવા દો.—માત્થી ૪:૪.

દાખલા તરીકે, બાઇબલમાં જણાવવામાં આવ્યું છે કે યહોવાહ પરમેશ્વરને શું પસંદ છે અને શું નથી. એમાં માણસજાત અને પૃથ્વી માટેના તેમના હેતુ વિષે પણ જણાવવામાં આવ્યું છે. એ ઉપરાંત એમાં કહેવામાં આવ્યું છે કે, તેમના વફાદાર સેવકો અને દુશ્મનો સાથે તેમણે કઈ રીતે વર્તાવ કર્યો હતો. બાઇબલ દ્વારા યહોવાહ પોતાના સ્વભાવ વિષે જણાવે છે. તે પોતાનો પ્રેમ, આનંદ, દુઃખ, નિરાશા, ગુસ્સો, દયા, ચિંતા અને તેમના વિચારો પાછળ એના કારણો પણ જણાવે છે. એ બધું આપણે સહેલાઈથી સમજી શકીએ એ રીતે પૂરું પાડવામાં આવ્યું છે.—ગીતશાસ્ત્ર ૭૮:૩-૭.

પરમેશ્વરનો શબ્દ, બાઇબલ વાંચ્યા પછી તમે એમાંથી કઈ રીતે લાભ મેળવી શકો? ખાસ કરીને, તમે કઈ રીતે પરમેશ્વર સાથે મિત્રતા બાંધી શકો? સૌ પ્રથમ, તમે પરમેશ્વર વિષે જે વાંચ્યું અને શીખ્યા છો એના પર વિચાર કરો, જેથી એ મુદ્દાઓ તમારા હૃદયમાં ઉતરે. પછી તમે જે માહિતી વાંચી છે, એ તમારા જીવનમાં લાગુ પાડવાથી તમને કયો લાભ થશે એ વિષે તમારા વિચારો અને હૃદયની લાગણીઓ યહોવાહને પ્રાર્થનામાં જણાવો. એને સારી વાતચીત કહેવાય છે. જોકે તમારા મનમાં બીજી કોઈ બાબતો હોય તો, એ પણ તમે દિલ ખોલીને પ્રાર્થનામાં જણાવી શકો.

પરમેશ્વરના માર્ગમાં ચાલો

બાઇબલ જણાવે છે કે, પ્રાચીન સમયના અમુક વફાદાર સેવકો સાચા પરમેશ્વર યહોવાહના માર્ગમાં ચાલ્યા હતા. (ઉત્પત્તિ ૬:૯; ૧ રાજા ૮:૨૫) પરંતુ એનો શું અર્થ થાય? તેઓ જાણે પરમેશ્વર પોતાની સાથે રહેતા હોય એ રીતે જીવ્યા હતા. ખરું કે તેઓ પાપી હતા, છતાં તેઓને પરમેશ્વરના નિયમો અને સિદ્ધાંતો પ્રિય હતા. વળી, તેઓ તેમના હેતુની સુમેળમાં જીવ્યા. યહોવાહ આવી વ્યક્તિઓને ચાહે છે અને તેઓની કાળજી રાખે છે. જેમ ગીતશાસ્ત્ર ૩૨:૮ જણાવે છે: “કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ; મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ.”

તમે પણ યહોવાહને તમારા મિત્ર બનાવી શકો છો. તે તમારી સાથે ચાલશે, તમારી કાળજી રાખશે અને એક પિતાની જેમ સારી સલાહ પણ આપશે. યશાયાહ પ્રબોધક યહોવાહને આમ કહેતા જણાવે છે: “તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું.” (યશાયાહ ૪૮:૧૭) પછી, દાઊદની જેમ આપણે પણ અનુભવીશું કે, યહોવાહ “[આપણા] જમણે હાથે” છે.—ગીતશાસ્ત્ર ૧૬:૮.

પરમેશ્વરનું નામ

ઘણા ધર્મો અને ભાષાંતર થયેલા બાઇબલો પરમેશ્વરના નામનો ઉપયોગ કરીને, એ લોકોને જણાવવામાં નિષ્ફળ ગયા છે. (ગીતશાસ્ત્ર ૮૩:૧૮) તોપણ મૂળ હેબ્રી લખાણમાં પરમેશ્વરનું નામ, યહોવાહ લગભગ ૭,૦૦૦ વખત જોવા મળે છે! (જોવા જેવું એ છે કે, મોટા ભાગના બાઇબલ ભાષાંતરકારોએ સાચા પરમેશ્વરનું નામ કાઢી નાખ્યું છે. પરંતુ, મૂળ લખાણોમાંના બઆલ, બેલ, મેરોદાખ અને શેતાન જેવા જૂઠા દેવોનાં નામ રાખ્યાં છે!)

કેટલાક લોકો માને છે કે પરમેશ્વરનું નામ કાઢી નાખ્યું એનાથી કંઈ ફરક પડતો નથી. પરંતુ વિચારો: શું નામ વગરની વ્યક્તિ સાથે મિત્રતા બાંધવી સહેલું છે? પરમેશ્વર અને પ્રભુ જેવા ખિતાબ (જે જૂઠા દેવો માટે પણ વપરાય છે,) કદાચ યહોવાહ પરમેશ્વરની શક્તિ, સત્તા કે હોદ્દા તરફ ધ્યાન દોરી શકે. પરંતુ, ફક્ત તેમના નામથી જ તે સ્પષ્ટ ઓળખાય છે. (નિર્ગમન ૩:૧૫; ૧ કોરીંથી ૮:૫, ૬) સાચા પરમેશ્વરના નામમાં તેમના ગુણો અને સ્વભાવનો સમાવેશ થાય છે. ધર્મશાસ્ત્રી વોલ્ટર લાવરીએ કહ્યું: “જે પરમેશ્વરને તેમના નામથી ઓળખતા નથી, તે તેમને ખરી રીતે ઓળખતા નથી.”

ઑસ્ટ્રૅલિયામાં રહેતી ચુસ્ત કૅથલિક મારિયાનો વિચાર કરો. યહોવાહના સાક્ષીઓ તેને પહેલી જ વાર મળ્યા ત્યારે, તેઓએ તેને બાઇબલમાંથી પરમેશ્વરનું નામ બતાવ્યું. તેને કેવું લાગ્યું? “મેં પહેલી જ વાર પરમેશ્વરનું નામ બાઇબલમાં જોયું ત્યારે, હું રડી પડી. મને એ જાણીને ખૂબ આનંદ થયો કે, હું પરમેશ્વરનું નામ લઈ શકું છું અને એનો ઉપયોગ કરી શકું છું.” મારિયાને જીવનમાં પહેલી જ વાર ખબર પડી કે, પરમેશ્વરનું નામ યહોવાહ છે. આમ, તેણે બાઇબલનો અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું. તેથી, તે યહોવાહ પરમેશ્વર સાથે સારી મિત્રતા બાંધી શકી.

હા, આપણે પોતાની આંખોથી પરમેશ્વરને જોઈ શકતા નથી, છતાં આપણે ‘તેમની પાસે જઈ શકીએ’ છીએ. આપણે તેમનો સુંદર સ્વભાવ, આપણા મન અને હૃદયથી ‘જોઈ’ શકીએ છીએ. તેથી, આપણો પ્રેમ તેમના પ્રત્યે વધે છે. એવો પ્રેમ જે “સંપૂર્ણતાનું બંધન” છે.—કોલોસી ૩:૧૪.

[પાન ૬ પર બોક્સ/ચિત્ર]

યહોવાહ આપણા પ્રેમની કદર કરે છે

કોઈ પણ સંબંધ બાંધવા બંને પક્ષોએ પ્રયત્નો કરવા પડે છે. આપણે પરમેશ્વરની નજીક જઈએ તેમ, તે પણ આપણી નજીક આવે છે. પરમેશ્વરે વૃદ્ધ શિમઓન અને આન્‍નાના પ્રેમની કદર કરી હતી. તેથી, તેઓ વિષે બાઇબલમાં લખવામાં આવ્યું છે. ઈસુના શિષ્ય લુક કહે છે કે “ન્યાયી તથા ધાર્મિક માણસ” શિમઓન મસીહની રાહ જોતા હતા. યહોવાહ પરમેશ્વરે વૃદ્ધ શિમઓનમાં સારા ગુણો જોયા. તેમના પ્રત્યે પ્રેમ બતાવતાં યહોવાહે કહ્યું કે, “પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલાં તું મરશે નહિ.” તેમણે પોતાનું વચન પાળ્યું અને બાળક ઈસુને તેમના માબાપ યરૂશાલેમના મંદિરમાં લાવ્યા ત્યારે શિમઓનને પ્રેરણા હેઠળ તેમની પાસે લઈ ગયા. આનંદથી અને ઊંડી કદરથી શિમઓને બાળકને ખોળામાં લઈને પ્રાર્થના કરી: “ઓ સ્વામી, હવે તારા વચન પ્રમાણે તું તારા દાસને શાંતિથી જવા દે છે; કેમકે મારી આંખોએ તારૂં તારણ દીઠું છે.”—લુક ૨:૨૫-૩૫.

“તેજ ઘડીએ” યહોવાહ પરમેશ્વર ૮૪ વરસની આન્‍નાને પોતાનો પ્રેમ બતાવતાં પ્રેરણા હેઠળ ઈસુ તરફ દોરી ગયા. એ વિધવા વિષે બાઇબલ જણાવે છે કે, તે હમેશાં મંદિરમાં રહેતી અને રાતદિવસ યહોવાહની “પ્રાર્થનાઓ સહિત ભક્તિ કર્યા કરતી.” શિમઓનની જેમ તેણે યહોવાહની અપાત્ર કૃપા માટે ઉપકાર માન્યો અને ત્યાર પછી તેણે “જેઓ યરૂશાલેમના ઉદ્ધારની વાટ જોતા હતા તે સર્વને” તે બાળક વિષે કહ્યું.—લુક ૨:૩૬-૩૮.

હા, યહોવાહે જોયું કે શિમઓન અને આન્‍નાને તેમની સેવા પ્રત્યે કેટલો પ્રેમ હતો, અને તેઓ તેમનો ડર રાખીને ચાલતા હતા. તેમ જ તેઓ પરમેશ્વરના હેતુઓ પૂરા થવાની આતુરતાથી રાહ જોતા હતા. શું આવા બાઇબલ અહેવાલોથી તમે યહોવાહ પરમેશ્વર સાથે મિત્રતા બાંધવા આકર્ષાતા નથી?

ઈસુ પણ પોતાના પિતાની જેમ, લોકોનું હૃદય પારખી શકતા હતા. તે મંદિરમાં શીખવતા હતા ત્યારે, તેમણે “દરિદ્રી વિધવાને” ફક્ત “બે દમડી” નાખતા જોઈ. બીજા લોકો સામે એનું કંઈ મૂલ્ય ન હતું. પરંતુ ઈસુ માટે એ મૂલ્યવાન હતું. તેમણે એ વિધવાની ઊંડી કદર કરી, કેમ કે તેણે પોતાનું સર્વસ્વ આપ્યું હતું. (લુક ૨૧:૧-૪) તેથી, આપણે યહોવાહ અને ઈસુ માટે જે કંઈ પણ કરીએ એની તેઓ કદર કરે છે, એવી આપણને ખાતરી હોવી જોઈએ.

લોકો પરમેશ્વરના માર્ગે ચાલે છે ત્યારે તેમને આનંદ થાય છે. એ જ સમયે જ્યારે લોકો તેમની વિરુદ્ધમાં જાય છે, ત્યારે તેમને દુઃખ થાય છે. ઉત્પત્તિ ૬:૬ આપણને કહે છે કે, યહોવાહ ‘હૃદયમાં ખેદિત થયા’ કારણ કે નુહના સમયમાં જળપ્રલય પહેલાં પૃથ્વી પર દુષ્ટતા વધી ગઈ હતી. એ પછી, અનાજ્ઞાંકિત ઈસ્રાએલીઓએ વારંવાર “દેવની પરીક્ષા કરી, અને ઈસ્રાએલના પવિત્ર દેવને માઠું લગાડ્યું.” (ગીતશાસ્ત્ર ૭૮:૪૧) હા, પરમેશ્વર નિષ્ઠુર અને આપણા જેવા અપૂર્ણ નથી. પરંતુ તે ખરેખર લાગણીશીલ વ્યક્તિ છે. તે પોતાની લાગણીઓને સમતોલમાં રાખે છે.

[પાન ૭ પર ચિત્રો]

યહોવાહની સૃષ્ટિ પર મનન કરવાથી આપણે તેમના મિત્ર બની શકીએ છીએ