સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમારે બીજા ધર્મની તપાસ કરવી જોઈએ?

શું તમારે બીજા ધર્મની તપાસ કરવી જોઈએ?

શું તમારે બીજા ધર્મની તપાસ કરવી જોઈએ?

“હું છેલ્લા એકાદ વર્ષથી ખ્રિસ્તી સભાઓમાં હાજરી આપતી હતી. બીજાઓને દેવનું રાજ્ય જાહેર કરવામાં મને આનંદ થતો હતો.” દક્ષિણ અમેરિકામાં રહેતી મીગુએલે આમ કહ્યું જે હવે યહોવાહની એક સાક્ષી છે. “પછી મેં રેડિયો પર ધાર્મિક કાર્યક્રમો સાંભળવાનું અને ટીવી પર ધાર્મિક પ્રચારકોના કાર્યક્રમો જોવાનું શરૂ કર્યું. હું વિચારતી હતી કે આવા કાર્યક્રમો મને બીજા ધર્મના લોકોને સમજવા મદદ કરી શકે. મેં જોયું કે તેઓનું શિક્ષણ બાઇબલની સુમેળમાં નથી છતાં હું એ જાણવા જિજ્ઞાસુ હતી.”

એ જ દેશના જ્યોર્જ પણ બીજાઓને સત્યનું શિક્ષણ આપવામાં ઉત્સાહી હતા. તેમણે પણ ધાર્મિક કાર્યક્રમો રેડિયો પર સાંભળવાનું અને ટીવી પર જોવાનું શરૂ કર્યું. તે હમેશાં કહેતા, “બીજાઓ શું વિચારે છે એ તમારે જાણવાની જરૂર છે.” તેમને જૂઠાં શિક્ષણને સાંભળવાથી થઈ શકે એવા નુકશાન વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો: “બાઇબલ સત્ય જાણનારાઓના વિશ્વસને કંઈ જ ન થઈ શકે.” આ અનુભવો મહત્ત્વનો પ્રશ્ન ઊભો કરે છે કે શું બીજા ધર્મની માન્યતાઓને જાણવી ડહાપણભર્યું છે?

સાચા ખ્રિસ્તી ધર્મને ઓળખવો

પ્રેષિતોના મરણ પછી, ખ્રિસ્તી ધર્મના બીજા ફૂટેલા ફણગાના કારણે સાચી ઉપાસના ભ્રષ્ટ થવા લાગી. ઈસુ આ બધું જાણતા હતા, એટલે જ તેમણે સાચાં કે ખોટાં ખ્રિસ્તી ધર્મને ઓળખવાનો એક માર્ગ બતાવ્યો. પ્રથમ તેમણે ચેતવણી આપી: “જૂઠા ઉપદેશકો ઘેટાંને વેશે તમારી પાસે આવે છે, પણ માંહે ફાડી ખાનારાં વરૂના જેવા છે, તેઓ સંબંધી સાવધાન રહો.” પછી તેમણે ઉમેર્યું: “તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો.” (માત્થી ૭:૧૫-૨૩) ઈસુના સાચા અનુયાયીઓ તેમણે જે શીખવ્યું એને લાગુ પાડે છે, તેથી તેઓ સહેલાઈથી પોતાના સારાં કાર્યોથી ઓળખાઈ આવે છે. ઈસુએ કર્યું તેમ તેઓ પણ ઘરે ઘરે જઈને બાઇબલમાંથી દેવના રાજ્ય વિષે બતાવે છે. ઈસુના ઉદાહરણને અનુસરીને, તેઓ રાજકારણ અને સામાજિક વિખવાદોથી દૂર રહે છે. તેઓ બાઇબલને પરમેશ્વરના શબ્દ તરીકે ગણીને માન આપે છે. તેઓ પરમેશ્વરનું નામ જાહેર કરે છે. તેઓ પરમેશ્વરે આપેલી પ્રેમની આજ્ઞાને લાગુ પાડતા હોવાથી યુદ્ધોમાં ભાગ લેતા નથી. એના બદલે, તેઓ એકબીજા સાથે ભાઈઓની જેમ વર્તે છે.—લુક ૪:૪૩; ૧૦:૧-૯; યોહાન ૧૩:૩૪, ૩૫; ૧૭:૧૬, ૧૭, ૨૬.

આમ, શાસ્ત્રવચનની મદદથી “સદાચારીની તથા દુરાચારીની વચ્ચેનો, ઈશ્વરની સેવા કરનારની તથા તેની સેવા નહિ કરનારની વચ્ચેનો, ભેદ” સહેલાઈથી જોઈ શકાય છે. (માલાખી ૩:૧૮) આજે સાચા ભક્તો પ્રથમ સદીના ખ્રિસ્તીઓની જેમ એકતામાં રહીને કાર્ય કરે છે. (એફેસી ૪:૪-૬) એક વાર સાચા ખ્રિસ્તીઓને ઓળખી ગયા પછી, શા માટે તમારે બીજાઓની માન્યતા વિષે જાણવા જિજ્ઞાસુ બનવું જોઈએ?

જૂઠા શિક્ષકોથી સાવધ રહો

બાઇબલ બતાવે છે કે બાઇબલનું સત્ય શીખ્યા પછી પણ જૂઠાં શિક્ષણ ભળવાનું આત્મિક જોખમ રહેલું છે. પ્રેષિત પાઊલે ચેતવણી આપી: “સાવધાન રહો, રખેને ફિલસુફીનો ખાલી આડંબર જે ખ્રિસ્ત પ્રમાણે નહિ, પણ માણસોના સંપ્રદાય પ્રમાણે ને જગતનાં તત્ત્વો પ્રમાણે છે, તેથી કોઈ તમને ફસાવે.” (કોલોસી ૨:૮) આ લખાણ કેવું સ્પષ્ટ ચિત્ર બતાવે છે! સિંહ જાણે તમને ફાડી ખાવા લઈ જાય તેમ જૂઠા શિક્ષકો ખરેખર જોખમ ઊભું કરી શકે.

પાઊલે બીજા ધર્મની માન્યતાઓની નોંધ લીધી હતી. તેથી એક વખત તેમણે આમ કહીને ભાષણ આપ્યું: “આથેન્સના સદ્‍ગૃહસ્થો, હું જોઉં છું કે તમે બધી બાબતોમાં અતિશય ધર્મચુસ્ત છો. કેમકે માર્ગે ચાલતાં ચાલતાં જે દેવદેવીઓને તમે ભજો છો તેઓને હું જોતો હતો, ત્યારે મેં એક વેદી પણ જોઈ, જેના પર અજાણ્યા દેવના માનમાં એવો એક લેખ કોતરેલો હતો.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૨, ૨૩) તેમ છતાં, પાઊલ ગ્રીક ફિલસૂફીને કંઈ નિયમિતપણે સાંભળતા ન હતા.

જૂઠા ધર્મની માન્યતાઓ વિષે જાણવું અને એનો ઊંડો અભ્યાસ કરવો એમાં ઘણો ફરક છે. * યહોવાહ પરમેશ્વરે “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” વર્ગ દ્વારા બાઇબલનું શિક્ષણ પૂરું પાડ્યું છે. (માત્થી ૪:૪; ૨૪:૪૫) પાઊલે લખ્યું: “તમે પ્રભુની મેજની સાથે ભૂતપિશાચોની મેજના ભાગીદાર થઈ શકતા નથી. તો શું આપણે પ્રભુને ચીડવીએ છીએ?”—૧ કોરીંથી ૧૦:૨૦-૨૨.

ઘણા જૂઠા શિક્ષકો અગાઉ સાચા ખ્રિસ્તીઓ હતા, પરંતુ કોઈ કારણોસર તેઓ સત્યથી વિમુખ થઈ ગયા. (યહુદા ૪, ૧૧) એનાથી આપણે આશ્ચર્ય પામવું જોઈએ નહિ. ઈસુએ “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” વર્ગને અભિષિક્ત ખ્રિસ્તીઓના જૂથ તરીકે ઓળખાવ્યા પછી કહ્યું કે “ભૂંડો ચાકર” વર્ગ “મારા ધણીને આવતાં વાર છે” એમ ફરિયાદ કરીને સાથી વિશ્વાસીઓની નિંદા કરે છે. (માત્થી ૨૪:૪૮, ૪૯) આવી વ્યક્તિઓને પોતાના ધર્મ વિષે જ પૂરેપૂરી જાણકારી ન હોવાથી તેઓ બીજાઓના વિશ્વાસનો નાશ કરવામાં જ રસ ધરાવે છે. તેથી પ્રેષિત યોહાને લખ્યું: “કોઈ તમારી પાસે આવે, અને એજ બોધ લઈને ન આવે, તો તેને ઘરમાં પેસવા ન દો, ને તેને ક્ષેમકુશળ ન કહો.”—૨ યોહાન ૧૦; ૨ કોરીંથી ૧૧:૩, ૪, ૧૩-૧૫.

ખરેખર સત્યની શોધ કરનાર નમ્ર વ્યક્તિઓ જુદા જુદા ધર્મનું સાંભળ્યા પછી એના પર ધ્યાનપૂર્વક વિચાર કરે છે. સમય જતા, સત્ય શોધનાર નમ્ર વ્યક્તિઓને પરમેશ્વર આશીર્વાદ આપશે. બાઇબલ દૈવી ડહાપણ વિષે કહે છે, “જો તું રુપાની પેઠે તેને ઢૂંઢશે, અને દાટેલા દ્રવ્યની પેઠે તેની શોધ કરશે; તો . . . દેવનું જ્ઞાન તારે હાથ લાગશે.” (નીતિવચન ૨:૪, ૫) બાઇબલ અને ખ્રિસ્તી સભાઓ દ્વારા પરમેશ્વરનું આ જ્ઞાન મેળવીને તેમ જ એને અનુસરનારાઓને યહોવાહ કઈ રીતે આશીર્વાદ આપે છે એ જાણ્યા પછી સાચા ખ્રિસ્તીઓએ જૂઠા ધર્મના શિક્ષણને સાંભળવું ન જોઈએ.—૨ તીમોથી ૩:૧૪.

[ફુટનોટ]

^ વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત મૅનકાઈન્ડ્‌સ સર્ચ ફોર ગૉડ પુસ્તક ઘણા ધર્મોના શિક્ષણ અને પાર્શ્વભૂમિકા વિષે માહિતી આપે છે.