સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું હું પવિત્ર આત્માની સહાય લઉં છું?

શું હું પવિત્ર આત્માની સહાય લઉં છું?

શું હું પવિત્ર આત્માની સહાય લઉં છું?

ધર્મશાસ્ત્રીઓ અને અન્ય લોકો, પરમેશ્વરના પવિત્ર આત્મા વિષે અનેક વિચારો ધરાવે છે. તેમ છતાં, આવા વિચારોથી કંઈ ગૂંચવાઈ જવાની જરૂર નથી. કેમ કે બાઇબલ પવિત્ર આત્મા વિષે સ્પષ્ટપણે બતાવે છે. કેટલાક કહે છે તેમ પવિત્ર આત્મા એક વ્યક્તિ નથી પરંતુ પોતાની ઇચ્છા પૂરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું પરમેશ્વરનું સક્રિય બળ છે.—ગીતશાસ્ત્ર ૧૦૪:૩૦; પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૩; ૪:૩૧; ૨ પીતર ૧:૨૧.

પરમેશ્વરના હેતુઓ પૂરા કરવા માટે પવિત્ર આત્મા ઘણો મહત્ત્વનો ભાગ ભજવતો હોવાથી, આપણે એના સુમેળમાં જીવન જીવવું જોઈએ. આપણે પણ એને આપણો વ્યક્તિગત સહાયક બનાવવો જોઈએ.

શા માટે સહાયકની જરૂર?

પૃથ્વી પરથી જતા પહેલા ઈસુએ પોતાના શિષ્યોને ફરીથી ખાતરી આપી: “હું પિતાને કહીશ કે તે તમને બીજો સહાયક મોકલી આપે અને તે તમને કદી ત્યજી દેશે નહિ.” તેમણે કહ્યું: “ખરું પૂછો તો હું અહીંથી જાઉં તે તમારા હિતમાં છે, કેમ કે હું નહિ જાઉં ત્યાં સુધી સહાયક એટલે પવિત્ર આત્મા તમારી પાસે આવશે નહિ, પણ હું જઈશ એટલે તે આવશે.”—યોહાન ૧૪:૧૬, ૧૭; ૧૬:૭, IBSI.

ઈસુએ પોતાના શિષ્યોને એક મહત્ત્વની જવાબદારી સોંપતા કહ્યું: “એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ; મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.” (માત્થી ૨૮:૧૯, ૨૦) એ કંઈ સહેલું કામ નહોતું કારણ કે એ કાર્ય કરવા તેમણે વિરોધનો સામનો કરવાનો હતો.—માત્થી ૧૦:૨૨, ૨૩.

બહારના લોકોના વિરોધ સાથે મંડળમાં પણ વિખવાદો હતા. આથી, પાઊલે ૫૬ સી.ઈ.માં રોમના ખ્રિસ્તીઓને લખ્યું: “હવે, હે ભાઈઓ, હું તમને વિનંતી કરૂં છું, કે જે બોધ તમને મળ્યો છે તેથી વિરૂદ્ધ જેઓ તમારામાં ફૂટ પાડે છે ને ઠોકરરૂપ થાય છે, તેઓને ધ્યાનમાં રાખીને તમે તેઓનાથી દૂર રહો.” (રૂમી ૧૬:૧૭, ૧૮) પરંતુ પ્રેષિતોના મરણ બાદ તો પરિસ્થિતિ એનાથી પણ વધારે વણસી જવાની હતી. આથી, પાઊલે ચેતવણી આપી: “હું જાણું છું કે મારા ગયા પછી ટોળા પર દયા નહિ રાખે એવા ક્રુર વરૂઓ તમારામાં દાખલ થશે; અને તમારા પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે, અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે અવળી વાતો બોલશે.”—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૯, ૩૦.

આ પગપેસારો કાઢવા માટે પરમેશ્વરની મદદની જરૂર હતી. અને તેમણે ઈસુ દ્વારા એ મદદ પૂરી પાડી. ઈસુના પુનરુત્થાન બાદ, પેન્તેકોસ્ત ૩૩ સી.ઈ.ના રોજ તેમના ૧૨૦ અનુયાયીઓ “પવિત્ર આત્માથી ભરપૂર થયા.”—પ્રેરિતોનાં કૃત્યો ૧:૧૫; ૨:૪.

શિષ્યોને ખબર પડી કે આ પ્રસંગે રેડવામાં આવેલો પવિત્ર આત્મા ઈસુએ વચન આપેલ મદદ હતી. નિઃશંક, હવે તેઓ ઈસુની મદદને વધારે સારી રીતે સમજી શક્યા: “[સહાયક], એટલે પવિત્ર આત્મા, જેને બાપ મારે નામે મોકલી દેશે, તે તમને બધું શિખવશે, અને મેં જે જે તમને કહ્યું તે બધું તે તમારા સ્મરણમાં લાવશે.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (યોહાન ૧૪:૨૬) તેમણે એને “[સહાયક], એટલે સત્યનો આત્મા” કહ્યો.—યોહાન ૧૫:૨૬.

કઈ રીતે આત્મા સહાય કરી શકે?

આત્મા અનેક રીતે સહાયક તરીકે કામ કરી શકે. સૌ પ્રથમ, ઈસુએ વચન આપ્યું કે પવિત્ર આત્મા શિષ્યોને પોતે શીખવેલું શિક્ષણ યાદ દેવડાવશે. તે એમ કહેવા માંગતા હતા કે આત્મા, બાબતો યાદ કરાવવા કરતાં કંઈક વધુ કરે છે. એ તેઓને ગહન બાબતો અને તેમણે તેઓને જે બાબતો શીખવી છે એનું મહત્ત્વ સમજવા સહાય કરવાનો હતો. (યોહાન ૧૬:૧૨-૧૪) ટૂંકમાં, આત્મા તેમના શિષ્યોને સત્યની સારી સમજણ મેળવવા મદદ કરવાનો હતો. પછી પ્રેષિત પાઊલે લખ્યું: “દેવે આત્માથી આપણને પ્રગટ કર્યાં છે; કેમકે આત્મા સર્વેને, હા, દેવના ઊંડા વિચારોને પણ શોધે છે.” (૧ કોરીંથી ૨:૧૦) ઈસુના અભિષિક્ત અનુયાયીઓએ બીજાઓને ચોક્સાઈભર્યું જ્ઞાન આપતા પહેલા પોતે સારી રીતે સમજણ મેળવવાની જરૂર હતી.

બીજું, ઈસુએ પોતાના શિષ્યોને વારંવાર પ્રાર્થના કરવા જણાવ્યું. ઘણી વખત તેઓએ કઈ બાબત સંબંધી પ્રાર્થના કરવી જોઈએ એની ખબર ન પડતી ત્યારે પવિત્ર આત્મા તેઓને મદદ કરતો હતો. “તે પ્રમાણે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય આપે છે; કેમકે યથાયોગ્ય શી પ્રાર્થના કરવી એ આપણે જાણતા નથી, પણ આત્મા પોતે અવાચ્ય નિસાસાથી આપણે સારૂ મધ્યસ્થતા કરે છે.”—રૂમી ૮:૨૬.

ત્રીજું, આત્મા ઈસુના શિષ્યોને જાહેરમાં સત્યનો બચાવ કરવા માટે પણ સહાય કરતો હતો. તેમણે તેઓને ચેતવણી આપી: “તેઓ તમને ન્યાયસભામાં સોંપશે, ને તેઓનાં સભાસ્થાનોમાં તમને કોરડા મારશે. અને તેઓને તથા વિદેશીઓને માટે સાક્ષીને અર્થે મારે લીધે તમે હાકેમોની તથા રાજાઓની આગળ લઈ જવાશો. પણ જ્યારે તેઓ તમને પકડાવે ત્યારે તમે ચિંતા ન કરો કે અમે શી રીતે અથવા શું બોલીએ, કેમકે શું બોલવું તે તે જ ઘડીએ તમને અપાશે. કેમકે જે બોલે છે તે તો તમે નથી, પણ તમારા બાપનો જે આત્મા તે તમારામાં બોલે છે.”—માત્થી ૧૦:૧૭-૨૦.

પવિત્ર આત્મા ખ્રિસ્તી મંડળને ઓળખવા અને એના સભ્યોને યોગ્ય નિર્ણયો લેવા માટે પણ સહાય કરે છે. ચાલો આપણે આ વિષયની બે બાબતો પર વિગતવાર ચર્ચા કરીએ અને જોઈએ કે આજે આપણા માટે એનું શું મહત્ત્વ છે.

ઓળખચિહ્‍ન તરીકે કાર્ય

સૈકાઓથી યહુદીઓએ પરમેશ્વરના પસંદ કરાયેલા લોકો તરીકે મુસાના નિયમ હેઠળ સેવા કરી. પરંતુ તેઓએ ઈસુને મસીહ તરીકે નકાર્યા હોવાથી, તેમણે ભાખ્યું કે ટૂંક સમયમાં તે પણ તેઓનો નકાર કરશે: “જે પથ્થરનો નકાર ઘર બાંધનારાઓએ કર્યો, તેજ ખૂણાનો મુખ્ય પથ્થર થયો: એ પ્રભુથી બન્યું, અને આપણી નજરમાં આશ્ચર્યકારક છે. એ શું તમે શાસ્ત્રમાં કદી નથી વાંચ્યું? એ માટે હું તમને કહું છું, કે દેવનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે, ને જે પ્રજા તેનાં ફળ આપશે, તેઓને અપાશે.” (માત્થી ૨૧:૪૨, ૪૩) એક વાર ૩૩ સી.ઈ.માં પેન્તેકોસ્તના દિવસે ખ્રિસ્તી મંડળની સ્થાપના થયા પછી ખ્રિસ્તના અનુયાયીઓ ‘ફળ આપનાર પ્રજા’ બની. ત્યારથી માંડીને, પરમેશ્વરે આ મંડળને વાતચીતનું માધ્યમ બનાવ્યું. લોકો એને ઓળખી શકે માટે પરમેશ્વરે સ્પષ્ટ ઓળખચિહ્‍ન આપ્યું છે.

પેન્તેકોસ્તના દિવસે પવિત્ર આત્માએ શિષ્યોને એવી ભાષા બોલવા શક્તિ આપી જે તેઓ કદી શીખ્યા નહોતા. એનાથી અવલોકી રહેલા લોકો આશ્ચર્ય પામીને પૂછવા લાગ્યા: “આપણે આપણી માતૃભાષામાં તેઓને બોલતાં કેમ સાંભળીએ છીએ?” (પ્રેરિતોનાં કૃત્યો ૨:૭, ૮) અજાણી ભાષાઓ બોલી શકવા ઉપરાંત ‘પ્રેરિતોએ ઘણાં અદ્‍ભુત કૃત્યો, તથા ચમત્કારો’ કર્યાં, એનાથી કંઈક ત્રણ હજાર લોકો પરમેશ્વરના આત્માની ઓળખ મેળવી શક્યા.—પ્રેરિતોનાં કૃત્યો ૨:૪૧, ૪૩.

વધુમાં, ખ્રિસ્તના શિષ્યો પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ જેવા ‘પવિત્ર આત્માના ફળ’ વિકસાવીને પરમેશ્વરના સેવકો તરીકે ઓળખાયા હતા. (ગલાતી ૫:૨૨, ૨૩) હકીકતમાં, પ્રેમને કારણે સાચું ખ્રિસ્તી મંડળ સ્પષ્ટપણે અલગ તરી આવ્યું. ઈસુએ ભાખ્યું: “જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.”—યોહાન ૧૩:૩૪, ૩૫.

શરૂઆતના ખ્રિસ્તી મંડળના સભ્યોએ પરમેશ્વરના પવિત્ર આત્માની મદદને સ્વીકારીને એમાંથી લાભ ઉઠાવ્યો. આજે ખ્રિસ્તીઓ જાણે છે કે પરમેશ્વર પ્રથમ સદીમાં કરતા હતા તેમ અત્યારે મૂએલાઓને ઊઠાડતા નથી અને ચમત્કારો પણ કરતા નથી, પરંતુ તે આપણને આત્માના ફળ વિકસાવીને ઈસુ ખ્રિસ્તના સાચા શિષ્યો બનવાની તક આપે છે.—૧ કોરીંથી ૧૩:૮.

વ્યક્તિગત નિર્ણયો લેવામાં સહાયક

બાઇબલ પવિત્ર આત્માની મદદથી લખાયું છે. તેથી, આપણે બાઇબલ બતાવે એ પ્રમાણે કરીએ છીએ ત્યારે, આપણે પવિત્ર આત્માનું સાંભળીએ છીએ. (૨ તીમોથી ૩:૧૬, ૧૭) એ આપણને યોગ્ય નિર્ણયો લેવા માટે મદદ કરે છે. પરંતુ શું આપણે એની મદદ સ્વીકારીએ છીએ?

આપણા ધંધા-રોજગારની પસંદગી બાબતે શું? પવિત્ર આત્મા આપણને યહોવાહને પસંદ હોય એવી નોકરી સ્વીકારવા મદદ કરશે. આપણો નોકરી-ધંધો બાઇબલ સિદ્ધાંતોના સુમેળમાં હોવો જોઈએ અને એણે આપણને યહોવાહની સેવા કરતા રહેવા મદદ કરવી જોઈએ. ઘણી વાર વ્યક્તિનો પગાર અથવા હોદ્દો અને શાખ નોકરીને આધારે નક્કી કરવામાં આવે છે પરંતુ વાસ્તવમાં એ એટલું મહત્ત્વનું નથી. પરંતુ નોકરીમાંથી આપણને આપણી જીવન જરૂરિયાતો પૂરી કરવા અને ખ્રિસ્તી સેવાકાર્યમાં લાગુ રહેવા માટે સમય અને તક મળે છે કે નહિ એ વધારે મહત્ત્વનું છે.

આપણે બધા જીવનનો આનંદ માણવા માંગીએ છીએ. (સભાશિક્ષક ૨:૨૪; ૧૧:૯) તેથી એક સમતોલ ખ્રિસ્તી તાજગી અને આનંદ મેળવવા માટે મનોરંજનમાં ભાગ લઈ શકે છે. પરંતુ તે “દેહના કામ” નહિ પણ આત્માનાં ફળો પ્રદર્શિત કરે એવું મનોરંજન માણે છે. પાઊલે જણાવ્યું: “દેહનાં કામ તે ખુલ્લાં છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિપૂજા, જાદુ, વૈરભાવ, કજીઆકંકાશ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી, અદેખાઈ, છાકટાઈ, વિલાસ તથા એઓના જેવાં કામ.” આવા કામોથી દૂર રહેવા ઉપરાંત, “એકબીજાને ખીજવીને તથા એકબીજા પર અદેખાઈ રાખીને મિથ્યા બડાઈ” કરનારા બનવાનું પણ આપણે ટાળવું જોઈએ.—ગલાતી ૫:૧૬-૨૬.

મિત્રોની પસંદગી કરવા સંબંધી પણ એ સાચું છે. બહારના દેખાવ કે હોદ્દો જોઈને નહિ પરંતુ વ્યક્તિની આત્મિકતા જોઈને મિત્રની પસંદગી કરવી ડહાપણભર્યું છે. દેખીતી રીતે જ દાઊદ પરમેશ્વરનો મિત્ર હતો, કેમ કે પરમેશ્વરે તેનો “મારો મનગમતો એક માણસ” તરીકે ઉલ્લેખ કર્યો. (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૨૨) પરમેશ્વરે બહારના દેખાવની અવગણના કરીને દાઊદને ઈસ્રાએલના રાજા તરીકે પસંદ કર્યો, બાઇબલ જણાવે છે: “માણસ જેમ જુએ છે તેમ યહોવાહ જોતો નથી; કેમકે માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવાહ હૃદય તરફ જુએ છે.”—૧ શમૂએલ ૧૬:૭.

બાહ્ય દેખાવ કે હોદ્દાને કારણે કરવામાં આવેલી હજારો મિત્રતા તૂટી ગઈ છે. તેમ જ ધન પર આધારિત મિત્રતા પણ જલદી જ ભાંગી પડે છે. (નીતિવચન ૧૪:૨૦) પરમેશ્વરના આત્માથી લખાયેલું બાઇબલ આપણને સલાહ આપે છે કે યહોવાહની સેવા કરવા આપણને મદદ કરે એવા મિત્રોને આપણે પસંદ કરવા જોઈએ. એ આપણને કંઈક મેળવવા કરતાં આપવામાં ધ્યાન પરોવવાનું જણાવે છે કારણ કે આપવાથી વધારે આનંદ પ્રાપ્ત થાય છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) આપણે આપણા મિત્રોને સમય આપીએ અને તેઓ પ્રત્યે હેત બતાવીએ એ વધારે મહત્ત્વનું છે.

લગ્‍ન સાથીની શોધ કરી રહેલા ખ્રિસ્તીઓને પણ બાઇબલ સલાહ આપે છે. એ આ રીતે કહે છે: ‘કેવળ દેખાવ કે શરીર ન જોશો. પરંતુ પગ જુઓ.’ શું ખરેખર પગ જોવાના છે? હા, આ અર્થમાં, શું તેઓ સુસમાચારનો પ્રચાર કરવા અને વધામણી લાવવા પોતાના પગનો ઉપયોગ કરે છે? શું તેઓએ સત્યના સંદેશા અને શાંતિની સુવાર્તાના જોડાં પહેરેલા છે? આપણે વાંચીએ છીએ: “જે વધામણી લાવે છે, જે શાંતિની વાત સંભળાવે છે, જે કલ્યાણની વધામણી લાવે છે, જે તારણની વાત સંભળાવે છે, જે સિયોનને કહે છે, કે તારો દેવ રાજ કરે છે, તેના પગ પર્વતો પર કેવા શોભાયમાન છે!”—યશાયાહ ૫૨:૭; એફેસી ૬:૧૫.

આપણે “સંકટના વખતો”માં જીવતા હોવાથી, પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે કરવા માટે આપણને મદદની જરૂર છે. (૨ તીમોથી ૩:૧) સહાયક, પવિત્ર આત્માએ પ્રથમ સદીમાં ખ્રિસ્તીઓના કાર્યને જબરજસ્ત ટેકો આપ્યો અને તેઓનો વ્યક્તિગત સહાયક બન્યો. પવિત્ર આત્માથી લખાયેલા પરમેશ્વરના શબ્દ બાઇબલનો ખંતપૂર્વક અભ્યાસ કરીને, આપણે પણ પવિત્ર આત્માને આપણો વ્યક્તિગત સહાયક બનાવી શકીએ છીએ. શું એને આપણો સહાયક બનાવ્યો છે?