સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“અમારો વિશ્વાસ ડગમગશે નહિ”!

“અમારો વિશ્વાસ ડગમગશે નહિ”!

મારો અનુભવ

“અમારો વિશ્વાસ ડગમગશે નહિ”!

હર્બટ મ્યુલરના જણાવ્યા પ્રમાણે

હિટલરના નાઝી લશ્કરે નેધરલૅન્ડ પર કબજો મેળવ્યાના થોડા જ મહિનાઓ પછી યહોવાહના સાક્ષીઓની પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. થોડા જ સમયમાં મારું નામ નાઝીઓ સૌ પ્રથમ ધરપકડ કરવાના હોય એવા લોકોની યાદીમાં આવી ગયું. પછી એક શિકારી પોતાના શિકારની શોધ કરે એમ મારી શોધ કરવામાં આવી.

હું એક જગ્યાએથી બીજી જગ્યાએ સંતાઈને ખૂબ કંટાળી ગયો હતો. એક વખત તો મેં મારી પત્નીને કહ્યું કે આના કરતાં તો લશ્કરના હાથે પકડાઈ જવું સારું. પછી મને એક ગીતના શબ્દો યાદ આવ્યા: “જીવનમાં ગમે તેવી સમસ્યાઓ આવશે પરંતુ અમારો વિશ્વાસ ડગમગશે નહિ.” * મારા મિત્રોએ વિદાયગીરી વખતે ગાયેલા આ ગીતના શબ્દોથી મારામાં શક્તિ આવી અને જર્મનીના મારા માબાપની યાદો તાજી થઈ. ચાલો હું તમને મારા આ યાદગાર બનાવો વિષે જણાવું.

મારા માબાપનું ઉદાહરણ

હું ૧૯૧૩માં જર્મનીના કોપીટ્‌સ નગરમાં જન્મ્યો ત્યારે મારા માબાપ ઈવેન્જેલિકલ ચર્ચના સભ્યો હતા. * સાત વર્ષ પછી, ૧૯૨૦માં પપ્પાએ ચર્ચમાં જવાનું છોડી દીધું. એપ્રિલ ૬એ તેમને ચર્ચમાંથી રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું. નગરના સિવિલ રજીસ્ટ્રેશન અધિકારીએ એના માટે ફોર્મ ભર્યું. તેમ છતાં, સપ્તાહ પછી પપ્પા ફરીથી ઑફિસમાં ગયા અને તેમને કહ્યું કે રાજીનામાંના ફોર્મમાં મારી દીકરીનું નામ નથી. અધિકારીએ બીજું ફોર્મ ભરીને કહ્યું કે આ રાજીનામું માર્થા મારગારેટા મ્યુલરને પણ લાગુ પડે છે. એ સમયે મારી બહેન મારગારેટા દોઢ વર્ષની હતી. આમ, મારા પપ્પા યહોવાહ પરમેશ્વરની સેવા કરવામાં ક્યારેય સમાધાન કરતા નહિ.

એ જ વર્ષે મારા માબાપે બાઇબલ વિદ્યાર્થીઓ (હાલના યહોવાહના સાક્ષીઓ) દ્વારા બાપ્તિસ્મા લીધું. પપ્પાએ અમને કડક શિસ્ત આપીને ઉછેર્યા હતા. પરંતુ તે પરમેશ્વરને વફાદાર હોવાથી તેમની શિસ્ત સ્વીકારવી અમારા માટે સહેલી હતી. વફાદારીએ મારા માબાપને જીવનમાં ફેરફારો કરવા મદદ કરી. દાખલા તરીકે, એક સમયે અમને રવિવારે ઘરની બહાર રમવા માટેની પરવાનગી નહોતી. તેમ છતાં ૧૯૨૫ના એક રવિવારે અમારા માબાપે અમને કહ્યું કે આપણે ફરવા માટે બહાર જઈ રહ્યા છીએ. અમે અમારી સાથે થોડો નાસ્તો લીધો અને ઘણી મઝા કરી હતી. કેવો મોટો ફેરફાર! પપ્પાએ કહ્યું કે તે તાજેતરના મહાસંમેલનમાંથી રવિવારની પ્રવૃત્તિઓ વિષે અમુક મુદ્દાઓ શીખ્યા હતા જેણે તેમની વિચારસરણીમાં ફેરફાર કર્યો. બીજા સમયોમાં પણ તે ફેરફાર કરવા ઉત્સુક હતા.

મારા માબાપનું સ્વાસ્થ્ય સારું ન હોવા છતાં તેઓ પ્રચારકાર્યમાં નિયમિત સહભાગી થતા હતા. દાખલા તરીકે, એક્લેસીઆસ્ટીક્સ ઈન્ડીકેટેડ પત્રિકાની વહેંચણી કરવા અમે મંડળના બીજા ભાઈબહેનો સાથે એક વખત સાંજે ટ્રેનમાં ડ્રેસડેનથી ૩૦૦ કિલોમીટર દૂર રેજન્સબર્ગ ગયા. બીજા દિવસે આખા શહેરમાં પત્રિકાઓને વહેંચીને અમે ટ્રેનમાં પાછા ફર્યા. આમ, અમે ૨૪ કલાક પછી ઘરે પાછા ફર્યા.

ઘર છોડવું

હું અમારા મંડળના યજન્ટગૃપે (યુવાનોનું વૃંદ) સાથે સંગત રાખતો હતો કે જેણે મને આત્મિકતામાં વધવા મદદ કરી. દરેક સપ્તાહે ૧૪ વર્ષ કે એનાથી મોટી વયના યુવાનો મંડળના કેટલાક વૃદ્ધ ભાઈઓના ઘરે ભેગા મળતા હતા. અમે રમત રમતા, સંગીત વગાડતા, બાઇબલ અભ્યાસ કરતા અને ઉત્પત્તિ તથા વિજ્ઞાન વિષે વાત કરતા હતા. પરંતુ, હું ૧૯ વર્ષનો થયો ત્યારે મારી અમારા યુવાનોના વૃંદ સાથેની સંગત બંધ થઈ ગઈ.

એ વર્ષના એપ્રિલ મહિનામાં પપ્પાએ માગદેબર્ગની વૉચટાવર સંસ્થામાંથી એક પત્ર મેળવ્યો. વાહન ચલાવી શકે અને સાથે પાયોનિયરીંગ કરવા ઇચ્છતી હોય એવી વ્યક્તિની સંસ્થાને જરૂર હતી. મારા માબાપ ઇચ્છતા હતા કે હું પાયોનિયરીંગ કરું, પણ મને લાગતું હતું કે હું એ કરી શકીશ નહિ. અમે ગરીબ હતા, તેથી કુટુંબને મદદરૂપ થવા મેં ૧૪ વર્ષની ઉંમરે સાયકલ, સીવવાનો સંચો અને ટાઈપરાઈટરનું તેમ જ ઑફિસના બીજા સાધનોનું સમારકામ કરવાનું શરૂ કર્યું. આવા સમયે હું કઈ રીતે મારા કુટુંબને છોડી શકું? તેઓને મારી મદદની જરૂર હતી. વધુમાં મેં બાપ્તિસ્મા પણ લીધું ન હતું. પપ્પા મારી સાથે બેઠા અને હું બાપ્તિસ્મા લઈ શકું છું કે કેમ એ જોવા અમુક પ્રશ્નો પૂછ્યાં. મારા જવાબોથી તેમને ખાતરી થઈ ગઈ કે બાપ્તિસ્મા લેવા જેટલી મેં આત્મિક પ્રગતિ કરી છે. પછી તેમણે કહ્યું: “તારે આ કાર્યસોંપણી સ્વીકારવી જોઈએ,” છેવટે મેં એ સ્વીકારી.

એક અઠવાડિયા પછી મેં માગદેબર્ગમાં જવા માટેનું આમંત્રણ મેળવ્યું. મેં મારા વૃંદના મિત્રોને એ કહ્યું ત્યારે તેઓ મને એક આનંદભર્યું ગીત ગાઈને વિદાય આપવાનું ઇચ્છતા હતા. મેં જે ગીત પસંદ કર્યું એનાથી તેઓને ઘણું આશ્ચર્ય થયું કારણ કે એ ગીતના વિચારો ઘણા ગંભીર હતા. તોપણ, બધાએ પોતાના વાયોલિન અને ગિટાર જેવા સંગીતના સાધનો વગાડીને એ ગાયું: “જીવનમાં ગમે તેવી સમસ્યાઓ આવશે પરંતુ અમારો વિશ્વાસ ડગમગશે નહિ.” એ દિવસે મને ખબર પણ ન હતી કે આવનાર વર્ષોમાં આ શબ્દો મને કેટલો દૃઢ કરશે.

સતાવણીની શરૂઆત

માગદેબર્ગમાં ભાઈઓએ વાહન ચલાવવાની મારી કુશળતાની કસોટી કર્યા પછી મને ચાર પાયોનિયરો સાથે કાર આપી પછી અમે બેલ્જિયમના સ્નાઈફલ પ્રદેશમાં ગયા. થોડા જ સમયમાં અમને ખબર પડી કે કાર અમારા માટે કેટલી મહત્ત્વની હતી. અમે આ પ્રદેશમાં આવ્યા એ ત્યાંના પાદરીઓને ગમ્યું ન હતું. પાદરીઓના કહેવાથી ગામના રહેવાસીઓ વારંવાર અમને તેમના બારણેથી કાઢી મૂકતા હતા. ઘણી વાર, તેઓ અમને કોદાળી અને પાવડા લઈને મારવા આવતા ત્યારે, ત્યાંથી જલદી નીકળી જવા કાર અમને ખૂબ મદદરૂપ થતી.

વર્ષ ૧૯૩૩માં સ્મરણ પ્રસંગ પછી સેવા નિરીક્ષક પૉલ ગ્રોસમેને અમને કહ્યું કે જર્મનીમાં આપણા કાર્ય પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એના થોડા વખત પછી માગદેબર્ગની શાખા કચેરીએ મને ત્યાં આવીને સાહિત્ય લઈ માગદેબર્ગથી લગભગ ૧૦૦ કિલોમીટર દૂર સેક્સોનીમાં પહોંચાડવાનું જણાવ્યું. હું માગદેબર્ગ પહોંચ્યો ત્યારે નાઝી ખાનગી પોલીસે ત્યાંની શાખા કચેરીને તાળાં મારી દીધા હતા. તેથી હું લાઈપસીકમાં એક ભાઈને ત્યાં કાર છોડીને ઘરે આવ્યો, પરંતુ લાંબા સમય માટે આવ્યો નહોતો.

પછી સ્વિટ્‌ઝર્લૅન્ડની સંસ્થાની ઑફિસે મને નેધરલૅન્ડમાં પાયોનિયરીંગ શરૂ કરવાનું કહ્યું. મેં એક-બે અઠવાડિયામાં જવાનું વિચાર્યું. પરંતુ પપ્પાએ મને તાત્કાલિક જવાની સલાહ આપી, તેથી મેં થોડા જ કલાકોમાં ઘર છોડ્યું. હું સૈનિકદળમાં જોડાયો ન હોવાને કારણે બીજા જ દિવસે પોલીસ મને પકડવા ઘરે આવી. પરંતુ તેઓ મોડા પડ્યા હતા.

નેધરલૅન્ડમાં કાર્યની શરૂઆત

ઑગસ્ટ ૧૫, ૧૯૩૩ના રોજ હું એમ્સ્ટરડૅમથી ૨૫ કિલોમીટર દૂર, હેમસ્ટેડા નગરમાં એક પાયોનિયરના ઘરે આવ્યો. બીજા દિવસે હું પ્રચાર કરવા ગયો, પરંતુ મને ત્યાં ડચ ભાષાનો એક શબ્દ પણ આવડતો ન હતો. મારી પાસે છાપેલો સંદેશો હતો જેનાથી મેં પ્રચાર કાર્યની શરૂઆત કરી. એક કૅથલિક બહેને મારી પાસેથી રીકોન્સીલીએશન પુસ્તક લીધું એ કેવું ઉત્તેજનકારક હતું! એ દિવસે મેં ૨૭ પુસ્તિકાઓનું વિતરણ કર્યું. પહેલા દિવસના અંતે મેં અનુભવ્યું કે હવે હું ફરીથી સ્વતંત્ર રીતે પ્રચાર કરી શકતો હતો.

એ દિવસોમાં પાયોનિયરોને સાહિત્યનું વિતરણ કરવાથી જે પૈસા મળતા એ સિવાય બીજી કોઈ આવક ન હતી. એ પૈસાનો ખોરાક અને બીજી જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા ઉપયોગ થતો હતો. મહિનાના અંતે થોડાક જ પૈસા બચતા જેને પાયોનિયરો વ્યક્તિગત ખર્ચ માટે અંદરોઅંદર વહેંચી દેતા હતા. અમારી પાસે થોડા જ પૈસા હતા, પરંતુ યહોવાહે અમને પૂરું પાડ્યું જેના કારણે હું ૧૯૩૪માં સ્વિટ્‌ઝર્લૅન્ડના મહાસંમેલનમાં હાજરી આપી શક્યો.

એક વિશ્વાસુ સાથી

મહાસંમેલનમાં હું ૧૮ વર્ષની ઍરીકાને મળ્યો. હું તેને જાણતો હતો કારણ કે તે મારી બહેન, મારગારેટાની બહેનપણી હતી. ઍરીકાનો સત્ય માટેનો દૃઢ વિશ્વાસ જોઈને હું હમેશાં પ્રભાવિત થતો હતો. તેણે ૧૯૩૨માં બાપ્તિસ્મા લીધું હતું. એના થોડા જ સમય પછી કોઈએ ખાનગી પોલીસને જણાવ્યું કે ઍરીકા “હિટલરનો જયજયકાર” કરવાનો નકાર કરે છે. તેથી પોલીસે તેને પોલીસ સ્ટેશને બોલાવી એનું કારણ પૂછ્યું. ઍરીકાએ પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૩ વાંચીને સમજાવ્યું કે પરમેશ્વરે ફક્ત એક જ વ્યક્તિ, ઈસુ ખ્રિસ્તને તારણ માટે નિયુક્ત કર્યા છે. અધિકારીએ પૂછ્યું: “તારી જેમ માનનારા શું બીજાઓ પણ છે?” એરીકાએ એક પણ નામ આપવાનો નકાર કર્યો. પોલીસે તેને કેદની ધમકી આપી ત્યારે ઍરીકાએ કહ્યું કે કોઈનું નામ આપવા કરતાં હું મરવાનું વધારે પસંદ કરીશ. અધિકારીએ તેની સામે એકીનજરે જોઈને ગુસ્સે થઈને કહ્યું: “અહીંથી જતી રહે. ઘરે જા અને હિટલરનો જયજયકાર કર.”

મહાસંમેલન પછી હું નેધરલૅન્ડ ગયો, જ્યારે ઍરીકા સ્વિટ્‌ઝર્લૅન્ડમાં જ રહી. અમને બંનેને લાગતું હતું કે અમારી મિત્રતા ગાઢ થઈ છે. પછી ઍરીકાએ સાંભળ્યું કે તેને શોધવા પોલીસ તેના ઘરે આવી હતી. તેથી તેણે સ્વિટ્‌ઝર્લૅન્ડમાં જ પાયોનિયરીંગ કરવાનું વિચાર્યું. થોડા મહિના પછી સંસ્થાએ તેને સ્પેન જવાનું કહ્યું. તેણે મડ્રિડ, બિલ્બાઓ અને પછી સૅન સભાષ્ટીઅનમાં પાયોનિયરીંગ કર્યું, જ્યાં પાદરીઓએ તેની અને તેની પાયોનિયર સાથીની સતાવણી કરીને જેલની સજા કરાવી હતી. વર્ષ ૧૯૩૫માં તેઓને સ્પેન છોડવાનો હુકમ કરવામાં આવ્યો. તેથી ઍરીકા નેધરલૅન્ડ આવી અને એ જ વર્ષે અમે લગ્‍ન કર્યું.

યુદ્ધ ઝઝૂમી રહ્યું હતું

અમારા લગ્‍ન પછી અમે હીમસ્ટેડમાં પાયોનિયરીંગ કર્યું અને પછી રોટરડૅમ શહેર બાજુ રહેવા ગયા. ત્યાં વર્ષ ૧૯૩૭માં અમારા દીકરા, વેલ્ફગેનનો જન્મ થયો. એક વર્ષ પછી અમે ઉત્તર નેધરલૅન્ડના ગ્રોરીનગન શહેરમાં રહેવા ગયા. ત્યાં અમે જર્મની પાયોનિયરો, ફરડિનાન્ડ અને હેલ્બા હોલ્ટોફ તથા તેમની દીકરી સાથે એક ઘરમાં રહેતા હતા. જુલાઈ ૧૯૩૮માં સંસ્થાએ અમને જણાવ્યું કે ડચ સરકારે ચેતવણી આપી છે કે જર્મન રાષ્ટ્રીયતાવાળા સાક્ષીઓએ પ્રચાર કરવો નહિ. લગભગ એ જ વખતે મને સરકીટ નિરીક્ષકની સોંપણી મળી અને અમારું કુટુંબ સંસ્થાની લીચડ્રાચર (પ્રકાશધારકો) નામની હોડીમાં રહેવા ગયું જેનો ઉત્તર નેધરલૅન્ડના પાયોનિયરો ઘર તરીકે ઉપયોગ કરતા હતા. હું સાયકલ પર જુદા જુદા મંડળોમાં ભાઈઓને પ્રચાર કાર્યમાં લાગુ રહે માટે ઉત્તેજન આપવા જતો હતો, આથી મોટા ભાગે હું મારા કુટુંબથી દૂર રહેતો હતો. બીજા ભાઈઓ પણ એમ જ કરતા હતા. કેટલાક લોકોએ પોતાની પ્રવૃત્તિમાં વધારો પણ કર્યો જેનું સારું ઉદાહરણ વીમ કેથાલાર છે.

હું વીમને મળ્યો ત્યારે તે યુવાન ભાઈ ખેતરમાં કામ કરતો હોવાથી ઘણો વ્યસ્ત હતો. મેં તેને સલાહ આપી, “તું યહોવાહની સેવા કરવા ઇચ્છતો હોય તો તારે બીજી નોકરી શોધવી જોઈએ.” અને તેણે એમ જ કર્યું. હું તેને ફરી વાર મળ્યો ત્યારે મેં તેને પાયોનિયર કાર્ય કરવા માટે ઉત્તેજન આપ્યું. તેણે કહ્યું, “પેટ ભરવા માટે કામ તો કરવું જ પડશે.” મેં તેને ખાતરી આપી, “તુ ખાઈ શકીશ અને યહોવાહ તારી કાળજી રાખશે.” વીમે પાયોનિયરીંગ કરવાનું શરૂ કર્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેણે પ્રવાસી નિરીક્ષક તરીકે સેવા આપી. આજે ૮૦ વર્ષની ઉંમરે પણ વીમ ઉત્સાહી સાક્ષી છે. ખરેખર, યહોવાહે તેની કાળજી રાખી છે.

પ્રતિબંધ હેઠળ

અમારા બીજા બાળક, રાઈનાના જન્મના એક વર્ષ પછી મે, ૧૯૪૦માં ડચ લશ્કર તાબે થઈ ગયું અને નાઝી લશ્કરે નેધરલૅન્ડ પર કબજો મેળવ્યો. જુલાઈમાં પોલીસે સંસ્થાની ઑફિસ અને છાપખાનાને તાળાં મારી દીધા. પછીના વર્ષે ઘણા સાક્ષીઓની ધરપકડ કરવામાં આવી જેમાં હું પણ હતો. એક સાક્ષી હોવાને કારણે અને લશ્કરમાં જોડાવાની ઉંમર હોવાથી પોલીસ મારી સાથે કેવો વ્યવહાર કરશે એ વિચારવું મારા માટે કંઈ અઘરું ન હતું. મને તો એવું જ લાગતું હતું કે હવે હું મારા કુટુંબને ક્યારેય જોઈ નહિ શકું.

મે ૧૯૪૧માં પોલીસે મને જેલમાંથી છોડ્યો અને લશ્કરમાં ભરતી થવાનો હુકમ આપ્યો. એ વાત હું માની જ ન શક્યો. એ જ દિવસથી હું સંતાઈને રહેવા લાગ્યો અને એ મહિને હું મારા સરકીટ કાર્યમાં પાછો ફર્યો. પરિણામે, નાઝી પોલીસે મારું નામ, તેઓ સૌથી પહેલા પકડવાના હોય એવી વ્યક્તિઓની યાદીમાં મૂકી દીધું.

મારા કુટુંબે સામનો કર્યો

દેશના પૂર્વીય ભાગના ફોરડન ગામમાં મારી પત્ની અને બાળકો રહેવા ગયા. તેઓને ખતરાથી બચાવવા હું ઘરે બહુ ઓછો જતો હતો. (માત્થી ૧૦:૧૬) સલામતી અર્થે ભાઈઓ મારા સાચા નામનો ઉપયોગ કરતા નહોતા. પરંતુ તેઓ મને બીજા નામ ડિસાયના (જર્મન જ્યોર્જ) તરીકે બોલાવતા હતા. મારો ચાર વર્ષનો દીકરો વેલ્ફગેન પણ “પપ્પા” કહીને બોલાવી શકતો ન હતો, આથી તે પણ “ઓમયાન” (અંકલ જોન) કહેતો હતો. આ તેના માટે લાગણીમય રીતે મુશ્કેલીનો સમય હતો.

હું પોલીસથી સંતાઈને મુસાફરી કરતો હતો ત્યારે, ઍરીકા બાળકોની કાળજી રાખતી હતી અને પ્રચાર કાર્ય પણ કરતી હતી. રાઈના બે વર્ષની થઈ ત્યારે ઍરીકા તેને સાયકલની આગળના સ્ટેન્ડ પર બેસાડીને ગામડાંમાં પ્રચાર કરવા જતી હતી. ખોરાક મેળવવો મુશ્કેલ થઈ ગયો હતો છતાં ઍરીકાને કુટુંબ માટે ખોરાકની ક્યારેય તંગી પડી ન હતી. (માત્થી ૬:૩૩) એક કૅથલિક ખેડૂત કે જેના કપડાં સીવવાના સંચાનું એક વખત મેં સમારકામ કર્યું હતું, તે ઍરીકાને બટાકા આપતો હતો. તે મારો સંદેશો પણ ઍરીકાને પહોંચાડતો હતો. એક વખત તેણે એક દવાની દુકાનમાં એક ગુલ્ડન (ત્યાંનું ચલણી નાણું) ચૂકવ્યા. એ દુકાનનો માલિક જાણતો હતો કે ઍરીકા સંતાઈને રહેતી હોવાથી રેશનકાર્ડ મેળવી શકતી નથી, તેથી તેણે તેને જરૂરી વસ્તુઓ આપી અને બે ગુલ્ડન પણ આપ્યા. આમ, સહાનુભૂતિને કારણે તેને મદદ મળી રહેતી.—હેબ્રી ૧૩:૫.

વારાફરતી ભાઈઓ સાથે કામ કરવું

એ દરમિયાન હું મંડળોની મુલાકાત પણ લેતો હતો, પરંતુ હું ફક્ત મંડળના જવાબદાર ભાઈઓને જ મળી શકતો હતો. પોલીસ મને શોધતી હોવાથી હું એક જગ્યાએ અમુક કલાકથી વધારે રહેતો ન હતો. મોટા ભાગના ભાઈબહેનોને હું મળી શકતો ન હતો. તેઓ ફક્ત પોતાના પુસ્તક અભ્યાસના નાના વૃંદને જાણતા હતા. પરિણામે, બે સગી બહેનો જુદી-જુદી જગ્યાએ એક જ શહેરમાં રહેતી હોવા છતાં, બીજા વિશ્વયુદ્ધ પછી તેઓને ખબર પડી કે હવે તેઓ બંને સાક્ષી છે.

સંસ્થાના સાહિત્યોને સંતાડી રાખવા જગ્યા શોધવી, એ પણ મારા માટે બીજી એક જવાબદારી હતી. અમે ચોકીબુરજની પ્રતો કાઢવા કાગળ, સ્ટેનશીલ મશીનો અને ટાઈપરાઈટરને પણ સંતાડીને રાખતા હતા. એ જ સમયે અમે સંસ્થાએ છાપેલાં પુસ્તકો એકથી બીજી જગ્યાએ સંતાડતા હતા. મને યાદ છે કે એક વખતે કોઈ અમને જોઈ ન જાય એ રીતે સાહિત્યો ભરેલાં ૩૦ ખોખાંને લઈ જવાનો અમે પ્રયત્ન કર્યો હતો. એ ખરેખર હિંમતનું કામ હતું!

વધુમાં, અમે પ્રતિબંધ હોવા છતાં પૂર્વીય નેધરલૅન્ડના ખેતરોમાંથી પશ્ચિમના શહેરોમાં ખોરાક લઈ આવવાની વ્યવસ્થા કરી હતી. અમે ઘોડા-ગાડીમાં ખોરાક ભરીને પશ્ચિમ તરફ મોકલતા હતા. અમે નદીએ પહોંચતા ત્યારે એક પણ પુલ પરથી જતા ન હતા કારણ કે એ સૈનિકોથી ભરેલો રહેતો હતો. તેથી અમે નાની હોડીમાં સામાન ભરતા હતા અને સામેના કિનારે જઈને એ સામાનને ફરીથી ઘોડા-ગાડીમાં ભરતા હતા. અમે શહેરમાં પહોંચીને રાત થવાની રાહ જોતા, પછી ઘોડાના પગની ખરી કાઢી નાખતા અને ચુપચાપ મંડળ માટેના ખોરાકના કોઠારે લઈ જતા હતા. ત્યાંથી ગરીબ ભાઈબહેનોને ખોરાકની વહેંચણી કરવામાં આવતી હતી.

જર્મન સૈનિકોને આવા ખોરાકના કોઠારની ખબર પડે તો તેઓ એ રાખનારને જીવતો પણ રહેવા ન દે. તોપણ, ઘણા ભાઈઓ આ કામમાં સ્વયંસેવક તરીકે મદદ કરતા હતા. દાખલા તરીકે, આમર્સફોટ નગરમાં જર્મન સૈનિકોના કિલ્લાથી થોડા જ અંતરે બ્લુમીક કુટુંબનું ઘર હતું, છતાં પણ તેઓ પોતાના એક રૂમનો ખોરાકના કોઠાર તરીકે ઉપયોગ કરતા હતા. આમ, હિંમતવાળા સાક્ષીઓ પોતાનાં ભાઈઓ માટે જીવનું જોખમ પણ ઉઠાવતા હતા.

યહોવાહે મને અને મારી પત્નીને પ્રતિબંધ હેઠળ વિશ્વાસુ રહેવા મદદ કરી. મે ૧૯૪૫માં જર્મન સૈનિકો હારી ગયા ત્યારે મારું ભાગદોડનું જીવન પૂરું થઈ ગયું. બીજા ભાઈઓ ન આવે ત્યાં સુધી સંસ્થાએ મને પ્રવાસી નિરીક્ષક તરીકે સેવા ચાલું રાખવાનું કહ્યું. વર્ષ ૧૯૪૭માં ભાઈ બરટસ ફાન ડર બેલે મારું કામ ઉપાડી લીધું. * એ સમય દરમિયાન અમારું ત્રીજું બાળક થયું અને અમે દેશના પૂર્વીય ભાગમાં રહેવા ગયા.

દુઃખ અને આનંદ

યુદ્ધ પછી મેં સાંભળ્યું કે નેધરલૅન્ડ જવા માટે મેં ઘર છોડ્યું એના એક વર્ષ પછી પપ્પાને જેલમાં પૂરવામાં આવ્યા હતા. તેમનું સ્વાસ્થ્ય સારું ન હોવાથી બે વખત છોડવામાં આવ્યા, પરંતુ પછી ફરીથી તેમને જેલમાં પૂરવામાં આવ્યા. ફેબ્રુઆરી ૧૯૩૮માં તેમને બૂકનવોલ્ડ અને પછી ડાકાનમાં મજૂર છાવણીમાં મોકલવામાં આવ્યા. પપ્પા ત્યાં જ મે ૧૪, ૧૯૪૨માં ગુજરી ગયા. તે મરણ સુધી વિશ્વાસુ અને વફાદાર રહ્યા હતા.

મમ્મીને પણ ડચ છાવણીમાં મોકલવામાં આવી હતી જ્યાંથી તેને ૧૯૪૫માં છોડવામાં આવી. મારા માબાપના સારા ઉદાહરણને લીધે મેં આત્મિક આશીર્વાદનો આનંદ માણ્યો. મમ્મી અમારી સાથે ૧૯૫૪માં રહેવા આવી એ પણ એક લહાવો હતો. વર્ષ ૧૯૪૫થી પૂર્વ જર્મનીમાં પાયોનિયર કાર્ય કરતી મારી બહેન મારગારેટા પણ મમ્મી સાથે આવી. મમ્મી બીમાર હતી અને ડચ બોલી શકતી ન હતી છતાં, તે મરણ સુધી સેવાકાર્યમાં સહભાગી થઈ હતી. તેનું પાર્થિવ જીવન ઑક્ટોબર ૧૯૫૭માં પૂરું થયું.

વર્ષ ૧૯૫૫માં ન્યુરમર્ગ, જર્મનીનું મહાસંમેલન ખાસ સાબિત થયું. અમે ત્યાં ગયા પછી ડ્રેસડેનના ભાઈઓએ ઍરીકાને કહ્યું કે તેની મમ્મી પણ મહાસંમેલનમાં આવી છે. ડ્રેસડેન પૂર્વ જર્મન સરકારના તાબામાં હોવાથી ઍરીકા તેની મમ્મીને ૨૧ વર્ષ સુધી મળી શકી ન હતી. આખરે તેઓ બંને એકબીજાને ફરીથી મળ્યા, એ કેવા આનંદનો સમય હતો!

આ સમય સુધીમાં અમારા કુટુંબમાં આઠ બાળકોનો વધારો થયો. પરંતુ દુઃખદપણે એક બાળક અમે અકસ્માતમાં ગુમાવ્યું. તેમ છતાં, બાકીના બધા જ બાળકો યહોવાહની સેવા કરે છે એ જોવું ખરેખર આનંદભર્યું છે. અમારો દીકરો વેલ્ફગેન અને તેની પત્ની સરકીટ કાર્યમાં કામ કરે છે અને તેમના બાળકો પણ સરકીટ નિરીક્ષક તરીકે સેવા આપે છે, એ જોઈને અમે ખૂબ ખુશ છીએ.

નેધરલૅન્ડમાં યહોવાહના કાર્યમાં થતી પ્રગતિ જોઈને હું ઘણો આભારી છું. મેં અહીંયા ૧૯૩૩માં પાયોનિયર કાર્ય શરૂ કર્યું ત્યારે લગભગ ૧૦૦ સાક્ષીઓ હતા. આજે ત્યાં ૩૦,૦૦૦ કરતાં પણ વધારે સાક્ષીઓ છે. હવે અમે વૃદ્ધ થયા છીએ છતાં, મેં અને ઍરીકાએ એ ગીતના શબ્દો પ્રમાણે જીવવાનો નિર્ણય કર્યો છે કે “અમારો વિશ્વાસ ડગમગશે નહિ.”

[ફુટનોટ્‌સ]

^ ગીત ૧૯૪—સોન્ગ્‌સ ઑફ પ્રેઈઝ ટુ જેહોવાહ (૧૯૨૮).

^ કોપીટ્‌સ નગર જે અત્યારે પરૅના કહેવાય છે એ એલ્બ નદી આગળ જોવા મળે છે અને ડ્રેશડેન શહેરથી ૧૮ કિલોમીટર દૂર આવેલું છે.

^ જાન્યુઆરી ૧, ૧૯૯૮ના ચોકીબુરજમાં ભાઈ ફાન ડર બેલનો અનુભવ “સત્ય જેવું ઉત્તમ કંઈ જ નથી” જુઓ.

[પાન ૨૩ પર ચિત્ર]

સેવાકાર્ય પછીના થોડા સમય દરમિયાન “યુજન્ટગૃપે” સાથે

[પાન ૨૪ પર ચિત્ર]

સાથી પાયોનિયર સાથે મેં સ્નાઈફલનો વિસ્તાર આવર્યો એ વખતે હું ૨૦ વર્ષનો હતો

[પાન ૨૫ પર ચિત્ર]

ઍરીકા અને વેલ્ફગેન સાથે ૧૯૪૦માં

[પાન ૨૬ પર ચિત્ર]

ડાબેથી જમણે: મારો પૌત્ર જોનાથાન અને તેની પત્ની મીરજામ; ઍરીકા, હું, મારો દિકરો વેલ્ફગેન અને તેની પત્ની જુલિયા

[પાન ૨૬ પર ચિત્ર]

પપ્પા જેલમાં હતા ત્યારે તેમની સાથેના એક ભાઈએ ૧૯૪૧માં પપ્પાનો લીધેલો ફોટો