સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઉદારતાથી આપવું આનંદ લાવે છે

ઉદારતાથી આપવું આનંદ લાવે છે

ઉદારતાથી આપવું આનંદ લાવે છે

એ ક પ્રેમાળ ખ્રિસ્તી નિરીક્ષક તરીકે પ્રેષિત પાઊલ પોતાના સાથી વિશ્વાસીઓની ઘણી કાળજી રાખતા હતા. (૨ કોરીંથી ૧૧:૨૮) તેથી, તેમણે ૫૦ના દાયકામાં યહુદાહમાં જરૂરિયાતવાળા ખ્રિસ્તીઓ માટે નાણાં એકઠા કરવાની શરૂઆત કરી ત્યારે, તેમણે ઉદારતાથી આપવા વિષેનો મૂલ્યવાન બોધપાઠ શીખવવાની તક ઝડપી લીધી. પાઊલે ભાર મૂક્યો કે આનંદથી આપીને આપણે યહોવાહને માન આપીએ છીએ. “દરેકે પોતાના હૃદયમાં અગાઉથી ઠરાવ્યું છે, તે પ્રમાણે તેણે આપવું; ખેદથી નહિ, કે ફરજિયાત નહિ; કેમકે ખુશીથી આપનારને દેવ ચાહે છે.”—૨ કોરીંથી ૯:૭.

ગરીબ છતાં ઉદાર

પ્રથમ સદીના મોટા ભાગના ખ્રિસ્તીઓ કંઈ ધનવાન ન હતા. પાઊલે કહ્યું કે તેઓ ‘શક્તિમાન’ ન હતા. તેઓ તો જગતના ‘નિર્બળો અને અકુલીનો’ હતા. (૧ કોરીંથી ૧:૨૬-૨૮) દાખલા તરીકે, મકદોનિયામાં રહેતા ખ્રિસ્તીઓ “ભારે દરિદ્રતા” અને “વિપત્તિ”માં જીવન જીવતા હતા. તોપણ, તેઓએ નાણાકીય “સેવા બજાવવા” માટે વિનંતી કરી; અને પાઊલ કહે છે કે તેઓએ પોતાની “શક્તિ ઉપરાંત” આપ્યું.—૨ કોરીંથી ૮:૧-૪.

તોપણ, આપણે કેટલી રકમ આપીએ છીએ એનાથી ઉદારતા મપાતી નથી. પરંતુ આપણે કેવા હૃદય અને ઇચ્છાથી આપીએ છીએ એ મહત્ત્વનું છે. પાઊલે કોરીંથના ખ્રિસ્તીઓને બતાવ્યું કે મન અને હૃદયથી ફાળો આપવામાં આવે છે. તેમણે કહ્યું: “તમારી ઉત્કંઠા હું જાણું છું; એ બાબત હું મકદોનિયાના લોકની આગળ તમારે લીધે અભિમાન કર્યા કરૂં છું, . . . અને તમારી ઉત્કંઠાથી ઘણાને ઉત્તેજન મળ્યું છે.” આમ, તેઓએ ઉદારતાથી આપવાનો ‘પોતાના હૃદયમાં ઠરાવ’ કર્યો.—૨ કોરીંથી ૯:૨,.

‘તેઓએ હોંસથી આપ્યું’

પંદર કરતાં વધારે સદીઓ અગાઉ અરણ્યમાં કઈ રીતે ઉદારતાથી આપવામાં આવ્યું હતું એ બનાવ કદાચ પાઊલના મનમાં હતો. ઈસ્રાએલના બાર કુળો મિસરની ગુલામીમાંથી મુક્ત થયા હતા. તેઓ સિનાઈ પહાડ આગળ હતા ત્યારે યહોવાહે તેઓને ભક્તિ કરવા માટે મંડપ બાંધવાની આજ્ઞા આપી. આમાં ઘણી સામગ્રીની જરૂર હતી અને તેઓને પ્રદાન આપવાનું કહેવામાં આવ્યું.

ઈસ્રાએલીઓએ કેવો પ્રત્યુત્તર આપ્યો? શું તેઓએ ઉદારતાથી અને રાજીખુશીથી આપ્યું? હા, તેઓએ ખૂબ રાજીખુશીથી આપ્યું. શાસ્ત્રવચન બતાવે છે કે “જેઓને હોંસ હતી, અને જેઓના અંતઃકરણમાં આપવાની ઇચ્છા હતી તે સર્વ, . . . યહોવાહને માટે અર્પણ લાવ્યા.” (નિર્ગમન ૩૫:૨૧) પછી મુસાને જણાવવામાં આવ્યું: “જે કામ કરવાની આજ્ઞા યહોવાહે કરી છે તેની સેવાને વાસ્તે જોઇએ એ કરતાં લોકો ઘણું લાવે છે.”—નિર્ગમન ૩૬:૫.

તો પછી એ સમયે ઈસ્રાએલીઓની નાણાકીય પરિસ્થિતિ કેવી હતી? થોડા દિવસો પહેલા તો તેઓ કંગાળ દાસો હતા. તેઓ પર કામનો ભારે “બોજ” નાખવાને લીધે તેઓનું જીવન “કષ્ટમય” હતું. (નિર્ગમન ૧:૧૧, ૧૪; ૩:૭; ૫:૧૦-૧૮) દેખીતી રીતે, તેઓ ભૌતિક રીતે સમૃદ્ધ ન હતા. ઈસ્રાએલીઓએ પોતાના ઘેટાંબકરાં તથા ઢોરઢાંક લઈને મિસર દેશ છોડ્યો હતો. (નિર્ગમન ૧૨:૩૨) તેમ છતાં, એ ઢોરઢાંક વધુ ન હતા કારણ કે મિસર છોડ્યાને થોડા જ સમય પછી, તેઓએ ખાવા માટે માંસ કે રોટલી નથી એવી ફરિયાદ કરી.—નિર્ગમન ૧૬:૩.

તો પછી ઈસ્રાએલીઓ મંડપ બાંધવા માટે કીમતી વસ્તુઓ ક્યાંથી લાવ્યા? તેઓ મિસરમાંથી પોતાના માલિકો પાસેથી લાવ્યા હતા. બાઇબલ કહે છે: “ઈસ્રાએલપુત્રોએ . . . મિસરીઓ પાસેથી સોનાના તથા રૂપાના દાગીના તથા વસ્ત્રો માગી લીધાં. . . . તેઓએ માગ્યું તે [મિસરીઓએ] તેમને આપ્યું.” મિસરીઓએ આ બધુ ફારૂનના લીધે નહિ પરંતુ ઈસ્રાએલીઓ પર યહોવાહનો આશીર્વાદ હોવાને કારણે આપ્યું હતું. બાઇબલ કહે છે: “યહોવાહે મિસરીઓની દૃષ્ટિમાં લોકોને કૃપા પમાડી, ને તેથી જે કંઈ તેઓએ માગ્યું તે તેઓએ તેમને આપ્યું.”—નિર્ગમન ૧૨:૩૫, ૩૬.

ઈસ્રાએલીઓએ પેઢીઓથી ગુલામી સહન કરી હતી. હવે તેઓ સ્વતંત્ર અને સમૃદ્ધ થયા હતા. તેઓ પાસે જે છે એમાંથી થોડો ભાગ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે તેઓએ કેવું અનુભવ્યું હશે એ વિષે કલ્પના કરો. તેઓ એમ વિચારી શક્યા હોત કે અમે જે કંઈ કમાયા, એને અમારી પાસે રાખવાનો હક્ક છે. તેમ છતાં, શુદ્ધ ઉપાસના માટે તેઓને નાણાકીય રીતે મદદ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેઓએ જે કંઈ આપ્યું એ આનંદથી અને સ્વેચ્છાથી આપ્યું હતું! તેઓ જાણતા હતા કે યહોવાહના આશીર્વાદના કારણે તેમની પાસે એ ભૌતિક બાબતો હતી. તેથી, તેઓએ ભરપૂરપણે પોતાનું સોનું, ચાંદી અને ઘેટાંબકરાં આપ્યા. તેઓએ ‘અંતઃકરણથી’ આપ્યું. ખરેખર તેઓ “રાજીખુશીથી યહોવાહને સારૂ અર્પણ લાવ્યા.”—નિર્ગમન ૨૫:૧-૯; ૩૫:૪-૯, ૨૦-૨૯; ૩૬:૩-૭.

ઇચ્છાથી આપવું

વધારે દાન આપવાથી કંઈ દાન આપનારની ઉદારતા જોવા મળતી નથી. ઉદાહરણ તરીકે, એક વખત ઈસુ ખ્રિસ્તે લોકોને ધર્મભંડારમાં દાન નાખતા જોયા. શ્રીમંતોએ ઘણું દાન કર્યું હતું પરંતુ એક દરિદ્રી વિધવાને ફક્ત બે દમડી નાખતા જોઈને ઈસુ પ્રભાવિત થયા. તેમણે કહ્યું: “આ દરિદ્રી વિધવાએ એ સઘળાઓ કરતાં વધારે નાખ્યું છે; . . . પોતાની તંગીમાંથી [તેણે] પોતાની જે ઉપજીવિકા હતી તે બધી નાખી દીધી.”—લુક ૨૧:૧-૪; માર્ક ૧૨:૪૧-૪૪.

પાઊલે કોરીંથીઓને આપેલી સલાહ ઈસુ ખ્રિસ્તના આ વિચારોની સુમેળમાં હતી. જરૂરિયાતવાળા સાથી વિશ્વાસીઓને મદદ કરવા દાન આપવાનું હતું ત્યારે પાઊલે કહ્યું: “જો ઇચ્છા હોય, તો તે કોઈની પાસે જે નથી તે પ્રમાણે નહિ, પણ જે છે તે પ્રમાણે તે માન્ય છે.” (૨ કોરીંથી ૮:૧૨) હા, પ્રદાન આપવું એ સ્પર્ધા કે સરખામણી કરવાની બાબત નથી. એ તો વ્યક્તિ પોતાની ક્ષમતા પ્રમાણે આપતી હોય છે. અને ઉદારતાથી આપનારને યહોવાહ પરમેશ્વર ચાહે છે.

તેમ છતાં, કોઈ પણ વ્યક્તિ યહોવાહ જેટલી સમૃદ્ધ નથી કેમ કે સઘળી વસ્તુઓ તેમની છે. પ્રદાન કરવું એક લહાવો છે કે જે આપણને તેમના પ્રત્યે પ્રેમ બતાવવાની તક આપે છે. (૧ કાળવૃત્તાંત ૨૯:૧૪-૧૭) બીજાઓને બતાવવા કે સ્વાર્થી વૃત્તિથી પ્રદાન આપવું જોઈએ નહિ. પરંતુ યોગ્ય વલણથી સાચી ભક્તિ માટે પ્રદાન આપવામાં આવે તો એ આનંદ અને પરમેશ્વરનો આશીર્વાદ લાવે છે. (માત્થી ૬:૧-૪) ઈસુએ કહ્યું: “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) આપણે યહોવાહની સેવામાં પોતાનું સામર્થ્ય આપીને અને સાચી ભક્તિને ટેકો આપવા આપણી ભૌતિક સંપત્તિમાંથી કંઈક આપીને તથા જરૂરિયાતવાળી વ્યક્તિને મદદ કરીને એ સુખનો આનંદ માણી શકીએ છીએ.—૧ કોરીંથી ૧૬:૧, ૨.

ઉદારતાથી આપવા તૈયાર રહેવું

આખા જગતમાં “રાજ્યની આ સુવાર્તા”નો પ્રચાર થતો જોઈને આજે યહોવાહના સાક્ષીઓ રોમાંચ અનુભવે છે. (માત્થી ૨૪:૧૪) વીસમી સદીમાં, ૩૦,૦૦,૦૦૦ કરતાં પણ વધારે લોકોએ બાપ્તિસ્મા દ્વારા યહોવાહ પરમેશ્વરને પોતાનું સમર્પણ કર્યું અને કંઈક ૩૦,૦૦૦ નવા મંડળો સ્થાપવામાં આવ્યાં. આજે યહોવાહના સાક્ષીઓના એ મંડળોનો એક તૃત્યાંસ ભાગ છેલ્લા દસ વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો છે! આ વધારાનું મુખ્ય કારણ, યહોવાહના સાક્ષીઓની સખત મહેનત છે કે જેઓ પોતાના પડોશીઓની મુલાકાત લઈને યહોવાહ પરમેશ્વરનો હેતુ જણાવવા પોતાનો સમય અને શક્તિ આપે છે. વધારો થવાનું બીજું કારણ મિશનરિઓ છે કે જેઓ પોતાના ઘરો છોડીને દૂર દેશો સુધી મુસાફરી કરીને તેઓને રાજ્ય પ્રચારકાર્યમાં મદદ કરે છે. આ વધારાથી નવી સરકીટો બનાવવામાં આવી છે જેને કારણે નવા સરકીટ નિરીક્ષકોને નિયુક્ત કરવાની જરૂર પડી છે. વધુમાં, પ્રચાર અને બાઇબલ અભ્યાસ કરવા માટે વધારે બાઇબલોની માંગ ઊભી થઈ છે. તેમ જ વધારે સાહિત્યો છાપવાની પણ જરૂર પડી છે. આ જરૂરિયાતોને પહોંચી વળવા ઘણા દેશોની શાખા કચેરીઓને વિસ્તારવામાં આવી છે. અને આ વધારાને પહોંચી વળવું એ યહોવાહના લોકોના સ્વૈચ્છિક પ્રદાનોને લીધે શક્ય બન્યું છે.

રાજ્યગૃહોની જરૂરિયાત

યહોવાહના સાક્ષીઓની વધતી સંખ્યાને લીધે રાજ્યગૃહોની ઘણી જરૂર પડી છે. વર્ષ ૨૦૦૦ની શરૂઆતમાં કરવામાં આવેલું સર્વેક્ષણ બતાવે છે કે વિકાસશીલ દેશોમાં ૧૧,૦૦૦ કરતાં વધારે રાજ્યગૃહોની જરૂર છે. અંગોલા દેશનો વિચાર કરો. આ દેશમાં આંતરવિગ્રહ હોવા છતાં, રાજ્ય પ્રકાશકોની સંખ્યામાં વાર્ષિક દસ ટકાનો વધારો જોવા મળે છે. તેમ છતાં, આફ્રિકાના આ અંગોલા દેશમાં ૬૭૫ મંડળો છે, એમાંના મોટા ભાગના મંડળો ખુલ્લી જગ્યાઓમાં સભાઓ ભરે છે. ત્યાં ફક્ત ૨૨ રાજ્યગૃહો છે અને એમાંથી ફક્ત ૧૨ને છાપરું છે.

આવી જ પરિસ્થિતિ કૉંગોના લોકશાહી પ્રજાસત્તાકમાં છે. એના પાટનગર કિન્શાસામાં લગભગ ૩૦૦મંડળો હોવા છતાં ત્યાં ફક્ત દસ રાજ્યગૃહો છે. આ દેશમાં તાત્કાલિક ૧,૫૦૦ કરતાં વધારે રાજ્યગૃહોની જરૂર છે. પૂર્વીય યુરોપના દેશોમાં ઝડપી વૃદ્ધિ થતી હોવાથી રશિયા અને યુક્રેઈનમાં પણ હજારો રાજ્યગૃહોની જરૂર છે. લૅટિન અમેરિકાના બ્રાઝિલમાં ઝડપી વધારો થયો છે જ્યાં પાંચ લાખ કરતાં વધારે સાક્ષીઓ છે, અને ત્યાં પણ વધારે રાજ્યગૃહોની જરૂર છે.

આવા દેશોની જરૂરિયાતોને પહોંચી વળવા યહોવાહના સાક્ષીઓની રાજ્યગૃહ બાંધકામ સમિતિ કામ કરી રહી છે. આ કાર્યક્રમ દુનિયાભરના ભાઈબહેનોના ઉદાર પ્રદાનથી ચાલે છે જેથી એકદમ ગરીબ મંડળ પાસે પણ ભક્તિ કરવાનું યોગ્ય સ્થળ હોય.

પ્રાચીન ઈસ્રાએલની જેમ, આજે પણ નિખાલસ ખ્રિસ્તીઓએ ‘યહોવાહનું સન્માન પોતાના દ્રવ્યથી’ કરીને જરૂરિયાતોને પહોંચી વળવાનું શક્ય બનાવ્યું છે. (નીતિવચન ૩:૯, ૧૦) હૃદયથી સ્વૈચ્છિક પ્રદાન આપનારાઓનો યહોવાહના સાક્ષીઓનું નિયામક જૂથ ઘણો આભાર માને છે. અને આપણે ખાતરી રાખી શકીએ કે યહોવાહનો આત્મા પોતાનાં લોકોને રાજ્ય કામમાં વધારો કરવા ટેકો આપશે.

દુનિયાભરના વિસ્તરણ કાર્યમાં આપણે સ્વેચ્છાથી પોતાનો સમય, શક્તિ અને સંપત્તિને આપીએ. અને આપણે ખરેખર આનંદનો અનુભવ કરી શકીશું.

[પાન ૨૯ પર બોક્સ]

“યોગ્ય ઉપયોગ કરો!”

“હું દસ વર્ષની છું. હું તમને આ પૈસા મોકલું છું જેથી તમે પુસ્તકો બનાવવા કાગળ અથવા કંઈ પણ ખરીદી શકો.”—સીન્ડી.

“અમારા માટે વધારે પુસ્તકો બનાવવા આ પૈસા મોકલાવું છું. મેં પપ્પાને મદદ કરીને એ પૈસા બચાવ્યા છે. તેથી એનો યોગ્ય ઉપયોગ કરજો!—પામ, સાત વર્ષ.

“હરિકેન વાવાઝોડા વિષે જાણીને મને ઘણું દુઃખ થયું. હું આશા રાખું છું કે તમે સલામત હશો. હું મારા ગલ્લામાંથી આ બધા જ પૈસા [બે ડૉલર] આપું છું.”—એલીસન, ચાર વર્ષ.

મારું નામ રુડી છે અને હું અગિયાર વર્ષની છું. મારો ભાઈ રાલ્ફ છ વર્ષનો છે. અને મારી નાની બહેન જુડી અઢી વર્ષની છે. યુદ્ધગ્રસ્ત વિસ્તારના ભાઈઓને મદદ કરવા અમે ત્રણ મહિનાથી પૈસા બચાવીએ છીએ. અમે ૨૦ ડૉલર બચાવી શક્યા જે તમને મોકલીએ છીએ.

“મને [હરિકેન વાવાઝોડાંથી અસર પામેલા] ભાઈઓ વિષે જાણીને ઘણું દુઃખ થયું. મેં મારા પપ્પા સાથે કામ કરીને ૧૭ ડૉલર બચાવ્યા છે. હું કોઈ ખાસ કાર્ય માટે આ પૈસા મોકલતી નથી, તેથી એનો જરૂર હોય ત્યાં ઉપયોગ કરી શકો.”—મૅકલેન, આઠ વર્ષ.