સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પરમેશ્વરની નજરે નૈતિક શુદ્ધતા

પરમેશ્વરની નજરે નૈતિક શુદ્ધતા

પરમેશ્વરની નજરે નૈતિક શુદ્ધતા

“હું યહોવાહ તારો દેવ છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું.”—યશાયાહ ૪૮:૧૭.

૧, ૨. (ક) જાતીય નૈતિકતા વિષે લોકો શું માને છે? (ખ) જાતીય નૈતિકતા વિષે યહોવાહના ભક્તો શું માને છે?

 આજે ઘણી જગ્યાએ નૈતિક શુદ્ધતા વ્યક્તિગત બાબત બની ગઈ છે. લોકો માને છે કે પોતે ઇચ્છે તેની સાથે જાતીય સંબંધ બાંધી શકે. વળી, તેઓને જરા પણ એમ લાગતું નથી કે, એ સંબંધ પરણેલા લોકો વચ્ચે જ હોવો જોઈએ. તેઓ માને છે કે કોઈને નુકસાન થતું ન હોય તો, મન ફાવે એમ કરવામાં શું વાંધો છે? તેઓને લાગે છે કે, નૈતિકતા વિષે, ખાસ કરીને જાતીય સંબંધો વિષે દરેક પોતાની મરજી પ્રમાણે વર્તે, એમાં કંઈ ખોટું નથી.

પરંતુ, યહોવાહ પરમેશ્વરના ભક્તો એવું માનતા નથી. તેઓ ખુશીથી પવિત્ર શાસ્ત્રનું માર્ગદર્શન અનુસરે છે, કેમ કે તેઓ યહોવાહને ચાહે છે, અને તેમને ખુશ કરવા માગે છે. તેઓ જાણે છે કે યહોવાહ તેઓને ખૂબ ચાહે છે અને તેઓના ભલા માટે માર્ગદર્શન આપે છે, જે તેઓને ખરેખર લાભ કરશે અને સુખી બનાવશે. (યશાયાહ ૪૮:૧૭) યહોવાહ જીવન આપનાર હોવાથી, આપણાં શરીરનો કઈ રીતે ઉપયોગ કરીએ, એ વિષે તેમની પાસેથી માર્ગદર્શન મેળવવું જરૂરી છે. ખાસ કરીને જાતીય સંબંધો વિષે, જેનાથી એક નવું જીવન શરૂ થઈ શકે.

પ્રેમાળ પરમેશ્વર યહોવાહ પાસેથી ભેટ

૩. જાતીય સંબંધો વિષે ચર્ચના લોકોનું શિક્ષણ શું છે, અને બાઇબલ એ વિષે શું શીખવે છે?

જગતથી વિરુદ્ધ ચર્ચના કેટલાક લોકોએ શીખવ્યું છે કે, જાતીય સંબંધો શરમજનક અને પાપ છે. તેઓ મુજબ, એદન બાગમાંનું “અસલ પાપ” તો હવાએ આદમ સાથે જાતીય સંબંધ બાંધ્યો એ જ હતું. પરંતુ, આવી માન્યતા બાઇબલની તદ્દન વિરુદ્ધ છે. બાઇબલ પ્રથમ માનવ યુગલને ‘માણસ તથા તેની વહુ’ કહે છે. (ઉત્પત્તિ ૨:૨૫) તેમ જ, પરમેશ્વરે તેઓને આમ કહીને બાળકોને જન્મ આપવાનું કહ્યું: “સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો.” (ઉત્પત્તિ ૧:૨૮) ખરેખર, પ્રેમાળ પરમેશ્વર યહોવાહ કદી એમ ના કરે કે, પહેલા આદમ અને હવાને બાળકોને જન્મ આપવાનું કહે અને તેઓ એ આજ્ઞા પાળે ત્યારે સજા કરે.—ગીતશાસ્ત્ર ૧૯:૮.

૪. શા માટે પરમેશ્વરે મનુષ્યોને જાતીય સંબંધની ભેટ આપી?

આપણા પ્રથમ માબાપને પરમેશ્વરે જે આજ્ઞા આપી હતી, એ જ આજ્ઞા પછીથી નુહ અને તેમના પુત્રોને પણ આપવામાં આવી. જાતીય સંબંધોનો મુખ્ય હેતુ બાળકોને જન્મ આપવાનો હતો. (ઉત્પત્તિ ૯:૧) તોપણ, બાઇબલ બતાવે છે કે પરમેશ્વરે આ પરિણીત સેવકોને ફક્ત બાળકો માટે જ જાતીય સંબંધ રાખવાનું કહ્યું ન હતું. પરંતુ, પરિણીત યુગલ જાતીય સંબંધથી એકબીજાની લાગણીમય અને શારીરિક જરૂરિયાત સંતોષે છે અને એનો આનંદ માણી શકે છે. એનાથી તેઓ એકબીજા પ્રત્યેનો ઊંડો પ્રેમ બતાવે છે.—ઉત્પત્તિ ૨૬:૮, ૯; નીતિવચન ૫:૧૮, ૧૯; ૧ કોરીંથી ૭:૩-૫.

પરમેશ્વરે મૂકેલી મર્યાદા

૫. મનુષ્યોના જાતીય સંબંધો પર પરમેશ્વરે કઈ મર્યાદા મૂકી છે?

એ ખરું છે કે, જાતીય સંબંધ પરમેશ્વરે આપેલી ભેટ છે, પણ એનો અર્થ એ નથી કે એને કોઈ મર્યાદા નથી. આ સિદ્ધાંત પરિણીત લોકોને પણ લાગુ પડે છે. (એફેસી ૫:૨૮-૩૦; ૧ પીતર ૩:૧,) લગ્‍ન થયા ન હોય તો, જાતીય સંબંધ બાંધવો એ પાપ છે. આ બાબતે બાઇબલ એકદમ સ્પષ્ટ છે. પરમેશ્વરે ઈસ્રાએલ રાષ્ટ્રને આપેલા નિયમોમાંનો એક હતો: “તું વ્યભિચાર ન કર.” (નિર્ગમન ૨૦:૧૪) પછી, ઈસુએ “છિનાળાં” અને ‘વ્યભિચારને’ એવા ‘ભૂંડા વિચારોમાં’ ઉમેર્યાં, જે હૃદયમાંથી શરૂ થાય છે અને વ્યક્તિને અશુદ્ધ કરે છે. (માર્ક ૭:૨૧, ૨૨) પરમેશ્વરે પ્રેષિત પાઊલને કોરીંથના ભાઈઓને ચેતવણી આપવા પ્રેરણા આપી: “વ્યભિચારથી નાસો.” (૧ કોરીંથી ૬:૧૮) હેબ્રીઓને લખેલા પત્રમાં પાઊલે લખ્યું: “સર્વમાં લગ્‍ન માનયોગ્ય ગણાય, અને બિછાનું નિર્મળ રહે; કેમકે દેવ લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.”—હેબ્રી ૧૩:૪.

૬. બાઇબલમાં “વ્યભિચાર” શબ્દનો અર્થ શું થાય છે?

“વ્યભિચાર” શબ્દનો અર્થ શું થાય છે? એ ગ્રીક શબ્દ પોરનીયા પરથી આવે છે, જે કેટલીક વખત લગ્‍ન કર્યા વિના બાંધવામાં આવતા જાતીય સંબંધોને દર્શાવે છે. (૧ કોરીંથી ૬:૯) બીજા કિસ્સામાં, જેમ કે માત્થી ૫:૩૨ અને ૧૯:૯માં આ શબ્દનો અર્થ એથી વધારે છે. એ પરિણીતોનો વ્યભિચાર, નજીકનાં સગાં સાથે જાતીય સંબંધ અને પશુ સાથેના કુકર્મને દર્શાવે છે. પરણેલા ન હોય એવા લોકો વચ્ચેના જાતીય સંબંધો, મુખમૈથુન કે ગુદા માર્ગ દ્વારા, અને બીજી વ્યક્તિના ગુપ્ત અંગોને પંપાળવાને પણ પોરનીયા કહી શકાય. બાઇબલમાં એવાં બધાં જ આચરણોની આકરી ટીકા કરવામાં આવી છે, અને એને દોષિત ઠરાવાયા છે.—લેવીય ૨૦:૧૦, ૧૩, ૧૫, ૧૬; રૂમી ૧:૨૪, ૨૬, ૨૭, ૩૨. *

પરમેશ્વરના નિયમોથી લાભ

૭. નૈતિક રીતે શુદ્ધ રહેવાથી આપણને કયા લાભ થાય છે?

જાતીય સંબંધો વિષે યહોવાહના માર્ગદર્શન પ્રમાણે જીવવું અપૂર્ણ લોકોને મુશ્કેલ લાગી શકે. બારમી સદીના પ્રખ્યાત યહુદી ફિલસૂફ માઈમોનિદસે લખ્યું: “તોરાહ [મુસાના નિયમો]માં નજીકના સગાં સાથે કે ગેરકાયદેસર જાતીય સંબંધો બાંધવાની મનાઈ છે. એ આજ્ઞા પાળવી જેટલી મુશ્કેલ છે, એટલી બીજી કોઈ નથી.” પરંતુ પરમેશ્વરની સલાહ માનીશું તો, આપણને જ લાભ થશે. (યશાયાહ ૪૮:૧૮) દાખલા તરીકે, આ સલાહ પાળીશું તો, જાતીય સંબંધોથી ફેલાતા ચેપી રોગોથી આપણું રક્ષણ થશે, જેમાંના અમુક રોગોનો તો કોઈ જ ઇલાજ નથી, અને મોત નક્કી છે. * વળી, લગ્‍ન વિના બાળકો પેદા થવાથી આવતી મુશ્કેલીઓથી પણ એ રક્ષણ આપે છે. આમ, પરમેશ્વર યહોવાહના ડહાપણ પ્રમાણે જીવવાથી અંતઃકરણ પણ શુદ્ધ રહે છે. તેમ જ, એનાથી આપણું સ્વમાન વધે છે, અને સગાસંબંધીઓ, પતિ કે પત્ની, બાળકો તથા આપણા ભાઈ-બહેનો પણ આપણને માનથી જોશે. એટલું જ નહિ, પણ એનાથી આપણે જાતીય સંબંધને એક ભેટ તરીકે જોઈશું, અને એ આપણું લગ્‍નજીવન સુખી બનાવશે. આપણી એક બહેને લખ્યું: “બાઇબલનું સત્ય સૌથી સારું રક્ષણ છે. મારા લગ્‍ન થાય, એની હું રાહ જોઉં છું. હું જેની સાથે લગ્‍ન કરીશ તેને આમ કહેતા મને ગર્વ થશે કે, હું ખરેખર કુંવારી છું.”

૮. આપણી નૈતિક શુદ્ધતા લોકોને કઈ રીતે સાચી ભક્તિ તરફ આકર્ષી શકે?

નૈતિક રીતે શુદ્ધ રહેવાથી આપણે સાચી ભક્તિને લગતા ખોટા આરોપોનો સામનો કરી શકીએ, અને લોકોને પરમેશ્વર યહોવાહની ભક્તિ કરવા આકર્ષી શકીએ છીએ. પ્રેષિત પીતરે લખ્યું: “વિદેશી લોકોમાં તમે તમારાં આચરણ સારાં રાખો; જેથી તેઓ તમને દુષ્ટ સમજીને તમારી વિરૂદ્ધ બોલે ત્યારે તેઓ તમારાં રૂડાં કામ જોઈને ન્યાયકરણને દિવસે દેવની સ્તુતિ કરે.” (૧ પીતર ૨:૧૨) અરે, લોકો ભલેને આપણી નૈતિક શુદ્ધતાની કોઈ કદર ન કરે, છતાં આપણને ખાતરી છે કે યહોવાહ તેમની દોરવણી પ્રમાણે ચાલવાના આપણા પ્રયત્નો જુએ છે, માન્ય કરે છે અને એનાથી ખુશ થાય છે.—નીતિવચન ૨૭:૧૧; હેબ્રી ૪:૧૩.

૯. બધું સમજતા ન હોઈએ છતાં, શા માટે આપણે પરમેશ્વરના માર્ગદર્શનમાં ભરોસો રાખવો જોઈએ? ઉદાહરણ આપો.

આપણે યહોવાહમાં પૂરો વિશ્વાસ રાખીએ. આપણે એવો ભરોસો રાખીએ કે આપણું ભલું શામાં છે એ તે જ જાણે છે, ભલેને આપણે એ પૂરેપૂરું ન સમજીએ. મુસાના નિયમોમાંથી એક ઉદાહરણનો વિચાર કરો. સૈનિકોની છાવણી સંબંધી એક નિયમ એવો હતો કે, મળને છાવણીની બહાર દાટી દેવો. (પુનર્નિયમ ૨૩:૧૩, ૧૪) ઈસ્રાએલીઓને એ વિષે નવાઈ લાગી હોય શકે; કેટલાકને એ બિનજરૂરી લાગ્યું હશે. જોકે એ સમયથી અત્યાર સુધીમાં તબીબી વિજ્ઞાનને જાણ થઈ છે કે, આ નિયમને કારણે પાણીમાં કોઈ બગાડ થયો ન હતો. તેમ જ, જંતુઓથી ફેલાતા રોગો સામે પણ રક્ષણ મળ્યું. એ જ રીતે, યહોવાહ પરમેશ્વરે જાતીય સંબંધોનો આનંદ લગ્‍નજીવનમાં જ માણવાની મર્યાદા મૂકી છે. એની પાછળ પણ અનેક કારણો છે, જે આપણી ભક્તિ, લાગણી, મન, શરીર અને સમાજને અસર કરે છે. ચાલો, હવે આપણે બાઇબલમાંથી અમુક લોકો વિષે જોઈએ, જેઓ નૈતિક રીતે શુદ્ધ રહ્યા હતા.

યુસફ—નૈતિક શુદ્ધતા માટે આશીર્વાદિત

૧૦. કોણે યુસફને જાતીય અનૈતિકતામાં ફસાવવાનો પ્રયત્ન કર્યો, અને તેણે શું કહ્યું?

૧૦ યાકૂબના પુત્ર યુસફ વિષે તો તમે જાણતા જ હશો. સત્તર વર્ષની ઉંમરે તે મિસરના ફારુનની રક્ષક ટુકડીના સરદાર પોટીફારનો ગુલામ બન્યો. યહોવાહે યુસફને આશીર્વાદ આપ્યો, અને સમય જતાં તેને પોટીફારના ઘરનો કારભારી બનાવવામાં આવ્યો. વીસ વર્ષની ઉંમરે તો યુસફ ઘણો “સુંદર તથા રૂપાળો” દેખાતો હતો. પોટીફારની પત્નીની નજર તેના પર હતી, અને તે યુસફને પોતાની જાળમાં ફસાવવા માગતી હતી. પરંતુ યુસફે સાફ સાફ જણાવી દીધું કે, એમ કરવાથી તે ફક્ત પોતાના માલિકને દગો દેશે, એટલું જ નહિ, પરંતુ “દેવનો અપરાધી” પણ ઠરશે. શા માટે યુસફે એવું કહ્યું?—ઉત્પત્તિ ૩૯:૧-૯.

૧૧, ૧૨. વ્યભિચાર સંબંધી લેખિત નિયમ ન હોવા છતાં શા માટે યુસફે એમ કરવાની ના પાડી?

૧૧ યુસફને કંઈ બીક લાગતી ન હતી કે, તે પકડાઈ જશે તો શું થશે. કેમ કે યુસફનું કુટુંબ તો ઘણે દૂર રહેતું હતું અને તેના પિતા માનતા હતા કે યુસફ મરી ગયો છે. યુસફે એ પાપ કર્યું હોત તોપણ તેના કુટુંબને એની કંઈ જાણ થઈ ન હોત. વળી, પોટીફાર અને તેના નોકરોથી પણ એ પાપ છૂપું રાખી શકાયું હોત, કારણ કે તેઓ હંમેશા ઘરમાં જ રહેતા ન હતા. (ઉત્પત્તિ ૩૯:૧૧) તોપણ, યુસફ જાણતો હતો કે પરમેશ્વરથી કોઈ પાપ છુપાવી શકાતું નથી.

૧૨ યુસફ યહોવાહ વિષે જે જાણતો હતો એના પર જરૂર તેણે વિચાર કર્યો હશે. એદન બાગમાં યહોવાહે જે કહ્યું હતું એ યુસફ જરૂર જાણતો હતો: “એ સારૂ માણસ પોતાનાં માબાપને છોડીને, પોતાની વહુને વળગી રહેશે; અને તેઓ એક દેહ થશે.” (ઉત્પત્તિ ૨:૨૪) વળી, યુસફ એ પણ જાણતો હતો કે તેના પરદાદી સારાહ સાથે એક પલિસ્તી રાજા જાતીય સંબંધ બાંધવા ચાહતો હતો ત્યારે યહોવાહે તેને શું કહ્યું. યહોવાહે તે રાજાને કહ્યું હતું: “જો, જે સ્ત્રી તેં લીધી છે તેને લીધે તું પોતાને મૂએલો જ જાણજે; કેમકે તે પરણેલી છે . . . ને મેં પણ મારી સામે અપરાધ કરવાથી તને અટકાવ્યો; માટે મેં તને તેને અડકવા ન દીધો.” (ઉત્પત્તિ ૨૦:૩,) ખરું કે, યહોવાહે હજુ લેખિત નિયમો આપ્યા ન હતા, તોપણ લગ્‍ન વિષેની યુસફની લાગણી એકદમ સ્પષ્ટ હતી. સારા સંસ્કાર અને યહોવાહને ખુશ કરવાની પોતાની ઇચ્છાને કારણે યુસફ અનૈતિકતાનું પાપ કરવામાંથી બચી ગયો.

૧૩. શા માટે યુસફ પોટીફારની પત્નીથી બચી શકતો ન હતો?

૧૩ પરંતુ, પોટીફારની પત્નીએ તેનો પીછો છોડ્યો નહિ, અને તે “રોજ રોજ” તેને પોતાની સાથે સૂવા વિનંતી કરતી. શું યુસફ એવું કંઈ કરી શકતો ન હતો કે તેની નજરે જ ન ચડે? ના, કારણ કે તે ત્યાં ગુલામ હતો, એટલે તેણે ત્યાં જ કામ કરવું પડતું હતું. ત્યાં થયેલા ખોદકામના પુરાવા જણાવે છે કે મિસરમાં ઘરોની બનાવટ એવી હતી કે ભંડાર સુધી પહોંચવા માટે ઘરના મુખ્ય ભાગમાંથી પસાર થવું પડે. તેથી, યુસફ માટે પોટીફારની પત્નીથી બચવું અશક્ય હતું.—ઉત્પત્તિ ૩૯:૧૦.

૧૪. (ક) પોટીફારની પત્ની પાસેથી નાસી છૂટ્યા પછી યુસફનું શું થયું? (ખ) યુસફની વફાદારી માટે યહોવાહે તેને કેવા આશીર્વાદો આપ્યા?

૧૪ આખરે એક દિવસ એવું થયું કે ઘરમાં તેઓ એકલા જ હતા ત્યારે પોટીફારની પત્ની યુસફ પાસે ગઈ અને તેને આજીજી કરી: ‘મારી સાથે સૂ!’ તરત જ યુસફ ત્યાંથી નાસી છૂટ્યો. આમ, પોટીફારની પત્નીની હાર થતાં તેનું અભિમાન ઘવાયું. તેથી, તેણે બદલો લેવા યુસફ પર આરોપ લગાવ્યો કે તેણે બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. પછી શું બન્યું? શું યહોવાહે તરત જ યુસફને તેની વફાદારી માટે ઇનામ આપ્યું? ના. યુસફને તો બેડીઓ પહેરાવીને કેદમાં નાખવામાં આવ્યો. (ઉત્પત્તિ ૩૯:૧૨-૨૦; ગીતશાસ્ત્ર ૧૦૫:૧૮) યહોવાહે આ અન્યાય જોયો અને છેવટે તેને જેલમાંથી મહેલમાં ઊંચી પદવી અપાવી. મિસરમાં તેને રાજા પછી સૌથી વધારે સત્તા ધરાવતી પદવી મળી, અને પત્ની તથા બાળકોથી તે આશીર્વાદિત થયો. (ઉત્પત્તિ ૪૧:૧૪, ૧૫, ૩૯-૪૫, ૫૦-૫૨) આ ઉપરાંત, પરમેશ્વરના સેવકોને ઉત્તેજન મળે માટે, આજથી લગભગ ૩,૫૦૦ વર્ષ અગાઉ યુસફની વફાદારીનો અહેવાલ લખી લેવામાં આવ્યો. પરમેશ્વરના ન્યાયી નિયમોને વળગી રહેવાના કેવા આશીર્વાદો! આજે આપણને નૈતિક શુદ્ધતા જાળવી રાખવાના લાભો તરત જ દેખાતા ન હોય, પણ આપણે ભરોસો રાખીએ કે યહોવાહ બધું જુએ છે, અને યોગ્ય સમયે જરૂર આશીર્વાદ આપશે.—૨ કાળવૃત્તાંત ૧૬:૯.

અયૂબે ‘પોતાની આંખો સાથે કરાર કર્યો’

૧૫. અયૂબે કઈ રીતે ‘પોતાની આંખો સાથે કરાર કર્યો’ હતો?

૧૫ અયૂબ પણ યહોવાહને વફાદાર રહ્યા હતા. શેતાન તેમના પર પરીક્ષણો લાવ્યો ત્યારે, અયૂબે પોતાના જીવનની ફરીથી તપાસ કરી. તેમણે કહ્યું કે પોતે યહોવાહના કોઈ સિદ્ધાંતનો ભંગ કર્યો હોય, જેમાં જાતીય શુદ્ધતાનો પણ સમાવેશ થાય છે, તો તે આકરી સજા ભોગવવા તૈયાર હતા. અયૂબે કહ્યું: “મેં મારી આંખો સાથે કરાર કર્યો છે; મારે મારિકા પર નજર શા માટે કરવી જોઇએ?” (અયૂબ ૩૧:૧) અયૂબનો કહેવાનો મતલબ એ હતો કે પરમેશ્વરને વફાદાર રહેવા, પોતે સ્ત્રી સામે ખરાબ નજર પણ કરશે નહિ. જો કે, તે દરરોજ સ્ત્રીઓને જોવાના હતા, અને જરૂર હોય એવી સ્ત્રીઓને મદદ પણ કરવાના હતા. પરંતુ, કોઈ સ્ત્રી સામે બદઇરાદાથી ન જોવાનો તેમણે નિર્ણય કર્યો હતો. તેમના પર પરીક્ષણો આવ્યાં પહેલાં, તે ખૂબ જ ધનવાન, ‘પૂર્વના લોકોમાં સૌથી મોટા પુરુષ મનાતા હતા.’ (અયૂબ ૧:૩) છતાં, તેમણે પોતાની સંપત્તિનો ઉપયોગ કોઈ પણ સ્ત્રીઓને આકર્ષવા કર્યો નહિ. તેમ જ, તેમણે યુવાન સ્ત્રીઓ સાથે જાતીય સંબંધો માણવાના સપનાં ક્યારેય જોયા નહિ.

૧૬. (ક) અયૂબે પરિણીત ભાઈ-બહેનો માટે કયો નમૂનો બેસાડ્યો? (ખ) અયૂબ કરતાં, માલાખીના સમયના માણસો કઈ રીતે જુદા હતા, અને આજે શું બની રહ્યું છે?

૧૬ આમ, સુખમાં અને દુઃખમાં અયૂબે નૈતિક રીતે વફાદારી બતાવી. યહોવાહે આ બધું જોયું અને તેમને ખૂબ જ આશીર્વાદ આપ્યો. (અયૂબ ૧:૧૦; ૪૨:૧૨) પરિણીત ભાઈ-બહેનો માટે અયૂબે કેવો સુંદર નમૂનો બેસાડ્યો! એટલે જ યહોવાહને તેમના પર ખૂબ પ્રેમ હતો! પરંતુ, આજે ઘણા લોકો માલાખીના સમયના લોકોની જેમ વર્તે છે. ઈશ્વરભક્ત માલાખીએ ઘણા પતિઓની નિંદા કરી, કારણ કે તેઓએ યુવાન સ્ત્રીઓ માટે પોતાની પત્નીઓ છોડી દીધી હતી. યહોવાહની વેદી ત્યજાયેલી પત્નીઓના આંસુઓથી ઢંકાઈ ગઈ હતી. તેથી, પત્નીઓ સાથે “દગો” કરનારા એ પતિઓને યહોવાહે દોષિત ઠરાવ્યા.—માલાખી ૨:૧૩-૧૬.

નૈતિક રીતે શુદ્ધ સ્ત્રી

૧૭. કઈ રીતે શૂલ્લામી કન્યા “બંધ કરેલી વાડી” જેવી હતી?

૧૭ વફાદારીનું ત્રીજું ઉદાહરણ શૂલ્લામી કન્યા છે. તે યુવાન અને ખૂબ જ સુંદર હતી. ફક્ત ઘેટાંપાળક યુવાન જ તેના પ્રેમમાં ન હતો, પણ ઈસ્રાએલના ધનવાન રાજા સુલેમાન પણ તેના તરફ આકર્ષાયા હતા. ગીતોના ગીતની સુંદર વાર્તામાં શૂલ્લામી કન્યા નૈતિક રીતે પૂરેપૂરી શુદ્ધ રહે છે, અને તેની આસપાસના લોકોનું માન મેળવે છે. સુલેમાન રાજા તેને મનાવવામાં નિષ્ફળ ગયા છતાં, પરમેશ્વરની પ્રેરણાથી તેમણે તેના વિષે લખ્યું. તે જે ઘેટાંપાળક યુવાનના પ્રેમમાં હતી, તેણે પણ તેની નૈતિક શુદ્ધતાને કારણે તેને માન આપ્યું. એક સમયે તેણે શૂલ્લામીને “બંધ કરેલી વાડી” કહી. (ગીતોનું ગીત ૪:૧૨) પ્રાચીન ઈસ્રાએલના સુંદર બગીચા કે વાડીમાં જાતજાતના શાકભાજી, સુગંધિત ફૂલો અને ઊંચાં ઊંચાં વૃક્ષો જોવા મળતાં. આવા બગીચાની આસપાસ કાંટાળી વાડ કે દીવાલ કરવામાં આવતી, જેમાં એક જ દરવાજેથી અંદર જઈ શકાતું અને એને તાળું મારવામાં આવતું. (યશાયાહ ૫:૫) ઘેટાંપાળક યુવાન માટે શૂલ્લામીની નૈતિક શુદ્ધતા અને પ્રેમ એવા બગીચાની સુંદરતા જેવા હતા. તે પૂરેપૂરી શુદ્ધ હતી. તેનો ભરપૂર પ્રેમ ફક્ત તેના ભાવિ પતિ માટે જ હતો.

૧૮. યુસફ, અયૂબ અને શૂલ્લામીના અનુભવો આપણને શું યાદ દેવડાવે છે?

૧૮ શૂલ્લામીએ આજની બહેનો માટે નૈતિક વફાદારીનું સુંદર ઉદાહરણ બેસાડ્યું. યહોવાહ પરમેશ્વરે શૂલ્લામીના સદ્‍ગુણો જોયા, અને એની કદર કરી. તેમણે યુસફ અને અયૂબની જેમ તેને પણ આશીર્વાદ આપ્યો. આજે આપણા લાભને માટે તેઓની વફાદારીના કૃત્યો બાઇબલમાં લખી લેવામાં આવ્યા છે. જોકે આપણી વફાદારીનો અહેવાલ બાઇબલમાં લખી લેવામાં આવતો નથી, પણ યહોવાહની ઇચ્છા પ્રમાણે જીવનારા લોકો માટે તેમની પાસે “યાદીનું પુસ્તક” છે. આપણે કદી ભૂલીએ નહિ કે યહોવાહ “ધ્યાન” આપે છે, અને નૈતિક રીતે શુદ્ધ રહેવા આપણે સખત પ્રયત્ન કરીએ છીએ, એ જોઈને તેમને આનંદ થાય છે.—માલાખી ૩:૧૬.

૧૯. (ક) નૈતિક શુદ્ધતા વિષે આપણું વલણ કેવું હોવું જોઈએ? (ખ) હવે પછીના લેખમાં શાની ચર્ચા થશે?

૧૯ ભલે લોકો હાંસી ઉડાવે, પણ આપણે પ્રેમાળ ઉત્પન્‍નકર્તાને આધીન રહેવામાં જ આનંદ માણીએ. પરમેશ્વરને ગમે, એ રીતે આપણે નૈતિક રીતે શુદ્ધ રહીએ. એ ગર્વ લેવા જેવી વાત છે, અને આપણો અમૂલ્ય ખજાનો છે. નૈતિક રીતે શુદ્ધ રહેવાથી આપણે પરમેશ્વરના આશીર્વાદોનો આનંદ માણી શકીએ, અને અંત વિનાના જીવનની સુંદર આશા રાખી શકીએ છીએ. પરંતુ, પ્રશ્ન એ છે કે, આપણે નૈતિક રીતે શુદ્ધ રહેવા શું કરવાની જરૂર છે? એ મહત્ત્વના પ્રશ્નની ચર્ચા હવે પછીના લેખમાં કરવામાં આવશે.

[ફુટનોટ્‌સ]

^ માર્ચ ૧૫, ૧૯૮૩ના ચોકીબુરજ (અંગ્રેજી)ના પાન ૨૯-૩૧ જુઓ.

^ દુઃખની વાત છે કે યહોવાહના અમુક નિર્દોષ સેવકો, પોતાના અવિશ્વાસુ અને યહોવાહની સલાહ ન માનનારા લગ્‍ન સાથીને કારણે જાતીય સંબંધથી ફેલાતા ચેપી રોગના ભોગ બન્યા છે.

શું તમે સમજાવી શકો?

• જાતીય સંબંધો વિષે બાઇબલ શું શીખવે છે?

• બાઇબલમાં “વ્યભિચાર” શબ્દનો શું અર્થ થાય છે?

• નૈતિક રીતે શુદ્ધ રહેવાથી કયા લાભો થાય છે?

• શા માટે યુસફ, અયૂબ અને શૂલ્લામી આપણા માટે સુંદર ઉદાહરણો છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૯ પર ચિત્ર]

યુસફ વ્યભિચારથી દૂર નાસી છૂટ્યો

[પાન ૧૦ પર ચિત્ર]

શૂલ્લામી “બંધ કરેલી વાડી” જેવી હતી

[પાન ૧૧ પર ચિત્ર]

અયૂબે ‘પોતાની આંખો સાથે કરાર કર્યો’ હતો