સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું બાઇબલ આધારિત સંસ્કાર સૌથી ઉત્તમ છે?

શું બાઇબલ આધારિત સંસ્કાર સૌથી ઉત્તમ છે?

શું બાઇબલ આધારિત સંસ્કાર સૌથી ઉત્તમ છે?

“સ માજને પાયારૂપ મૂલ્યોની જરૂર છે કે જે તેઓને સલામતી અને માર્ગદર્શન આપી શકે.” એ પ્રમાણે એક અનુભવી જર્મન લેખક અને ટેલિવિઝન પ્રસારકે ટીકા આપી. ખરેખર એ વ્યવહારું લાગે છે. માનવ સમાજ સ્થિર અને સમૃદ્ધ બને એ માટે, તેઓને કંઈક માર્ગદર્શનની જરૂર છે જેનાથી તેઓ સર્વ સામાન્ય ધોરણો સમજીને ખરાં-ખોટાંનો તથા સારાં-નરસાંનો ભેદ પારખી શકે. તો પછી પ્રશ્ન એ ઊભો થાય છે કે સમાજ અને એના સભ્યો માટે કયાં ધોરણો ઉત્તમ છે?

બાઇબલમાં આપવામાં આવેલાં નૈતિક મૂલ્યોને લોકો સારા સંસ્કાર તરીકે અપનાવે તો, એણે તેઓને સ્થિર અને સુખી જીવન મેળવવા મદદ કરવી જોઈએ. એનું પાલન કરનારાઓ સુખી અને ઠરેલ બની શકે છે. પરંતુ શું બાબત ખરેખર એમ છે? ચાલો આપણે તપાસીએ કે બે મહત્ત્વની બાબત સંબંધી બાઇબલ શું કહે છે: લગ્‍નમાં વફાદારી અને રોજિંદા જીવનમાં પ્રમાણિકતા.

તમારા લગ્‍ન સાથીને વળગી રહો

આપણા ઉત્પન્‍નકર્તાએ આદમને અને પછી તેની જીવન-સાથી બનવા હવાને ઉત્પન્‍ન કરી. એ ઇતિહાસમાં સૌ પ્રથમ લગ્‍ન બંધન હતું અને એ ટકાઉ સંબંધ હતો. પરમેશ્વરે કહ્યું: “માણસ પોતાનાં માબાપને છોડીને, પોતાની વહુને વળગી રહેશે.” કંઈક ૪,૦૦૦ વર્ષ પછી, ઈસુ ખ્રિસ્તે પોતાના બધા અનુયાયીઓ માટે આ વૈવાહિક ધોરણનું પુનરાવર્તન કર્યું. વધુમાં, તેમણે લગ્‍ન બહારના જાતીય સંબંધોને દોષિત ઠરાવ્યા.—ઉત્પત્તિ ૧:૨૭, ૨૮; ૨:૨૪; માત્થી ૫:૨૭-૩૦; ૧૯:૫.

બાઇબલ અનુસાર, સુખી લગ્‍ન માટેની બે મહત્ત્વની ચાવીઓ છે બંને સાથીઓ એકબીજા પ્રત્યે પ્રેમ અને આદર બતાવે. પતિ ઘરનું શિર છે અને તેમણે પોતાની પત્નીના ભલા માટે નિસ્વાર્થ પ્રેમ બતાવવાની જરૂર છે. તેમણે પત્ની સાથે “સમજણપૂર્વક” રહેવું જોઈએ. અને તેની સાથે “કઠોર” વ્યવહાર કરવો જોઈએ નહિ. પત્નીએ પોતાના પતિને ઊંડુ “માન” આપવાની જરૂર છે. પતિ-પત્ની આ સિદ્ધાંતોને અનુસરશે તો, મોટા ભાગની વૈવાહિક મુશ્કેલીઓને દૂર કરી શકાશે અથવા આંબી શકાશે. એ માટે પતિ અને પત્નીએ એકબીજાને વળગી રહેવાની જરૂર છે.—૧ પીતર ૩:૧-૭; કોલોસી ૩:૧૮, ૧૯; એફેસી ૫:૨૨-૩૩.

શું પોતાના સાથીને વફાદારીપૂર્વક વળગી રહેવાનું બાઇબલનું ધોરણ સુખી લગ્‍નમાં ફાળો આપે છે? જર્મનીમાં કરવામાં આવેલા સર્વેક્ષણનો વિચાર કરો. લોકોને પૂછવામાં આવ્યું કે સારા લગ્‍ન માટે કઈ બાબતો મહત્ત્વની છે. લોકોએ જણાવ્યું કે પરસ્પર વફાદારી સૌથી મહત્ત્વની બાબત છે. શું તમને નથી લાગતું કે પરિણીત લોકોને ખબર પડે કે તેમના સાથી તેમને વફાદાર છે ત્યારે તેઓ વધારે ખુશ હોય છે?

સમસ્યાઓ ઊભી થાય ત્યારે

પતિ અને પત્નીને ગંભીર સમસ્યાઓ હોય તો શું? તેઓનો પ્રેમ ઠંડો પડી જાય તો શું? શું આવા સંજોગોમાં લગ્‍નનો અંત લાવવો યોગ્ય છે? કે શું આવા સમયે પોતાના સાથીને વળગી રહો એ બાઇબલનું ધોરણ હજુ પણ વ્યવહારું છે?

બાઇબલ લેખકોએ બતાવ્યું કે બધાં જ પરિણીત યુગલોને માનવ અપૂર્ણતાને કારણે સમસ્યાઓ તો રહેવાની જ છે. (૧ કોરીંથી ૭:૨૮) છતાં, બાઇબલનાં નૈતિક ધોરણો અનુસરનારાં યુગલો માફી આપવાનો અને ભેગા મળી મુશ્કેલીઓ હલ કરવાનો પ્રયત્ન કરે છે. નિઃશંક, વ્યભિચાર અને શારીરિક અત્યાચાર જેવા સંજોગોમાં એક ખ્રિસ્તી અલગ થવા કે છૂટાછેડા લેવાનો નિર્ણય લે એ યોગ્ય હોય શકે. (માત્થી ૫:૩૨; ૧૯:૯) પરંતુ કોઈ પણ ગંભીર કારણ વિના અથવા બીજા કોઈ સાથે રહેવા માટે ઉતાવળે લગ્‍નનો અંત લાવવો લગ્‍ન સાથી પ્રત્યે સ્વાર્થી અનાદર બતાવે છે. એનાથી વ્યક્તિના જીવનમાં સ્થિરતા કે સુખ આવતું નથી. ચાલો આપણે એક ઉદાહરણનો વિચાર કરીએ.

પીટરને ખબર પડી કે પોતાના લગ્‍ન જીવનમાં હવે પહેલા જેવો આનંદ રહ્યો નથી. * તેથી, તે પોતાની પત્નીને છોડીને મોનિકા સાથે રહેવા લાગ્યો જે પોતાના પતિને છોડીને આવી હતી. હવે તેનું જીવન કેવું હતું? થોડા જ મહિનાઓ પછી પીટરે જણાવ્યું કે મોનિકા સાથે રહેવું “ખૂબ જ મુશ્કેલ હતું હું વિચારતો હતો એટલું સહેલું ન હતું.” શા માટે? પોતાના જૂના સાથીની જેમ નવા સાથી સાથે પણ એવી જ બાબતો બની. ઉતાવળિયા અને સ્વાર્થી નિર્ણયને કારણે તેઓ આર્થિક ભીષણમાં આવી પડ્યા અને બાબત એકદમ વણસી ગઈ. વધુમાં, મોનિકાનાં બાળકો, પોતાના કૌટુંબિક જીવનમાં ભારેખમ બદલાણ આવવાથી લાગણીમય રીતે કચડાઈ ગયા હતા.

આ અનુભવ બતાવે છે તેમ, ખરાબ હવામાનને કારણે લગ્‍નરૂપી જહાજ હાલમડોલ થવા માંડે ત્યારે દરિયામાં કૂદી પડવાથી કંઈ તોફાન શાંત થઈ જવાનું નથી. બીજી તર્ફે, વૈવાહિક જીવનમાં તોફાનનો સામનો કરતી વખતે, પરમેશ્વરના શબ્દ બાઇબલનાં નૈતિક મૂલ્યો પ્રમાણે જીવવાથી આપણું લગ્‍નરૂપી વહાણ તરતું જ રહે છે અને સમય જતા શાંત પાણી તરફ આવી જાય છે. થોમસ અને ડોરીસના કિસ્સામાં પણ બાબતો એમ જ બની.

થોમસ અને ડોરીસના લગ્‍નને કંઈક ૩૦ વર્ષ થયા ત્યાં સુધીમાં તો થોમસે બરાબર પીવાનું શરૂ કરી દીધું હતું. ડોરીસ એકદમ હતાશ થઈ ગઈ અને છેવટે તેઓએ છૂટાછેડા લેવાનું વિચાર્યું. ડોરીસે એક યહોવાહના સાક્ષીને એના વિષે વાત કરી. સાક્ષી બહેને ડોરીસને લગ્‍ન સંબંધી બાઇબલમાંથી સમજણ આપી. તેમણે ઉતાવળે અલગ ન થઈ જવાની શિખામણ આપી અને તેના પતિ સાથે એકદમ શાંતિથી વાત કરીને કોઈ ઉકેલ શોધવાનું જણાવ્યું. ડોરીસે એ જ પ્રમાણે કર્યું. થોડા જ મહિનામાં છૂટાછેડાનો વિચાર સુદ્ધાં તેઓના મનમાંથી નીકળી ગયો. થોમસ અને ડોરીસે ભેગા મળીને પોતાની સમસ્યાઓનો ઉકેલ લાવવા મહેનત કરી. બાઇબલની સલાહને અનુસરીને તેઓએ પોતાનું લગ્‍ન બંધન મજબૂત બનાવ્યું અને પોતાની સમસ્યાઓને ઉકેલી.

દરેક બાબતમાં પ્રમાણિકતા

લગ્‍ન સાથીને વફાદારીપૂર્વક વળગી રહેવા માટે નૈતિક રીતે મજબૂત થવાની અને સિદ્ધાંતોને અમલમાં મૂકવાની જરૂર છે. એવી જ રીતે આ અપ્રમાણિક જગતમાં પ્રમાણિક રહેવા માટે એ જ ગુણોની જરૂર છે. પ્રમાણિકતા વિષે બાઇબલમાં ઘણું બધું કહેવામાં આવ્યું છે. પ્રેષિત પાઊલે પ્રથમ-સદીના યહુદામાંના ખ્રિસ્તીઓને લખ્યું: “અમે સઘળી બાબતોમાં પ્રામાણિકપણે વર્તવાની ઇચ્છા રાખીએ છીએ.” (હેબ્રી ૧૩:૧૮) એનો શું અર્થ થાય?

પ્રમાણિક વ્યક્તિ સાચી હોય છે અને તેનામાં કંઈ પણ છળકપટ હોતું નથી. તે બીજાઓ સાથેના પોતાના વ્યવહારમાં નિખાલસ, નિષ્કપટ અને આદરણીય હોય છે. તે કોઈને ઊંધા માર્ગે દોરતી નથી. આ ઉપરાંત, પ્રમાણિક વ્યક્તિ વફાદાર હોય છે જે બીજાઓને કદી છેતરતી નથી. પ્રમાણિક લોકો વિશ્વાસ અને ભરોસાનું વાતાવરણ ઊભું કરે છે, જેનાથી લોકોને સારું વલણ રાખવા અને એકબીજા સાથે સંબંધ મજબૂત કરવાની પ્રેરણા મળે છે.

શું પ્રમાણિક લોકો સુખી હોય છે? હા, તેઓ પાસે ખુશ રહેવા માટે કારણ છે. ભ્રષ્ટાચાર અને છેતરપીંડી ફૂલીફાલી હોવા છતાં સામાન્ય રીતે બીજાઓ પ્રમાણિક લોકોના વખાણ કરે છે. યુવાનોના કરવામાં આવેલા સર્વેક્ષણ મુજબ, પ્રમાણિકતા એવો સદ્‍ગુણ છે જેનું ૭૦ ટકા યુવાનોએ ઊચું મૂલ્ય આંક્યું હતું. આપણે ભલેને ગમે તે ઉંમરના હોઈએ, આપણે પ્રમાણિક લોકોને ચાહીએ છીએ.

ક્રિસ્ટીન ૧૨ વર્ષની ઉંમરથી જ ચોરી કરવાનું શીખી હતી. વર્ષો વીતતા ગયા તેમ, તે પાકીટ મારવામાં નિપુણ બની ગઈ. તેણે કહ્યું: “ઘણી વાર તો હું રોકડા ૨,૨૦૦ ડૉલર સુધી લઈને ઘરે પાછી ફરતી.” પરંતુ ક્રિસ્ટીનની અનેક વાર ધરપકડ કરવામાં આવી હતી અને તે હંમેશા જેલમાં જવાના ભયમાં જ જીવતી હતી. પરંતુ યહોવાહના સાક્ષીઓએ તેને બાઇબલમાંથી પ્રમાણિકતા વિષે જણાવ્યું ત્યારે, ક્રિસ્ટીનને બાઇબલમાં આપવામાં આવેલાં સારા સંસ્કારો ખૂબ જ ગમ્યાં. “ચોરી કરનારે હવેથી ચોરી ન કરવી” સલાહને તે અમલમાં મૂકવાનું શીખી.—એફેસી ૪:૨૮.

ક્રિસ્ટીને યહોવાહની સાક્ષી તરીકે બાપ્તિસ્મા લીધું અને હવે તે ચોર નથી. સાક્ષીઓએ પ્રમાણિક બનવા પર અને અન્ય ખ્રિસ્તી ગુણો પર ખૂબ જ ભાર મૂક્યો ત્યારથી, તે સર્વ બાબતોમાં પ્રમાણિક બનવાનો પ્રયાસ કરે છે. વર્તમાનપત્ર લાઉસીટ્‌ઝ રુન્ડસ્કાઉએ અહેવાલ આપ્યો: “સાક્ષીઓમાં પ્રમાણિકતા, નિયમન અને પડોશી પ્રત્યેનો પ્રેમ જેવી નૈતિકતા સંબંધીની બાબતો પર વધારે મહત્ત્વ આપવામાં આવે છે.” પોતાના જીવનના બદલાણ વિષે ક્રિસ્ટીને કેવું અનુભવ્યું? “મેં ચોરી કરવાનું છોડી દીધું હોવાથી હવે હું ખૂબ જ ખુશ રહું છું. હું સમાજની આદરણીય સભ્ય હોઉં તેમ અનુભવું છું.”

સર્વને લાભ

પોતાના લગ્‍ન સાથીને વફાદાર હોય અને પ્રમાણિક હોય એવા લોકો પોતે તો સુખી થાય છે જ, સાથોસાથ સમાજ માટે પણ લાભદાયી છે. એક માલિક છેતરે નહિ એવા કામદારો ઇચ્છે છે. આપણે સર્વ ભરોસાપાત્ર પડોશીઓ ઇચ્છીએ છીએ અને નીતિમાન વેપારીની દુકાનેથી ખરીદી કરવાનું પસંદ કરીએ છીએ. શું આપણે ભ્રષ્ટાચારથી દૂર રહે છે એવા રાજકારણીઓ, પોલીસો અને ન્યાયાધીશોને માન નથી આપતા? પ્રતિકૂળ સંજોગોમાં લોકો સિદ્ધાંતની બાબતમાં પ્રમાણિકતાથી વર્તે છે ત્યારે સમાજને પુષ્કળ લાભ મળે છે.

વધુમાં, વફાદાર લગ્‍ન સાથીઓ સ્થિર કુટુંબોનો પાયો છે. મોટા ભાગના લોકો યુરોપના એક રાજકારણી સાથે સહમત થશે જેણે જણાવ્યું: “આપણા સમયમાં [પ્રણાલિગત] કૌટુંબિક વ્યવસ્થા સૌથી વધારે સલામત છે.” પુખ્તો અને બાળકો લાગણીમય રીતે એકદમ સલામતી અનુભવે એને શાંતિપૂર્ણ કુટુંબ કહેવાય. આમ, લગ્‍નમાં વફાદાર લોકો સ્થિર સમાજ રચવામાં મદદરૂપ સાબિત થાય છે.

તરછોડાયેલા સાથીઓ, છૂટાછેડા અથવા બાળક કોણ સંભાળશે જેવી સમસ્યાઓ ન હોય તો દરેક વ્યક્તિને કેટલો બધો ફાયદો થાય. અને પાકીટમારો, દુકાનમાંથી ઉઠાંતરી કરનારાઓ, કરવેરા નહિ ભરનારાઓ, ભ્રષ્ટાચારી અધિકારીઓ અથવા ઠગ વૈજ્ઞાનિકો ન રહે તો શું? શું એ સ્વપ્ન માત્ર લાગે છે? બાઇબલમાં આપણા ભવિષ્ય વિષે જે જણાવેલું છે એમાં તીવ્ર રસ ધરાવનારાઓને એ કંઈ સ્વપ્ન જેવું લાગતું નથી. બાઇબલ વચન આપે છે કે જલદી જ યહોવાહનું મસીહી રાજ્ય પૃથ્વી પરના સમગ્ર માનવ સમાજ પર શાસન કરશે. તેમના રાજ્યમાં દરેક નાગરિકોને બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે જીવવાનું શીખવવામાં આવશે. એ સમયે, “ન્યાયીઓ દેશનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૨૯.

બાઇબલ આધારિત સંસ્કાર સૌથી ઉત્તમ

પવિત્ર શાસ્ત્રવચનોને ધ્યાનપૂર્વક વાંચનારા લાખો લોકો હવે સમજી શક્યા છે કે બાઇબલમાં આપેલા સલાહ સૂચનો પરમેશ્વર તરફથી છે અને એની આગળ માનવ વિચારો કંઈ જ વિસાતમાં નથી. આવા લોકો બાઇબલને વિશ્વાસપાત્ર અને આપણા આધુનિક જગતમાં જીવન માટે ખૂબ જ વ્યવહારુ ગણે છે. તેઓ જાણે છે કે બાઇબલમાં આપેલી સલાહ પોતાના ભલા માટે છે.

એથી, આવા લોકો બાઇબલની સલાહને ધ્યાન આપે છે: “તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે.” (નીતિવચન ૩:૫, ૬) એમ કરીને તેઓ પોતાના જીવનમાં મોટા ફેરફારો કરે છે, અને તેઓ પોતાની આસપાસ રહેતા લોકોને પણ લાભ પહોંચાડે છે. અને તેઓ “હવે પછીના જીવન”માં પૂરો ભરોસો રાખે છે જેમાં સર્વ લોકો બાઇબલની નૈતિકતાને અનુસરતા હશે.—૧ તીમોથી ૪:૮.

[ફુટનોટ]

^ આ લેખમાંનાં નામો બદલવામાં આવ્યાં છે.

[પાન ૫ પર બ્લર્બ]

વૈવાહિક જીવનમાં તોફાનનો સામનો કરતી વખતે, બાઇબલનાં ધોરણો પ્રમાણે જીવવાથી આપણું લગ્‍નરૂપી વહાણ તરતું જ રહે છે અને સમય જતા શાંત પાણી તરફ આવી જાય છે

[પાન ૬ પર બ્લર્બ]

ભ્રષ્ટાચાર ફૂલ્યોફાલ્યો હોવા છતાં સામાન્ય રીતે બીજાઓ પ્રમાણિક લોકોના વખાણ કરે છે