સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સફળતા એટલે શું?

સફળતા એટલે શું?

સફળતા એટલે શું?

એક શબ્દકોષ સફળતાની વ્યાખ્યા “સંપત્તિ, સ્વીકૃતિ કે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવા” તરીકે કરે છે. શું આ વ્યાખ્યા સંપૂર્ણ છે? શું ફક્ત સંપત્તિ, સ્વીકૃતિ કે ઉચ્ચ સ્થાન જ સફળતાનો માપદંડ છે? જવાબ આપતા પહેલા આનો વિચાર કરો: ઈસુએ પોતાના જીવનકાળ દરમિયાન કોઈ ભૌતિક સંપત્તિ પ્રાપ્ત કરી ન હતી. તેમણે મોટા ભાગના માણસોની સ્વીકૃતિ મેળવી ન હતી કે એ સમયના સમાજના વ્યવસ્થાપકોએ તેમને ઉચ્ચ પદ પણ આપ્યું ન હતું. તેમ છતાં, ઈસુ એક સફળ વ્યક્તિ હતા. શા માટે એમ કહી શકાય?

ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તે “દેવ પ્રત્યે ધનવાન” હતા. (લુક ૧૨:૨૧) આથી તેમને સજીવન કર્યા પછી પરમેશ્વરે તેમને ઈનામરૂપે “ગૌરવ તથા માનનો મુગટ” આપ્યો. યહોવાહે પોતાના દીકરાને ‘ઘણા ઊંચા કર્યા, અને સર્વ નામો કરતાં તેમને શ્રેષ્ઠ નામ આપ્યું.’ (હેબ્રી ૨:૯; ફિલિપી ૨:૯) ઈસુ જે રીતે જીવ્યા એનાથી યહોવાહ પરમેશ્વરના હૃદયને આનંદ થયો. (નીતિવચન ૨૭:૧૧) આમ પૃથ્વી પરનું તેમનું જીવન સફળ હતું કારણ કે એનાથી તેમણે પોતાના જીવનનો હેતુ પૂરો કર્યો, ઈસુએ પરમેશ્વરની ઇચ્છા પૂરી કરી જેનાથી પરમેશ્વરના નામને મહિમા આપ્યો. એના બદલામાં, પરમેશ્વરે તેમને એવી સંપત્તિ, સ્વીકૃતિ અને મહિમા આપ્યાં કે જે ક્યારેય કોઈ વિદ્વાન, રાજકારણ કે રમતગમતના ખેરખાંઓ મેળવી શકે નહિ. આમ, ઈસુ પૃથ્વી પર થઈ ગયા હોય એવા સૌથી સફળ માણસ હતા.

ખ્રિસ્તી માબાપો જાણે છે કે તેમનાં બાળકો ખ્રિસ્તના પગલે ચાલશે, એટલે કે ઈસુની જેમ દેવ પ્રત્યે ધનવાન બનશે તો, તેઓને હમણાં ભરપૂર આશીર્વાદો મળશે અને આવનાર નવી દુનિયામાં અકલ્પ્ય બદલાઓનો આનંદ માણશે. ખ્રિસ્તના પગલે ચાલવામાં તેમના જેવાં કાર્યો કરવાં એ જ યુવાનો માટે સૌથી સારો માર્ગ છે. અને એ માર્ગ છે, શક્ય હોય તો પૂરા સમયનું સેવાકાર્ય કરવું.

પરંતુ કેટલાંક કુટુંબો યુવાન છોકરાઓ પૂરા સમયના સેવાકાર્યમાં ન જોડાય એમ ઇચ્છે છે. કોઈ યુવાન શાળાનું શિક્ષણ પૂરું કરે છે ત્યારે એવી આશા રાખવામાં આવે છે કે તે નોકરી કરે, લગ્‍ન કરે અને જીવનમાં ઠરીઠામ થાય. ઘણી વાર, આવાં કુટુંબોમાંથી આવતા યુવાનોને પૂરા સમયનું સેવાકાર્ય કરતા રોકવામાં આવે છે. (નીતિવચન ૩:૨૭) શા માટે? કારણ કે તેઓ દબાણને કારણે સમાજમાં પ્રચલિત રિવાજોને વળગી રહેવા માગે છે. આવું જ કંઈક રોબર્ટ સાથે બન્યું. *

કુટુંબ અને અંતઃકરણ વચ્ચે મતભેદ

રોબર્ટ એક યહોવાહનો સાક્ષી હતો. તરુણાવસ્થામાં તેનું આચરણ સારું ન હતું અને તેના મિત્રો પણ સારા ન હતા. તેની માતાને તેની ખૂબ ચિંતા થતી હતી. તેથી તેણે એક પાયોનિયર, પૂરા સમયના સેવકને પોતાના પુત્રને ઉત્તેજન આપવાની વિનંતી કરી. ત્યાર પછી જે બન્યું એ વિષે રોબર્ટ આમ કહે છે:

“પાયોનિયર ભાઈએ મારામાં જે રસ બતાવ્યો એની હું ખરેખર કદર કરું છું. તેમના સુંદર ઉદાહરણથી મને ઉત્તેજન મળ્યું અને મેં શિક્ષણ પૂરું કર્યા પછી પાયોનિયરીંગ કાર્યને મારી કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. આ જાણીને મારી મમ્મીને ફરીથી ચિંતા થઈ. જો કે આ વખતે કારણ અલગ હતું. અમારાં કુટુંબોમાં છોકરીઓ શિક્ષણ પૂરું કર્યા પછી પાયોનિયરીંગ કરે એ ચાલતું, પરંતુ છોકરાઓએ તો પહેલા નાણાકીય રીતે સદ્ધર બનવાનું હતું અને ત્યાર પછી જ તેઓ પાયોનિયરીંગ વિષે વિચારી શકતા હતા.

“તેથી મેં હુન્‍નર શીખીને વ્યવસાય શરૂ કર્યો. થોડા જ સમયમાં હું ધંધામાં એવો ડૂબી ગયો કે સભાઓમાં અને પ્રચારમાં હું ફક્ત જવા ખાતર જતો હતો. પરંતુ મારું અંતઃકરણ મને ડંખતું હતું કારણ કે હું જાણતો હતો કે હજુપણ વધારે સારી રીતે હું યહોવાહની સેવા કરી શકું છું. તોપણ, બીજાઓ મારી પાસે જે અપેક્ષાઓ રાખતા હતા એમાંથી સમય કાઢવો ખરેખર બહુ અઘરું હતું. પરંતુ મને ખુશી છે કે મેં એ પ્રમાણે કર્યું. અત્યારે હું પરિણીત છું અને મારી પત્ની સાથે છેલ્લા બે વર્ષથી પાયોનિયરીંગ કરું છું. તાજેતરમાં જ મને મંડળમાં સહાયક સેવક બનાવવામાં આવ્યો. હું હવે ખરેખર કહી શકું છું કે પૂરા હૃદયથી અને પૂરી શક્તિથી યહોવાહની સેવા કરવામાં મને સાચો સંતોષ મળે છે.”

આ સામયિકે યુવાનોને વારંવાર ઉત્તેજન આપ્યું છે કે શાળામાં જતા હોય એ દરમિયાન શક્ય હોય તો તેઓ કોઈ હુન્‍નર કે ઉપયોગી શિક્ષણ લે. શા માટે? શું ધનવાન બનવા માટે? ના. મુખ્ય કારણ એ છે કે તેઓ પુખ્ત ઉંમરના થાય ત્યારે પગભર થવા કમાઈ શકે અને બને એટલી યહોવાહની સેવા કરી શકે, ખાસ કરીને પૂરા સમયની સેવા. તોપણ ઘણી વાર એમ બન્યું છે કે યુવાન સ્ત્રી-પુરુષો દુન્યવી કારકિર્દી પાછળ એટલા ગળાડૂબ બની જાય છે કે તેમના માટે સેવાકાર્યનું કંઈ મહત્ત્વ રહેતું નથી. કેટલાક લોકો તો પૂરા સમયની સેવા કરવાનો વિચાર પણ કરી શકતા નથી. શા માટે?

રોબર્ટે આપેલી ટીકા આ વિષે કંઈક વધુ જણાવે છે. હુન્‍નર શીખ્યા પછી રોબર્ટે વ્યવસાય શરૂ કર્યો. થોડા જ સમયમાં એ કંટાળાજનક નિત્યક્રમમાં ફસાઈ ગયો. તેનો ઉદ્દેશ નાણાકીય રીતે સદ્ધર બનવાનો હતો. પરંતુ શું મંડળમાં કે મંડળની બહાર, કોઈએ પણ પૂરેપૂરી રીતે એ ઉદ્દેશ પ્રાપ્ત કર્યો છે? જોકે ખ્રિસ્તીઓએ પોતાની નાણાકીય જવાબદારીઓ પૂરી કરવા માટે આર્થિક રીતે સદ્ધર બનવું જ જોઈએ. પરંતુ તેઓએ જાણવું જોઈએ કે આ અસ્થાયી જગતમાં થોડાક જ લોકો એવા છે જેઓ નાણાકીય રીતે સદ્ધર છે. માટે જ માત્થી ૬:૩૩માં નોંધેલા ઈસુના શબ્દો ખ્રિસ્તીઓ માટે ખૂબ જ દિલાસાજનક છે.

રોબર્ટ હવે ખુશ છે કારણ કે તેણે સમાજના દબાણ પ્રમાણે નહિ પણ પોતાની ઇચ્છા મુજબ કર્યું. આજે, તે પૂરા સમયની સેવાની કારકિર્દીનો આનંદ માણે છે. હા, પૂરા સમયની સેવા એ આદરણીય કારકિર્દી છે જેમાં રોબર્ટને ઘણો જ આનંદ મળે છે. તે અત્યારે શાંતિથી રહે છે કારણ કે તે ‘પૂરા સામર્થ્યથી’ યહોવાહની સેવા કરે છે.

બુદ્ધિનો સર્વોત્તમ ઉપયોગ

યહોવાહના સાક્ષીઓમાં ઘણા કુશળ લોકો છે. કેટલાક અત્યંત બુદ્ધિશાળી છે તો કેટલાક શારીરિક કામમાં ઘણા જ કુશળ છે. આ બધી કુશળતા યહોવાહ પરમેશ્વર તરફથી આવે છે જે “જીવન, શ્વાસોચ્છવાસ તથા સર્વ વસ્તુઓ . . . સર્વને આપે છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૫) જીવન જ ના હોત તો આ બધી કુશળતાઓનું કોઈ મૂલ્ય ન હોત.

તેથી આપણે આપણું સમર્પિત જીવન યહોવાહની સેવામાં ગાળીએ એ જ યોગ્ય છે. પ્રથમ સદી સી.ઈ.ની એક બુદ્ધિશાળી વ્યક્તિએ આમ જ કરવાનું નક્કી કર્યું. તેમનું કુટુંબ ખૂબ મોભાદાર હતું અને તેમણે પોતાની યુવાનીનાં વર્ષો ખૂબ જ જાણીતા એવા કીલીકીઆના તાર્સસ શહેરમાં ગાળ્યા હતા. તે જન્મથી જ યહુદી હોવા છતાં, વારસામાં તેમને રોમનું નાગરિકત્વ મળ્યું હતું. એને લીધે તેમને ઘણા હક્કો અને લહાવાઓ મળ્યા. આગળ જતાં તેમણે એ વખતના પ્રખ્યાત “વિદ્વાન” ગમાલીએલ પાસે નિયમશાસ્ત્રનું જ્ઞાન લીધું. આ બધું જોઈને એવું લાગે છે કે થોડા જ સમયમાં ‘સંપત્તિ, સ્વીકૃતિ અને ઉચ્ચ પદ’ તેમની પાસે હશે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૧:૩૯; ૨૨:૩, ૨૭, ૨૮.

એ યુવાન કોણ હતા? તે શાઊલ હતા. પરંતુ શાઊલ પછી ખ્રિસ્તી બને છે અને છેવટે પ્રેષિત પાઊલ બને છે. તેમણે પોતાની મહત્ત્વાકાંક્ષાઓને બાજુ પર રાખીને એક ખ્રિસ્તી તરીકે પોતાનું સમગ્ર જીવન યહોવાહની સેવામાં સમર્પિત કરી દીધું. પાઊલ એક નામાંકિત વકીલ જ નહિ પરંતુ સુસમાચારના ઉત્સાહી પ્રચારક તરીકે પણ જાણીતા બન્યા. એક મિશનરિ તરીકે લગભગ ૩૦ વર્ષો પસાર કર્યા પછી પાઊલે ફિલિપીઓને પત્ર લખ્યો. એમાં તેમણે ખ્રિસ્તી બન્યા પહેલાંની પોતાની સિદ્ધિઓ વિષે જણાવતા કહ્યું: “એને [ઈસુ ખ્રિસ્તને] લીધે મેં સઘળાનું નુકસાન સહન કર્યું, અને તેઓને કચરો જ ગણું છું, જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરૂં.” (ફિલિપી ૩:૮) પાઊલે પોતાના પાછલા જીવન વિષે ક્યારેય અફસોસ કર્યો નહિ!

પાઊલે ગમાલીએલ પાસેથી મેળવેલી તાલીમ વિષે શું? શું એ તેમને ક્યારેય કામ લાગી? હા! ઘણા પ્રસંગોએ તેમણે “સુવાર્તાની હિમાયત કરવામાં તથા તેને સાબિત કરવામાં” એનો ઉપયોગ કર્યો. પરંતુ પાઊલનું મુખ્ય કાર્ય સુસમાચારના પ્રચારક બનવાનું હતું કે જે તેમના શાળાના શિક્ષણમાં ક્યારેય શીખ્યા ન હોત.—ફિલિપી ૧:૭; પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૨૪, ૨૫.

એ જ રીતે, આજે કેટલાક લોકોએ પોતાને મળેલાં દાનો અને કુશળતાઓ કે પોતાના શિક્ષણનો ઉપયોગ રાજ્ય હિતો વધારવામાં કર્યો છે. ઉદાહરણ તરીકે, ઑમી વાણિજ્ય અને કાયદાની સ્નાતક છે. એક સમયે તે કાયદાની ઑફિસમાં ખૂબ જ સારા પગારે નોકરી કરતી હતી. પરંતુ આજે તે વૉચટાવરની શાખા કચેરીમાં વિનામૂલ્યે સ્વયંસેવક તરીકે કામ કરે છે. ઑમી પોતાના જીવન વિષે કહે છે: “હું માનું છું કે મેં જીવનમાં સૌથી સારી પસંદગી કરી છે . . . હું મારી આ કારકિર્દી બદલવા માગતી નથી. મેં પસંદ કરેલી કારકિર્દીનો મને ગર્વ છે. મારી પાસે બધું જ છે. મારી પાસે સુખી જીવન અને સંતોષપ્રદ કારકિર્દી છે.

ઑમીએ જે માર્ગ પસંદ કર્યો એનાથી તેને મનની શાંતિ, સંતોષ અને યહોવાહનો આશીર્વાદ મળ્યો. શું ખ્રિસ્તી માબાપો પણ પોતાનાં બાળકો માટે આવું જ નથી ઇચ્છતા?

ખ્રિસ્તી સેવામાં સફળતા

અલબત્ત, ખ્રિસ્તી સેવામાં સફળતા વિષે યોગ્ય દૃષ્ટિકોણ હોવો જરૂરી છે. સેવાકાર્યમાં સારો સમય પસાર કરીએ, બાઇબલ સાહિત્ય આપીએ કે ઘરમાલિક સાથે બાઇબલ વિષે ચર્ચા કરીએ ત્યારે આપણને સફળતા મેળવ્યાની લાગણી થાય છે. પરંતુ પ્રચારમાં બહુ થોડા લોકો જ આપણું સાંભળતા હોય તો આપણને એવું લાગી શકે કે આપણે સમય વેડફી રહ્યા છીએ. ત્યારે એ યાદ રાખો કે સફળતાની વ્યાખ્યાનો એક અર્થ “સ્વીકૃતિ મેળવવી” થાય છે. આપણે કોની સ્વીકૃતિ મેળવવા માગીએ છીએ? યહોવાહ પરમેશ્વરની. ભલે લોકો આપણો સંદેશો સાંભળે કે ના સાંભળે પણ આપણે પરમેશ્વરની સ્વીકૃતિ મેળવીએ જ છીએ. આ સંબંધી ઈસુએ પોતાના શિષ્યોને એક જોરદાર બોધપાઠ શીખવ્યો.

તમને યાદ હશે કે ઈસુએ ‘સિત્તેર શિષ્યોને ઠરાવ્યા, અને જે પ્રત્યેક શહેર તથા જગામાં તે જવાના હતા’ ત્યાં મોકલ્યા. (લુક ૧૦:૧) તેઓએ ઈસુ ગયા ન હતા એ શહેરો અને ગામડાંઓમાં પ્રચાર કરવાનો હતો. આ તેઓ માટે નવો અનુભવ હતો. તેથી, ઈસુએ તેઓને બહાર મોકલતા પહેલાં જરૂરી માર્ગદર્શન આપ્યું. તેઓ “શાંતિના પુત્ર”ને મળે ત્યારે તેને રાજ્ય સંબંધી પૂરેપૂરી સાક્ષી આપવાની હતી. અને જો કોઈ તેઓનો નકાર કરે તો તેઓએ ત્યાંથી ચાલ્યા જવાનું હતું. ઈસુએ સમજાવ્યું કે જેઓ તમારું સાંભળતા નથી તેઓ ખરેખર તો યહોવાહ પરમેશ્વરનો નકાર કરે છે.—લુક ૧૦:૪-૭, ૧૬.

સિત્તેર શિષ્યો પ્રચારકાર્ય પૂરું કરીને “હરખાતા હરખાતા પાછા આવ્યા, અને તેઓએ કહ્યું, કે પ્રભુ, તારા નામથી ભૂતો પણ અમારે તાબે થયાં છે.” (લુક ૧૦:૧૭) તે અપૂર્ણ માણસો માટે શક્તિશાળી ભૂતોને હાંકી કાઢવાનું કામ કેવું રોમાંચક રહ્યું હશે! તેમ છતાં, ઈસુએ પોતાના ઉત્સાહી શિષ્યોને ચેતવણી આપી: “આત્માઓ તમારે તાબે થયા, તેને લીધે હરખાઓ મા; પણ તમારાં નામ આકાશમાં લખેલાં છે, તેને લીધે હરખાઓ.” (લુક ૧૦:૨૦, અક્ષરો અમે ત્રાંસા કર્યાં છે.) સિત્તેર શિષ્યો પાસે ભૂતોને કાઢવાની શક્તિ હંમેશા રહેવાની ન હતી. તેમ જ સેવાકાર્યમાં તેઓને હંમેશા સારા અનુભવો થવાના ન હતા. પરંતુ જો તેઓ વફાદાર રહે તો હંમેશા યહોવાહની સ્વીકૃતિ મેળવવાના હતા.

શું તમે પૂરા સમયના સેવકોની કદર કરો છો?

એક યુવાને એકવાર ખ્રિસ્તી વડીલને કહ્યું: “હું સ્નાતક થયા પછી નોકરી શોધીશ. અને જો મને નોકરી નહિ મળે તો હું પૂરા સમયની સેવા કરવા વિષે વિચારીશ.” પરંતુ જે લોકો પાયોનિયર સેવા કરી રહ્યા છે તેઓ આવો દૃષ્ટિકોણ ધરાવતા નથી. એને બદલે પાયોનિયરીંગ કરવા માટે કેટલાકે તો ખૂબ જ સારી કારકિર્દીની તક છોડી દીધી છે. બીજા કેટલાકે ઘણી જ સારી શૈક્ષણિક કારકિર્દી છોડી દીધી છે. પ્રેષિત પાઊલની જેમ તેઓએ બલિદાન આપ્યું છે. પાઊલ, રોબર્ટ અને ઑમીની જેમ તેઓને ક્યારેય પોતાની પસંદગી માટે અફસોસ થયો નથી. યહોવાહની સેવામાં પોતાને મળેલા દાનનો ઉપયોગ કરવાનો તેઓને જે લહાવો મળ્યો છે એની તેઓ કદર કરે છે. કેમ કે સૌથી સારી બાબતો માટે યહોવાહ પરમેશ્વર જ લાયક છે.

અમુક કારણોસર, યહોવાહના કેટલાક વફાદાર સેવકો પાયોનિયરીંગ કરી શકતા નથી. બની શકે કે તેઓ પાસે અમુક જવાબદારીઓ હોય. પરંતુ તેઓ ‘પૂરા જીવથી ને પૂરા મનથી’ પરમેશ્વરની સેવા કરે તો યહોવાહ તેઓથી ખુશ થાય છે. (માત્થી ૨૨:૩૭) ભલે તેઓ પોતે પાયોનિયરીંગ કરી શકતા નથી, પણ તેઓ જાણે છે કે જેઓ એ કરે છે તેઓએ સુંદર કારકિર્દી પસંદ કરી છે.

પ્રેષિત પાઊલે લખ્યું: “આ જગતનું રૂપ તમે ન ધરો.” (રૂમી ૧૨:૨) પાઊલની સલાહ માનીને આપણે આ જગતનાં ધોરણોને આપણા વિચારો પર અસર કરવા દેવી જોઈએ નહિ. તમે પાયોનિયર હોવ કે ના હોવ, તમારા જીવનમાં યહોવાહની સેવાને પ્રથમ સ્થાન આપો. જ્યાં સુધી યહોવાહની સ્વીકૃતિ તમારી પાસે છે ત્યાં સુધી તમે સફળ થશો જ.

[ફુટનોટ]

^ નામો બદલવામાં આવ્યાં છે.

[પાન ૧૯ પર ચિત્ર]

સંતોષ ન મળે એવી કંટાળાજનક કારકિર્દીમાં જોડાવાનું ટાળો