સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આજે પરમેશ્વરના સેવકો કોણ છે?

આજે પરમેશ્વરના સેવકો કોણ છે?

આજે પરમેશ્વરના સેવકો કોણ છે?

“અમારી યોગ્યતા દેવ તરફથી છે; વળી તેણે અમને નવા કરારના સેવકો થવા યોગ્ય કર્યા છે.”—૨ કોરીંથી ૩:૫, ૬.

૧, ૨. પ્રથમ સદીના ખ્રિસ્તીઓ કઈ મહત્ત્વની સેવા કરી રહ્યા હતા, પણ એમાં કયો ફેરફાર થયો?

 પ્રથમ સદીના બધા ખ્રિસ્તીઓ પરમેશ્વરના રાજ્યનો પ્રચાર કરવાની મહત્ત્વની સેવા કરી રહ્યા હતા. તેઓ સર્વ અભિષિક્ત જનો અને નવા કરારના સેવકો હતા. કેટલાક પાસે મંડળમાં શીખવવાની જવાબદારી હતી. (૧ કોરીંથી ૧૨:૨૭-૨૯; એફેસી ૪:૧૧) માબાપને કુટુંબની જવાબદારી સંભાળવાની હતી. (કોલોસી ૩:૧૮-૨૧) તોપણ, બધા ખ્રિસ્તીઓ પ્રચાર કરવાના મહત્ત્વના કામમાં ભાગ લેતા હતા. ખ્રિસ્તી શાસ્ત્રના મૂળ ગ્રીક ​લખાણોમાં, એને ​દીઆકોનીયા એટલે કે સેવા કહે છે.—કોલોસી ૪:૧૭.

જોકે સમય જતાં એમાં ફેરફાર થયો. પાદરીઓ તરીકે એક વર્ગ ઊભો થયો, જેઓએ પ્રચાર કરવાનો લહાવો પોતાના પૂરતો જ રાખ્યો. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૦) ખ્રિસ્તી તરીકે ઓળખાતા લોકોમાં ફક્ત થોડા જ પાદરીઓ હતા. પરંતુ, મોટા ભાગના ખ્રિસ્તીઓ ચર્ચના સામાન્ય સભ્યો ગણાતા હતા. તેઓને અમુક આજ્ઞાઓ પાળવાનું શીખવવામાં આવ્યું, જેમ કે પાદરીઓને પગાર ચૂકવવા ફાળો આપવો. પરંતુ, પ્રચાર કરવા વિષે ફક્ત સાંભળવા સિવાય તેઓએ કંઈ જ કરવાનું ન હતું.

૩, ૪. (ક) કહેવાતા ખ્રિસ્તીઓમાં સેવકોની પસંદગી કઈ રીતે થાય છે? (ખ) કહેવાતા ખ્રિસ્તીઓમાં કોને સેવક બનાવાય છે, અને શા માટે યહોવાહના લોકોમાં એમ બનતું નથી?

પાદરીઓ સેવક હોવાનો દાવો કરતા હતા. સેવકો બનવા માટે તેઓ કૉલેજોમાં જઈને ડિગ્રીઓ મેળવતા હતા. ધ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બાઇબલ એન્સાયક્લોપેડિયા કહે છે: “સેવક તરીકે નિયુક્ત થવું એટલે પરમેશ્વરનો શબ્દ જાહેર કરવાની કે ધાર્મિક વિધિ કરવાની સત્તા મેળવવી, અથવા એ બંને કરવાની સત્તા મેળવવી.” પરંતુ, સેવકો તરીકેની પસંદગી કોણ કરે છે? ધ ન્યૂ એન્સાયક્લોપેડિયા બ્રિટાનીકા કહે છે: “અમુક ચર્ચમાં એ સેવકોની પસંદગી કરનાર હંમેશા બિશપ હોય છે. જ્યારે કે બીજા ચર્ચોમાં પાદરીઓનું જૂથ એ પસંદગી કરે છે.”

આમ, કહેવાતા ખ્રિસ્તીઓમાં ચર્ચના સામાન્ય લોકોને સેવકો બનવાથી રોકવામાં આવે છે. પરંતુ, યહોવાહના લોકોમાં એમ બનતું નથી. એનું કારણ એ છે કે, પ્રથમ સદીના ખ્રિસ્તીઓમાં પણ એમ બનતું ન હતું.

પરમેશ્વરના સેવકો કોણ છે?

૫. બાઇબલ પ્રમાણે કોણ સેવકો બની શકે છે?

બાઇબલ અનુસાર યહોવાહના સર્વ ભક્તો સેવકો છે, ભલેને પછી તેઓની આશા સ્વર્ગના કે પૃથ્વી પરના જીવનની હોય. સ્વર્ગદૂતો પણ સેવકો છે જેઓએ ઈસુની સેવા કરી. (માત્થી ૪:૧૧; ૨૬:૫૩; લુક ૨૨:૪૩) દૂતો “તારણનો વારસો પામનારાઓની સેવા” પણ કરે છે. (હેબ્રી ૧:૧૪; માત્થી ૧૮:૧૦) ઈસુ પોતે પણ સેવક હતા. તેમણે કહ્યું: “માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને . . . આવ્યો છે.” (માત્થી ૨૦:૨૮; રૂમી ૧૫:૮) તેથી, ઈસુને ‘પગલે ચાલનારા’ તેમના શિષ્યો પણ સેવકો હોય, એમાં કંઈ નવાઈ નથી.—૧ પીતર ૨:૨૧.

૬. ઈસુએ કઈ રીતે જણાવ્યું કે તેમના શિષ્યો સેવકો હશે?

ઈસુ સ્વર્ગમાં ચઢી ગયા એ પહેલાં તેમણે પોતાના શિષ્યોને કહ્યું: “જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ; મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.” (માત્થી ૨૮:૧૯, ૨૦) ઈસુના શિષ્યો, બીજાને શિષ્યો બનાવનાર સેવકો હતા. નવા શિષ્યોએ ઈસુની સર્વ આજ્ઞાઓ પાળતા શીખવાનું હતું, જેમાં શિષ્યો બનાવવાની આજ્ઞા પણ સમાયેલી છે. આમ, ઈસુ ખ્રિસ્તના નાના-મોટા બધા જ શિષ્યો સેવકો હતા.—યોએલ ૨:૨૮, ૨૯.

૭, ૮. (ક) કઈ કલમો બતાવે છે કે બધા સાચા ખ્રિસ્તીઓ સેવકો છે? (ખ) સેવકની નિમણૂક વિષે કયા પ્રશ્નો ઊભા થાય છે?

એના સુમેળમાં પેન્તેકોસ્ત ૩૩ સી.ઈ.ના રોજ ઈસુના સર્વ શિષ્યો, સ્ત્રી અને પુરુષો “દેવનાં મોટાં કામો વિષે” કહેવા લાગ્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૧-૧૧) પ્રેષિત પાઊલે લખ્યું: “ન્યાયીપણાને અર્થે અંતઃકરણથી વિશ્વાસ રાખવામાં આવે છે, ને તારણને અર્થે મોંથી કબૂલાત કરવામાં આવે છે.” (રૂમી ૧૦:૧૦) પાઊલે એ શબ્દો ફક્ત પાદરીઓને જ કહ્યા ન હતા. પરંતુ “દેવનાં વહાલાં, તથા પવિત્ર થવા સારૂ તેડાએલાં જેઓ રોમમાં રહે છે, તે સર્વેને” કહ્યા હતા. (રૂમી ૧:૧,) એ જ રીતે, “એફેસસમાં જે પવિત્રો તથા ખ્રિસ્ત ઈસુમાં જેઓ વિશ્વાસુ” હતા, એ બધાએ ‘શાંતિની સુવાર્તાની તૈયારીરૂપી જોડાં પહેરીને, ઊભા રહેવાનું’ હતું. (એફેસી ૧:૧; ૬:૧૫) હેબ્રીઓને લખવામાં આવેલો પત્ર જેઓએ સાંભળ્યો એ બધાએ ‘પોતાની આશાની કબૂલાત દૃઢ પકડી રાખવાની’ હતી.—હેબ્રી ૧૦:૨૩.

તો પછી, વ્યક્તિ ક્યારે સેવક બની શકે? બીજા શબ્દોમાં, તેની નિમણૂક ક્યારે થાય છે? અને તેની પસંદગી કોણ કરે છે?

સેવકની નિમણૂક ક્યારે થાય છે?

૯. ઈસુને ક્યારે અને કોના દ્વારા સેવક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા?

ક્યારે અને કોણ વ્યક્તિને સેવક તરીકે નિમણૂક કરે છે, એનો જવાબ મેળવવા ઈસુ વિષે વિચાર કરો. સેવક તરીકે તેમની પાસે કોઈ ડિગ્રી ન હતી. વળી, સેવક તરીકે તેમની નિમણૂક કોઈ માણસે કરી ન હતી. તો પછી આપણે કઈ રીતે કહી શકીએ કે તે સેવક હતા? યશાયાહની ભવિષ્યવાણી એની સાબિતી આપે છે: “પ્રભુનો આત્મા મારા પર છે, કેમકે . . . સુવાર્તા પ્રગટ કરવા સારૂ તેણે મારો અભિષેક કર્યો છે.” (લુક ૪:૧૭-૧૯; યશાયાહ ૬૧:૧) એ શબ્દોથી આપણે જોઈએ છીએ કે, ઈસુની પસંદગી પરમેશ્વરના રાજ્યનો પ્રચાર કરવા થઈ હતી. એ નિમણૂક કોણે કરી હતી? યહોવાહના પવિત્ર આત્માથી ઈસુની નિમણૂક થઈ હોવાથી, તે યહોવાહ પરમેશ્વર દ્વારા પસંદ થયા હતા. એ ક્યારે બન્યું? ઈસુ બાપ્તિસ્મા પામ્યા ત્યારે, યહોવાહનો પવિત્ર આત્મા તેમના પર આવ્યો. (લુક ૩:૨૧, ૨૨) તેથી, તેમના બાપ્તિસ્મા વખતે તે સેવક તરીકે નિયુક્ત થયા હતા.

૧૦. ખ્રિસ્તી સેવક કોના દ્વારા “યોગ્ય” ગણાય છે?

૧૦ ઈસુના પ્રથમ સદીના શિષ્યો વિષે શું? તેઓને પણ યહોવાહે સેવક તરીકે નિયુક્ત કર્યા હતા. પાઊલે કહ્યું: “અમારી યોગ્યતા દેવ તરફથી છે; વળી તેણે અમને નવા કરારના સેવકો થવા યોગ્ય કર્યા છે.” (૨ કોરીંથી ૩:૫, ૬) યહોવાહ કઈ રીતે પોતાના ભક્તોને સેવક તરીકે પસંદ કરે છે? તીમોથીનો વિચાર કરો, જેમને પાઊલે “ખ્રિસ્તની સુવાર્તામાં દેવના સેવક” કહ્યા.—૧ થેસ્સાલોનીકી ૩:૨.

૧૧, ૧૨. તીમોથી સેવક બનવા કઈ રીતે પ્રગતિ કરે છે?

૧૧ આપણને ૨ તીમોથી ૩:૧૪, ૧૫ જણાવે છે કે તીમોથી કઈ રીતે સેવક બન્યા: “પણ જે વાતો તું શીખ્યો ને જેના વિષે તને ખાતરી થઈ છે તેઓને વળગી રહે, કેમકે તું કોની પાસે શીખ્યો એ તને માલૂમ છે; અને વળી તું બાળપણથી પવિત્ર શાસ્ત્ર જાણે છે, તે પવિત્ર શાસ્ત્ર ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તારણને સારૂ તને જ્ઞાન આપી શકે છે, તે પણ તું જાણે છે.” શાસ્ત્રના જ્ઞાનથી દૃઢ થયેલા તીમોથીના વિશ્વાસે તેમને પ્રચાર કરવા પ્રેરણા આપી. એના માટે શું ફક્ત વાંચન જ જરૂરી હતું? ના, તીમોથીને મદદની જરૂર હતી. જેથી તે જે વાંચે, એમાંથી ખરું જ્ઞાન અને સમજણ મેળવી શકે. (કોલોસી ૧:૯) તીમોથીને “ખાતરી” કરવા મદદ આપવામાં આવી હતી. તે “બાળપણથી” શાસ્ત્રવચનો જાણતા હતા, પણ તેમના પિતા ખ્રિસ્તી ન હતા. તેથી, સૌ પ્રથમ મદદ કરનાર તેમની માતા અને દાદી જ હોવા જોઈએ.—૨ તીમોથી ૧:૫.

૧૨ તેમ છતાં, તીમોથી એટલાથી જ સેવક બની ગયા નહિ. તેમને મદદની વધુ જરૂર હતી. એ માટે તેમણે આસપાસના ખ્રિસ્તી મંડળોની સંગત પણ રાખી, જેનાથી તેમનો વિશ્વાસ દૃઢ થયો. આપણે કઈ રીતે એમ કહી શકીએ? પાઊલ પહેલી વાર તીમોથીને મળ્યા ત્યારે, “લુસ્ત્રા તથા ઈકોનીમાંના ભાઈઓમાં તેની શાખ સારી હતી.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૨) વળી, તે સમયે અમુક ભાઈઓ મંડળોને ઉત્તેજન આપવા પત્રો પણ લખતા હતા. ભાઈઓ મંડળને દૃઢ કરવા તેઓની મુલાકાત લેતા હતા. આવી ગોઠવણોએ તીમોથી જેવા ખ્રિસ્તીઓને પ્રગતિ કરવા મદદ કરી.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૨-૩૨; ૧ પીતર ૧:૧.

૧૩. તીમોથી ક્યારે સેવક બન્યા, અને શા માટે કહી શકાય કે તેમણે પ્રગતિ કરવાનું ચાલુ જ રાખ્યું?

૧૩ આપણે ખાતરી રાખી શકીએ કે, માત્થી ૨૮:૧૯, ૨૦ પ્રમાણે તીમોથીના વિશ્વાસે તેમને ઈસુને પગલે ચાલવા અને બાપ્તિસ્મા પામવા પ્રેરણા આપી હશે. (માત્થી ૩:૧૫-૧૭; હેબ્રી ૧૦:૫-૯) એ તીમોથીની પૂરા તનમનની સેવા હતી. આમ, તીમોથી બાપ્તિસ્મા પામ્યા ત્યારે, સેવક બન્યા. એ સમયથી તેમણે પોતાનું જીવન, શક્તિ અને બધું જ પરમેશ્વરને સોંપી દીધું. આ તેમની ભક્તિ, એટલે “પવિત્ર સેવાનો” મહત્ત્વનો ભાગ હતો. તીમોથી સેવક બન્યા પછી બેસી રહ્યા નહિ. તેમણે પ્રગતિ કરવાનું ચાલુ રાખ્યું, અને તે એક અનુભવી ખ્રિસ્તી સેવક બન્યા. પાઊલ જેવા વિશ્વાસુ ખ્રિસ્તી સાથે ગાઢ સંબંધ રાખીને, શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરીને, અને પ્રચારમાં ઉત્સાહી રહીને તીમોથી આમ કરી શક્યા.—૧ તીમોથી ૪:૧૪; ૨ તીમોથી ૨૨; હેબ્રી ૬:૧.

૧૪. આજે વ્યક્તિ કઈ રીતે ખ્રિસ્તી સેવક બનવા પ્રગતિ કરે છે?

૧૪ એ જ રીતે, આજે પણ એક વ્યક્તિ ખ્રિસ્તી સેવક બને છે. જે લોકો પરમેશ્વર અને તેમના હેતુઓ વિષે શીખવા ચાહે છે, તેઓને બાઇબલનું શિક્ષણ આપવામાં આવે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૮) પછી વ્યક્તિ પોતાના જીવનમાં બાઇબલનું શિક્ષણ લાગુ પાડતા અને યહોવાહને હૃદયથી પ્રાર્થના કરતા શીખે છે. (ગીતશાસ્ત્ર ૧:૧-૩; નીતિવચન ૨:૧-૯; ૧ થેસ્સાલોનીકી ૫:૧૭, ૧૮) યહોવાહના લોકોની સંગતનો તે આનંદ માણે છે, અને “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” વર્ગે કરેલી ગોઠવણોનો લાભ લે છે. (માત્થી ૨૪:૪૫-૪૭; નીતિવચન ૧૩:૨૦; હેબ્રી ૧૦:૨૩-૨૫) આમ, તે ખ્રિસ્તી સેવક બનવા પ્રગતિ કરે છે.

૧૫. વ્યક્તિ બાપ્તિસ્મા પામે છે ત્યારે શું થાય છે? (નિમ્નનોંધ પણ જુઓ.)

૧૫ છેવટે, બાઇબલનું શિક્ષણ લેનાર વ્યક્તિનો યહોવાહ માટેનો પ્રેમ, અને ખંડણી બલિદાનમાં તેનો પૂરો વિશ્વાસ તેને યહોવાહ પરમેશ્વરને સમર્પણ કરવા પ્રેરે છે. (યોહાન ૧૪:૧) તે પ્રાર્થનામાં સમર્પણ કરે છે અને જાહેરમાં બાપ્તિસ્મા પામે છે. આમ, તેનું બાપ્તિસ્મા તેની નિમણૂક કરે છે, કારણ કે ત્યાર પછી તે પરમેશ્વરનો સમર્પિત સેવક, દીઆકોનોસ ગણાય છે. હવે તેણે જગતથી અલગ રહેવું જ જોઈએ. (યોહાન ૧૭:૧૬; યાકૂબ ૪:૪) તે કોઈ પણ શરત વગર પોતાનું “જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ” કરે છે. (રૂમી ૧૨:૧) * તે પરમેશ્વરનો સેવક છે, અને ખ્રિસ્તને અનુસરે છે.

ખ્રિસ્તી સેવા એટલે શું?

૧૬. સેવક તરીકે તીમોથીની કઈ જવાબદારીઓ હતી?

૧૬ તીમોથીની સેવામાં શું સમાયેલું હતું? તેમને પાઊલ સાથે સેવા કરવાનો ખાસ આશીર્વાદ હતો. તીમોથી વડીલ બન્યા ત્યારે, ખ્રિસ્તી ભાઈઓને શિક્ષણ અને ઉત્તેજન આપવા સખત મહેનત કરી. પરંતુ ઈસુ અને પાઊલની જેમ, પરમેશ્વરના રાજ્યનો પ્રચાર કરવો અને શિષ્યો બનાવવા, એ તેમની મુખ્ય સેવા હતી. (માત્થી ૪:૨૩; ૧ કોરીંથી ૩:૫) પાઊલે તીમોથીને કહ્યું: “પરંતુ તું સર્વ બાબતોમાં સાવધ રહે, દુઃખ સહન કર, સુવાર્તિકનું કામ કર, તારૂં સેવાકાર્ય પૂર્ણ કર.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.)—૨ તીમોથી ૪:૫.

૧૭, ૧૮. (ક) ખ્રિસ્તી સેવકો કયા સેવાકાર્યમાં વ્યસ્ત રહે છે? (ખ) ખ્રિસ્તી સેવકો માટે પ્રચાર કાર્ય કેટલું મહત્ત્વનું છે?

૧૭ આજના સેવકો વિષે પણ એમ જ છે. તેઓના જીવનમાં પરમેશ્વરના રાજ્યનો પ્રચાર મુખ્ય છે. એનાથી તેઓ નમ્ર લોકોને ઈસુ ખ્રિસ્તના બલિદાનથી મળતા તારણ વિષે અને યહોવાહની ભક્તિ કરવા વિષે શીખવે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૨૧; ૪:૧૦-૧૨; રૂમી ૧૦:૧૩) તેઓ બાઇબલમાંથી શીખવે છે કે દુઃખી મનુષ્યો માટે એકમાત્ર આશા પરમેશ્વરનું રાજ્ય છે. તેઓ શીખવે છે કે યહોવાહના નિયમો પ્રમાણે જીવીશું તો, હમણાં પણ જીવન સુખી થઈ શકે છે. (ગીતશાસ્ત્ર ૧૫:૧-૫; માર્ક ૧૩:૧૦) પરંતુ ખ્રિસ્તીઓ સમાજ સેવકો નથી. એના બદલે તેઓ શીખવે છે કે, પરમેશ્વરની ભક્તિમાં તો હમણાંનું અને હવે પછીના જીવનનું વચન સમાયેલું છે.—૧ તીમોથી ૪:૮.

૧૮ ખરું કે મોટા ભાગના સેવકો અલગ અલગ રીતે સેવા આપતા હોય છે. ઘણા સેવકો કુટુંબની દેખરેખ રાખતા હોય છે. (એફેસી ૫:૨૧–૬:૪) વડીલો અને સેવકાઈ ચાકરોને મંડળમાં અલગ અલગ ફરજો હોય છે. (૧ તીમોથી ૩:૧, ૧૨, ૧૩; તીતસ ૧:૫; હેબ્રી ૧૩:૭) ઘણા ખ્રિસ્તીઓ સભા માટે હૉલ બાંધવામાં મદદ કરે છે. અમુક ખ્રિસ્તીઓ વૉચ ટાવર સંસ્થાના બેથેલમાં સેવકો તરીકે કામ કરવાના આશીર્વાદનો આનંદ માણે છે. તેમ છતાં, સર્વ ખ્રિસ્તી સેવકો પ્રચાર કરે છે. એ તેઓનું મુખ્ય કાર્ય છે. એ કાર્યથી જ વ્યક્તિ સાચા ખ્રિસ્તી સેવક તરીકે ઓળખાય છે.

ખ્રિસ્તી સેવકનું વલણ

૧૯, ૨૦. ખ્રિસ્તી સેવકોએ કેવું વલણ કેળવવું જોઈએ?

૧૯ કહેવાતા ખ્રિસ્તીઓમાં મોટા ભાગે સેવકો પોતાને ખાસ માન આપવામાં આવે, અને લોકો તેઓને “રેવરન્ડ” કે “ફાધર” ખિતાબોથી બોલાવે એવી અપેક્ષા રાખે છે. છતાં, એક ખ્રિસ્તી સેવક જાણે છે કે યહોવાહ પરમેશ્વર એકલા જ માનને યોગ્ય છે. (૧ તીમોથી ૨:૯, ૧૦) કોઈ પણ સાચા ખ્રિસ્તી સેવક આવું માન માંગતો નથી કે ખાસ ખિતાબની આશા રાખતો નથી. (માત્થી ૨૩:૮-૧૨) તે જાણે છે કે દીઆકોનીઆનો સામાન્ય અર્થ “સેવા” થાય છે. બાઇબલમાં એને લગતા ક્રિયાપદનો ઉપયોગ ઘણી વાર ચાકર તરીકેની સેવા આપવાને સૂચવે છે. (લુક ૪:૩૯; ૧૭:૮; યોહાન ૨:૫) ભલે ખ્રિસ્તી સેવાની બાબતે એ શબ્દનો ઉપયોગ માનનીય રીતે થાય છે છતાં, દીઆકોનોસનો અર્થ સેવક જ થાય છે.

૨૦ તેથી, કોઈ પણ ખ્રિસ્તી સેવકે પોતાને હોદ્દો મળી ગયો છે એમ સમજીને ઘમંડ કરવાની કોઈ જરૂર નથી. ભલેને ગમે તેટલી જવાબદારી સંભાળતા હોય, પણ પ્રમાણિક ખ્રિસ્તી સેવક નમ્ર હોય છે. ઈસુએ કહ્યું: “તમારામાં જે કોઈ મોટો થવા ચાહે, તે તમારો સેવક થાય; અને જે કોઈ તમારામાં મુખ્ય થવા ચાહે, તે તમારો દાસ થાય.” (માત્થી ૨૦:૨૬, ૨૭) ઈસુએ પોતે એક દાસ બનીને શિષ્યોના પગ ધોયા, અને બતાવ્યું કે શિષ્યોએ પણ એકબીજા પ્રત્યે કેવું વલણ રાખવું જોઈએ. (યોહાન ૧૩:૧-૧૫) કેવી નમ્રતા! આમ, ખ્રિસ્તી સેવકો યહોવાહ પરમેશ્વર અને ઈસુ ખ્રિસ્તની નમ્રપણે સેવા કરે છે. (૨ કોરીંથી ૬:૪; ૧૧:૨૩) તેઓ નમ્રતાથી એકબીજાની સેવા કરે છે. વળી, તેઓ પરમેશ્વરના રાજ્યનો પ્રચાર કરે છે ત્યારે, કોઈ સ્વાર્થ વિના સર્વ લોકોની સેવા કરે છે.—રૂમી ૧:૧૪, ૧૫; એફેસી ૩:૧-૭.

સેવામાં લાગુ રહો

૨૧. પાઊલે દુઃખો સહન કરીને સેવા કરી, એનો કેવો બદલો મળ્યો?

૨૧ પાઊલે સેવક તરીકે ઘણું સહન કર્યું. તેમણે કોલોસીના ભાઈઓને કહ્યું કે તેઓને પ્રચાર કરવા પોતે ઘણા દુઃખ સહન કર્યાં હતા. (કોલોસી ૧:૨૪, ૨૫) જોકે તેમણે સહન કરીને પણ સેવા ચાલુ રાખી, એથી ઘણા એ સ્વીકારીને સેવકો બન્યા. તેઓ પરમેશ્વરના દીકરા અને ઈસુ ખ્રિસ્તના ભાઈઓ બન્યા, જેઓને સ્વર્ગમાં ઈસુની સાથે રાજ કરવાની આશા હતી. આમ, પાઊલે સહન કરીને સેવા ચાલુ રાખી, એનો કેવો ભવ્ય બદલો મળ્યો!

૨૨, ૨૩. (ક) આજે શા માટે ખ્રિસ્તી સેવકોએ ટકી રહેવાની જરૂર છે? (ખ) સહન કરીને પણ સેવા ચાલુ રાખવાથી આપણને કયા આશીર્વાદો મળશે?

૨૨ આજે પરમેશ્વરના સાચા સેવકોએ પણ એ જ રીતે સેવા ચાલુ રાખવાની જરૂર છે. ઘણાએ દરરોજ બીમારી કે ઘડપણને લીધે ઘણું સહન કરવું પડે છે. માબાપે, કોઈ વખત એકલા હાથે બાળકો ઉછેરવા તનતોડ મહેનત કરવી પડે છે. બાળકોએ શાળામાં બીજાઓની ખરાબ અસરનો હિંમતથી સામનો કરવો પડે છે. ઘણા ખ્રિસ્તીઓ પાસે જીવન જીવવા પૂરતા પૈસા પણ હોતા નથી. વળી, ઘણા સતાવણી સહન કરે છે અથવા “સંકટના વખતો” હોવાના કારણે મુશ્કેલીઓ સહે છે. (૨ તીમોથી ૩:૧) આજે લગભગ સાઠ લાખ જેટલા યહોવાહના સેવકો પાઊલની સાથે કહી શકે કે, ‘સર્વ વાતે અમે દેવના સેવકોને શોભે એવી રીતે બહુ જ ધીરજ રાખીને વર્તીએ છીએ.’ (૨ કોરીંથી ૬:૪) તેમ છતાં, ખ્રિસ્તી સેવકો સેવા આપવાનું બંધ કરી દેતા નથી. ખરેખર, તેઓની પ્રશંસા કરવામાં આવે છે.

૨૩ વળી, પાઊલની જેમ, તેઓ સહન કરીને પણ સેવા ચાલુ રાખે છે, એનાથી ઘણા જ આશીર્વાદ મળે છે. એમ કરીને, આપણે યહોવાહ પરમેશ્વર સાથે મિત્રતા જાળવી રાખીએ છીએ અને તેમના હૃદયને આનંદ પમાડીએ છીએ. (નીતિવચન ૨૭:૧૧) આપણે પોતાનો વિશ્વાસ દૃઢ કરીએ છીએ, અને શિષ્યો બનાવીને ખ્રિસ્તી સેવકોમાં વધારો કરીએ છીએ. (૧ તીમોથી ૪:૧૬) આ છેલ્લા દિવસોમાં યહોવાહે પોતાના સેવકોને આશીર્વાદ આપીને ટકાવી રાખ્યા છે. તેથી, ૧,૪૪,૦૦૦માંથી બાકી રહેલાઓ પણ ભેગા થયા છે, અને લાખો બીજા સેવકો બગીચા જેવી સુંદર પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા રાખે છે. (લુક ૨૩:૪૩; પ્રકટીકરણ ૧૪:૧) સાચે જ, ખ્રિસ્તી સેવા પરમેશ્વર યહોવાહની દયા બતાવે છે. (૨ કોરીંથી ૪:૧) ચાલો આપણે સર્વ અમૂલ્ય ખજાનાની જેમ એની કદર કરીએ, અને એના કાયમી આશીર્વાદ માટે આભારી થઈએ.—૧ યોહાન ૨:૧૭.

[ફુટનોટ]

^ ખરું કે રૂમી ૧૨:૧ અભિષિક્ત ખ્રિસ્તીઓને લાગુ પડે છે. પરંતુ, એનો સિદ્ધાંત બીજાં ઘેટાંને પણ લાગુ પડે છે. (યોહાન ૧૦:૧૬) તેઓ પણ ‘યહોવાહની સેવા કરવા સારુ, તેમના નામ પર પ્રીતિ રાખવા સારુ અને તેમના સેવક થવા સારુ આવે છે.’—યશાયાહ ૫૬:૬.

શું તમે સમજાવી શકો?

• પહેલી સદીના સર્વ ખ્રિસ્તીઓની કઈ જવાબદારી હતી?

• ક્યારે અને કોના દ્વારા ખ્રિસ્તી સેવક નિયુક્ત થાય છે?

• ખ્રિસ્તી સેવકે કેવું વલણ કેળવવું જોઈએ?

• મુશ્કેલીઓ સહન કરીને પણ શા માટે ખ્રિસ્તી સેવકોએ સેવા ચાલુ રાખવી જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૬, ૧૭ પર ચિત્રો]

તીમોથીને બાળપણથી પરમેશ્વરનું શિક્ષણ મળ્યું હતું. તે બાપ્તિસ્મા પામ્યા ત્યારે સેવક તરીકે નિયુક્ત થયા

[પાન ૧૮ પર ચિત્ર]

બાપ્તિસ્મા પરમેશ્વરને આપણું સમર્પણ રજૂ કરે છે અને ત્યારથી વ્યક્તિ સેવક તરીકે નિયુક્ત થાય છે

[પાન ૨૦ પર ચિત્ર]

ખ્રિસ્તી સેવકો પોતાની ઇચ્છાથી સેવા કરે છે