સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમારે શા માટે પ્રાર્થના કરવી જોઈએ?

તમારે શા માટે પ્રાર્થના કરવી જોઈએ?

તમારે શા માટે પ્રાર્થના કરવી જોઈએ?

“તમે માગો છો પણ તમને મળતું નથી, કેમકે તમે . . . ખોટા ઇરાદાથી માગો છો. તમે દેવની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે.” (યાકૂબ ૪:૩,) ઈસુના શિષ્ય યાકૂબના આ શબ્દો આપણને સારી રીતે યાદ દેવડાવે છે કે આપણે શા માટે પ્રાર્થના કરવી જોઈએ.

એનો અર્થ એ નથી થતો કે, આપણને કંઈ જોઈતું હોય એટલે પરમેશ્વરને પ્રાર્થના કરવી જોઈએ. કેમ કે ઈસુએ પહાડ પરના પોતાના પ્રવચનમાં કહ્યું: “જેની તમને અગત્ય છે, તે તેની પાસે માગ્યા અગાઉ તમારો બાપ જાણે છે.” ઈસુએ એમ પણ કહ્યું: “માગો, તો તમને અપાશે.” (માત્થી ૬:૮; ૭:૭) આમ આપણને જોવા મળે છે કે, યહોવાહ ઇચ્છે છે કે આપણા હૃદયમાં જે કંઈ હોય એ આપણે દિલ ખોલીને તેમને પ્રાર્થનામાં જણાવીએ. પરંતુ, પ્રાર્થનામાં એનાથી વધારે સમાયેલું છે.

સાચા મિત્રો ફક્ત જરૂર હોય ત્યારે જ એકબીજા સાથે વાત કરતા નથી. તેઓને એકબીજામાં રસ હોય છે અને તેઓ એકબીજા પાસે દિલ ખોલીને વાત કરે તેમ તેઓની મિત્રતા વધુ ગાઢ બને છે. એ જ રીતે, આપણે પણ ફક્ત માગવા માટે જ પ્રાર્થના કરવી જોઈએ નહિ. દિલ ખોલીને યહોવાહ પરમેશ્વરને પ્રાર્થના કરવાથી તેમની સાથે સારી મિત્રતા બાંધવા માટે આપણને સુંદર તક મળે છે.

હા, પરમેશ્વરે આપણને પ્રાર્થના કરવાનો લહાવો આપીને તેમની પાસે પહોંચી જવાનું શક્ય બનાવ્યું છે. જોકે ગોખેલી પ્રાર્થના કરવાથી એમ થતું નથી. પરંતુ એમ કરવા માટે આપણે દિલ ખોલીને પરમેશ્વરને પ્રાર્થના કરવાની જરૂર છે. ખરેખર, યહોવાહ પરમેશ્વરને પ્રાર્થના કરવાનો કેટલો ભવ્ય આશીર્વાદ! એ ઉપરાંત બાઇબલમાં એક નીતિવચન કહે છે: “પ્રામાણિકની પ્રાર્થનાથી તેને [યહોવાહને] આનંદ થાય છે.”—નીતિવચન ૧૫:૮.

ગીતશાસ્ત્રના એક લેખક, આસાફે ગાયું: “ઈશ્વર પાસે આવવું, તેમાં મારૂં કલ્યાણ છે.” (ગીતશાસ્ત્ર ૭૩:૨૮) પરંતુ પરમેશ્વર સાથે મિત્રતા બાંધવા માટે આપણે પ્રાર્થના કરતાં કંઈક વધારે કરવાની જરૂર છે. એના વિષે નીચે આપેલા અહેવાલોની નોંધ લો:

‘તેના [ઈસુના] શિષ્યોમાંના એકે તેને કહ્યું, કે પ્રભુ, પ્રાર્થના કરતાં અમને શિખવ.’ ત્યારે જવાબમાં ઈસુએ કહ્યું: “તમે પ્રાર્થના કરો, ત્યારે કહો, કે ઓ આકાશમાંના અમારા બાપ, તારૂં નામ પવિત્ર મનાઓ; તારૂં રાજ્ય આવો.” (લુક ૧૧:૧, ૨) શું પરમેશ્વરનું નામ જાણ્યા વગર આપણે કહી શકીએ કે, કઈ રીતે તેમનું નામ પવિત્ર મનાશે? તેમ જ શું તેમનું નામ જાણ્યા વગર આપણે દિલ ખોલીને પ્રાર્થના કરી શકીએ? વળી, પરમેશ્વરના રાજ્ય વિષે સમજ્યા વગર શું આપણે ઈસુની જેમ પ્રાર્થના કરી શકીએ? બાઇબલમાં આ બધી બાબતોની સમજણ આપવામાં આવી છે. આપણે કાળજીપૂર્વક બાઇબલનો અભ્યાસ કરીશું તો આપણને એની સમજણ મળશે. આ રીતે જ્ઞાન મેળવવાથી આપણે પરમેશ્વરને સારી રીતે ઓળખી શકીશું અને તેમના માર્ગો સમજવા માટે મદદ મળશે. એ ઉપરાંત પરમેશ્વર યહોવાહ સાથે મિત્રતા બાંધવાથી આપણે તેમના ભક્ત બની શકીશું. આમ આપણે સહેલાઈથી તેમને પ્રાર્થના કરી શકીશું.

પ્રાર્થના મદદ કરી શકે છે

યહોવાહ પરમેશ્વર સાથે મિત્રતા બાંધવાથી આપણને મુશ્કેલીઓ દૂર કરવામાં પણ મદદ મળે છે. નીચે આપેલા અનુભવોમાં જુઓ કે કઈ રીતે મુશ્કેલીઓ દૂર થઈ છે. વધુમાં એ બતાવે છે કે જેઓ પ્રાર્થના કરતા હતા, તેઓને યહોવાહ પરમેશ્વર સાથે મિત્રતા બાંધવા કઈ રીતે મદદ મળી હતી.

બ્રાઝિલમાં મારીઆ નામની એક સ્ત્રીએ મદદ માટે પરમેશ્વરને પ્રાર્થના કરી. તે પોતાના સમાજનો વિરોધ કરતી હતી, કારણ કે એમાં બધે જ નર્યો ઢોંગ ચાલતો હતો. મારીઆએ પોતાનું ઘર, પતિ અને બાળકોને છોડી દીધા. તેમ જ તે ડ્રગ્સનો પણ ઉપયોગ કરવા લાગી. તેને સાચું સુખ જોઈતું હતું. પરંતુ તેને એ ન મળ્યું ત્યારે, છેવટે તેણે મદદ માટે પરમેશ્વરને દિલ ખોલીને પ્રાર્થના કરી.

થોડા જ સમયમાં, યહોવાહના બે સાક્ષીઓ તેના ઘરે આવ્યા અને તેને ચોકીબુરજ સામયિક આપ્યું. એમાં પરમેશ્વરનું માર્ગદર્શન સ્વીકારવું કેટલું મહત્ત્વનું છે એ વિષય પર લેખ હતો. એ લેખથી મારીઆ પર ઊંડી અસર પડી. તેથી એ જ દિવસથી તે યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખવા લાગી. બાઇબલમાંથી શીખવાથી તેને ઘણી મદદ મળી અને છેવટે તે ફરીથી પોતાના કુટુંબ સાથે રહેવા લાગી. યહોવાહ પરમેશ્વર વિષે શીખ્યા પછી તે તેમના માટેનો પોતાનો પ્રેમ બતાવવા માગતી હતી. મારીઆએ કહ્યું, “મેં મારા વર્તનમાં ઘણો સુધારો કર્યો. હું બાઇબલમાંથી શીખતી હતી ત્યારે પ્રથમ તો મારા પતિ અને કુટુંબે ઘણો વિરોધ કર્યો. પછી તેઓએ જોયું કે મારા વર્તનમાં હું ઘણો જ સુધારો કરી રહી છું ત્યારે તેઓએ મને ઉત્તેજન આપ્યું.” સમય જતાં મારીઆએ પ્રાર્થનાના સાંભળનાર પરમેશ્વરની સેવા કરવા પોતાનું જીવન સમર્પિત કર્યું.

બોલિવિયામાં હોશે નામની એક વ્યક્તિ રહેતી હતી. તેને સુંદર પત્ની હતી અને તેનો વ્યાપાર પણ ખૂબ જ સારો ચાલતો હતો. છતાં તે ખુશ ન હતો. બીજી સ્ત્રી સાથે તેનું લફરું ચાલતું હતું. તેથી તેની પત્ની તેને છોડીને ચાલી ગઈ. પછી તે ખૂબ જ દારૂ પીવા લાગ્યો અને તેને લાગતું હતું કે પોતે કોઈ કામનો નથી. હોશે કહે છે: “હું શું કરું એ જ મને ખબર પડતી ન હતી, તેથી મેં દિલ ખોલીને પરમેશ્વરને પ્રાર્થના કરી. થોડા જ દિવસો પછી યહોવાહના સાક્ષીઓ મારા કામના સ્થળે આવ્યા અને બાઇબલ વિષે વાત કરી. તેઓ ફરી આવીને એમાંથી શીખવવા ચાહતા હતા, પરંતુ મેં તેઓને કાઢી મૂક્યા. એવું ત્રણ વાર બન્યું. મદદ માટે હું જ્યારે પણ પ્રાર્થના કરતો, તેઓ મારી પાસે આવતા. છેવટે, મેં નક્કી કર્યું કે ફરી તેઓ આવશે ત્યારે હું તેઓનું સાંભળીશ. મેં આખું બાઇબલ વાંચી કાઢ્યું હતું અને મારા મનમાં ઘણા પ્રશ્નો ઊભા થયા હતા. તેઓએ હંમેશા મારા બધા જ પ્રશ્નોના સંતોષકારક જવાબો આપ્યા. યહોવાહ પરમેશ્વર વિષે શીખવાથી મને જીવનનો હેતુ મળ્યો, અને યહોવાહના સાક્ષીઓ સાથે સંગત રાખવાથી મને નવા મિત્રો પણ મળ્યા જેઓ ખરેખર ઉત્તેજન આપનારા હતા! પછી મેં બીજી સ્ત્રીને તથા દારૂડિયા મિત્રોને છોડી દીધા. ટૂંક સમયમાં જ હું મારી પત્ની અને બાળકો સાથે રહેવા લાગ્યો. વર્ષ ૧૯૯૯ની શરૂઆતમાં મેં બાપ્તિસ્મા લીધું.”

ઇટાલીમાં ટૉમોરોનું લગ્‍ન જીવન મુશ્કેલીમાં હતું. તેથી, તેણે મદદ માટે પ્રાર્થના કરી. ચૌદ વર્ષની ઉંમરે જ તેને મારીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. તેથી તે ચિડીયા સ્વભાવની બની ગઈ હતી. ટૉમોરો કહે છે: “પછી હું બાઇબલ લાવી અને વાંચવા લાગી. એક રાત્રે મેં બાઇબલમાં વાંચ્યું કે ‘ડહાપણની શોધ કરવી ખજાનાની શોધ કરવા બરાબર છે.’ આ વાંચ્યા પછી મેં એ ડહાપણ માટે પ્રાર્થના કરી. (નીતિવચન ૨:૧-૬, IBSI) બીજે દિવસે સવારે યહોવાહના સાક્ષીઓ મારા ઘરે આવ્યા. તેઓ મને બાઇબલમાંથી જે શીખવતા હતા એને અમલમાં મૂકતા મને થોડો સમય લાગ્યો. છેવટે, મેં સાચા ખ્રિસ્તી તરીકે જીવવાનો નિર્ણય કર્યો અને બાપ્તિસ્મા લીધું. હવે હું અને મારા પતિ બીજાઓને પરમેશ્વર વિષે શીખવી રહ્યા છીએ.”

વેનેઝૂએલા, કારાકાસમાં રહેતી બીએટ્રીસ, ઉચ્ચ સમાજમાંથી આવે છે. તેના છૂટાછેડા થઈ ગયા હોવાથી તે ખૂબ ઉદાસ હતી. કોઈ આશા ન હોવાથી તેણે એક દિવસ કલાકો સુધી પ્રાર્થના કરી. બીજા દિવસે યહોવાહના સાક્ષીઓએ તેના ઘરની ઘંટડી વગાડી. તેણે કંટાળીને દરવાજાના કાણામાંથી જોયું તો બ્રીફકેસ સાથે યુગલ ઊભું હતું. તેને વાત કરવી ન હતી તેથી તેણે ઘરે કોઈ ન હોય એવો ડોળ કર્યો. પરંતુ જતા પહેલાં યુગલ દરવાજા નીચે એક પત્રિકા સરકાવતું ગયું. એનો વિષય હતો, “તમારા બાઇબલ વિષે શીખો.” તેને વિચાર આવ્યો કે, ગઈ કાલે જ તો મેં પ્રાર્થના કરી હતી. શું એ કારણથી તેઓ આવ્યા હશે? પછી તેણે દરવાજો ખોલીને તેઓને પાછા બોલાવ્યા. થોડા જ સમયમાં તે બાઇબલમાંથી શીખવા લાગી અને પછી બાપ્તિસ્મા લીધું. છેવટે તેને મનની શાંતિ મળી, અને તે હવે બીજાઓને એના વિષે શીખવી રહી છે.”

કૉરમન ખૂબ જ ગરીબ હોવાથી તેણે મદદ માટે પ્રાર્થના કરી. તેને દસ બાળકો હતાં અને તેનો પતિ રાફાએલ દારૂડિયો હતો. તેણે કહ્યું, “હું લોકોના કપડાં ધોઈને અમારું પૂરું કરતી હતી.” પરંતુ રાફાએલ વધારે ને વધારે પીવા લાગ્યો. “અમે યહોવાહના સાક્ષીઓ પાસેથી બાઇબલમાંથી શીખવા લાગ્યા ત્યાં સુધી તે સુધર્યા નહિ. પરંતુ એના થોડા જ સમય પછી તેમનામાં સુધારો થવા લાગ્યો. અમે પરમેશ્વરના વચન વિષે શીખ્યા કે, યહોવાહ જલદી જ પૃથ્વી પરથી ગરીબી અને દુઃખોને દૂર કરશે. ખરેખર પરમેશ્વરે મારી પ્રાર્થના સાંભળી!” યહોવાહના માર્ગો વિષે શીખવાથી રાફાએલે દારૂ પીવાનું છોડી દીધું અને તેણે “નવું માણસપણું” પહેરી લીધું. (એફેસી ૪:૨૪) હવે તે પોતાના કુટુંબ સાથે સારી રીતે રહે છે. રાફાએલ કહે છે: “ભલે અમે અમીર નથી, કે અમારું પોતાનું ઘર નથી. પરંતુ અમારે જીવવા માટે ભીખ માગવી પડતી નથી, તેથી અમે ખુશ છીએ.”

સર્વ પ્રાર્થના સાંભળવામાં આવશે

શું પ્રાર્થના કરવાથી આ લોકોને લાભ થયો? ચોક્કસ! શું તમે એક નોંધ કરી કે મોટા ભાગના કિસ્સાઓમાં તેઓની પ્રાર્થનાઓ કઈ રીતે સાંભળવામાં આવી હતી? જ્યારે યહોવાહના સાક્ષીઓના ખ્રિસ્તી મંડળમાંથી કોઈએ તેઓની મુલાકાત લીધી અને બાઇબલમાંથી પરમેશ્વર વિષે શીખ્યા પછી, તેઓને યહોવાહના મિત્ર થવા મદદ મળી.—પ્રેરિતોનાં કૃત્યો ૯:૧૧.

તેથી આપણી પાસે પ્રાર્થના કરવાને સારું કારણ છે. આપણે પરમેશ્વરનું રાજ્ય પૃથ્વી પર આવે અને તેમની ઇચ્છા પૃથ્વી પર પૂરી થાય એ માટે જે પ્રાર્થના કરી રહ્યા છીએ એ હવે થોડા જ સમયમાં પૂરી થશે. (માત્થી ૬:૧૦) પછી યહોવાહ પરમેશ્વર પૃથ્વી પરથી તેમના દુશ્મનોનો નાશ કરશે ત્યારે “પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે.” (યશાયાહ ૧૧:૯) ત્યારે યહોવાહ પરમેશ્વરની સેવા કરવા ચાહે છે, તેઓ સર્વ ‘દેવનાં છોકરાંના મહિમાની સાથે રહેલી મુક્તિનો’ આનંદ માણશે અને આમ તેઓની પ્રાર્થનાઓનો ચોક્કસ જવાબ મળશે.—રૂમી ૮:૧૮-૨૧.

[પાન ૭ પર ચિત્ર]

શું તમે જાણો છો કે આપણે શા માટે પ્રાર્થના કરવી જોઈએ?