સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પેરુના આલ્ટિપ્લાનોમાં રાજ્યનો પ્રચાર

પેરુના આલ્ટિપ્લાનોમાં રાજ્યનો પ્રચાર

આપણે વિશ્વાસ રાખનારા છીએ

પેરુના આલ્ટિપ્લાનોમાં રાજ્યનો પ્રચાર

ઍન્ડીઝ પર્વતમાળાની પૂર્વીય અને પશ્ચિમી હારમાળા વચ્ચે, બોલિવિયા અને પેરુ, એ બે દેશો ભેગા મળે છે, એ વિસ્તાર આલ્ટિપ્લાનો છે. એના નામનો અર્થ “ઊંચા મેદાનો” કે “પહાડની ટોચ પરની સપાટ ધરતી” થાય છે. આલ્ટિપ્લાનોના મોટા ભાગનો વિસ્તાર બોલિવિયામાં આવેલો છે.

આલ્ટિપ્લાનોનો વિસ્તાર ૧૦૦ કિલોમીટર પહોળો અને ૧,૦૦૦ કિલોમીટર લાંબો છે. સમુદ્રની સપાટીથી એની સરેરાશ ઊંચાઈ લગભગ ૧૨,૦૦૦ ફૂટ છે. પેરુના મુખ્ય શહેર લીમાથી વિમાનમાં તમે ત્યાં જાઓ તો હિમાચ્છાદિત અલ મિસ્તી જ્વાળામુખી ઉપરથી પસાર થશો. આ જ્વાળામુખી વાદળોની પણ પેલે પાર ૧૯,૧૦૧ ફૂટ ઊંચો છે. એનાથી થોડે દૂર નૅબોડો આમપાર્ટા અને નૅબોડો કૉરોપૂનોના હિમાચ્છાદિત શિખરો આવેલાં છે જે ૨૦,૦૦૦ ફૂટ ઊંચા છે. પછી એકદમ જ દક્ષિણ પેરુના આલ્ટિપ્લાનોનો વિશાળ સપાટ વિસ્તાર જોવા મળે છે.

પેરુવિયન આલ્ટિપ્લાનોનું મુખ્ય શહેર પુનૉ, દુનિયાના સૌથી મોટા સરોવર ટીટીકાકાના ઉત્તર પશ્ચિમી છેડે આવેલું છે. આ વિસ્તાર પાંચ કિલોમીટર ઊંચે આવેલો હોવાથી ત્યાંની પાતળી હવાની આબોહવાને અનુકૂળ થવામાં પ્રવાસીઓને થોડો સમય લાગે છે. ટીટીકાકા સરોવરની પાસે ક્યુચુઆ અને ઐમારા જાતિના આદિવાસી લોકો રહે છે. તેઓને લાલ, લીલાં અને ભૂરાં રંગબેરંગી વસ્ત્રોમાં પોતાના નાનાં નાનાં ખેતરોમાં કામ કરતા જોઈ શકાય છે. પેરુની મુખ્ય ભાષા સ્પૅનિશ હોવા છતાં, આલ્ટિપ્લાનોમાં ક્યુચુઆ અને ઐમારા ભાષા પણ બોલવામાં આવે છે.

પ્રચારકાર્યને જોશપૂર્વક આગળ ધપાવવું

ક્યુચુઆ અને ઐમારા ભાષા બોલતા ઘણા નમ્ર તથા મહેનતુ લોકોએ તાજેતરમાં જ બાઇબલનું ચોક્સાઈભર્યું જ્ઞાન લીધું છે. એનું મુખ્ય કારણ એ છે કે યહોવાહે પૂરા સમયના ખાસ પાયોનિયરોના રાજ્ય પ્રચાર કરવાના ઉત્સાહી પ્રયત્નોને પુષ્કળ આશીર્વાદ આપ્યો છે.

ઉદાહરણ તરીકે, ટીટીકાકા સરોવરથી ૫૦ કિલોમીટર દૂર પૉટીના શહેરમાં એક ખાસ પાયોનિયર યુગલ, હોશો અને સીલ્વિયાને મોકલવામાં આવ્યા. ફક્ત બે જ મહિનામાં સીલ્વિયાએ ૧૬ અને હોશેએ ૧૪ બાઇબલ અભ્યાસો શરૂ કર્યા. અને ફક્ત છ મહિનામાં મંડળના પ્રકાશકોની સંખ્યા ૨૩થી વધીને ૪૧ની થઈ ગઈ. એ દરમિયાન, મંડળની હાજરી ૪૮થી વધીને ૧૩૨ના શિખરે પહોંચી.

હોશે કહે છે, “આ છૂટાછવાયા વિસ્તારોમાં જાહેર સભા અને મંડળ પુસ્તક અભ્યાસથી સભાઓની શરૂઆત કરવી અમને વધુ ઉપયોગી જણાયું. એના કારણે નવા રસ ધરાવનારાઓને સભાઓમાં હાજરી આપવી સહેલું લાગે છે.”

બે બહેનોએ સૌ પ્રથમ પૉટીનાથી લગભગ ૨૦ કિલોમીટર દૂર આવેલા, મુનાની શહેરના છૂટાછવાયા વિસ્તારોમાં સુસમાચારનો પ્રચાર કર્યો, એમાંની એક બહેન પાયોનિયર હતી. ત્યાં તેઓએ લ્યુસીકો નામની એક આંધળી વ્યક્તિ સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. * આ વ્યક્તિએ નજીકમાં જ રહેતા પોતાના નાના ભાઈ મીંગુલને બાઇબલ અભ્યાસ માટે બોલાવ્યા જે એક કૅથલિક મિશનરિ અને ત્યાંના સમાજના આગેવાન હતા. મીંગુલના મિત્રએ તેમને પૂછ્યું કે શા માટે તમે દર સપ્તાહે મુનાની જાવ છો? તેમણે જવાબ આપ્યો કે યહોવાહ પરમેશ્વર અને તેમના શબ્દ બાઇબલ વિષે શીખવા માટે. એ મિત્રએ કહ્યું કે, “શા માટે આપણે અહીં બાઇબલનો અભ્યાસ કરતા નથી?” આમ, મુનાનીમાં રહેતા લોકોએ પણ સત્યમાં રસ બતાવ્યો હોવાથી સાક્ષીઓએ તરત જ ત્યાં સભાઓનું આયોજન કર્યું.

મીંગુલ જે શીખી રહ્યા હતા એ વિષે બીજાઓને જણાવવા લાગ્યા. પરંતુ તેમણે પોતાના કૅથલિક મિશનરિ અને નાયબ રાજ્યપાલ તરીકેના હોદ્દાનું શું કર્યું? તેમણે એક સભા ભરીને કૅથલિક મિશનરિ પદેથી રાજીનામું આપ્યાની જાહેરાત કરી. પછી તેમણે પૂછ્યું કે તેમની જગ્યાએ બીજા કોની નિમણૂક કરવામાં આવે? હાજર રહેલાઓમાંથી કોઈકે કહ્યું: “આપણે સત્ય શીખી રહ્યા છીએ, પછી બીજા મિશનરિની શું જરૂર છે? અલબત્ત, આ તો યહોવાહના સાક્ષીઓએ જે શીખવ્યું એની ઝલક માત્ર હતી. બીજી એક વ્યક્તિએ કહ્યું: “શા માટે તમે એકલા જ રાજીનામું આપો? શું અમારે બધાએ રાજીનામું ન આપવું જોઈએ? તરત જ હાજર રહેલા બધાએ એકસાથે જવાબ આપ્યો: “અમે બધા રાજીનામું આપીએ છીએ!”

એ પછી થોડા જ સમયમાં તેઓએ એક સભા ભરીને એમાં મૂર્તિઓ તથા ક્રોસ વિષે ચર્ચા કરી. એક માણસે ત્યાં હાજર રહેલાઓને પુનર્નિયમ ૭:૨૫ વાંચવા જણાવ્યું જે આમ કહે છે: “તેઓનાં દેવદેવીઓની કોતરેલી મૂર્તિઓ તમારે આગથી બાળી નાખવી; તેઓનાં અંગ પરના રૂપા પર કે સોના પર તું લોભાતો નહિ, તેમજ તે તારે માટે લેતો નહિ, રખેને તું તેમાં ફસાઈ પડે; કેમકે યહોવાહ તારા દેવની નજરમાં એ અમંગળ છે.”

ત્યાર પછી તે માણસે કહ્યું કે જે લોકો મૂર્તિઓ બાળવાની તરફેણમાં હોય તેઓ હાથ ઊંચા કરે. તરત જ બધા લોકોએ હાથ ઊંચા કર્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૧૯, ૨૦) હવે ૨૫ કુટુંબોમાંથી ૨૩ કુટુંબો અત્યારે બાઇબલનો અભ્યાસ કરી રહ્યા છે. બે વ્યક્તિઓ બાપ્તિસ્મા નહિ પામેલા પ્રકાશક તરીકે સેવા કરી રહી છે. અને પાંચ યુગલોએ પોતાના લગ્‍નને કાયદેસર બનાવ્યું કે જેથી તેઓ યહોવાહ સમક્ષ શુદ્ધ બની શકે.—તીતસ ૩:૧; હેબ્રી ૧૩:૪.

કૅસેટ દ્વારા શિક્ષણ

આલ્ટિપ્લાનોમાં મોટા ભાગના લોકો અશિક્ષિત છે. તેથી ત્યાંની ભાષામાં તૈયાર કરવામાં આવેલી વૉચટાવર શાખાની વિડીયો અને ઑડિયો કૅસેટ ઘણી જ મદદરૂપ થાય છે. ગૃહ બાઇબલ અભ્યાસ ચલાવવા માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. ડોરા નામની એક ખાસ પાયોનિયર બહેન, દેવ આપણી પાસે શું માંગે છે? મોટી પુસ્તિકાની ઑડિયો કૅસેટ દ્વારા બાઇબલ અભ્યાસો ચલાવે છે. તે વિદ્યાર્થીઓને એક ફકરો સંભળાવે છે અને પછી એના આધારે પ્રશ્નો પૂછે છે.

સ્થાનિક રૅડિયો સ્ટેશન નિયમિતપણે ક્યુચુઆ ભાષામાં માંગ પુસ્તિકાનો અમુક ભાગ પ્રસારિત કરે છે. એ જ રીતે સ્પૅનિશ ભાષામાં પણ સજાગ બનો!ના અમુક ભાગ પ્રસારિત કરવામાં આવે છે. આથી, ઘણા લોકો રાજ્યનો સંદેશો જાણી શક્યા છે અને જ્યારે યહોવાહના સાક્ષીઓ તેમના ઘરે જાય છે ત્યારે તેઓ વધુ જાણવા માગે છે.

ભલે જગતે આલ્ટિપ્લાનોની કોઈ ખાસ નોંધ લીધી ન હોય પણ યહોવાહે એની નોંધ લીધી છે. માણસજાત પ્રત્યેના યહોવાહના પ્રેમને કારણે આપણે તેમના આભારી છીએ. એના લીધે જ આલ્ટિપ્લાનોના આદિવાસીઓ સાચી ઉપાસના માટે ભેગા મળી રહેલાં ટોળાનો ભાગ બને છે કે જેઓ યહોવાહના નામને મહિમા આપી રહ્યા છે.—હાગ્ગાય ૨:૭.

[ફુટનોટ]

^ કેટલાંક નામો બદલવામાં આવ્યાં છે.