સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું પ્રાર્થનાથી કંઈ લાભ થાય છે?

શું પ્રાર્થનાથી કંઈ લાભ થાય છે?

શું પ્રાર્થનાથી કંઈ લાભ થાય છે?

આજકાલ બધાને પ્રાર્થના કરવાની જરૂર પડે છે. હકીકતમાં દરેક ધર્મના લોકો પૂરા દિલથી પ્રાર્થના કરતા હોય છે. દાખલા તરીકે, બૌદ્ધમાં માનતા લોકો દિવસમાં હજારો વખત આ રીતે જપ કરતા હોય છે, “હું અમીદા બુદ્ધામાં માનું છું.”

આજે આખા જગતમાં લાખો પ્રાર્થનાઓ કરવામાં આવે છે છતાં, મુશ્કેલીઓ તો વધી જ રહી છે. તેથી પ્રશ્ન એ ઊભો થાય છે કે લોકો શા માટે પ્રાર્થના કરે છે? અને પ્રાર્થના કરવાથી શું લાભ થાય છે?

શા માટે લોકો પ્રાર્થના કરે છે?

પૂર્વના અનેક લોકો પોતાના પૂર્વજોને, શીન્ટોને અથવા તાઓ દેવને પ્રાર્થના કરે છે. તેઓ પરીક્ષામાં પાસ થવા, સારો પાક લણવા અને રોગોથી બચવા માટે પ્રાર્થના કરે છે. બૌદ્ધ લોકો માને છે કે, એમ કરવાથી તેઓનું જ્ઞાન વધશે. હિંદુઓ જ્ઞાન, સંપત્તિ અને રક્ષણ માટે પોતાના મનગમતા દેવદેવીઓને પૂરા દિલથી પ્રાર્થના કરે છે.

અનેક કૅથલિકો માને છે કે, આશ્રમમાં કે મઠમાં સાધુ કે સાધ્વી બનીને જીવન જીવવાથી અને સતત પ્રાર્થના કરવાથી મનુષ્યને લાભ થશે. લાખો કૅથલિકો મરિયમની કૃપા મેળવવા જપમાળા કરે છે. પૂર્વના દેશોમાં ઘણા લોકો પ્રાર્થના-ચક્રનો ઉપયોગ કરે છે. આ ચક્ર પર પ્રાર્થના લખેલી હોય છે અને એક વખત ફેરવતાં એક વખત પ્રાર્થના કર્યા બરાબર ગણવામાં આવે છે. અને આવું તેઓ વારંવાર કરે છે. પ્રોટેસ્ટંટ લોકો પ્રભુની પ્રાર્થનાનું રટણ કરે છે અને ક્યારેક પોતાની લાગણીઓ પણ દેવને જણાવતા હોય છે. ઘણા યહુદીઓ યરૂશાલેમમાં જઈને એના મંદિરની પશ્ચિમ તરફની દિવાલ પાસે પ્રાર્થના કરે છે. તેઓ માને છે કે, એમ કરવાથી મંદિર ફરીથી બંધાશે અને શાંતિનો નવો યુગ આવશે.

આજે લાખો લોકો પૂરા દિલથી પ્રાર્થના કરે છે, તોપણ ગરીબી, વ્યસન, છિન્‍ન-ભિન્‍ન થએલા કુટુંબો, ગુનાઓ અને યુદ્ધો વધતા જ જાય છે. શું એનો અર્થ એમ થાય કે બધા લોકો ખોટી રીતે પ્રાર્થના કરી રહ્યા છે? શું ખરેખર કોઈ પ્રાર્થના સાંભળે છે?

શું કોઈ પ્રાર્થના સાંભળે છે?

જો કોઈ પ્રાર્થના સાંભળતું જ ન હોય તો પ્રાર્થના કરવી નકામી છે. સ્વાભાવિક રીતે જ, કોઈ પ્રાર્થના કરે છે ત્યારે તે માને છે કે, જરૂર કોઈ પ્રાર્થનાના સાંભળનાર છે અને તે પ્રાર્થના સાંભળશે. પરંતુ, એ માટે કંઈ જરૂરી નથી કે આપણો અવાજ તેમના સુધી પહોંચવો જોઈએ. કેમ કે ઘણા માને છે કે તે તો આપણા હૃદયના વિચારો પણ જાણી શકે છે. પરંતુ તે કોણ છે?

આપણા મગજમાં આવેલી અબજો કોશિકાઓમાં કઈ રીતે વિચારો શરૂ થાય છે એ વૈજ્ઞાનિકો પણ જાણતા નથી. તેથી એમ કહેવું યોગ્ય છે કે, જેમણે આપણું મગજ બનાવ્યું છે ફક્ત એ જ આપણા વિચારો જાણી શકે છે. અને તે આપણા ઉત્પન્‍નકર્તા, યહોવાહ પરમેશ્વર સિવાય બીજું કોઈ નથી. (ગીતશાસ્ત્ર ૮૩:૧૮; પ્રકટીકરણ ૪:૧૧) તેથી પ્રાર્થના પણ ફક્ત તેમને જ કરવી જોઈએ. પરંતુ શું યહોવાહ પરમેશ્વર આવી પ્રાર્થનાઓ સાંભળે છે?

શું દરેક પ્રાર્થના સાંભળવામાં આવે છે?

પ્રાચીન ઈસ્રાએલના રાજા દાઊદ હંમેશા પ્રાર્થના કરતા. પરમેશ્વરની પ્રેરણા હેઠળ તેમણે ગીત પણ ગાયું: “હે પ્રાર્થનાના સાંભળનાર, તારી પાસે સર્વ લોક આવશે.” (ગીતશાસ્ત્ર ૬૫:૨) જગતની હજારો ભાષાઓમાં પ્રાર્થના કરવામાં આવે છે એ દરેક યહોવાહ પરમેશ્વર સાંભળી અને સમજી શકે છે. પરંતુ મનુષ્યો માટે આ શક્ય નથી. તેથી એનો અર્થ એ નથી થતો કે પરમેશ્વર પણ મનુષ્યોની પ્રાર્થના સમજી શકતા નથી અને ધ્યાન આપતા નથી. જે લોકો તેમણે બતાવેલી રીત પ્રમાણે પ્રાર્થના કરે છે તેઓની પ્રાર્થના તે જરૂર સાંભળે છે.

ઈસુ ખ્રિસ્ત પણ હમેશાં પ્રાર્થના કરતા. તેમણે એ પણ જણાવ્યું કે, પરમેશ્વર દરેક પ્રાર્થનાઓ સાંભળીને ખુશ થતા નથી. એ સમયમાં લોકો ગોખેલી પ્રાર્થનાનું રટણ કરતા એ વિષે ઈસુ શું કહે છે એની નોંધ કરો. માત્થી ૬:૭ પ્રમાણે, તેમણે કહ્યું: “તમે પ્રાર્થના કરતાં વિદેશીઓની પેઠે અમથો લવારો ન કરો, કેમકે તેઓ ધારે છે કે અમારા ઘણા બોલવાથી અમારૂં સાંભળવામાં આવશે.” જો આપણે ઢોંગી રીતે પ્રાર્થના કરીશું તો શું યહોવાહ પરમેશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળશે? બિલકુલ નહિ.

બાઇબલ આપણને જણાવે છે કે, શા માટે અમુક પ્રાર્થનાઓ પરમેશ્વર સાંભળતા નથી: “જે માણસ નિયમનું શ્રવણ કરતાં પોતાનો કાન અવળો ફેરવી નાખે છે, તેની પ્રાર્થના પણ કંટાળારૂપ છે.” (નીતિવચન ૨૮:૯) વળી, બીજું એક કારણ આ છે: “યહોવાહ દુષ્ટથી દૂર છે; પણ તે સદાચારીની પ્રાર્થના સાંભળે છે.” (નીતિવચન ૧૫:૨૯) એક વખતે પ્રાચીન યહુદાહના જવાબદાર આગેવાનોએ ઘણા પાપ કર્યાં હતાં ત્યારે યહોવાહ પરમેશ્વરે તેઓને કહ્યું: “જ્યારે તમે પોતાના હાથ જોડશો ત્યારે હું તમારી તરફથી મારી નજર અવળી ફેરવીશ; તમે ઘણી પ્રાર્થનાઓ કરશો, પણ તે હું સાંભળનાર નથી; તમારા હાથ રક્તથી ભરેલા છે.”—યશાયાહ ૧:૧, ૧૫.

પ્રેષિત પીતરે પણ અમુક એવી બાબતો જણાવી, જેના લીધે પરમેશ્વર પ્રાર્થના સાંભળતા નથી. પીતરે લખ્યું: “એજ પ્રમાણે પતિઓ, સ્ત્રી નબળું પાત્ર છે એમ જાણીને, તેની સાથે સમજણપૂર્વક રહો, અને તમે તેઓની સાથે જીવનની કૃપાના સહવારસ છો એમ ગણીને, તેને માન આપો; કે જેથી તમારી પ્રાર્થનાઓ અટકાવવામાં ન આવે.” (૧ પીતર ૩:૭) જો કોઈ આ સલાહ પ્રમાણે ચાલે નહિ તો, તેની પ્રાર્થનાઓ સાંભળવામાં આવતી નથી!

આ બધી બાબતોથી એ સ્પષ્ટ થાય છે કે, પરમેશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળે એમ ઇચ્છતા હોઈએ તો આપણે તેમના નિયમો પ્રમાણે જીવવું જોઈએ. આજે મોટા ભાગના લોકો જાણવા માગતા નથી કે, પરમેશ્વર આપણી પાસે શું માંગે છે. તેથી જ પૂરા દિલથી કરવામાં આવેલી પ્રાર્થનાઓ સાંભળવામાં આવતી નથી કે એનાથી પૃથ્વી પરની સમસ્યાઓ દૂર થતી નથી.

તો પછી, શું કરવાથી પરમેશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળશે? એ માટે પહેલા આપણે એ જાણવું પડશે કે આપણે શા માટે પ્રાર્થના કરીએ છીએ. જો આપણે જાણવું હોય કે પ્રાર્થના કરવાથી કોઈ ફરક પડે છે, તો આપણે પ્રથમ એનો હેતુ સમજવાની જરૂર છે. યહોવાહ પરમેશ્વરે શા માટે એ શક્ય બનાવ્યું કે, આપણે તેમને પ્રાર્થના કરી શકીએ?

[પાન ૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

G.P.O., Jerusalem