સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“કાલે શું થશે એની તમને ખબર નથી”

“કાલે શું થશે એની તમને ખબર નથી”

મારો અનુભવ

“કાલે શું થશે એની તમને ખબર નથી”

હર્બર્ટ જેનિંગ્ઝના જણાવ્યા પ્રમાણે

“હું બંદરવાળા તેમા શહેરથી ટ્રક લઈને ઘાનાની વૉચટાવર સોસાયટીની શાખા કચેરીએ પાછો ફરી રહ્યો હતો. માર્ગમાં એક યુવાન કોઈ વાહનની રાહ જોતો ઊભો હતો. મેં ટ્રક થોભાવીને તેને બેસાડ્યો. આ તકનો લાભ લઈને મેં તેને સાક્ષી આપવાનું શરૂ કર્યું. મને લાગતું હતું કે હું સારી રીતે સાક્ષી આપી રહ્યો છું! પરંતુ, એ યુવાનના ઉતરવાના સ્થળે અમે પહોંચ્યા ત્યારે તે એકદમ ટ્રકમાંથી કૂદી પડ્યો અને દોડવા લાગ્યો.”

આ બનાવથી મને અણસારો મળ્યો કે નક્કી મને કંઈક અજુગતું થઈ રહ્યું છે. એ બધું કહું એ પહેલાં ચાલો તમને જણાવું કે હું કૅનેડાનો એક રહેવાસી, કઈ રીતે ઘાનામાં આવી પહોંચ્યો.

એ ડિસેમ્બર ૧૯૪૯નું વર્ષ હતું. કૅનેડાના ટોરન્ટો શહેરના એક પરગણામાં અમે કામ કરી રહ્યા હતા. એક નવા ઘરમાં પાણીની પાઈપલાઈન બેસાડવા અમે હમણાં જ હિમાચ્છાદિત જમીનમાં એક મીટર ઊંડો ખાડો ખોદ્યો હતો. ખૂબ ઠંડી અને થાકને કારણે અમે તાપણું સળગાવીને એની આસપાસ બેઠા હતા અને રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ટ્રક આવીને અમને લઈ જાય. અચાનક અમારી સાથે કામ કરનાર ઑર્નલ્ડ લૉર્ટને “યુદ્ધ અને યુદ્ધની અફવાઓ,” “આ જગતનો અંત” અને એવા બીજા વિષયો પર બોલવાનું શરૂ કર્યું કે જેનાથી હું બિલકુલ અજાણ હતો. બધા એકદમ ચૂપ થઈ ગયા અને મૂંઝાઈ ગયા. કેટલાકે તો તેનો વિરોધ પણ કર્યો. મને યાદ છે ત્યારે હું આમ વિચારી રહ્યો હતો કે ‘આ માણસ બહુ હિંમતવાન છે! કોઈ તેનું સાંભળવા માગતું નથી તોપણ તે બોલ્યે જ જાય છે.’ પરંતુ તે જે કહી રહ્યો હતો એનાથી હું ખૂબ જ પ્રભાવિત થયો. કેમ કે પેઢીઓથી અમારું કુટુંબ ક્રિસ્ટાદેલફિન ધર્મ પાળતું હતું, તોપણ મેં ક્યારેય આવી વાતો સાંભળી ન હતી. મેં એ ધ્યાનપૂર્વક સાંભળ્યું અને તેની વાતો સાંભળીને હું મુગ્ધ થઈ ગયો. આ બધુ બીજા વિશ્વયુદ્ધ પછી તરત જ બન્યું હતું.

ત્યાર પછી મેં વધારે માહિતી માટે તરત જ ઑર્નલ્ડનો સંપર્ક કર્યો. ભૂતકાળમાં ડોકિયું કરતાં હવે મને લાગે છે કે તે અને તેની પત્ની મારા પ્રત્યે કેટલા સહનશીલ અને માયાળુ હતા! ત્યારે હું ૧૯ વર્ષનો બિનઅનુભવી યુવાન હતો. હું ઘણી વાર ગમે ત્યારે અને વગર બોલાવ્યે તેમના ઘરે જતો હતો, તોપણ તેઓ હંમેશા મારો આવકાર કરતા. તેઓએ મારી વિચારસરણીમાં ફેરફાર કરવા તથા આદર્શો અને નૈતિકતા સંબંધી મારા મનમાં ઉઠતા પ્રશ્નોના જવાબ આપવા મદદ કરી. તાપણી પાસે જે અનુભવ થયો એના દસ મહિના પછી ઑક્ટોબર ૨૨, ૧૯૫૦માં મેં યહોવાહના એક સાક્ષી તરીકે બાપ્તિસ્મા લીધું અને નોર્થ યોર્ક શહેર, જે અત્યારે ટોરન્ટો શહેરનું એક પરું છે, એના વિલ્લોડેલ મંડળમાં જોડાયો.

સાથી ઉપાસકો સાથે મળીને પ્રગતિ કરવી

મારા પિતાએ જાણ્યું કે મેં નવો ધર્મ અપનાવ્યો છે ત્યારે તેમણે ખૂબ જ કકળાટ કર્યો અને એને લીધે ઘરનું વાતાવરણ તંગ બની ગયું. આ ઉપરાંત, એ જ સમયે મારા પપ્પાને એક દારુડિયા ટ્રક ડ્રાઇવરની બેદરકારીને લીધે અકસ્માત થવાથી માથામાં ઈજા થઈ હતી જેને લીધે તે બધા સાથે તોછડી રીતે વર્તતા હતા. મારી મમ્મી, બે નાના ભાઈઓ અને બે નાની બહેનો માટે જીવન ઘણું મુશ્કેલ બની ગયું. બાઇબલ સત્યને લીધે ઘરમાં તણાવ વધતો જ ગયો. તેથી મને લાગ્યું કે માબાપ સાથે શાંતિ જાળવી રાખવા અને “સત્યના માર્ગ”માં સુદૃઢ થવા હું બીજે રહેવા જઉં તો સારું થશે.—૨ પીતર ૨:૨.

તેથી મેં ૧૯૫૧ના ઉનાળાના અંતમાં ઘર છોડ્યું અને આલ્બર્ટાના કોલ્લેમન નગરમાં એક નાના મંડળમાં જોડાયો. ત્યાં રૉસ હન્ટ અને કીથ રોબીન્સ નામના બે યુવાનો નિયમિત પાયોનિયર કાર્ય કરતા હતા. તેમણે મને પણ પાયોનિયરીંગ કરવા માર્ગદર્શન આપ્યું અને હું માર્ચ ૧, ૧૯૫૨માં નિયમિત પાયોનિયર બન્યો.

મને જે ઉત્તેજન મળ્યું હતું એ હજુ પણ યાદ છે. મેં શીખવા માટે ખૂબ મહેનત કરી હતી, અને જુઓ, પછી મેં કેટલી પ્રગતિ કરી! આલ્બર્ટાના લેથબ્રિજ મંડળમાં એક વર્ષ સુધી પાયોનિયરીંગ કર્યા પછી અચાનક મને પ્રવાસી નિરીક્ષક તરીકેનું આમંત્રણ મળ્યું. મારે કૅનેડાના પૂર્વ કિનારે ન્યૂ બ્રુન્સ્વીકના મોનક્ટોનથી ક્યૂબેકના ગેસ્પે સુધીનાં બધાં છૂટાછવાયાં મંડળોની મુલાકાત લેવાની હતી.

હું ફક્ત ૨૪ વર્ષનો અને સત્યમાં નવો હોવાથી, મારાથી પરિપક્વ સાક્ષી ભાઈબહેનોની સરખામણીમાં હું અયોગ્ય છું એવી લાગણી થતી હતી. પછીના થોડા મહિનાઓ સુધી મેં સખત મહેનત કરી. વળી પાછું બીજું એક આશ્ચર્ય સામે આવ્યું.

ગિલયડ શાળાથી ઘાના સુધી

સપ્ટેમ્બર ૧૯૫૫માં મને ન્યૂયૉર્કના સાઉથ લાન્સિંગમાં વૉચટાવર બાઇબલ ગિલયડ શાળાના ૨૬મા વર્ગમાં જોડાવાનું આમંત્રણ મળ્યું. ત્યાં મેં પાંચ મહિના સુધી ઊંડો અભ્યાસ અને તાલીમ મેળવી જેની મારે ખરેખર જરૂર હતી. આ ઉત્સાહી વૃંદ સાથે રહેવાથી ખરેખર મારો ઉત્સાહ વધ્યો. એ સમય દરમિયાન બીજી પણ એવી કંઈક બાબત બની જેનાથી મારું જીવન આજ સુધી આનંદિત બની રહ્યું છે.

મિશનરિ કામ માટે જવાની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં આયલીન સ્ટબ્સ નામની એક યુવાન બહેન પણ હતી. મેં જોયું કે આયલીન પુખ્ત, ગંભીર, વિનયી અને હસમુખી હતી. મેં અચાનક તેની સામે લગ્‍ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. મેં વિચાર્યું કે આમ કરવાથી તે ગભરાઈ જશે. પરંતુ એવું કંઈ જ બન્યું નહિ! તેણે તરત જ મારો પ્રસ્તાવ સ્વીકારી લીધો. પછી અમે નક્કી કર્યું કે આયલીન કોસ્ટા રીકામાં મિશનરિ સેવા કરશે અને હું પશ્ચિમ આફ્રિકાના ગોલ્ડ કોસ્ટ (હાલના ઘાના)માં સેવા કરીશ.

મે ૧૯૫૬ની એક સવારે મને ન્યૂયૉર્ક, બ્રુકલિનમાં ભાઈ નાથાન નોરની ૧૦મા માળે આવેલી ઑફિસમાં બોલાવવામાં આવ્યો. એ સમયે તે વૉચટાવર સોસાયટીના પ્રમુખ હતા. તેમણે જણાવ્યું કે ઘાનામાં, ટોન્ગોલેન્ડ (અત્યારે ટોગો), આઈવરી કોસ્ટ (કોટ ડીવાંર), અપર વૉલ્ટા (અત્યારે બર્કીના ફાસો) અને ગૅમ્બિયામાં ચાલી રહેલા પ્રચાર કાર્ય પર દેખરેખ રાખવા શાખા નિરીક્ષક તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે.

જાણે ગઈ કાલે જ કહ્યા હોય એમ ભાઈ નોરે કહેલા શબ્દો મને હજુ પણ યાદ છે. તેમણે કહ્યું હતું, “તમારે તરત જ જવાબદારી સંભાળી લેવાની નથી. કોઈ ઉતાવળ નથી; ત્યાંના અનુભવી ભાઈઓ પાસેથી શીખો. અને જ્યારે તમને લાગે કે તમે તૈયાર છો ત્યારે તમે શાખા પ્રતિનિધિ તરીકે સેવા કરવાનું ચાલુ કરજો. . . . આ રહ્યો તમારો નિમણૂક પત્ર. ત્યાં પહોંચ્યા પછી સાત દિવસમાં તમારે જવાબદારી સંભાળી લેવાની છે.”

મેં વિચાર્યું કે, ‘ફક્ત સાત દિવસ,’ તો પછી તેમણે કહ્યું કે “કોઈ ઉતાવળ નથી,” એનું શું? એ ઇન્ટર્વ્યૂંથી હું દિગ્મૂઢ થઈ ગયો.

પછીના થોડા દિવસો આંખના પલકારામાં પસાર થઈ ગયા. અને બહુ જલદી જ હું સંસ્થાની બ્રુકલિન ઑફિસ પાસેથી પસાર થતી ઇસ્ટ રીવર નદીમાંથી જતા એક માલવાહક જહાજમાં ઘાના જવા નીકળ્યો. એ દરિયાઈ મુસાફરી એકવીસ દિવસની હતી.

આયલીન અને હું અવારનવાર પત્ર વ્યવહાર કરતા હતા. અમે ફરી પાછા ૧૯૫૮માં મળ્યા અને એ જ વર્ષે ઑગસ્ટ ૨૩ના રોજ લગ્‍ન કર્યાં. આવી ઉત્તમ સાથીદાર આપવા બદલ હું યહોવાહનો ખૂબ જ આભાર માનું છું.

સંસ્થાની એ શાખા કચેરીમાં ૧૯ વર્ષ સુધી, સાથી મિશનરિઓ અને આફ્રિકાના ભાઈબહેનો સાથે સેવા કરવાનો મને જે લહાવો મળ્યો એની હું ઘણી જ કદર કરું છું. એ સમયે, થોડા જ ભાઈબહેનોમાંથી સંખ્યા વધીને લગભગ ૨૫ થઈ ગઈ. એ દિવસો અમારા માટે પડકારમય, મહત્ત્વપૂર્ણ અને ફળદાયી હતા. તોપણ હું નિખાલસપણે જણાવીશ કે ત્યાંનું ગરમ અને ભેજવાળું વાતાવરણ મારા માટે પડકારમય હતું. મને હંમેશા પરસેવો થતો હોય અને શરીર ચીકણું હોય એમ લાગતું હતું. અને ઘણી વાર હું ચીડિયો બની જતો હતો. તોપણ મારા માટે સેવા કરવી એ ખરેખર એક આનંદ હતો કારણ કે ૧૯૫૬માં ઘાનામાં અમે ફક્ત ૬,૦૦૦ પ્રકાશકો હતા, પરંતુ ૧૯૭૫માં એ વધીને ૨૧,૦૦૦ થયા. અને અત્યારે વધારે આનંદની વાત છે કે ત્યાં ૬૦,૦૦૦ જેટલા પ્રકાશકો છે.

અનપેક્ષિત ‘કાલ’

વર્ષ ૧૯૭૦માં મને સ્વાસ્થ્યની સમસ્યા શરૂ થઈ જે ઓળખવી ઘણી જ મુશ્કેલ હતી. મેં સંપૂર્ણ તબીબી તપાસ કરાવી પણ મને કહેવામાં આવ્યું કે હું “તંદુરસ્ત છું.” તો પછી શા માટે મને હંમેશા એમ લાગતું હતું કે હું ખૂબ બીમાર, થાકેલો અને બેચેન છું? જવાબમાં મને બે બાબતો જણાવવામાં આવી જે મારા માટે ખૂબ જ આઘાતજનક હતી. ખરેખર એ યાકૂબે લખ્યું એના જેવું હતું: “કાલે શું થશે એની તમને ખબર નથી.”—યાકૂબ ૪:૧૪.

બીમારીનો પહેલો અણસારો મને ટ્રકમાં બેસાડેલા પેલા યુવાનને સાક્ષી આપતી વખતે થયેલા અનુભવમાંથી મળ્યો. એ સમયે મને ખબર પણ ન હતી કે હું વધુ પડતું અને ઝડપથી બોલતો હતો. અમે યુવાન ઉતરવાનો હતો એ સ્થળે પહોંચ્યા ત્યારે એ યુવાન ટ્રકમાંથી કૂદકો મારીને ઊતર્યો અને દોડવા જ લાગ્યો તેથી મને ખૂબ આશ્ચર્ય થયું. કેમ કે સામાન્ય રીતે ઘાનાના લોકો ગંભીર અને શાંત સ્વભાવના હોય છે, તેઓ જલ્દી નારાજ થતા નથી. પરંતુ આ યુવાનનું વર્તન બિલકુલ અલગ હતું. તેથી મેં ત્યાં થોડી વાર બેસીને વિચાર્યું તો ખબર પડી કે ચોક્કસ મારામાં જ કંઈક ખામી હતી. પરંતુ ખરેખર શું બાબત છે એ હું જાણતો ન હતો.

બીજો અણસારો, ઝીણવટભરી સ્વ-તપાસની ચર્ચા કર્યા પછી આયલીને મને જણાવ્યું ત્યારે મળ્યો: “જો એ કોઈ શારીરિક સમસ્યા ન હોય તો માનસિક સમસ્યા હોવી જોઈએ.” તેથી મેં કાળજીપૂર્વક બધા લક્ષણોની નોંધ કરી અને મનોચિકિત્સક પાસે ગયો. મારાં લક્ષણો જોઈને તેમણે જવાબ આપ્યો કે “આ એક ખાસ પ્રકારનો રોગ છે. તમને મેનિક-ડિપ્રેસીવ સાયકોસીસ (તીવ્ર માનસિક હતાશા)નો રોગ થયો છે.”

હું એકદમ અવાચક્‌ બની ગયો! એમાંથી સાજા થવાના ઘણા પ્રયત્નો કરવા છતા, એ રોગ દિવસે દિવસે વધતો જ ગયો. એમાંથી છૂટકારો મેળવવા મેં સતત પ્રયત્નો કર્યા. પરંતુ ખરેખર કોઈ પણ જાણતું ન હતું કે શું કરવું જોઈએ. મારા માટે એ કેટલું હતાશાજનક હતું!

અમે હંમેશા એવું ઇચ્છતા હતા કે પૂરા-સમયના સેવાકાર્યને અમારા જીવનની કારકિર્દી બનાવીએ અને ત્યારે એ ખૂબ જરૂરી હતું. મેં વારંવાર હૃદયપૂર્વક પ્રાર્થના કરી: “જો પ્રભુ [યહોવાહ]ની ઇચ્છા હશે, તો અમે જીવતા રહીશું, અને આમ કે તેમ કરીશું.” (યાકૂબ ૪:૧૫) પણ એમ બન્યું નહિ. તેથી વાસ્તવિકતાનો સામનો કરતા અમે ઘાના અને ત્યાંના ઘણા ગાઢ મિત્રોને છોડીને જુન ૧૯૭૫માં કૅનેડા પાછા ફર્યા.

યહોવાહ પોતાના લોકો દ્વારા સહાય પૂરી પાડે છે

મને થોડા જ સમયમાં જાણવા મળ્યું કે ઘાનામાં મારા વગર પણ કામ ચાલી શકે છે, અને બીજા ઘણા મારા જેવી જ સમસ્યાનો સામનો કરે છે. મારા માટે ૧ પીતર ૫:૯ના શબ્દો ઘણા અર્થપૂર્ણ સાબિત થયા: “પૃથ્વી પરના તમારા ભાઈઓ પર એજ પ્રકારનાં દુઃખો પડે છે, તે તમે જાણો છો.” આને ધ્યાનમાં રાખતાં મને ખબર પડી કે આવા અનપેક્ષિત સંજોગોમાં પણ યહોવાહે અમને બંનેને ટકાવી રાખ્યા છે. ‘ભાઈઓએ’ ઘણી બધી રીતોએ અમને મદદ કરી.

અમારી પાસે ભૌતિક રીતે વધારે કંઈ ન હતું, તોપણ યહોવાહે અમને છોડી દીધા નહિ. તેમણે અમને ભૌતિક તેમ જ બીજી રીતે મદદ કરવા ઘાનામાંના અમારા મિત્રોને ઉત્તેજન આપ્યું. અમે ઊંડી લાગણી સહિત આ ભાઈઓની વિદાય લીધી જેમની સાથે અમે પરિપક્વ બન્યા હતા અને આ અનપેક્ષિત ‘કાલʼનો સામનો કરવા આવી ચડ્યા.

આયલીનની બહેન લીનોરાના ઘરમાં અમને રહેવાનું મળ્યું અને તેણે તથા તેના પતિ ઑલ્વિન ફ્રીઝ્ઝને કેટલાય મહિનાઓ સુધી ઉદારપણે અમારી જરૂરિયાતો પૂરી પાડી. એક જાણીતા મનોચિકિત્સકે ભરોસાપૂર્વક કહ્યું: “ફક્ત છ મહિનામાં તમે સાજા થઈ જશો.” તેણે મારામાં વિશ્વાસ જગાડવા માટે આમ કહ્યું હશે, પરંતુ છ વર્ષ પછી પણ મારી હાલત સુધરી ન હતી. આજ સુધી હું એ બાયપોલર મૂડ ડિસઓર્ડર નામની બીમારીથી પીડાઈ રહ્યો છું. આ બીમારીનું નામ ભલે ગમે તેટલું સામાન્ય લાગતું હોય, પણ જેને થાય છે એ જ એની પીડા જાણે છે. સામાન્ય લાગતા નામથી કંઈ બીમારીમાં રાહત મળતી નથી.

એ સમય દરમિયાન, ભાઈ નોર બીમારીને કારણે જૂન ૧૯૭૭માં મરણ પામ્યા. બીમાર હોવા છતાં પણ તેમણે સમય કાઢીને મને દિલાસાજનક અને સલાહભર્યા લાંબા લાંબા પત્રો લખ્યા હતા. હજુ પણ મેં એ પત્રો સાચવી રાખ્યા છે. તેમના શબ્દોએ અવારનવાર મારામાં ઊઠતી નિષ્ફળતાની લાગણીઓને દબાવી દીધી.

વર્ષ ૧૯૭૫ના અંત ભાગમાં અમારે પૂરા સમયની મૂલ્યવાન સેવાનો લહાવો છોડવો પડ્યો અને મારી તંદુરસ્તી પર ધ્યાન આપવું પડ્યું. દિવસનો સામાન્ય પ્રકાશ પણ મારી આંખોને નુકશાન પહોંચાડતો. અચાનક થતો તીણો અવાજ મને બંદૂકના અવાજ જેવો લાગતો. ભીડની હિલચાલ જોઈને મને ગભરામણ થતી. સભાઓમાં જવું મારા માટે ખરેખર ઘણું મુશ્કેલ બની ગયું હતું. તોપણ, હું આત્મિક સંગતિનું મૂલ્ય સમજતો હતો. માટે એ સમસ્યાનો સામનો કરવા, હું હંમેશા રાજ્યગૃહમાં બધા બેસી જાય ત્યાર પછી જ દાખલ થતો અને સભા સમાપ્ત થવાની થોડી ક્ષણો પહેલાં જ રાજ્યગૃહમાંથી બહાર નીકળી જતો.

પ્રચારકાર્ય કરવું પણ મારા માટે મુશ્કેલ હતું. કેટલીક વખત, કોઈ ઘર પાસે પહોંચ્યા પછી ડોરબેલ વગાડવા જેટલી હિંમત પણ હું કરી શકતો ન હતો. જોકે હું ચૂપચાપ બેસી રહ્યો નહિ કારણ કે હું જાણતો હતો કે આપણું સેવાકાર્ય એ આપણા માટે અને આપણને સાંભળીને યોગ્ય પ્રત્યુત્તર આપનાર માટે તારણ છે. (૧ તીમોથી ૪:૧૬) થોડા સમય પછી, હું મારી લાગણીઓને કાબૂમાં લાવતો અને બીજા ઘરે જઈ ફરીથી પ્રયત્ન કરતો. પ્રચારકાર્ય ચાલુ રાખવાથી હું આત્મિક રીતે તંદુરસ્ત રહી શક્યો અને એનાથી સમસ્યાને હલ કરવાની મારી શક્તિમાં વધારો થયો.

આ કાયમી બીમારીને કારણે મને થયું કે જ્યાં સુધી આ વર્તમાન વસ્તુવ્યવસ્થા રહેશે ત્યાં સુધી મારી આ સમસ્યા હલ થવાની નથી. વર્ષ ૧૯૮૧માં સજાગ બનો! (અંગ્રેજી)માં એક સુંદર શૃંખલા આપવામાં આવી. * એનાથી, આ બીમારી વિષે હું વધારે સારી રીતે જાણી શક્યો અને એનો સામનો કરવા માટે વધુ અસરકારક રીતો શીખી શક્યો.

મુશ્કેલીઓ સામે લડતા શીખવું

આ માટે મારી પત્નીએ ઘણો ભોગ આપ્યો અને જીવનમાં ઘણી ફેરગોઠવણો કરી જેનાથી મુશ્કેલીઓ સામે લડવાનું શક્ય બન્યું. જો આવી જ પરિસ્થિતિમાં તમે કોઈની કાળજી લેતા હોવ તો તમે મારી પત્નીએ કરેલા અવલોકનોની કદર કરશો:

“આ રોગથી વ્યક્તિના વ્યક્તિત્વમાં એકાએક બદલાવ આવે છે. હસમુખ અને ઉત્સાહી વ્યક્તિ થોડા જ કલાકોમાં ઉદાસ, નકારાત્મક અને ગુસ્સાવાળી બની જાય છે. આથી કુટુંબના સભ્યોએ રોગીના આવા વ્યવહારને બીમારીની દૃષ્ટિએ જોવો જોઈએ, નહીંતર તેમની લાગણીઓ ઘવાઈ શકે. તેમણે ધ્યાનમાં લેવું જોઈએ કે તે બીમારીના કારણે આવો વ્યવહાર કરે છે. તેથી હેરાન કે ગુસ્સે થવાને બદલે, તેઓએ છેલ્લી ઘડી સુધી દરેક પ્રકારના ફેરફારો કરવા તૈયાર રહેવું જોઈએ.”

હું એકદમ “ઉત્તેજિત” થતો ત્યારે મને ખબર પડી જતી કે હું “ઉદાસીનતા”ના દરિયામાં ડૂબી જવાનો છું. મારા માટે એ સારું હતું કેમ કે એના લીધે હું થોડા દિવસો સુધી શાંત થઈ જતો અને અયોગ્ય રીતે વર્તતો ન હતો. હું વધુ પડતો ઉત્તેજિત થતો ત્યારે મને ચેતવણી આપીને તથા નિરાશા ઘેરી વળતી ત્યારે દિલાસો અને ઉત્તેજન આપીને આયલીને ઘણી મદદ કરી.

રોગ વધી ગયો હોય ત્યારે પોતાનામાં જ મશગુલ રહેવાનો ભય રહેલો છે જે ખરેખર ખતરનાક છે. વ્યક્તિ ઉદાસ હોય ત્યારે બીજાઓની લાગણીઓ અને ભાવનાઓથી અજાણ હોય છે. પહેલા તો એ સ્વીકારવું મારા માટે ઘણું અઘરું હતું કે, હું માનસિક અને ભાવનાત્મક રીતે બીમાર છું. ત્યારે હું એમ વિચારતો હતો કે, બીજી વ્યક્તિના લીધે કે કોઈ કામમાં સફળતા મળતી ન હોવાના લીધે મને આ બીમારી થઈ છે. આથી મારે વારંવાર પોતાને યાદ કરાવવું પડતું કે મારી ‘આસપાસ કંઈ જ બદલાયું નથી, બધું પહેલાના જેવું જ છે. અને મારી બીમારી બાહ્ય નથી પરંતુ આંતરિક છે.’ પછી ધીરે ધીરે મારા વિચારો બદલાયા.

વર્ષો વીતતા ગયા તેમ અમે બંનેએ એ બીમારીને સ્વીકારી લીધી અને બીજાઓને પણ મારી પરિસ્થિતિ વિષે નિખાલસપણે જણાવવા લાગ્યા. અમે આશાવાદી વલણ જાળવી રાખવા પ્રયત્ન કર્યો અને આ રોગને અમારા જીવન પર વધારે પડતી અસર કરવા દીધી નહિ.

ઉજ્જવળ “કાલ”

સતત પ્રાર્થનાઓ અને ઘણા પ્રયત્નોને કારણે અમને યહોવાહનો આશીર્વાદ અને મદદ મળી છે. અમે બંને અત્યારે વૃદ્ધ છીએ. આજે પણ હું તબીબી સારવાર લઈ રહ્યો છું અને નિયમિત દવાઓ લેવાને કારણે મારી તંદુરસ્તી સારી છે. અમે જે કંઈ સેવા કરી શકીએ છીએ એની અમે કદર કરીએ છીએ. મેં મંડળના વડીલ તરીકેની સેવા ચાલુ રાખી છે. અમે બીજા લોકોને વિશ્વાસમાં દૃઢ રહેવા હંમેશા મદદ કરીએ છીએ.

યાકૂબ ૪:૧૪ કહે છે: “કાલે શું થશે એની તમને ખબર નથી.” અને ખરેખર પૃથ્વી પર ખરાબ પરિસ્થિતિ રહેશે ત્યાં સુધી આમ જ બનશે. તેમ છતાં, યાકૂબ ૧:૧૨ના શબ્દો કેટલા સાચા છે કે “જે માણસ પરીક્ષણમાં પાર ઊતરે છે તેને ધન્ય છે; કેમકે પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાને કબૂલ કર્યું છે તે તેને મળશે.” ચાલો આપણે બધા આજે દૃઢ બનીએ અને ભવિષ્યમાં યહોવાહે આપણા માટે જે આશીર્વાદો રાખ્યા છે એનો અનુભવ કરીએ.

[ફુટનોટ]

^ ઑગસ્ટ ૮, ૧૯૮૧ના સજાગ બનો! (અંગ્રેજી)માં “તમે સમસ્યાનો સામનો કરી શકો છો” સપ્ટેમ્બર ૮, ૧૯૮૧ના સજાગ બનો! (અંગ્રેજી)માં “તમે કઈ રીતે ઉદાસીનતા સામે લડી શકો,” અને ઑક્ટોબર ૨૨, ૧૯૮૧ના સજાગ બનો! (અંગ્રેજી)માં “ઉદાસીનતાનો સામનો કરવો” લેખો જુઓ.

[પાન ૨૬ પર ચિત્ર]

મારા સ્ટુડિયોમાં એકાંત શોધી રહ્યો છું

[પાન ૨૬ પર ચિત્ર]

મારી પત્ની આયલીન સાથે

[પાન ૨૮ પર ચિત્ર]

વર્ષ ૧૯૬૩માં ટેમા, ઘાનામાં યોજાયેલા “સનાતન સુવાર્તા” સંમેલનમાં