સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મિત્રો કઈ રીતે બનાવવા

મિત્રો કઈ રીતે બનાવવા

મિત્રો કઈ રીતે બનાવવા

“જીવનમાં એક મિત્ર બસ છે; બે તો ઘણા કહેવાય; ત્રણની તો ભાગ્યે જ વાત કરી શકાય.”—હેન્રી બ્રુક્સ એડમ્સ.

આવી ટીકા બતાવે છે કે સાચા મિત્રો થોડા જ હોય છે. ઘણા કહેતા હોય છે “મારું દુઃખ સાંભળનાર કોઈ નથી,” “હું કોઈના પર વિશ્વાસ મૂકી શકતો નથી,” અથવા “મારો કૂતરો મારો સૌથી ગાઢ મિત્ર છે.” આવા કથનો મિત્રતા ઝંખી રહેલા એકલવાયા લોકો પાસેથી સાંભળવા મળે છે.

મિત્રો બનાવવા અને મિત્રતા ટકાવી રાખવી એ એક પડકાર છે. એક માર્કેટ સર્વેક્ષણથી જાણવા મળ્યું કે “યુનાઈટેડ સ્ટેટ્‌સમાં પુખ્ત લોકોના ૨૫ ટકા ‘સતત એકલતા’ સહન કરી રહ્યાં છે અને . . . ફ્રાન્સમાં ૫૦ ટકા લોકો એકદમ એકલતાનો અનુભવ કરે છે.” મિલનવાયદા માટેની ક્લબો, કૉમ્પ્યુટર ચાટ રૂમો અને લગ્‍ન સાથી માટે છાપાઓમાં આવતી જાહેરાતો વગેરેમાં થયેલો ધરખમ વધારો બતાવે છે કે લોકો મિત્રતા ઝંખી રહ્યાં છે.

ન્યુરોસાયકોલૉજીસ્ટ ડૉ. ડેવિડ વિક્સ જણાવે છે કે એકલતા વ્યક્તિની માનસિક સ્થિતિને જ નહિ પરંતુ તેના શારીરિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે. “મારી પાસે મોટા ભાગે ચિંતિત અને હતાશ થયેલા અનેક દરદીઓ આવે છે જેઓ એકલતા અનુભવે છે એમ કહી શકાય. કેમ કે પુષ્કળ હતાશા અને એકદમ એકલતા વચ્ચે સંબંધ રહેલો છે.”

છૂટાછેડા અને કૌટુંબિક ભંગાણને કારણે વધારેને વધારે લોકો એકલવાયું જીવન જીવતા હોય છે. બ્રિટનમાં કરવામાં આવેલા સર્વેક્ષણે નિષ્કર્ષ આપ્યો કે ૨૧મી સદીની શરૂઆતમાં એ દેશની ૩૦ ટકા વસ્તી એકલવાયું જીવન જીવતી હશે.

પ્રેરિત શાસ્ત્રવચનોએ ભાખ્યું કે “છેલ્લા સમયમાં” સ્વાર્થીપણું એકદમ સામાન્ય બની ગયું હશે. (૨ તીમોથી ૩:૧-૫) એ બતાવે છે કે અનેક લોકો બીજાઓ સાથે સંબંધ વિકસાવવા કરતાં ઘર, કાર અથવા નોકરી જેવી ભૌતિક બાબતોમાં વધારે રસ બતાવે છે. લેખક એન્થની સ્ટોર જણાવે છે: “લગ્‍ન કે બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તેઓ પોતાના કામધંધામાં વધારે રચ્યાપચ્યા રહે છે.”

સાચા મિત્રો અમૂલ્ય

તમારા વ્યક્તિત્વનો મોટા ભાગનો આધાર તમારી મિત્રતા પર છે. એકલા રહેતા લોકો ઘણી વાર ખુશ નથી હોતા કારણ કે પોતાની બાબતો અને વિચારોના સહભાગી થવા માટે તેઓ પાસે મિત્રો નથી. ઈસુ ખ્રિસ્તના શબ્દો સાચા છે: “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) આ હકીકતને સમર્થન આપતા અંગ્રેજી કવિ જ્યોર્જ બેરોને લખ્યું: “ખુશી મેળવનાર પોતે પણ ખુશી આપે છે.”

મિત્ર એટલે શું? એક શબ્દકોશ મિત્રની વ્યાખ્યા આ રીતે આપે છે, “બીજી વ્યક્તિની ભાવનાઓમાં કે માન આપવામાં સહભાગી થનાર.” એક સાચો મિત્ર તમને સારી બાબતો કરવા માટે મદદ કરી શકે. તે તમને જરૂરતના સમયમાં ઉત્તેજન અને હિંમત આપી શકે. તે તમારા દુઃખમાં પણ સહભાગી થઈ શકે. રાજા સુલેમાને કહ્યું: “મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે, અને ભાઈ પડતી દશાને માટે જન્મ્યો છે.” (નીતિવચન ૧૭:૧૭) સમય પસાર થતા ભૌતિક વસ્તુઓનું મૂલ્ય ઘટતું જાય છે પરંતુ સાચી મિત્રતા સમય જતા ખીલી ઊઠે છે.

શાસ્ત્રવચનો ખ્રિસ્તીઓને “પ્રફુલ્લિત હૃદયવાળા” થવાની સલાહ આપે છે. (૨ કોરીંથી ૬:૧૩) બીજાઓ પાસે પહોંચી જવું ડહાપણભર્યું છે. “બીજાઓને ઉદારતાથી આપ કારણ કે તને તે પાછું મળશે. તારી પાસે જે છે તે ઘણાંઓમાં વહેંચી દે, કદાચ ભવિષ્યમાં તારે બીજાઓ પાસેથી વધારે મદદ લેવાની જરૂર પડે.” (સભાશિક્ષક ૧૧:૧, ૨, IBSI) આ બાબત મિત્રતાને કઈ રીતે લાગુ પડે છે? તમે અનેક લોકો સાથે મિત્રતા રાખી હશે તો તેઓમાંથી ઘણા તમારી મુશ્કેલીના સમયે તમને મદદરૂપ થશે.

બીજી રીતે કહીએ તો સાચા મિત્રો તમારા માટે રક્ષણરૂપ છે. નીતિવચન ૨૭:૬ કહે છે “મિત્રના કરેલા ઘા પ્રામાણિક છે.” અનેક લોકો તમારા ભલેને વખાણ કરે, પરંતુ ફક્ત સાચા મિત્રો જ તમને સારી રીતે સમજી શકશે અને તમને તમારી ગંભીર ભૂલ બતાવશે તથા સુધારા માટે પ્રેમાળ સલાહ આપશે.—નીતિવચન ૨૮:૨૩.

સારા અને ગાઢ મિત્રો ઓછા હોય છે જેઓ તમારામાં હકારાત્મક અસર પેદા કરી શકે. પ્રેરિતોનાં કૃત્યો અધ્યાય ૧૦માં, આપણે રૂમી સૈન્ય અધિકારી કરનેલ્યસના જીવન વિષેનો એક બનાવ વાંચીએ છીએ, જેને દૂતે જણાવ્યું હતું કે તેની પ્રાર્થના સાંભળવામાં આવી છે. પ્રેષિત પીતર તેઓની મુલાકાત લેવાના હોવાથી, કરનેલ્યસે “પોતાનાં સગાંને તથા પ્રિય મિત્રોને એકઠાં” કર્યા હતા. કરનેલ્યસના એ નિકટના મિત્રો શરૂઆતના બિનસુન્‍નતી વિદેશીઓમાંથી હતા જેઓએ સુસમાચારનો સ્વીકાર કર્યો અને પછી તેઓને પવિત્ર આત્માથી અભિષિક્ત કરવામાં આવ્યા હતા. તેઓને પરમેશ્વરના રાજ્યમાં ખ્રિસ્ત સાથે શાસન કરવાની આશા હતી. કરનેલ્યસના પ્રિય મિત્રો માટે કેવો આશીર્વાદ!—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૨૪, ૪૪.

તો પછી, તમે કઈ રીતે મિત્રો બનાવી શકો? બાઇબલમાં મિત્રતા વિષે ઘણું બતાવવામાં આવ્યું છે. એમાં વ્યવહારું સલાહ પણ આપવામાં આવી છે. (નીચેનું બૉક્સ જુઓ.)

સાચા મિત્રો ક્યાં શોધશો

ખ્રિસ્તી મંડળ સાચા મિત્રો બનાવવા માટેનું એક યોગ્ય સ્થળ છે. સૌ પ્રથમ તો, તમે તમારા સર્જનહાર અને સ્વર્ગીય પિતા યહોવાહ સાથે તથા તમારા તારણહાર ઈસુ ખ્રિસ્ત સાથે મિત્રતા બાંધી શકો. તમને મિત્ર બનવા માટે આમંત્રણ આપનાર ઈસુ ખ્રિસ્તે કહ્યું: “પોતાના મિત્રોને સારૂ જીવ આપવો, તે કરતાં મોટો પ્રેમ કોઈનો નથી.” (યોહાન ૧૫:૧૩, ૧૫) યહોવાહ અને ઈસુ ખ્રિસ્ત સાથે મિત્રતા બાંધીને, તમે ખાતરી રાખી શકો કે તેઓ “સદાકાળના માંડવાઓમાં તમારો અંગીકાર” કરશે. હા, યહોવાહ અને ઈસુ સાથેની મિત્રતાનો અર્થ અનંતજીવન થાય છે.—લુક ૧૬:૯; યોહાન ૧૭:૩.

તમે તેઓના ઉષ્માભર્યા મિત્ર કઈ રીતે બની શકો? ગીતશાસ્ત્રના ૧૫મા અધ્યાયમાં યહોવાહના મિત્ર તરીકે તેમના મંડપમાં રહેવાની માંગો જણાવવામાં આવી છે. બાઇબલ ખોલીને ગીતશાસ્ત્રના એ અધ્યાયની પાંચ કલમો વાંચો. વધુમાં ઈસુ ખ્રિસ્તે કહ્યું: “જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાળો તો તમે મારા મિત્ર છો.”—યોહાન ૧૫:૧૪.

હા, ખરા મનથી પરમેશ્વરના શબ્દ બાઇબલનો અભ્યાસ કરીને અને એને લાગુ પાડીને, તમે બતાવશો કે તમે યહોવાહ અને ઈસુના મિત્ર બનવા માંગો છો. એ માટે તમે ખ્રિસ્તી સભાઓમાં નિયમિત રીતે હાજરી આપો એ જરૂરી છે જ્યાં યહોવાહનું જ્ઞાન આપવામાં આવે છે. યહોવાહનું ધ્યાનપૂર્વક સાંભળશો તો તમે તેમની અને તેમના પુત્રની સમીપ જઈ શકશો.

સભાઓમાં તમે એવા લોકોથી પરિચિત થશો જેઓ યહોવાહને પ્રેમ કરે છે અને પોતાના જીવનમાં પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ જેવા ગુણો ધરાવે છે. (ગલાતી ૫:૨૨, ૨૩) તમે મિત્રો બનાવવા અને એકલતા દૂર કરવા માંગતા હોવ તો દર સપ્તાહે ખ્રિસ્તી સભાઓમાં હાજરી આપો. એમ કરવા તમે યોગ્ય સમયે, યોગ્ય સ્થળે સમયસર પહોંચીને પરમેશ્વરના લોકો સાથે કાયમી મિત્રતા બાંધી શકશો.

હંમેશ માટેના મિત્રો

સાચી મિત્રતા યહોવાહ પરમેશ્વર તરફથી એક ભેટ છે. એ તેમના પોતાના વ્યક્તિત્વ અને વિચારોથી પાંગરે છે. તેમના પ્રેમાળ અને ઉદાર આત્માને કારણે, તેમણે પૃથ્વીને બુદ્ધિશાળી પ્રાણીઓથી ભરપૂર કરી છે જેઓની સાથે તમે મિત્રતા બાંધી શકો છો. સાથી ખ્રિસ્તીઓ સાથે સંગત કરો. તેઓને ઉત્તેજન આપો. સેવાકાર્યમાં તેઓની સાથે કામ કરો. તેઓ સાથે અને તેઓ માટે નિયમિત પ્રાર્થના કરો. એમ કરીને તમે યહોવાહ અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તનું અનુકરણ કરી શકશો.

મિત્રતા એવી ભેટ છે જે દરેક વ્યક્તિ આપી શકે અને મેળવી શકે. નજીકના ભાવિમાં તમને તમારું મિત્ર વર્તુળ વિસ્તૃત કરવાની તક મળશે. તમે હાલમાં જીવી રહેલા લાખો લોકો સાથે મિત્રતા બાંધી શકો. આ ઉપરાંત, તમે અત્યાર સુધી મરણ પામીને ઊંઘી રહેલા અને મરણ વગરની દુનિયામાં ફરીથી જીવતા થવાની આશા રાખનારાઓ સાથે પણ મિત્રતા બાંધી શકશો. (પ્રકટીકરણ ૨૧:૪; યોહાન ૫:૨૮, ૨૯) એથી અત્યારથી જ મૈત્રીપૂર્ણ બનવાનો પ્રયત્ન કરો અને યહોવાહને પ્રેમ કરનારાઓને મિત્રો બનાવો. પરમેશ્વરના પ્રેરિત શબ્દ બાઇબલને કાન ધરીને યહોવાહ પરમેશ્વર અને ઈસુ ખ્રિસ્ત સાથે મિત્રતા ટકાવી રાખો. એમ કરશો તો, તમે ફરી કદી પણ એકલતા અનુભવશો નહિ.

[પાન ૨૨, ૨૩ પર બોક્સ/ચિત્રો]

કાયમી મિત્રતાના છ પગલાં

૧. મિત્ર બનો. ઈબ્રાહીમના દૃઢ વિશ્વાસને કારણે તેમને ‘દેવના મિત્ર’ કહેવામાં આવ્યા. (યાકૂબ ૨:૨૩) પરંતુ એ માટે એક ખાસ કારણ પણ હતું. બાઇબલ કહે છે કે ઈબ્રાહીમે પરમેશ્વર પ્રત્યે પોતાનો પ્રેમ બતાવ્યો. (૨ કાળવૃત્તાંત ૨૦:૭) તેમણે પહેલ કરી અને યહોવાહને પોતાની લાગણીઓ જણાવી. (ઉત્પત્તિ ૧૮:૨૦-૩૩) હા, તમારે તમારી મિત્રતાની સાબિતી આપવા માટે પહેલ કરવાની જરૂર છે. ઈસુએ કહ્યું: “આપો ને તમને અપાશે.” (લુક ૬:૩૮) ઉત્તેજનભર્યા શબ્દો અથવા મદદ કરતા રહેવાથી ગાઢ મિત્રતા વિકસે છે. અમેરિકી નિબંધકાર રાફ વાલ્ડો એમરસને એક વાર કહ્યું: “મિત્રતા કરવી હોય તો મિત્ર બનો.”

૨. મિત્રતા માટે સમય ફાળવો. મોટા ભાગના લોકોને મિત્રતાના ફાયદા ગમતા હોય છે. છતાં, તેઓ એ માટે જરૂરી સમય ફાળવતા હોતા નથી. રૂમી ૧૨:૧૫, ૧૬ આપણને ઉત્તેજન આપે છે કે બીજાઓના આનંદ અને સફળતા, દુઃખ અને નિરાશામાં સહભાગી થાઓ. એ કહે છે: “આનંદ કરનારાઓની સાથે આનંદ કરો; રડનારાઓની સાથે રડો. અરસપરસ એક દિલના થાઓ.” ઈસુ ખ્રિસ્ત ખૂબ જ વ્યસ્ત હતા છતાં, તેમણે પોતાના મિત્રો માટે સમય ફાળવ્યો. (માર્ક ૬:૩૧-૩૪) યાદ રાખો કે મિત્રતાને એક લીલાછમ છોડ સાથે સરખાવવામાં આવે છે, જેના પૂર્ણ વિકાસ માટે પાણી અને માવજતની જરૂર છે અને એ સમય માંગી લે છે.

૩. બીજાઓનું ધ્યાનથી સાંભળો. ધ્યાનથી સાંભળનારાઓ સહેલાઈથી મિત્રો મેળવી શકે છે. શિષ્ય યાકૂબ કહે છે: “દરેક માણસ સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમો” થાય. (યાકૂબ ૧:૧૯) બીજાઓ સાથે વાત કરતી વખતે, તમે તેઓની લાગણીઓમાં વ્યક્તિગત રસ બતાવો. તેઓને તેમની લાગણીઓ જણાવવા ઉત્તેજન આપો. તેઓને માન આપવામાં પહેલ કરો. (રૂમી ૧૨:૧૦) પછી તેઓને તમારી સાથે રહેવાનું ગમશે. એથી વિપરીત, તમે દરેક વાતમાં તમારો પોતાનો જ કક્કો સાચો ઠેરવો અથવા સતત પોતાના જ ગુણગાન ગાયા કરો તો, તમારી વાત કોઈ નહિ સાંભળે અને તમારી લાગણીઓ અને જરૂરિયાતોની કાળજી કોઈ નહિ લે.

૪. માફી આપતા રહો. ઈસુએ એક વાર પીતરને જણાવ્યું કે “સિત્તેરગણી સાત વાર સુધી” માફી આપવા તૈયાર રહો. (માત્થી ૧૮:૨૧, ૨૨) સાચો મિત્ર નાની નાની ભૂલોને તરત જ ભૂલી જાય છે. દાખલા તરીકે: રાસ્પબૅરી ફળમાં નાના નાના ઘણા બિયાં હોવાને કારણે ઘણા લોકોને એ ખાવાનું નથી ગમતું. તેમ છતાં, આ ફળ ખાવાનું ગમે છે તેઓ એના બિયાંને ધ્યાન પર લેતા નથી. એ જ રીતે, સાચા મિત્રોને તેઓના સારા ગુણોને લીધે ચાહવામાં આવે છે; તેઓની નાની ભૂલોની અવગણના કરવામાં આવે છે. પાઊલ આપણને સલાહ આપે છે: ‘એકબીજાનું સહન કરો અને ક્ષમા કરો.’ (કોલોસી ૩:૧૩) માફ કરનાર વ્યક્તિ પોતાના મિત્રો જાળવી રાખે છે.

૫. બીજાઓના એકાંત પ્રત્યે આદર બતાવો. તમારા મિત્રો સમેત દરેકને અમુક સમય માટે એકાંતની જરૂર હોય છે. નીતિવચન ૨૫:૧૭ સરસ સલાહ આપે છે: “તું તારા પડોશીના ઘરમાં ક્વચિત જ જા; નહિ તો તે તારાથી કંટાળીને તારો ધિક્કાર કરશે.” તેથી, મિત્રો સાથેની મુલાકાત અને મુલાકાતના સમય પ્રત્યે વાજબી બનો. માલિકીપણું ટાળો, જે અદેખાઈમાં પરિણમી શકે. કોઈ પણ બાબત સંબંધી વ્યક્તિગત પસંદગીઓ અને મંતવ્યો વ્યક્ત કરતી વખતે સારી તાગશક્તિ વાપરો. એ તાજગી અને મૈત્રીમાં ફાળો આપશે.

૬. ઉદાર બનો. ઉદારતાથી મિત્રતા પાંગરે છે. પ્રેષિત પાઊલ સલાહ આપે છે કે “ઉદાર તથા પરોપકારી” થાઓ. (૧ તીમોથી ૬:૧૮) ઉદાહરણ તરીકે, બીજાઓ સાથે ઉત્તેજન આપનાર શબ્દોની આપલે કરો. (નીતિવચન ૧૧:૨૫) હંમેશા યોગ્ય પ્રશંસા અને પ્રોત્સાહનજનક વાણીનો ઉપયોગ કરો. તમે બીજાઓના ભલામાં ખરેખરો રસ બતાવશો તો, તેઓ તમારી તરફ આકર્ષાશે. બીજાઓ આપણા માટે શું કરી શકે એ વિચારવાને બદલે આપણે તેઓ માટે શું કરી શકીએ એ વિચારો.