સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહ થાકેલાને બળ આપે છે

યહોવાહ થાકેલાને બળ આપે છે

યહોવાહ થાકેલાને બળ આપે છે

“નબળાને તે [યહોવાહ] બળ આપે છે; અને કમજોરને તે પુષ્કળ જોર આપે છે.”—યશાયાહ ૪૦:૨૯.

૧. પરમેશ્વરે બનાવેલી વસ્તુઓ કેવી શક્તિ ધરાવે છે?

 યહોવાહ શક્તિનો ભંડાર છે. તેમણે બનાવેલી વસ્તુઓમાં પણ કેટલી શક્તિ હોય છે! દરેક વસ્તુના મૂળ ઘટક અણુનો વિચાર કરો. એ એકદમ નાનો હોય છે. પાણીના એક જ ટીપામાં અબજોના અબજો નાના અણુઓ હોય છે. દાખલા તરીકે, સૂર્ય પર થતી અણુની અસરથી જે શક્તિ ઉત્પન્‍ન થાય છે એનો વિચાર કરો જેના પર આપણું જીવન આધારિત છે. જીવન ટકાવી રાખવા સૂર્યની કેટલી શક્તિની જરૂર પડે છે? સૂર્યમાંથી ઉત્પન્‍ન થયેલી શક્તિનો ઘણો થોડો જ ભાગ પૃથ્વીને મળે છે. ફ્રેડ હોઈલ ખગોળશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં જણાવે છે કે “સૂર્યની શક્તિનો થોડોક જ ભાગ પૃથ્વી પર આવે છે. . . . છતાં, જગતના બધા ઉદ્યોગો જે શક્તિ વાપરે છે એના કરતાં એ ભાગ એક લાખ ગણો વધારે છે.”

૨. યશાયાહ ૪૦:૨૬ યહોવાહ વિષે શું કહે છે?

ભલે અણુ વિષે કે વિશ્વ વિષે વિચાર કરીએ, એનાથી યહોવાહની શક્તિ વિષે આપણા પર ઊંડી અસર પડે છે. તેથી, યહોવાહે પોતાના વિષે કહ્યું કે “તમારી દૃષ્ટિ ઊંચી કરીને જુઓ, એ બધા તારા કોણે ઉત્પન્‍ન કર્યા છે? તે મહા સમર્થ અને બળવાન હોવાથી પોતાના પરાક્રમના માહાત્મ્યથી તેઓના સંખ્યાબંધ સૈન્યને બહાર કાઢી લાવે છે, અને તે સર્વને નામ લઈને બોલાવે છે; એકે રહી જતો નથી.” (યશાયાહ ૪૦:૨૬) ખરેખર, યહોવાહ “મહા સમર્થ” છે અને વિશ્વને બનાવવા ઉપયોગ થયેલી સર્વ શક્તિ તેમની પાસેથી આવે છે.

આપણને મદદની જરૂર છે

૩, ૪. (ક) કઈ રીતે આપણે હિંમત હારી જઈ શકીએ? (ખ) કયો પ્રશ્ન વિચારવો જરૂરી છે?

ખરું કે પરમેશ્વર શક્તિનો ભંડાર છે. પરંતુ, આપણા વિષે શું? આપણે જ્યાં જોઈએ ત્યાં લોકો થાકેલા જોવા મળે છે. તેઓ ઊઠે છે ત્યારે થાકેલા હોય છે, કામે કે સ્કૂલે થાકેલા જાય છે, પાછા ઘરે થાકેલા આવે છે. રાત્રે ઊંઘવાના સમય સુધી તો થાકીને લોથપોથ થઈ ગયા હોય છે. તેથી, લોકો વિચારે છે કે એમાંથી ક્યારે છૂટકારો મળશે? યહોવાહના માર્ગમાં ચાલવા આપણે પણ ઘણી જ મહેનત કરતા હોવાથી થાકી જઈએ છીએ. (માર્ક ૬:૩૦, ૩૧; લુક ૧૩:૨૪; ૧ તીમોથી ૪:૮) વળી, બીજી એવી ઘણી બાબતો છે જે આપણને થકવી નાખે છે.

યહોવાહના ભક્તો તરીકે આપણે આ જગતની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. (અયૂબ ૧૪:૧) જીવનમાં બીમારી, પૈસાની તંગી કે બીજી મુશ્કેલીઓ આવે છે ત્યારે, આપણે નિરાશ થઈ જઈએ છીએ. વળી, ઘણી વાર આપણી સતાવણી પણ થતી હોય છે. (૨ તીમોથી ૩:૧૨; ૧ પીતર ૩:૧૪) આ બધા દબાણો ઉપરાંત, યહોવાહના રાજ્યનો પ્રચાર કરતા પણ આપણે વિરોધનો સામનો કરવો પડે છે. તેથી, આપણે એટલા થાકી જઈ શકીએ, જેનાથી યહોવાહની સેવામાં ધીમા પડી જવાનું મન થાય. પરમેશ્વર યહોવાહને ભજવાનું આપણે બંધ કરી દઈએ, એ માટે શેતાન આકાશ-પાતાળ એક કરી રહ્યો છે. તેથી, હિંમત હાર્યા વગર પરમેશ્વર યહોવાહની સેવા કરતા રહેવા આપણે કઈ રીતે મદદ મેળવી શકીએ?

૫. યહોવાહની સેવા કરતા રહેવા આપણને કેમ વધારે મદદની જરૂર છે?

એવી હિંમત મેળવવા આપણે યહોવાહ પર આધાર રાખવો જોઈએ. પ્રેષિત પાઊલે જણાવ્યું કે યહોવાહના માર્ગમાં ચાલવા માટે આપણને સામાન્ય કરતાં વધારે મદદની જરૂર છે. તેમણે લખ્યું: “અમારી પાસે આ ખજાનો માટીનાં પાત્રોમાં રહેલો છે, કે જેથી પરાક્રમની અધિકતા દેવથી છે અને અમારામાંથી નથી એ જાણવામાં આવે.” (૨ કોરીંથી ૪:૭) અભિષિક્ત જનો પરમેશ્વર સાથે ‘મેળાપ કરાવવાની સેવા’ કરે છે. એમાં તેઓને સાથી ભાઈઓની મદદ પણ મળે છે, જેઓની આશા પૃથ્વી પરના જીવનની છે. (૨ કોરીંથી ૫:૧૮, IBSI; યોહાન ૧૦:૧૬; પ્રકટીકરણ ૭:૯) આપણે અપૂર્ણ છીએ અને સતાવણીમાં પણ પરમેશ્વરની સેવા કરીએ છીએ. એ આપણે પોતાની શક્તિથી જ કરી શકતા નથી. પરંતુ, યહોવાહ તેમના પવિત્ર આત્મા દ્વારા મદદ કરે છે જેનાથી તેમને ગૌરવ મળે છે. વળી, એ જાણીને આપણને કેટલો દિલાસો મળે છે કે “યહોવાહ ન્યાયીઓને નિભાવશે!”—ગીતશાસ્ત્ર ૩૭:૧૭.

‘યહોવાહ આપણું બળ છે’

૬. યહોવાહ આપણને બળ આપે છે એમ બાઇબલ કઈ રીતે બતાવે છે?

યહોવાહ પરમેશ્વર “બળવાન” છે અને આપણને પુષ્કળ બળ આપી શકે છે. આપણને કહેવામાં આવે છે: “નબળાને તે [યહોવાહ] બળ આપે છે; અને કમજોરને તે પુષ્કળ જોર આપે છે. છોકરા તો નિર્ગત થશે, ને થાકી જશે, અને જુવાનો ઠોકર ખાશે જ; પણ યહોવાહની વાટ જોનાર નવું સામર્થ્ય પામશે; તેઓ ગરૂડની પેઠે પાંખો પ્રસારશે; તેઓ દોડશે, ને થાકશે નહિ; તેઓ આગળ ચાલશે, ને નિર્ગત થશે નહિ.” (યશાયાહ ૪૦:૨૯-૩૧) દોડમાં થાકી ગયેલા દોડવીરને એક પગલું પણ આગળ વધવું અઘરું લાગે છે. એ જ પ્રમાણે વધતા જતા દબાણોને કારણે આપણને ટકી રહેવું મુશ્કેલ લાગી શકે. પરંતુ જીવનની દોડની અંતિમ રેખા ખૂબ જ નજીક છે, એ માટે આપણે દોડવાનું ચાલુ જ રાખીએ. (૨ કાળવૃત્તાંત ૨૯:૧૧) આપણો શત્રુ, શેતાન “ગાજનાર સિંહની” પેઠે ફરી રહ્યો છે અને તે આપણી દોડ બંધ કરવા માગે છે. (૧ પીતર ૫:૮) પરંતુ, ‘યહોવાહ આપણું સામર્થ્ય અને ઢાલ છે,’ તેમણે ‘થાકેલાને બળ આપવા’ ઘણી ગોઠવણો કરી છે.—ગીતશાસ્ત્ર ૨૮:૭.

૭, ૮. કઈ રીતે કહી શકાય કે યહોવાહે દાઊદ, હબાક્કૂક અને પાઊલને હિંમત આપી હતી?

યહોવાહ પરમેશ્વરે દાઊદને ઘણી મુશ્કેલીઓ સહન કરવા મદદ કરી હતી. તેથી, દાઊદે પૂરા વિશ્વાસ અને ભરોસાથી લખ્યું: “ઈશ્વરની સહાયથી અમે પરાક્રમ કરીશું; તેજ અમારા વૈરીઓને છૂંદી નાખશે.” (ગીતશાસ્ત્ર ૬૦:૧૨) યહોવાહે હબાક્કૂકને પણ હિંમત આપી, જેથી તે પ્રબોધક તરીકે સેવા કરી શકે. હબાક્કૂક ૩:૧૯ કહે છે કે “પ્રભુ યહોવાહ મારૂં બળ છે, તે મારા પગને હરણના પગ જેવા ચપળ કરે છે, ને મને મારાં ઉચ્ચસ્થાનો પર ચલાવશે.” પાઊલનો અનુભવ પણ વિચારવા જેવો છે. તેમણે લખ્યું: “જે મને સામર્થ્ય આપે છે તેની [પરમેશ્વરની] સહાયથી હું બધું કરી શકું છું.”—ફિલિપી ૪:૧૩.

દાઊદ, હબાક્કૂક અને પાઊલની જેમ જ આપણે યહોવાહની શક્તિ અને બચાવમાં પૂરો ભરોસો રાખીએ. સર્વોપરી યહોવાહ જ આપણું બળ છે. તેથી, ચાલો હવે જોઈએ કે તેમણે કરેલી ગોઠવણોનો આપણે કઈ રીતે લાભ લઈ શકીએ.

આપણને મદદ કરતી ગોઠવણો

૯. આપણું સાહિત્ય કઈ રીતે મહત્ત્વનો ભાગ ભજવે છે?

બાઇબલ અને એની સમજણ આપતા સાહિત્યનો ઊંડો અભ્યાસ કરવાથી આપણને ટકી રહેવા હિંમત મળે છે. તેથી, ગીતશાસ્ત્રના લેખકે કહ્યું કે ‘જે માણસ . . . યહોવાહના નિયમશાસ્ત્રથી હર્ષ પામે છે; અને રાતદિવસ તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે તેને ધન્ય છે. વળી તે નદીની પાસે રોપાએલા ઝાડના જેવો થશે, જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, અને જેનાં પાંદડાં કદી પણ ચીમળાતાં નથી; વળી જે કંઇ તે કરે છે તે સફળ થાય છે.’ (ગીતશાસ્ત્ર ૧:૧-૩) આપણે શક્તિ મેળવવા ખોરાક લઈએ છીએ. એ જ રીતે, યહોવાહના માર્ગમાં ટકી રહેવા આપણે બાઇબલ અને એની સમજણ આપતા સાહિત્યની મદદ લેવાની જરૂર છે. એ માટે, સારી રીતે અભ્યાસ કરીને એના પર મનન કરવું ખૂબ જરૂરી છે.

૧૦. આપણે અભ્યાસ અને મનન ક્યારે કરી શકીએ?

૧૦ ‘દેવના ઊંડા વિચારો’ પર મનન કરવાથી આપણું જ ભલું થાય છે. (૧ કોરીંથી ૨:૧૦) પરંતુ આપણે ક્યારે મનન કરી શકીએ? ઈબ્રાહીમના પુત્ર ઇસ્હાક ‘સાંજે મનન કરવા સારૂ ખેતરમાં ગયા.’ (ઉત્પત્તિ ૨૪:૬૩-૬૭) ગીતશાસ્ત્રના લેખક દાઊદે રાત્રે પરમેશ્વરનું મનન કર્યું. (ગીતશાસ્ત્ર ૬૩:૫) એ જ રીતે આપણે પણ સવારે, સાંજે, રાત્રે, ગમે ત્યારે પરમેશ્વરના વચનોનો અભ્યાસ કરીને મનન કરી શકીએ. આવો અભ્યાસ અને મનન કરવા એક બીજી મદદ પ્રાર્થના છે. એ આપણને યહોવાહના માર્ગમાં ચાલતા રહેવા ઘણી જ હિંમત આપે છે.

૧૧. આપણે શા માટે નિયમિત પ્રાર્થના કરવી જોઈએ?

૧૧ પરમેશ્વરને નિયમિત પ્રાર્થના કરવાથી આપણને હિંમત મળે છે. તેથી આપણે “પ્રાર્થનામાં લાગુ” રહીએ. (રૂમી ૧૨:૧૨) અમુક વખતે કસોટીમાં ટકી રહેવા માટે ડહાપણ અને હિંમતની જરૂર હોય છે, જે વિષે પ્રાર્થનામાં સ્પષ્ટ જણાવવાની જરૂર પડી શકે. (યાકૂબ ૧:૫-૮) યહોવાહની ઇચ્છા પૂરી કરવા અને તેમની સેવા કરતા રહેવા આપણને તેમની પાસેથી જ હિંમત મળે છે. તેથી, આપણે તેમનો આભાર માનીને એનો મહિમા તેમને આપવાનું ભૂલીએ નહિ. (ફિલિપી ૪:૬, ૭) આપણે પ્રાર્થનામાં યહોવાહ સાથે ગાઢ સંબંધ રાખીશું તો, તે ક્યારેય આપણને છોડી દેશે નહિ. દાઊદે કહ્યું કે “મને સહાય કરનાર ઈશ્વર છે.”—ગીતશાસ્ત્ર ૫૪:૪.

૧૨. શા માટે આપણે યહોવાહના પવિત્ર આત્મા માટે પ્રાર્થના કરવી જોઈએ?

૧૨ યહોવાહ આપણને તેમના પવિત્ર આત્માથી બળ આપીને હિંમત આપે છે. પાઊલે લખ્યું: “તે ઈશ્વરપિતા સમક્ષ હું ઘૂંટણે પડીને પ્રાર્થના કરું છું. હું ઈશ્વર પાસે તેમના મહિમાની મિલકતમાંથી માગું છું કે તે તેમના પવિત્ર આત્માની મારફતે તમને બળ આપે; જેથી તમે આંતરિક રીતે બળવાન થાઓ.” (એફેસી ૩:૧૪-૧૬, પ્રેમસંદેશ) આપણે યહોવાહ પાસે પૂરા ભરોસાથી પવિત્ર આત્માની મદદ માટે પ્રાર્થના કરીએ. ઈસુએ સમજાવ્યું કે બાળક ખાવા માટે માછલી માગે તો શું એક પ્રેમાળ પિતા તેને સાપ આપશે? ના. તેથી, તેમણે જણાવ્યું: “જો તમે [પાપી] ભૂંડા છતાં તમારાં છોકરાંને સારાં દાન આપી જાણો છો, તો આકાશમાંના બાપની પાસેથી જેઓ માગે, તેમને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?” (લુક ૧૧:૧૧-૧૩) આપણે એવા ભરોસાથી પ્રાર્થના કરીને હંમેશા યાદ રાખીએ કે યહોવાહને વફાદાર સેવકો તેમના પવિત્ર આત્માથી “બળવાન” બની શકે છે.

મંડળની મદદ

૧૩. સભાઓ વિષે આપણું વલણ કેવું હોવું જોઈએ?

૧૩ યહોવાહ આપણને મંડળની સભાઓથી બળ આપે છે. ઈસુએ કહ્યું કે “જ્યાં બે અથવા ત્રણ મારે નામે એકઠા થએલા હોય ત્યાં તેઓની વચમાં હું છું.” (માત્થી ૧૮:૨૦) ઈસુએ આ વચન આપ્યું ત્યારે, તે મંડળના જવાબદાર ભાઈઓ વિષે ચર્ચા કરી રહ્યા હતા. (માત્થી ૧૮:૧૫-૧૯) જોકે તેમના શબ્દો આપણી બધી સભાઓ અને સંમેલનોને પણ લાગુ પડે છે, જે તેમના નામે પ્રાર્થના કરીને શરૂ અને બંધ કરવામાં આવે છે. (યોહાન ૧૪:૧૪) તેથી ત્યાં હાજર રહેવું એક આશીર્વાદ છે, ભલે એમાં થોડા કે હજારો લોકો હોય. ચાલો આપણે એવા પ્રસંગોની કદર કરીએ, કારણ કે એ આપણને હિંમત આપે છે અને પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા ઉત્તેજન આપે છે.—હેબ્રી ૧૦:૨૪, ૨૫.

૧૪. આપણા વડીલોની મહેનતથી શું લાભ થાય છે?

૧૪ વડીલો મંડળમાં ભાઈ-બહેનોને મદદ અને ઉત્તેજન આપે છે. (૧ પીતર ૫:૨, ૩) આજના પ્રવાસી નિરીક્ષકોની જેમ, પાઊલે જે મંડળોની મુલાકાત લીધી, તેઓને મદદ કરી અને ઉત્તેજન આપ્યું. ખરેખર, તે ભાઈ-બહેનોની સાથે જ રહેવા ચાહતા હતા, જેથી તેઓ એકબીજાને ઉત્તેજન આપી શકે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧૯-૨૨; રૂમી ૧:૧૧, ૧૨) આપણા વડીલો તથા બીજા જવાબદાર ભાઈઓની આપણે કદર કરીએ, જેઓ આપણને હિંમત અને ઉત્તેજન આપવા ઘણી મહેનત કરે છે.

૧૫. કઈ રીતે મંડળના ભાઈ-બહેનો “મદદરૂપ” થયા છે?

૧૫ મંડળના ભાઈ-બહેનો પણ “બહુ જ મદદરૂપ થઈ” શકે છે. (કોલોસી ૪:૧૦, ૧૧, પ્રેમસંદેશ) એક ‘મિત્ર’ તરીકે તેઓ આપણને ‘પડતી દશામાં’ મદદ કરી શકે છે. (નીતિવચન ૧૭:૧૭) દાખલા તરીકે, ૧૯૪૫માં સાક્સનહૌસન જુલમી છાવણીમાંથી હજારો લોકોને નાઝી સૈનિકો મારી નાખવા લઈ જતા હતા. એમાં ૨૨૦ યહોવાહના સાક્ષીઓ પણ હતા. તેઓએ ૨૦૦ કિલોમીટર મુસાફરી કરવાની હતી. તેઓએ સાથે સાથે મુસાફરી કરી અને જેઓમાં થોડી વધારે શક્તિ હતી તેઓએ અશક્ત લોકોને હાથગાડીમાં બેસાડીને એ ખેંચી. એનું પરિણામ શું આવ્યું? એ મરણ કૂચમાં ૧૦,૦૦૦ કરતાં વધુ લોકો માર્યા ગયા. પરંતુ એમાં એક પણ યહોવાહનો સાક્ષી મર્યો ન હતો. આવા ઘણા અનુભવો યરબુક અને પ્રોક્લેમર્સ જેવાં સાહિત્યમાં વાંચવા મળે છે. એ સાબિત કરે છે કે પોતાના લોકો થાકી ન જાય માટે પરમેશ્વર તેઓને શક્તિ આપે છે.—ગલાતી ૬:૯. *

પ્રચારકાર્ય હિંમત આપે છે

૧૬. પ્રચારમાં નિયમિત ભાગ લેવાથી કઈ રીતે આપણને હિંમત મળે છે?

૧૬ નિયમિત રીતે પ્રચારકાર્યમાં ભાગ લેવાથી આપણને ઘણી હિંમત મળે છે. એનાથી આપણને હંમેશ માટે સુખી ભાવિ લાવનાર, યહોવાહના રાજ્ય પર નજર રાખવા મદદ મળે છે. (યહુદા ૨૦, ૨૧) સેવાકાર્યમાં બાઇબલનો ઉપયોગ કરવાથી આપણી આશા મક્કમ થાય છે. તેમ જ, ઈશ્વરભક્ત મીખાહની જેમ દૃઢ બનાવે છે, જેમણે કહ્યું કે “અમે સદાસર્વકાળ અમારા દેવ યહોવાહના નામ પર શ્રદ્ધા રાખીને ચાલીશું.”—મીખાહ ૪:૫.

૧૭. લોકોને બાઇબલ વિષે શીખવતી વખતે શું ધ્યાનમાં રાખી શકાય?

૧૭ આપણે બીજાને શીખવવા શાસ્ત્રનો વધારે ઉપયોગ કરીએ તેમ, યહોવાહ સાથે ગાઢ સંબંધ બંધાય છે. દાખલા તરીકે, જ્ઞાન—જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તક દ્વારા બાઇબલનો અભ્યાસ ચલાવતી વખતે, એમાં આપવામાં આવેલી શાસ્ત્રની કલમો વાંચીને એની ચર્ચા કરવી જરૂરી છે. એનાથી શીખનારને મદદ મળે છે અને આપણી પોતાની સમજણ વધે છે. શીખનાર બાઇબલના અમુક સિદ્ધાંતો કે દૃષ્ટાંતો સમજી શકતા ન હોય તો, જ્ઞાન પુસ્તકનું એક પ્રકરણ એક જ સાથે પૂરું ન પણ થાય. લોકો પરમેશ્વરના ભક્તો બને એ માટે સારી રીતે તૈયારી કરીને મદદ આપવા આપણે કેટલા ખુશ છીએ!

૧૮. જ્ઞાન પુસ્તકની કેવી અસર થઈ રહી છે?

૧૮ જ્ઞાન પુસ્તકની મદદથી દર વર્ષે હજારો લોકો યહોવાહના ભક્તો બને છે. એમાંથી કેટલાકને તો બાઇબલનું જરાય જ્ઞાન હોતું નથી. દાખલા તરીકે, શ્રીલંકાના એક હિંદુએ બાળપણમાં યહોવાહના એક સેવક પાસેથી સુંદર સુખી જીવન વિષે સાંભળ્યું હતું. કેટલાક વર્ષો પછી તેમણે તે બહેન સાથે વાતચીત કરી, અને તે બહેનના પતિ સાથે તેમણે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. આ યુવાન દરરોજ બાઇબલ અભ્યાસ માટે આવતો, અને થોડા જ સમયમાં તેણે જ્ઞાન પુસ્તકનો અભ્યાસ પૂરો કર્યો. પછી, તેણે બધી સભાઓમાં આવવાનું શરૂ કર્યું અને અગાઉની માન્યતાઓ છોડી દીધી. હવે તે યહોવાહનો ભક્ત છે. તેણે બાપ્તિસ્મા લીધું ત્યારે, તે પોતે એક સંબંધીને બાઇબલ શીખવી રહ્યો હતો.

૧૯. આપણે યહોવાહના રાજ્યને પ્રથમ મૂકીએ તેમ, શાની ખાતરી રાખી શકીએ?

૧૯ યહોવાહના રાજ્યને લગતા કાર્યો જીવનમાં પ્રથમ મૂકવાથી આપણો આનંદ વધે છે. (માત્થી ૬:૩૩) ઘણી કસોટીઓ હોવા છતાં, આપણે આનંદ અને ઉત્સાહથી ખુશીના સમાચાર જણાવતા જ રહીએ છીએ. (તીતસ ૨:૧૪) આપણામાંના ઘણા પૂરો સમય પ્રચાર કાર્ય કરે છે. વળી, કેટલાક તો એમ કરવાની જરૂર છે એવી જગ્યાએ જઈને સેવા કરી રહ્યા છે. ભલે આ રીતે કે બીજી કોઈ રીતે આપણે રાજ્યને લગતા કાર્યોનો આનંદ માણતા હોઈએ, પણ આપણને ખાતરી છે કે યહોવાહ આપણા કાર્યો અને તેમના નામ માટે બતાવેલા પ્રેમને ક્યારેય નહિ ભૂલે.—હેબ્રી ૬:૧૦-૧૨.

યહોવાહની મદદથી સેવા કરતા રહો

૨૦. આપણે કઈ રીતે યહોવાહની શક્તિ પર પૂરો ભરોસો રાખી શકીએ?

૨૦ આપણા જીવનની દરેક બાબતમાં આપણે યહોવાહમાં ભરોસો રાખીએ અને તેમની શક્તિ પર જ આધાર રાખીએ. તેથી, ‘વિશ્વાસુ ચાકર’ દ્વારા યહોવાહ જે મદદ પૂરી પાડે છે એનો આપણે પૂરો લાભ લેવો જોઈએ. (માત્થી ૨૪:૪૫) યહોવાહ સાથે ગાઢ સંબંધ બાંધવા અને તેમની પવિત્ર સેવા કરતા રહેવાની શક્તિ આપણને કઈ રીતે મળી શકે? એ માટે આપણા સાહિત્યની મદદથી બાઇબલનો પોતે અને મંડળ સાથે અભ્યાસ કરીએ. વળી, પૂરા હૃદયથી પ્રાર્થના કરીએ અને વડીલોની સહાય લઈએ. આપણા ભાઈ-બહેનોના સુંદર અનુભવોમાંથી ઉત્તેજન મેળવીએ અને નિયમિત પ્રચાર કાર્યમાં ભાગ લઈએ.

૨૧. કઈ રીતે પ્રેષિત પીતર અને પાઊલે જણાવ્યું કે યહોવાહની મદદ જરૂરી છે?

૨૧ આપણે ભલે અપૂર્ણ છીએ છતાં, યહોવાહ પર પૂરેપૂરો ભરોસો રાખીશું તો, તે તેમની ઇચ્છા પૂરી કરવા જરૂર હિંમત આપશે. એવી મદદની જરૂર છે, એ ધ્યાનમાં રાખીને પ્રેષિત પીતરે લખ્યું: “જો કોઈ સેવા કરે, તો તેણે દેવે આપેલા સામર્થ્ય પ્રમાણે સેવા કરવી.” (૧ પીતર ૪:૧૧) પાઊલે યહોવાહ પરના પોતાના ભરોસા વિષે આમ કહ્યું: “નિર્બળતામાં, અપમાન સહન કરવા, તંગીમાં, સતાવણીમાં અને સંકટમાં, ખ્રિસ્તની ખાતર હું આનંદ માનું છું; કેમકે જ્યારે હું નિર્બળ છું, ત્યારે હું બળવાન છું.” (૨ કોરીંથી ૧૨:૧૦) આપણે પણ આવો જ ભરોસો રાખીએ, અને સર્વોપરી યહોવાહ પરમેશ્વરને મહિમા આપીએ, જે થાકેલાને બળ આપે છે.—યશાયાહ ૧૨:૨.

[ફુટનોટ]

^ વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટીએ છાપેલું સાહિત્ય.

તમે કેવો જવાબ આપશો?

• યહોવાહના લોકોને કેમ વધારે મદદની જરૂર છે?

• બાઇબલ કઈ રીતે બતાવે છે કે યહોવાહ પોતાના સેવકોને બળ આપે છે?

• આપણને હિંમત આપવા યહોવાહે કઈ ગોઠવણો કરી છે?

• આપણે કઈ રીતે યહોવાહની શક્તિ પર આધાર રાખી શકીએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૨ પર ચિત્ર]

બીજાને શીખવતી વખતે બાઇબલનો ઉપયોગ કરવાથી યહોવાહ સાથે આપણો સંબંધ ગાઢ બને છે