સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમારે માનવું જોઈએ?

શું તમારે માનવું જોઈએ?

શું તમારે માનવું જોઈએ?

બાર વર્ષનો એક વિદ્યાર્થી બીજગણિતના પાયાના સિદ્ધાંતોને સમજવા પ્રયત્ન કરતો હતો. તેના શિક્ષકે વર્ગમાં બીજગણિતની સીધેસીધી લાગતી એક ગણતરી કરી બતાવી.

“ધારો કે X=Y અને બંનેની કિંમત ૧ છે,” તેમણે શરૂઆત કરી.

‘બરાબર છે,’ વિદ્યાર્થીઓએ વિચાર્યું.

ચાર લીટીની એ તર્કપૂર્ણ લાગતી ગણતરી પછી, શિક્ષકે ચોંકાવનારું પરિણામ બતાવ્યું: “તેથી, ૨=૧!”

તેમણે પોતાના ચોંકી ગયેલા વિદ્યાર્થીઓને કહ્યું, “ખોટું સાબિત કરી બતાવો.”

વિદ્યાર્થી બીજગણિતમાં કાચો હોવાથી તે સાબિત કરી શકતો ન હતો. તેને ગણતરીની રીત એકદમ બરાબર લાગતી હતી. તો પછી શું તેણે એ વિચિત્ર પરિણામને માની લેવું જોઈએ? છેવટે તો શિક્ષક ગણિતમાં તેના કરતાં વધારે અનુભવી છે. તોપણ તેણે એ જવાબને સાચો માની લેવો જોઈએ નહિ. તેણે વિચાર્યું કે ‘ભલે હું એ સાબિત કરી શકતો નથી. પરંતુ મને લાગે છે કે એ ગણતરી સાચી નથી.’ (નીતિવચન ૧૪:૧૫, ૧૮) તે જાણતો હતો કે, તેના શિક્ષક કે વર્ગના વિદ્યાર્થીઓ એક ડૉલરના બદલે બે નહિ આપે.

સમય જતા બીજગણિતના વિદ્યાર્થીને ગણતરીમાં ભૂલ મળી. એ દરમિયાન અનુભવે તેને મૂલ્યવાન બોધપાઠ શીખવ્યો. કોઈ જ્ઞાની વ્યક્તિ બાબતોને ચતુરાઈથી સાબિત કરી શકતી હોય શકે કે જેની દલીલમાં કોઈ શંકા દેખાતી ન હોય. આવા સમયે તેના મૂર્ખામીભર્યા નિષ્કર્ષને સાંભળનારે પોતે એ સમયે એને ખોટું સાબિત કરી શકતો નથી એ કારણે માની લેવો જોઈએ નહિ. વાસ્તવમાં તે વિદ્યાર્થીએ બાઇબલમાં ૧ યોહાન ૪:૧માં જોવા મળતી વ્યવહારું સલાહને અનુસરી હતી કે સત્તાધારી પાસેથી તમે જે કંઈ સાંભળો એને તરત જ માની લેવું જોઈએ નહિ.

એનો અર્થ એ નથી કે તમે પોતે જે માનતા હોય એને જીદ્દીપણે વળગી રહેવું જોઈએ. તમારા ખોટા વિચારોને સુધારી શકે એવી મહત્ત્વની માહિતીની અવગણના કરવી એ ભૂલભરેલું છે. પરંતુ, બહું જ્ઞાન કે સત્તા હોય એવી વ્યક્તિઓના દબાણથી “તમારાં મનને ચલિત થવા ન દો.” (૨ થેસ્સાલોનીકી ૨:૨) ખરેખર તો શિક્ષક પોતાના વિદ્યાર્થીઓની ફક્ત ચકાસણી કરી રહ્યા હતા. તોપણ, દર વખતે બાબતો એમ જ હોતી નથી. લોકો અત્યંત ‘કાવતરાં ભરેલી યુક્તિ’ પણ કરી શકે છે.—એફેસી ૪:૧૪; ૨ તીમોથી ૨:૧૪, ૨૩, ૨૪.

શું જ્ઞાનીઓ હંમેશા સાચા હોય છે?

કોઈ ક્ષેત્રમાં કુશળ હોય એવી જ્ઞાની વ્યક્તિઓ પણ જુદા જુદા વિચારો અને અલગ અલગ અભિપ્રાયો ધરાવતી હોય શકે. દાખલા તરીકે, બીમાર થવાના કારણો વિષે તબીબી વિજ્ઞાનમાં ચાલતા વાદવિવાદનો વિચાર કરો. તેઓ વર્ષોથી એ વાત પર ચર્ચા કરતા આવ્યા છે કે બીમારીનું મુખ્ય કારણ શું છે. હાર્વર્ડ યુનિવર્સિટીના એક તબીબી પ્રોફેસરે લખ્યું, “કેટલાક વૈજ્ઞાનિકો આપણી આનુવંશિકતાને બીમારીનું મુખ્ય કારણ માને છે, જ્યારે બીજાઓ વાતાવરણ, આપણો ઉછેર તેમ જ આપણે જે રીતે જીવન જીવીએ છીએ એને મહત્ત્વનું કારણ ગણે છે. આ બે કારણોના લીધે વૈજ્ઞાનિકોમાં ગરમાગરમ વાદવિવાદ ચાલી રહ્યો છે.” બંને પક્ષના લોકો પોતાનો દાવો સાચો સાબિત કરવા પુરાવાઓ અને આંકડાઓ રજૂ કરે છે. તોપણ, તેઓનો વાદવિવાદ હજુ ચાલુ જ છે.

સૌથી પ્રખ્યાત વ્યક્તિઓએ પણ જે શીખવ્યું એ ભલે ત્યારે સાચું લાગતું હોય, પણ સમય જતાં તેઓનું શિક્ષણ ખોટું સાબિત થયું. તત્ત્વજ્ઞાની બેરટ્રેન્ડ રસલ, એરિસ્ટોટલને “સૌથી પ્રખ્યાત તત્ત્વજ્ઞાની” તરીકે વર્ણવે છે. તોપણ, રસલે નોંધ્યું કે એરિસ્ટોટલના ઘણા સિદ્ધાંતો “તદ્દન ખોટા” હતા. તેમણે લખ્યું: “એરિસ્ટોટલના શિક્ષણનો કેટલાક લોકો પર એટલો પ્રભાવ હતો કે આધુનિક સમયોથી વિજ્ઞાન, તર્કશાસ્ત્ર કે ફિલોસોફીમાં થયેલ દરેક પ્રગતિએ સંઘર્ષ કરવો પડ્યો.”—હિસ્ટ્રી ઑફ વેસ્ટર્ન ફિલોસોફી.

“ભૂલથી જ્ઞાન કહેવામાં આવે છે”

સોક્રેટીસ, પ્લેટો અને એરિસ્ટોટલ જેવા પ્રખ્યાત ગ્રીક તત્ત્વજ્ઞાનીઓના શિષ્યોને શરૂઆતના ખ્રિસ્તીઓ મળ્યા હશે. એ દિવસોના ભણેલા લોકો પોતાને ખ્રિસ્તીઓમાં સૌથી વધારે બુદ્ધિમાન ગણતા હતા. ઈસુના ઘણા શિષ્યોને ‘જગતમાં ગણાતા જ્ઞાનીઓʼમાં ગણવામાં આવતા ન હતા. (૧ કોરીંથી ૧:૨૬) વાસ્તવમાં, એ દિવસોના ઉચ્ચ શિક્ષણ લીધેલા તત્ત્વજ્ઞાનીઓ ખ્રિસ્તીઓની માન્યતાઓને “મૂર્ખતારૂપ” ગણતા હતા.—૧ કોરીંથી ૧:૨૩.

જો તમે શરૂઆતના ખ્રિસ્તીઓ મધ્યે હોત તો શું તેઓની બુદ્ધિપૂર્વકની દલીલથી કે વધારે પડતા જ્ઞાનથી પ્રભાવિત થયા હોત? (કોલોસી ૨:૪) પ્રેષિત પાઊલે જણાવ્યું તેમ આપણે ચોક્કસ પ્રભાવિત થયા ન હોત. કેમ કે તેમણે ખ્રિસ્તીઓને યાદ કરાવ્યું કે યહોવાહ ‘જ્ઞાનીઓના જ્ઞાનને’ અને “બુદ્ધિમાનોની બુદ્ધિને” મૂર્ખતાની દૃષ્ટિએ જુએ છે. (૧ કોરીંથી ૧:૧૯) તેમણે પૂછ્યું: “તો આ જ્ઞાનીઓ, આ પંડિતો અને આ જગતની મહાન બાબતો વિશે વાદવિવાદ કરનારા કુશળ વક્તાઓનું શું?” (૧ કોરીંથી ૧:૨૦, IBSI.) પાઊલના દિવસોમાં લેખકો અને તત્ત્વજ્ઞાનીઓ બુદ્ધિશાળી હતા છતાં, તેઓ માણસજાતની સમસ્યાઓનો હલ બતાવી શક્યા ન હતા.

તેથી ખ્રિસ્તીઓ પ્રેષિત પાઊલે કહ્યું તેમ “જેને ભૂલથી જ્ઞાન કહેવામાં આવે છે,” એને ટાળવાનું શીખ્યા. (૧ તીમોથી ૬:૨૦) પાઊલે આવા જ્ઞાનને ‘જૂઠું’ કહ્યું, કારણ કે એમાં એક મહત્ત્વના ઘટકની ખામી હતી, એટલે કે તેઓના સિદ્ધાંતો પરમેશ્વરની વિરુદ્ધ હતા. (અયૂબ ૨૮:૧૨; નીતિવચન ૧:૭) આ ખામીને લીધે અને એ જ સમયે આવા જ્ઞાનને વળગી રહેનારાઓના મન મુખ્ય છેતરનાર, શેતાને આંધળા કરી નાખ્યા હોવાથી તેઓ ક્યારેય સત્ય શોધી શકતા નથી.—૧ કોરીંથી ૨:૬-૮, ૧૪; ૩:૧૮-૨૦; ૨ કોરીંથી ૪:૪; ૧૧:૧૪; પ્રકટીકરણ ૧૨:૯.

બાઇબલ—ઈશ્વર પ્રેરિત માર્ગદર્શન

પરમેશ્વરે પોતાની ઇચ્છા, હેતુઓ અને સિદ્ધાંતોને શાસ્ત્રવચનોમાં બતાવ્યા છે જેના પર પ્રાચીન ખ્રિસ્તીઓએ ક્યારેય શંકા કરી ન હતી. (૨ તીમોથી ૩:૧૬, ૧૭) એ કારણે ‘ફિલસૂફીના ખાલી આડંબર અને માણસોના સંપ્રદાયથી’ તેઓનું રક્ષણ થયું. (કોલોસી ૨:૮) આજે પણ આવી જ પરિસ્થિતિ છે. માણસોના વિસંગત અને ગૂંચવી નાખતા વિચારોથી વિપરિત, પરમેશ્વરનો પ્રેરિત શબ્દ નક્કર પાયો પૂરો પાડે છે જેના પર આપણે આધાર રાખી શકીએ છીએ. (યોહાન ૧૭:૧૭; ૧ થેસ્સાલોનીકી ૨:૧૩; ૨ પીતર ૧:૨૧) આપણી પાસે બાઇબલ ન હોત તો, માનવોની બદલાતી ફિલસૂફી અને સિદ્ધાંતો પર આધાર રાખીને આપણે ક્યારેય નક્કર નિર્ણય પર પહોંચી શક્યા ન હોત.—માત્થી ૭:૨૪-૨૭.

પરંતુ, કોઈ કહી શકે કે ‘જરા થોભો.’ શું એ સાચું નથી કે વૈજ્ઞાનિક પુરાવાઓએ બાઇબલને ખોટું સાબિત કર્યું છે? તેથી માનવીય ફિલસૂફીની જેમ બાઇબલ પર કઈ રીતે ભરોસો રાખી શકાય? દાખલા તરીકે, બેરટ્રેન્ડ રસેલે દાવો કર્યો કે, “વૈજ્ઞાનિકો કોપરનિક્સ, કેપ્લર અને ગેલિલિયોએ તત્ત્વજ્ઞાની એરિસ્ટોટલ તેમ જ બાઇબલના એ વિચારનું ખંડન કર્યું કે પૃથ્વી વિશ્વનું કેન્દ્ર છે.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે) આજે ઉત્પત્તિવાદીઓ ભારપૂર્વક કહે છે કે બાઇબલમાં બતાવ્યા પ્રમાણે પૃથ્વીને સાત દિવસમાં બનાવવામાં આવી છે, પરંતુ શું હકીકત એમ નથી બતાવતી કે પૃથ્વી કરોડો વર્ષ જૂની છે?

વાસ્તવમાં, બાઇબલ એમ નથી કહેતું કે પૃથ્વી વિશ્વનું કેન્દ્ર છે. એ શિક્ષણ તો ચર્ચના આગેવાનોનું છે જેઓ પોતે પરમેશ્વરના શબ્દ બાઇબલને માનતા નથી. ઉત્પત્તિનો અહેવાલ બતાવે છે કે પૃથ્વી કરોડો વર્ષ જૂની છે અને દરેક વસ્તુ કંઈ ૨૪ કલાકના એક દિવસમાં ઉત્પન્‍ન થઈ નથી. (ઉત્પત્તિ ૧:૧, ૫, ૮, ૧૩, ૧૯, ૨૩, ૩૧; ૨:૩, ૪) એ સાચું છે કે બાઇબલ વિજ્ઞાનનું પુસ્તક નથી, પરંતુ એ “મુર્ખતાભર્યું” પુસ્તક પણ નથી. હકીકતમાં એ પૂરેપૂરું વિજ્ઞાનની સુમેળમાં સાબિત થયું છે. *

“બુદ્ધિપૂર્વક સેવા”

ઈસુના ઘણા શિષ્યો નીખાલસ અને ઓછું ભણેલા હોવા છતાં, તેઓ પાસે પરમેશ્વર તરફથી બીજી સંપત્તિ હતી. તેઓની પાર્શ્વભુમિકા ભિન્‍ન હોવા છતાં, સર્વમાં સમજાવવાની અને વિચારવાની શક્તિ હતી. પ્રેષિત પાઊલે પોતાના સાથી ખ્રિસ્તીઓને ‘દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે પારખવા’ માટે ‘બુદ્ધિʼનો પૂરેપૂરો ઉપયોગ કરવા ઉત્તેજન આપ્યું.—રૂમી ૧૨:૧, ૨.

પરમેશ્વર તરફથી મળેલી ‘બુદ્ધિથી’ પ્રથમ સદીના ખ્રિસ્તીઓ સ્પષ્ટ રીતે સમજી શક્યા કે પરમેશ્વરના શબ્દની સુમેળમાં ન હોય એવી કોઈ પણ ફિલસૂફી અને શિક્ષણ નકામું છે. એ સમયે અમુક બનાવમાં જ્ઞાની માણસો “સત્યને દાબી” રાખતા હતા અને પરમેશ્વરના અસ્તિત્વ વિષેના પુરાવાઓનો નકાર કરતા હતા. પ્રેષિત પાઊલે લખ્યું, “અમે જ્ઞાની છીએ એવો દાવો કરતાં તેઓ મૂર્ખ બન્યા.” તેઓએ પરમેશ્વર અને તેમના હેતુઓનો નકાર કર્યો હતો તેથી “તેઓએ મિથ્યા તર્કવિતર્કો કર્યા, અને તેઓનાં નિર્બુદ્ધ મન અંધકારમય થયાં.”—રૂમી ૧:૧૮-૨૨; યિર્મેયાહ ૮:૮, ૯.

પોતાને જ્ઞાની માનનારાઓ એવું કહેતા હોય છે કે “પરમેશ્વર છે જ નહિ,” અથવા “બાઇબલ પર ભરોસો રાખવો જોઈએ નહિ,” અથવા “આ કંઈ ‘અંતિમ દિવસો’ નથી.” આવા વિચારો પરમેશ્વરની દૃષ્ટિએ મૂર્ખાઈભર્યા છે, જેમ કે “૨=૧.” (૧ કોરીંથી ૩:૧૯) વ્યક્તિ ગમે તેટલી ઊંચી પદવી પર હોય પરંતુ તેઓનો નિર્ણય પરમેશ્વર કે તેમના શબ્દ બાઇબલની વિરુદ્ધમાં હોય તો તમારે એનો સ્વીકાર કરવો જોઈએ નહિ. છેવટે તો, “દરેક માણસ ભલે જૂઠું ઠરે તોપણ દેવ સાચો ઠરો” એમ માનીને આપણે ચાલવું જોઈએ અને એમાં જ આપણું ભલું છે.—રૂમી ૩:૪.

[ફુટનોટ]

^ વધુ માહિતી માટે વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તકો બાઇબલ—દેવનો શબ્દ કે માણસનો? અથવા શું તમારી કાળજી લે એવા કોઈ ઉત્પન્‍નકર્તા છે? જુઓ.

[પાન ૩૧ પર ચિત્રો]

માણસોના અસ્થિર વિચારોથી વિપરિત બાઇબલ આપણા વિશ્વાસનો નક્કર પાયો પૂરો પાડે છે

[ક્રેડીટ લાઈન્સ]

Left, Epicurus: Photograph taken by courtesy of the British Museum; upper middle, Plato: National Archaeological Museum, Athens, Greece; right, Socrates: Roma, Musei Capitolini