સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે શા માટે પરમેશ્વરની સેવા કરો છો?

તમે શા માટે પરમેશ્વરની સેવા કરો છો?

તમે શા માટે પરમેશ્વરની સેવા કરો છો?

પરમેશ્વરનો ભય રાખતા એક રાજાએ પોતાના પુત્રને આ સલાહ આપી: “તું તારા પિતાના દેવને ઓળખ, ને સંપૂર્ણ અંતઃકરણથી તથા રાજીખુશીથી તેની સેવા કર.” (૧ કાળવૃત્તાંત ૨૮:૯) ખરેખર, યહોવાહ પરમેશ્વર ઇચ્છે છે કે તેમના સેવકો રાજીખુશીથી અને પૂરા દિલથી તેમની સેવા કરે.

યહોવાહના સાક્ષી તરીકે આપણને પહેલી વાર બાઇબલ વચનો વિષે સમજાવવામાં આવ્યું ત્યારે આપણે એની ઊંડી કદર કરી હતી. આપણે દરરોજ પરમેશ્વરના હેતુઓ વિષે કંઈક નવીન શીખતા ગયા. આપણે યહોવાહ પરમેશ્વર વિષે વધારે શીખતા ગયા તેમ, “સંપૂર્ણ અંતઃકરણથી તથા રાજીખુશીથી” તેમની સેવા કરવા માટે આપણી ઇચ્છા વધુ પ્રબળ બની.

યહોવાહના સાક્ષી બન્યા પછી ઘણા લોકો જીવનપર્યંત આનંદથી તેમની સેવા કરે છે. પરંતુ કેટલાક સાક્ષીઓએ સારી શરૂઆત કરી હોવા છતાં, સમય જતાં ભૂલી જાય છે કે શા માટે તેઓએ પરમેશ્વરની સેવા કરવાનું શરૂ કર્યું હતું. શું તમારી સાથે આવું બન્યું છે? જો એમ હોય તો, હતાશ થશો નહિ. તમે તમારો ગુમાવેલો આનંદ પાછો મેળવી શકો છો. પરંતુ કઈ રીતે?

તમને મળેલા આશીર્વાદોનો વિચાર કરો

સૌ પ્રથમ, પરમેશ્વર પાસેથી આપણને દરરોજ મળતા આશીર્વાદો પર મનન કરો. યહોવાહ પરમેશ્વરે આપેલી ભેટોનો વિચાર કરો: જેમ કે તેમના વિવિધ ઉત્ત્પતિકાર્યનો ગમે તે દેશના કે જાતિના, ગરીબ કે પૈસાદાર લોકો લાભ લઈ શકે છે. આ ઉપરાંત, તેમણે ખોરાક અને પાણી, તંદુરસ્તી, બાઇબલ સત્યનું જ્ઞાન અને સૌથી મહત્ત્વનું તો પોતાના પુત્રનું બલિદાન આપ્યું છે. આપણે શુદ્ધ અંતઃકરણથી પરમેશ્વરની સેવા કરી શકીએ માટે તેમના પુત્રના મરણે આપણા માટે માર્ગ તૈયાર કર્યો છે. (યોહાન ૩:૧૬; યાકૂબ ૧:૧૭) ખરેખર યહોવાહે આપણને કેટલા બધા આશીર્વાદો આપ્યા છે! પરમેશ્વરની ભલાઈ પર આપણે જેટલું વધારે મનન કરીશું એટલી જ વધારે તેમના તરફની આપણી કદર વધશે. અને તેમણે આપણા માટે જે કર્યું છે એ માટે આપણે પૂરા હૃદયથી તેમની સેવા કરવા પ્રેરાઈશું. પછી આપણે ગીતકર્તાની જેમ અનુભવીશું જેમણે લખ્યું: “હે યહોવાહ મારા દેવ, તારાં આશ્ચર્યકારક કાર્યો, તથા અમારા સંબંધી તારા વિચારો એટલાં બધાં છે, કે તેઓને તારી આગળ અનુક્રમે ગણી શકાય પણ નહિ; . . . તેઓ અસંખ્ય છે.”—ગીતશાસ્ત્ર ૪૦:૫.

આ શબ્દો દાઊદે લખ્યા હતા. તેમનું જીવન પણ મુશ્કેલીઓથી ભરેલું હતું. યુવાનીમાં તેમનો મોટા ભાગનો સમય ભાગ-દોડમાં જ વીત્યો હતો કારણ કે દુષ્ટ રાજા શાઊલ અને તેના અંગરક્ષકો દાઊદને મારી નાખવા શોધતા હતા. (૧ શમૂએલ ૨૩:૭, ૮, ૧૯-૨૩) દાઊદમાં પણ કેટલીક નબળાઈઓ હતી જેની વિરુદ્ધ તેમણે લડવાનું હતું. આ બધી બાબતો તેમણે ૪૦મા ગીતમાં લખી છે: “અગણિત આપદાઓએ મને ઘેરી લીધો છે, મારા અન્યાયોએ મને પકડી પાડ્યો છે, તેથી હું ઊંચું જોઈ શકતો નથી; તેઓ મારા માથાના નિમાળા કરતાં વધારે છે, અને મારૂં હૃદય નિર્ગત થયું છે.” (ગીતશાસ્ત્ર ૪૦:૧૨) હા, દાઊદને ઘણી મુશ્કેલીઓ હતી, પણ તે એમાં જ ગરકાવ થઈ ગયા નહિ. તેમણે મુશ્કેલીઓને નહિ પણ યહોવાહે તેમને જે રીતે આશીર્વાદિત કર્યા હતા એના પર વિચાર કર્યો. અને તેમને જાણવા મળ્યું કે એ આશીર્વાદો આગળ તેમના દુઃખો કોઈ વિસાતમાં નથી.

તમારી સાથે પણ આવું બની શકે. તમે વ્યક્તિગત સમસ્યાઓથી ઘેરાયેલા હોવ અથવા પોતે કોઈ જ કામના નથી એવું અનુભવતા હોવ ત્યારે, એ બધું જોવાને બદલે દાઊદની જેમ તમને મળેલા આશીર્વાદો તરફ જુઓ. આવા આશીર્વાદોથી જ તમે યહોવાહને પોતાનું સમર્પણ કરવા પ્રેરાયા હતા. એને ફરી યાદ કરવાથી તમે ગુમાવેલો આનંદ પાછો મેળવી શકો છો અને પૂરા દિલથી પરમેશ્વરની સેવા કરવા તમને મદદ મળશે.

સભાઓ તમને મદદ કરી શકે

યહોવાહ પરમેશ્વરની ભલાઈ પર મનન કરવા ઉપરાંત, આપણે સાક્ષી ભાઈબહેનો સાથે પણ સંગત રાખવાની જરૂર છે. પરમેશ્વરને પ્રેમ કરનારા અને તેમની સેવા કરવાનો નિર્ણય કરનારા ભાઈબહેનોને નિયમિત મળવું ખરેખર ઉત્તેજનકારક છે. તેઓનું ઉદાહરણ આપણને પૂરા દિલથી યહોવાહની સેવા કરવા પ્રોત્સાહિત કરે છે. રાજ્યગૃહમાં આપણે હાજર રહીએ છીએ તેથી તેઓને પણ ઉત્તેજન મળી શકે છે.

એ ખરું છે કે આખા દિવસના કામ પછી થાક્યા પાક્યા ઘરે આવ્યા હોઈએ અથવા મુશ્કેલીઓ કે નબળાઈઓને કારણે હતાશ હોઈએ ત્યારે આપણને સભામાં જવાનું મન થતું નથી. પરંતુ આવા સમયે, આપણે ‘આપણા દેહનું દમન’ કરવું જોઈએ, અર્થાત્‌ મક્કમ રહેવું જોઈએ. એનાથી આપણે ભાઈબહેનો સાથે ભેગા મળવાની આજ્ઞા પાળીશું.—૧ કોરીંથી ૯:૨૬, ૨૭; હેબ્રી ૧૦:૨૩-૨૫.

અને જો એમ કરવું પણ પડે, તો શું આપણે એમ માની લેવું જોઈએ કે આપણે ખરેખર યહોવાહને પ્રેમ કરતા નથી? જરાય નહિ. એ વાતમાં કોઈ શંકા નથી કે પ્રાચીન સમયના ભાઈબહેનો પરમેશ્વરને ખૂબ પ્રેમ કરતા હતા. તેઓને પણ પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે કરવા માટે ઘણી જ જહેમત ઊઠાવવી પડતી હતી. (લુક ૧૩:૨૪) પ્રેષિત પાઊલ તેઓમાંના એક હતા. તેમણે નિઃસંકોચ પોતાની લાગણીઓ આ રીતે જણાવી: “હું જાણું છું, કે મારામાં, એટલે મારા દેહમાં, કંઈ જ સારૂં વસતું નથી; કારણ કે ઇચ્છવાનું તો મારામાં છે, પણ સારૂં કરવાનું મારામાં નથી. કેમકે જે સારૂં હું ઇચ્છું છું તે હું કરતો નથી; પણ જે ભૂડું હું ઇચ્છતો નથી તે હું કર્યા કરૂં છું.” (રૂમી ૭:૧૮, ૧૯) તેમણે કોરીંથીઓને કહ્યું: “જો હું સુવાર્તા પ્રગટ કરૂં, તો તેમાં મારે અભિમાન રાખવાનું કંઈ કારણ નથી, કેમકે એમ કરવું મારી ફરજ છે; . . . કેમકે જો હું રાજીખુશીથી તે કરૂં, તો મને બદલો મળે છે; પણ જો રાજીખુશીથી ન કરૂં, તો એ મને કારભાર સોંપવામાં આવ્યો છે.”—૧ કોરીંથી ૯:૧૬, ૧૭.

આપણી જેમ જ પાઊલમાં પણ પાપી વલણ હતું જે તેમને સારી બાબતો કરવાથી રોકતું હતું. પરંતુ તેમણે એ વલણ સામે સખત લડત આપી અને ઘણી વાર તે સફળ પણ થયા. અલબત્ત, પાઊલે પોતાના સામર્થ્યથી આ કર્યું ન હતું. એ વિષે તેમણે લખ્યું: “જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું.” (ફિલિપી ૪:૧૩) તમે સારી બાબતો કરવા મદદ માગશો તો, પાઊલને સામર્થ્ય આપનાર યહોવાહ પરમેશ્વર તમને પણ સામર્થ્ય આપશે. (ફિલિપી ૪:૬, ૭) તેથી ‘ખંતથી યત્ન કરો,’ અને યહોવાહ જરૂર તમને આશીર્વાદ આપશે.—યહુદા ૩.

તમે તમારી પોતાની શક્તિથી આ લડાઈ લડી શકતા નથી. એ માટે તમે મંડળોના પરિપક્વ ખ્રિસ્તી વડીલોની મદદ લઈ શકો. તેઓ પોતે પણ ‘વિશ્વાસ ખાતર ખંત’ કરે છે અને તમને મદદ કરવા તૈયાર છે. તમે મદદ માટે વડીલને જણાવશો તો તે જરૂર તમને “ઉત્તેજન” આપવા મદદ કરશે. (૧ થેસ્સાલોનીકી ૫:૧૪) કેમ કે તેઓનો હેતુ ‘વાયુથી સંતાવાની જગા તથા તોફાનથી ઓથા જેવા’ બનવાનો છે.—યશાયાહ ૩૨:૨.

“દેવ પ્રેમ છે” અને તે ઇચ્છે છે કે તેમના સેવકો પ્રેમથી તેમની સેવા કરે. (૧ યોહાન ૪:૮) પરમેશ્વર પ્રત્યેના તમારા પ્રેમને ફરીથી જગાવવો હોય તો ઉપર જણાવેલાં યોગ્ય પગલાં લો. એમ કરશો તો તમે જરૂર સફળ થશો અને એમાં તમને ખરેખર આનંદ થશે.