સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સેવા માટે ઉત્તેજન પામેલા

સેવા માટે ઉત્તેજન પામેલા

સેવા માટે ઉત્તેજન પામેલા

કઈ બાબતે આ ૨૪ યુગલોને પોતાનું સર્વસ્વ છોડીને મિશનરિ કાર્ય કરવા માટે પરદેશમાં જવાનું ઉત્તેજન આપ્યું? શા માટે તેઓ પાપુઆ ન્યૂ ગિની, તાઈવાન, આફ્રિકા અને લૅટિન-અમેરિકા જેવા દેશોમાં જવા ઉત્સાહી હતા? શું તેઓને ફરવાનો શોખ હતો? ના, તેઓ પરમેશ્વર અને પડોશી પ્રત્યેના સાચા પ્રેમથી આમ કરવા ઉત્તેજન પામેલા હતા.—માત્થી ૨૨:૩૭-૩૯.

આ લોકો કોણ છે? તેઓ વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડના ૧૦૯મા વર્ગના સ્નાતકો છે. શનિવાર, સપ્ટેમ્બર ૯, ૨૦૦૦ના રોજ પૅટરસન, ન્યૂયૉર્કમાં આવેલા વૉચટાવર શૈક્ષણિક કેન્દ્રમાં અને ઉપકરણથી જોડાયેલા સ્થળોએ ૫,૧૯૮ લોકો ભેગા મળ્યા હતા. તેઓ સ્નાતકોને સફળ મિશનરિઓ બનવા મદદ મળે એ માટે આપવામાં આવતી સલાહ સાંભળવા ભેગા મળ્યા હતા.

યહોવાહના સાક્ષીઓના નિયામક જૂથના શિક્ષણ સમિતિના સભ્ય સ્ટીવન લેટ આ કાર્યક્રમના સભાપતિ હતા. તેમણે માત્થી ૫:૧૩ના આ શબ્દોથી શરૂઆત કરી, “તમે જગતનું મીઠું છો.” તેમણે સમજાવ્યું કે ઈસુના આ શબ્દો ખરેખર સ્નાતક વિદ્યાર્થીઓને લાગુ પડે છે. દાખલા તરીકે, મીઠું રસોઈને સ્વાદિષ્ટ બનાવે છે. એ જ રીતે આ મિશનરિઓ અસરકારક પ્રચાર કાર્ય દ્વારા મીઠા જેવા છે.

વિદાય વેળાનું ઉત્તેજન

ભાઈ લેટે લાંબા સમયથી યહોવાહની સેવા કરતા કેટલાક સેવકોનો પરિચય આપ્યો. તેઓએ પણ ટૂંકા પરંતુ દૃઢ કરતા ભાષણો આપ્યાં. તેઓમાં સૌ પ્રથમ લેખન વિભાગમાં સેવા આપતા ભાઈ જોન વિસ્ચક હતા. તેમના વાર્તાલાપનો વિષય ગીતશાસ્ત્ર ૧૧૭ પર આધારિત હતો, “સૌથી નાનું ગીત મિશનરિ કાર્ય માટે ઉત્તેજન આપે છે.” આજે, આખા જગતમાં “વિદેશીઓ” અને “લોકો”ને યહોવાહ અને તેમના રાજ્ય વિષે સાક્ષી આપવાની જરૂર છે. વિદ્યાર્થીઓને ગીતશાસ્ત્ર ૧૧૭માં બતાવ્યા પ્રમાણે બીજાઓને “યહોવાહની સ્તુતિ” કરવા મદદ માટે ઉત્તેજન આપવામાં આવ્યું.

ત્યાર પછી સભાપતિએ નિયામક જૂથના ભાઈ ગાઈ પીઅર્સનો પરિચય કરાવ્યો. તેમણે “કોમળ પણ મક્કમ બનો,” વિષય પર વાર્તાલાપ આપ્યો. પરમેશ્વરનો શબ્દ બાઇબલ અસરકારક છે. પુનર્નિયમ ૩૨:૪માં યહોવાહને ખડક કહેવામાં આવ્યા છે, તોપણ બાઇબલ કઠોર નથી, કેમ કે એ સર્વ ભાષાના તેમ જ જાતિના લોકો, હા, એ દરેક માટે લખવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને લોકોના હૃદય અને અંતઃકરણને સ્પર્શે એ રીતે પરમેશ્વરના શબ્દનો પ્રચાર કરવાની સલાહ આપવામાં આવી. (૨ કોરીંથી ૪:૨) ભાઈ પીઅર્સે સલાહ આપી કે, “સત્ય માટે દૃઢ રહો, પરંતુ કોમળ બનો. તમારી સોંપણી કરવામાં આવી હોય એ દેશની સંસ્કૃતિ અલગ હોવા છતાં તેઓ સાથે માનપૂર્વક વર્તો.”

લગભગ ૫૩ વર્ષથી સંસ્થાના વડામથકે સેવા કરતા ગિલયડ સ્કૂલના શિક્ષક કાર્લ આદમ્સે “તમે અહીંથી ક્યાં જશો?” વિષય પર ઉત્તેજનકારક વાર્તાલાપ આપ્યો. આ ૨૪ યુગલોને અલગ અલગ ૨૦ દેશોમાં કાર્યસોંપણી મળી, પરંતુ પ્રશ્ન એ ઊઠાવવામાં આવ્યો કે એક વાર નવા દેશમાં ગયા પછી શું? આજે આપણે વ્યસ્ત જગતમાં જીવી રહ્યાં છીએ. લોકો નવી નવી જગ્યાએ જઈને પોતાના આનંદ માટે નવી નવી બાબતો કરવા માગે છે. જ્યારે બીજી બાજુ, યહોવાહ આ વિદ્યાર્થીઓને પોતે ઇચ્છે છે ત્યાં પોતાના “ઘેટાં”ની નિઃસ્વાર્થ કાળજી લેવા મોકલે છે. તેઓને પ્રાચીન ઈસ્રાએલીઓ જેવા ન બનવાનું કહેવામાં આવ્યું કારણ કે યહોવાહ તેઓનો ઉપયોગ સર્વ માણસજાત આશીર્વાદ મેળવે એ માટે કરવાના હતા. પરંતુ તેઓએ સ્વાર્થી બનીને એ સુવર્ણ તક ગુમાવી દીધી. એને બદલે તેઓએ ઈસુ ખ્રિસ્તનું અનુકરણ કરવું જોઈએ જેમણે હંમેશા નિઃસ્વાર્થપણે પિતાની ઇચ્છા પૂરી કરી અને દરેક સંજોગોમાં આજ્ઞાધીન રહ્યા.—યોહાન ૮:૨૯; ૧૦:૧૬.

ગિલયડ સ્કૂલના રજિસ્ટ્રાર ભાઈ વોલેસ લીવરન્સે વાર્તાલાપ આપ્યો જેનો વિષય હતો, “પરમેશ્વરના જ્ઞાન પ્રત્યે ઊંડો પ્રેમ રાખો.” તેમણે જણાવ્યું કે બાઇબલને અવારનવાર સંપત્તિ, કીમતી રત્નો, કીમતી ધાતુઓ, અતિ મૂલ્યવાન વસ્તુઓ સાથે સરખાવવામાં આવ્યું છે. નીતિવચન ૨:૧-૫ જણાવે છે કે “દેવનું જ્ઞાન” મેળવવા આપણે તેને “દાટેલા દ્રવ્યની” જેમ શોધવું જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને પોતાની નવી કાર્યસોંપણીમાં પણ દેવના ઊંડા વિચારો પર સતત સંશોધન કરતા રહેવા ઉત્તેજન આપ્યું. એ માટે ભાઈ લીવરન્સે કારણો આપતા જણાવ્યું કે, “આમ કરવું ઉપયોગી છે કારણ કે એનાથી યહોવાહમાં વિશ્વાસ અને ભરોસો દૃઢ થાય છે. એ તમારી કાર્યસોંપણીમાં મંડ્યા રહેવા મદદ કરશે. આ ઉપરાંત તમે બીજાઓને પરમેશ્વરના હેતુઓ વિષે જણાવો તેમ તમને ખાતરીપૂર્વક બોલવા અને વધુ અસરકારક શિક્ષક બનવા પણ મદદ મળશે.”

ગિલયડ સ્કૂલના બીજા એક શિક્ષકે વર્ગમાંની અમુક બાબતોની સમીક્ષા કરતા જણાવ્યું કે કઈ રીતે યહોવાહે છેલ્લા પાંચ મહિનામાં આ વિદ્યાર્થીઓના પ્રચાર કાર્યને આશીર્વાદ આપ્યો છે. ભાઈ લોરન્સ બોવેને પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૦માં, પાઊલે એફેસસમાં કરેલા જાહેર સેવાકાર્ય પર ધ્યાન દોરતા બતાવ્યું, કે પાઊલે સાક્ષી આપવાની દરેક તકને ઝડપી લીધી હતી. વિદ્યાર્થીઓના અનુભવોએ બતાવ્યું કે પ્રેષિત પાઊલની જેમ, આપણા સમયમાં પરમેશ્વર અને પડોશી પ્રત્યેના પ્રેમથી પ્રેરાયેલાઓ સત્ય વિષે લોકોને જણાવતા અને બીજાઓને બાઇબલ સત્ય બતાવવાનું ક્યારેય બંધ કરશે નહિ. એના પરિણામે યહોવાહ તરફથી ઘણા જ આશીર્વાદો મળે છે.

અનુભવી ભાઈઓ તરફથી ઉત્તેજન

સ્કૂલ દરમિયાન વિદ્યાર્થીઓએ ૨૩ દેશોની શાખા સમિતિના સભ્યોની સંગતનો ખાસ લાભ મેળવ્યો. આ ભાઈઓ પણ પૅટરસન શૈક્ષણિક કેન્દ્રમાં ખાસ તાલીમ મેળવવા આવ્યા હતા. સેવા વિભાગમાંથી લીઆન વીવર અને મર્ટન કેમ્પબેલે અલગ અલગ શાખા સમિતિના સભ્યોના ઇન્ટર્વ્યૂં લીધાં, જેઓમાંના અમુક ગિલયડ સ્નાતક હતા. વિદ્યાર્થીઓ, તેમના કુટુંબીજનો અને મિત્રો માટે આવા અનુભવી મિશનરિઓ પાસેથી સાંભળવું ખરેખર ઉત્તેજનકારક હતું.

પછી સ્નાતકોને પરદેશમાં પોતાના સેવાકાર્યમાં ફેરગોઠવણ કરવા મદદ મળે એ માટે અમુક સલાહ આપવામાં આવી. તે આ પ્રમાણે હતી, “હકારાત્મક બનો. તમે ક્યારેય અજુગતો અનુભવ કરો કે બાબતોની સમજણ ન પડે ત્યારે પડતું ન મૂકો પણ યહોવાહમાં ભરોસો રાખો”; “જે કંઈ હોય એમાં સંતોષ મેળવવાનું શીખો અને વિશ્વાસ રાખો કે યહોવાહ તમને જીવન જરૂરિયાતની ચીજો પૂરી પાડશે.” બીજી પણ ઘણી બાબતો જણાવવામાં આવી કે જેનાથી તેઓને પોતાના કામમાં આનંદ જાળવી રાખવા મદદ મળે. જેમ કે, “તમે જે દેશમાંથી આવો છો એની સાથે તમને મોકલવામાં આવેલા દેશને સરખાવો નહિ”; “ત્યાંની સ્થાનિક ભાષા બરાબર શીખો જેથી તમે લોકો સાથે સારી રીતે વાતચીત કરી શકો”; “ત્યાંના રિવાજો અને સંસ્કૃતિ વિષે જાણો, એનાથી તમને તમારી સોંપણીમાં ચાલુ રહેવા મદદ મળશે.” આવી ટીકાઓ નવા મિશનરિઓને ખૂબ જ ઉત્તેજન આપનાર હતી.

ઇન્ટર્વ્યૂં પછી, ૪૨મા ગિલયડ વર્ગના સ્નાતક અને હાલમાં નિયામક જૂથના સભ્ય તરીકે સેવા કરતા ભાઈ ડેવિડ સ્પ્લેને ધ્યાન ખેંચે એવા મુખ્ય વિષય પર વાર્તાલાપ આપ્યો, “વિદ્યાર્થીઓ કે સ્નાતકો?” તેમણે સ્નાતકોને પૂછ્યું, “તમે મિશનરિ કાર્યમાં જઈ રહ્યા છો ત્યારે પોતાને કઈ રીતે જુઓ છો? શું તમે જે શીખ્યા એ પ્રમાણે મિશનરિ કામ વિષે બધું જ જાણો છો કે પછી એક વિદ્યાર્થી તરીકે હજુ પણ ઘણું શીખશો?” ભાઈ સ્પ્લેને જણાવ્યું કે પોતાને વિદ્યાર્થી તરીકે જોનાર સ્નાતક ડાહ્યો છે. મિશનરિઓએ એવું વલણ રાખવું જોઈએ કે તેઓને મળનાર દરેક વ્યક્તિમાંથી પોતે કંઈક શીખી શકે છે. (ફિલિપી ૨:૩) વિદ્યાર્થીઓને સાથી મિશનરિઓ, શાખા કચેરી અને સ્થાનિક મંડળને સહકાર આપવાનું ઉત્તેજન આપવામાં આવ્યું. ભાઈ સ્પ્લેને એ પણ સલાહ આપી કે “તમે વાર્ષિક પરીક્ષામાં પાસ થયા તો છો પણ તમે હજુ વિદ્યાર્થી જ છો. દરેકને સ્પષ્ટ રીતે જણાવો કે તમે ત્યાં શીખવા માટે આવ્યા છો.”

આ વાર્તાલાપ પછી વિદ્યાર્થીઓને સ્નાતકની પદવી આપવામાં આવી અને તેઓને ક્યાં સોંપણી મળી છે એ જાહેર કરવામાં આવ્યું. સ્નાતકોએ સાથે મળીને એક ઠરાવ વાંચ્યો એ ક્ષણો બહુ જ હૃદયસ્પર્શી હતી. એમાં તેઓએ જણાવ્યું કે પરમેશ્વરના શબ્દ દ્વારા તેઓ જે શીખ્યા છે એનાથી પ્રેરિત થઈને તેઓ પવિત્ર સેવામાં એનો વધુને વધુ ઉપયોગ કરશે.

હાજર રહેલા બધા લોકો એની સાથે જરૂર સહમત થશે કે મળેલી સલાહથી સ્નાતકોને હિંમત મળી છે અને પરમેશ્વર તથા પડોશી પ્રત્યે પ્રેમ બતાવવાનો તેઓનો નિર્ણય વધુ દૃઢ થયો છે. એટલું જ નહિ, એનાથી મિશનરિ કાર્યમાં લોકોનો પરમેશ્વરમાં વિશ્વાસ દૃઢ કરવાનું પણ તેઓએ નક્કી કર્યું.

[પાન ૨૫ પર બોક્સ]

વર્ગની વિગતો

પ્રતિનિધિત્વ કરેલા દેશોની સંખ્યા: ૧૦

સોંપણી કરવામાં આવેલા દેશોની સંખ્યા: ૨૦

વિદ્યાર્થીઓની સંખ્યા: ૪૮

સરેરાશ ઉંમર: ૩૩.૭

સત્યમાં સરેરાશ વર્ષો: ૧૬.૨

પૂરા-સમયના સેવાકાર્યના સરેરાશ વર્ષો: ૧૨.૫

[પાન ૨૬ પર ચિત્ર]

વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડનો ૧૦૯મો સ્નાતક વર્ગ

નીચે આપેલી યાદીમાં ક્રમ પ્રમાણે આગળથી પાછળ અને ડાબેથી જમણી પંગતોના નામો આપવામાં આવેલાં છે.

(૧) કોલીન્સ ઈ.; માઇલ્સ, એલ.; અલ્વરાડો, એ.; લેક, જે. (૨) વેન ડૂસન, એલ.; બીહારી, એ.; હેકીનન, એચ.; કોસ, એસ.; સ્મીથ એચ. (૩) એશફર્ડ જે.; એશફર્ડ, સી.; બોર, સી.; રીચર્ડ, એલ.; વીલબર્ન, ડી.; લેક, જે. (૪) ચીચ્ચી, કે.; ચીચ્ચી, એચ.; રામીરેઝ એમ.; બૌમાન, ડી.; બેકર, જી.; બીહારી, એસ.; રામીરેઝ, એ. (૫) વેન ડૂસન, ડબલ્યુ.; લમાત્ર, એચ.; પીસ્કો, જે.; કટ્‌સ, એલ.; રસ્સેલ, એચ.; જ્હોન્સન, આર. (૬) બેકર, એફ.; બૌમાન, ડી.; જ્હોન્સન, કે.; પીફર, એ.; મેડસન, સી.; લમાત્ર, જે.; હેકીનન, પી. (૭) સ્મીથ, આર.; રસ્સેલ, જે.; કોલીન્સ, એ.; પીસ્કો, ડી.; વીલબર્ન, આર.; કોસ, જી. (૮) કટ્‌સ, બી.; બોર, જે.; મેડસન, એન.; પીફર, એસ.; રીચર્ડ, ઈ.; માઇલ્સ, બી.; અલ્વરાડો, આર.