સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમારો પ્રેમ કેટલો ઊંડો છે?

તમારો પ્રેમ કેટલો ઊંડો છે?

તમારો પ્રેમ કેટલો ઊંડો છે?

“પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર.”—માત્થી ૨૨:૩૯.

૧. આપણે યહોવાહ પર પ્રેમ રાખતા હોઈએ તો પડોશી પર પ્રેમ રાખવો કેમ જરૂરી છે?

 સૌથી મોટી આજ્ઞા કઈ છે એ વિષે ઈસુને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું: “પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રીતિ કર.” પછી તેમણે એના જેવી જ બીજી આજ્ઞા જણાવી: “પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર.” (માત્થી ૨૨:૩૭, ૩૯) પડોશી પ્રત્યેના પ્રેમથી સાચા ખ્રિસ્તીઓ ઓળખાઈ આવે છે. જો આપણે યહોવાહ પરમેશ્વરને ચાહતા હોઈએ તો આપણે પડોશી પર પણ પ્રેમ રાખવો જ જોઈએ. એનું કારણ એ છે કે યહોવાહની આજ્ઞાઓ પાળીને આપણે તેમને પ્રેમ બતાવીએ છીએ, અને તેમની આજ્ઞા છે કે આપણે પડોશી પર પ્રેમ રાખીએ. તેથી જો આપણે આપણા ખ્રિસ્તી ભાઈ-બહેનોને ચાહતા ન હોઈએ તો યહોવાહને પણ દિલથી પ્રેમ કરતા નથી.—રૂમી ૧૩:૮; ૧ યોહાન ૨:૫; ૪:૨૦, ૨૧.

૨. આપણે પડોશીને કેવો પ્રેમ બતાવવો જોઈએ?

ઈસુએ પડોશીને પ્રેમ કરવાનું કહ્યું ત્યારે, તે મિત્રો વચ્ચેના પ્રેમની વાત કરતા ન હતા. તે કુટુંબમાં તથા સ્ત્રી-પુરુષ વચ્ચેના પ્રેમ વિષે પણ જણાવતા ન હતા. પરંતુ તે યહોવાહ પરમેશ્વર અને તેમના ભક્તો વચ્ચેના પ્રેમ વિષે જણાવી રહ્યા હતા. (યોહાન ૧૭:૨૬; ૧ યોહાન ૪:૧૧, ૧૯) ઈસુએ કહ્યું કે વ્યક્તિએ ‘પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરી બુદ્ધિથી ને પૂરા સામર્થ્યથી’ પરમેશ્વરને પ્રેમ કરવો જોઈએ. વળી, એક યહુદી શાસ્ત્રી પણ ઈસુની આ વાત સાથે સંમત થયો હતો. (માર્ક ૧૨:૨૮-૩૪) તે એકદમ સાચો હતો. સાચા ખ્રિસ્તીઓ પરમેશ્વર તથા પડોશી પર જે પ્રેમ રાખે છે એમાં લાગણી અને બુદ્ધિ પણ સમાયેલી છે, કારણ કે એ મન અને હૃદયમાંથી આવે છે.

૩. (ક) ઈસુએ ‘પંડિતને’ કઈ રીતે શીખવ્યું કે તેનો પડોશી કોણ છે? (ખ) ઈસુનું દૃષ્ટાંત આજે કઈ રીતે સાચા ખ્રિસ્તીઓને લાગુ પડે છે?

લુકના અહેવાલ પ્રમાણે જ્યારે ઈસુએ કહ્યું કે આપણે પડોશીને પણ પ્રેમ કરવો જ જોઈએ ત્યારે “એક પંડિતે” તેમને પૂછ્યું: “મારો પડોશી કોણ છે?” જવાબમાં ઈસુ એક દૃષ્ટાંત આપે છે. એક માણસને મારીને તથા લૂંટી લઈને રસ્તામાં અધમૂઓ મૂકી દેવામાં આવ્યો. પછી ત્યાંથી એક યાજક અને એક લેવી પસાર થાય છે. તેને જોઈને બંને બીજી બાજુ ચાલ્યા ગયા. છેવટે એક સમરૂની તેની પાસે ગયો, તેના ઘા પર તેલ તથા દ્રાક્ષારસ રેડીને પાટા બાંધ્યા. પછી ઈસુએ પૂછ્યું કે આ ત્રણમાંથી અધમૂઆ માણસનો પડોશી કોણ હતો? જવાબ સ્પષ્ટ છે. (લુક ૧૦:૨૫-૩૭) જ્યારે ઈસુએ કહ્યું કે યાજક અને લેવી કરતાં સમરૂની સારો પડોશી હતો ત્યારે, એ પંડિતને જરૂર ઝાટકો લાગ્યો હશે. આમ, ઈસુ તે પંડિતને પોતાના પડોશી પ્રત્યે પ્રેમ બતાવવા મદદ કરી રહ્યા હતા. સાચા ખ્રિસ્તીઓએ પણ આવો જ પ્રેમ કરવો જોઈએ. પરંતુ કોને પ્રેમ બતાવવો જોઈએ એનો વિચાર કરો.

કુટુંબમાં પ્રેમ

૪. સાચા ખ્રિસ્તીઓ પ્રથમ ક્યાં પ્રેમ બતાવે છે?

સાચા ખ્રિસ્તીઓ પોતાના કુટુંબના સભ્યોને ચાહતા હોય છે. જેમ કે પત્ની પોતાના પતિને, પતિ પોતાની પત્નીને અને માબાપ પોતાનાં બાળકોને પ્રેમ કરતા હોય છે. (સભાશિક્ષક ૯:૯; એફેસી ૫:૩૩; તીતસ ૨:૪) ખરું કે મોટા ભાગનાં કુટુંબોમાં એકબીજા પ્રત્યે કુદરતી પ્રેમ જોવા મળે છે. તેમ છતાં, આજે કુટુંબો છિન્‍નભિન્‍ન થઈ રહ્યા છે. તેમ જ લગ્‍નસાથી અને બાળકો પર પણ અત્યાચાર વધી રહ્યો છે. આ બધું બતાવે છે કે કુટુંબો આજે ઘણા દબાણ હેઠળ છે. તેથી ફક્ત કુદરતી પ્રેમ બતાવવાથી કુટુંબ સુખી બની જતું નથી. (૨ તીમોથી ૩:૧-૩) સુખી કૌટુંબિક જીવન માટે ખ્રિસ્તીઓએ યહોવાહ પરમેશ્વર અને ઈસુ ખ્રિસ્ત જેવો પ્રેમ બતાવવાની જરૂર છે.—એફેસી ૫:૨૧-૨૭.

૫. માબાપ બાળકોને ઉછેરવા માટે કોની મદદ લે છે અને એના કયાં પરિણામો આવ્યાં છે?

ખ્રિસ્તી માબાપ માને છે કે બાળકો યહોવાહે આપેલો વારસો છે, અને તેઓને ઉછેરવા માટે તેમની મદદની જરૂર છે. (ગીતશાસ્ત્ર ૧૨૭:૩-૫; નીતિવચન ૨૨:૬) આ રીતે તેઓ ખ્રિસ્તી પ્રેમ કેળવે છે જેથી તેમનાં બાળકોને આ જગતની ખરાબ અસરોથી રક્ષણ મળી શકે. દાખલા તરીકે, ગયા વર્ષે નેધરલૅન્ડમાં ૫૭૫ લોકોએ બાપ્તિસ્મા લીધું. એ જોઈને ઘણા માબાપની જેમ એક માતાને પણ આનંદ થયો. પોતાના પુત્રને બાપ્તિસ્મા લેતો જોઈને તેણે લખ્યું: “મેં ૨૦ વર્ષ સુધી જે મહેનત કરી એનો મને આજે બદલો મળ્યો. હવે હું મારૂં બધું જ દુઃખ ભૂલી ગઈ.” તેના પુત્રએ પોતાના મનથી યહોવાહની સેવા કરવાનો નિર્ણય લીધો તેથી તે કેટલી ખુશ હતી! ગયા વર્ષે નેધરલૅન્ડમાં ૩૧,૦૮૯ પ્રકાશકોએ પ્રચાર કાર્યમાં ભાગ લીધો હતો. એમાંના ઘણા પોતાનાં માબાપ પાસેથી યહોવાહની ભક્તિ કરતા શીખ્યા છે.

૬. કઈ રીતે ખ્રિસ્તી પ્રેમ લગ્‍ન જીવન ટકાવી રાખી શકે?

પાઊલે કહ્યું કે પ્રેમ “સંપૂર્ણતાનું બંધન” છે અને ગમે તેવી મુશ્કેલીમાં પણ એ લગ્‍નને ટકાવી શકે છે. (કોલોસી ૩:૧૪, ૧૮, ૧૯; ૧ પીતર ૩:૧-૭) ચાલો એક ઉદાહરણ જોઈએ. ટાહિટીથી ૭૦૦ કિલોમીટર દૂર આવેલા રૂરુટુ ટાપુ પર એક માણસે યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. એ સમયે તેની પત્નીએ ખૂબ જ વિરોધ કર્યો. છેવટે તે તેના પતિને છોડીને બાળકોને લઈ ટાહિટીમાં રહેવા ચાલી ગઈ. તોપણ આ માણસ તેની પત્નીને પ્રેમ કરતો હતો. તે દર મહિને તેને પૈસા મોકલતો અને ફોન કરીને પૂછતો કે તેને તથા બાળકોને બીજા કશાની જરૂર છે કે કેમ. આમ તેણે પોતાની જવાબદારી પૂરી કરવા પોતાનાથી બનતું બધું જ કર્યું. (૧ તીમોથી ૫:૮) પોતાનું કુટુંબ ફરીથી સાથે મળીને રહે એ માટે તે વારંવાર પ્રાર્થના કરતો. પછી તેની પત્ની ઘરે પાછી આવી ત્યારે, તેણે તેની સાથે ‘પ્રેમ, ધીરજ તથા નમ્રતાથી’ વ્યવહાર કર્યો. (૧ તીમોથી ૬:૧૧) તેણે ૧૯૯૮માં બાપ્તિસ્મા લીધું ત્યારે તેની પત્ની પણ બાઇબલનો અભ્યાસ કરવા તૈયાર હતી, તેથી તે ઘણો ખુશ હતો. ગયા વર્ષે ટાહિટીમાં ૧,૩૫૧ લોકો સાથે બાઇબલ અભ્યાસ કરવામાં આવ્યો એમાં તેની પત્નીનો પણ સમાવેશ થાય છે.

૭. જર્મનીમાં એક માણસને લગ્‍ન જીવન દૃઢ કરવા કઈ રીતે મદદ મળી?

જર્મનીમાં એક સ્ત્રી બાઇબલમાં રસ બતાવતી હતી તેથી તેના પતિએ વિરોધ કર્યો. તેને એવું લાગતું હતું કે યહોવાહના સાક્ષીઓ તેની પત્નીને ગેરમાર્ગે દોરી રહ્યા છે. પરંતુ થોડા સમય પછી પોતાની પત્નીને પહેલી વાર મળનાર યહોવાહના સાક્ષીને તેણે પત્રમાં આમ લખ્યું: “મારી પત્નીને યહોવાહના સાક્ષીઓની ઓળખાણ કરાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પહેલા તો મને ચિંતા થતી હતી કારણ કે યહોવાહના સાક્ષીઓ વિષે મેં ઘણી અફવાઓ સાંભળી હતી. પરંતુ મારી પત્ની સાથે સભાઓમાં ગયા પછી મને જાણવા મળ્યું કે મેં સાંભળેલી વાતો તદ્દન ખોટી હતી. સભાઓમાંથી મને સત્ય જાણવા મળ્યું જેનાથી અમારું લગ્‍નજીવન વધુ દૃઢ થયું છે.” જર્મનીમાં અત્યારે ૧,૬૨,૯૩૨ અને ટાહિટી શાખાની દેખરેખ હેઠળ આવતા ટાપુઓમાં ૧,૭૭૩ યહોવાહના સાક્ષીઓ છે. એમાંના ઘણાં કુટુંબો હવે યહોવાહની ભક્તિ કરે છે.

ખ્રિસ્તી ભાઈબહેનોને પ્રેમ કરો

૮, ૯. (ક) આપણને ભાઈબહેનો પર પ્રેમ રાખવાનું કોણ શીખવે છે અને એ પ્રેમ શાની પ્રેરણા આપે છે? (ખ) કઈ રીતે ખ્રિસ્તી પ્રેમ સંપીને રહેવા મદદ કરે છે એનું ઉદાહરણ આપો.

પાઊલે થેસ્સાલોનીકાના ભાઈઓને લખ્યું: “તમે પોતે એકબીજા પર પ્રેમ રાખવાને દેવથી શીખવેલા છો.” (૧ થેસ્સાલોનીકી ૪:૯) યહોવાહથી શીખવેલા લોકો એકબીજાને પ્રેમ કરે છે. (યશાયાહ ૫૪:૧૩) પાઊલે બતાવ્યું કે “પ્રેમથી એકબીજાની સેવા કરો.” એ જ રીતે આજે ખ્રિસ્તીઓના વર્તનમાં પ્રેમ દેખાઈ આવે છે. (ગલાતી ૫:૧૩; ૧ યોહાન ૩:૧૮) તેઓ બીમાર ભાઈબહેનોની મુલાકાત લે છે, નિરાશ લોકોને ઉત્તેજન આપે છે અને નબળાને મદદ કરે છે. (૧ થેસ્સાલોનીકી ૫:૧૪) આવા સાચા પ્રેમથી આપણો વિશ્વાસ ફૂલેફાલે છે.

ઈક્વેડોરમાં ૫૪૪ મંડળો આવેલાં છે. એમાંના આંગ્કૂન મંડળમાંના ભાઈઓએ કઈ રીતે પોતાનો પ્રેમ બતાવ્યો? બેકારીના કારણે ત્યાંના ભાઈઓ પાસે કામ-ધંધો ન હતો. તેથી તેઓએ પૈસા કમાવાનો રસ્તો શોધી કાઢ્યો. ત્યાંના માછીમારો રાત્રે માછલી પકડીને વહેલી સવારે ઘરે આવતા. ભાઈઓએ તેઓ માટે ભોજન બનાવીને વેચવાનું નક્કી કર્યું. એમાં બાળકો સહિત મંડળના બધાએ ભાગ લીધો. આપણા ભાઈઓ રાત્રે એક વાગ્યે રસોઈ બનાવવાનું શરૂ કરતા, જેથી સવારે ૪ વાગ્યે માછીમારો આવે ત્યારે તેઓને આપી શકાય. આ રીતે કમાયેલા પૈસા તેઓ જરૂરિયાત પ્રમાણે વહેંચી લેતા. આમ, સંપીને કામ કરવાથી સાચો ખ્રિસ્તી પ્રેમ દેખાઈ આવે છે.

૧૦, ૧૧. આપણે જે ભાઈબહેનોને ઓળખતા નથી તેઓને કઈ રીતે પ્રેમ બતાવી શકીએ?

૧૦ તેમ છતાં, આપણે ઓળખીએ છીએ એવા ભાઈબહેનો માટે જ પ્રેમ રાખવો પૂરતો નથી. પ્રેષિત પીતરે કહ્યું: “સાથી વિશ્વાસીઓ પર પ્રેમ રાખો.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે, ૧ પીતર ૨:૧૭, પ્રેમસંદેશ.) આપણે બધા ભાઈબહેનોને ચાહીએ છીએ કારણ કે તેઓ યહોવાહના ભક્તો છે. સંકટ સમયે આપણને પ્રેમ બતાવવાની તક મળી શકે. દાખલા તરીકે, ૨૦૦૦ના સેવા વર્ષમાં, મોઝામ્બિકમાં ભયંકર પૂર આવવાથી અને અંગોલામાં યુદ્ધ ચાલતું હોવાથી ઘણા લોકો પાસે કંઈ ખાવાનું ન હતું. મોઝામ્બિકમાં લગભગ ૩૧,૭૨૫ અને અંગોલાના ૪૧,૨૨૨ ભાઈબહેનોને એની અસર થઈ હતી. તેથી દક્ષિણ આફ્રિકાના ભાઈઓએ તેઓને મદદ કરવા પુષ્કળ પ્રમાણમાં ખાવા-પીવાનું મોકલાવ્યું. આ ભાઈઓએ સ્વેચ્છાથી પોતાની ‘પુષ્કળતામાંથી’ જેઓને જરૂર હતી એવા ભાઈઓને મદદ કરીને પ્રેમ બતાવ્યો.—૨ કોરીંથી ૮:૮, ૧૩-૧૫, ૨૪.

૧૧ ગરીબ દેશોમાં નાનામોટા હૉલ બાંધવા માટે અમીર દેશોમાંથી ભાઈઓ દાન કરે છે. એ રીતે તેઓનો પ્રેમ દેખાઈ આવે છે. સોલોમન ટાપુઓમાં આનું સરસ ઉદાહરણ જોવા મળે છે. આ ટાપુઓમાં ચારે બાજુ અશાંતિ હોવા છતાં, ગયા વર્ષે ૧,૬૯૭ પ્રકાશકોમાં છ ટકાનો વધારો થયો. ભાઈઓએ સંમેલન માટે મોટો હૉલ બાંધવાની યોજના કરી. પરંતુ અશાંતિ હોવાથી ઘણા ટાપુ છોડીને નાસી રહ્યા હતા. એવી હાલતમાં પણ હૉલ બાંધવા ઑસ્ટ્રેલિયાથી સ્વયંસેવકો મદદ કરવા આવી રહ્યા હતા. છેવટે, તેઓએ પણ એ ટાપુ છોડવો પડ્યો. જોકે પાછા જતાં પહેલાં તેઓએ ત્યાંના ભાઈઓને હૉલના પાયા સુધીનું બાંધકામ પૂરું કરવાની તાલીમ આપી. તેમ જ ઑસ્ટ્રેલિયાથી મોટા હૉલ માટે સ્ટીલનું માળખું તૈયાર કરીને જહાજ દ્વારા મોકલ્યું જેથી એ બાંધકામ પૂરું કરવામાં આવે. એ સમયે ઘણી ઇમારતોનું બાંધકામ પડતું મૂકવામાં આવ્યું હતું. પરંતુ યહોવાહની ભક્તિ માટે આ હૉલનું બાંધકામ પૂરું કરવામાં આવ્યું. આ મોટા હૉલે યહોવાહના નામ અને ભાઈઓના પ્રેમ વિષે સુંદર સાક્ષી આપી.

પરમેશ્વરની જેમ જગતને પ્રેમ કરીએ

૧૨. કઈ રીતે આપણે અવિશ્વાસુ લોકો સાથે યહોવાહ જેવું વલણ રાખી શકીએ?

૧૨ શું આપણો પ્રેમ આપણા કુટુંબ અને ખ્રિસ્તી ભાઈબહેનો પૂરતો જ છે? ના, કારણ કે આપણે “દેવનું અનુકરણ કરનારા” છીએ. ઈસુએ કહ્યું: “દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ સારૂ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.” (એફેસી ૫:૧; યોહાન ૩:૧૬) યહોવાહ પરમેશ્વરની જેમ આપણે પણ અવિશ્વાસુ લોકોને ચાહીએ છીએ. (લુક ૬:૩૫, ૩૬; ગલાતી ૬:૧૦) એ માટે ખાસ કરીને આપણે પરમેશ્વરના રાજ્યનો પ્રચાર કરીએ છીએ અને યહોવાહે માણસજાત માટે જે પ્રેમ બતાવ્યો એના વિષે લોકોને જણાવીએ છીએ. તેથી જે કોઈ એ સંદેશો સાંભળે એનું તારણ થઈ શકે.—માર્ક ૧૩:૧૦; ૧ તીમોથી ૪:૧૬.

૧૩, ૧૪. મુશ્કેલીઓ હોવા છતાં કેટલાક ભાઈબહેનોએ કઈ રીતે લોકોને પ્રેમ બતાવ્યો?

૧૩ નેપાળના ચાર ખાસ પાયોનિયરોનો વિચાર કરો. આ ભાઈઓને નેપાળના દક્ષિણ-પશ્ચિમમાં એક શહેરમાં મોકલવામાં આવ્યા. તેઓ છેલ્લા પાંચ વર્ષથી ધીરજથી એ શહેર અને આસપાસના ગામડાંઓમાં પ્રચાર કરીને પોતાનો પ્રેમ બતાવી રહ્યા છે. આખા વિસ્તારમાં પ્રચાર કરવા તેઓ ધગધગતા તાપમાં અવાર-નવાર ઘણા કલાકો સુધી સાયકલ ચલાવીને જાય છે. તેઓએ પ્રેમ અને “ધીરજથી સારાં કામ” કર્યાં. તેથી, ત્યાંના એક ગામડાંમાં નવું વૃંદ શરૂ કરવામાં આવ્યું. (રૂમી ૨:૭) માર્ચ ૨૦૦૦માં ત્યાં સરકીટ નિરીક્ષકે પ્રવચન આપ્યું ત્યારે ૩૨ લોકો સભામાં આવ્યા હતા. નેપાળમાં ગયા વર્ષે ૯ ટકાનો વધારો થવાથી હવે ૪૩૦ પ્રકાશકો થયા છે. એનાથી સાબિત થાય છે કે ખરેખર યહોવાહ આ ઉત્સાહી ભાઈઓને આશીર્વાદ આપી રહ્યા છે.

૧૪ કોલંબિયામાં થોડા સમય માટે અમુક પાયોનિયરોને વાઈઊ નામના આદિવાસીઓને પ્રચાર કરવા મોકલવામાં આવ્યા હતા. એમ કરવા માટે તેઓએ નવી ભાષા શીખવાની જરૂર પડી. તેમ છતાં તેઓનો ઉત્સાહ ઠંડો ન પડ્યો. એ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતો હોવા છતાં ૨૭ લોકો પ્રવચન સાંભળવા આવ્યા. આવા પાયોનિયરોના પ્રેમ અને ઉત્સાહને લીધે ત્યાં ૫ ટકા વધારો થયો અને ૧,૦૭,૬૧૩ પ્રકાશકો થયા છે. ડેનમાર્કમાં એક વૃદ્ધ બહેન લોકોને પ્રચાર કરવા ચાહતા હતા, પરંતુ તે અપંગ હતા. તેમણે હિંમત હાર્યા વગર રસ ધરાવતા લોકોને પત્રો લખ્યા. આજે તે ૪૨ લોકો સાથે પત્રવ્યવહાર કરી રહ્યા છે અને ૧૧ લોકો સાથે બાઇબલ અભ્યાસ ચલાવી રહ્યા છે. ગયા વર્ષે ડેનમાર્કમાં પ્રચાર કાર્યમાં ભાગ લેનારા ૧૪,૮૮૫ પ્રકાશકોમાં આ બહેન પણ હતા.

દુશ્મનોને પ્રેમ કરો

૧૫, ૧૬. (ક) ઈસુએ કેવો પ્રેમ બતાવવાનું કહ્યું? (ખ) યહોવાહના સાક્ષીઓ પર જૂઠો આરોપ મૂકનાર સાથે ભાઈઓએ કેવું વર્તન કર્યું?

૧૫ આપણે જોઈ ગયા તેમ ઈસુએ પંડિતને કહ્યું કે ખરો પડોશી સમરૂની હતો. વળી, પહાડ પરના ઉપદેશમાં ઈસુએ કહ્યું કે, “તું તારા પડોશી પર પ્રીતિ કર, ને તારા વૈરી ઉપર દ્વેષ કર, એમ કહેલું હતું, એ તમે સાંભળ્યું છે: પણ હું તમને કહું છું કે તમે તમારા વૈરીઓ પર પ્રીતિ કરો . . . એ માટે કે તમે આકાશમાંના તમારા બાપના દીકરા થાઓ.” (માત્થી ૫:૪૩-૪૫) ભલે કોઈ આપણો વિરોધ કરે, તોપણ આપણે “સારાથી ભૂંડાનો પરાજય” કરવાનો પ્રયત્ન કરીએ. (રૂમી ૧૨:૧૯-૨૧) શક્ય હોય તો તેમને યહોવાહના રાજ્યનો સંદેશો જણાવીએ.

૧૬ યૂક્રેઇનમાં ક્રેમેનચુક હેરાલ્ડ નામના છાપામાં એક લેખ હતો કે યહોવાહના સાક્ષીઓનો પંથ ખતરનાક છે. આ ગંભીર બાબત હતી, કેમ કે યુરોપમાં કેટલાક લોકો યહોવાહના સાક્ષીઓ વિષે આવી અફવાઓ ફેલાવીને તેઓનું કાર્ય બંધ કરાવવા માંગતા હતા. તેથી છાપાના તંત્રીનો સંપર્ક કરવામાં આવ્યો અને લેખમાં સુધારો કરીને ફરી જાહેરાત આપવાનું કહેવામાં આવ્યું. તંત્રી સુધારો કરવા સહમત તો થયા, પણ તેમણે એ સુધારેલા લેખ સાથે જણાવ્યું કે અગાઉનો લેખ ખરો હતો. તેથી આગળ પડતા ભાઈઓ તેમને ફરીથી મળ્યા અને બીજી વધારે માહિતી આપી. છેવટે, એ તંત્રીને સમજાયું કે અગાઉના લેખમાં ભૂલ થઈ છે, અને તેમણે છાપામાં માફી માગી. આમ, ભાઈઓ તેમની સાથે પ્રેમાળ રીતે વર્તીને આ મુશ્કેલીનો ઉકેલ લાવ્યા, જેનું બહુ સારું પરિણામ આવ્યું.

કઈ રીતે પ્રેમ વિકસાવી શકાય?

૧૭. શું બતાવે છે કે હંમેશા પ્રેમ બતાવવો સહેલું નથી?

૧૭ બાળક જન્મતાની સાથે જ માબાપ તેને જીવની જેમ ચાહવા લાગે છે. પરંતુ મોટા લોકોમાં હર વખત એવો પ્રેમ જોવા મળતો નથી. આપણામાં પ્રેમ હોતો નથી એટલે જ બાઇબલ આપણને વારંવાર એકબીજાને પ્રેમ કરવા ઉત્તેજન આપે છે. (૧ પીતર ૧:૨૨; ૪:૮; ૧ યોહાન ૩:૧૧) ઈસુએ જ્યારે કહ્યું કે આપણા ભાઈને “સિત્તેરગણી સાત વાર” માફ કરવો જોઈએ ત્યારે, તે જાણતા હતા કે આપણા પ્રેમની કસોટી થશે. (માત્થી ૧૮:૨૧, ૨૨) પાઊલે પણ આપણને “એકબીજાનું સહન” કરવા ઉત્તેજન આપ્યું. (કોલોસી ૩:૧૨, ૧૩) તેથી આપણને ‘પ્રીતિને અનુસરવાનું’ કહેવામાં આવ્યું છે એમાં કંઈ આશ્ચર્ય નથી. (૧ કોરીંથી ૧૪:૧) આપણે એમ કઈ રીતે કરી શકીએ?

૧૮. બીજાઓ માટેનો પ્રેમ કેળવવા આપણને શું મદદ કરશે?

૧૮ સૌ પ્રથમ તો આપણે હંમેશા યહોવાહ પ્રત્યેનો આપણો પ્રેમ યાદ રાખવો જોઈએ. એમ કરવાથી પડોશી માટેનો આપણો પ્રેમ વધશે. કઈ રીતે? આપણે પ્રેમથી વર્તીએ છીએ ત્યારે યહોવાહ પરમેશ્વરને મહિમા અને સ્તુતિ આપીએ છીએ. (યોહાન ૧૫:૮-૧૦; ફિલિપી ૧:૯-૧૧) બીજું કે, આપણે યહોવાહની નજરે જોઈએ. આપણે હંમેશા યહોવાહ વિરુદ્ધ પાપ કરીએ છીએ; તોપણ દરેક વખતે તે આપણને માફ કરે છે અને જીવતા રાખે છે. (ગીતશાસ્ત્ર ૮૬:૫; ૧૦૩:૨, ૩; ૧ યોહાન ૧:૯; ૪:૧૮) આપણે યહોવાહ જેવું વર્તન રાખીશું તો, બીજાઓને પ્રેમ કરવા પ્રેરાઈશું અને તેઓને માફ કરવા તૈયાર રહીશું. (માત્થી ૬:૧૨) ત્રીજું, બીજાઓ પાસે જેવા વર્તનની તમે આશા રાખો છો, એવું જ વર્તન તમે પણ કરો. (માત્થી ૭:૧૨) માણસ માત્ર ભૂલને પાત્ર હોવાથી આપણને વારંવાર માફીની જરૂર પડે છે. દાખલા તરીકે, આપણે બીજાઓને દુઃખ પહોંચાડીએ છીએ ત્યારે, એવી આશા રાખીએ છીએ કે તેઓ આપણને માફ કરે અને ભૂલી જાય. (યાકૂબ ૩:૨) આપણે ઇચ્છતા હોઈએ કે બીજાઓ આપણી સાથે પ્રેમથી વર્તે તો આપણે પણ તેઓ સાથે પ્રેમથી વર્તવું જોઈએ.

૧૯. કઈ રીતે આપણે પ્રેમ કેળવવા પવિત્ર આત્માની મદદ માગી શકીએ?

૧૯ ચોથું, આપણે પવિત્ર આત્માની મદદ માગી શકીએ કારણ કે પ્રેમ એ પવિત્ર આત્માનું એક ફળ છે. (ગલાતી ૫:૨૨, ૨૩) કુટુંબ માટે, મિત્રો માટે અને સ્ત્રી-પુરુષ વચ્ચેનો પ્રેમ તો કુદરતી છે. પરંતુ આપણને યહોવાહ પરમેશ્વર જેવો પ્રેમ કેળવવા મદદની જરૂર છે, કેમ કે એવો પ્રેમ સંપૂર્ણતાનું બંધન છે. આપણે બાઇબલ વાંચીને પરમેશ્વરના પવિત્ર આત્માની મદદ માંગી શકીએ. દાખલા તરીકે, આપણે ઈસુના જીવન વિષે અભ્યાસ કરીએ તો, આપણને જાણવા મળશે કે તે લોકો સાથે કઈ રીતે વર્ત્યા હતા. એમ કરવાથી આપણે તેમના પગલે ચાલતા શીખી શકીશું. (યોહાન ૧૩:૩૪, ૩૫; ૧૫:૧૨) તેમ જ યહોવાહ પાસે પવિત્ર આત્મા માંગીએ જેથી મુશ્કેલીમાં પણ આપણે પ્રેમથી વર્તી શકીએ. (લુક ૧૧:૧૩) છેલ્લે, આપણે ખ્રિસ્તી મંડળ સાથે ગાઢ સંબંધ રાખીને પ્રેમભાવ રાખી શકીએ. પ્રેમાળ ભાઈબહેનો સાથે રહેવાથી આપણને પ્રેમ કેળવવા મદદ મળશે.—નીતિવચન ૧૩:૨૦.

૨૦, ૨૧. યહોવાહના સાક્ષીઓએ ૨૦૦૦ની સાલમાં કઈ રીતે પ્રેમ બતાવ્યો?

૨૦ ગયા વર્ષે જગત ફરતે ૬૦,૩૫,૫૬૪ પ્રકાશકોએ પ્રચાર કાર્યમાં ભાગ લીધો. યહોવાહના સાક્ષીઓએ લોકોને પરમેશ્વરના રાજ્યનો સંદેશો પહોંચાડવા ૧,૧૭,૧૨,૭૦,૪૨૫ કલાકો આપ્યા. પ્રેમના કારણે તેઓએ તાપ, વરસાદ અને ઠંડી સહીને એ કાર્ય કર્યું. પ્રેમના કારણે જ તેઓએ સ્કૂલમાં, નોકરી પર અને અજાણ્યા લોકોને એ સંદેશો પહોંચાડ્યો. તેઓએ મુલાકાત લીધી એ બધાને એમાં રસ ન હતો અને કેટલાકે તો વિરોધ પણ કર્યો. તેમ છતાં, અમુકને એ વિષે જાણવું હતું તેથી ભાઈઓએ ૪૩,૩૪,૫૪,૦૪૯ ફરી મુલાકાતો કરી અને ​૪૭,૬૬,૬૩૧ લોકો સાથે બાઇબલ અભ્યાસ કર્યો. *

૨૧ યહોવાહના સાક્ષીઓ પરમેશ્વર અને પડોશીઓને પ્રેમ કરે છે એનું કેવું સુંદર ઉદાહરણ! એ પ્રેમ કદી ઠંડો પડશે નહિ. આપણને ખાતરી છે કે ૨૦૦૧માં એનાથી પણ વધુ લોકોને પ્રચાર કરવામાં આવશે. યહોવાહના વફાદાર અને ઉત્સાહી ભક્તો ‘જે કંઈ કરે તે પ્રીતિથી કરે’ અને યહોવાહનો આશીર્વાદ સતત તેઓ પર રહે.—૧ કોરીંથી ૧૬:૧૪.

[ફુટનોટ]

^ સેવા વર્ષ ૨૦૦૦ના અહેવાલની વધારે માહિતી માટે, પાન ૧૮-૨૧ પર જુઓ.

શું તમે સમજાવી શકો?

• લોકોને પ્રેમ બતાવીએ ત્યારે આપણે કોનું અનુકરણ કરીએ છીએ?

• આપણો પ્રેમ કેટલો ઊંડો હોવો જોઈએ?

• ખ્રિસ્તી પ્રેમના કેટલાક અનુભવો કયા છે?

• કઈ રીતે આપણે ખ્રિસ્તી પ્રેમ કેળવી શકીએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૮-૨૧ પર ચાર્ટ]

2000 SERVICE YEAR REPORT OF JEHOVAH’S WITNESSES WORLDWIDE

(See bound volume)

[પાન ૧૫ પર ચિત્રો]

ખ્રિસ્તી પ્રેમ કુટુંબને દૃઢ બનાવે છે

[પાન ૧૭ પર ચિત્રો]

ખ્રિસ્તી પ્રેમ આપણી આશા વિષે બીજા લોકોને જણાવવા આપણને પ્રેરે છે