પ્રેમમાં વધતા જાઓ
પ્રેમમાં વધતા જાઓ
“પ્રભુ [યહોવાહ] તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રીતિ કર.”—માત્થી ૨૨:૩૭.
૧. (ક) એક ખ્રિસ્તી કયા ગુણો કેળવે છે? (ખ) કયો ગુણ સૌથી મહત્ત્વનો છે અને શા માટે?
એક અસરકારક સેવક બનવા સાચા ખ્રિસ્તીઓ ઘણા ગુણો કેળવે છે. નીતિવચનનું પુસ્તક જ્ઞાન, બુદ્ધિ અને ડહાપણ જેવા અમુક ગુણોનું મહત્ત્વ સમજાવે છે. (નીતિવચન ૨:૧-૧૦) પ્રેષિત પાઊલ મક્કમ વિશ્વાસ અને નક્કર આશા પર ભાર મૂકે છે. (રૂમી ૧:૧૬, ૧૭; કોલોસી ૧:૫; હેબ્રી ૧૦:૩૯) ધીરજ અને સંયમ પણ ખૂબ જરૂરી છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૨૫; હેબ્રી ૧૦:૩૬) પરંતુ એ બધામાં એક ગુણ ન હોય તો એ ગુણો નકામા બની શકે છે. એ ગુણ પ્રેમ છે.—૧ કોરીંથી ૧૩:૧-૩, ૧૩.
૨. ઈસુએ કઈ રીતે પ્રેમનું મહત્ત્વ બતાવ્યું, અને કયા પ્રશ્નો ઊભા થાય છે?
૨ ઈસુએ આમ કહીને પ્રેમનું મહત્ત્વ સમજાવ્યું: “જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહાન ૧૩:૩૫) પ્રેમ સાચા ખ્રિસ્તીનું ઓળખ ચિહ્ન હોવાથી, આપણે પોતાને આવા પ્રશ્નો પૂછવાની જરૂર છે: પ્રેમ એટલે શું? એ કેમ એટલો મહત્ત્વનો છે કે ઈસુએ એનાથી પોતાના શિષ્યોની ઓળખ આપી? આપણે કઈ રીતે પ્રેમ કેળવી શકીએ? આપણે કોને પ્રેમ બતાવવો જોઈએ? ચાલો આપણે એ પ્રશ્નોની ચર્ચા કરીએ.
પ્રેમ એટલે શું?
૩. પ્રેમ એટલે શું, અને કઈ રીતે એ મન તથા હૃદયનો સમાવેશ કરે છે?
૩ એક પુસ્તકમાં પ્રેમનું વર્ણન આ રીતે થયું છે: ‘કોઈ માટે આકર્ષણ, ઊંડી લાગણી, ઉષ્માભર્યો સ્નેહ કે હેત હોવું.’ એનાથી લોકો બીજાઓ માટે સારું કરવા પ્રેરાય છે, કેટલીક વાર તો લોકો એ માટે મોટો ભોગ પણ આપે છે. બાઇબલમાં જણાવેલા પ્રેમમાં મન અને હૃદય બંને સમાયેલા છે. પ્રેમ બતાવનાર મનથી જાણે છે કે પોતામાં તથા જેઓને તે ચાહે છે, તેઓમાં નબળાઈઓ છે અને સારા ગુણો પણ છે. તેમ જ, પોતાને કોઈ ન ગમતું હોય તોપણ, મનથી એક ખ્રિસ્તી તેને ચાહે છે કારણ કે બાઇબલ પ્રમાણે પરમેશ્વર તેની પાસેથી એ જ માંગે છે. (માત્થી ૫:૪૪; ૧ કોરીંથી ૧૬:૧૪) પરંતુ સાચા પ્રેમનું મૂળ તો હૃદય છે. બાઇબલમાં બતાવેલો સાચો પ્રેમ ફક્ત મનથી જ થતો નથી. એ પ્રેમ કોઈ કપટ વિનાનો અને ખરો હોય છે.—૧ પીતર ૧:૨૨.
૪. કઈ રીતે પ્રેમ મજબૂત બંધન છે?
૪ સ્વાર્થી લોકો મોટા ભાગે સાચા પ્રેમાળ સંબંધો રાખી શકતા નથી, કારણ કે પ્રેમ કરનાર હંમેશા બીજાની ભલાઈ જોવા તૈયાર હોય છે. (ફિલિપી ૨:૨-૪) બીજાઓ પર પ્રેમ વરસાવવાની વાત આવે છે ત્યારે, ઈસુના આ શબ્દો કેટલા સાચા પડે છે: “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) પ્રેમ ખૂબ જ મજબૂત બંધન છે. (કોલોસી ૩:૧૪) એમાં મોટા ભાગે દોસ્તી સમાયેલી છે, પણ પ્રેમનું બંધન દોસ્તી કરતાં વધુ મજબૂત હોય છે. દાખલા તરીકે, પતિ-પત્ની વચ્ચેના પ્રણયને પણ ઘણી વાર પ્રેમ કહેવામાં આવે છે. પરંતુ બાઇબલ આપણને જે પ્રેમ કેળવવા ઉત્તેજન આપે છે, એ ફક્ત શરીરના આકર્ષણ કરતાં વધારે ટકે છે. ભલેને પતિ-પત્ની ઘડપણ કે કોઈ અપંગતાને લીધે શારીરિક સંબંધ બાંધી શકતા ન હોય, પરંતુ એકબીજાને સાચો પ્રેમ કરતા હશે તો, તેઓ ગમે તેવી હાલતમાં પણ સાથે જ રહેશે.
મહત્ત્વનો ગુણ પ્રેમ
૫. શા માટે પ્રેમ સાચા ખ્રિસ્તીઓ માટે મહત્ત્વનો ગુણ છે?
૫ શા માટે પ્રેમ સાચા ખ્રિસ્તીઓ માટે મહત્ત્વનો ગુણ છે? પહેલું કારણ એ કે ઈસુએ પોતાના શિષ્યોને એકબીજા પર પ્રેમ રાખવાની આજ્ઞા આપી હતી. તેમણે કહ્યું: “જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાળો તો તમે મારા મિત્ર છો. તમે એકબીજા પર પ્રેમ રાખો માટે હું તમને એ આજ્ઞાઓ આપું છું.” (યોહાન ૧૫:૧૪, ૧૭) બીજું કે યહોવાહ પ્રેમ છે, તેથી તેમના ભક્તો તરીકે આપણે તેમનું અનુકરણ કરવું જ જોઈએ. (એફેસી ૫:૧; ૧ યોહાન ૪:૧૬) બાઇબલ કહે છે કે યહોવાહ પરમેશ્વર અને ઈસુને ઓળખવાનો અર્થ અનંતજીવન છે. આપણે પરમેશ્વરને પગલે ચાલવાનો પ્રયત્ન નહિ કરીએ તો, કઈ રીતે કહી શકીએ કે આપણે તેમને ઓળખીએ છીએ? પ્રેષિત યોહાને સમજાવ્યું: “જે પ્રેમ કરતો નથી, તે દેવને ઓળખતો નથી; કેમકે દેવ પ્રેમ છે.”—૧ યોહાન ૪:૮.
૬. જીવનમાં સમતોલ રહેવા પ્રેમ આપણને કઈ રીતે મદદ કરે છે?
૬ ત્રીજું કારણ, પ્રેમ આપણા જીવનના જુદાં જુદાં પાસાઓમાં સમતોલ રહેવા અને સારાં કામો કરવા મદદ કરે છે. દાખલા તરીકે, પરમેશ્વરના વચન, બાઇબલનું જ્ઞાન લેતા રહેવું જરૂરી છે. આવું જ્ઞાન તેના માટે ખોરાક જેવું છે. એ તેને અનુભવી બનવા અને યહોવાહની ઇચ્છા પ્રમાણે જીવવા મદદ કરે છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫; માત્થી ૪:૪; ૨ તીમોથી ૩:૧૫, ૧૬) જોકે, પાઊલ ચેતવણી આપે છે કે “જ્ઞાન માણસને ગર્વિષ્ઠ કરે છે, પણ પ્રીતિ તેની ઉન્નતિ કરે છે.” (૧ કોરીંથી ૮:૧) ખરું કે જ્ઞાન લેવામાં કંઈ જ ખોટું નથી. પરંતુ મુશ્કેલીનું મૂળ આપણે છીએ, કારણ કે આપણે જન્મથી જ પાપી છીએ. (ઉત્પત્તિ ૮:૨૧) એક વ્યક્તિમાં પ્રેમનો અભાવ હશે તો, જ્ઞાન તેને અભિમાની બનાવી શકે અને તે પોતે કંઈક છે, એમ સમજવા લાગશે. પરંતુ તેનામાં પ્રેમ હશે તો એમ બનશે નહિ. “પ્રીતિ આપવડાઈ કરતી નથી, ફૂલાઈ જતી નથી.” (૧ કોરીંથી ૧૩:૪) એક પ્રેમાળ ખ્રિસ્તી ભલે ગમે તેટલો જ્ઞાની હશે, પણ તે ક્યારેય એનાથી ફૂલાઈ જશે નહિ. પ્રેમને કારણે તે નમ્ર રહે છે અને પોતાની બડાઈ હાંકતો નથી.—ગીતશાસ્ત્ર ૧૩૮:૬; યાકૂબ ૪:૬.
૭, ૮. જે શ્રેષ્ઠ છે, એ પારખી લેવા પ્રેમ કઈ રીતે મદદ કરે છે?
૭ પાઊલે ફિલિપીના ભાઈઓને લખ્યું: “હું એવી પ્રાર્થના કરૂં છું, કે જ્ઞાનમાં તથા સર્વ વિવેકબુદ્ધિમાં તમારી પ્રીતિ ઉત્તરોત્તર વધતી જાય; જેથી જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો, અને એમ તમે ખ્રિસ્તના દહાડા સુધી નિષ્કલંક તથા નિર્દોષ થાઓ.” (ફિલિપી ૧:૯, ૧૦) આ રીતે જે શ્રેષ્ઠ છે, એ પારખી લેવા ખ્રિસ્તી પ્રેમ આપણને મદદ કરશે. દાખલા તરીકે પાઊલે તીમોથીને કહેલા શબ્દોનો વિચાર કરો: “જો કોઈ માણસ અધ્યક્ષપદની ઇચ્છા રાખે છે, તો તે ઉમદા કામની ઇચ્છા રાખે છે.” (૧ તીમોથી ૩:૧) ગયા ૨૦૦૦ના વર્ષમાં ૧,૫૦૨ નવા મંડળો સ્થપાયાં એ કારણે હાલમાં કુલ ૯૧,૪૮૭ મંડળો છે. તેથી વધારે વડીલોની જરૂર છે અને જેઓ એ માટે મહેનત કરે છે, તેઓની પ્રશંસા થવી જોઈએ.
૮ પરંતુ મંડળની દેખરેખ રાખનાર બનવા મહેનત કરનારાઓ એનો હેતુ ધ્યાનમાં રાખશે તો એ મદદરૂપ થશે. ફક્ત સત્તા કે મોટું નામ હોવું, એ મહત્ત્વનું નથી. યહોવાહની કૃપા મેળવનારા વડીલો યહોવાહ અને પોતાના ભાઈઓ માટેના પ્રેમથી પ્રેરાય છે. તેઓ સત્તા કે ખુરશીના ભૂખ્યા નથી. પ્રેષિત પીતરે મંડળના વડીલોને સારું વલણ કેળવવાની સલાહ આપ્યા પછી ‘નમ્ર’ બનવા પર ભાર મૂક્યો. તેમણે મંડળમાં સર્વને સલાહ આપી કે, “દેવના સમર્થ હાથ નીચે તમે પોતાને નમાવો.” (૧ પીતર ૫:૧-૬) જે ભાઈઓ આવા લહાવા માટે મહેનત કરતા હોય, તેઓએ પૃથ્વી પરના એવા સર્વ વડીલોનો વિચાર કરવો જોઈએ, જેઓ બહુ મહેનતુ અને નમ્ર છે. એવા વડીલો તેઓના મંડળો માટે ખરેખર આશીર્વાદ છે.—હેબ્રી ૧૩:૭.
ખરો હેતુ ટકી રહેવા મદદ કરે છે
૯. યહોવાહે આપેલાં વચનો પર ખ્રિસ્તીઓ શા માટે મનન કરે છે?
૯ પ્રેમનું મહત્ત્વ બીજી કઈ રીતે જોઈ શકાય છે? પ્રેમને કારણે પરમેશ્વર યહોવાહની ભક્તિ કરનારાઓને બાઇબલ હમણાં અને ભાવિમાં સુંદર આશીર્વાદોનું વચન આપે છે. (૧ તીમોથી ૪:૮) એક ખ્રિસ્તી આ વચનોમાં પૂરો ભરોસો રાખીને માને છે કે યહોવાહને ‘જેઓ ખંતથી શોધે છે તેઓને તે ફળ આપે છે’ ત્યારે, તેને વિશ્વાસમાં અટલ રહેવા મદદ મળે છે. (હેબ્રી ૧૧:૬) આપણે સર્વ યહોવાહનાં વચનો પૂરાં થવાની રાહ જોઈએ છીએ, અને પ્રેષિત યોહાનની સાથે કહીએ છીએ કે, “આમેન; હે પ્રભુ ઈસુ, આવ.” (પ્રકટીકરણ ૨૨:૨૦) ઈસુને “પોતાની આગળ મૂકેલા આનંદને” નજર સામે રાખવાથી ટકી રહેવા મદદ મળી હતી. એ જ રીતે, આપણે વફાદાર રહીશું અને આવનાર આશીર્વાદો પર મનન કરીશું તો, આપણને પણ ટકી રહેવા મદદ મળશે.—હેબ્રી ૧૨:૧, ૨.
૧૦, ૧૧. કઈ રીતે પ્રેમ આપણને ટકી રહેવા મદદ કરે છે?
૧૦ પરંતુ આપણે નવી દુનિયામાં રહેવાના હેતુથી જ યહોવાહની સેવા કરતા હોય તો શું? એમ હશે તો આપણે અધીરા બની જઈશું. કોઈ પણ મુશ્કેલી આવે કે આપણે ધાર્યું હોય એમ ન બને તો તરત કચકચ કરવા લાગીશું. એવું પણ બને કે આપણે પરમેશ્વરનો માર્ગ છોડી દઈએ. (હેબ્રી ૨:૧; ૩:૧૨) પાઊલે દેમાસ વિષે જણાવ્યું જે તેમને છોડીને જતો રહ્યો. એનું કારણ એ હતું કે તેણે ‘હાલના જગત પર પ્રેમ રાખ્યો હતો.’ (૨ તીમોથી ૪:૧૦) સ્વાર્થી રીતે સેવા કરનાર કોઈ પણ આમ કરી શકે છે. આવા લોકો જગતના આકર્ષણો તરફ સહેલાઈથી ખેંચાઈ શકે છે અને આવનાર આશીર્વાદો માટે અત્યારે બાબતો જતી કરવા માગતા નથી.
૧૧ જોકે ભાવિના આશીર્વાદોની કે આજના દુઃખોમાંથી છૂટકારો મેળવવાની ઇચ્છા રાખવી, કંઈ ખોટું નથી. તેમ છતાં જીવનમાં જે મુખ્ય હોવું જોઈએ એની કદર કરવા પ્રેમ આપણને મદદ કરે છે. એ છે યહોવાહ પરમેશ્વરની ઇચ્છા પૂરી કરવી, આપણી પોતાની નહિ. (લુક ૨૨:૪૧, ૪૨) ખરેખર, પ્રેમ આપણને ઉત્તેજન આપે છે. પ્રેમ આપણને ધીરજથી પરમેશ્વરની રાહ જોવા અને તે જે આશીર્વાદો આપે છે એમાં સંતોષી બનવા મદદ કરે છે. એ આપણને ખાતરી આપે છે કે યહોવાહના યોગ્ય સમયે તેમના વચન પ્રમાણે આપણે જરૂર આશીર્વાદો મેળવીશું. (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬; ૨ કોરીંથી ૧૨:૮, ૯) એ સમય સુધી, પ્રેમ આપણને કોઈ પ્રકારના સ્વાર્થ વિના સેવા કરતા રહેવા ઉત્તેજન આપે છે, કારણ કે “પ્રીતિ . . . પોતાનું જ હિત જોતી નથી.”—૧ કોરીંથી ૧૩:૪, ૫.
આપણે કોના પર પ્રેમ રાખવો જોઈએ?
૧૨. આપણે કોના પર પ્રેમ રાખવો જોઈએ એ વિષે ઈસુએ શું કહ્યું?
૧૨ ઈસુએ મુસાના બે નિયમો જણાવીને એક જાણીતો નિયમ આપ્યો કે આપણે કોના પર પ્રેમ રાખવો જોઈએ. તેમણે કહ્યું: “પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રીતિ કર” અને “જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર.”—માત્થી ૨૨:૩૭-૩૯.
૧૩. આપણે યહોવાહને જોઈ શકતા નથી છતાં, કઈ રીતે તેમના પર પ્રેમ રાખતા શીખી શકીએ?
૧૩ ઈસુએ કહ્યું તેમ, આપણે સૌ પ્રથમ યહોવાહ પર પ્રેમ રાખવો જોઈએ. જોકે આપણે યહોવાહ માટેના પ્રેમ સાથે જન્મતા નથી. એ પ્રેમ આપણે ધીમે ધીમે કેળવીએ છીએ. પ્રથમ તેમના વિષે જે સાંભળ્યું, એનાથી આપણે તેમના તરફ ખેંચાયા. ધીરે ધીરે આપણે શીખતા ગયા કે તેમણે કઈ રીતે આપણી માટે પૃથ્વી તૈયાર કરી. (ઉત્પત્તિ ૨:૫-૨૩) આપણે એ પણ શીખ્યા કે પ્રથમ માનવ યુગલે પાપ કર્યું ત્યારે તેમણે કઈ રીતે મનુષ્યો સાથે વ્યવહાર કર્યો. તેમણે આપણને છોડી દીધા નહિ, પણ છુટકારા માટે ગોઠવણ કરી. (ઉત્પત્તિ ૩:૧-૫, ૧૫) વફાદાર લોકો સાથે તે માયાળુ રીતે વર્ત્યા, અને આખરે તેમણે આપણા પાપોની માફી માટે પોતાના એક માત્ર પુત્રનું બલિદાન આપ્યું. (યોહાન ૩:૧૬, ૩૬) આ રીતે યહોવાહ વિષે જેમ વધારે જાણ્યું તેમ તેમના માટેની આપણી કદર વધી. (યશાયાહ ૨૫:૧) દાઊદ રાજાએ કહ્યું કે યહોવાહના પ્રેમને લીધે તે તેમને ખૂબ ચાહે છે. (ગીતશાસ્ત્ર ૧૧૬:૧-૯) આજે યહોવાહ આપણી કાળજી રાખે છે, ખરો રસ્તો બતાવે છે, હિંમત અને ઉત્તેજન આપે છે. તેમના વિષે જેટલું શીખતા જઈએ છીએ, એટલા આપણે તેમને વધારે ચાહીએ છીએ.—ગીતશાસ્ત્ર ૩૧:૨૩; સફાન્યાહ ૩:૧૭; રૂમી ૮:૨૮.
આપણો પ્રેમ બતાવવો
૧૪. આપણે કઈ રીતે યહોવાહ પ્રત્યે સાચો પ્રેમ બતાવી શકીએ?
૧૪ આજે તમને એવા ઘણા મળશે, જેઓ પરમેશ્વરને ચાહતા હોવાનો દાવો કરે છે, પણ તેઓનાં કામ કંઈક બીજું જ બતાવે છે. આપણે કઈ રીતે કહી શકીએ કે યહોવાહ પર આપણને ખરેખર પ્રેમ છે? આપણે તેમને પ્રાર્થનામાં આપણી લાગણીઓ જણાવી શકીએ. તેમ જ, આપણે વાણી અને વર્તનથી આપણો પ્રેમ બતાવી શકીએ. પ્રેષિત યોહાને કહ્યું કે, “જે કોઈ તેનું [પરમેશ્વરનું] વચન પાળે છે, તેનામાં દેવ પરનો પ્રેમ ખરેખર સંપૂર્ણ થયો છે. એથી આપણે જાણીએ છીએ કે આપણે તેનામાં છીએ.” (૧ યોહાન ૨:૫; ૫:૩) પરમેશ્વરનો શબ્દ, બાઇબલ આપણને તેમના ભક્તો સાથે નિયમિત ભેગા મળવાનું અને શુદ્ધ જીવન જીવવાનું જણાવે છે. તેથી, આપણે ઢોંગ ન કરીએ, સાચું બોલીએ અને આપણા વિચારો પણ શુદ્ધ રાખીએ. (૨ કોરીંથી ૭:૧; એફેસી ૪:૧૫; ૧ તીમોથી ૧:૫; હેબ્રી ૧૦:૨૩-૨૫) આપણે જરૂર હોય તેઓને મદદ કરીને પણ પ્રેમ બતાવીએ. (૧ યોહાન ૩:૧૭, ૧૮) આપણે બીજાઓને યહોવાહ વિષે જણાવવાનું બંધ ન કરીએ. એમાં રાજ્યનો સંદેશો પ્રચાર કરવાનો સમાવેશ થાય છે. (માત્થી ૨૪:૧૪; રૂમી ૧૦:૧૦) આ રીતે બાઇબલની આજ્ઞાઓ પાળીને યહોવાહ પ્રત્યેનો આપણો સાચો પ્રેમ બતાવી શકીએ.
૧૫, ૧૬. ગયા વર્ષે યહોવાહ માટેના પ્રેમને કારણે લોકોએ શું કર્યું?
૧૫ યહોવાહ પ્રત્યેનો પ્રેમ લોકોને ખરા નિર્ણયો લેવા મદદ કરે છે. ગયા વર્ષે, આવા પ્રેમને કારણે ૨,૮૮,૯૦૭ લોકોએ પોતાનું જીવન પરમેશ્વરને સમર્પણ કરીને બાપ્તિસ્મા લીધું. (માત્થી ૨૮:૧૯, ૨૦) તેઓનું સમર્પણ ખરેખર મહત્ત્વનું હતું. એનાથી તેઓના જીવનમાં મોટા ફેરફારો આવ્યા. ઉદાહરણ તરીકે, આલ્બેનિયાના ગેઝમંડ બાસ્કેટબોલની રમતમાં હીરો હતા. અમુક વર્ષોથી તે અને તેમની પત્ની બાઇબલ અભ્યાસ કરતા હતા. ઘણી મુશ્કેલી હોવા છતાં તેઓ રાજ્યના પ્રચારક બન્યા. કેટલા આનંદની વાત છે કે આલ્બેનિયામાં ૨૦૦૦ની સાલમાં બાપ્તિસ્મા લેનારા ૩૬૬ લોકોમાં ગેઝમંડ પણ હતા. એક છાપાએ તેમના વિષેના એક લેખમાં કહ્યું, “હવે તેમના જીવનનો હેતુ છે અને એ કારણે તે તેમના કુટુંબ સાથે એકદમ સુખ-શાંતિમાં જીવે છે. હવે તેમના માટે એમાંથી કેટલો નફો થશે એ નહિ, પણ પોતે લોકોને શું આપી શકે છે એ મહત્ત્વનું છે.”
૧૬ આવો જ એક બીજો અનુભવ બાપ્તિસ્મા પામેલી નવી બહેનનો છે. ગુઆમમાં તે ઑઈલ કંપનીમાં નોકરી કરતી હતી. તેને એક આકર્ષક તક રજૂ કરવામાં આવી. વર્ષો સુધી એક પછી બીજી પદવી પ્રાપ્ત કર્યા પછી, તેને સ્ત્રી તરીકે કંપનીમાં પહેલી વાર ઉપપ્રમુખ બનવાની તક મળી. પરંતુ તેણે તો યહોવાહને સમર્પણ કર્યું હતું. તેથી તેણે પોતાના પતિ સાથે ચર્ચા કરી, અને એ તક જતી કરી. એટલું જ નહિ, તેણે પાર્ટ-ટાઈમ નોકરીની ગોઠવણ કરી, જેથી તે પૂરા-સમયની સેવા કરી શકે. યહોવાહ માટેના પ્રેમને કારણે તેણે જગતના લાભો જતા કરીને પાયોનિયર બનવાનો નિર્ણય કર્યો. એ જ રીતે ૨૦૦૦ના વર્ષમાં આવા પ્રેમને કારણે આખી પૃથ્વી પર ૮,૦૫,૨૦૫ લોકોએ અલગ અલગ રીતે પાયોનિયર સેવા કરી છે. આ પાયોનિયરોએ પ્રેમ અને વિશ્વાસનું કેવું સુંદર ઉદાહરણ બેસાડ્યું છે!
ઈસુ માટેનો પ્રેમ
૧૭. ઈસુએ પ્રેમનું કેવું સુંદર ઉદાહરણ બેસાડ્યું?
૧૭ ઈસુનું ઉદાહરણ સુંદર રીતે બતાવે છે કે પ્રેમને કારણે વ્યક્તિ શું કરી શકે છે. પૃથ્વી પર આવ્યા એ પહેલાં સ્વર્ગમાં રહેતા ઈસુ પોતાના પિતા પર અને મનુષ્યો પર ખૂબ પ્રેમ રાખતા હતા. ઈસુ પોતાને જ્ઞાનનું રૂપ આપીને કહે છે કે, “કુશળ કારીગર તરીકે હું તેની [યહોવાહની] સાથે હતું; અને હું દિનપ્રતિદિન તેને સંતોષ આપતું હતું, સદા હું તેની આગળ હર્ષ કરતું હતું. તેની વસ્તીવાળી પૃથ્વી પર હું ગમત કરતું હતું; અને મનુષ્યોમાં મને આનંદ થતો હતો.” (નીતિવચન ૮:૩૦, ૩૧) ઈસુ પ્રેમને કારણે સ્વર્ગ છોડીને એક બાળક તરીકે પૃથ્વી પર આવ્યા. તેમણે નમ્ર લોકો સાથે ધીરજથી અને દયાળુ રીતે વર્તન કર્યું. તેમ જ, યહોવાહ પરમેશ્વરના દુશ્મનોના હાથે પણ ઘણું દુઃખ સહન કર્યું. છેવટે, તે સર્વ મનુષ્યોને માટે વધસ્તંભ પર મરણ પામ્યા. (યોહાન ૩:૩૫; ૧૪:૩૦, ૩૧; ૧૫:૧૨, ૧૩; ફિલિપી ૨:૫-૧૧) સાચી પ્રેરણાનું કેવું સુંદર ઉદાહરણ!
૧૮. (ક) આપણે ઈસુ માટેનો પ્રેમ કઈ રીતે કેળવી શકીએ? (ખ) આપણે કઈ રીતે ઈસુ માટેનો પ્રેમ બતાવી શકીએ?
૧૮ લોકો ખરા હૃદયથી માત્થી, માર્ક, લુક અને યોહાનના પુસ્તકો વાંચે ત્યારે જોઈ શકે છે કે, ઈસુની વફાદારીને લીધે પોતાને કેવા આશીર્વાદો મળ્યા છે. એના પર મનન કરવાથી તેઓના દિલમાં ઈસુ માટે ઊંડો પ્રેમ જાગે છે. આજે આપણે એવા લોકો છીએ, જેઓને એક વાર પીતરે કહ્યું હતું: “તેને [ઈસુને] ન જોયા છતાં પણ તમે તેના પર પ્રીતિ રાખો છો.” (૧ પીતર ૧:૮) આપણે ઈસુમાં વિશ્વાસ મૂકીએ અને તેમના આત્મત્યાગી પ્રેમનું અનુકરણ કરીએ ત્યારે, આપણો પ્રેમ દેખાઈ આવે છે. (૧ કોરીંથી ૧૧:૧; ૧ થેસ્સાલોનીકી ૧:૬; ૧ પીતર ૨:૨૧-૨૫) એપ્રિલ ૧૯, ૨૦૦૦ની સાલમાં કુલ ૧,૪૮,૭૨,૦૮૬ લોકો ઈસુના મરણની યાદગીરી ઉજવવા આવ્યા હતા, જેમાં યાદ કરાવવામાં આવ્યું કે શા માટે આપણે ઈસુ પર પ્રેમ રાખીએ છીએ. આપણને ઘણું જ ઉત્તેજન મળે છે કે આટલા બધા લોકો ઈસુના બલિદાનથી મળતા જીવનમાં રસ ધરાવે છે! ખરેખર, યહોવાહ પરમેશ્વર અને ઈસુ ખ્રિસ્તનો આપણા માટેનો પ્રેમ જોઈને તેઓ પર પ્રેમ રાખવા આપણને ખૂબ જ ઉત્તેજન મળે છે.
૧૯. પ્રેમ વિષે કયા પ્રશ્નોની ચર્ચા હવે પછીના લેખમાં થશે?
૧૯ ઈસુએ કહ્યું કે આપણે પૂરા દિલથી, જીવથી, બુદ્ધિથી અને સામર્થ્યથી યહોવાહ પરમેશ્વર પર પ્રેમ રાખીએ. તેમણે એમ પણ કહ્યું કે આપણે જેવો પોતા પર એવો જ પડોશી પર પ્રેમ રાખીએ. (માર્ક ૧૨:૨૯-૩૧) એમાં કોનો સમાવેશ થાય છે? કઈ રીતે પડોશીઓ પ્રત્યેનો પ્રેમ આપણને સમતોલ બનવા અને સાચો ધ્યેય રાખવા મદદ કરે છે? હવે પછીના લેખમાં આપણે એ પ્રશ્નો પર ચર્ચા કરીશું.
શું તમને યાદ છે?
• પ્રેમ શા માટે મહત્ત્વનો ગુણ છે?
• આપણે કઈ રીતે યહોવાહ પર પ્રેમ રાખતા શીખી શકીએ?
• આપણી વાણી અને વર્તન કઈ રીતે બતાવે છે કે આપણે યહોવાહને ચાહીએ છીએ?
• આપણે ઈસુ માટેનો પ્રેમ કઈ રીતે બતાવી શકીએ?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૦ પર ચિત્રો]
રાહત મેળવતી વખતે પ્રેમ આપણને ધીરજ રાખવા મદદ કરે છે
[પાન ૧૨ પર ચિત્ર]
ઈસુનું મહાન બલિદાન આપણને તેમને પ્રેમ કરવા પ્રેરે છે