સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુશ્કેલીઓ છતાં પૂરા હૃદયથી સેવા કરવી

મુશ્કેલીઓ છતાં પૂરા હૃદયથી સેવા કરવી

મારો અનુભવ

મુશ્કેલીઓ છતાં પૂરા હૃદયથી સેવા કરવી

રૉડોલ્ફો લોઝાનોના જણાવ્યા પ્રમાણે

મારો જન્મ સપ્ટેમ્બર ૧૭, ૧૯૧૭માં મૅક્સિકો, ડુરાંગો રાજ્યના ગોમેઝ પાલાસીઓ નામના એક શહેરમાં થયો હતો. એ સમયે મૅક્સિકોમાં પૂરજોશમાં ક્રાંતિ ચાલી રહી હતી. એનો ૧૯૨૦માં અંત આવ્યો, પરંતુ અમે રહેતા હતા એ વિસ્તારમાં વર્ષો સુધી અશાંતિ ચાલુ જ રહી જેનાથી જીવન ઘણું મુશ્કેલ બની ગયું.

એક વખત મારી મમ્મીને જાણવા મળ્યું કે બળવાખોરો અને લશ્કરી દળો વચ્ચે લડાઈ થવાની છે ત્યારે, તેણે મને અને મારા ત્રણ મોટા ભાઈઓ તથા બે બહેનોને અમુક દિવસો સુધી ઘરમાં પૂરી રાખ્યા. અમારી પાસે થોડુંક જ ખાવાનું હતું. મને યાદ છે કે એ સમયે હું મારી નાની બહેન સાથે પલંગ નીચે સંતાઈ ગયો હતો. ત્યાર પછી મમ્મીએ એ વિસ્તાર છોડીને અમેરિકા જવાનું નક્કી કર્યું, મારા પિતા પણ પછીથી અમારી સાથે રહેવા આવ્યા.

અમે વર્ષ ૧૯૨૬માં કૅલિફૉર્નિયામાં આવ્યા એના થોડા દિવસો પહેલાં જ આર્થિક મંદીએ આખા અમેરિકાને ભરડામાં લીધું હતું. પછી અમે સૅન વાકીન વેલી, સાન્તા ક્લૅરા, સેલિનસ અને કિંગ સિટી જેવા સ્થળોએ જ્યાં કામ મળતું ત્યાં જતાં. અમે ખેતીકામ કરવાનું અને દરેક પ્રકારનાં ફળો અને શાકભાજી ઉગાડવાનું શીખ્યા. યુવાનીમાં મારે ઘણું સખત કામ કરવું પડ્યું હતું છતાં એ મારા જીવનનો સૌથી સારો સમય હતો.

બાઇબલ સત્ય મેળવવું

માર્ચ ૧૯૨૮માં, બાઇબલ વિદ્યાર્થી તરીકે ઓળખાતા એક યહોવાહના સાક્ષીએ અમારી મુલાકાત લીધી. તે સ્પૅનિશ ભાષા બોલતા એસ્ટેબાન રીવેરા નામના એક વૃદ્ધ ભાઈ હતા. તેમણે અમને “મૂએલાંઓ ક્યાં છે?” નામની પુસ્તિકા આપી હતી. આ પુસ્તિકાના વિષયોથી હું બહુ પ્રભાવિત થયો. ઉંમર નાની હોવા છતાં, હું બાઇબલ અભ્યાસ શરૂ કરીને બાઇબલ વિદ્યાર્થીઓ સાથે સંગત માણવા લાગ્યો. સમય જતાં, મારી મમ્મી અને બહેન આરોરા પણ યહોવાહ પરમેશ્વરના ઉત્સાહી સેવકો બન્યા.

વર્ષ ૧૯૩૦માં સૅન હોઝે શહેરમાં અંગ્રેજી મંડળ માટે રાજ્યગૃહ બાંધવામાં આવ્યું. આ વિસ્તારમાં ઘણા દક્ષિણ અમેરિકાના લોકો ખેતરમાં કામ કરતા હોવાથી અમે તેઓને સુસમાચાર જણાવવાનું અને ચોકીબુરજ અભ્યાસો ચલાવવાનું શરૂ કર્યું. આ માટે અમે ૮૦ કિલોમીટર દૂર આવેલા સાનફ્રાંસિસ્કોમાંના દક્ષિણ અમેરિકાના સાક્ષીઓની મદદ લીધી. સમય જતાં, સૅન હોઝેના રાજ્યગૃહમાં લગભગ ૬૦ સ્પૅનિશ ભાષા બોલનારા લોકો હાજરી આપવા લાગ્યા.

છેવટે મેં યહોવાહ પરમેશ્વરને મારું સમર્પણ કરીને, ફેબ્રુઆરી ૨૮, ૧૯૪૦માં સૅન હોઝેમાં ભરવામાં આવેલા સંમેલનમાં બાપ્તિસ્મા લીધું. પછીના વર્ષે મને યહોવાહના સાક્ષીઓમાં પૂરા સમયના સેવક કહેવાતા પાયોનિયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. એપ્રિલ ૧૯૪૩માં મને ૧૩૦ કિલોમીટર દૂર આવેલા સ્ટોક્ટોન શહેરમાં સ્પૅનિશ મંડળ સ્થાપવાનું આમંત્રણ મળ્યું. એ સમયે હું સૅન હોઝેના અંગ્રેજી મંડળમાં પ્રમુખ નિરીક્ષક તરીકે સેવા કરી રહ્યો હતો અને સ્પૅનિશ સાક્ષીઓને પણ મદદ કરી રહ્યો હતો. એ જવાબદારી બીજા ભાઈઓને સોંપીને હું સ્ટોક્ટોન આવ્યો.

વફાદારીની કસોટી

વર્ષ ૧૯૪૦થી સરકારી અધિકારીઓ મને વારંવાર લશ્કરમાં ભરતી થવા બોલાવતા. પરંતુ દરેક વખતે હું સમજાવતો કે હું મારી ધાર્મિક માન્યતાઓને લીધે એમાં જોડાઈશ નહિ. તેઓ મારા નિર્ણયને માન આપતા. પરંતુ ડિસેમ્બર ૧૯૪૧માં અમેરિકા બીજા વિશ્વયુદ્ધમાં જોડાયું અને એના લીધે થોડા જ સમય પછી લશ્કરમાં જોડાવાનું દબાણ વધવા લાગ્યું. છેવટે ૧૯૪૪માં મને જેલમાં પૂરવામાં આવ્યો. સજા સંભળાવવામાં આવી એ પહેલા મને અપરાધીઓ સાથે રાખવામાં આવ્યો. અપરાધીઓને ખબર પડી કે હું એક યહોવાહનો સાક્ષી છું ત્યારે તેઓમાંના ઘણાએ મને પૂછ્યું કે તેઓએ કરેલા ગુના બદલ પરમેશ્વર તેઓનો કેવો ન્યાય કરશે.

સૅન હોઝેના સાક્ષી ભાઈઓએ મને જામીન પર છોડાવ્યો. નાગરિક હક્કોના બચાવ માટે લડતા લૉસ ઍંજિલીસના એક વકીલ મારો કેસ વિનામૂલ્યે લડ્યા. કોર્ટમાં ન્યાયાધીશે મારી આગળ શરત મૂકી કે હું પાયોનિયરીંગ છોડી દઈને નોકરી કરું અને દર મહિને સરકારી અધિકારીઓ સમક્ષ હાજરી પૂરાવું તો તેઓ મને છોડી દેશે. પરંતુ મેં એ શરત સ્વીકારી નહિ, પરિણામે મને વૉશિંગ્ટન રાજ્યના મૅકનિલ ટાપુ પર બે વર્ષની સજા ફટકારવામાં આવી. ત્યાં મેં બાઇબલનો ગહન અભ્યાસ કર્યો. હું ટાઈપ કરવાનું પણ શીખ્યો. મારી સારી વર્તણૂકને કારણે મને મારી સજા કરતાં વહેલા છોડી દેવામાં આવ્યો. ત્યાર પછી તરત જ મેં પાયોનિયર સેવા ચાલુ કરવાની ગોઠવણ કરી.

વધુ પ્રવૃત્તિઓ

વર્ષ ૧૯૪૭ના શિયાળામાં મને એક પાયોનિયર ભાઈ સાથે ટૅક્સસના કૉલરાડો શહેરના સ્પૅનિશ લોકો સાથે કામ કરવા જણાવવામાં આવ્યું. પરંતુ ત્યાં ખૂબ જ ઠંડી હોવાથી અમે સૅન ઍન્ટોનિયોમાં ગયા. ત્યાં પણ ખૂબ વરસાદ પડતો હોવાથી અમારે ઘર-ઘરનું પ્રચાર કાર્ય પડતું મૂકવું પડ્યું. અમારી પાસે પૈસા પણ જલદી ખલાસ થઈ ગયા હતા. કેટલાંય સપ્તાહ અમે કાચા કોબીજની સેન્ડવીચ અને મગના પાંદળાના ઉકાળા પર ગાળ્યા. મારો સાથી ઘરે પાછો ચાલ્યો ગયો પરંતુ હું ત્યાં જ રહ્યો. અંગ્રેજી મંડળના સાક્ષીઓને મારી સ્થિતિ વિષે જાણવા મળતા તેઓએ મને મદદ કરવાનું શરૂ કર્યું.

પછીની વસંતઋતુમાં હું મારી કાર્યસોંપણી કૉલરાડોમાં પાછો ફર્યો અને છેવટે ત્યાં એક નાનું સ્પૅનિશ મંડળ સ્થપાયું. ત્યાર પછી હું ટૅક્સસ, સ્વીટવોટર વિસ્તારમાં આવ્યો અને ત્યાં પણ બીજું એક સ્પૅનિશ મંડળ સ્થાપવા મદદ કરી. ત્યાં મને વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડના ૧૫મા વર્ગમાં જોડાવાનું આમંત્રણ મળ્યું. આ મિશનરિ તાલીમ આપતા વર્ગો ફેબ્રુઆરી ૨૨, ૧૯૫૦માં શરૂ થયા. ન્યૂયૉર્કના યાંકી સ્ટેડિયમમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય મહાસંમેલનમાં અમારો સ્નાતક કાર્યક્રમ થયો. પછી હું બ્રુકલિનમાં આવેલા યહોવાહના સાક્ષીઓના વડામથકે ત્રણ મહિના રહ્યો. ત્યાં મને મૅક્સિકો શાખામાં કામ કરવા માટે તાલીમ આપવામાં આવી.

મૅક્સિકોમાં કામ કરવું

ઑક્ટોબર ૨૦, ૧૯૫૦માં હું મૅક્સિકો આવ્યો. લગભગ બે સપ્તાહ પછી મને શાખા નિરીક્ષક તરીકે નીમવામાં આવ્યો. આ જવાબદારી મેં સાડા ચાર વર્ષ સુધી નિભાવી. આ કામ કરવામાં મને પાયોનિયર સેવામાં, જેલમાં, ગિલયડ શાળામાં અને બ્રુકલિનમાં મળેલી તાલીમ ઘણી ઉપયોગી થઈ. હું મૅક્સિકો આવ્યો ત્યારે મેં જોયુ કે ત્યાંના ભાઈબહેનોને આત્મિક રીતે દૃઢ કરવાની હતી. ખાસ કરીને તેઓને પરમેશ્વરના ઉચ્ચ નૈતિક ધોરણો જાળવી રાખવા માટે મદદની જરૂર હતી.

મૅક્સિકો તેમ જ દક્ષિણ અમેરિકાના દેશોમાં લગ્‍ન કર્યા સિવાય સ્ત્રી-પુરુષ સાથે રહે એ સામાન્ય હતું. ખ્રિસ્તી ધર્મના ચર્ચ અને એમાંય ખાસ કરીને રોમન કૅથલિક ચર્ચે આ બિનશાસ્ત્રીય રિવાજને પરવાનગી આપી હતી. (હેબ્રી ૧૩:૪) તેથી આ રીતે લગ્‍ન કર્યા સિવાય સાથે રહેતા કેટલાંક યુગલો યહોવાહના સાક્ષીઓ બન્યા હતા. આવા લોકોને કાયદેસર લગ્‍ન કરવા છ મહિનાનો સમય આપવામાં આવ્યો. અને તેઓને જણાવવામાં આવ્યું કે એ પ્રમાણે નહિ કરનાર વ્યક્તિઓને યહોવાહના સાક્ષીઓ તરીકે ગણવામાં આવશે નહિ.

ઘણા લોકોએ તરત જ એ પ્રમાણે કર્યું. તેઓએ ફક્ત જેની સાથે રહેતા હતા તે સાથી સાથે કાયદેસર રીતે લગ્‍ન કરવાનું હતું. પરંતુ અમુક લોકો માટે પરિસ્થિતિ ધારવા જેટલી સહેલી ન હતી. કેમ કે કેટલાક લોકોએ તો છૂટાછેડા આપ્યા વિના બેથી ત્રણ વાર લગ્‍નો કર્યા હતા. પરંતુ યહોવાહના લોકોએ બાઇબલ શિક્ષણ પ્રમાણે એ બાબતને થાળે પાડી ત્યારે મંડળોમાં બધાએ આત્મિક આશીર્વાદોનો આનંદ માણ્યો.—૧ કોરીંથી ૬:૯-૧૧.

એ સમયે મૅક્સિકોમાં સામાન્યપણે શિક્ષણનું ધોરણ એકદમ ઓછું હતું. જોકે વર્ષ ૧૯૫૦માં હું અહીં આવ્યો એ પહેલાંથી જ શાખા ઑફિસે મંડળોમાં વાંચવા-લખવાના વર્ગો શરૂ કરી દીધા હતા. એ વર્ગોને ફરીથી વ્યવસ્થિત કરવામાં આવ્યા અને સરકારમાં એની નોંધણી કરવાની ગોઠવણ કરવામાં આવી. વર્ષ ૧૯૪૬થી એની જે નોંધ રાખવામાં આવે છે એ પરથી જાણવા મળ્યું કે અત્યાર સુધી મૅક્સિકોમાં આ વર્ગોએ ૧,૪૩,૦૦૦ લોકોને વાંચતા લખતાં શીખવ્યું હતું!

મૅક્સિકોમાં ધર્મ સંબંધી કાયદાઓ ઘણા કડક હતા. પરંતુ તાજેતરના વર્ષોમાં આ બાબતે મહત્ત્વના ફેરફારો થયા છે. વર્ષ ૧૯૯૨માં ધાર્મિક બાબતોને ધ્યાનમાં રાખીને નવો કાયદો ઘડવામાં આવ્યો. તેથી ૧૯૯૩માં મૅક્સિકોમાં યહોવાહના સાક્ષીઓને એક ધાર્મિક સંસ્થા તરીકે માન્યતા મળી.

મારા માટે આ ફેરફારો ઘણા જ આનંદ આપનારા હતા કારણ કે પહેલાં હું એને અશક્ય માનતો હતો. ઘણાં વર્ષો સુધી હું અવારનવાર સરકારી કચેરીઓની મુલાકાત લેતો હતો છતાં, તેઓને મારા પર જરાય ભરોસો ન હતો. પરંતુ અમારી શાખા કચેરીના લીગલ ડિપાર્ટમેન્ટે ઘણી સારી રીતે બાબતો હાથ ધરી છે જેના પરિણામે અમે હવે સારી રીતે પ્રચાર કાર્ય કરી શકીએ છીએ.

મિશનરિ પત્ની સાથે સેવા કરવી

હું મૅક્સિકો આવ્યો ત્યારે અગાઉના ગિલયડ શાળામાંથી સ્નાતક થયેલા ઘણા ભાઈબહેનો ત્યાં હતા. એમાંની એક અમેરિકાની એસ્તેર વાર્ટાનીયન હતી જેણે ૧૯૪૨માં કૅલિફૉર્નિયાના વાલેજોમાં પાયોનિયરીંગની શરૂઆત કરી હતી. અમે જુલાઈ ૩૦, ૧૯૫૫માં લગ્‍ન કર્યું અને પછી મૅક્સિકોમાંનું અમારું કામ ચાલુ રાખ્યું. અમે શાખામાં જ રહેતા હતા જ્યાં હું સેવા કરતો હતો, પરંતુ એસ્તેરે મૅક્સિકો શહેરમાં પોતાનું મિશનરિ કાર્ય ચાલુ રાખ્યું.

વર્ષ ૧૯૪૭માં એસ્તેર મૅક્સિકોના ન્યૂવો લિઑનના મૉંટેર્રેઈમાં પોતાના પ્રથમ મિશનરિ કાર્ય માટે આવી. મૉંટેર્રેઈમાં ૪૦ સાક્ષીઓનું એક જ મંડળ હતું, પરંતુ એસ્તેરને ૧૯૫૦માં મૅક્સિકો શહેરમાં પાછી મોકલવામાં આવી ત્યાં સુધીમાં ત્યાં ચાર મંડળો થઈ ગયા હતા. મૉંટેર્રેઈમાં એસ્તેર જે કુટુંબો સાથે બાઇબલ અભ્યાસ ચલાવી રહી હતી એમાંથી બે ભાઈઓ હમણાં મૅક્સિકો શહેરની અમારી શાખા નજીક કામ કરી રહ્યા છે.

વર્ષ ૧૯૫૦ના અંત સુધીમાં મૅક્સિકોના મોટા ભાગના શહેરો મિશનરિઓએ પ્રચાર કાર્ય દ્વારા આવરી લીધા હતા. તેઓ શહેરમાં ચાલતા કે ખીચોખીચ લોકોથી ભરેલી જૂની બસોમાં મુસાફરી કરતા હતા. હું ૧૯૫૦ના અંતમાં ત્યાં આવ્યો ત્યારે, શહેરમાં સાત મંડળો હતા. અત્યારે એ વધીને લગભગ ૧૬૦૦ જેટલાં થયાં છે જેમાં ૯૦,૦૦૦ કરતાં વધુ પ્રકાશકો છે! અને મૅક્સિકો શહેરમાં ગયા વર્ષે, ૨,૫૦,૦૦૦ કરતાં વધુ લોકોએ ખ્રિસ્તના મરણની યાદગીરીમાં હાજરી આપી હતી! વર્ષો દરમિયાન, મેં અને એસ્તેરે આમાંના ઘણાં મંડળોમાં સેવા કરવાનો લહાવો મેળવ્યો.

હું અને એસ્તેર કોઈ કુટુંબ સાથે બાઇબલ અભ્યાસ શરૂ કરતા ત્યારે હંમેશા કુટુંબના પિતાને એમાં સામેલ કરવાનો પ્રયત્ન કરતા, જેથી આખું કુટુંબ પણ બાઇબલ અભ્યાસમાં સહભાગી થાય. આમ કરવાથી, અમે ઘણા વિશાળ કુટુંબોને યહોવાહની સેવા કરતા જોયા છે. હું માનું છું કે મૅક્સિકોમાં જે જોરદાર વધારો થઈ રહ્યો છે એનું એક કારણ આ જ છે કે ત્યાં આખા કુટુંબો ભેગા મળીને સાચી ઉપાસના કરે છે.

યહોવાહે આ કામને આશીર્વાદ આપ્યો છે

છેક ૧૯૫૦થી મૅક્સિકોમાં સાક્ષીઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે અને સંસ્થામાં પણ નોંધપાત્ર ફેરફારો થયા છે. આનંદિત અને પરોણાગત બતાવનારા લોકો સાથે મળીને હું આ વધારામાં મારો જે કંઈ ફાળો આપી શક્યો એ બદલ ખૂબ ખુશ છું.

કેટલાક વર્ષો અગાઉ અમે રજા પર હતા ત્યારે નિયામક જૂથના સભ્ય કાર્લ ક્લેઈન અને તેમના પત્ની માર્ગારેટે અમારી મુલાકાત લીધી હતી. ભાઈ ક્લેઈન મૅક્સિકોમાં ચાલતા પ્રચાર કાર્યને જોવા માગતા હતા તેથી તે તેમના પત્ની સાથે મૅક્સિકોના સાન વૉન ટેસાન્ટલા મંડળમાં આવ્યા. એ સમયે અમે પણ આ મંડળમાં હાજરી આપતા હતા. રાજ્યગૃહ એકદમ નાનું હતું. એ ૪.૫ મીટર પહોળું અને ૫.૫ મીટર લાંબું હતું. અમે ત્યાં પહોંચ્યા ત્યારે લગભગ ૭૦ લોકો હાજર હતા અને રાજ્યગૃહમાં થોડી પણ જગ્યા ન હતી. મોટી ઉંમરના લોકો ખુરશીમાં બેઠા હતા, યુવાનો પાટલી પર અને નાના બાળકો ઈંટો પર કે જમીન પર બેઠા હતા.

બધા બાળકો પાસે બાઇબલ હતું અને વક્તાની સાથે સાથે તેઓ પણ શાસ્ત્રવચનો ખોલીને જોતા હતા. એ જોઈને ભાઈ ક્લેઈન ઘણા જ પ્રભાવિત થયા હતા. જાહેર ભાષણ પછી ભાઈ ક્લેઈને માત્થી ૧૩:૧૯-૨૩નો ઉલ્લેખ કરીને જણાવ્યું કે ઈસુએ જણાવેલી “સારી ભોંય” મૅક્સિકોમાં ઘણી છે. એ દિવસે હાજર રહેલાં બાળકોમાંથી સાત અત્યારે મૅક્સિકો શહેર પાસે બંધાઈ રહેલી નવી શાખામાં કામ કરી રહ્યાં છે. એક ભાઈ બેથેલમાં સેવા કરી રહ્યો છે અને બીજી કેટલીક બહેનો પાયોનિયરીંગ કરી રહી છે!

હું મૅક્સિકો આવ્યો ત્યારે અમારી શાખામાં ફક્ત ૧૧ લોકો હતા. અત્યારે વધીને ૧,૩૫૦ ભાઈબહેનો કામ કરી રહ્યા છે જેઓમાંથી ૨૫૦ લોકો નવી શાખાના બાંધકામમાં ભાગ લઈ રહ્યા છે. મોટા ભાગે ૨૦૦૨માં શાખાનું બાંધકામ થઈ જશે પછી એમાં બીજા કંઈક ૧,૩૦૦ ભાઈબહેનો રહી શકશે. વર્ષ ૧૯૫૦માં આખા દેશમાં મળીને માત્ર ૭૦૦૦ પ્રકાશકો હતા, પરંતુ અત્યારે ૫,૦૦,૦૦૦ કરતાં વધારે છે! મૅક્સિકોના ભાઈઓ યહોવાહની સ્તુતિ કરવા સખત મહેનત કરી રહ્યા છે, અને તેઓના પ્રયત્નોને યહોવાહે જે આશીર્વાદ આપ્યો છે એ જોઈને મારું હૃદય આનંદથી ઊભરાય જાય છે.

મોટી મુશ્કેલીનો સામનો કરવો

થોડા સમયથી મને સ્વાસ્થ્યની સમસ્યા શરૂ થઈ છે. આમ તો હું તંદુરસ્ત હતો પરંતુ નવેમ્બર ૧૯૮૮માં પક્ષઘાતનો હુમલો આવ્યા પછી હું શારીરિક રીતે ખૂબ અશક્ત બની ગયો. યહોવાહનો આભાર કે કસરત અને બીજી સારવારને લીધે હું કંઈક અંશે તંદુરસ્ત થઈ શક્યો છું. પરંતુ હું ઇચ્છું છું એ રીતે મારું શરીર મને સાથ નથી આપતું. મેં સારવાર અને દવાઓ લેવાનું હજું પણ ચાલુ રાખ્યું છે જેથી સખત માથાનો દુઃખાવો અને પક્ષઘાતને કારણે થયેલી બીજી ઈજાઓમાં રાહત મેળવી શકું.

હવે હું ઇચ્છું છું એ રીતે યહોવાહની સેવા કરી શકતો નથી. તોપણ મને એ જાણીને ખૂબ આનંદ મળે છે કે મેં ઘણા લોકોને યહોવાહ પરમેશ્વરના હેતુઓ વિષે શીખવા અને તેમના ભક્તો બનવા મદદ કરી છે. આ ઉપરાંત જ્યારે પણ ભાઈબહેનો અમારી શાખાની મુલાકાત લે છે ત્યારે તેઓ સાથે વાતચીત કરવાનો હું આનંદ માણું છું; હું માનું છું કે આમ કરીને અમે પરસ્પર ઉત્તેજન મેળવીએ છીએ.

યહોવાહ પરમેશ્વર આપણે કરેલી તેમની સેવાની કદર કરે છે અને આપણે જે કંઈ કર્યું છે એ વ્યર્થ નથી એ જાણીને હું ખૂબ દૃઢ થયો છું. (૧ કોરીંથી ૧૫:૫૮) મારી અમુક મર્યાદાઓ અને બીમારી હોવા છતાં મેં કોલોસી ૩:૨૩, ૨૪ના શબ્દોને ગંભીરતાથી લીધા છે જે કહે છે: “માણસોને સારૂ નહિ પણ જાણે પ્રભુને સારૂ છે, એમ સમજીને જે કંઈ તમે કરો, તે સઘળું ખરા દિલથી કરો; કેમકે તમે જાણો છો કે પ્રભુ પાસેથી તમને વારસાનો બદલો મળશે.” આ સલાહને મનમાં રાખીને, હું ગમે તેવી મુશ્કેલીમાં પણ પૂરા હૃદયથી યહોવાહની સેવા કરવાનું શીખ્યો છું.

[પાન ૨૪ પર ચિત્ર]

વર્ષ ૧૯૪૨માં હું પાયોનિયર હતો ત્યારે

[પાન ૨૪ પર ચિત્ર]

મારી પત્નીએ ૧૯૪૭માં મિશનરિ કામ શરૂ કર્યું

[પાન ૨૪ પર ચિત્ર]

આજે એસ્તેર સાથે

[પાન ૨૬ પર ચિત્રો]

ઉપર ડાબી તરફ: વર્ષ ૧૯૫૨માં અમારું બેથેલ કુટુંબ જેમાં હું આગળ છું

ઉપર: વર્ષ ૧૯૯૯માં ૧,૦૯,૦૦૦ કરતાં વધુ લોકો ડિસ્ટ્રીક્ટ મહાસંમેલન માટે મૅક્સિકો શહેરના સ્ટેડિયમમાં ભેગા મળ્યા હતા

નીચે ડાબી તરફ: અમારી નવી શાખાનું બાંધકામ લગભગ પૂરું થવા આવ્યું છે