સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યુદ્ધનાં જખમો ભરાવાં

યુદ્ધનાં જખમો ભરાવાં

યુદ્ધનાં જખમો ભરાવાં

એબ્રાહમ વીસ વર્ષ બળવો પોકારનાર લશ્કરમાં રહ્યા. * પરંતુ હવે તેમણે લડવાનું બંધ કર્યું છે, અને ફરીથી ક્યારેય યુદ્ધમાં જશે નહિ. તેમના કેટલાક દુશ્મનો તો હવે તેમના ખાસ મિત્રો થઈ ગયા છે. પરંતુ તેમનામાં આ બદલાણ કઈ રીતે આવ્યું? બાઇબલે તેમનું જીવન બદલી નાખ્યું. બાઇબલે એબ્રાહમને આશા અને સમજણ આપી, અને માનવ સરકારોને પરમેશ્વરની દૃષ્ટિએ જોવા તેમને મદદ કરી. બાઇબલે તેમની લડવાની ઇચ્છા બદલી નાખી, અને ધીરે ધીરે તેમનું દુઃખ, ધિક્કાર અને પીડાનાં જખમો ભરાવાં લાગ્યાં. તેમને સમજાયું કે તેમના હૃદય પરનાં જખમોનો અસરકારક ઇલાજ બાઇબલ છે.

પરંતુ હૃદયનાં જખમોને ભરવા બાઇબલ કઈ રીતે મદદ કરે છે? બાઇબલ એબ્રાહમ પર જે વીત્યું, એને તો બદલી શકતું નથી. તેમ છતાં, બાઇબલ વાંચી અને એના પર મનન કરવાથી તે પરમેશ્વરના વિચારોને સમજ્યા. હવે તેમને ભાવિની ઉજ્જવળ આશા અને તકો રહેલી છે. પરમેશ્વર માટે જે મહત્ત્વનું છે, એ તેમના માટે પણ મહત્ત્વનું છે. એ મોટા ફેરફાર પછી, તેમના હૃદયનાં જખમો પણ ભરાવાં લાગ્યાં. આ રીતે એબ્રાહમને બદલાણ લાવવા મદદ મળી.

અંદરોઅંદર યુદ્ધ

એબ્રાહમનો જન્મ ૧૯૩૦માં આફ્રિકામાં થયો હતો. બીજા વિશ્વયુદ્ધ પછી, તેમના દેશ પર શક્તિશાળી પડોશી દેશ સત્તા ચલાવતો હતો. પરંતુ દેશના લોકો સ્વતંત્રતા ચાહતા હતા. એબ્રાહમ ૧૯૬૧માં સ્વાતંત્ર્ય સેનામાં જોડાયા, જેઓ શક્તિશાળી પડોશી દેશ વિરુદ્ધ લડતા હતા.

એબ્રાહમે જણાવ્યું કે, “તેઓ અમારા દુશ્મનો હતા. તેઓ અમને મારી નાખવા ઇચ્છતા હતા. તેથી તેઓ અમને મારે એ પહેલાં અમે તેઓને મારી નાખવા નીકળી પડ્યા.”

એબ્રાહમનું જીવન ખતરાથી ખાલી ન હતું. તેથી ૨૦ વર્ષ યુદ્ધ કર્યા પછી, ૧૯૮૨માં તે યુરોપ નાસી ગયા. હવે લગભગ પચાસની ઉંમરના થવાના હોવાથી તેમની પાસે સમય હતો. તેમણે પોતાના જીવન પર નજર કરી કે હમણાં સુધી શું કર્યું છે? શું તેમના સપના સાકાર થયાં? હવે ભાવિ વિષે શું? એબ્રાહમ કેટલાક યહોવાહના સાક્ષીઓને મળ્યા અને તેઓની સભાઓમાં જવા લાગ્યા. તેમને યાદ આવ્યું કે થોડા વર્ષો પહેલાં આફ્રિકામાં તેમને એક સાક્ષીએ પત્રિકા આપી હતી. એ પત્રિકા આવનાર સુંદર, સુખી પૃથ્વી વિષે અને મનુષ્ય પર શાસન કરનાર સ્વર્ગની સરકાર વિષે જણાવતી હતી. શું એ ખરેખર સાચું હોય શકે?

એબ્રાહમ કહે છે, “બાઇબલમાંથી હું શીખી શક્યો કે અમે લડ્યા એ બધાં વર્ષો નકામાં જ ગયાં હતાં. ફક્ત પરમેશ્વરનું રાજ્ય જ દરેકને સુખ-શાંતિ આપશે.”

એબ્રાહમે બાપ્તિસ્મા લીધું અને એક સાક્ષી બન્યા, એના થોડા સમય પછી રૉબર્ટ નામે એક માણસ આફ્રિકાથી ભાગીને યુરોપ આવ્યો. એ એબ્રાહમના શહેરમાં જ રહેવા લાગ્યો. રૉબર્ટ અને એબ્રાહમ બંને એક સમયે યુદ્ધ લડતા હતા, પરંતુ વિરોધ પક્ષે હતા. રૉબર્ટે વારંવાર જીવનના ખરા હેતુ વિષે વિચાર કર્યો હતો. તે ધાર્મિક હતો, અને બાઇબલના અમુક ભાગ વાંચ્યા હોવાથી તેને ખબર હતી કે પરમેશ્વરનું નામ યહોવાહ છે. એબ્રાહમના મંડળના ભાઈઓએ રૉબર્ટને બાઇબલ શીખવવાની ઑફર કરી ત્યારે તેમણે તરત જ હા પાડી.

રૉબર્ટ સમજાવે છે: “શરૂઆતથી જ મને સાક્ષીઓની એક વાત ગમતી હતી કે તેઓ યહોવાહ અને ઈસુના નામનો ઉપયોગ કરતા હતા, અને તેઓ અલગ અલગ છે એમ શીખવતા હતા. મેં બાઇબલમાંથી જે વાંચ્યું હતું, તે એની સુમેળમાં હતું. સાક્ષીઓનો પહેરવેશ સ્વચ્છ હોય છે, અને તમે કોઈ પણ જાતિના હોવ, તેઓ તમારી સાથે પ્રેમાળ રીતે વર્તે છે. એની મારા પર ઊંડી અસર પડી હતી.”

દુશ્મનો દોસ્ત બન્યા

રૉબર્ટ અને એબ્રાહમ, અગાઉના દુશ્મનો હવે પાક્કા દોસ્ત છે. તેઓ યહોવાહના સાક્ષીઓના એક જ મંડળમાં પૂરા સમયના સુવાર્તિક તરીકે સેવા આપે છે. એબ્રાહમ સમજાવે છે: “યુદ્ધમાં હું ઘણી વાર વિચારતો કે પડોશી દેશો અને પાછા એક જ ધર્મના લોકો કઈ રીતે એકબીજાને ધિક્કારી શકે. હું અને રૉબર્ટ એક જ ચર્ચના હતા છતાં અમે એકબીજા સામે લડવા ગયા. હમણાં અમે બંને યહોવાહના સાક્ષીઓ છીએ, તેથી અમે પાક્કા દોસ્ત છીએ.”

રૉબર્ટ ઉમેરે છે: “એ જ મોટો તફાવત છે. અમે હવે એક પ્રેમાળ કુટુંબનો ભાગ છીએ, જ્યાં સાચો ભાઈચારો જોવા મળે છે. અમે હવે ક્યારેય યુદ્ધમાં નહિ જઈએ.” બાઇબલે આ અગાઉના દુશ્મનોના હૃદયમાં ઊંડી અસર પાડી હતી. ધિક્કાર અને દુઃખ ધીરે ધીરે વિશ્વાસ અને દોસ્તીમાં બદલાઈ ગયા.

એબ્રાહમ અને રૉબર્ટ યુદ્ધમાં હતા, એ જ સમયે બીજી જગ્યાએ બે પડોશી દેશો વચ્ચેની લડાઈમાં બીજા બે યુવાનિયા પણ વિરુદ્ધ પક્ષે લડી રહ્યાં હતા. જલદી જ બાઇબલ તેઓના હૃદયના જખમો ભરવાની અસરકારક દવા સાબિત થઈ. કઈ રીતે?

મારો અને મરો

ગાબ્રિએલ એક ધાર્મિક કુટુંબમાં મોટા થયા હતા. તેમને શીખવવામાં આવ્યું હતું કે પોતાની માતૃભૂમિ પવિત્ર યુદ્ધમાં ફસાઈ છે. તેથી, ૧૯ વર્ષની ઉંમરે તે લશ્કરમાં જોડાયા અને યુદ્ધ મોરચામાં જવાની માંગણી કરી. તેર મહિના સુધી તેઓએ જબરજસ્ત યુદ્ધ કર્યું, અમુક સમયે તો તેઓ દુશ્મનોથી ફક્ત એક કિલોમીટર જ દૂર હતા. તે કહે છે, “મને એક પ્રસંગ યાદ છે, અમારા કમાન્ડરે કહ્યું કે દુશ્મનો કદાચ આજે રાત્રે હુમલો કરશે. એ સાંભળીને અમારામાં એટલું જોમ આવી ગયું કે આખી રાત અમે તોપમારો ચલાવ્યો.” તે પડોશી દેશના લોકોને દુશ્મનો ગણતા અને તેઓ મોતને લાયક છે, એમ માનતા. “મારા મનમાં બસ એક જ બાબત હતી, બને એટલાને મારો. પછી મારા ઘણા મિત્રોની જેમ શહીદ થઈ જવું.”

સમય જતાં ગાબ્રિએલ બહુ નિરાશ થઈ ગયા. તે પહાડોમાં નાસી ગયા, અને ચોરીછૂપીથી સરહદ પાર કરીને તટસ્થ દેશમાં ગયા, જ્યાંથી તે યુરોપ ગયા. તે પરમેશ્વરને પૂછતા કે જીવન આટલું કઠિન કેમ છે, શું એ તેમનો શાપ છે? પછી તે યહોવાહના સાક્ષીઓને મળ્યા. તેઓએ તેમને બાઇબલમાંથી બતાવ્યું કે જીવન કેમ દુઃખોથી ભરેલું છે.—માત્થી ૨૪:૩-૧૪; ૨ તીમોથી ૩:૧-૫.

ગાબ્રિએલ બાઇબલમાંથી શીખતા ગયા તેમ એ તેમને સત્ય લાગવા માંડ્યું. “હું શીખ્યો કે આપણે હંમેશ માટે બગીચા જેવી સુંદર, સુખી પૃથ્વી પર રહીશું. બાળપણથી હું એવું જ ઇચ્છતો હતો.” બાઇબલથી ગાબ્રિએલને આશ્વાસન મળ્યું, જાણે તેમના હૃદયના જખમો મટાડનાર મલમ મળ્યું. જેનાથી તેમના જખમો ભરાવાં લાગ્યાં. તેથી અગાઉના દુશ્મન દાનિયેલને મળ્યા ત્યારે, ગાબ્રિએલને જરા પણ ધિક્કાર થયો નહિ. પરંતુ દાનિયેલ શા માટે યુરોપ આવ્યા?

“તમે ખરેખર હોવ તો, મને મદદ કરો!”

દાનિયેલ કૅથલિક હતા અને ૧૮ વર્ષની ઉંમરે લશ્કરમાં ભરતી થયા. ગાબ્રિએલ જે યુદ્ધમાં હતા એમાં જ તે સામેના પક્ષે લડતા હતા. યુદ્ધમાં દાનિયેલ ટેન્ક ચલાવી રહ્યા હતા ત્યારે અચાનક ધડાકો થયો. તેમના મિત્રો મરણ પામ્યા, અને પોતે ગંભીર રીતે ઘાયલ થયા, તથા તેમને પકડી લેવામાં આવ્યા. તેમને મહિનાઓ સુધી હૉસ્પિટલમાં અને છાવણીમાં રહેવું પડ્યું, પછી તેમને તટસ્થ દેશમાં મોકલી આપવામાં આવ્યા. પોતે એકલા પડી ગયા, અને બધું જ ગુમાવી દીધું હોવાથી તેમણે આપઘાત કરવાનું વિચાર્યું. દાનિયેલે પરમેશ્વરને પ્રાર્થના કરી કે, “તમે ખરેખર હોવ તો, મને મદદ કરો!” બીજા જ દિવસે યહોવાહના સાક્ષીઓ તેમને મળ્યા અને તેમના ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા. છેવટે, તે શરણાર્થી તરીકે યુરોપમાં ગયા. તે ત્યાં યહોવાહના સાક્ષીઓને મળ્યા અને ફરીથી બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. પોતે જે કંઈ શીખ્યા એનાથી તેમની ચિંતાઓ અને નફરત જતી રહી.

ગાબ્રિએલ અને દાનિયેલ હવે પાક્કા દોસ્ત છે. બાપ્તિસ્મા લઈને તેઓ યહોવાહના સાક્ષીઓના સંગઠનમાં એક કુટુંબની જેમ રહે છે. ગાબ્રિએલ કહે છે કે “યહોવાહ પ્રત્યેનો મારો પ્રેમ અને બાઇબલના જ્ઞાને મને તેમની સમજણ આપી છે. વર્ષો પહેલાં મેં દાનિયેલને આરામથી પતાવી દીધા હોત. પરંતુ હવે તે મારા દુશ્મન નથી. બાઇબલે મને જે શીખવ્યું છે એ કારણે હું તેમના માટે મારો જીવ આપવા પણ તૈયાર છું.”

દાનિયેલ કહે છે, “મેં જોયું કે જુદા જુદા ધર્મ અને જાતિના લોકો એકબીજાને મારી નાખે છે. યુદ્ધમાં એક જ ધર્મના પણ સામસામેના પક્ષના લોકો એકબીજાની કતલ કરતા હતા. એ જોઈને મને લાગ્યું કે એ બધું ઉપરવાળાનું કામ છે. પરંતુ હવે મને ખબર પડી કે એ બધુ કરાવનાર તો શેતાન છે. ગાબ્રિએલ અને હું હવે સાથીદાર છીએ. હવે અમે ક્યારેય યુદ્ધમાં નહિ જઈએ.”

‘દેવનો શબ્દ જીવંત, સમર્થ છે’

એબ્રાહમ, રૉબર્ટ, ગાબ્રિએલ અને દાનિયેલ કઈ રીતે આવું બદલાણ કરી શક્યા? તેઓ પોતાના હૃદયમાંથી નફરત અને દુઃખની લાગણી કઈ રીતે કાઢી શક્યા?

આ દરેકે બાઇબલ વાંચીને એના પર મનન કર્યું, અને એમાંથી ‘જીવંત, સમર્થ’ સત્ય શીખ્યા. (હેબ્રી ૪:૧૨) બાઇબલના લેખક મનુષ્યના સર્જનહાર છે, અને તે જાણે છે કે તેમની વાતો શીખવા અને સાંભળવા ચાહનારનાં હૃદયો પર કઈ રીતે અસર થવા દેવી. “દરેક શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે.” વ્યક્તિ બાઇબલ વાંચ્યા પછી એ પ્રમાણે જીવવા તૈયાર થાય ત્યારે નવા ધોરણો, નવા નિયમો પાળે છે. તે બાબતોને યહોવાહની નજરે જોવાનું શરૂ કરે છે. એનાથી ઘણા લાભો થાય છે, જેમાં યુદ્ધનાં જખમો ભરાવાનો પણ સમાવેશ થાય છે.—૨ તીમોથી ૩:૧૬.

પરમેશ્વરનો શબ્દ, બાઇબલ જણાવે છે કે કોઈ પણ દેશ, રાષ્ટ્ર કે જાતિ એકબીજાથી સારાં કે ખરાબ નથી. “દેવ પક્ષપાતી નથી; પણ દરેક દેશમાં જે કોઈ તેની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેને માન્ય છે.” વ્યક્તિ આ વાત સ્વીકારે ત્યારે, તેને બીજાં રાષ્ટ્રો કે જાતિ પ્રત્યે ધિક્કારની લાગણી ધીરે ધીરે દૂર કરવા મદદ મળે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫.

બાઇબલ ભવિષ્યવાણીઓ જણાવે છે કે પરમેશ્વર જલદી જ હાલની સરકારોને કાઢીને મસીહી રાજ્ય સ્થાપશે. મસીહી રાજ્ય દ્વારા પરમેશ્વર “પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે.” યુદ્ધ કરવા અને લડવા માટે પ્રોત્સાહન આપનાર સંસ્થાઓનો પણ નાશ થશે. યુદ્ધના ભોગ બનેલાને સજીવન કરવામાં આવશે, અને તેઓને બગીચા જેવી સુખી પૃથ્વી પર રહેવાની તક મળશે. એ સમયે કોઈને પણ આક્રમણ કે વિરોધની બીકથી નાસ-ભાગ કરવાની જરૂર નહિ પડે.—ગીતશાસ્ત્ર ૪૬:૯; દાનીયેલ ૨:૪૪; પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫.

એ સમયે જીવી રહેલા લોકો વિષે બાઇબલ કહે છે: “તેઓ ઘરો બાંધીને તેઓમાં રહેશે, ને દ્રાક્ષાવાડીઓ રોપીને તેમનાં ફળ ખાશે. તેઓ બાંધશે ને તેમાં બીજો વસશે, એમ નહિ બને; . . . તેઓ નકામી મહેનત કરશે નહિ, ને ત્રાસ પામવા સારૂ પ્રજા ઉત્પન્‍ન કરશે નહિ.” એવું કંઈ પણ નુકસાન કે જખમ નહિ હોય જેની દવા ન હોય. એવી આશા પર વિશ્વાસ રાખવાથી વ્યક્તિના હૃદયમાંથી દુઃખ અને શોકની લાગણીઓ ધીરે ધીરે દૂર થાય છે.—યશાયાહ ૬૫:૨૧-૨૩.

ખરેખર, બાઇબલ હૃદય માટે અસરકારક દવા છે. એનું શિક્ષણ યુદ્ધનાં જખમોને ભરી રહ્યું છે. અગાઉના દુશ્મનો દુનિયાભરના એક કુટુંબમાં ભેગા થયા છે. મનુષ્યોના હૃદયમાંથી ધિક્કાર, દુઃખ અને શોક જતાં ન રહે ત્યાં સુધી, પરમેશ્વરની નવી દુનિયામાં બાઇબલ શિક્ષણથી આ જખમો ભરાતા રહેશે. પરમેશ્વર વચન આપે છે કે “આગલી બીનાઓનું સ્મરણ કરવામાં આવશે નહિ, તેઓ મનમાં આવશે નહિ.”—યશાયાહ ૬૫:૧૭.

[ફુટનોટ]

^ આ લેખમાં અમુક નામો બદલવામાં આવ્યા છે.

[પાન ૪ પર બ્લર્બ]

“બાઇબલનું શિક્ષણ લીધા પછી મને ખબર પડી કે યુદ્ધમાંના વર્ષો નકામા જ હતા”

[પાન ૫ પર બ્લર્બ]

બાઇબલના શિક્ષણથી અગાઉના દુશ્મનો જિગરી દોસ્ત બની ગયા

[પાન ૬ પર બ્લર્બ]

ધિક્કાર અને દુઃખ ધીરે ધીરે વિશ્વાસ અને દોસ્તીમાં બદલાઈ ગયા

[પાન ૬ પર બ્લર્બ]

વ્યક્તિ બાઇબલ વાંચ્યા પછી એ પ્રમાણે જીવવા તૈયાર થાય ત્યારે નવા ધોરણો, નવા નિયમો પાળે છે

[પાન ૭ પર ચિત્ર]

અગાઉના દુશ્મનો દુનિયાભરના એક કુટુંબમાં ભેગા થયા છે

[પાન ૪ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Refugee camp: UN PHOTO 186811/J. Isaac