સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહના સંગઠન સાથે ચાલો

યહોવાહના સંગઠન સાથે ચાલો

યહોવાહના સંગઠન સાથે ચાલો

“શાંતિનો દેવ . . . તમને દરેક સારા કામમાં એવા સંપૂર્ણ કરે.”—હેબ્રી ૧૩:૨૦, ૨૧.

૧. જગતની વસ્તી અને મુખ્ય ધર્મોના લોકોની સંખ્યા કેટલી છે?

 વર્ષ ૧૯૯૯માં, પૃથ્વીની વસ્તી છ અબજની થઈ. એક વિશ્વજ્ઞાનકોષ બતાવે છે કે એમાં ૧,૧૬,૫૦,૦૦,૦૦૦ મુસલમાનો; ૧,૦૩,૦૦,૦૦,૦૦૦ રોમન કૅથલિક; ૭૬,૨૦,૦૦,૦૦૦ હિંદુઓ; ૩૫,૪૦,૦૦,૦૦૦ બૌદ્ધો; ૩૧,૬૦,૦૦,૦૦૦ પ્રોટેસ્ટંટ; અને ૨૧,૪૦,૦૦,૦૦૦ ઑર્થોડૉક્સ છે.

૨. આજે ધર્મોની કેવી હાલત છે?

આજે ધર્મોમાં ભાગલાઓ અને ગૂંચવણો જોવા મળે છે. શું તેઓ પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે ચાલી રહ્યાં છે? ના, ‘કેમકે દેવ અવ્યવસ્થાના નહિ, પણ શાંતિના દેવ છે.’ (૧ કોરીંથી ૧૪:૩૩) બીજી બાજુ, યહોવાહના સાક્ષીઓમાં જોવા મળતા પ્રેમ વિષે શું? (૧ પીતર ૨:૧૭) બાઇબલનો અભ્યાસ કરવાથી જોવા મળે છે કે શાંતિના પરમેશ્વર તેમની ઇચ્છા પૂરી કરવા તેઓને જરૂરી એવી સઘળી બાબતો પૂરી પાડે છે.—હેબ્રી ૧૩:૨૦, ૨૧.

૩. યરૂશાલેમમાં ૩૩ સી.ઈ.માં શું બન્યું અને શા માટે?

દેખીતી રીતે, આજે યહોવાહના સાક્ષીઓની સંખ્યા વધી રહી છે. પરંતુ એનાથી આપણે એમ ન કહી શકીએ કે તેઓ યહોવાહનો આશીર્વાદ મેળવી રહ્યા છે. તેમ જ તેઓ એનાથી પરમેશ્વરને પ્રભાવિત કરી શકતા નથી. ઈસ્રાએલીઓ પણ “સંખ્યામાં વિશેષ” હતા, પરંતુ એ કારણે યહોવાહે તેઓને પસંદ કર્યા ન હતા. હકીકતમાં તો તેઓ બીજી પ્રજાઓ કરતાં “થોડા” જ હતા. (પુનર્નિયમ ૭:૭) પરંતુ ઈસ્રાએલીઓ યહોવાહને વફાદાર રહ્યાં નહિ. તેથી તેઓએ તેમની કૃપા ગુમાવી અને પેન્તેકોસ્ત ૩૩ સી.ઈ.માં યહોવાહે પોતાની કૃપા ઈસુના શિષ્યોથી બનેલા નવા મંડળ પર બતાવી. તેઓને યહોવાહના પવિત્ર આત્માથી નિયુક્ત કરવામાં આવ્યા. પછી તેઓ ઉત્સાહથી પરમેશ્વરના રાજ્ય અને ખ્રિસ્ત વિષે લોકોને પ્રચાર કરવા લાગ્યા.—પ્રેરિતોનાં કૃત્યો ૨:૪૧, ૪૨.

પ્રગતિ થઈ રહી છે

૪. શરૂઆતના ખ્રિસ્તી મંડળો કઈ રીતે પ્રગતિ કરી રહ્યાં હતાં?

પહેલી સદીમાં, પ્રચાર કાર્યને લીધે ખ્રિસ્તી મંડળમાં પુષ્કળ વધારો થઈ રહ્યો હતો, તેથી બીજા ઘણા નવાં મંડળો ઊભા થયા. તેઓ પરમેશ્વરના ઊંડા જ્ઞાનની સમજ મેળવી રહ્યાં હતાં. પરમેશ્વરથી પ્રેરણા પામેલા પત્રોની મદદથી તેઓના જ્ઞાનમાં વૃદ્ધિ થઈ રહી હતી. વળી, પ્રેષિતો અને બીજાઓ તેઓની મુલાકાત લેતા, જેનાથી ઉત્તેજન મેળવીને તેઓ પોતાના પ્રચારકાર્યમાં સફળતા મેળવતા હતા. ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં આ સર્વ બાબતો વિષે માહિતી જોવા મળે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૨૧, ૨૨; ૧૩:૪૬, ૪૭; ૨ તીમોથી ૧:૧૩; ૪:૫; હેબ્રી ૬:૧-૩; ૨ પીતર ૩:૧૭, ૧૮.

૫. પરમેશ્વરનું સંગઠન કઈ રીતે પ્રગતિ કરી રહ્યું છે અને એમ કરવું આપણા માટે પણ કેમ જરૂરી છે?

પહેલી સદીના ખ્રિસ્તીઓની જેમ, યહોવાહના આધુનિક દિવસના સાક્ષીઓની શરૂઆત પણ નાની સંખ્યાથી થઈ. (ઝખાર્યાહ ૪:૮-૧૦) ઓગણીસમી સદીના અંતથી, સ્પષ્ટપણે જોવા મળે છે કે પરમેશ્વરનો પવિત્ર આત્મા તેમના સંગઠન પર છે. કેમ કે આપણે કોઈ માનવની શક્તિ પર નહિ પરંતુ પવિત્ર આત્માના માર્ગદર્શન પર આધાર રાખ્યો છે. આપણે આપણા પરમેશ્વરના જ્ઞાનમાં સતત પ્રગતિ કરતા રહીને તેમની ઇચ્છા પ્રમાણે કરવાનું ચાલું રાખ્યું છે. (ઝખાર્યાહ ૪:૬) હવે આપણે “છેલ્લા સમયમાં” જીવી રહ્યાં છીએ તેથી, એ મહત્ત્વનું છે કે આપણે પરમેશ્વરના સંગઠન સાથે પ્રગતિ કરતા રહીએ. (૨ તીમોથી ૩:૧-૫) એમ કરવાથી આપણો વિશ્વાસ વધતો રહેશે અને આ જગતનો અંત આવે એ પહેલાં, પરમેશ્વરના રાજ્ય વિષે પ્રચાર કરતાં રહીશું.—માત્થી ૨૪:૩-૧૪.

૬, ૭. યહોવાહના સંગઠને પ્રગતિ કરેલા કયા ત્રણ વિસ્તારોનો આપણે વિચાર કરીશું?

આપણામાંના ઘણા ભાઈબહેનો લગભગ ૧૯૨૦, ૧૯૩૦ કે ૧૯૪૦થી યહોવાહના સંગઠનમાં સેવા કરી રહ્યાં છે. એ વર્ષોમાં, કોણે ધાર્યું હશે કે સમય જતાં સંગઠનમાં આટલી બધી વૃદ્ધિ થશે? આપણા સમયમાં બનેલા મહત્ત્વનાં બનાવોનો વિચાર કરો. ખરેખર, યહોવાહ પોતાના સંગઠિત લોકો દ્વારા જે કંઈ કરી રહ્યાં છે એ આનંદ આપનારું છે.

યહોવાહના અદ્‍ભુત કાર્યો પર મનન કરવાથી દાઊદ રાજા પર એની ઊંડી અસર પડી. તેમણે કહ્યું કે, “જો હું તેઓને જાહેર કરીને તેઓ વિષે બોલું, તો તેઓ અસંખ્ય છે.” (ગીતશાસ્ત્ર ૪૦:૫) દાઊદની જેમ આપણે યહોવાહના મહાન કૃત્યોનું વર્ણન કરી શકીએ એમ નથી. તેમ છતાં, ચાલો આપણે યહોવાહના સંગઠને પ્રગતિ કરી છે એમાંના ત્રણ વિસ્તારોનો વિચાર કરીએ, (૧) પરમેશ્વરના જ્ઞાનમાં વૃદ્ધિ, (૨) પ્રચારકાર્યમાં સુધારો અને પ્રગતિ તથા (૩) સંગઠનની રીતોમાં સમયસરની ફેરગોઠવણ.

પરમેશ્વરના જ્ઞાનમાં વૃદ્ધિ માટે આભારી

૮. નીતિવચન ૪:૧૮ના સુમેળમાં, યહોવાહના રાજ્ય વિષે આપણે કયો પ્રકાશ મેળવ્યો?

પરમેશ્વરના જ્ઞાનની વૃદ્ધિ સંબંધી નીતિવચન ૪:૧૮ સાચું પુરવાર થયું છે. એ કહે છે, “પણ સદાચારીનો માર્ગ પ્રભાતના પ્રકાશ જેવો છે, જે મધ્યાહ્‍ન થતાં સુધી વધતો તે વધતો જાય છે.” પરમેશ્વરના જ્ઞાનના ફેલાઈ રહેલા પ્રકાશ માટે આપણે કેટલા આભારી છીએ! વર્ષ ૧૯૧૯માં સીદાર પોઈન્ટ, ઓહાયોમાં યોજાયેલા મહાસંમેલનમાં, પરમેશ્વરના રાજ્ય પર વધુ ધ્યાન દોરવામાં આવ્યું. યહોવાહ પોતાના નામને પવિત્ર મનાવવા અને પોતાની સર્વોપરિતા મહાન કરવા આ રાજ્યનો ઉપયોગ કરે છે. હકીકતમાં, પરમેશ્વરનું જ્ઞાન આપણને ઉત્પત્તિથી પ્રકટીકરણ સુધીની બાબતો સમજવા મદદ કરે છે. બાઇબલ સાબિતી આપે છે કે યહોવાહ તેમના પુત્રના રાજ્ય દ્વારા પોતાનું નામ મહાન કરે છે. વળી, એમાં પરમેશ્વરના લોકો માટે અદ્‍ભુત આશા પણ રહેલી છે.—માત્થી ૧૨:૧૮, ૨૧.

૯, ૧૦. (ક) આપણે ૧૯૨૦ના દાયકામાં, રાજ્ય વિષે અને બે સંગઠન વિષે શું શીખ્યા? (ખ) કઈ રીતે એણે આપણને મદદ કરી છે?

વર્ષ ૧૯૨૨માં સીદાર પોઈન્ટ મહાસંમેલનના મુખ્ય વક્તા, જે. એફ, રધરફર્ડે પરમેશ્વરના લોકોને ઉત્સાહપૂર્વક જણાવ્યું કે, “જાહેર કરો, જાહેર કરો, જાહેર કરો, રાજા અને તેમના રાજ્યને જાહેર કરો.” માર્ચ ૧, ૧૯૨૫ના ચોકીબુરજ (અંગ્રેજી)માં “રાજ્યનો જન્મ” વિષે લેખ આપવામાં આવ્યો. આ લેખે ૧૯૧૪માં પરમેશ્વરનું રાજ્ય કઈ રીતે સ્થાપવામાં આવ્યું એની ભવિષ્યવાણી સમજવા મદદ કરી. પછી ૧૯૨૦ના દાયકામાં બે સંગઠનો વિષે જાણવા મળ્યું—એક યહોવાહનું સંગઠન અને બીજું શેતાનનું સંગઠન. આ બે વચ્ચે લડાઈ ચાલી રહી છે, તેથી જો આપણે વિજયી પક્ષે રહેવું હોય તો યહોવાહના સંગઠન સાથે ચાલવું જોઈએ.

૧૦ આ પરમેશ્વરના જ્ઞાને આપણને કઈ રીતે મદદ કરી છે? પરમેશ્વરનું રાજ્ય અને રાજા ઈસુ ખ્રિસ્ત આ જગતનો ભાગ નથી તેમ આપણે પણ આ જગતના ભાગ નથી. જગતથી અલગ રહીને આપણે બતાવીએ છીએ કે આપણે પરમેશ્વરના માર્ગમાં ચાલી રહ્યાં છીએ. (યોહાન ૧૭:૧૬; ૧૮:૩૭) આપણે આ દુષ્ટ જગતની પરિસ્થિતિને જોઈને કેટલા આનંદી છીએ કે આપણે એનો ભાગ નથી! વળી આપણે કેટલા બધા આશીર્વાદિત છીએ કે પરમેશ્વરના સંગઠનમાં આપણે આત્મિક સલામતી અનુભવીએ છીએ!

૧૧. યહોવાહના લોકોએ ૧૯૩૧માં કયું નામ અપનાવ્યું?

૧૧ કોલંબસ, ઓહાયોમાં ૧૯૩૧ના મહાસંમેલનમાં યશાયાહ ૪૩:૧૦-૧૨ને યોગ્ય રીતે લાગુ પાડવામાં આવી. બાઇબલ વિદ્યાર્થીઓએ અજોડ નામ, “યહોવાહના સાક્ષીઓ” અપનાવ્યું. પરમેશ્વરના નામ વિષે લોકોને જણાવવું એ કેવો ભવ્ય આશીર્વાદ છે, જેથી તેઓ તેમની ભક્તિ કરીને તારણ મેળવી શકે!—ગીતશાસ્ત્ર ૮૩:૧૮; રૂમી ૧૦:૧૩.

૧૨. વર્ષ ૧૯૩૫માં મોટા ટોળા સંબંધી આપણે કઈ સમજણ મેળવી?

૧૨ વર્ષ ૧૯૩૦ પહેલાં, ઘણા પરમેશ્વરના લોકો ભાવિની પોતાની આશા વિષે ચોક્કસ ન હતા. કેટલાક લોકો સ્વર્ગના જીવનની આશા રાખતા હતા છતાં, તેઓને બગીચા જેવી સુંદર પૃથ્વી વિષેનું બાઇબલનું શિક્ષણ વધારે આકર્ષક લાગ્યું. આથી, ૧૯૩૫માં વૉશિંગ્ટન, ડી.સી. મહાસંમેલનમાં એ જાણીને તેઓએ રોમાંચ અનુભવ્યો કે પ્રકટીકરણના અધ્યાય ૭માંનો મોટો સમુદાય કે મોટું ટોળું પૃથ્વી પર જીવવાની આશા ધરાવતા વર્ગને લાગુ પડે છે. ત્યારથી, મોટા સમુદાયને ભેગા કરવાનું કાર્ય એકદમ ઝડપથી આગળ વધી રહ્યું છે. શું આપણે આભારી નથી કે મોટા ટોળાની સમજણ આપણા માટે એક રહસ્ય નથી? આજે સર્વ રાષ્ટ્રો, પ્રજા અને ભાષામાંથી મોટી સંખ્યામાં લોકો પરમેશ્વરના સંગઠનમાં આવી રહ્યાં છે.

૧૩. વર્ષ ૧૯૪૧માં સેન્ટ લૂઈસના મહાસંમેલનમાં કયા મહત્ત્વના વાદવિષય પર સમજણ આપવામાં આવી?

૧૩ વર્ષ ૧૯૪૧માં સેન્ટ લૂઈસ, મિઝોરીના મહાસંમેલનમાં માનવીઓને લાગુ પડતા સૌથી મોટા વાદવિષયની ઊંડી સમજણ આપવામાં આવી. એ વિશ્વવ્યાપી સર્વોપરિતા છે. આ એવો વાદવિષય છે કે જે થાળે પાડવો જ જોઈએ. એ મહાન દિવસ જલદી જ આવશે! તેમ જ ૧૯૪૧માં એ વાદવિષય વિષે સ્પષ્ટ કરવામાં આવ્યું કે આપણે વ્યક્તિગત રીતે પરમેશ્વરની સર્વોંપરિતા સ્વીકારીએ છીએ કે નહિ.

૧૪. વર્ષ ૧૯૫૦ના આંતરરાષ્ટ્રીય મહાસંમેલનમાં, ગીતશાસ્ત્ર ૪૫:૧૬માં બતાવેલા સરદારો વિષે શું શીખવા મળ્યું?

૧૪ વર્ષ ૧૯૫૦માં ન્યૂયૉર્ક શહેરના આંતરરાષ્ટ્રીય મહાસંમેલનમાં, ગીતશાસ્ત્ર ૪૫:૧૬ના સરદારો વિષે સમજણ આપવામાં આવી. ભાઈ ફ્રેડરિક ફ્રાન્ઝે આ વિષય પર પ્રવચન આપતા સ્પષ્ટ કર્યું કે નવી પૃથ્વીના સરદારો આપણામાંથી હશે. એ જાણીને તેઓએ ખૂબ રોમાંચ અનુભવ્યો. એ પછીના મહાસંમેલનોમાં, અસંખ્ય આત્મિક બાબતો પર પ્રકાશ વધતો ગયો. (ગીતશાસ્ત્ર ૯૭:૧૧) એ માટે આપણે કેટલા આભારી છીએ કે આપણો માર્ગ “પ્રભાતના પ્રકાશ જેવો છે, જે મધ્યાહ્‍ન થતાં સુધી વધતો તે વધતો જાય છે.”

પ્રચારકાર્યમાં વૃદ્ધિ

૧૫, ૧૬. (ક) આપણા પ્રચારકાર્યમાં ૧૯૨૦ અને ૧૯૩૦ના વર્ષોમાં કયા ફેરફારો થયા? (ખ) હાલમાં કયા પ્રકાશનોનો ઉપયોગ થાય છે?

૧૫ યહોવાહના સંગઠને બીજી એક મહત્ત્વની બાબતમાં પ્રગતિ કરી. એ છે, પ્રચાર કરવો અને શિષ્યો બનાવવા. (માત્થી ૨૮:૧૯, ૨૦; માર્ક ૧૩:૧૦) આ કાર્યને પહોંચી વળવા, સંસ્થાએ આપણને પ્રચારકાર્ય વધારવાનું ઉત્તેજન આપ્યું. વર્ષ ૧૯૨૨માં બધા ખ્રિસ્તીઓને પ્રચારકાર્યમાં ભાગ લેવાનું ઉત્તેજન આપવામાં આવ્યું. એ દરેકની જવાબદારી હતી કે તેઓ પોતાનું અજવાળું પ્રકાશવા દઈને સત્યનો પ્રચાર કરે. (માત્થી ૫:૧૪-૧૬) વર્ષ ૧૯૨૭થી દર રવિવારે પ્રચારકાર્ય ગોઠવવામાં આવ્યું. પછી ફેબ્રુઆરી ૧૯૪૦થી, યહોવાહના સાક્ષીઓ, વેપારી વિસ્તારો અને દરેક જગ્યાઓએ ધ વૉચટાવર અને કોન્સોલેશન (હવે સજાગ બનો!) આપતા જોવા મળતા હતા.

૧૬ વર્ષ ૧૯૩૭માં લોકોની ફરી મુલાકાતો કરીને બાઇબલ શીખવવાને મહત્ત્વ આપતી મોડેલ સ્ટડી પુસ્તિકા બહાર પાડવામાં આવી. ત્યાર પછીના વર્ષોમાં, બાઇબલ અભ્યાસને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું. વર્ષ ૧૯૪૬માં “લેટ ગૉડ બી ટ્રુ” અને ૧૯૬૮માં સત્ય જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તકમાંથી બાઇબલ અભ્યાસ ચલાવવાને ઉત્તેજન આપવામાં આવ્યું. હાલમાં આપણે જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તક ઉપયોગમાં લઈએ છીએ. આ પ્રકારના પ્રકાશનો શિષ્યો બનાવવા માટે મજબૂત શાસ્ત્રીય પાયો પૂરો પાડે છે.

સંગઠનની ગોઠવણોમાં ફેરફારો

૧૭. યશાયાહ ૬૦:૧૭ પ્રમાણે કઈ રીતે યહોવાહના સંગઠને પ્રગતિ કરી છે?

૧૭ સંગઠનની રીતોમાં સમયસરની ફેરગોઠવણ, આ ત્રીજા ક્ષેત્રમાં પણ યહોવાહના સંગઠને પ્રગતિ કરી છે. યહોવાહ વચન આપે છે કે “હું પિત્તળને બદલે સોનું આણીશ, ને લોઢાને બદલે રૂપું, લાકડાને બદલે પિત્તળ, તથા પથ્થરને બદલે લોઢું આણીશ; અને હું તારા અધિકારીઓને શાંતિરૂપ, તથા તારા સતાવનારાઓને ન્યાયરૂપ કરીશ.” (યશાયાહ ૬૦:૧૭) આ ભવિષ્યવાણી પ્રમાણે પ્રચારકાર્ય અને મંડળના ભાઈબહેનોની દેખરેખ રાખવા માટે ઘણા સુધારા-વધારા કરવામાં આવ્યા છે.

૧૮, ૧૯. અમુક વર્ષોથી સંગઠનમાં કયા ફેરફારો જોવા મળ્યા છે?

૧૮ વર્ષ ૧૯૧૯માં દરેક મંડળમાં સેવા નિરીક્ષકની નિયુક્તિ કરવામાં આવી જેથી તેઓ પ્રચારકાર્ય માટેની ગોઠવણ કરે. એના કારણે પ્રચારકાર્યમાં ઝડપ આવી. વડીલો અને સેવકાઈ ચાકરોની ચૂંટણી દ્વારા નિયુક્તિ કરવાની લોકશાહી પદ્ધતિ ૧૯૩૨માં બંધ કરવામાં આવી. વર્ષ ૧૯૩૮માં બીજો એક મહત્ત્વનો બનાવ બન્યો. પ્રથમ સદીના ખ્રિસ્તીઓની જેમ મંડળના બધા સેવકોને યહોવાહની ગોઠવણ પ્રમાણે નિયુક્ત કરવાનું શરૂ થયું. (પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૨૩; ૧ તીમોથી ૪:૧૪) વર્ષ ૧૯૭૨માં વડીલો અને સેવકાઈ ચાકરોને શરૂઆતના ખ્રિસ્તીઓની જેમ નિયુક્ત કરવામાં આવ્યા. અગાઉ ફક્ત એક જ વ્યક્તિ મંડળના નિરીક્ષક તરીકેનું કાર્ય કરતી હતી. એના બદલે, ફિલિપી ૧:૧ અને બીજા શાસ્ત્રવચનો બતાવે છે તેમ, મંડળમાં વડીલોનું એક જૂથ બનાવવામાં આવ્યું. એમાં વડીલો માટેની શાસ્ત્રીય જરૂરિયાત ધરાવતા ભાઈઓને નિયુક્ત કરવામાં આવ્યા.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮; એફેસી ૪:૧૧, ૧૨.

૧૯ વર્ષ ૧૯૭૫થી આખી પૃથ્વી પર પરમેશ્વરના સંગઠનની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા નિયામક જૂથની સમિતિઓ રચવામાં આવી. શાખા સમિતિઓને અમુક વિસ્તારોની દેખરેખ રાખવા માટે નિયુક્ત કરવામાં આવી. ત્યાર પછી, મુખ્ય મથક અને વૉચ ટાવર સોસાયટીની શાખાઓના કાર્યને સરળ કરવા પર ધ્યાન આપવામાં આવ્યું જેથી ‘જે શ્રેષ્ઠ છે તે પારખી લેવાય.’ (ફિલિપી ૧:૯, ૧૦) ઈસુ ખ્રિસ્તના માર્ગદર્શન હેઠળ નિરીક્ષકોને પ્રચારકાર્ય, મંડળમાં શિક્ષણ કાર્ય અને પરમેશ્વરના સેવકોની કાળજી રાખવાની જવાબદારીઓ આપવામાં આવી.—૧ તીમોથી ૪:૧૬; હેબ્રી ૧૩:૭, ૧૭; ૧ પીતર ૫:૨, ૩.

ઈસુની આગેવાની

૨૦. યહોવાહના સંગઠન સાથે ચાલવા માટે આપણે ઈસુની કઈ ભૂમિકા સ્વીકારવી જોઈએ?

૨૦ યહોવાહ પરમેશ્વરે ઈસુ ખ્રિસ્તને ‘મંડળીના શિર’ બનાવ્યા છે. તેથી યહોવાહના સંગઠન સાથે ચાલવા માટે આપણે ઈસુની ભૂમિકા સ્વીકારવાની જરૂર છે. (એફેસી ૫:૨૨, ૨૩) યશાયાહ ૫૫:૪ કહે છે કે “મેં [યહોવાહે] તેને લોકોને સારૂ સાક્ષી, તેઓને સારૂ સરદાર તથા અધિકારી ઠરાવી આપ્યો છે.” ઈસુ સારી રીતે જાણે છે કે કઈ રીતે આગેવાની લેવી. તે પોતાના ઘેટાં અને તેઓનાં કાર્યોને પણ સારી રીતે જાણે છે. હકીકતમાં, તે એશિયા માયનોરના સાત મંડળો વિષે વાત કરી રહ્યાં હતા ત્યારે, પાંચ વખત તેમણે કહ્યું કે ‘તારાં કામ હું જાણું છું.’ (પ્રકટીકરણ ૨:૨, ૧૯; ૩:૧, ૮, ૧૫) ઈસુ પોતાના પિતા યહોવાહની જેમ આપણી જરૂરિયાતો પણ જાણે છે. નમૂનાની પ્રાર્થના આપતા પહેલાં, ઈસુએ કહ્યું: “કેમકે જેની તમને અગત્ય છે, તે તેની પાસે માગ્યા અગાઉ તમારો બાપ જાણે છે.”—માત્થી ૬:૮-૧૩.

૨૧. ખ્રિસ્તી મંડળમાં ઈસુ કઈ રીતે આગેવાની લે છે?

૨૧ ઈસુ કઈ રીતે આગેવાની લે છે? એક રીત, “માણસોને દાન” એટલે કે વડીલો છે. (એફેસી ૪:૮) પ્રકટીકરણ ૧:૧૬ પ્રમાણે વડીલો ખ્રિસ્તના જમણા હાથમાં છે, એટલે કે તેમની દેખરેખ હેઠળ કાર્ય કરે છે. આજે, ઈસુ વડીલો માટેની ગોઠવણને માર્ગદર્શન આપે છે, પછી ભલે તેઓ સ્વર્ગના કે પૃથ્વી પરના જીવનની આશા ધરાવતા હોય. અગાઉના લેખમાં બતાવવામાં આવ્યું તેમ, તેઓને પવિત્ર આત્માથી નિયુક્ત કરવામાં આવે છે. (૧ તીમોથી ૩:૧-૭; તીતસ ૧:૫-૯) પ્રથમ સદીમાં, નિયામક જૂથ યરૂશાલેમના અનુભવી ભાઈઓનું બનેલું હતું, જેઓ મંડળો અને પ્રચારકાર્ય પર દેખરેખ રાખતા હતા. આજે યહોવાહનું સંગઠન પણ એ જ રીતે ચાલી રહ્યું છે.

યહોવાહના સંગઠન સાથે ચાલો!

૨૨. નિયામક જૂથ કઈ મદદ પૂરી પાડે છે?

૨૨ યહોવાહના રાજ્યને લગતા કાર્યોની જવાબદારી ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરને’ સોંપવામાં આવી છે. તેઓ યહોવાહના સાક્ષીઓના નિયામક જૂથના સભ્યો છે. (માત્થી ૨૪:૪૫-૪૭) તેઓનું મુખ્ય કાર્ય મંડળોને પરમેશ્વરનું શિક્ષણ અને માર્ગદર્શન આપવાનું છે. (પ્રેરિતોનાં કૃત્યો ૬:૧-૬) વધુમાં, ખ્રિસ્તી ભાઈઓ કુદરતી આફતનો ભોગ બને છે ત્યારે, નિયામક જૂથ એક કે વધારે દેશોની રજીસ્ટર થયેલી આપણી સંસ્થાઓને તેઓના ઘરો અને સભા માટેના હૉલનું સમારકામ કરવા મદદ કરવાનું જણાવે છે. કોઈ ભાઈ કે બહેન સાથે કઠોર વર્તન કરવામાં આવ્યું હોય કે સતાવણી થઈ હોય ત્યારે, તેઓને દિલાસો અને ઉત્તેજન આપવાની પણ તેઓએ ગોઠવણ કરી છે. હા, “અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે” પ્રચારકાર્યને આગળ ધપાવવા માટે દરેક પ્રયત્નો કરવામાં આવે છે.—૨ તીમોથી ૪:૧, ૨.

૨૩, ૨૪. યહોવાહ દરેક સંજોગોમાં શું પૂરું પાડે છે અને આપણે કેવો નિર્ણય લેવો જોઈએ?

૨૩ યહોવાહ દરેક સંજોગોમાં પોતાના લોકોને તેમનું જ્ઞાન અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. તે પોતાના સંગઠનમાં થતી વૃદ્ધિ અને યોગ્ય ફેરફારો માટે જવાબદાર ભાઈઓને ઊંડી સમજણ અને બુદ્ધિ આપીને તૈયાર કરે છે. (પુનર્નિયમ ૩૪:૯; એફેસી ૧:૧૬, ૧૭) યહોવાહ આપણને દરેક જગ્યાએ પ્રચાર કરવાનું કાર્ય પૂરું કરવા જરૂર મદદ પૂરી પાડે છે.—૨ તીમોથી ૪:૫.

૨૪ આપણને પૂરો ભરોસો છે કે યહોવાહ પોતાના લોકોને કદી છોડશે નહિ; તે તેઓને આવનાર “મોટી વિપત્તિમાંથી” જરૂર છોડાવશે. (પ્રકટીકરણ ૭:૯-૧૪; ગીતશાસ્ત્ર ૯૪:૧૪; ૨ પીતર ૨:૯) પરમેશ્વર યહોવાહમાં આપણે એવો જ ભરોસો અંત સુધી રાખીએ. (હેબ્રી ૩:૧૪) ચાલો, આપણે યહોવાહના સંગઠનની સાથે સાથે ચાલીએ.

તમે કેવો જવાબ આપશો?

• કઈ રીતે કહી શકાય કે યહોવાહનું સંગઠન પ્રગતિ કરી રહ્યું છે?

• યહોવાહનું સંગઠન ધીરે ધીરે વધારે સમજણ મેળવે છે એના કયા પુરાવાઓ છે?

• પ્રચારકાર્યમાં કયા ફેરફારો કરવામાં આવ્યા છે?

• યહોવાહના સંગઠનની ગોઠવણોમાં કયા સમયસરના ફેરફારો થયા છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૭ પર ચિત્ર]

દાઊદની જેમ, આપણે પણ યહોવાહના મહાન કાર્યોનું વર્ણન કરી શકતા નથી

[પાન ૧૮ પર ચિત્ર]

યહોવાહના લોકોને સંગઠનના સમયસરના ફેરફારોથી લાભ થયો છે