સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહના સાક્ષીઓ—દૃઢ વિશ્વાસથી આગળ વધી રહ્યા છે!

યહોવાહના સાક્ષીઓ—દૃઢ વિશ્વાસથી આગળ વધી રહ્યા છે!

યહોવાહના સાક્ષીઓદૃઢ વિશ્વાસથી આગળ વધી રહ્યા છે!

વાર્ષિક સભાનો અહેવાલ

આજે લોકો બધી જ બાબતોમાં શંકા કરે છે, પરંતુ યહોવાહના ખ્રિસ્તી સાક્ષીઓ પોતાના દૃઢ વિશ્વાસ માટે જાણીતા છે. ઑક્ટોબર ૭, ૨૦૦૦ શનિવારના રોજ, ન્યૂ જર્શીના જર્શી શહેરના યહોવાહના સાક્ષીઓના એસેમ્બ્લી હૉલમાં યોજાયેલ વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી ઑફ પેન્સિલ્વેનિયાની વાર્ષિક સભામાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું. *

યહોવાહના સાક્ષીઓના નિયામક જૂથના સભ્યએ આ રીતે શરૂઆત કરી: “જગતના અબજો લોકોમાંથી ફક્ત આપણે જ જાણીએ છીએ અને માનીએ છીએ કે યહોવાહના પ્રિય પુત્ર, ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં હવે રાજગાદી પર બેઠા છે અને પોતાના શત્રુઓ મધ્યે રાજ કરી રહ્યા છે.” જગતના ૬ દેશોમાંથી એવા વિશ્વાસ દૃઢ કરતા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા.

હાઈટીમાં બાઇબલ સત્ય દ્વારા પિશાચોથી છૂટકારો

હાઈટીમાં ભૂત-ભૂવાઓ બહુ સામાન્ય છે. ત્યાંની શાખા સમિતિના સભ્ય જ્હોન નોરમાને કહ્યું: “લોકો પોતાનું રક્ષણ કરવા માટે ભૂવાઓ પાસે જાય છે.” એક ભૂવાએ અકસ્માતમાં પોતાનો પગ ગુમાવ્યો ત્યારે તેને શંકા ગઈ. તેને નવાઈ લાગતી હતી કે ‘જો પિશાચો મારું રક્ષણ કરતા હોય તો કઈ રીતે મને આ અકસ્માત થઈ શકે?’ પછી ઘણા લોકોની જેમ તેણે પણ યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરીને સત્ય મેળવ્યું અને પિશાચોથી છૂટકારો મેળવ્યો. હાઈટીમાં કુલ પ્રકાશકો છે એના કરતાં, ઈસુના સ્મરણ પ્રસંગમાં ચાર ગણા લોકો આવ્યા હતા. એના પરથી દેખાઈ આવે છે કે ત્યાં હજુ વૃદ્ધિ થવાની ઘણી શક્યતાઓ રહેલી છે.

મોટા મોટા પ્રચાર વિસ્તારો આવરતા કોરિયાના ઉત્સાહી ભાઈઓ

કોરિયામાં યહોવાહના સાક્ષીઓના ૪૦ ટકા લોકો પૂરા સમયની સેવામાં છે. તેઓ વિષે શાખા સમિતિના સભ્ય મિલ્ટોન હેમીલ્ટોન જણાવે છે: “અમારા પ્રચાર વિસ્તારમાં ચાર કરોડ ૭૦ લાખ લોકો રહે છે છતાં, એ વિસ્તારને લગભગ એક મહિનામાં આવરી લેવામાં આવે છે.” ખાસ કરીને સાઈન-લેંગ્વેજ મંડળોમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. એક સાઈન લેંગ્વેજ સરકીટમાં ૮૦૦ બાઇબલ અભ્યાસો ચલાવવામાં આવે છે. આ રીતે સરેરાશ દરેક પ્રકાશક એક વ્યક્તિ સાથે બાઇબલ અભ્યાસ ચલાવે છે. પરંતુ દુઃખની વાત તો એ છે કે યુવાનો પોતાની ધાર્મિક માન્યતાઓના કારણે તટસ્થ રહે છે, તેથી તેઓને હજુ પણ જેલમાં પૂરવામાં આવે છે. તેમ છતાં, આ વિશ્વાસુ ખ્રિસ્તીઓને જેલમાં જવાબદારીવાળું કામ સોંપવામાં આવે છે અને એ રીતે તેઓ સાથે માનપૂર્વક વર્તન કરવામાં આવે છે.

મૅક્સિકોની માંગને પહોંચી વળવી

મૅક્સિકોમાં ઑગસ્ટ ૨૦૦૦માં લગભગ ૫,૩૩,૬૬૫ ભાઈબહેનોએ પ્રચારકાર્યનો રીપોર્ટ આપ્યો. આ પ્રકાશકોની સંખ્યાથી ત્રણ ગણા લોકોએ ઈસુના સ્મરણ પ્રસંગમાં હાજરી આપી હતી. શાખા સમિતિના સભ્ય રોબર્ટ ટ્રાસીએ કહ્યું: “અમે આ વર્ષે ત્યાં ૨૪૦ રાજ્યગૃહો બાંધવાનો ધ્યેય રાખ્યો છે. હજુ પણ અમારે વધુ રાજ્યગૃહોની જરૂર છે.”

મૅક્સિકોમાં યહોવાહના સાક્ષીઓના યુવાનો બહું જ સારું ઉદાહરણ બેસાડે છે. એક કૅથલિક પાદરીએ આમાંના એક યુવાન વિષે કહ્યું: “હું ઇચ્છું છું કે મારા ચર્ચમાં તેના જેવો એક યુવાન હોય. તેઓ ખૂબ જ સારી રીતે બાઇબલનો ઉપયોગ કરે છે અને કરવા તૈયાર હોય છે એ માટે હું તેઓની પ્રશંસા કરું છું. તેઓ પોતાનું જીવન જોખમમાં મૂકીને પણ પરમેશ્વર વિષે પ્રચાર કરે છે.”

સિએરા લીઓનમાં પ્રમાણિકતાની કસોટી

સિએરા લીઓન દેશમાં, એપ્રિલ ૧૯૯૧થી આંતરિક યુદ્ધ ફાટી નીકળ્યું હોવાથી હજારો લોકો મરણ પામ્યા છે, ઘણા જખમી થયા છે અને અપંગ પણ બન્યા છે. ત્યાંની શાખા સમિતિના સભ્ય બીલ કવને અહેવાલ આપ્યો કે, “યુદ્ધ અને યાતનાઓએ લોકો પર ભયંકર અસર પાડી. એને કારણે પહેલાં જેઓને આપણા સંદેશમાં રસ ન હતો તેઓને હવે રસ પડવા લાગ્યો છે. પરિણામે, ઘણા લોકો પહેલી વખત આપણી સભાઓમાં આવવા લાગ્યા છે. ઘણી વાર રસ્તામાં ભાઈઓને ઊભા રાખીને તેઓ કહે છે કે અમારે બાઇબલ વિષે શીખવું છે.” સિએરા લીઓનમાં હજુ પણ લડાઈ ચાલી રહી છે છતાં, પ્રચારકાર્ય પૂર ઝડપે આગળ વધી રહ્યું છે.

દક્ષિણ આફ્રિકામાં રાજ્યગૃહોનું બાંધકામ

દક્ષિણ આફ્રિકાની શાખા સમિતિ જે વિસ્તારોમાં પ્રચારકાર્યની દેખરેખ રાખે છે ત્યાં હમણાં સેંકડો રાજ્યગૃહો બાંધવાની જરૂર પડી છે. જોકે ત્યાં ઘણા જ હૉલ બંધાઈ ચૂક્યા છે. શાખા સમિતિના સભ્ય જ્હોન કીકોટે નોંધ્યું, “પહેલા છાપરા કે ઝાડ નીચે સભાઓ રાખવામાં આવતી હતી, એને બદલે હવે આપણા ભાઈઓ પાસે હૉલ અને ખુરશીઓ બંને છે. જોકે મોટા ભાગના હૉલ સાદા બાંધ્યા છે છતાં, તેઓના વિસ્તારમાં એ ખૂબ આકર્ષક છે. કેટલાક વિસ્તારોમાં એવું જોવા મળ્યું છે કે રાજ્યગૃહ બાંધ્યા પછી એ જ મંડળમાં બીજે વર્ષે બેગણી સંખ્યા વધી ગઈ છે.”

યુક્રેઇનમાં સાક્ષીઓની નવી પેઢી

સેવા વર્ષ ૨૦૦૦ દરમિયાન યુક્રેઇનમાં ૧,૧૨,૭૨૦ પ્રકાશકો વધ્યા છે. એમાંના ૫૦,૦૦૦ લોકો છેલ્લા પાંચ વર્ષમાં જ સત્ય શીખ્યા છે. શાખા સમિતિના સભ્ય જ્હોન ડીદુરએ કહ્યું: “સાચે જ યહોવાહે પોતાનું નામ જાહેર કરવા માટે એક નવી પેઢી તૈયાર કરી છે. તેમણે કહ્યું કે “છેલ્લા બે વર્ષથી અમે ૫૦ કરોડ સામયિકો આપ્યાં છે કે જે ત્યાંની વસ્તી જેટલા છે. સરેરાશ દર મહિને અમે હજારો રસ ધરાવતા લોકો પાસેથી પત્રો મેળવીએ છીએ કે જેઓ વધુ માહિતી માગી રહ્યા છે.”

વિશ્વાસ દૃઢ કરનાર કાર્યક્રમ

નિયામક જૂથના સભ્ય, દાનીયેલ સીડલીકે એક રસપ્રદ ભાષણ આપ્યું. આ સામયિકમાં “નિયામક જૂથ કઈ રીતે કાનૂની નિગમથી અલગ થાય છે” નામનો લેખ આ ભાષણ પર આધારિત છે.

નિયામક જૂથના સભ્ય થીઓડોર જાર્કઝે પ્રેરણા આપતું એક ભાષણ આપ્યું જેનો વિષય હતો, “નિરીક્ષકો અને સેવકાઈ ચાકરોની નિયુક્તિ કોણ કરે છે?” આ સામયિકનો એક લેખ એ વિષય પર આધારિત છે.

વાર્ષિક સભામાં નિયામક જૂથના સભ્ય ડેવિડ સ્પ્લેને ૨૦૦૧ના વાર્ષિક વચન પર ખૂબ જ સુંદર ભાષણ આપ્યું. એ પ્રેષિત પાઊલના શબ્દો પર આધારિત હતું, જે કહે છે: “દેવની સર્વ ઇચ્છા વિષે પૂરેપૂરી ખાતરી પામીને તથા સંપૂર્ણ થઈને તમે દૃઢ રહો.” (કોલો. ૪:૧૨) આખી દુનિયાના યહોવાહના સાક્ષીઓએ પણ એ રીતે જ પરમેશ્વરના રાજ્યનો હિંમતપૂર્વક પ્રચાર કરવાનું નક્કી કર્યું છે.—માત્થી ૨૪:૧૪.

[ફુટનોટ]

^ કાર્યક્રમ ટેલિફોન દ્વારા કેટલીય જગ્યાએ જોડવામાં આવ્યો હતો, અને એમાં ૧૩,૦૮૨ ભાઈબહેનોએ હાજરી આપી હતી.