સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એક ઑપ્ટિસ્યને સત્યનું બી વાવ્યું

એક ઑપ્ટિસ્યને સત્યનું બી વાવ્યું

એક ઑપ્ટિસ્યને સત્યનું બી વાવ્યું

લ્વૉફ, યુક્રેઇનમાં એક ઑપ્ટિસ્યને સત્યના બી વાવ્યાં એનાથી કઈ રીતે હાઇફા, ઇઝરાયેલમાં રશિયન ભાષાનું યહોવાહના સાક્ષીઓનું મંડળ રચવામાં આવ્યું? બંને દેશો વચ્ચે તો લગભગ ૨૦૦૦ કિલોમીટરનું અંતર છે. જોકે સભાશિક્ષક ૧૧:૬માં જે કહેવામાં આવ્યું છે એને આ અહેવાલ સાચું પુરવાર કરે છે. એ કહે છે: “સવારમાં બી વાવ, ને સાંજે તારો હાથ પાછો ખેંચી ન રાખ; કેમકે આ સફળ થશે, કે તે સફળ થશે . . . તે તું જાણતો નથી.”

આ અહેવાલની શરૂઆત ૧૯૯૦માં થઈ, જ્યારે ઈલા નામની એક યહુદી કેમીસ્ટ લ્વૉફમાં રહેતી હતી. ઈલા અને તેનું કુટુંબ યુક્રેઇન છોડીને ઇઝરાયેલ રહેવા જવાની તૈયારી કરતા હતા. તેઓ ઇઝરાયેલ ગયા એના થોડા દિવસો પહેલાં, ઈલા એક ઑપ્ટીસ્યનને મળી જે યહોવાહના સાક્ષી હતા. એ સમયે યુક્રેઇનમાં યહોવાહના સાક્ષીઓના પ્રચારકાર્ય પર પ્રતિબંધ હતો. તોપણ, ઑપ્ટીસ્યન ઈલાને બાઇબલનો સંદેશો જણાવવા લાગ્યા. ઑપ્ટીસ્યને તેને જણાવ્યું કે પરમેશ્વરનું નામ છે. એ સાંભળીને ઈલાને આશ્ચર્ય થયું. એ કારણે ઈલાને વધારે જાણવાની ઇચ્છા થઈ અને બાઇબલ ચર્ચાની શરૂઆત થઈ.

ઈલા બાઇબલ ચર્ચાથી એટલી તો પ્રભાવિત થઈ કે તેણે દર અઠવાડિયે બાઇબલ અભ્યાસ કરવા વિષે પૂછ્યું. તેનો બાઇબલમાં રસ વધતો જ ગયો પરંતુ ત્યાં એક સમસ્યા પણ હતી. સમય જલદી પસાર થતો હોવાથી, પોતાના કુટુંબ સાથે ઇઝરાયેલ જવાનો સમય પણ નજીક આવી રહ્યો હતો. ઈલાને હજુ પણ ઘણું શીખવાનું બાકી હતું! તેથી તેણે યુક્રેઇન છોડે નહિ ત્યાં સુધી દરરોજ બાઇબલ અભ્યાસ કરવા માટે વિનંતી કરી. એ પછી ઈલા ઇઝરાયેલ ગઈ. ઇઝરાયેલ ગયા પછી તરત જ તેણે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો ન હતો. પરંતુ, સત્યનું બી તેના હૃદયમાં વૃદ્ધિ પામી રહ્યું હતું. વર્ષના અંતે તેણે ફરીથી બાઇબલ અભ્યાસ શરૂ કર્યો.

ઇરાની ખાડીમાં યુદ્ધ ફાટી નીકળ્યું હોવાથી ઇરાકે ઇઝરાયેલ પર મિસાએલ છોડીને હુમલો કર્યો હતો. તેથી બધી જગ્યાઓએ એ જ ચર્ચા થતી હતી. એક વખત બજારમાં ઈલાએ તેની જેમ નવા આવેલાં એક રશિયન કુટુંબને પોતાની ભાષામાં વાત કરતા સાંભળ્યાં. ત્યારે ઈલા પોતે બાઇબલ અભ્યાસ કરતી હતી. તોપણ, તેણે એ કુટુંબ સાથે શાંતિપૂર્ણ નવી દુનિયાના બાઇબલ વચન વિષે વાત કરી. પરિણામે, તે કુટુંબમાં દાદીમા ગાલીના, તેમની દીકરી નતાશા, પુત્ર સાશા (એરીએલ) અને પુત્રી ઇલેના, તેઓ સર્વ ઈલા સાથે બાઇબલ અભ્યાસ કરવા લાગ્યા.

આ કુટુંબમાંથી સૌ પ્રથમ સાશાએ ઘણી સતાવણીઓ સહીને પણ બાપ્તિસ્મા લીધું. તે એક હોશિયાર વિદ્યાર્થી હોવા છતાં તેને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો. કેમ કે તેણે પોતાની ખ્રિસ્તી માન્યતા પ્રમાણે લશ્કરી તાલીમમાં ભાગ લેવાનો નકાર કર્યો હતો જે શાળાની એક ગોઠવણ હતી. (યશાયાહ ૨:૨-૪) તેથી સાશાનો કેસ યરૂશાલેમમાં ઇઝરાયેલની ઉચ્ચ અદાલતમાં ગયો. તેને ફરીથી શાળામાં લેવાનો હુકમ કરવામાં આવ્યો જેથી તે પોતાનું ભણતર પૂરું કરી શકે. એ કેસ વિષે આખા દેશમાં જાહેરાત થઈ. આમ, ઘણા ઇઝરાયેલીઓ યહોવાહના સાક્ષીઓની માન્યતાઓથી જાણકાર થયા. *

પોતાના ગ્રેજ્યુએશન પછી સાશા યહોવાહના સાક્ષીઓમાં પૂરા સમયનો સેવક બન્યો. આજે તે ખાસ પાયોનિયર તરીકે સેવા આપે છે અને મંડળમાં વડીલ પણ છે. પછી સાશાની બહેન લીલના પણ પૂરા સમયના સેવાકાર્યમાં જોડાઈ. તેની માતા નતાશા અને દાદીમા ગલીના પણ બાપ્તિસ્મા પામ્યાં. ઑપ્ટીસ્યને સત્યનું જે બી વાવ્યું હતું એના હજું પણ ફળ મળી રહ્યા છે.

સમય જતા ઈલાએ સત્યમાં પ્રગતિ કરી અને જલદી જ ઘર ઘરના પ્રચારકાર્યમાં જવા લાગી. પ્રચારની શરૂઆતમાં જ ઈલા ફાઈના નામની સ્ત્રીને મળી જે તાજેતરમાં જ યુક્રેઇનથી આવી હતી. ફાઈના ડિપ્રેસ હોવાથી દુઃખી હતી. ઈલાને પછીથી જાણવા મળ્યું કે પોતે ફાઈનાના ઘરનો દરવાજો ખખડાવ્યો એ પહેલાં જ, તે આ રીતે પરમેશ્વરને પ્રાર્થના કરી રહી હતી: “તમને હું જાણતી નથી પણ તમે મને સાંભળતા હોવ તો મદદ કરો.” ફાઈનાએ ઈલા સાથે ઘણી ચર્ચા કરી. તેણે ઈલાને ઘણા પ્રશ્નો પૂછ્યા અને તેને જે સમજાવવામાં આવ્યું એ તેણે ધ્યાનથી સાંભળ્યું. પછી તેને ખાતરી થઈ કે યહોવાહના સાક્ષીઓ જ બાઇબલમાંથી સત્ય શીખવે છે. પછી ફાઈનાએ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં ફેરગોઠવણ કરી, જેથી તે મંડળ સાથે અને પ્રચારકાર્યમાં વધુ સમય ફાળવી શકે. મે ૧૯૯૪માં, ફાઈનાએ બાપ્તિસ્મા લીધું. પછી તેણે પાયોનિયરીંગ શરૂ કર્યું અને પોતાના પગ પર ઊભા રહેવા માટે કૉમ્પ્યુટર ક્ષેત્રમાં પાર્ટ-ટાઈમ નોકરી કરવા લાગી.

નવેમ્બર ૧૯૯૪માં ઈલા પ્રચાર કરી રહી હતી ત્યારે તેને શરીરમાં એકદમ જ નબળાઈ લાગવા માંડી. તેથી તે હૉસ્પિટલ ગઈ, જ્યાં ખબર પડી કે તેને આંતરડાંમાં અલ્સર છે. સાંજ સુધીમાં ઈલાનું હિમોગ્લોબીન ઘટીને ૭.૨ થઈ ગયું. ઈલાના મંડળના એક વડીલ, હૉસ્પિટલ સમન્વય સમિતિ (એચએલસી)ના સભ્ય હતા. તેમણે ડૉક્ટરોને ઘણી માહિતી પૂરી પાડી જેથી લોહી આપવાની જરૂર ન પડે. ઈલાની લોહી વિનાની સર્જરી કરવામાં આવી અને એ સફળ રહી. * તેથી તે જલદી એકદમ સાજી થઈ ગઈ.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯.

ઈલાના ડૉક્ટર કાર્લ યહુદી હતા. એ સર્જરીથી તે ઘણા પ્રભાવિત થયા હતા. પછી કાર્લને જુલમી છાવણીમાંથી બચી જનાર તેમના માબાપ યાદ આવ્યા. તેઓ પણ જુલમી છાવણીમાં યહોવાહના સાક્ષીઓને ઓળખતા હતા. તેથી કાર્લે ઘણા પ્રશ્નો પૂછ્યા. પોતાના કામમાં ઘણા વ્યસ્ત હોવા છતાં, કાર્લે નિયમિત બાઇબલ અભ્યાસ માટે સમય કાઢ્યો. પછીના વર્ષથી તેમણે નિયમિત સભાઓમાં જવાનું શરૂ કર્યું.

ઑપ્ટીસ્યને સત્યનું જે બી વાવ્યું હતું એનું શું પરિણામ આવ્યું? આપણે આગળ સાશા અને તેમના કુટુંબ વિષે જોઈ ગયા. હવે ઈલા ખાસ પાયોનિયર છે. તેની પુત્રી ઈના હાઇસ્કૂલમાં છે અને તેણે પણ પાયોનિયરીંગ શરૂ કર્યું છે. ફાઈના પણ ખાસ પાયોનિયર છે. ઈલાના ડૉ. કાર્લ હવે યહોવાહના સાક્ષી છે અને મંડળમાં સેવકાઈ ચાકર છે. તે પોતાના દર્દીઓને અને બીજાઓને બાઇબલ સત્યથી સાજા કરે છે.

રશિયન ભાષા બોલતું નાનું વૃંદ પહેલા હાઈફા હેબ્રી મંડળનું એક ભાગ હતું. હવે તેઓનું અલગ રશિયન મંડળ બની ગયું છે જેમાં ૧૨૦થી પણ વધારે ઉત્સાહી પ્રકાશકો છે. હકીકતમાં એ વૃદ્ધિનું કારણ લ્વૉફમાં રહેતા ઑપ્ટીસ્યન છે, જેમણે સત્યનું બી વાવવાની તકનો લાભ ઉઠાવ્યો હતો.

[ફુટનોટ્‌સ]

^ વધુ માહિતી માટે નવેમ્બર ૮, ૧૯૯૪નું સજાગ બનો! (અંગ્રેજી)ના પાન ૧૨-૧૫ જુઓ.

^ હૉસ્પિટલ સમન્વય સમિતિના સભ્યો આખી દુનિયામાં યહોવાહના સાક્ષીઓના પ્રતિનિધિ છે અને તેઓ દર્દી તથા હૉસ્પિટલના ડૉક્ટરોને મદદ કરે છે. તેઓ લોહી વિનાની દવા અને સર્જરી વિષેની અદ્યતન માહિતી પૂરી પાડે છે.

[પાન ૨૯ પર ચિત્ર]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

યુક્રેઇન

ઇઝરાયેલ

[ક્રેડીટ લાઈન]

Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.

[પાન ૩૦ પર ચિત્રો]

ઈલા અને તેની પુત્રી ઈના

[પાન ૩૧ પર ચિત્ર]

હાઈફામાં રશિયન ભાષા બોલતા આનંદી સાક્ષીઓ. ડાબેથી જમણે: સાશા, લીલના, નતાશા, ગાલીના, ફાઈના, ઈલા, ઈના અને કાર્લ