નિરુત્સાહી ન થાવ!
નિરુત્સાહી ન થાવ!
રાજા સુલેમાને લખ્યું કે “જો તું સંકટને દિવસે નાહિમ્મત થઈ જાય, તો તારૂં બળ થોડું જ છે.” (નીતિવચન ૨૪:૧૦) તમે પણ ક્યારેય નિરુત્સાહ થયા હોવ તો, ઉપરના શબ્દોથી ચોક્કસ સહમત થશો.
આપણે બધા જ કોઈ વાર નિરુત્સાહી થઈ જઈએ છીએ. કોઈ નાની બાબતે નિરાશ થયા હોઈએ તો, આપણે બે કે ત્રણ દિવસ પછી એને ભૂલી જઈએ છીએ. પરંતુ બહુ મનદુઃખ થયું હોય તો, આપણે એને જલદી ભૂલી શકતા નથી. કેટલાક ખ્રિસ્તી ભાઈબહેનો વર્ષોથી વફાદારીથી સેવા કરી રહ્યાં હતા. પરંતુ આજે નિરુત્સાહ થઈ ગયા હોવાથી, તેઓએ પ્રચારમાં કે ખ્રિસ્તી સભાઓમાં જવાનું છોડી દીધું છે.
જો તમે પણ નિરુત્સાહ થઈ ગયા હોવ તો, હિંમત હારશો નહિ! પ્રાચીન સમયમાં પણ વિશ્વાસુ સેવકો નિરુત્સાહ થઈ ગયા હતા. તેમ છતાં તેઓએ પરમેશ્વરની મદદથી હિંમતપૂર્વક એનો સામનો કર્યો. તમે પણ સામનો કરી શકો છો.
બીજાઓ મનદુઃખ પહોંચાડે ત્યારે
કોઈ તમને દુઃખ ન પહોંચાડે, એવું તો બને જ નહિ. તેમ છતાં, બીજાઓની અપૂર્ણતાને કારણે તમને દુઃખ પહોંચ્યું હોય તોપણ, તમે યહોવાહની સેવામાં ટકી શકો છો. જો કોઈએ તમને માનસિક ત્રાસ આપ્યો હોય તો, શમૂએલની માતા હાન્નાહનો વિચાર કરો. તેના અનુભવ પરથી તમને મદદ મળશે કે તેણે એવા સંજોગોમાં શું કર્યું હતું.
હાન્નાહને બાળકો જોઈતા હતા, પરંતુ તે વાંઝણી હતી. તેના પતિની બીજી પત્ની પનિન્નાહને બાળકો હતા. હાન્નાહ પર દયા બતાવવાને બદલે, પનિન્નાહ તેને બહુ ચીડવતી હતી. આ ઉપરાંત, તે હાન્નાહ સાથે ખરાબ વર્તન કરતી જેના કારણે તે “રડતી, ને ખાતી નહિ.”—૧ શમૂએલ ૧:૨, ૪-૭.
એક દિવસ હાન્નાહ મંદિરમાં પ્રાર્થના કરવા માટે ગઈ. ઈસ્રાએલના પ્રમુખ યાજક, એલીએ તેના હોઠ હાલતા જોયા. હાન્નાહ પ્રાર્થના કરી રહી હશે એવું વિચાર્યા વગર, એલીને લાગ્યું કે તે પીધેલી છે. આથી તેમણે કહ્યું, “તું ક્યાં સુધી નશામાં રહીશ? દ્રાક્ષારસ પીવાનું છોડી દે.” (૧ શમૂએલ ૧:૧૨-૧૪) એ સમયે હાન્નાહને કેવું લાગ્યું હશે એનો તમે વિચાર કરી શકો છો? તે મંદિરમાં ઉત્તેજન મેળવવા માટે આવી હતી. તે તો વિચારી પણ શકતી ન હતી કે ઈસ્રાએલના સૌથી પ્રમુખ વ્યક્તિ તેના પર આવું ખોટું તહોમત મૂકશે!
હાન્નાહ આવી પરિસ્થિતિમાં સહેલાઈથી નિરાશ થઈ ગઈ હોત. તે માઠું લગાડીને તરત જ મંદિર છોડીને જઈ શકી હોત. તે એવું પણ વિચારી શકી હોત કે જ્યાં સુધી એલી પ્રમુખ યાજક હશે ત્યાં સુધી, હું ફરી કદી મંદિરમાં આવીશ નહિ. પરંતુ, હાન્નાહ માટે યહોવાહ પરમેશ્વરની ભક્તિ બહુ જ મહત્ત્વની હતી. તે જાણતી હતી કે જો પોતે એ રીતે વર્તશે તો યહોવાહ એનાથી ખુશ થશે નહિ. કેમ કે મંદિર શુદ્ધ ઉપાસનાનું કેન્દ્ર હતું. યહોવાહનું પોતાનું નામ ત્યાં હતું. જોકે, એલી અપૂર્ણ હતા છતાં, તે યહોવાહના પ્રતિનિધિ હતા.
હાન્નાહ પર તહોમત મૂકવામાં આવ્યું છતાં, તેણે એલી સાથે આદરપૂર્વક વર્તાવ કર્યો. એ આપણા માટે સુંદર ઉદાહરણ છે. તેણે પોતાના પર મૂકવામાં આવેલા ખોટાં તહોમતને સ્વીકારી લીધું નહિ. પરંતુ તેણે આદરપૂર્વક જવાબ આપ્યો કે, “મારા મુરબ્બી, હું દુઃખી મનની સ્ત્રી છું; મેં દ્રાક્ષારસ કે દારૂ પીધો નથી, હું તો યહોવાહ આગળ મારૂં દિલ ઠાલવતી હતી. તારી દાસીને બલીયઆલપુત્રી તરીકે ગણીશ મા; કેમકે અતિશય દુઃખ તથા કલેશને લીધે હું અત્યાર સુધી બોલી છું.”—૧ શમૂએલ ૧:૧૫, ૧૬.
શું હાન્નાહ તેમને સમજાવી શકી? હા, જરૂર! તેણે કુનેહપૂર્વક એલી સાથે વાત કરી. તેણે એમ ન વિચાર્યું કે મારા પર ખોટું આળ મૂક્યું એટલે હું એનો બરાબર જવાબ આપીશ. આથી, એલીએ પણ તેને નમ્રતાથી જવાબ આપતા કહ્યું, “શાંતિએ જા; તેં ઈસ્રાએલના દેવની ૧ શમૂએલ ૧:૧૭, ૧૮.
આગળ જે વિનંતી કરી છે, તે તે સાર્થક કરો.” બાબતો સ્પષ્ટ થઈ ગયા પછી, હાન્નાહ “પોતાના માર્ગે ચાલી ગઈ, અને તેણે ખાધું, ને ત્યાર પછી તેનું મુખ [ઉદાસ] રહ્યું નહિ.”—આ અહેવાલમાંથી આપણે શું શીખી શકીએ? હાન્નાહે તરત જ ગેરસમજણ દૂર કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ એમ કરવામાં તેણે ઊંડું માન બતાવ્યું. તેથી, તે યહોવાહ પરમેશ્વર અને એલી સાથે પોતાનો સારો સંબંધ રાખી શકી. આમ, સારો વાતચીત વ્યવહાર અને કુનેહપૂર્વક વર્તન રાયનો પહાડ થતા અટકાવી શકે છે!
આપણે એ સ્વીકારવું જોઈએ કે બાબતો હલ કરવા માટે બંનેના સ્વભાવમાં નમ્રતા હોવી જ જોઈએ. તમારા ખ્રિસ્તી ભાઈબહેનો સમાધાન કરવા માટે તૈયાર ન હોય તો, તમારે બાબતો યહોવાહના હાથમાં છોડી દેવી જોઈએ. આપણે ભરોસો રાખવો જોઈએ કે તે પોતાના સમયે બાબતો હલ કરશે.
તમે સેવાનો લહાવો ગુમાવ્યો હોય તો શું?
કેટલાક લોકો પરમેશ્વરની સેવામાં પોતાના લહાવા ગુમાવવાના કારણે નિરુત્સાહ થઈ ગયા છે. તેઓએ પોતાના ભાઈઓની સેવા કરવાનો આનંદ માણ્યો હોય છે, તેથી જ્યારે તેઓ એ લહાવો ગુમાવે છે ત્યારે, તેઓને લાગે છે કે પોતે હવે યહોવાહ કે તેમના સંગઠન માટે નકામા છે. તમે પણ એવું અનુભવતા હોવ તો, બાઇબલના એક લેખક માર્કનો વિચાર કરો જે યોહાન માર્ક નામથી પણ ઓળખાતા હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૧૨.
પાઊલ અને બાર્નાબાસ સાથે પહેલી મિશનરિ મુસાફરીમાં માર્ક તેઓની સાથે હતા. પરંતુ મુસાફરીમાં છૂટા પડતી વખતે, માર્ક તેઓને છોડીને યરૂશાલેમ આવતા રહ્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૧૩) પછીથી, બીજી મુસાફરીમાં બાર્નાબાસ માર્કને પોતાની સાથે લેવા ઇચ્છતા હતા. તેમ છતાં, બાઇબલ કહે છે, “પણ પાઊલે ધાર્યું કે જે આપણને પામ્ફુલ્યામાં મૂકીને પાછો જતો રહ્યો, અને આપણી સાથે કામ કરવા આવ્યો નહિ, તેને સાથે તેડી જવો એ યોગ્ય નથી.” પરંતુ બાર્નાબાસ તેમની સાથે સહમત ન હતા. અહેવાલ આગળ બતાવે છે: “ત્યારે એવી તકરાર થઈ કે જેથી તેઓ [પાઊલ અને બાર્નાબાસ] એકબીજાથી વિખૂટા પડ્યા, અને બાર્નાબાસ માર્કને સાથે લઈને વહાણમાં બેસીને સૈપ્રસ ગયો. પણ પાઊલે સીલાસને પસંદ કર્યો અને . . . તે ચાલી નીકળ્યો.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૩૬-૪૦.
માર્કને એ જાણીને કેટલું દુઃખ થયું હશે કે પ્રેષિત પાઊલ તેમની સાથે કામ કરવા ઇચ્છતા ન હતા અને એના લીધે જ બાર્નાબાસ સાથે તેમને તકરાર થઈ હતી. પરંતુ એટલેથી જ અંત આવી જતો નથી.
પાઊલ અને સીલાસને હજુ પણ સાથી કામ કરનારની જરૂર હતી. તેઓ લુસ્ત્રામાં આવ્યા ત્યારે, તેઓએ માર્કની જગ્યાએ યુવાન તીમોથીને પસંદ કર્યો. જોકે તીમોથીને પસંદ કરવામાં આવ્યો ત્યારે, તે બે કે ત્રણ વર્ષ પહેલાં જ બાપ્તિસ્મા પામ્યો હશે. બીજી તરફ, માર્ક તો શરૂઆતથી જ ખ્રિસ્તી મંડળના એક ભાગ હતા. અરે, તે તો પાઊલ કરતાં પણ વધારે સમયથી સેવા આપી રહ્યા હતા. તેમ છતાં, તીમોથીને એ સેવાનો લહાવો આપવામાં આવ્યો.—પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧-૩.
માર્કને ખબર પડી કે તેમની જગ્યાએ ઓછા અનુભવી ભાઈને લેવામાં આવ્યા છે ત્યારે, તેમને કેવું લાગ્યું હશે? બાઇબલ એના વિષે કંઈ કહેતું નથી. તેમ છતાં બાઇબલ એ પણ નથી બતાવતું કે માર્ક યહોવાહની ભક્તિ કરવામાં નિરુત્સાહ થઈ ગયા. તેમને જે કંઈ લહાવાઓ મળતા હતા એમાં તે પૂરેપૂરો આનંદ માણતા હતા. જોકે તે પાઊલ અને સીલાસ સાથે કામ કરી શક્યા ન હતા. તેમ છતાં, તે સાયપ્રસમાં એટલે કે બાર્નાબાસના ગામમાં તેમની સાથે કામ કરી શક્યા હતા. વળી માર્કે પીતર સાથે બાબેલોનમાં પણ સેવા કરી. છેવટે, તેમને પાઊલ અને તીમોથી સાથે રોમમાં સેવા કરવાની તક મળી. (કોલોસી ૧:૧; ૪:૧૦; ૧ પીતર ૫:૧૩) પછીથી માર્કને, ઈસુ વિષેનાં લખાણોમાંનું એક પુસ્તક લખવાની તક મળી એનો વિચાર કરો!
આ અહેવાલોમાંથી આપણે મહત્ત્વનો પાઠ શીખી શકીએ છીએ. પરંતુ માર્કે પોતે ગુમાવેલા લહાવાની કોઈ ચિંતા કરી નહિ. એને બદલે તેમણે પોતાની પાસે જે લહાવો હતો એની કદર કરી. માર્ક યહોવાહની ભક્તિ કરવામાં ચાલુ રહ્યાં અને યહોવાહે તેમને આશીર્વાદ આપ્યો.
તેથી, જો તમે પણ કોઈ લહાવો ગુમાવ્યો હોય તો નિરુત્સાહ થશો નહિ. તમે સારું વલણ રાખીને પરમેશ્વરની સેવામાં વ્યસ્ત રહેશો તો, તમને બીજા લહાવાઓ પણ મળી શકે. તેમ જ પ્રભુની સેવામાં ઘણું કામ રહેલું છે.—૧ કોરીંથી ૧૫:૫૮.
નિરુત્સાહ થએલો સેવક
વિશ્વાસમાં ટકી રહેવું એ કંઈ સહેલું નથી. સમયો સમય, તમે પણ નિરુત્સાહ થઈ શકો છો જેના કારણે તમને દુઃખ થઈ શકે કે પરમેશ્વરના ભક્તોએ કદી નિરાશ થવું ન જોઈએ. ઈસ્રાએલના સૌથી આગળ પડતા પ્રબોધક એલીયાહનો વિચાર કરો.
ઈસ્રાએલની રાણી ઈઝેબેલ બઆલની ઉપાસનાને પ્રોત્સાહન આપતી હતી ત્યારે, તેને જાણવા મળ્યું કે એલીયાહે બઆલના પ્રબોધકોને મારી નાખ્યા છે. એથી તેણે એલીયાહને મારી નાખવાનું નક્કી કર્યું. એલીયાહે ઈઝેબેલ કરતાં પણ મોટા દુશ્મનોનો સામનો કર્યો હતો. પરંતુ આ વખતે તે હિંમત હારી ગયા હતા, તેથી તે જીવવા માગતા ન હતા. (૧ રાજા ૧૯:૧-૪) આમ કઈ રીતે બન્યું? તે કંઈક ભૂલી ગયા હતા.
તે ભૂલી ગયા હતા કે યહોવાહ પરમેશ્વર હિંમત આપનાર છે. તેમણે મરેલામાંથી ઉઠાડવાની અને બઆલના જૂઠા પ્રબોધકોનો સામનો કરવાની એલીયાહને શક્તિ આપી હતી. ખરેખર, યહોવાહ તેમને રાણી ઈઝેબેલના ક્રોધનો સામનો કરવાની શક્તિ પણ આપી શક્યા હોત.—૧ રાજા ૧૭:૧૭-૨૪; ૧૮:૨૧-૪૦; ૨ કોરીંથી ૪:૭.
થોડા સમય માટે કોઈ પણ વ્યક્તિનો પરમેશ્વર પ્રત્યેનો ભરોસો ડગમગી શકે છે. તમે પણ એલીયાહની જેમ, અમુક સમયે મુશ્કેલી આવી પડે ત્યારે, “જે જ્ઞાન ઉપરથી છે તે” પ્રમાણે કરવાને બદલે પોતાની જ રીતે થાળે પાડવા લાગી શકો. (યાકૂબ ૩:૧૭) એલીયાહ પોતાના વિશ્વાસમાં ડગમગી ગયા હતા તોપણ, યહોવાહે તેમને છોડી દીધા નહિ.
એલીયાહ પ્રથમ બેર-શેબા નાસી ગયા અને પછી અરણ્યમાં જતા રહ્યાં, જ્યાં તેમને લાગ્યું કે પોતાને કોઈ શોધી શકશે નહિ. પરંતુ યહોવાહે તેમને શોધી કાઢ્યા. યહોવાહે તેમને દિલાસો આપવા પોતાના સ્વર્ગદૂતને મોકલ્યા. પછી સ્વર્ગદૂતે એલીયાહને શેકેલી રોટલી અને પીવાને પાણી આપ્યું. એલીયાહે આરામ કર્યો પછી, સ્વર્ગદૂતે તેમને લગભગ ૩૨૦ કિલોમીટર દૂર હોરેબ પર્વત પર મુસાફરી કરવાનું જણાવ્યું કે જ્યાં યહોવાહ પરમેશ્વરે તેમને દૃઢ કર્યા.—૧ રાજા ૧૯:૫-૮.
એલીયાહનો ભરોસો દૃઢ કરવા યહોવાહે તેમને પોતાની શક્તિ બતાવી. ત્યાર પછી યહોવાહે તેમની સાથે કોમળ અને ઝીણા સાદે વાત કરીને ખાતરી કરાવી કે તે એકલા નથી. યહોવાહ તેમની સાથે હતા અને એ દેશના સાત હજાર વફાદાર ભક્તો પણ એલીયાહ સાથે હતા જેની તેમને ખબર ન હતી. છેવટે, યહોવાહે તેમને વધુ કામ સોંપ્યું. તેમણે એલીયાહને કાઢી મૂક્યા નહિ કે તે હવે તેમના પ્રબોધક નથી!—૧ રાજા ૧૯:૧૧-૧૮.
મદદ પ્રાપ્ય છે
કોઈક વાર તમે પણ નિરુત્સાહ થઈ જાવ તો, થોડો વધારે આરામ કરવાથી કે સારું ભોજન લેવાથી તમને સારું લાગશે. યહોવાહના સાક્ષીઓના નિયામક જૂથના સભ્ય તરીકે મરણપર્યંત ૧૯૭૭ સુધી સેવા કરનાર, ભાઈ નાથાન એચ. નોરે અનુભવ્યું કે પૂરતો આરામ લીધા પછી મોટી મુશ્કેલીઓ પણ નાની થઈ જાય છે. તેમ છતાં, સતત સમસ્યાઓ આવતી રહે તો ફક્ત આરામ જ પૂરતો નથી. પરંતુ ઉત્સાહી રહેવા માટે આપણે સખત મહેનત કરવાની જરૂર છે.
યહોવાહે નિરુત્સાહ થયેલા એલીયાહને દૃઢ કરવા સ્વર્ગદૂતને મોકલ્યા. આજે યહોવાહ, વડીલો અને પરિપક્વ ભાઈઓ દ્વારા ઉત્તેજન આપે છે. વડીલો ખરેખર ‘વાયુથી સંતાવાની જગા તથા તોફાનથી ઓથા જેવા’ બની શકે. (યશાયાહ ૩૨:૧, ૨) પરંતુ તેઓની પાસેથી ઉત્તેજન મેળવવા માટે, તમારે પહેલ કરવાની જરૂર છે. એલીયાહ નિરાશ થઈ ગયા હતા, તોપણ તે યહોવાહ પાસેથી ઉત્તેજન મેળવવા હોરેબ પર્વત પર ગયા. તેમ જ આપણે પણ ખ્રિસ્તી મંડળો દ્વારા જરૂરી ઉત્તેજન મેળવીએ છીએ.
માઠું લાગવું કે સેવાનો લહાવો ગુમાવવો જેવી કસોટીનો હિંમતપૂર્વક સામનો કરવા આપણે મદદ સ્વીકારીએ છીએ ત્યારે, આપણે મહત્ત્વના વાદવિષયમાં યહોવાહનો પક્ષ લઈએ છીએ. કયો વાદવિષય? શેતાને એવી દલીલ કરી હતી કે માનવીઓ ફક્ત પોતાના સ્વાર્થ ખાતર જ યહોવાહની સેવા કરે છે. શેતાન માને છે કે બધુ જ બરાબર ચાલતું હોય ત્યારે આપણે યહોવાહની ભક્તિ કરીશું. પરંતુ તે એવી દલીલ પણ કરે છે કે કોઈ મુશ્કેલી આવશે ત્યારે આપણે પરમેશ્વરની સેવા કરવાનું છોડી દઈશું. (અયૂબ અધ્યાય ૧ અને ૨) માટે ચાલો, કોઈ વાર આપણે નિરુત્સાહ થઈ જઈએ તોપણ, વિશ્વાસમાં દૃઢ રહીને યહોવાહ પરમેશ્વરની સેવા કરતા રહીએ. એમ કરવાથી આપણે શેતાનને તેની નિંદા માટે જૂઠો ઠરાવીશું.—નીતિવચન ૨૭:૧૧.
હાન્નાહ, માર્ક અને એલીયાહને મુશ્કેલીઓ હોવાથી થોડા સમય માટે તેઓએ આનંદ ગુમાવ્યો હતો. તેમ છતાં, તેઓએ નિરુત્સાહનો સામનો કર્યો અને યહોવાહની સેવામાં અડગ રહ્યા. યહોવાહની મદદથી, તમે પણ મુશ્કેલ સંજોગોનો સામનો કરી શકો છો!