રાજ્ય પ્રચારકોના અનુભવ લૅટ્વીઆમાં વધારો
રાજ્ય પ્રચારકોના અનુભવ
રાજ્ય પ્રચારકોના અનુભવ લૅટ્વીઆમાં વધારો
બાઇબલ સ્પષ્ટ જણાવે છે કે “સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી” પરમેશ્વરની ઇચ્છા છે. (૧ તીમોથી ૨:૪) ઘણાં વર્ષોથી જે લોકો પરમેશ્વરના રાજ્યનો સંદેશો સાંભળવાનો નકાર કરતા હતા તેઓ હવે સંદેશો સાંભળે છે. બીજા દેશોની જેમ લૅટ્વીઆમાં પણ દરેક ઉંમર કે જાતિના લોકો રાજ્ય સંદેશાને સ્વીકારી રહ્યાં છે. એ આપણને નીચેના અનુભવો પરથી જોવા મળે છે.
• લૅટ્વીઆની પૂર્વ બાજુએ રેજ્કેના શહેર આવેલું છે. ત્યાં એક માતા અને તેની પુત્રીએ કોઈ સ્થળે જવા એક બહેનને રસ્તો પૂછ્યો. તે બહેન એક યહોવાહની સાક્ષી હોવાથી તેઓને રસ્તો બતાવ્યા પછી, સાક્ષીઓની સભાઓમાં આવવાનું આમંત્રણ આપ્યું.
માતા અને તેની પુત્રી બંને ધાર્મિક હતા, તેથી તેઓએ સભામાં જવાનો નિર્ણય કર્યો. એ સાથે તેઓએ એ પણ નક્કી કર્યું કે તેઓને સભામાં કંઈ પણ અયોગ્ય લાગશે તો, ત્યાંથી તરત જ નીકળી જશે. પરંતુ, સભા એટલી રસપ્રદ હતી કે સભા પૂરી થતા સુધી તેઓને ત્યાંથી જવાનો વિચાર સુદ્ધાં ન આવ્યો. પછી તેઓએ બાઇબલ અભ્યાસ શરૂ કર્યો અને ત્યારથી નિયમિત સભાઓમાં હાજરી આપે છે. ત્રણ મહિનામાં જ તેઓએ પ્રચારકાર્યમાં જોડાવા અને બાપ્તિસ્મા લેવા માટેની ઇચ્છા બતાવી.
• લૅટ્વીઆની પશ્ચિમે આવેલા એક શહેરમાં, એક સાક્ષીને ૮૫ વર્ષના વૃદ્ધ બહેન આન્ના મળ્યા. તેમણે ઘણો રસ બતાવ્યો અને બાઇબલ અભ્યાસ સ્વીકાર્યો. પરંતુ તેમની પુત્રી અને બીજા કુટુંબના સભ્યોએ તેમનો સખત વિરોધ કર્યો. તોપણ આન્ના હિંમત હાર્યા નહિ. ઉંમર વધુ હોવાને કારણે અને તબિયત પણ સારી ન હોવા છતાં, તેમણે બાઇબલ અભ્યાસ ચાલુ રાખ્યો.
એક દિવસ આન્નાએ પોતાની દીકરીને જણાવ્યું કે તે બાપ્તિસ્મા લેવાના છે. તેમની દીકરીએ કહ્યું, “તું બાપ્તિસ્મા લઈશ તો હું તને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીશ.” પરંતુ આ ધમકીની તેમના પર કોઈ અસર પડી નહિ. આન્નાની તબિયત સારી ન હોવાને કારણે, તેમને પોતાના ઘરમાં જ બાપ્તિસ્મા આપવામાં આવ્યું.
આન્નાની દીકરીએ કેવો પ્રત્યાઘાત પાડ્યો? તેનું હૃદય પરિવર્તન થયું હોવાથી, મમ્મીના બાપ્તિસ્મા પછી તેમના માટે તેણે સરસ ખાસ ભોજન બનાવ્યું. પછી તેણે મમ્મીને પૂછ્યું, “બાપ્તિસ્મા લીધા પછી હવે તને કેવું લાગે છે?” આન્નાએ કહ્યું, “મને નવું જીવન મળ્યું હોય એમ લાગે છે.”
• ડિસેમ્બર ૧૯૯૮માં બે સાક્ષીઓ અગાઉના સોવિયત યુનિયનના એક નિવૃત્ત લશ્કરી ઑફિસરને મળ્યા. તે પરમેશ્વરમાં માનતા હોવાથી તેમણે બાઇબલ અભ્યાસનો સ્વીકાર કર્યો અને પછીથી તેમની પત્ની પણ જોડાઈ. તેઓએ જલદી જ પ્રગતિ કરી અને બાપ્તિસ્મા નહિ પામેલા પ્રકાશક બન્યા. એ પછીના ઉનાળા દરમિયાન ઑફિસરે બાપ્તિસ્મા લીધું. પરમેશ્વરના જ્ઞાન માટેનો આ યુગલનો પ્રેમ મંડળના બધા સભ્યો માટે ઉત્તેજનકારક સાબિત થયો. વધુમાં, તેઓએ એક સામાન્ય ઘરને બદલીને સુંદર રાજ્યગૃહ બનાવવાના કાર્યમાં પણ ભાગ લીધો.