સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું યહોવાહની ભક્તિ તમારા જીવનમાં મુખ્ય છે?

શું યહોવાહની ભક્તિ તમારા જીવનમાં મુખ્ય છે?

શું યહોવાહની ભક્તિ તમારા જીવનમાં મુખ્ય છે?

“તદ્દન નવી અને જુદી જ વ્યક્તિ બની જાઓ. તમારાં કાર્યોમાં તથા વિચારોમાં નવીનતા અપનાવો. પછી તમે ઈશ્વરની નજરમાં જે સારું, માન્ય તથા સંપૂર્ણ છે તે સમજી શકશો.”—રૂમી ૧૨:૨, Ibsi.

૧, ૨. આજે સાચા ખ્રિસ્તી બનવું શા માટે સહેલું નથી?

 અંત આવવાની તૈયારીમાં છે ત્યારે, આ દુષ્ટ જગતમાં સાચા ખ્રિસ્તી બનવું એટલું સહેલું નથી. (૨ તીમોથી ૩:૧) સાચી વાત તો એ છે કે વ્યક્તિએ ઈસુને અનુસરવું હોય તો અંત સુધી વફાદાર રહીને જગતને જીતવું જ જોઈએ. (૧ યોહાન ૫:૪) ખ્રિસ્તી માર્ગ વિષે ઈસુએ કહ્યું: “તમે સાંકડે બારણેથી માંહે પેસો; કેમકે જે માર્ગ નાશમાં પહોંચાડે છે, તે ચોડો છે, ને તેનું બારણું પહોળું છે, ને ઘણા તેમાં થઈને પેસે છે. કેમકે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે, તે સાંકડો છે, ને તેનું બારણું સાંકડું છે. અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે.” તેમણે એમ પણ કહ્યું: “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, અને દરરોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.”—માત્થી ૭:૧૩, ૧૪; લુક ૯:૨૩.

જીવન તરફ લઈ જતો સાંકડો માર્ગ મળી જાય પછી, એમાં ટકી રહેવું પણ સહેલું નથી. શા માટે એ મુશ્કેલ છે? એનું કારણ એ છે કે આપણે યહોવાહ પરમેશ્વરને સમર્પણ કરીએ છીએ અને પાણીનું બાપ્તિસ્મા લઈએ છીએ ત્યારથી, શેતાનની નજરમાં આવી જઈએ છીએ. તે આપણને પોતાનું નિશાન બનાવી સત્યમાંથી પાડી નાખવા બધી ચાલ અજમાવે છે. (એફેસી ૬:૧૧) તે આપણી નબળાઈઓ પર નજર રાખે છે અને આપણને યહોવાહથી દૂર લઈ જવા એ જ નબળાઈઓનો ઉપયોગ કરે છે. તેણે ઈસુની વફાદારી તોડવાનો પણ પૂરો પ્રયત્ન કર્યો, તો પછી તે આપણને શા માટે છોડે?—માત્થી ૪:૧-૧૧.

શેતાનની ચાલ

૩. શેતાને કેવી રીતે હવાના મગજમાં શંકાનું બી વાવ્યું?

શેતાનની એક ચાલ એ છે કે તે આપણા મગજને શંકાઓથી ભરી દે છે. તે આપણા આત્મિક બખ્તરમાં કાણું શોધે છે. પ્રથમ તેણે હવા સાથે એ ચાલ અજમાવી હતી, તેણે તેને પૂછ્યું: “શું દેવે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું?” (ઉત્પત્તિ ૩:૧) બીજા શબ્દોમાં કહીએ તો, શેતાન એમ કહેવા માંગતો હતો કે ‘શું પરમેશ્વર તમને મનાઈ કરે એ શક્ય છે? શું તે સૌથી સારું તમારાથી પાછું રાખે? ખરી વાત તો એ છે કે પરમેશ્વર પહેલેથી જ જાણે છે કે તમે ફળ ખાશો ત્યારે તેમના જેવા ખરાખોટાના ભેદ જાણનારા થશો! શેતાને તેના મનમાં શંકાનું બી વાવી દીધું અને એનો ફણગો ફૂટવાની રાહ જોવા લાગ્યો.—ઉત્પત્તિ ૩:૫.

૪. આજે ઘણાના મનમાં કેવી શંકાઓ ઘર કરી જઈ શકે?

આજે પણ શેતાન કઈ રીતે એવી જ ચાલ અજમાવે છે? આપણે બાઇબલ વાંચન, વ્યક્તિગત અભ્યાસ અને પ્રાર્થના, પ્રચારકાર્ય તથા સભાઓ વિષે થોડા બેદરકાર બની જઈએ તો, બીજાઓ બહુ જલદી આપણા મનમાં શંકાના બી વાવી શકે. ઉદાહરણ તરીકે આવા પ્રશ્નો ઊભા થઈ શકે: “ઈસુએ શીખવ્યું હતું એ સત્ય આ જ છે એમ આપણે કઈ રીતે જાણી શકીએ?” “શું ખરેખર અત્યારે અંતના છેલ્લા દિવસો છે? કેમ કે અત્યારે આપણે ૨૧મી સદીમાં આવી પહોંચ્યા છીએ.” “શું પરમેશ્વરનું યુદ્ધ આર્માગેદ્દોન એકદમ નજીક છે કે એને આવવાની ખૂબ વાર છે?” આવી શંકાઓ આપણા મનમાં ઘર કરી જાય તો, એને દૂર કરવા આપણે શું કરવું જોઈએ?

૫, ૬. મનમાં શંકાઓ ઊભી થાય ત્યારે આપણે શું કરવું જોઈએ?

પરમેશ્વરના સેવક યાકૂબે પોતાના સાથી ભાઈઓને સલાહ આપી: “તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો પરમેશ્વર જે સર્વેને ઉદારતાથી આપે છે, ને ઠપકો આપતો નથી, તેની પાસેથી તે માગે; એટલે તેને તે આપવામાં આવશે. પરંતુ કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માગવું; કેમકે જે કોઈ સંદેહ રાખે છે, તે પવનથી ઊછળતા તથા અફળાતા સમુદ્રના મોજાના જેવો છે. એવા માણસે પ્રભુ તરફથી તેને કંઈ મળશે એવું ન ધારવું. બે મનવાળું માણસ પોતાનાં સઘળાં કાર્યમાં અસ્થિર છે.”—યાકૂબ ૧:૫-૮.

શંકાઓ ઊભી થાય ત્યારે આપણે શું કરવું જોઈએ? આપણો વિશ્વાસ વધે, સાચી સમજણ પ્રાપ્ત થાય અને મનમાં ઊભા થતા પ્રશ્નો કે શંકાઓ વ્યક્તિગત બાઇબલ અભ્યાસ દ્વારા દૂર થાય માટે આપણે પરમેશ્વર પાસે સતત પ્રાર્થનામાં માંગ્યા કરવું જોઈએ. ઉપરાંત વિશ્વાસમાં દૃઢ હોય તેઓ પાસે પણ મદદ માંગી શકીએ અને કદી પણ શંકા ન લાવીએ કે યહોવાહ મદદ પૂરી પાડશે કે કેમ. યાકૂબે પણ કહ્યું: “દેવને આધીન થાઓ; પણ શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે. તમે દેવની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે.” આપણે બાઇબલનો અભ્યાસ કરીએ અને પ્રાર્થનામાં પરમેશ્વરની નજીક જઈએ તેમ, આપણી શંકાઓનો ચોક્કસ ઉકેલ આવી જશે.—યાકૂબ ૪:૭, ૮.

૭, ૮. ઈસુએ શીખવેલી સાચી ભક્તિના મુખ્ય ઓળખ ચિહ્‍નો કયાં છે અને આજે એ કોનામાં જોવા મળે છે?

ઉદાહરણ તરીકે, આ પ્રશ્ન વિચારો: ઈસુએ શીખવી હતી એવી જ ભક્તિ આપણે કરીએ છીએ એ આપણે કઈ રીતે જાણી શકીએ? આ શંકાનું સમાધાન કરવા કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ? બાઇબલ ઓળખ ચિહ્‍નો આપે છે કે સાચા ખ્રિસ્તીઓ મધ્યે ખરો પ્રેમ હોવો જોઈએ. (યોહાન ૧૩:૩૪, ૩૫) તેઓએ પરમેશ્વરના નામ, યહોવાહને પવિત્ર મનાવવું જોઈએ. (યશાયાહ ૧૨:૪, ૫; માત્થી ૬:૯) તેમ જ, તેઓએ લોકોને એ નામ પ્રગટ કરવું જોઈએ.—નિર્ગમન ૩:૧૫; યોહાન ૧૭:૨૬.

સાચા ખ્રિસ્તીઓનું બીજું ઓળખ ચિહ્‍ન છે પરમેશ્વરના શબ્દ, બાઇબલને આદર આપવો. બાઇબલ એક અજોડ પુસ્તક છે, જેમાં પરમેશ્વર વિષે અને તેમના હેતુઓ વિષે જણાવ્યું છે. (યોહાન ૧૭:૧૭; ૨ તીમોથી ૩:૧૬, ૧૭) વધુમાં, ફક્ત પરમેશ્વરનું રાજ્ય જ બગીચામય પૃથ્વી પર કાયમી જીવન લાવશે એમ સાચા ખ્રિસ્તીઓ જાહેર કરે છે. (માર્ક ૧૩:૧૦; પ્રકટીકરણ ૨૧:૧-૪) તેઓ જગતના ભ્રષ્ટ રાજકારણ અને ખરાબ જીવન-ઢબથી દૂર રહે છે. (યોહાન ૧૫:૧૯; યાકૂબ ૧:૨૭; ૪:૪) ખરેખર કોનામાં આ ઓળખ ચિહ્‍નો જોવા મળે છે? જવાબ સ્પષ્ટ છે: ફક્ત યહોવાહના સાક્ષીઓમાં જ એ જોવા મળે છે.

ઘર કરી ગયેલી શંકાઓ વિષે શું?

૯, ૧૦. આપણે કઈ રીતે ઘર કરી ગયેલી શંકાઓ દૂર કરી શકીએ?

આપણા મનમાં ઘણી બધી શંકાઓ ઘર કરી જાય તો શું કરવું જોઈએ? બુદ્ધિમાન રાજા સુલેમાન એનો જવાબ આપે છે: “મારા દીકરા, જો તું મારાં વચનોનો અંગીકાર કરશે, અને મારી આજ્ઞાઓને તારી પાસે સંઘરી રાખીને, જ્ઞાન તરફ તારો કાન ધરશે, અને બુદ્ધિમાં તારૂં મન પરોવશે; જો તું વિવેકબુદ્ધિને માટે ઘાંટો પાડશે, અને સમજણ મેળવવાને માટે ખંત રાખશે; જો તું રુપાની પેઠે તેને ઢૂંઢશે, અને દાટેલા દ્રવ્યની પેઠે તેની શોધ કરશે; તો તને યહોવાહના ભયની સમજણ પડશે, અને દેવનું જ્ઞાન તારે હાથ લાગશે.”—નીતિવચન ૨:૧-૫ (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે).

૧૦ કેટલી સરસ સલાહ! આપણે પરમેશ્વરનું ડહાપણ શોધવાનો ખંતપૂર્વક પ્રયત્ન કરીએ તો, ચોક્કસ આપણને ‘દેવનું જ્ઞાન હાથ લાગશે.’ આપણે પરમેશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખીએ અને તેમનાં વચનોને બહુમૂલ્ય ગણીએ તો, સૃષ્ટિના બનાવનારનું જ્ઞાન આપણને આસાનીથી મળે એમ છે. એ આપણે પ્રાર્થના અને ઊંડા અભ્યાસ દ્વારા યહોવાહ પાસેથી મેળવી શકીએ. બાઇબલમાં છૂપાયેલો જ્ઞાનનો ખજાનો આપણી બધી જ શંકાઓ દૂર કરીને સાચી હકીકત જાણવામાં મદદ કરી શકે છે.

૧૧. કઈ રીતે એલીશાના ચાકરના મનમાં શંકા જાગી?

૧૧ પરમેશ્વરના એક સેવકના મનમાં ઊભા થયેલા ડર અને શંકાનું સમાધાન કરવા પ્રાર્થનાથી કઈ રીતે મદદ મળી, એનું ઉદાહરણ ૨ રાજા ૬:૧૧-૧૮માં આપવામાં આવ્યું છે. એલીશાનો ચાકર આત્મિક રીતે સજાગ ન હતો. તે એવી કલ્પના પણ કરી શકતો ન હતો કે અરામના લશ્કરથી ઘેરાયેલા પરમેશ્વરના પ્રબોધકનું રક્ષણ પરમેશ્વરનું સૈન્ય કરી શકે. તેથી, લશ્કર જોઈને ગભરાયેલો ચાકર કાંપતો કાંપતો બોલી ઊઠ્યો: “હાય હાય, મારા શેઠ! આપણે શું કરીશું?” પરંતુ એલીશાએ શું જવાબ આપ્યો? “બીતો નહિ; કેમકે જેઓ આપણી સાથે છે તેઓ તેમની સાથે જેઓ છે તેઓના કરતાં વિશેષ છે.” પરંતુ ચાકરને એ વાત કઈ રીતે સમજાવવી? તે તો પરમેશ્વરના સૈન્યને જોઈ શકતો ન હતો.

૧૨. (ક) ચાકરની શંકા કઈ રીતે દૂર થઈ? (ખ) આપણી શંકાઓ કઈ રીતે દૂર થઈ શકે?

૧૨ “પછી એલીશાએ પ્રાર્થના કરી, કે હે યહોવાહ, કૃપા કરીને એની આંખો ઊઘાડ કે એ જુએ. ત્યારે યહોવાહે તે જુવાનની આંખો ઉઘાડી. અને તેણે જોયું, તો જુઓ, એલીશાની આસપાસ અગ્‍નિઘોડાઓથી તથા અગ્‍નિરથોથી પર્વત ભરાઇ ગયો હતો.” એ સમયે તો યહોવાહે એલીશાનું રક્ષણ કરતું પોતાનું સૈન્ય ચાકરને બતાવ્યું. પરંતુ, આજે આપણે યહોવાહ પરમેશ્વર પાસે આવી જ મદદની અપેક્ષા ન રાખી શકીએ. એનું કારણ એ છે કે એલીશાના ચાકર પાસે વિશ્વાસ દૃઢ કરવા આખું બાઇબલ ન હતું. પરંતુ આપણી પાસે તો આખું બાઇબલ છે. આપણે એનો સારી રીતે ઉપયોગ કરીએ તો આપણો વિશ્વાસ પણ દૃઢ બનશે. દાખલા તરીકે, યહોવાહ પોતાના સ્વર્ગીય રાજ્યાસન પર બિરાજમાન છે એનું વર્ણન કરતા અહેવાલો વાંચીને એ પર મનન કરી શકીએ. એમ કરવાથી, યહોવાહનું સ્વર્ગીય સંગઠન આજે પૃથ્વી પર તેમના સેવકોને સત્યનું શિક્ષણ આપવાના કાર્યમાં પૂરેપૂરો ટેકો આપે છે એમાં કોઈ શંકા નહિ રહે.—યશાયાહ ૬:૧-૪; હઝકીએલ ૧:૪-૨૮; દાનીયેલ ૭:૯, ૧૦; પ્રકટીકરણ ૪:૧-૧૧; ૧૪:૬, ૭.

શેતાનની ચાલથી સાવધ રહો!

૧૩. આપણને યહોવાહની ભક્તિમાં નબળા પાડવા શેતાન બીજી કઈ ચાલ ચાલે છે?

૧૩ આપણને યહોવાહની ભક્તિમાં નબળા પાડવા શેતાન બીજી કઈ ચાલ ચાલે છે? એક દુષ્ટ ચાલ અનૈતિકતા છે. આજે જાતીયતા પાછળ પાગલ જગતમાં જેને પ્યાર કે એક રાતની મઝા કહે છે એ એકદમ સામાન્ય છે અને એવા એક રાતના વ્યભિચાર માટે લોકો ગમે તે કિંમત આપવા તૈયાર હોય છે. ફિલ્મો, ટીવી અને વિડીયો આવી જીવન-ઢબને પ્રોત્સાહન આપે છે. આવા માધ્યમો દ્વારા અશ્લીલ ચિત્રો બતાવવામાં આવે છે, એમાંય ઇંટરનેટ તો ખાસ માધ્યમ છે. શેતાનની આવી લાલચની જાળમાં જિજ્ઞાસુઓ સામે ચાલીને ફસાય છે.—૧ થેસ્સાલોનીકી ૪:૩-૫; યાકૂબ ૧:૧૩-૧૫.

૧૪. શા માટે કેટલાક ખ્રિસ્તીઓ શેતાનની ચાલમાં ફસાય ગયા છે?

૧૪ કેટલાક ખ્રિસ્તીઓએ જાતીયતા વિષે જાણવાની પોતાની જિજ્ઞાસા એટલી વધવા દીધી કે તેઓએ અશ્લીલ ચિત્રો જોઈને પોતાનાં મન અને હૃદયોને ભ્રષ્ટ કર્યાં છે. તેઓ સામે ચાલીને શેતાનની લાલચું જાળમાં ફસાયા છે. મોટે ભાગે તેઓ સત્યનો માર્ગ પડતો મૂકે છે. તેઓ “દુષ્ટતામાં બાળકો” રહેવામાં નિષ્ફળ ગયા છે અને “સમજણમાં પ્રૌઢ” બન્યા નથી. (૧ કોરીંથી ૧૪:૨૦) બાઇબલના નિયમો અને સિદ્ધાંતો પ્રમાણે ન ચાલવાથી, દર વર્ષે હજારો શેતાનની ચાલમાં ફસાય છે અને એનાં માઠાં પરિણામો ભોગવે છે. તેઓ શેતાનની ચાલમાંથી બચાવનારા “દેવનાં સર્વ હથિયારો સજી” લેવા અને પહેરી રાખવામાં બેદરકાર બન્યા છે.—એફેસી ૬:૧૦-૧૩; કોલોસી ૩:૫-૧૦; ૧ તીમોથી ૧:૧૮, ૧૯.

આપણી મૂલ્યવાન સંપત્તિ

૧૫. કેટલાકને પોતાના આત્મિક વારસાની કદર કરવાનું શા માટે અઘરું લાગે છે?

૧૫ ઈસુએ કહ્યું, “તમે સત્યને જાણશો, અને સત્ય તમને મુક્ત કરશે.” (યોહાન ૮:૩૨) સત્યને કારણે મોટા ભાગના યહોવાહના સાક્ષીઓએ પોતાની પહેલાની જીવન-ઢબ અને ધર્મ છોડી દીધો છે. તેથી, તેઓ જૂઠી બાબતોથી મુક્તિ આપનાર સત્યને અપનાવી એની કદર કરે છે. એનાથી વિરુદ્ધ, જેઓને માબાપે સત્યમાં ઉછેર્યા હોય એવા અમુક યુવાનોને સત્યના અમૂલ્ય વારસાની કદર કરવાનું અઘરું લાગતું હોય શકે. તેઓ કદી બીજા ધર્મોમાં જોડાયા નથી અથવા એવા જગતનો ભાગ બન્યા નથી જે મોજશોખ, નશીલા પદાર્થોનો ઉપયોગ અને અનૈતિકતાને પ્રોત્સાહન આપે છે. પરિણામે, તેઓ યહોવાહનો માર્ગ અને શેતાનની ભ્રષ્ટ દુનિયા વચ્ચેનો ભેદ પારખવામાં નિષ્ફળ જઈ શકે. પોતે શું ગુમાવ્યું છે એ જાણવા આવા યુવાનો, જગતનું ઝેર ચાખવા લલચાઈ જઈ શકે!—૧ યોહાન ૨:૧૫-૧૭; પ્રકટીકરણ ૧૮:૧-૫.

૧૬. (ક) આપણે કયા પ્રશ્નો પૂછી શકીએ? (ખ) આપણને શું શીખવવામાં આવે છે અને શાનું ઉત્તેજન આપવામાં આવે છે?

૧૬ દાઝી જવાથી કેવી પીડા થાય છે એ જાણવા માટે શું આપણે પોતાની આંગળીને દઝાડીએ છીએ? બીજા દાઝી ગયા હોય ત્યારે, તેઓના ઊહકારાથી શું આપણને તેઓની પીડાનો ખ્યાલ આવી જતો નથી? એ જ રીતે, આપણે શું ગુમાવ્યું એ જાણવા દુષ્ટ જગતના “કાદવમાં” આળોટવાની જરૂર છે ખરી? (૨ પીતર ૨:૨૦-૨૨) પહેલાં શેતાનના જગતમાં હતા એવા પ્રથમ સદીના ખ્રિસ્તીઓને પીતરે યાદ કરાવ્યું: “જેમાં વિદેશીઓ આનંદ માને છે એવાં કૃત્યો કરવામાં તમે તમારા આયુષ્યનો જેટલો વખત ગુમાવ્યો છે તે બસ છે; તે વખતે તમે વ્યભિચારમાં, વિષયભોગમાં, મદ્યપાનમાં, મોજશોખમાં તથા ધિક્કારપાત્ર મૂર્તિપૂજામાં મગ્‍ન હતા.” ખરેખર, આપણે ભ્રષ્ટ જીવનનો અનુભવ કરવા “દુરાચારના પૂરમાં ધસી પડવા”ની જરૂર નથી. (૧ પીતર ૪:૩, ૪) એનાથી તદ્દન વિરુદ્ધ, આપણને બાઇબલ શિક્ષણના કેન્દ્ર, રાજ્યગૃહમાં યહોવાહનાં ઉચ્ચ નૈતિક ધોરણો શીખવવામાં આવે છે. તેમ જ, આપણને બાઇબલનું જ્ઞાન લઈને બુદ્ધિપૂર્વક એમ સાબિત કરવાનું ઉત્તેજન આપવામાં આવે છે કે આપણને સત્ય મળ્યું છે અને આપણે એ સત્ય પ્રમાણે જ જીવીએ.—યહોશુઆ ૧:૮; રૂમી ૧૨:૧, ૨; ૨ તીમોથી ૩:૧૪-૧૭.

નામ સાથે કામ કરનારા બનીએ

૧૭. આપણે કઈ રીતે યહોવાહના સફળ સાક્ષીઓ બની શકીએ?

૧૭ સત્ય આપણા જીવનમાં પ્રથમ સ્થાને હશે તો, જ્યાં પણ તક મળે ત્યાં આપણે એ વિષે પ્રચાર કરીશું. છતાં એનો એ અર્થ નથી કે જેને જાણવું ન હોય, તેને પણ જણાવવું. (માત્થી ૭:૬) એને બદલે, આપણે પોતાને યહોવાહના સાક્ષીઓ તરીકે ઓળખાવતા શરમાઈશું નહિ. કોઈ વ્યક્તિ પ્રશ્ન પૂછે કે કંઈક સાહિત્ય સ્વીકારે તો આપણે આપણી ભાવિ માટેની આશા વિષે તેઓને શીખવવા તૈયાર રહીશું. તેથી ચાલો આપણે ઘરે, શાળામાં, નોકરીએ, દુકાનમાં, મનોરંજનના સ્થળે કે ગમે ત્યાં જઈએ, આપણી પાસે હંમેશા સાહિત્ય રાખીએ.—૧ પીતર ૩:૧૫.

૧૮. પોતાની ખ્રિસ્તી તરીકે ઓળખ આપવાથી આપણા જીવન પર કઈ સારી અસર પડે છે?

૧૮ આપણે પોતાને ખ્રિસ્તી તરીકે ઓળખાવીએ છીએ ત્યારે, શેતાનના કપટી હુમલા વિરુદ્ધ આપણું વધારે રક્ષણ કરીએ છીએ. જન્મ દિવસ કે નાતાલની પાર્ટી હોય અથવા ઑફિસમાં લોટરીની વાત હોય ત્યારે સાથી કર્મચારીઓ આપણા વિષે કહેશે, “તેની વાત જવા દો, તે તો યહોવાહની સાક્ષી છે.” એ જ કારણે લોકો આપણી સામે ગંદા જોક્સ કહેતા અચકાશે. આમ પોતાની ખ્રિસ્તી તરીકે ઓળખ આપવાથી આપણા જીવન પર સારી અસર પડે છે, જેમ પ્રેષિત પીતરે કહ્યું: “જે ભલું છે તેને જો તમે અનુસરનારા થયા, તો તમારૂં ભૂંડું કરનાર કોણ છે? પણ જો તમે ન્યાયીપણાને સારૂ સહન કરો છો, તો તમને ધન્ય છે.”—૧ પીતર ૩:૧૩, ૧૪.

૧૯. આપણે છેલ્લા દિવસોમાં છીએ એમ કઈ રીતે કહી શકીએ?

૧૯ યહોવાહની ભક્તિને આપણા જીવનમાં મુખ્ય બનાવવાનો બીજો લાભ એ છે કે આપણને ખાતરી થશે કે ખરેખર આપણે જગતના છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છીએ. આપણને ખબર પડશે કે બાઇબલની કેટલીય ભવિષ્યવાણીઓ આપણા સમયમાં પૂરી થઈ રહી છે. * “છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે,” એ પાઊલની ચેતવણી ગઈ સદીના ભયંકર બનાવોથી સાચી પુરવાર થઈ છે. (૨ તીમોથી ૩:૧-૫; માર્ક ૧૩:૩-૩૭) હમણાં છાપામાં ૨૦મી સદી વિષે એક લેખ આવ્યો, જેનો વિષય હતો, “એ ઘાતકી સદી તરીકે યાદ રહેશે.” લેખે જણાવ્યું કે “ખૂનામરકીવાળી આ સદીમાં ૧૯૯૯નું વર્ષ સૌથી વધુ ખૂની વર્ષ હતું.”

૨૦. અત્યારે શું કરવાનો સમય છે?

૨૦ આ બેસી રહેવાનો સમય નથી. સર્વ પ્રકારના લોકોને બાઇબલ શિક્ષણ આપવાનું મહાન કાર્ય, આજે જે ઝડપે ચાલી રહ્યું છે એ જ યહોવાહના આશીર્વાદનો પુરાવો છે. (માત્થી ૨૪:૧૪) યહોવાહની ભક્તિને તમારા જીવનમાં મુખ્ય બનાવો અને બીજાઓને પણ એ વિષે જણાવો. હમણાં યહોવાહની ભક્તિને પોતાના જીવનમાં મુખ્ય બનાવો છો કે નહિ એ પર તમારું હંમેશ માટેનું જીવન આધારિત છે. એમાં પાછા પડશો તો યહોવાહનો આશીર્વાદ મળશે નહિ. (લુક ૯:૬૨) તેથી, અત્યારે “સ્થિર તથા દૃઢ થાઓ, અને પ્રભુના કામમાં સદા મચ્યા રહો, કેમકે તમારૂં કામ પ્રભુમાં નિરર્થક નથી એ તમે જાણો છો.”—૧ કોરીંથી ૧૫:૫૮.

[ફુટનોટ]

^ ચોકીબુરજ, જાન્યુઆરી ૧૫, ૨૦૦૦, પાન ૧૨-૧૪ જુઓ. એમાં ફકરા ૧૩-૧૮માં છેલ્લા દિવસોના છ પુરાવાની સમીક્ષા આપેલી છે જે બતાવે છે કે ૧૯૧૪થી આપણે છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છીએ.

શું તમને યાદ છે?

• આપણે શંકાઓ કઈ રીતે દૂર કરી શકીએ?

• એલીશાના ચાકરના ઉદાહરણમાંથી આપણે શું શીખી શકીએ?

• કેવા પ્રકારની લાલચો સામે આપણે સતત સાવધ રહેવું જોઈએ?

• શા માટે આપણે પોતાને યહોવાહના સાક્ષીઓ તરીકે ઓળખાવવા જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૦ પર ચિત્રો]

નિયમિત બાઇબલ અભ્યાસ અને પ્રાર્થના આપણી શંકાઓ દૂર કરવા મદદ કરી શકે

[પાન ૧૧ પર ચિત્ર]

એલીશાના ચાકરની શંકાઓ દર્શન દ્વારા દૂર કરવામાં આવી

[પાન ૧૨ પર ચિત્ર]

બેનીનનું રાજ્યગૃહ, આવા રાજ્યગૃહોમાં આપણને યહોવાહનાં ઉચ્ચ ધોરણો શીખવવામાં આવે છે