સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કેન્યામાં રસ ધરાવતા લોકોની શોધ

કેન્યામાં રસ ધરાવતા લોકોની શોધ

કેન્યામાં રસ ધરાવતા લોકોની શોધ

કુદરતી સૌંદર્યથી ભરપૂર કેન્યા લીલાછમ જંગલો, ખુલ્લા મેદાનો, વિશાળ રણપ્રદેશ અને બરફથી ઢંકાએલી પહાડીઓવાળો દેશ છે. તેમ જ ત્યાં દસ લાખથી પણ વધારે જંગલી પ્રાણીઓ જોવા મળે છે, જેમાં ગેંડાઓની સંખ્યા ઘટી રહી છે. વળી ત્યાં ઘાસના મેદાનોમાં જિરાફો પણ મળી આવે છે.

અહીંયા પક્ષીઓ પણ સારા પ્રમાણમાં છે. હવામાં ઊડતા ગરુડોથી માંડીને ગીત ગાતા જુદા જુદા રંગબેરંગી પાંખોવાળા પક્ષીઓ જોવા મળે છે. તેઓના ગીતથી વાતાવરણ આનંદિત થઈ જાય છે. અરે હા, સિંહ અને હાથી ન દેખાય એવું કદી બની શકે ખરું? ખરેખર, કેન્યાનું સૌંદર્ય અને પક્ષીઓનો અવાજ ભૂલાય તેમ નથી.

તેમ જ આ સૌંદર્યના દેશના દરેક ખૂણામાં એક બીજો અવાજ પણ સાંભળવા મળે છે. આ અવાજ હજારો લોકો આશાનો સંદેશો પ્રચાર કરી રહ્યા છે એનો છે. (યશાયાહ ૫૨:૭) આ લોકો ૪૦ કુળો અને ભાષાના લોકોને સંદેશો પહોંચાડી રહ્યા છે. સાચે જ કેન્યા ધાર્મિક રીતે પણ સૌંદર્ય પ્રધાન દેશ છે.

કેન્યાના મોટા ભાગના લોકો ધાર્મિક છે. તેથી તેઓ ધાર્મિક બાબતો પર ચર્ચા કરવા તૈયાર હોય છે. તેમ છતાં, કેન્યામાં લોકોને ઘરે મળવું ઘણું મુશ્કેલ છે કારણ કે બીજા દેશોની જેમ અહીંના સંજોગો પણ બદલાઈ રહ્યા છે.

દેશની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ રહી હોવાથી ઘણા લોકોને પોતાના જીવનમાં ફેરફારો કરવાની જરૂર પડે છે. રિવાજ મુજબ સ્ત્રીઓ હંમેશા ઘર કામ જ કરતી. પરંતુ તેઓ પણ હવે ઑફિસોમાં કામ કરવા જાય છે અથવા રસ્તા પર ફળો, શાકભાજી, માછલી અને ગૂંથેલી થેલીઓ વેચતી હોય છે. પુરુષો પોતાના કુટુંબનું ભરણપોષણ કરવા કેટલાય કલાકો મહેનત કરે છે. એટલું જ નહિ, બાળકો પણ પોતાના હાથમાં શેકેલી મગફળી અને બાફેલા ઇંડા લઈને રસ્તાઓ પર વેચતા જોવા મળે છે. તેથી રાજ્ય પ્રચારકોએ પોતાનો સંદેશો આપવા જરૂરી ફેરગોઠવણ કરવી પડી છે.

યહોવાહના સાક્ષીઓના મંડળોને, રસ્તાઓ પર કે બીજે જ્યાં પણ લોકો મળે તેઓ સાથે વાત કરવાનું ઉત્તેજન આપવામાં આવ્યું. એ ઉપરાંત, મિત્રો, સગા સંબંધીઓ, વ્યાપારીઓ અને સાથી કામદારોને પણ પ્રચાર કરવાનું ઉત્તેજન આપવામાં આવ્યું. ભાઈ-બહેનોએ આ સલાહને ધ્યાનમાં લઈને જ્યાં પણ લોકો મળે ત્યાં પ્રચાર કર્યો. (માત્થી ૧૦:૧૧) શું આ પ્રયત્નોનું કંઈ પરિણામ આવ્યું? હા, ચોક્કસ આવ્યું છે! ચાલો આપણે અમુક અનુભવો જોઈએ.

સગા-સંબંધીઓ—આપણાં નજીકના પડોશીઓ

કેન્યાની રાજધાની નાઇરોબીમાં લગભગ ૩૦ લાખ લોકો રહે છે. શહેરની પૂર્વ તરફ લશ્કરના એક નિવૃત્ત ઑફિસર રહેતા હતા જેમને યહોવાહના સાક્ષીઓ ગમતા ન હતા. તેમ છતાં, તેમનો દીકરો યહોવાહનો સાક્ષી બન્યો હતો. એક વખત ફેબ્રુઆરીમાં એ નિવૃત્ત ઑફિસર લગભગ ૧૬૦ કિલોમીટર મુસાફરી કરીને નાકુરુમાં પોતાના દીકરાને ઘરે ગયા. આ મુલાકાત દરમિયાન, તેમના દીકરાએ તેમને જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે, * પુસ્તક ભેટ આપ્યું. તેના પિતા એ ભેટ સ્વીકારીને ઘરે લઈ ગયા.

ઘરે પાછા આવીને નિવૃત્ત ઑફિસરે એ પુસ્તક પોતાની પત્નીને આપ્યું. તેમની પત્નીએ વાંચવાનું શરૂ કર્યું, પણ તે જાણતી ન હતી કે એ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે. ધીરે ધીરે બાઇબલ સત્ય તેના હૃદયમાં પહોંચવા લાગ્યું. તેથી તે પોતાના પતિને પણ એ વિષે જણાવવા લાગી. તેના પતિ જિજ્ઞાસુ હોવાથી તેમણે પણ એ પુસ્તક વાંચવાનું શરૂ કર્યું. તેઓને જ્યારે જાણવા મળ્યું કે એ પુસ્તકના પ્રકાશક કોણ છે ત્યારે, તેઓને ખબર પડી કે ખરેખર તેઓને યહોવાહના સાક્ષીઓ વિષે સત્ય જણાવવામાં આવ્યું નથી. તેથી તેમણે સ્થાનિક સાક્ષીઓનો સંપર્ક સાધ્યો અને બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. એ પુસ્તક વાંચીને તેઓને સમજાયું કે કોઈ પણ ખ્રિસ્તીએ તમાકું વેચવી જોઈએ નહિ કે એનો ઉપયોગ પણ કરવો નહિ. (માત્થી ૨૨:૩૯; ૨ કોરીંથી ૭:૧) તેથી અચકાયા વિના તેમણે પોતાની દુકાનમાંથી બધી જ સિગારેટનો નાશ કર્યો. થોડા મહિનાઓ પછી તેઓ બાપ્તિસ્મા ન પામેલા પ્રચારકો બન્યા અને થોડા સમય પછી તેઓએ મહાસંમેલનમાં બાપ્તિસ્મા લીધું.

કચરાપેટીમાંથી જીવનની આશા મળી

રાજધાનીના કેટલાક ભાગોમાં છૂટાછવાયાં ગામડાંઓ છે, જ્યાં લાખો લોકો રહે છે. તેઓના મોટા ભાગનાં ઘરો માટી, લાકડું અને તેના છાપરા પતરાથી બાંધેલાં હોય છે જે એક લાઇનમાં જોવા મળે છે. કારખાનાઓમાં કામ ન મળે ત્યારે, લોકો કંઈને કંઈ કામ શોધી કાઢે છે. જુઆ કાલી (સ્વાહીલી ભાષામાં “ધગધગતો તાપ”)માં મજૂરો જૂના ટાયરોમાંથી સેંડલ અથવા પતરાના ડબલાઓમાંથી કેરોસીનના દીવા બનાવે છે. બીજાઓ કચરાના ઢગલામાંથી કાગળ, લોખંડના ડબ્બાઓ અને બૉટલો વીણતા હોય છે જેથી એમાંથી તેઓ અન્ય કંઈક વસ્તુ બનાવી શકે.

શું કચરાપેટી સારું ફળ આપી શકે? હા! એક ભાઈ કહે છે: “વિખરાયેલા વાળવાળો મજબૂત બાંધાનો એક માણસ જૂના પેપરો તથા મેગેઝિનોથી ભરેલો પ્લાસ્ટિકનો કોથળો લઈને સંમેલન હૉલના કંપાઉન્ડમાં આવ્યો. પોતાનું નામ વિલ્યમ છે એમ કહ્યા પછી તેણે મને પૂછ્યું: ‘શું તમારી પાસે ચોકીબુરજના તાજેતરના અંકો છે? હું એકદમ વિચારમાં પડી ગયો કે આ માણસ એનું શું કરશે? મેં તેને મેગેઝિનની પાંચ પ્રતો બતાવી ત્યારે તેણે બધી પ્રતોને વારાફરતી જોઈને કહ્યું: ‘હું આ બધી જ લઈ જઉં છું.’ મને ઘણું આશ્ચર્ય થયું. તેથી હું રૂમમાં ફરી ગયો અને તમે પારાદેશ પૃથ્વી પર હંમેશ માટે જીવી શકો પુસ્તક લઈને પાછો ફર્યોં. * મેં તેને ન્યાયી નવી દુનિયાનું ચિત્ર બતાવ્યું અને સમજાવ્યું કે, અમે લોકો સાથે મફત બાઇબલનો અભ્યાસ કરીએ છીએ. પછી મેં તેને પૂછ્યું: ‘વિલ્યમ, કેમ નહિ કે આપણે કાલથી જ બાઇબલ અભ્યાસ શરૂ કરી દઈએ?’ તે રાજી થઈ ગયો.

“એક રવિવારે વિલ્યમ પ્રથમ વાર સભામાં આવ્યો. ત્યારે હું જાહેર વાર્તાલાપ આપી રહ્યો હતો. તેણે રાજ્યગૃહમાં આવીને શ્રોતાઓ તરફ અને મારી તરફ જોયું, પછી ઝડપથી રાજ્યગૃહની બહાર જતો રહ્યો. પછીથી મેં તેને એનું કારણ પૂછ્યું ત્યારે, તેણે શરમાઈને કહ્યું: ‘ત્યાં લોકો એકદમ ચોખ્ખા હોવાથી મને શરમ આવતી હતી.’

“વિલ્યમે અભ્યાસમાં પ્રગતિ કરી તેમ, બાઇબલ સત્યથી તેના જીવનમાં સુધારો થવા લાગ્યો. હવેથી તે સરસ નાહીને સ્વચ્છ કપડાં પહેરવા લાગ્યો, એટલું જ નહિ પરંતુ તેણે વાળ પણ કપાવ્યા હતા. વળી, જલદી જ તેણે નિયમિત સભાઓમાં પણ આવવાનું શરૂ કર્યું. જ્યારે જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે, પુસ્તક બહાર પડ્યું ત્યારે અમે એમાંથી તેની સાથે અભ્યાસ કરવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન તેણે બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક તરીકે દેવશાહી સેવા શાળામાં બે વાર વાર્તાલાપ આપ્યો. તેણે ખાસ સંમેલન દિવસે બાપ્તિસ્મા લીધું ત્યારે તેને મારા આત્મિક ભાઈ તરીકે આવકારવામાં મને ઘણો આનંદ થયો.”

પરંતુ વિલ્યમે ચોકીબુરજ સૌ પ્રથમ ક્યાં જોયું હશે? “મને અમુક અંકો કચરાપેટીના ઢગલામાંથી મળ્યા હતા.” આપણે ધારી પણ ન શકીએ કે કચરાપેટીમાંથી જીવનની આશા મળી શકે!

નોકરીના સ્થળે પ્રચાર

નોકરીના સ્થળે પ્રચાર કરવાની તક મળે ત્યારે શું આપણે એનો લાભ લઈએ છીએ? નાઇરોબી મંડળના જેમ્સ નામના એક વડીલને આ રીતે જ બાઇબલ સત્ય મળ્યું હતું, હવે તે પણ આ રીતે બીજાઓને સંદેશો પહોંચાડવામાં અનુભવી થઈ ગયા છે. દાખલા તરીકે, એક વખત જેમ્સે જોયું કે તેમની સાથે કામ કરતો ઑફિસનો એક સહકર્મચારી, “ઈસુ બચાવે છે” એવાં લખાણવાળો બિલ્લો પહેરીને આવ્યો હતો. સુવાર્તિક ફિલિપની જેમ જેમ્સે તેને પૂછ્યું: ‘તમે જાણો છો કે આ શબ્દોનો શું અર્થ થાય છે?’ (પ્રેરિતોનાં કૃત્યો ૮:૩૦) એ પ્રશ્નને કારણે સારી ચર્ચાની શરૂઆત થઈ. પછી બાઇબલ અભ્યાસ શરૂ થયો અને એ વ્યક્તિએ બાપ્તિસ્મા લીધું. શું જેમ્સને બીજાઓને સત્ય જણાવવામાં વધું સફળતા મળી? તે જણાવે છેઃ

“ટોમ અને હું એક જ કંપનીમાં કામ કરતા હતા. અમે કંપનીની બસમાં હંમેશા સાથે મુસાફરી કરતા. એક સવારે અમે બંને સાથે બેઠા હતા ત્યારે, હું આપણું એક પુસ્તક વાંચતો હતો. મેં એ પુસ્તક એવી રીતે રાખ્યું જેથી ટોમ પણ એમાંથી જોઈ શકે. મારા ધાર્યા પ્રમાણે તેનું ધ્યાન મારા પુસ્તક પર ગયું અને મેં તેને એ પુસ્તક આપ્યું. તેણે પુસ્તકમાંથી જે વાંચ્યું એનાથી ઘણો જ પ્રભાવિત થયો. પછી તેણે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. હવે તે અને તેની પત્ની યહોવાહના સાક્ષી છે.”

જેમ્સે આગળ કહ્યું: “નિયમિત રીતે અમારી કંપનીમાં બપોરની રીશેષમાં રસપ્રદ વાતો થતી હોય છે. એવા સમયમાં હું અલગ અલગ પ્રસંગોએ એફ્રાઈમ અને વૉલ્ટરને મળ્યો હતો. તે બંને જાણતા હતા કે હું એક યહોવાહનો સાક્ષી છું. એફ્રાઈમ એ જાણવા ઇચ્છતો હતો કે શા માટે યહોવાહના સાક્ષીઓ પર આટલી સતાવણી થાય છે. વૉલ્ટરને પ્રશ્ન હતો કે બીજા ધર્મો અને યહોવાહના સાક્ષીઓ વચ્ચે શું ફરક છે? તેઓ બંનેને મારા શાસ્ત્રીય જવાબોથી સંતોષ થયો અને બાઇબલ અભ્યાસ માટે સહમત થયા. એફ્રાઈમે ઝડપથી પ્રગતિ કરી. સમય જતા, તે અને તેની પત્ની યહોવાહના સાક્ષીઓ બન્યા. હવે એફ્રાઈમ વડીલ તરીકે મંડળમાં સેવા આપે છે. તેમની પત્ની નિયમિત પાયોનિયર છે. બીજી બાજુ, વૉલ્ટરની ખૂબ સતાવણી થઈ હોવાથી તેણે પોતાનું અભ્યાસ પુસ્તક ફેંકી દીધું. તોપણ, મારા સતત પ્રયત્નોને કારણે તેણે ફરીથી બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. હવે તે પણ એક વડીલ તરીકે સેવા કરવાના લહાવાનો આનંદ માણે છે.” જેમ્સે નોકરીના સ્થળે પ્રચાર કરવાની તક મળી ત્યારે એનો લાભ લીધો. એના પરિણામે ૧૧ લોકો યહોવાહના સાક્ષી બન્યા.

એક આશ્ચર્યકારક બનાવ

વિક્ટોરિયા સરોવરના કિનારે એક નાના ગામડામાં મિત્રો અને સગાઓ દફનવિધિ માટે ભેગા થયા હતા. વિલાપ કરનારાઓ મધ્યે એક વૃદ્ધ યહોવાહના સાક્ષી ભાઈ પણ હતા. તેમણે શાળાની એક શિક્ષિકા, ડોલીને મરણ પછી શું થાય છે અને યહોવાહ હંમેશ માટે મરણ કાઢી નાખશે એ વિષે સમજાવ્યું. શિક્ષિકા ધ્યાનથી સાંભળે છે એ જોઈને તેમણે તેને ખાતરી આપી: “તમે તમારા વતન પાછા ફરશો ત્યારે, અમારા એક મિશનરિ તમને મળશે અને બાઇબલ સત્ય શીખવશે.”

ડોલીનું વતન કેન્યાના મોટા શહેરોમાં ત્રીજા સ્થાને હતું. ત્યાં ફક્ત ચાર મિશનરિઓ સેવા આપી રહ્યા હતા. વૃદ્ધ ભાઈએ એક પણ મિશનરિને ડોલી વિષે જણાવ્યું ન હતું. પરંતુ તેમને પાક્કો વિશ્વાસ હતો કે કોઈક તો ડોલીને મળશે. જોકે એમ જ થયું! ફક્ત થોડા જ દિવસોમાં એક મિશનરિ બહેન ડોલીને મળ્યા અને અભ્યાસ શરૂ કર્યો. હવે ડોલી અને તેના બે પુત્રો બાપ્તિસ્મા પામેલા છે. તેમ જ તેની પુત્રીએ દેવશાહી સેવા શાળામાં નામ પણ નોંધાવ્યું છે. વળી, ડોલીએ પાયોનિયર શાળામાં જઈને એનો પણ આનંદ માણ્યો.

પ્રગતિને પહોંચી વળવું

જ્યાં પણ લોકો મળે ત્યાં પ્રચાર કરવાથી કેન્યામાં હજારો લોકોએ રાજ્યનો સંદેશો સાંભળ્યો છે. આ કાર્યમાં હવે ૧૫,૦૦૦ કરતાં પણ વધારે ભાઈબહેનો ભાગ લે છે. ગયા વર્ષે સ્મરણપ્રસંગમાં ૪૧,૦૦૦ કરતાં વધારે લોકોએ હાજરી આપી હતી. કેન્યામાં દરેક સ્થળે સભાની હાજરી રાજ્ય પ્રચારકો કરતાં બમણી હોય છે. આ કારણે વધારે રાજ્યગૃહોની જરૂર ઊભી થઈ છે.

રાજ્યગૃહો ફક્ત શહેરમાં જ નહિ પરંતુ ગામડાંઓમાં પણ બાંધવામાં આવી રહ્યાં છે. એમાંથી એક રાજ્યગૃહ ઉત્તર-પૂર્વે નાઇરોબીથી લગભગ ૩૨૦ કિલોમીટર દૂર સાંભારુ શહેરમાં છે. વર્ષ ૧૯૩૪માં ત્યાં પ્રથમ વાર પતરાના છાપરાવાળું મકાન બાંધવામાં આવ્યું હતું. એનું છાપરું સૂર્યથી પ્રકાશતું હોવાથી એ શહેરનું નામ “મારાલા” પાડવામાં આવ્યું જેનો અર્થ સંભારુ ભાષામાં “ચળકાટ” થાય છે. બાસઠ વર્ષ પછી હવે પતરાના છાપરાવાળું બીજું એક મકાન બાંધવામાં આવ્યું. એમાં પણ આત્મિક રીતે “ચળકાળ” આવે છે, કારણ કે ત્યાં હવે શુદ્ધ ઉપાસના થાય છે.

કેન્યાના ગ્રામ્ય વિસ્તારમાં સૌ પ્રથમ રાજ્યગૃહ બાંધવા માટે ૧૫ પ્રકાશકોએ ઘણા પ્રયત્નો કર્યા હતા. પૈસાની અછત હોવાથી ભાઈઓએ સ્થાનિક સામગ્રી પર આધાર રાખવાનો હતો. તેઓએ સીધા થાંભલા ઊભા કર્યા અને એની વચ્ચે લાલ માટી ભરીને દીવાલ ઊભી કરી. પછી છાણ અને રાખથી દીવાલને લીંપવામાં આવી જેથી એ વર્ષો સુધી ટકી શકે.

મકાનના થાંભલા ઊભા કરવા માટે ભાઈઓએ વૃક્ષો કાપવાની પરવાનગી લીધી. પરંતુ સૌથી નજીકનું જંગલ પણ લગભગ ૧૦ કિલોમીટર જેટલું દૂર હતું. તોપણ ભાઈબહેનો ચાલીને જંગલમાં વૃક્ષો કાપવા ગયા જેથી ત્યાં જ એની સાફસફાઈ કરીને બાંધકામની જગ્યાએ લાવી શકાય. એક વખત પાછા ફરતી વખતે તેઓને પોલીસે રોક્યા. પોલીસનું કહેવું હતું કે તેઓ પરવાનગી વિના વૃક્ષો કાપે છે. પછી પોલીસે એક ખાસ પાયોનિયરને કહ્યું કે ગેરકાયદેસર વૃક્ષો કાપવા બદલ તેમની ધરપકડ કરવામાં આવે છે. પરંતુ, એક સ્થાનિક બહેને કે જેમને ત્યાંની પોલીસ અને લોકો સારી રીતે ઓળખતા હતા, હિંમતપૂર્વક તેઓને જણાવ્યું: “તમે અમારા ભાઈની ધરપકડ કરો તો, અમારી પણ કરો, કેમ કે અમે બધાએ ભેગા મળીને વૃક્ષો કાપ્યા છે!” છેવટે પોલીસે તેઓને જવા દીધા.

જંગલમાં ઘણા જંગલી પ્રાણીઓ હોવાથી ત્યાં જવું ખતરાથી ખાલી ન હતું. એક દિવસે એક બહેને વૃક્ષ કાપ્યું. વૃક્ષ જમીન પર પડ્યું ત્યારે, એના અવાજથી એક પ્રાણી કૂદીને ભાગ્યું. પીળા ભૂરા રંગના એ પ્રાણીને ભાગતાં જોઈને બહેને વિચાર્યું કે એ હરણ હશે. પરંતુ પગની છાપ પરથી ખબર પડી કે એ તો સિંહ હતો! આવા ખતરાઓ હોવા છતાં, ભાઈઓએ હૉલ બાંધ્યો જે હવે યહોવાહની સ્તુતિ કરતો “ચળકી” રહ્યો છે.

ફેબ્રુઆરી ૧, ૧૯૬૩નો દિવસ, કેન્યાના યહોવાહના સાક્ષીઓ માટે ખાસ મહત્ત્વનો હતો. એ દિવસે કેન્યાની પ્રથમ શાખા ખોલવામાં આવી હતી. એ શાખાની ઑફિસ ૭.૪ ચોરસ મીટરની હતી. ઑક્ટોબર ૨૫, ૧૯૯૭ પણ કેન્યા માટે ખાસ દિવસ હતો. એ દિવસે ૭,૮૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલા નવા બેથેલનું ઉદ્‍ઘાટન હતું. એ માટે આપણા ભાઈઓએ ત્રણ વર્ષ સખત મહેનત કરી હતી. જુદા જુદા દેશોના ૨૫ સ્વયંસેવકોએ કાદવ-કીચડવાળી ૭.૮ એકર જમીનને સુંદર બગીચા જેવી બનાવી દીધી હતી. પછી એના પર ૮૦ સભ્યો રહી શકે એવું નવું બેથેલગૃહ બાંધવામાં આવ્યું.

યહોવાહે પોતાના લોકો માટે જે કર્યું છે એ માટે આપણે કેટલા આનંદિત થવું જોઈએ! યહોવાહનો ઘણો જ આભાર, કે તેમણે જુદી જુદી રીતોએ કેન્યામાં લોકોને સુસમાચાર સંભળાવીને રસ ધરાવતા લોકોને શોધવા પોતાના સેવકોના હૃદયને ઉશ્કેર્યું. આમ કરવાથી કેન્યા ધાર્મિક રીતે પણ સૌંદર્ય પ્રધાન દેશ બન્યો છે.

[ફુટનોટ]

^ વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત.

^ વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત.