સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમારું વર્તન તમારા વિષે શું કહે છે?

તમારું વર્તન તમારા વિષે શું કહે છે?

તમારું વર્તન તમારા વિષે શું કહે છે?

તમે બીજાઓ સાથે વાતચીત કરો છો ત્યારે, તમારા હાવભાવ, વલણ તેમ જ ટેવો તમારા વર્તનમાં દેખાય આવે છે. પરંતુ આપણા વર્તન પરથી શું જાણી શકાય? શું એમાં માન, નમ્રતા અને આનંદ જોવા મળે છે કે પછી ગુસ્સો અને ચીડ જોવા મળે છે? બાઇબલમાં હાવભાવ, વલણ તેમ જ ટેવો વિષે અસંખ્ય ઉદાહરણો જોવા મળે છે જે ઘણા મહત્ત્વના હતા. જોકે અમુક દેશોના લોકો પોતાની લાગણીઓ વ્યક્ત કરવામાં બીજાઓ કરતાં વધારે નિખાલસ કે શરમાળ પણ હોય શકે. પરંતુ બાઇબલના સમયમાં લોકોનું વલણ કેવું હતું એ જોવાથી આપણે ઘણું શીખી શકીએ.

આદરણીય વર્તન

યહોવાહને પ્રાર્થના કરવી એક લહાવો છે અને એમાં આપણે યોગ્ય આદરણીય વલણ બતાવવું જોઈએ. હેબ્રીઓ અને શરૂઆતના ખ્રિસ્તીઓ પાસે એવા કોઈ નિયમો ન હતા કે પ્રાર્થના કરતી વખતે કઈ રીતે બેસવું, હાથ જોડવા કે નહિ. પરંતુ એ યોગ્ય રીતો હતી. ઊભા રહેવું કે ઘૂંટણે પડવું એ સામાન્ય રીત હતી. દેખીતી રીતે જ ઈસુએ પોતાના બાપ્તિસ્મા પછી ઊભા રહીને, તેમ જ ગેથસેમાના બાગમાં ઘૂંટણિયે પડીને પ્રાર્થના કરી હતી. (લુક ૩:૨૧, ૨૨; ૨૨:૪૧) ઊભા રહેવું કે ઘૂંટણિયે પડવું, આકાશ તરફ હાથ ફેલાવવા કે હાથ ઊંચા કરવા એ વિનંતી કરવાને બતાવે છે. એક વ્યક્તિ પોતાની આંખો કે ચહેરો આકાશ તરફ ફેરવીને પ્રાર્થના કરી શકે.—નહેમ્યાહ ૮:૬; માત્થી ૧૪:૧૯; અયૂબ ૨૨:૨૬.

કેટલાક લોકો ઘૂંટણિયે પડીને, એડી પર બેસીને કે માથું નમાવીને અથવા એલીયાહે કર્યું તેમ, જમીન પર નીચા નમીને પોતાનું મુખ પોતાના ઘૂંટણો વચ્ચે રાખીને પ્રાર્થના કરતા હોય શકે. (૧ રાજા ૧૮:૪૨) અમુક વ્યક્તિ ઘણી ઉદાસ હોય ત્યારે અથવા, અતિશય લાગણીશીલ બનીને ભૂમિ પર લાંબા થઈને પણ પ્રાર્થના કરી શકે. તેમ છતાં, ઈસુએ સ્પષ્ટ કર્યું કે પ્રાર્થના ખરા દિલથી કરવી જોઈએ. પરંતુ ઢોંગી બનીને દેખાડો કરનારને તે ધિક્કારે છે.

પૂર્વીય દેશોના લોકો બીજાઓને માન આપવા, ખાસ કરીને અધિકારીઓને અરજ કરતી વખતે પ્રાર્થના જેવું વલણ બતાવતા હતા. બીજાઓને અરજ કરતી વખતે ઘૂંટણે પડ્યાના આપણને ઘણા ઉદાહરણો જોવા મળે છે. એ એમ નથી બતાવતું કે એનાથી વ્યક્તિને પૂજવામાં આવે છે. પરંતુ એ બતાવે છે કે વ્યક્તિ ઊંડા માનથી બીજાની સત્તાને સ્વીકારે છે. (માત્થી ૧૭:૧૪) આપણે બીજાઓને માન આપવા વિષે બાઇબલમાંથી ઘણું બધુ શીખી શકીએ.

નમ્ર વલણ

પ્રાચીન સમયમાં બીજી વ્યક્તિના જોડાંની વાધરી છોડવી કે તેમના જોડાં ઊંચકવાને હલકું કામ ગણવામાં આવતું હતું. જોકે એમ કરવાથી વ્યક્તિની નમ્રતા પણ દેખાય આવતી. એનાથી ચાકર અને માલિક વચ્ચેનો સ્પષ્ટ તફાવત જોવા મળતો. જમ્યા પછી, વ્યક્તિના હાથ પર પાણી રેડવું કે પગ ધોવા એ પરોણાગત, માન અને અમુક વ્યવહારમાં નમ્રતા બતાવતું હતું. એલીશા, “એલીયાહના હાથ પર પાણી રેડનારો હતો” એના પરથી આપણે જોઈ શકીએ છીએ કે તે એક સેવક હતા. (૨ રાજા ૩:૧૧) ખરેખર તેમના વલણ પરથી દેખાય આવતું હતું કે તે નમ્ર હતા. પૂર્વીય દેશોની જેમ, નમ્રતાનો બોધપાઠ શીખવવા અને એકબીજાની સેવા કરવાનું સુંદર ઉદાહરણ બેસાડવા, ઈસુએ પોતાના શિષ્યોના પગ ધોયા.—યોહાન ૧૩:૩-૧૦.

વ્યક્તિએ કસીને કમર બાંધી હોય તો, એ બતાવતું હતું કે તે હવે નમ્રભાવથી સેવા કરવા તૈયાર છે. પ્રાચીન સમયમાં લોકો પોતાનાં લાંબા વસ્ત્રોને પટ્ટા કે કમરબંધથી કમરે કસીને બાંધતા, જેથી કામ કરતા કે દોડવામાં અડચણ ન પડે. એના ઘણાં ઉદાહરણો બાઇબલમાં પણ જોવા મળ્યા છે. સહમતીમાં, સાથે મળીને કામ કરવામાં કે સાથે સહભાગી થવામાં, હાથ મીલાવીને કે વ્યક્તિનો હાથ પકડીને નમ્રતા બતાવવામાં આવતી હતી. (ગલાતી ૨:૯) આજે પણ ભાઈઓને આનંદથી હાથ મિલાવતા જોવા એ કેટલું ઉત્તેજન આપનારું છે!

શોક, શરમ અને ગુસ્સો

યહોવાહના પ્રાચીન સમયના સેવકો પોતાની લાગણીઓ ખુલ્લી રીતે બતાવતા હતા. તેઓ ધૂળ કે રાખને માથા પર નાંખીને, કપડાં ફાડીને, તાટ પહેરીને, રડીને, વિલાપ કરતા, ઉદાસ ચહેરે જમીન પર બેસીને શોક બતાવતા. (અયૂબ ૨:૧૨, ૧૩; ૨ શમૂએલ ૧૩:૧૯) તેઓ પોતાના માથાના કે દાઢીના વાળ કાપીને કે ખેંચી કાઢીને, પોતાના માથા પર હાથ રાખીને પણ શોક અને શરમ બતાવતા હતા. (એઝરા ૯:૩; એસ્તેર ૬:૧૨; યિર્મેયાહ ૨:૩૭) કેટલાક માનતા હતા કે પોતાના માથા પર હાથ રાખીને બેસનારા લોકો પર પરમેશ્વરનો શાપ હતો. પરંતુ સાચા ઉપાસકો સાચા દિલથી દુઃખ કે શરમ વ્યક્ત કરતા હતા.

ઉપવાસ કરીને પણ લોકો શોક અને પસ્તાવો બતાવતા હતા. (૨ શમૂએલ ૧:૧૨; યોએલ ૧:૧૩, ૧૪) ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, ઢોંગીઓ ઉપવાસ કરીને દુઃખી ચહેરો બનાવતા અને પોતાને “પવિત્ર” બતાવતા હતા. તેમ છતાં, ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે તેઓ ઉપવાસ કરે ત્યારે માથા પર તેલ લગાવે અને મોં ધુએ, કારણ કે એમ કરવાથી લોકોને ખબર પડશે નહિ કે તેઓએ ઉપવાસ કર્યો છે. કેમ કે પિતા બાહ્ય દેખાવ નહિ પરંતુ હૃદય જુએ છે. (માત્થી ૬:૧૬-૧૮) ખ્રિસ્તીઓ કેટલીક વાર આત્મિક બાબતો પર વધારે ધ્યાન આપવા માટે ઉપવાસ કરતા હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૨, ૩.

સામાન્ય રીતે, શબ્દો સાથે વિવિધ હાવભાવ જોવા મળે છે, જેમ કે બીજાઓ પ્રત્યે ધૃણા કે ગુસ્સો બતાવવો, દુશ્મનનું અપમાન કરવું કે બીજાને ઠપકો આપવો. ઘણા લોકો મોં મચકોડીને, માથું કે હાથ હલાવીને, તાળીઓ પાડીને, લાફો મારીને, ધૂળ નાખીને અને નાચીને પોતાનું વર્તન બતાવતા હતા. (હઝકીએલ ૨૫:૬; ગીતશાસ્ત્ર ૨૨:૭; સફાન્યાહ ૨:૧૫; માત્થી ૫:૩૯; ૨ શમૂએલ ૧૬:૧૩) એમ કરીને તેઓ હરીફ, દુશ્મનો કે વિરોધીઓ પર દુઃખ આવી પડતું ત્યારે આનંદ બતાવતા હતા. ખ્રિસ્તીઓએ પાપ કર્યું હોય તો, તેઓ દુઃખ વ્યક્ત કરે ત્યારે પોતાના વલણમાં શરમ બતાવી શકે. પરંતુ પોતાના વર્તનમાં અતિશય ગુસ્સો બતાવવાનું તેઓએ ટાળવું જોઈએ.

મિત્રતા અને આનંદ બતાવો

મધ્ય પૂર્વના દેશોમાં પ્રેમાળ મિત્રતા ચુંબન દ્વારા બતાવવામાં આવતી હતી. મોટા પ્રસંગોએ કોઈ વધુ લાગણીશીલ બની જતું ત્યારે, તેઓ એક બીજાને ગળે લાગીને ચુંબન કરતા અને તેઓની આંખોમાં આંસુ આવી જતા. (ઉત્પત્તિ ૩૩:૪; પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૭) ઈસુના સમયમાં ઘણા લોકો જમતી વખતે પોતાના મિત્રને અઢેલીને બેસતા હતા. બીજી વ્યક્તિની છાતીએ અઢેલીને બેસીને ખાવું એ ગાઢ મિત્રતા કે કૃપા બતાવતું હતું. (યોહાન ૧૩:૨૩, ૨૫) આ રિવાજના આધારે લુક ૧૬:૨૨, ૨૩નું સુંદર ઉદાહરણ આપવામાં આવ્યું હતું. બીજી વ્યક્તિની થાળીમાં તેની સાથે જમવું એ ગાઢ મિત્રતા બતાવતું હતું. પછી એ મિત્રને નુકશાન કરવું વિશ્વાસઘાત કરવા બરાબર હતું.—ગીતશાસ્ત્ર ૪૧:૯.

આનંદ બતાવવા તાળીઓ પાડવામાં આવતી અને નાચગાન પણ કરવામાં આવતો જેમાં ઘણી વાર સંગીત રહેતું હતું. દ્રાક્ષની કાપણી સમયે નાચવું અને ગાવું એ સુખ-શાંતિ અને આનંદને બતાવતું હતું. (ગીતશાસ્ત્ર ૪૭:૧; ન્યાયાધીશ ૧૧:૩૪; યિર્મેયાહ ૪૮:૩૩) આજે આખી પૃથ્વી પર યહોવાહના આનંદિત સેવકો ભાઈચારાનો આનંદ માણે છે. વળી, તેઓ ‘યહોવાહના આનંદને’ પોતાનો ગઢ બનાવીને ઉત્સાહપૂર્વક પરમેશ્વરની સ્તુતિના ગીતો ગાય છે.

ચાલવું અને દોડવું

“ચાલવું” શબ્દનો અર્થ થાય છે કે “નુહ દેવની સાથે ચાલતો” હતો તેમ, અમુક માર્ગને અનુસરવું. (ઉત્પત્તિ ૬:૯) જેઓ પરમેશ્વર સાથે ચાલે છે તેઓ તેમના માર્ગદર્શનને અનુસરે છે અને તેમનો આશીર્વાદ મેળવે છે. ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો, પરમેશ્વરના સેવક બન્યા એ પહેલાં અને એના પછીનો તફાવત બતાવવા આવા જ શબ્દોનો ઉપયોગ કરે છે. (એફેસી ૨:૨, ૧૦) એવી જ રીતે, “દોડવું” પણ લેવામાં આવેલા માર્ગદર્શનને બતાવે છે. પરમેશ્વરે કહ્યું કે યહુદાહના પ્રબોધકોને તેમણે મોકલ્યા ન હતા છતાં, તેઓ “દોડી ગયા;” અધિકાર ન હોવા છતાં, તેઓ ખોટી રીતે પોતે પ્રબોધક હોય એ રીતે વર્ત્યા હતા. પાઊલ ખ્રિસ્તી માર્ગને “દોડવા” સાથે સરખાવે છે. તેમણે દોડવીરનું ઉદાહરણ આપીને બતાવ્યું કે એક વ્યક્તિએ ઇનામ જીતવા માટે નિયમ પ્રમાણે જીવવું જ જોઈએ.—યિર્મેયાહ ૨૩:૨૧; ૧ કોરીંથી ૯:૨૪.

આપણા વર્તન પરથી ઘણું પારખી શકાય છે. આપણે હંમેશા આદરણીય અને નમ્ર, મૈત્રીપૂર્ણ અને આનંદી વલણ બતાવવું જોઈએ. ગુસ્સો કે ખીજ બતાવવી જોઈએ નહિ. આપણે પરમેશ્વર સાથે ચાલીએ છીએ તેમ, અનંતજીવનની દોડમાં સફળતાપૂર્વક ‘દોડી’ શકીશું.