યહોવાહની ઉપાસના કરતા તેમના લોકો
યહોવાહની ઉપાસના કરતા તેમના લોકો
“હું પ્રજાઓને શુદ્ધ હોઠો [“શુદ્ધ ભાષા,” NW] આપીશ, જેથી તેઓ યહોવાહના નામની વિનંતી કરીને એકમતે તેની સેવા કરે.”—સફાન્યાહ ૩:૯.
૧. શા માટે યહુદાહ અને બીજા દેશો પર વિનાશ આવી પડ્યો?
યહોવાહ પરમેશ્વરે પોતાના સેવક સફાન્યાહને ન્યાયનો કેવો મહત્ત્વનો સંદેશો કહેવા પ્રેરણા આપી! એ વિનાશનો સંદેશો યહુદાહ અને એના પાટનગર યરૂશાલેમ પર આવી પડ્યો, કેમ કે એના સર્વ આગેવાનો અને લોકો યહોવાહની ઇચ્છા પ્રમાણે ચાલતા ન હતા. પલિસ્તીઓ, મોઆબીઓ અને આમ્મોનીઓના દેશો પર પણ પરમેશ્વરનો કોપ આવી પડ્યો હતો. એનું કારણ એ હતું કે તેઓ લાંબા સમયથી યહોવાહના લોકોનો સખત વિરોધ કરી રહ્યા હતા. એ જ કારણથી જગત સત્તા આશ્શૂરનો પણ નાશ થઈને, તેનું નામોનિશાન મટી જવાનું હતું.
૨. સફાન્યાહ ૩:૮ કોને લાગુ પડે છે?
૨ તેમ છતાં, અગાઉના યહુદાહમાં યહોવાહના કેટલાક સાચા સેવકો પણ હતા. તેઓ રાહ જોઈ રહ્યા હતા કે દુષ્ટો પર યહોવાહનો ન્યાય આવે, જેઓને આ શબ્દો લાગુ પડતા હતા: “યહોવાહ કહે છે, કે હું નાશ કરવાને ઊભો થાઉં તે દિવસ સુધી તમે મારી વાટ જુઓ; કેમકે પ્રજાઓને એકઠી કરવાનો મેં નિર્ણય કર્યો છે, જેથી હું રાજ્યોને ભેગાં કરીને મારો સર્વ ક્રોધ, હા, મારો સર્વ સખત કોપ તેમના પર રેડું; કેમકે આખી પૃથ્વી મારા આવેશના અગ્નિથી ભસ્મ થશે.”—સફાન્યાહ ૩:૮.
“શુદ્ધ ભાષા” કોના માટે?
૩. સફાન્યાહને આશાનો કયો સંદેશો આપવા પ્રેરણા મળી?
૩ સફાન્યાહે યહોવાહે આપેલો વિનાશનો સંદેશો જાહેર કર્યો. પરંતુ આ પ્રબોધકને આશાનો સંદેશો જણાવવાની પ્રેરણા પણ મળી. એ સંદેશો યહોવાહને વિશ્વાસુ રહેનારાઓને ખૂબ દિલાસો આપશે. સફાન્યાહ ૩:૯ પ્રમાણે યહોવાહ પરમેશ્વરે જાહેર કર્યું: “તે વખતે હું પ્રજાઓને શુદ્ધ હોઠો [“શુદ્ધ ભાષા,” NW] આપીશ, જેથી તેઓ યહોવાહના નામની વિનંતી કરીને એકમતે તેની સેવા કરે.”
૪, ૫. (ક) અન્યાયીઓનું શું થશે? (ખ) કોણ એમાંથી લાભ મેળવશે અને શા માટે?
૪ જોકે, બધાને શુદ્ધ ભાષા આપવામાં આવશે નહિ. ભવિષ્યવાણી તેઓ વિષે કહે છે: “હું તારામાંથી અભિમાની તથા ગર્વિષ્ઠ માણસોને દૂર કરીશ.” (સફાન્યાહ ૩:૧૧) આમ, જેઓને પરમેશ્વરના નિયમો ગમતા નથી અને જેઓ અન્યાયી છે, તેઓને દૂર કરવામાં આવશે. એમાંથી કોણ બચી જશે? સફાન્યાહ ૩:૧૨, ૧૩ બતાવે છે: “હું [યહોવાહ] તારામાં દુઃખી તથા ગરીબ લોકને રહેવા દઈશ, ને તેઓ યહોવાહના નામ પર વિશ્વાસ રાખશે. ઈસ્રાએલના બચી રહેલા લોકો અન્યાય કરશે નહિ, તેમ જૂઠું બોલશે નહિ; અને તેમના મુખમાં કપટી જીભ માલૂમ પડશે નહિ; કેમકે તેઓ ખાશે, ને નિરાંતે સૂશે, ને કોઈ તેમને બીવડાવશે નહિ.”
૫ પ્રાચીન યહુદાહમાંના બાકી રહેલા વિશ્વાસુ લોકોને એમાંથી લાભ મળશે. કેમ કે તેઓએ યહોવાહની આજ્ઞા પાળી હતી: “હે પૃથ્વીના નમ્ર માણસો, તમે યહોવાહના હુકમોનો અમલ કર્યો છે, માટે તમે તેને શોધો; નેકીનો માર્ગ શોધો, નમ્રતા શોધો: કદાચિત યહોવાહના કોપને દિવસે તમને સંતાઈ રહેવાનું સ્થાન મળે.”—સફાન્યાહ ૨:૩.
૬. સફાન્યાહની ભવિષ્યવાણીની પ્રથમ પરિપૂર્ણતામાં શું બન્યું?
૬ પરમેશ્વરે યહુદાહના અવિશ્વાસી લોકોને શિક્ષા કરી ત્યારે, સફાન્યાહની ભવિષ્યવાણીની પહેલી પરિપૂર્ણતા થઈ. કેવી રીતે? યહોવાહે ૬૦૭ બી.સી.ઈ.માં જગત સત્તા બાબેલોનને યહુદાહ પર ચઢી આવવા દીધું અને એના લોકોને બંદીવાન બનવા દીધા. પરંતુ પ્રબોધક યિર્મેયાહ અને બંદીવાસમાં પણ યહોવાહને વિશ્વાસુ રહેનારા લોકોને બચાવી લેવાયા. રાજા કોરેશની આગેવાની હેઠળ માદી અને ઈરાનીઓએ ૫૩૯ બી.સી.ઈ.માં બાબેલોન ઉથલાવી પાડ્યું. લગભગ બે વર્ષ પછી, કોરેશે એવો હુકમ બહાર પાડ્યો, જેનાથી બાકી રહેલા યહુદીઓ પોતાના વતનમાં પાછા જઈ શક્યા. સમય જતાં, યરૂશાલેમનું મંદિર ફરી બાંધવામાં આવ્યું અને યાજકો ફરીથી લોકોને નિયમશાસ્ત્રનું શિક્ષણ આપવા લાગ્યા. (માલાખી ૨:૭) તેથી યહોવાહે પાછા ફરેલા યહુદીઓ જ્યાં સુધી વિશ્વાસુ રહ્યાં, ત્યાં સુધી તેઓને આશીર્વાદ આપ્યો.
૭, ૮. સફાન્યાહ ૩:૧૪-૧૭ની ભવિષ્યવાણી કોને લાગુ પડે છે અને શા માટે આપણે એમ કહીએ છીએ?
૭ એ આશીર્વાદોનો આનંદ માણનારા યહુદીઓ વિષે સફાન્યાહે ભાખ્યું: “હે સિયોનની પુત્રી, ગાયન કર; હે ઈસ્રાએલ, હર્ષના પોકાર કર; હે યરૂશાલેમની પુત્રી, તારા ખરા અંતઃકરણથી આનંદ કર તથા હરખા. યહોવાહે ન્યાયની રૂએ તને કરેલી શિક્ષાનો અંત આણ્યો છે, તેણે તારા શત્રુને હાંકી કાઢ્યો છે; ઈસ્રાએલનો રાજા, એટલે યહોવાહ, તારામાં છે; હવે પછી તને કંઈ પણ આપત્તિનો ડર લાગશે નહિ. તે દિવસે યરૂશાલેમને એમ કહેવામાં આવશે, કે તું બી મા; હે સિયોન, તારા હાથ ઢીલા ન પડો. તારો દેવ યહોવાહ તારામાં છે તે સમર્થ તારક છે; તે તારે માટે બહુ હરખાશે, તે તારા પરની તેની પ્રીતિમાં શાંત રહેશે, તે ગાતાં ગાતાં તારે માટે હર્ષ કરશે.”—સફાન્યાહ ૩:૧૪-૧૭.
૮ આ ભવિષ્યવાણી બાબેલોનના બંદીવાસમાંથી બચી ગયેલા અને પોતાના પૂર્વજોના દેશમાં પાછા ફરેલા યહુદીઓને લાગુ પડે છે. સફાન્યાહ ૩:૧૮-૨૦માં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે: “તારામાંના જેઓ મુકરર ઉત્સવને સારૂ દિલગીર છે તેઓને હું [યહોવાહ] ભેગા કરીશ; તારા ઉપરનો બોજો તેઓને મહેણારૂપ હતો. જુઓ, જેઓ તને દુઃખ દે છે તે સર્વની ખબર હું તે સમયે લઈશ; અને જે લંગડાય છે તેને હું બચાવીશ, ને જેને હાંકી કાઢવામાં આવી છે તેને હું પાછી લાવીશ; આખી પૃથ્વી પર જેઓની ઈજત ગઈ છે, તેઓને હું પ્રશંસનીય તથા નામીચા કરીશ. તે સમયે હું તમને અંદર લાવીશ, ને તે સમયે હું તમને ભેગા કરીશ; કેમકે, યહોવાહ કહે છે, જ્યારે હું તમારી નજર આગળ તમારી ગુલામગીરી ફેરવી નાખીશ, ત્યારે પૃથ્વીના સર્વ પ્રજાઓમાં હું તમોને પ્રશંસનીય તથા નામીચા કરીશ.”
૯. યહુદાહ સંબંધી યહોવાહે કઈ રીતે પોતાનું નામ મોટું મનાવ્યું?
૯ પરમેશ્વરના લોકોની આસપાસના દુશ્મન દેશોને એ જાણીને કેવી નવાઈ લાગી હશે! યહુદાહના લોકો શક્તિશાળી બાબેલોનના બંદીવાસમાં હતા અને તેઓના છુટકારાની કોઈ જ આશા ન હતી. વળી, તેઓનો દેશ પણ વેરાન થઈ ગયો હતો. તેમ છતાં, પરમેશ્વરની શક્તિથી ૭૦ વર્ષ પછી તેઓને તેઓના વતનમાં પાછા લાવવામાં આવ્યા, જ્યારે કે દુશ્મન દેશો પોતાના વિનાશ તરફ જઈ રહ્યા હતા. યહોવાહે પોતાના બાકી રહેલા વિશ્વાસુ લોકોને પાછા લાવીને પોતાનું નામ કેવું મોટું મનાવ્યું! તેમણે પોતાના લોકોને સર્વ પ્રજાઓમાં યશ અને કીર્તિ અપાવી. એનાથી યહોવાહ અને તેમના નામથી ઓળખાતા એ વિશ્વાસુ ભક્તોને કેવું માન મળ્યું!
યહોવાહની ઉપાસના
૧૦, ૧૧. યહોવાહની ઉપાસનાની મોટા પાયા પર ક્યારે સ્થાપના થશે અને શા માટે એમ કહી શકાય?
૧૦ પ્રથમ સદી સી.ઈ.માં ઈસુ ખ્રિસ્તે ઈસ્રાએલના બાકી રહેલાઓને સાચી ઉપાસના માટે ભેગા કર્યા ત્યારે, ફરીથી યહોવાહની ઉપાસના શરૂ થઈ. તોપણ, એ તો આવનાર બાબતોની માત્ર ઝલક હતી, કેમ કે હજુ ભાવિમાં યહોવાહની ઉપાસનાની સ્થાપના મોટા પાયા પર થવાની હતી. મીખાહની ભવિષ્યવાણી કહે છે કે, “પાછલા દિવસોમાં યહોવાહના મંદિરના પર્વતની સ્થાપના પર્વતોના શિખર પર થશે, ને તેને બીજા ડુંગરો કરતાં ઊંચો કરવામાં આવશે; અને લોકોનાં ટોળેટોળાં ત્યાં ચાલ્યાં આવશે.”—મીખાહ ૪:૧.
૧૧ એ ક્યારે બનશે? ભવિષ્યવાણી પ્રમાણે “પાછલા દિવસોમાં,” એટલે આ “છેલ્લા સમયમાં” એમ થશે. (૨ તીમોથી ૩:૧) આ દુષ્ટ જગતનો અંત આવે અને લોકો હજુ જૂઠા દેવોની ભક્તિ કરતા હશે, ત્યારે એ બનશે. મીખાહ ૪:૫ કહે છે, “સર્વ પ્રજાઓ પોતપોતાના દેવના નામ પર શ્રદ્ધા રાખીને ચાલે છે.” પરંતુ, સાચા ઉપાસકો વિષે શું? મીખાહની ભવિષ્યવાણી જવાબ આપે છે: “અમે સદાસર્વકાળ અમારા દેવ યહોવાહના નામ પર શ્રદ્ધા રાખીને ચાલીશું.”
૧૨. આ છેલ્લા દિવસોમાં કઈ રીતે સાચી ઉપાસનામાં વધારો થઈ રહ્યો છે?
૧૨ તેથી, આ છેલ્લા દિવસોમાં “યહોવાહના મંદિરના પર્વતની સ્થાપના પર્વતોના શિખર પર” થઈ છે. યહોવાહની સાચી ઉપાસનાની સ્થાપના ફરીથી થઈ છે અને બધા ધર્મો કરતાં એને ઊંચી મૂકવામાં આવી છે. મીખાહની ભવિષ્યવાણી પ્રમાણે, “લોકોનાં ટોળેટોળાં ત્યાં ચાલ્યાં આવશે.” તેમ જ, સાચો ધર્મ પાળનારાઓ, ‘સદાસર્વકાળ તેઓના દેવ યહોવાહના નામ પર શ્રદ્ધા રાખીને ચાલશે.’
૧૩, ૧૪. જગત “પાછલા દિવસોમાં” ક્યારે પ્રવેશ્યું અને ત્યારથી સાચી ઉપાસનામાં શું થઈ રહ્યું છે?
૧૩ બાઇબલ ભવિષ્યવાણી પૂરી થાય છે તેમ, બનાવો બતાવે છે કે આ જગત ૧૯૧૪થી છેલ્લા સમયના “પાછલા દિવસોમાં” આવી પહોંચ્યું છે. (માર્ક ૧૩:૪-૧૦) ઇતિહાસ પુરવાર કરે છે કે યહોવાહે સ્વર્ગની આશાવાળા અભિષિક્ત સેવકોમાંના બાકી રહેલાને સાચી ઉપાસનામાં ભેગા કરવાનું શરૂ કરી દીધું છે. એ પછી પૃથ્વી પર જીવવાની આશાવાળા “સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના” લોકોનું મોટું ટોળું પણ ભેગું કરવામાં આવી રહ્યું છે.—પ્રકટીકરણ ૭:૯.
૧૪ પહેલા વિશ્વયુદ્ધથી અત્યાર સુધી, યહોવાહના ઉપાસકો તેમના માર્ગદર્શન હેઠળ આગળ વધી રહ્યા છે. પહેલા વિશ્વયુદ્ધ પછી યહોવાહના ઉપાસકો ફક્ત અમુક હજાર હતા. એમાંથી વધીને હવે લગભગ ૨૩૫ દેશોમાં કંઈક ૯૧,૦૦૦ મંડળોમાં ૬૦ લાખ કરતાં વધારે ભેગા થયા છે. દર વર્ષે, આ ઉપાસકો પરમેશ્વરના રાજ્યનો પ્રચાર કરવામાં કરોડો કલાક આપી રહ્યા છે. આમ, એ સ્પષ્ટ છે કે યહોવાહના સાક્ષીઓ ઈસુની આ ભવિષ્યવાણી પૂરી કરી રહ્યા છે: “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારૂ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.”—માત્થી ૨૪:૧૪.
૧૫. હમણાં સફાન્યાહ ૨:૩ના શબ્દો કઈ રીતે પૂરા થઈ રહ્યા છે?
૧૫ સફાન્યાહ ૩:૧૭ નોંધે છે કે, “તારો દેવ યહોવાહ તારામાં છે તે સમર્થ તારક છે.” આ છેલ્લા દિવસોમાં યહોવાહના સાક્ષીઓ પરમેશ્વરની ઉપાસનામાં વધી રહ્યા છે, કારણ કે સર્વ સમર્થ પરમેશ્વર ‘તેઓમાં’ છે અને તેઓને માર્ગદર્શન આપી રહ્યા છે. જેમ ૫૩૭ બી.સી.ઈ.માં અગાઉના યહુદાહમાં યહોવાહની ઉપાસના ફરીથી સ્થપાઈ થઈ હતી, એમ જ આજે પણ થઈ રહ્યું છે. તેથી, આપણે જોઈએ છીએ કે સફાન્યાહ ૨:૩ના શબ્દો આપણા સમયમાં મોટા પ્રમાણમાં પૂરા થઈ રહ્યા છે: ‘હે પૃથ્વીના [સર્વ] નમ્ર માણસો, તમે યહોવાહને શોધો.’ વર્ષ ૫૩૭ બી.સી.ઈ.માં સર્વ નમ્ર માણસોમાં બાકી રહેલા યહુદીઓનો સમાવેશ થતો હતો, જેઓ બાબેલોનના બંદીવાસમાંથી પાછા ફર્યા હતા. હમણાં એ સર્વ નમ્ર માણસોમાં પૃથ્વી પરના એવા લોકો છે, જેઓ યહોવાહના રાજ્યનો સંદેશો સાંભળીને “યહોવાહના મંદિરના પર્વત” તરફ પ્રવાહની પેઠે ચાલ્યા આવે છે.
વધતી જતી સાચી ઉપાસના
૧૬. આજે યહોવાહના સેવકોમાં વધારો થતો જોઈને દુશ્મનો કેવું અનુભવતા હોય શકે?
૧૬ વર્ષ ૫૩૭ બી.સી.ઈ. પછી, પરમેશ્વરના સેવકોએ પોતાના વતનમાં સાચી ઉપાસના ફરીથી સ્થાપી, એ જોઈને આસપાસનાં દેશોને ઘણું આશ્ચર્ય થયું. તોપણ, સરખામણીમાં એ સ્થાપના નાના પાયા પર થઈ હતી. હમણાંના સમયની કલ્પના કરો! અમુક લોકો, અરે પરમેશ્વરના વિરોધીઓ પણ કહી રહ્યા છે કે, તેઓ આજે યહોવાહના સેવકોમાં ઘણો વધારો, આનંદ જોઈ રહ્યા છે. બની શકે કે તેઓ ફરોશીઓ જેવું જ અનુભવતા હોય, જેઓ ઘણા લોકોને ઈસુની પાછળ જતા જોઈને પોકારી ઊઠ્યા: “જુઓ, આખું જગત તેની પાછળ ગયું છે.”—યોહાન ૧૨:૧૯.
૧૭. યહોવાહના સાક્ષીઓ વિષે એક લેખકે શું કહ્યું અને આજે કયો વધારો જોવા મળે છે?
૧૭ પ્રોફેસર ચાર્લ્સ એસ. બ્રેડન, પોતાના પુસ્તક ધીસ ઓલ્સો બીલીવમાં કહે છે: ‘યહોવાહના સાક્ષીઓએ આખી પૃથ્વી પર પ્રચાર કરી નાખ્યો છે. સાચે જ કહી શકાય કે યહોવાહના સાક્ષીઓની જેમ, આ જગતના કોઈ પણ ધર્મના લોકોએ આટલા ઉત્સાહથી રાજ્યનો સંદેશો ફેલાવવા પ્રયત્ન કર્યો નહિ હોય. ખરેખર, આ પ્રચારકાર્ય દિવસે દિવસે વધતું જ જશે.’ તેમણે ખરું જ કહ્યું હતું! લગભગ ૫૦ વર્ષ પહેલાં તેમણે આ લખ્યું ત્યારે, ફક્ત ૩,૦૦,૦૦૦ સાક્ષીઓ જ પૃથ્વી પર પ્રચાર કરતા હતા. આજના વિષે તેમણે શું કહ્યું હોત? આજે તો એના વીસ ગણા, એટલે કે લગભગ ૬૦ લાખ લોકો પ્રચારકાર્ય કરી રહ્યા છે.
૧૮. શુદ્ધ ભાષા શું છે અને પરમેશ્વરે એ કોને આપી છે?
૧૮ યહોવાહ પરમેશ્વરે પોતાના પ્રબોધક દ્વારા કહ્યું કે, “તે વખતે હું પ્રજાઓને શુદ્ધ હોઠો [“શુદ્ધ ભાષા,” NW] આપીશ, જેથી તેઓ યહોવાહના નામની વિનંતી કરીને એકમતે તેની સેવા કરે.” (સફાન્યાહ ૩:૯) આ છેલ્લા દિવસોમાં, યહોવાહના સાક્ષીઓ જ તેમના નામે પોકારીને એકતામાં અને અતૂટ પ્રેમથી, હા, “એકમતે” સેવા કરી રહ્યા છે. તેઓને યહોવાહે શુદ્ધ ભાષા આપી છે. આ શુદ્ધ ભાષામાં યહોવાહ પરમેશ્વર અને તેમના હેતુઓ વિષેના સત્યની યોગ્ય સમજણનો સમાવેશ થાય છે. ફક્ત યહોવાહ જ તેમના પવિત્ર આત્મા દ્વારા સમજણ પૂરી પાડે છે. (૧ કોરીંથી ૨:૧૦) તેમણે કોને પોતાનો પવિત્ર આત્મા આપ્યો છે? તેમણે ફક્ત “પોતાની આજ્ઞા માનનારાઓને” પવિત્ર આત્મા આપ્યો છે. (પ્રેરિતોનાં કૃત્યો ૫:૩૨) યહોવાહના સાક્ષીઓ જ દરેક રીતે પરમેશ્વરની આજ્ઞાઓ પાળે છે. એ કારણે તેઓ પરમેશ્વરનો પવિત્ર આત્મા મેળવીને શુદ્ધ ભાષા બોલે છે, જે યહોવાહ અને તેમના અદ્ભુત હેતુઓ વિષેનું સત્ય છે. યહોવાહની ભક્તિ કરવા માટે તેઓ શુદ્ધ ભાષાનો વધારેને વધારે ઉપયોગ કરે છે.
૧૯. શુદ્ધ ભાષા બોલવાનો શું અર્થ થાય છે?
૧૯ શુદ્ધ ભાષા બોલવામાં ફક્ત સત્ય સ્વીકારીને બીજાઓને શીખવવું જ પૂરતું નથી. પરંતુ, પોતે પણ પરમેશ્વરના નિયમો અને સિદ્ધાંતોના સુમેળમાં જીવવાનો સમાવેશ થાય છે. અભિષિક્ત ખ્રિસ્તીઓ યહોવાહને શોધીને, શુદ્ધ ભાષા બોલવામાં આગેવાની લે છે. તેઓએ જે કંઈ કર્યું છે એનો વિચાર કરો! અભિષિક્તોની સંખ્યા ૮,૭૦૦ કરતાં પણ ઓછી છે. છતાં, લગભગ ૬૦ લાખ બીજા લોકો યહોવાહને શોધીને, શુદ્ધ ભાષા બોલવામાં તેઓના વિશ્વાસનું અનુકરણ કરી રહ્યાં છે. સર્વ દેશોમાંથી આવેલા આ મોટા ટોળાના લોકો ઈસુના ખંડણી બલિદાનમાં વિશ્વાસ કરીને પરમેશ્વરના આત્મિક મંદિરના પૃથ્વી પરના આંગણામાં રાતદિવસ સેવા કરી રહ્યા છે. તેમ જ, તેઓ આ અન્યાયી જગત પર આવનાર “મોટી વિપત્તિમાંથી” પણ બચી જશે.—પ્રકટીકરણ ૭:૯, ૧૪, ૧૫.
૨૦. વિશ્વાસુ અભિષિક્ત જનો અને મોટા ટોળાના લોકોનું ભાવિ શું છે?
૨૦ મોટું ટોળું પરમેશ્વરની ન્યાયી નવી દુનિયામાં જશે. (૨ પીતર ૩:૧૩) ઈસુ ખ્રિસ્ત અને સ્વર્ગીય જીવન મેળવનારા ૧,૪૪,૦૦૦ અભિષિક્ત જનો રાજાઓ અને યાજકો તરીકે કામ કરશે, જેઓ પૃથ્વીની નવી સરકાર બનશે. (રૂમી ૮:૧૬, ૧૭; પ્રકટીકરણ ૭:૪; ૨૦:૬) મોટી વિપત્તિમાંથી બચી જનારાઓ પૃથ્વીને નંદનવન જેવી બનાવવા મહેનત કરશે અને પરમેશ્વરે આપેલી શુદ્ધ ભાષા બોલવાનું ચાલુ રાખશે. એ સંબંધી આ શબ્દો તેઓને લાગુ પડે છે: “તારાં સર્વ સંતાન યહોવાહનાં શિષ્ય થશે; અને તારાં છોકરાંને ઘણી શાંતિ મળશે. તું ન્યાયીપણામાં સ્થાપિત થઈશ.”—યશાયાહ ૫૪:૧૩, ૧૪.
સૌથી મહાન શિક્ષણકાર્ય
૨૧, ૨૨. (ક) પ્રેરિતોના કૃત્યો ૨૪:૧૫ પ્રમાણે, કોને શુદ્ધ ભાષા શીખવવાની જરૂર પડશે? (ખ) રાજ્ય શાસન હેઠળ પૃથ્વી પર કયું મહાન શિક્ષણકાર્ય થશે?
૨૧ પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫ પ્રમાણે, નવી દુનિયામાં એક મોટી સંખ્યાના લોકોને શુદ્ધ ભાષા શીખવાની તક આપવામાં આવશે. એ કહે છે કે, “ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે.” કરોડો લોકો યહોવાહ પરમેશ્વરનું ખરું જ્ઞાન મેળવ્યા વિના મરણ પામ્યા છે. યહોવાહ તેઓને પોતાની રીતે ફરીથી સજીવન કરશે. સજીવન થયેલા એવા લોકોને શુદ્ધ ભાષા શીખવવાની જરૂર પડશે.
૨૨ આ મહાન શિક્ષણકાર્યમાં ભાગ લેવાથી કેવો આનંદ મળશે! એ માનવ ઇતિહાસમાં સૌથી મહાન શિક્ષણકાર્ય હશે! એ સર્વ પ્રેમાળ શાસક ઈસુ ખ્રિસ્તના શાસન હેઠળ થશે. આખરે, સર્વ મનુષ્યોમાં યશાયાહ ૧૧:૯ના શબ્દો પૂરા થશે, જે કહે છે: “જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તે પ્રમાણે પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે.”
૨૩. શા માટે યહોવાહના લોકો તરીકે આપણે ખરેખર આશીર્વાદિત છીએ?
૨૩ આ છેલ્લા દિવસોમાં જીવવાનો આપણને કેવો આશીર્વાદ છે, જેમાં આપણે એવા સમય માટે તૈયારી કરી શકીએ છીએ, જ્યારે આખી પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરાઈ જશે! વળી, હમણાં પરમેશ્વરના લોકોમાંના એક હોવાનો આપણને કેવો આશીર્વાદ છે, જેથી આપણે સફાન્યાહ ૩:૨૦ની ભવિષ્યવાણી પૂરી થતી જોઈ શકીએ છીએ! એમાં યહોવાહ ખાતરી આપે છે કે, તે આપણને પૃથ્વીની સર્વ પ્રજાઓમાં પ્રશંસા અને ઉત્તમ નામ અપાવશે.
તમે કેવો જવાબ આપશો?
• યહોવાહની ઉપાસના ફરીથી સ્થાપન થવાની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ?
• આ છેલ્લા દિવસોમાં સાચી ઉપાસના કેવી રીતે વધી રહી છે?
• નવી દુનિયામાં કયું મહાન શિક્ષણકાર્ય થશે?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૨૫ પર ચિત્ર]
યહોવાહના લોકો શુદ્ધ ઉપાસના ફરીથી સ્થાપવા પોતાના વતન પાછા ફર્યા. આજે એનું શું મહત્ત્વ છે?
[પાન ૨૬ પર ચિત્રો]
“શુદ્ધ ભાષા” બોલીને, યહોવાહના સાક્ષીઓ લોકોને બાઇબલનો દિલાસો આપનાર સંદેશો આપે છે