સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહનો મહાન દિવસ નજીક છે!

યહોવાહનો મહાન દિવસ નજીક છે!

યહોવાહનો મહાન દિવસ નજીક છે!

“યહોવાહનો મહાન દિવસ નજીક છે, તે નજીક છે, ને બહુ ઝડપથી આવે છે.”—સફાન્યાહ ૧:૧૪.

૧. પરમેશ્વરે સફાન્યાહ દ્વારા કઈ ચેતવણી આપી હતી?

 યહોવાહ પરમેશ્વર બહુ જલદી જ દુષ્ટો વિરુદ્ધ પગલાં ભરશે. તેમની આ ચેતવણી સાંભળો: “પૃથ્વીની સપાટી પરથી હું મનુષ્યને નષ્ટ કરીશ.” (સફાન્યાહ ૧:૩) આ ચેતવણી સર્વોપરી યહોવાહ પોતાના પ્રબોધક સફાન્યાહ દ્વારા બોલ્યા હતા. આ પ્રબોધક, વિશ્વાસુ રાજા હિઝકીયાહના પ્રપૌત્ર હોય શકે. ચેતવણી વિશ્વાસુ રાજા યોશીયાહના સમયમાં આપવામાં આવી હતી. વળી, યહુદાહમાં રહેતા દુષ્ટો માટે એ સારા સમાચાર ન હતા.

૨. શા માટે યોશીયાહે લીધેલા પગલાં યહોવાહના ન્યાયના દિવસને અટકાવી શક્યા નહિ?

નિઃશંક, સફાન્યાહની આ ભવિષ્યવાણીની યુવાન રાજા યોશીયાહ પર ઊંડી અસર પડી. તેથી તેમણે યહુદાહમાં ચાલી રહેલી અશુદ્ધ ભક્તિ દૂર કરવા તરત જ પગલાં લીધા. તેમ છતાં, તે જૂઠી ભક્તિનો એકદમ અંત લાવી શક્યા ન હતા. તે લોકોના મનમાંથી દુષ્ટતા કાઢી શક્યાં નહિ. તેમ જ, તેમના દાદા, રાજા મનાશ્શાહે ‘નિર્દોષ રક્તથી યરૂશાલેમને ભરી દીધું હતું’ એ પાપનું પ્રાયશ્ચિત પણ કરી શક્યા નહિ. (૨ રાજા ૨૪:૩, ૪; ૨ કાળવૃત્તાંત ૩૪:૩) તેથી યહોવાહનો ન્યાયનો દિવસ આવે એ બહુ જરૂરી હતું.

૩. “યહોવાહના કોપને દિવસે” આપણે બચી જઈશું એમ કઈ રીતે કહી શકાય?

તોપણ, આ ભય પમાડે એવા દિવસમાંથી બચી જનારાઓ હશે. એ માટે, પરમેશ્વરના પ્રબોધકે વિનંતી કરી: “તે પહેલાં તમે એકઠા થાઓ, હા, એકત્ર થાઓ. હે પૃથ્વીના નમ્ર માણસો, તમે યહોવાહના હુકમોનો અમલ કર્યો છે, માટે તમે તેને શોધો; નેકીનો માર્ગ શોધો, નમ્રતા શોધો: કદાચિત યહોવાહના કોપને દિવસે તમને સંતાઈ રહેવાનું સ્થાન મળે.” (સફાન્યાહ ૨:૨, ૩) યહોવાહના ન્યાયના દિવસે બચવા, ચાલો આપણે સફાન્યાહના પુસ્તકનો અભ્યાસ કરીએ. આ પુસ્તક ૬૪૮ બી.સી.ઈ. પહેલાં યહુદાહમાં લખવામાં આવ્યું હતું. એ પરમેશ્વરના ‘ભવિષ્યવચનનો’ એક ભાગ છે કે જેને આપણે સર્વએ ધ્યાન આપવું જ જોઈએ.—૨ પીતર ૧:૧૯.

યહોવાહે પોતાનો હાથ લંબાવ્યો

૪, ૫. સફાન્યાહ ૧:૧-૩ની ચેતવણી યહુદાહના દુષ્ટ લોકો પર કઈ રીતે પરિપૂર્ણ થઈ?

શરૂઆતમાં બતાવ્યું તેમ, સફાન્યાહ પાસે આવેલું ‘યહોવાહનું વચન’ ચેતવણીથી શરૂ થાય છે. એ ચેતવણીમાં “યહોવાહ કહે છે, કે પૃથ્વીની સપાટી પરથી સર્વ વસ્તુઓનો હું સંપૂર્ણ સંહાર કરીશ. મનુષ્યનો તેમજ જાનવરનો હું સંહાર કરીશ; ખેચર પક્ષીઓનો તથા સમુદ્રનાં માછલાંનો, તેમજ દુષ્ટોની સાથે ઠોકર ખવડાવનારી વસ્તુઓનો હું સંહાર કરીશ; અને પૃથ્વીની સપાટી પરથી હું મનુષ્યને નષ્ટ કરીશ, એવું યહોવાહ કહે છે.”—સફાન્યાહ ૧:૧-૩.

હા, તે યહુદાહમાં વધી ગયેલી દુષ્ટતાને દૂર કરવાના છે. ‘પૃથ્વીની સપાટી પરથી સર્વ વસ્તુઓનો સંપૂર્ણ સંહાર કરવા’ માટે તે કોનો ઉપયોગ કરશે? સફાન્યાહે ૬૫૯ બી.સી.ઈ.માં શરૂ થયેલી યોશીયાહ રાજાની કારકિર્દીમાં ભવિષ્યવાણી કરવાનું શરૂ કર્યું હોવાથી, આ ચેતવણી ૬૦૭ બી.સી.ઈ.માં બાબેલોન દ્વારા યહુદાહ અને તેના પાટનગર યરૂશાલેમના વિનાશમાં પરિપૂર્ણ થતી જોવા મળે છે. એ સમયે યહુદાહમાંથી દુષ્ટ લોકોનો ‘સંપૂર્ણ સંહાર થયો હતો.’

૬-૮. સફાન્યાહ ૧:૪-૬માં શું ભાખવામાં આવ્યું, અને એ ભવિષ્યવાણી પ્રાચીન યહુદાહમાં કઈ રીતે પરિપૂર્ણ થઈ?

જૂઠા ભક્તો વિરુદ્ધ પરમેશ્વરના પગલાં વિષે ભવિષ્યવાણી ભાખતા, સફાન્યાહ ૧:૪-૬ કહે છે કે “હું મારો હાથ યહુદાહ પર તથા યરૂશાલેમના સર્વ રહેવાસીઓ પર લંબાવીશ; હું બઆલના શેષને, ને કમારીમના નામને તથા તેમના યાજકોને નષ્ટ કરીશ; અને ઘરની અગાશી પર જઈને આકાશના સૈન્યની ભક્તિ કરનારાઓને; અને યહોવાહની આગળ સોગન ખાનારા છતાં માલ્કામને નામે પણ સોગન ખાય છે તેવા ભક્તોને; તથા યહોવાહનું અનુસરણ ન કરતાં તેનાથી વિમુખ થએલાઓને; અને જેઓએ યહોવાહની શોધ કરી નથી, કે તેની સલાહ પૂછી નથી તેઓને હું નષ્ટ કરીશ.”

યહોવાહનો હાથ યહુદાહ અને યરૂશાલેમના લોકો વિરુદ્ધ લંબાવવામાં આવ્યો હતો. તેમણે કનાનીઓના ફળદ્રુપતાની દેવ બઆલના ઉપાસકોનો નાશ કરવાનો નિર્ણય કર્યો હતો. વિવિધ વિસ્તારના સ્થાનિક દેવોને બઆલ કહેવામાં આવતા હતા, કારણ કે તેઓના ભક્તો વિચારતા હતા કે અમુક વિસ્તારમાં તેઓનો પ્રભાવ જોવા મળે છે. દાખલા તરીકે, મોઆબીઓ અને મિદ્યાનીઓ પેઓર પર્વત પર બઆલની ભક્તિ કરતા હતા. (ગણના ૨૫:૧, ૩,) આખા યહુદાહમાં, બઆલના યાજકો તેમ જ અવિશ્વાસુ લેવીઓનો યહોવાહ સંહાર કરવાના હતા. કેમ કે, તેઓ બઆલના યાજકો સાથે સંગત રાખીને યહોવાહના નિયમો તોડતા હતા.—નિર્ગમન ૨૦:૨, ૩.

પરમેશ્વર ‘આકાશના સર્વ સૈન્યને સારૂ ધૂપ બાળનાર’ સર્વનો નાશ કરવાના હતા. કેમ કે તેઓ જ્યોતિષશાસ્ત્રમાં માનતા હતા તેમ જ સૂર્યની ઉપાસના કરતા હતા. (૨ રાજા ૨૩:૧૧; યિર્મેયાહ ૧૯:૧૩; ૩૨:૨૯) એ ઉપરાંત, જેઓ ‘યહોવાહ અને મિલ્કોમના સમ લેનારાઓની’ જૂઠી ભક્તિને સાચી ભક્તિ સાથે ભેળવવાનો પ્રયત્ન કરતા હતા તેઓ પર પણ પરમેશ્વરનો ક્રોધ સળગી ઊઠવાનો હતો. મોલેખનું બીજુ નામ મિલ્કોમ હોય શકે, જે આમ્મોનીઓનો મુખ્ય દેવ હતો. વળી, મોલેખના ભક્તો બાળકોનાં બલિદાનો પણ ચઢાવતા હતા.—૧ રાજા ૧૧:૫; યિર્મેયાહ ૩૨:૩૫.

ખ્રિસ્તી રાષ્ટ્રનો અંત નજીક!

૯. (ક) ખ્રિસ્તી રાષ્ટ્રો શાના ગુનેગાર છે? (ખ) યહુદાહના લોકોથી વિરુદ્ધ, આપણે શું કરવાનો દૃઢ નિર્ણય લેવો જોઈએ?

પ્રાચીન યહુદાહની જેમ, આજે ખ્રિસ્તી રાષ્ટ્રો પણ જૂઠા ધર્મો અને જ્યોતિષશાસ્ત્રમાં ઓતપ્રોત થઈ ગયા છે. પાદરીઓની મદદથી તેઓ યુદ્ધોની વેદી પર કરોડો લોકોનું બલિદાન ચઢાવે છે. એ ખરેખર ધૃણાજનક છે! આપણે કદી પણ અવિશ્વાસુ યહુદાહના જેવા ન બનવું જોઈએ. તેઓએ ‘યહોવાહનું અનુસરણ ન કરનારાઓ’ જેવા બનીને, તેમની શોધ કરી નહિ તેમ જ તેમનું માર્ગદર્શન પણ લીધું નહિ. એના બદલે, ચાલો આપણે પ્રામાણિકતાથી યહોવાહની સેવા કરતા રહીએ.

૧૦. તમે સફાન્યાહ ૧:૭નું પ્રબોધકીય મહત્ત્વ કઈ રીતે સમજાવશો?

૧૦ પ્રબોધકના ત્યાર પછીના શબ્દો, યહુદાહના ખોટું કરનારાઓ તેમ જ આજના દુષ્ટ લોકોને લાગુ પડે છે. સફાન્યાહ ૧:૭ કહે છે, “પ્રભુ યહોવાહની સમક્ષ ચૂપ રહે; કેમકે યહોવાહનો દિવસ પાસે છે; કેમકે યહોવાહે યજ્ઞ તૈયાર કર્યો છે, તેણે પોતાના પરોણાઓને પાવન કર્યા છે.” દેખીતી રીતે આ “પરોણાઓ” યહુદીઓના દુશ્મન ખાલદીઓ હતા. “યજ્ઞ” એ યહુદાહ પોતે હતું જેમાં તેના પાટનગરનો પણ સમાવેશ થતો હતો. આમ, સફાન્યાહે કરેલી યરૂશાલેમના વિનાશને લગતી ભવિષ્યવાણી આજના ખ્રિસ્તી રાષ્ટ્રના વિનાશને પણ લાગુ પડે છે. હકીકતમાં, આજે પરમેશ્વરનો ન્યાયનો દિવસ એકદમ નજીક છે ત્યારે, આખા જગતે ‘પ્રભુ, યહોવાહની સમક્ષ ચૂપ રહેવું’ જોઈએ. જેથી ઈસુના નિયુક્ત અનુયાયીઓ, “નાની ટોળી” અને તેમના સંગાથીઓ “બીજાં ઘેટાં” દ્વારા તે જે કહે છે એ સાંભળી શકે. (લુક ૧૨:૩૨; યોહાન ૧૦:૧૬) પરમેશ્વરનું ન સાંભળનારા અને તેમના રાજ્ય વિરુદ્ધ જનારાઓનો અંત નજીક છે.—ગીતશાસ્ત્ર ૨:૧, ૨.

નજીક આવી રહેલો પોક મૂકવાનો દિવસ!

૧૧. સફાન્યાહ ૧:૮-૧૧ શું કહે છે?

૧૧ યહોવાહના દિવસ વિષે સફાન્યાહ ૧:૮-૧૧ કહે છે, “યહોવાહના એ યજ્ઞને દિવસે હું સરદારોને, રાજકુમારોને તથા પરદેશી વસ્ત્ર પહેરેલા સર્વને શિક્ષા કરીશ. જેઓ ઉંબરાઓ કૂદી જઈને જોરજુલમથી અને ઠગાઈથી પોતાના ધણીનું ઘર ભરે છે તે સર્વને હું તે દિવસે શિક્ષા કરીશ. વળી યહોવાહ કહે છે, તે દિવસે મચ્છી ભાગળે પોકાર થશે, બીજા મહોલ્લામાં પોક મુકાશે, તથા ડુંગરોમાંથી મોટા કડાકા સંભળાશે. હે માખ્તેશના રહેવાસીઓ, તમે પોક મૂકો, કેમકે તમામ વેપારીવર્ગનું સત્યનાશ વળ્યું છે; કૃપાથી લાદેલા સર્વનો સંહાર થયો છે.”

૧૨. કઈ રીતે કેટલાક લોકો ‘પરદેશી વસ્ત્રો પહેરતા’ જોવા મળે છે?

૧૨ યોશીયાહ રાજા પછી યહોઆહાઝ, યહોયાકીમ અને યહોયાખીન રાજ બનવાના હતા. ત્યાર પછી સિદકીયાહનું રાજ્ય આવવાનું હતું કે જેમાં યરૂશાલેમનો વિનાશ થવાનો હતો. આવી મુશ્કેલીઓનો સામનો કરવાનો હતો છતાં, કેટલાક લોકો ‘પરદેશી વસ્ત્રો પહેરીને’ તેઓના પડોશી રાષ્ટ્રોને ખુશ કરવા માગતા હતા. એવી જ રીતે, આજે પણ ઘણા લોકો જુદી જુદી રીતોએ બતાવે છે કે તેઓ પરમેશ્વરના સંગઠનનો ભાગ નથી. શેતાનના સંગઠન સાથે તેઓનો પણ નાશ થશે.

૧૩. સફાન્યાહની ભવિષ્યવાણીના સુમેળમાં, બાબેલોને યરૂશાલેમ પર હુમલો કર્યો ત્યારે શું બન્યું?

૧૩ ‘તે દિવસે’ યહુદાહમાં, યહોવાહ પોતાના દુશ્મનો પર ન્યાયચુકાદો લાવવાના હતા. તે દુષ્ટતાનો અંત લાવીને પોતાની સર્વોપરિતા સાબિત કરવાના હતા. બાબેલોન યરૂશાલેમ પર હુમલો કરે ત્યારે, મચ્છી ભાગળેથી પોક સંભળાવાનો હતો. મચ્છી બજારની નજીક એ ભાગળ આવી હોવાથી એનું નામ મચ્છી ભાગળ પાડવામાં આવ્યું હોય શકે. (નહેમ્યાહ ૧૩:૧૬) બાબેલોનનું ટોળું બીજા મહોલ્લાના નામે ઓળખાતા વિસ્તારમાં આવવાનું હતું અને “ડુંગરોમાંથી મોટા કડાકા” ખાલદીઓના આવવાના અવાજોને બતાવતું હોય શકે. જેઓ ‘પોક મૂકવાના’ હતા એ ટાયરોપીઅન ખીણના ઉપરના ભાગના રહેવાસીઓ હોય શકે. શા માટે તેઓ પોક મૂકવાના હતા? કેમ કે તેઓના ‘કૃપાથી લાદેલા’ સર્વ વેપાર-ધંધાનો નાશ થવાનો હતો.

૧૪. યહોવાહ કેટલી હદે પોતાના કહેવાતા ભક્તોની કસોટી કરવાના હતા?

૧૪ યહોવાહ કેટલી હદ સુધી પોતાના કહેવાતા ભક્તોની કસોટી કરવાના હતા? ભવિષ્યવાણી આગળ કહે છે કે, “તે સમયે હું બત્તીઓ રાખીને યરૂશાલેમની ઝડતી લઈશ; અને જે માણસો દ્રાક્ષારસના ઠરી ગએલા રગડાની પેઠે એશઆરામ ભોગવીને પોતાના મનમાં કહે છે, કે યહોવાહ તો ભલું નહિ કરે તેમ ભૂંડુંએ નહિ કરે, તેઓને હું શિક્ષા કરીશ. તેમનું ધન લૂંટાઈ જશે, ને તેમના ઘરો ઉજ્જડ થઈ જશે; હા, તેઓ ઘરો બાંધશે, પણ તેઓમાં રહેવા પામશે નહિ; તેઓ દ્રાક્ષાવાડીઓ રોપશે, પણ પોતે તેમનો દ્રાક્ષારસ પીવા પામશે નહિ.”—સફાન્યાહ ૧:૧૨, ૧૩.

૧૫. (ક) યરૂશાલેમના ધર્મભ્રષ્ટ યાજકોનું શું થવાનું હતું? (ખ) આજે જૂઠા ધર્મના લોકોનું પણ શું થવાનું છે?

૧૫ યરૂશાલેમના ધર્મભ્રષ્ટ યાજકો યહોવાહની ભક્તિને જૂઠા ધર્મ સાથે ભેળવી રહ્યાં હતા. ભલે તેઓ આત્મિક અંધકારના આશ્રયમાં સલામતી અનુભવતા હોય, પરમેશ્વર તેઓને દીવાના અજવાળામાં શોધી કાઢવાના હતા. તેમણે જાહેર કરેલા ન્યાયચુકાદામાંથી કોઈ પણ બચી શકે એમ ન હતું. આ ગર્વિષ્ઠ ધર્મત્યાગીઓ ઠરી ગયેલા દ્રાક્ષારસના કચરા જેવા હતા. તેઓ ઇચ્છતા ન હતા કે પરમેશ્વર લોકોની બાબતમાં દરમિયાનગીરી કરે. પરંતુ તેઓ પર આવી પડેલા ન્યાયચુકાદામાંથી તેઓ છટકી શકવાના ન હતા. એવી જ રીતે આજે જૂઠા ધર્મના લોકો પણ બચવાના નથી, એમાં ખ્રિસ્તી રાષ્ટ્રોનો તેમ જ યહોવાહની ભક્તિ વિરુદ્ધ થઈ ગયા છે તેઓનો સમાવેશ થાય છે. જેઓ નકાર કરે છે કે આ ‘છેલ્લા દિવસો’ નથી તેઓ પોતાના મનમાં કહે છે કે, “યહોવાહ તો ભલું નહિ કરે તેમ ભૂંડુંએ નહિ કરે.” પરંતુ તેઓ કેવા ખોટા છે!—૨ તીમોથી ૩:૧-૫; ૨ પીતર ૩:૩, ૪, ૧૦.

૧૬. યહુદાહ પર પરમેશ્વરનો ન્યાયચુકાદો આવ્યો ત્યારે શું થયું અને એનાથી આપણા પર કેવી અસર પડવી જોઈએ?

૧૬ યહુદાના ધર્મ ત્યાગીઓને ચેતવવામાં આવ્યા હતા કે બાબેલોન તેઓની મિલકત લૂંટી લેશે, તેઓના ઘરો વેરાન કરી નાખશે અને તેઓની દ્રાક્ષવાડીઓના ફળો લઈ લેશે. યહુદાહ પર પરમેશ્વરનો ન્યાયચુકાદો આવ્યો ત્યારે, ભૌતિક બાબતો નકામી બની ગઈ હતી. આપણા સમયમાં પણ યહોવાહના ન્યાયના દિવસે એમ જ બનશે. તેથી ચાલો આપણે યહોવાહની સેવાને આપણા જીવનમાં પ્રથમ રાખીને ‘સ્વર્ગમાં દ્રવ્ય એકઠું કરીએ’!—માત્થી ૬:૧૯-૨૧, ૩૩.

“યહોવાહનો મહાન દિવસ નજીક છે”

૧૭. સફાન્યાહ ૧:૧૪-૧૬ અનુસાર યહોવાહનો ન્યાયનો દિવસ કેટલો નજીક છે?

૧૭ યહોવાહનો ન્યાયનો દિવસ કેટલો નજીક છે? સફાન્યાહ ૧:૧૪-૧૬ અનુસાર પરમેશ્વર આ ખાતરી આપે છે: “યહોવાહનો મહાન દિવસ નજીક છે, તે નજીક છે, ને બહુ ઝડપથી આવે છે, યહોવાહના દિવસનો સાદ સંભળાય છે; તે વખતે બળવાન માણસ પોક મૂકીને રડે છે. તે દિવસે કોપનો દિવસ, દુઃખ તથા સંકટનો દિવસ, ઉજ્જડપણાનો તથા વેરાનપણાનો દિવસ, અંધકારનો તથા ઝાંખનો દિવસ, વાદળાં તથા ગાઢ અંધકારનો દિવસ, કોટવાળાં નગરો વિરૂદ્ધ તથા ઊંચા બુરજો વિરૂદ્ધ રણશિંગડાનો તથા ભયસૂચક નાદનો દિવસ છે.”

૧૮. આપણે શા માટે એમ વિચારવું જોઈએ નહિ કે યહોવાહના ન્યાયના દિવસને આવવાને હજુ વાર છે?

૧૮ યહુદાહના પાપી યાજકો, રાજકુંવરો અને લોકોને ચેતવણી આપવામાં આવી હતી કે “યહોવાહનો મહાન દિવસ નજીક છે.” એ દિવસ યહુદાહ માટે બહુ ઝડપથી આવ્યો. એવી જ રીતે આપણા સમયમાં પણ કોઈએ એમ વિચારવું જોઈએ નહિ કે યહોવાહના ન્યાયના દિવસને આવવાને હજુ વાર છે. યહોવાહે યહુદાહમાં ઝડપી પગલાં લીધાં હતા તેમ, તેમનો ન્યાયનો દિવસ પણ ‘ઝડપʼથી આવશે. (પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬) યહોવાહના સાક્ષીઓ દ્વારા આપવામાં આવતી તેમની ચેતવણીની અવગણના કરનારાઓ અને જેઓ સાચી ભક્તિમાં જોડાતા નથી તેઓ માટે કેવો કપરો સમય રહેલો છે!

૧૯, ૨૦. (ક) યહુદાહ અને યરૂશાલેમ પર ન્યાયચુકાદો લાવવા યહોવાહે કોનો ઉપયોગ કર્યો? (ખ) તમે પોતાને કયા પ્રશ્નો પૂછી શકો?

૧૯ યહુદાહ અને યરૂશાલેમ પર પરમેશ્વરનો ક્રોધનો દિવસ, “દુઃખ તથા સંકટનો દિવસ” હતો. બાબેલોને યહુદાહ પર ચઢાઈ કરી ત્યારે ઘણા સંકટ આવ્યા. એમાં તેઓએ મરણ અને વિનાશનો સામનો કરતા માનસિક દુઃખ પણ સહન કરવું પડ્યું. ‘ઉજ્જડપણાનો તથા વેરાનપણાનો એ દિવસ,’ ગાઢ અંધકાર અને વાદળાંનો દિવસ હતો. એ ફક્ત સાંકેતિક રીતે જ નહિ પરંતુ ખરેખર બન્યું હોય શકે, કેમ કે દરેક જગ્યાએ ધુમાડો અને કત્લેઆમ જોવા મળતી હતી. એ “રણશિંગડાનો તથા ભયસૂચક નાદનો દિવસ” હતો. પરંતુ ચેતવણીની લોકો પર કોઈ જ અસર થઈ ન હતી.

૨૦ બાબેલોનીઓએ “ઊંચા બુરજો” તોડ્યા ત્યારે, યરૂશાલેમના ચોકીદારો નિઃસહાય બની ગયા હતા. એ જ રીતે, આપણા સમયમાં પણ બુરજ જેવી દુષ્ટ વ્યવસ્થાનો નાશ કરવા પરમેશ્વર પોતાના સ્વર્ગીય હથિયારોનો ઉપયોગ કરશે અને એની સામે તેઓ નિઃસહાય બની જશે. શું તમે એમાંથી બચવા માગો છો? શું તમે યહોવાહના પક્ષે મક્કમ સ્થાન લીધુ છે જે પોતાના “પર પ્રેમ રાખે છે તે બધાનું રક્ષણ કરે છે; પણ સર્વ દુષ્ટોનો તે સંહાર કરશે”?—ગીતશાસ્ત્ર ૧૪૫:૨૦.

૨૧, ૨૨. સફાન્યાહ ૧:૧૭, ૧૮ આપણા સમયમાં કેવી રીતે પરિપૂર્ણ થશે?

૨૧ સફાન્યાહ ૧:૧૭, ૧૮માં ભાખ્યા પ્રમાણે ન્યાયચુકાદાનો દિવસ કેવો ભયંકર હતો! યહોવાહ કહે છે, “હું માણસો ઉપર એવું સંકટ લાવીશ, કે તેઓ આંધળા માણસોની પેઠે ચાલશે, કેમકે તેઓએ યહોવાહની વિરૂદ્ધ પાપ કર્યું છે; અને તેમનું રક્ત ધૂળની પેઠે વહેવડાવવામાં આવશે, તથા તેમનું માંસ વિષ્ટાની પેઠે ફેંકી દેવામાં આવશે. યહોવાહના કોપને દિવસે તેમનું સોનુંરૂપું તેમને ઉગારી શકશે નહિ; પણ તેના ક્રોધના આવેશના અગ્‍નિથી આખી પૃથ્વી ભસ્મીભૂત થઈ જશે; કેમકે તે પૃથ્વીના સર્વ રહેવાસીઓનો અંત, હા, ભયંકર અંત આણશે.”

૨૨ સફાન્યાહના દિવસોની જેમ, યહોવાહ “પૃથ્વીના સર્વ રહેવાસીઓનો” જલદી જ અંત લાવશે, જેઓએ જાણીજોઈને તેમની ચેતવણી સાંભળવાનો નકાર કર્યો છે. પરમેશ્વર વિરુદ્ધ પાપ કર્યું હોવાથી તેઓ આંધળા માણસની જેમ ચાલશે, પરંતુ તેઓને બચવાનો કોઈ માર્ગ મળશે નહિ. યહોવાહના ન્યાયના દિવસે, તેઓના લોહીનું કંઈ મૂલ્ય ન હોય એમ તેઓને “ધૂળની પેઠે વહેવડાવવામાં આવશે.” તેઓનો અંત બહુ જ ખરાબ રીતે આવશે, કેમ કે પરમેશ્વર તેઓના શરીરને “વિષ્ટાની પેઠે” ફેંકી દેશે.

૨૩. “યહોવાહના કોપના દિવસે” દુષ્ટ લોકો બચી શકશે નહિ છતાં, સફાન્યાહની ભવિષ્યવાણી કઈ આશા આપે છે?

૨૩ પરમેશ્વર અને તેમના લોકો વિરુદ્ધ લડનારાઓ કોઈ પણ બચી શકશે નહિ. યહુદાહના દુષ્ટ લોકોને તેઓનું સોનું કે ચાંદી બચાવી શક્યા નહિ તેમ, આ બાકી રહેલી દુષ્ટ વ્યવસ્થાને અને ખ્રિસ્તી રાષ્ટ્રોને પણ ધનદોલત કે લાંચ “યહોવાહના કોપના દિવસે” બચાવશે નહિ. તે દિવસે “આખી પૃથ્વી ભસ્મીભૂત થઈ જશે” અને દુષ્ટોનું નામોનિશાન મીટાવી દેવામાં આવશે. પરમેશ્વરના પ્રબોધકીય શબ્દમાં પૂરો ભરોસો હોવાથી, આપણને ખાતરી છે કે આપણે ‘અંતના સમયમાં’ છીએ. (દાનીયેલ ૧૨:૪) યહોવાહનો ન્યાયનો દિવસ નજીક છે અને તે જલદી જ પોતાના દુશ્મનોનો અંત લાવશે. તોપણ, સફાન્યાહની ભવિષ્યવાણી છુટકારાની આશા આપે છે. તો પછી, આપણે યહોવાહના ક્રોધના દિવસે બચવું હોય તો શું કરવું જોઈએ?

તમે કેવો જવાબ આપશો?

• યહુદાહ અને યરૂશાલેમ પર સફાન્યાહની ભવિષ્યવાણી કેવી રીતે પરિપૂર્ણ થઈ?

• આપણા સમયના દુષ્ટો અને ખ્રિસ્તી રાષ્ટ્રોનું શું થશે?

• શા માટે આપણે એવું ન વિચારવું જોઈએ કે યહોવાહના ન્યાયના દિવસને હજુ ઘણી વાર છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૩ પર ચિત્ર]

સફાન્યાહે હિંમતપૂર્વક ચેતવણી આપી કે યહોવાહનો ન્યાયનો દિવસ નજીક છે

[ક્રેડીટ લાઈન]

From the Self-Pronouncing Edition of the Holy Bible, containing the King James and the Revised versions

[પાન ૧૫ પર ચિત્ર]

બાબેલોન દ્વારા યહોવાહનો દિવસ ૬૦૭ બી.સી.ઈ.માં યહુદાહ અને યરૂશાલેમ પર આવ્યો

[પાન ૧૬ પર ચિત્ર]

યહોવાહ દુષ્ટોનો નાશ કરે ત્યારે શું તમે એમાંથી બચવાની આશા રાખો છો?