સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

કૉમ્પ્યુટરના સોફ્ટવેર પ્રોગ્રામોની કૉપીઓ કરીને બીજાઓને મફત આપવી એ આજકાલ સામાન્ય થઈ ગયું છે. પરંતુ શું સાચા ખ્રિસ્તીઓ એમ કરી શકે?

અમુક લોકો કદાચ ઈસુએ કહેલા શબ્દો સંબંધી બહાનું કાઢીને કહેશે કે, “તમે મફત પામ્યા, મફત આપો.” પરંતુ ઈસુ કંઈ કૉપીરાઈટેડ સાહિત્યોની અથવા કૉમ્પ્યુટર પ્રોગ્રામની વાત કરી રહ્યા ન હતા, કેમ કે એનો કઈ રીતે ઉપયોગ થવો જોઈએ એ નિયમ પર આધારિત છે. ઈસુ તો સેવાકાર્ય વિષે વાત કરી રહ્યા હતા. ઈસુએ પ્રેષિતોને અલગ અલગ શહેરો અને ગામડાંઓમાં જઈને પરમેશ્વરના રાજ્યનો પ્રચાર કરવા, માંદાઓને સાજા કરવા અને ભૂતોને કાઢવા માટે કહ્યું હતું. એ બધાના પૈસા લેવાને બદલે પ્રેષિતોએ એ ‘મફત’ કરવાનું હતું.—માત્થી ૧૦:૭, ૮.

આજે વ્યાપાર-ધંધામાં કૉમ્પ્યુટરો ખૂબ જ વપરાય છે, તેથી લોકોને સોફ્ટવેરની જરૂર પડે છે. એ હંમેશા ખરીદવા જોઈએ. ખરું કે, અમુક વ્યક્તિઓ જાતે પ્રોગ્રામ બનાવે છે અને બીજાઓને મફત આપે છે. તેમ જ એ પણ જણાવતા હોય છે કે તેઓ એની કૉપી કરીને બીજાઓને આપી શકે છે. પરંતુ મોટા ભાગના કૉમ્પ્યુટર સોફ્ટવેરને વેચવામાં આવે છે. જો કોઈ એને ઘરમાં કે ઑફિસમાં ઉપયોગ કરવા ચાહતું હોય તો, તેઓ એને ખરીદે એવી અપેક્ષા રાખવામાં આવે છે. કોઈ વ્યક્તિ પુસ્તકની ઝેરોક્ષ કાઢીને બીજાને મફત આપે એ ગેરકાનૂની છે એવી જ રીતે, સોફ્ટવેર ખરીદ્યા વગર એની કૉપી કરવી પણ ગેરકાનૂની છે.

મોટા ભાગના કૉમ્પ્યુટર પ્રોગ્રામમાં (જેમાં કૉમ્પ્યુટર રમતોનો પણ સમાવેશ થાય છે) લાઈસન્સ હોય છે. આ પ્રોગ્રામના માલિકો કે એનો ઉપયોગ કરનારા એના નિયમોનું પાલન કરે એવી માંગ કરવામાં આવે છે. ઘણા લાઈસન્સ જણાવે છે કે ફક્ત એક જ વ્યક્તિ પ્રોગ્રામનો ઉપયોગ કરે, એટલે કે પ્રોગ્રામને ફક્ત એક જ કૉમ્પ્યુટરમાં ઈનસ્ટોલ કરવો જોઈએ, પછી ભલે એ ઘરે, વ્યાપારમાં કે શાળામાં વાપરતા હોય. અમુક લાઈસન્સ કહે છે કે પ્રોગ્રામનો ઉપયોગ કરનાર પોતાના માટે બેકઅપ કૉપી રાખી શકે. પરંતુ તે બીજાઓને એ કૉપી આપી શકશે નહિ. જો માલિક આખો પ્રોગ્રામ (લાઈસન્સ અને ડોક્યુમેન્ટ સાથે) બીજાને આપવા ઇચ્છતા હોય તો તે આપી શકે છે. પરંતુ એ પછીથી માલિકનો એના પર કોઈ હક્ક રહેતો નથી. લાઈસન્સ જુદા જુદા હોવાથી વ્યક્તિએ પ્રોગ્રામની ખરીદી કરતી વખતે અથવા બીજાઓ પાસેથી લેતી વખતે એ લાઈસન્સ પર શું લખેલું છે એ જાણવાની જરૂર છે.

ઘણા દેશોમાં કૉપીરાઈટનો નિયમ હોય છે જે “ઈન્ટલેક્ટલ પ્રોપર્ટી” કે કૉમ્પ્યુટર પ્રોગ્રામના દુરુપયોગ સામે રક્ષણ આપે છે. દાખલા તરીકે, જાન્યુઆરી ૧૪, ૨૦૦૦નું ન્યૂ યૉર્ક ટાઈમ્સ છાપું અહેવાલ આપે છે કે, “જર્મન અને ડૅનિશ પોલીસોએ એવા લોકોને પકડ્યા જેઓ સોફ્ટવેર પ્રોગ્રામોની ડુપ્લીકેટો કરીને વેચતા હતા.” તેઓ કૉમ્પ્યુટર પ્રોગ્રામ અને ગેમ્સની ડુપ્લીકેટ કૉપીઓ કરીને વહેંચતા હતા, અમુક તો ઇંટરનેટ પર એનું વેચાણ પણ કરતા હતા.

પરંતુ શું સાચા ખ્રિસ્તીઓએ એવું કરવું જોઈએ? ઈસુએ કહ્યું: “કાઈસારનાં છે તે કાઈસારને, ને જે દેવનાં છે તે દેવને ભરી આપો.” (માર્ક ૧૨:૧૭) ખ્રિસ્તીઓ, પરમેશ્વરના નિયમની વિરુદ્ધ જતા નથી તેમ તેઓએ પોતાના દેશના નિયમોને પણ આધીન રહેવું જોઈએ. સરકારી સત્તા વિષે પ્રેષિત પાઊલે લખ્યું: “દરેક માણસે મુખ્ય અધિકારીઓને આધીન રહેવું; . . . અધિકારીની સામે જે થાય છે તે દેવના ઠરાવની વિરૂદ્ધ થાય છે, ને જેઓ વિરૂદ્ધ થાય છે તેઓ પોતાને માથે દંડ વહોરી લેશે.”—રૂમી ૧૩:૧, ૨.

મંડળના ખ્રિસ્તી વડીલો કંઈ પોલીસ નથી કે તેઓ કૉપીરાઈટના નિયમો પ્રમાણે પ્રોગ્રામનો ઉપયોગ થાય છે કે નહિ એની તપાસ કરે. પરંતુ તેઓ જાણે છે અને શીખવે છે કે સાચા ખ્રિસ્તીઓએ કોઈ પણ જાતના પ્રોગ્રામ કે વસ્તુની ચોરી ન કરવી જોઈએ. તેમ જ તેઓએ નિયમનો ભંગ પણ ન કરવો જોઈએ. નિયમનું પાલન કરવાથી ખ્રિસ્તીઓ શુદ્ધ અંતઃકરણથી પરમેશ્વરની સેવા કરી શકશે. પાઊલે કહ્યું: “તે માટે કેવળ કોપની બીકથી જ નહિ, પરંતુ પ્રેરકબુદ્ધિની ખાતર પણ તમારે તેને આધીન રહેવું જ જોઈએ.” (રૂમી ૧૩:૫) એવી જ રીતે પાઊલ જણાવે છે કે સાચા ખ્રિસ્તીઓ કેવા હોવા જોઈએ. તેમણે લખ્યું: “અમારે સારૂ પ્રાર્થના કરો; કેમકે અમારૂં અંતઃકરણ નિર્મળ છે, એવી અમને ખાતરી છે; અને અમે સઘળી બાબતોમાં પ્રામાણિકપણે વર્તવાની ઇચ્છા રાખીએ છીએ.”—હેબ્રી ૧૩:૧૮.

[પાન ૨૯ પર બોક્સ]

અમુક વ્યાપારમાં અને શાળાઓમાં વધારે લોકો પ્રોગ્રામનો ઉપયોગ કરી શકે એવા લાઈસન્સ ખરીદવામાં આવે છે. એ લાઈસન્સમાં બતાવવામાં આવ્યું હોય છે કે કેટલી વ્યક્તિઓ એનો ઉપયોગ કરી શકશે. વર્ષ ૧૯૯૫માં યહોવાહના સાક્ષીઓના મંડળમાં એક લેખ પર ચર્ચા કરવામાં આવી હતી. એમાં આ સલાહ આપવામાં આવી હતીઃ

“કૉમ્પ્યુટર પ્રોગ્રામ બનાવતી મોટા ભાગની કંપનીઓ પાસે એનો કૉપીરાઈટ હોય છે. તેથી તેઓ એના લાઈસન્સ સાથે એ પ્રોગ્રામનો કઈ રીતે ઉપયોગ કરવો એની રૂપરેખા પણ આપે છે. સામાન્ય રીતે લાઈસન્સ કહે છે કે, આ પ્રોગ્રામના માલિક એની કૉપી કરીને બીજાને આપી શકશે નહિ; આંતરરાષ્ટ્રીય કૉપીરાઈટ કાનૂન પ્રમાણે એમ કરવું ગેરકાનૂની છે. . . . અમુક મોટી કંપનીઓ કૉમ્પ્યુટરો વેચે છે ત્યારે, એમાં પ્રોગ્રામ સાથે લાઈસન્સ પણ હોય છે. તેમ છતાં, અમુક કંપનીઓ એવાં કૉમ્પ્યુટર વેચે છે જેમાં ગેરકાનૂની રીતે લાઈસન્સ વગરના પ્રોગ્રામ પહેલેથી જ ઇનસ્ટોલ કરેલા હોય છે. તેથી આવા કૉમ્પ્યુટર ખરીદવા પણ ગેરકાનૂની છે. આ ઉપરાંત, સાચા ખ્રિસ્તીઓએ ઇલેક્ટ્રોનિક બુલેટિન બોર્ડમાંથી માલિકની પરવાનગી વગર કૉપીરાઈટવાળા લેખોની (જેમ કે વૉચટાવર સંસ્થાના પ્રકાશનો) કૉપી કરવી જોઈએ નહિ અને એમાં એવી કોઈ માહિતી પણ મૂકવી જોઈએ નહિ, એ ગેરકાનૂની કહેવાશે.